શિયાળુ ટાઢોડે થાતું નવસેકા આ તડકાની હું રાબ બનાવી પી લઉં…
થયા કરે છે લઈ ટેરવે પ્રભાતનું આ ઝાકળબિંદુ આંખોમાં હું આંજું,
એ રીતે આ પાંપણ નીચે પડી રહેલાં વર્ષોજૂનાં દ્રશ્યોને હું માંજું;
તાજી તાજી સૂર્યકિરણની સળીઓને પણ લાવ ચામડી નીચેથી સીવી લઉં,
શિયાળુ ટાઢોડે થાતું નવસેકા આ તડકાની હું રાબ બનાવી પી લઉં…
એવું થાતું ફૂલ થઈને હુંય મજાની કોઈ ડાળ પર હળવેથી ઉગી જઉં,
મ્હેક થઈને પ્રસરું હું ને પછી હવાના કાન મહીં કોઈ વાત સુગંધિત કહી દઉં;
પરોઢના ઝાંખા ઝાંખા ધુમ્મસના દરિયાની અંદર લાવ માછલી જેમ તરી લઉં,
શિયાળુ ટાઢોડે થાતું નવસેકા આ તડકાની હું રાબ બનાવી પી લઉં…
– અનિલ ચાવડા
Leave a Reply