જીવી રહ્યા છીએ
ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ;
એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.
પર્ણમાં, ડાળમાં, કે બીજમાં જીવી રહ્યા છીએ?
આપણે વૃક્ષત્વની કઈ રીતમાં જીવી રહ્યા છીએ?
હોઉં હું મારા ગળામાં, હોય છે તારા ગળામાં તું;
પોતપોતાના ગળે તાવીજમાં જીવી રહ્યા છીએ.
તું જ આવીને મને સમજાવ તો સમજું નહીંતર નહિ,
એકધારા આ અમે કઈ ચીજમાં જીવી રહ્યા છીએ ?
અર્થ જીવનનો ફકત છે એ જ કે વ્હેવું સતત વ્હેવું,
-ને યુગોથી આપણે સૌ ફ્રીજમાં જીવી રહ્યા છીએ.
– અનિલ ચાવડા
Leave a Reply