Sun-Temple-Baanner

આયખા નામના રૂડા દેશમાં


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


આયખા નામના રૂડા દેશમાં


નયનસંગ બાપુ

————————–

૧.

આયખા નામના રૂડા દેશમાં
દેહ નામની હવેલીમાં
નયનસંગ બાપુનું રજવાડું છ્‌ રજવાડું
ઈ ભાળે ઈ જ હાચું
ઈ ક્યે ઈ જ માનવાનું
ઈ દેખાડે ઈ જ જાવાનું દેહના સૌ દરબારીઓએ
જીભ તો ઈની પટરાણી છ્‌ પટરાણી!
મુખની અટારીએ બેઠી બેઠી બોઈલા કરે બાપુ દેખાડે ઈ
પણ બાપુનો વટ્ટ એટલે વટ્ટ હોં!!
ઝાંખા પડે પણ ઝંખવાણા ના પડે…
મોતિયો ઊતરે પણ મોતી ના ઉતરવા દે…
રતાંધળાનેય રાજી રાખે એવા ઉદાર બાપુ હોં!

————————–

૨.

ઘણી બધી વાર થઈ પછ્‌ બાપુ આઈવા પાછા,
છાતીના ભંડકિયામાંથી દોથોક પ્રેમ આઈલો ઓલી છોડીન્‌
છોડી તો જે રાજી થઈ છ્‌… જે રાજી થઈ છ્‌… જે રાજી થઈ છ્‌…
અન્‌ બાપુ?
રાજીપાની મજાલ છે કે બાપુના પગ હુધીય પોંચી હકે?

————————–

૩.

બાપુ બોઈલા, “છાતીના ભંડકિયામાંથી દોથોક પ્રેમ કાઈઢ તો, અલા રવલા”
“ઈ તો બાપુ તમે ક્યારુનો આલી દીધો છ્‌ ઓલી કાલેજની છોડીન્‌.” કચવાતે મને રવલો બોઈલો.
“તે મા’રાણી હાટું નથ કંઈ?”
રવલો શું બોલે? ઊભો ર્યો, ઇમ ને ઇમ નીચા મોંઢે
“હારું તાણ, આલી દે આખેઆખું ભંડકિયું જ મા’રાણીને…
ખાલી તો ખાલી, આખું તો ખરું!”
“ઘણી ખમ્મા, બાપુને! ઘણી ખમ્મા…” રવલો હરખથી બોઈલો.

————————–

૪.

મારી હાળી આંગળિયું
ઉછરતા વ્હાલાદોલા સ્પરશની ઓળખાણુંને પૈણે કૂઈતરા
મારું નથ માનતી?
આપમેળે ઓળખવા માંઈડી છ્ સંબંધોને !

————————–

૫.

અચાનક ડેલી ખૈખડી
છાતીના ફળિયામાં રમતાં બેચાર સ્મરણિયાઓ ધોડીને ગિયા છેક પાંપણ હુધી
બાપુએ બૂમ મારીન્‌ પૂઈછું, “કૂણ?”
“ઝળઝળિયાં આઈવા છ્‌ બાપુ!!” સ્મરણો ગળગળા થઈ ગયાં.
“એ… આવવા દ્યો બાપ, આવવા દ્યો!”
અલ્યા એય વેવલીનાઓ કહુંબા ઘોળો કહુંબા,
અન્‌ ઓલી જૂની દાટીને રાખેલી ઇચ્છાયુંને ઓગાળો બાપ!
કહુંબો જેટલો જૂનો એટલી મજાયું વધારે…”
નયનસંગ બાપુ તો કીકિયુંના કોથળામાંથી કાઢવા માંડ્યા વર્ષોથી સાચવીને રાખેલાં દૃશ્યોના લબાચાઓ!
“લે! આ શું? બાપુ અન્ આંહુડાં ?” “ના બાપ ના, આંહુડાં નથ,
આ તો અમને જરા ઈમ કે આ સપનાઓન્‌ નવરાવીએ…”
“ઘણી ખમ્મા બાપુને… ઘણી ખમ્મા…” રવલો બોઈલો.

————————–

૬.

