માંહ્યલામાં ફૂટે છે ઇચ્છાના બોમ્બ અને રોજરોજ થાય ખૂબ મારકાપ,
ત્યાં કઈ રીતે બચવાનું બોલોને આપ?
અંદરની વાત સાવ અન્ડરવર્લ્ડ જેવી કે વીંધાતું મારું આ હાડ-હાડ,
ગેંગવોર થાતી હોય એમ મારી છાતીમાં સ્મરણોની બંદુકો ધાડ-ધાડ!
સપનાની સાથે જો સંધિ પણ કરીએ તો સંધિમાં ખઈ જઈએ થાપ,
ત્યાં કઈ રીતે બચવાનું બોલોને આપ?
પૂરપાટ ગાડીની જેમ મારી પાછળ છે અધકચરી એષણાની ગેંગ,
એકાદી ઘટના તો હેકરની જેવી છે, રોજ મને કરતી એ હેંગ;
એમ મને હેંગપણું વળગ્યું છે વળગે જેમ ઋષિઓએ દીધેલો શાપ,
ત્યાં કઈ રીતે બચવાનું બોલોને આપ?
– અનિલ ચાવડા
Leave a Reply