બાપુ સૂતા છ્‌, પાંપણની ડેલિયું બંધ છ્‌
ગઢની રાંગ જેવા નાકોડામાંથી શ્વાસ વાવાઝોડાની જેમ અવર-જવર કર છ્‌
જગતની તમામ હવા જાણે બાપુના શ્વાસ લેવાની કામગીરીમાં લાગી ગઈ છ્‌…
અંધારું જાણે બાપુને સુવડાવવા માટે જ પૈડું છ્‌
અજવાળામાં બાપુને ઊંઘ ન’તી આવતી
તો બાપુની બીકનો માર્યો પૃથ્વીનો ગોળો આપોઆપ ઊંધો થઈ ગિયો છ્‌
દેહના દસેદસ દ્વારો મોકળા થઈને મ્હાલી રિયા છે બાપુની સેવામાં.
આખી રાત નસકોરાથી નવેગ્રહ ધ્રૂજતા રિયા…
છેવટ બાપુએ આંખ્યું ઊઘાડી
ત્યારે માંડ બીતાં બીતાં સૂરજે ડોકાચિયું કર્યું ક્ષિતિજનો ટેકો લઈને
ઇયે બાપુએ હા પાઈડી તાણે…

————————–

૭.

રવલો ધોડતોક્‌ આઈવો,
હાંફતો હાંફતો બોઈલો, ‘ગજબ થઈ ગિયો બાપુ, ગઢ ઉપર હુમલો થઈ ગિયો છ્‌…
નજરુંના સણસણતા તીર ફેંકાય છ ચારેપાથી…”
“લે! તે એમાં શેનો ભોં? બીવે છ્‌ શું કામ?
આપણે ય સામું ઝીંકો, તીર નજરુંના…” મૂઈછુ મચકોડતા બાપુ બોઈલા.
“પણ બાપુ…”
“પણ બણ ને મેઇલને પૂળો… લાવ જલદી મારું ધનુષ ક્યાં છે?”
“બાપુ આપણી પાંહે નજરું તો છે પણ કામણ નથી રિયા, સાવ બુઠ્ઠા થઈ ગિયા છ્‌ તીર…”
“તો આખ્યું બંધ કરીન્‌ આવેલાં તીર ઝીલો બાપ…”
“તીર ઝીલાય એવી છાતીયું ય નથ રઈ બાપુ…” રવલો બીતાં બીતાં બોઈલો.
હવે બાપુ પાંહે કોઈ જવાબ નોતો તે મૂંગા થઈને જતા રિયા પાછા ઓઈડીમાં.

————————–

૮.

“બાપુ! આ હૃદયસંગનો ખજાનો વધતો જાય છ્‌ હોં…
જોવાનું તમારે,
ઝીલવાનું તમારે…
દૃશ્યોનાં દડબાઓ વખારમાં હાચવવાના કુણે?
તમારે જ ને?
આંહુડાની નદિયું ઉપર પાળ બાંધવાનું કામ તમે નથી કરતા તો કુણ કર છ્‌?
તમે છો તો દેહના દેરામાં અજવાળાં છ્‌ બાપુ!
બાકી મજાલ છે કોઈની કે દૃશ્યો જુએ,
રંગો પારખે?
ભાળેલાનો ભવ્ય જલસો આખા દેહને તમારા સિવાય કરાવે છ્ કુણ?
ને ઇવડો ઇ મારો બેટો રંગરેલિયા મનાવછ્‌ રૂપાળી જીજીવિષાઓ હાઈરે…
આ ના હલાવી લેવાય હો બાપુ…
તમે કેતા હોવ તો આંહુડાની નદિયુંને અપઘડી વ્હેતી બંધ કરાવડાવી દઉં
ગમે તેટલો પાણીનો ભરાવો થાય
અરે ગળામાં ડૂમો શું કામ નથી બાઝી જાતો,
તોય આંહુડાનું એકેય ટીંપુ બારે નહીં નીકળવા દેવાનું…
હૃદયસંગ ઉપર હુમલો થાહે, આપોઆપ
સાપ મરશે ને લાકડી ય નૈં ટૂટે
હૃદયસંગની ટાઢા પાણીએ ખહ જાશે બાપુ…
શું ક્યો છો તમે?
કરવું છ્‌ આવું?”
રવલાની વાત હાંભળીન્‌ બાપુ વિચારે ચઈડા છ્‌
ખબર નથી શું કરશે…

————————–

૯.

“અલા રવલા, સાંભળ્યું છ્‌ કે લોકોમાં વાયકાયું ફર છ્‌
કે મનુભાબાપુ જે વિચારે છ્‌ ઈ જ જુએ છે નયનસંગ..
સાચી છ્‌ આ વાત?”
“હોતા હશે બાપુ?
લોકોને શું ખબર પડે ?
ગામના મોઢે ગઇણાં ઓછા બંધાય?
ઈ તો બોલે, ઈમને ઓછી ખબર છે કે
મનુભા બાપુ વિચારે છ્‌ ઇ તમે નથ જાતા,
પણ તમે જુઓ છો ઇ મનુભા બાપુ વિચારે છ્‌…”
“તો ઠીક છ્‌” કહીને બાપુએ ખોંખારો ખાધો…

————————–

૧૦.

ચારણ આઈવો દરબારમાં,
થિયું કે બાપુનાં થોડાક વખાણ કરું તો બાપુ કંઈ આલશે
એટલે એક હાથ કાન પર ને બીજા હાથ હવામાં લાંબો કરીને
મોટેથી રાગડો તાણીને ગાવા માઈન્ડો બાપુના ગુણગાન
હેહેહેહેહ…..
સામી છાતી બધું ઝીલતો, પાછળ જાવું ટાળે
બેઠો બેઠો નયનસંગ તો ચૌદ ભૂવનને ભાળે… ઈ તો ચૌદ ભૂવનને ભાળે…
સમણાંની પરિયું રૂપાળી, બાપુના કામણ પે મોહે,
બાપુ બેઠા હેય… નિરાંતે દૃશ્યોની ભેંહુને દોહે… ઈ તો દૃશ્યોની ભેંહુને દોહે…
આંજે સૂરમો શ્યામ, કરે એ ત્રિલોકના પણ કામ,
આ દેહદેશમાં સૂર્ય આથમે, બાપ કરે આરામ… કે જ્યારે બાપ કરે આરામ…
તારી ઉપર પ્રદેશ ભાલ, ને તારાં ચરણ પખાળે ગાલ,
ને તું તો વચગાળાનું વ્હાલ, પ્હેરતો કાચ તણી તું ઢાલ… પ્હેરતો કાચતણી તું ઢાલ…
તું પળમાં પરખે રંગ, બધાંયે અંધ બીજાં છે અંગ,
લઈને બેબ્બે દીવડા સંગ, લડે તું જાવું નામે જંગ… લડે તું જાવું નામે જંગ…
તું ચૌદ ભુવનનો ધણી, સ્વપ્નને ચણી,
ચાદરો નિંદર કેરી વણી, સાચવે કીકીઓ કેરી મણી… સાચવે કીકીઓ કેરી મણી…
ખણ ખણ ખણ ખણ ખણ ખણ ખણ ખણ ખણક,
પાંપણો કેરી ઝાલર ઝૂલે ઝણઝણ ઝણક, દ્વાર પર ઝૂલે ઝણઝણ ઝણક… પાંપણો ઝૂલે ઝણઝણ ઝણક
કડ કડ કડ કડ કડ કડ કડ કડ કડક, વીજળી ફડક, ક્રોધનું ખડગ, વીંઝતો તરત,
કંપતી ધરા, થંભતા ઝરા, આભથી ખરે આગના કરા…
ધ્રૂજે સૌ ધણ ધણ ધણ ધણ ધણ ધણ ધણ ધણ ધણક,
ધ્રૂજે સૌ ધણ ધણ ધણ ધણ ધણક…
આ દેહ નામનું ગીર, વસે છે હાડચામ રુધિર, ને એમાં તું સાવજડો વીર,
નાખતો ડણ ડણ ડણ ડણ ડણક નાખતો ડણ ડણ ડણ ડણ ડણક…
નજર કરીને મ્યાન, ધરે તું ધ્યાન, ચળે નહીં સ્હેજે તારું ભાન,
ભલે સૌ ઠકઠક ઠકઠક ઠકઠક ઠકઠક ઠકઠક ખીલ્લા ઠોકે કાન… ભલે સૌ ખીલ્લા ઠોકે કાન…
નહીં તો ઝાડ, નહીં તો ડાળ, નહીં તો ફડફડ થાતી પાંખ,
તું જાતો સર સર સર સર સર સર સર સર કેવળ એક જ આંખ… તું જાતો કેવળ એક જ આંખ…
તું ધારે તો પીર, વહાવી નીર, દેહમાં કરે સ્નાન ગંભીર
નજરનાં છુઠ્ઠાં છોડી તીર, કરે તું ઘાયલ સૌને વીર… કરે તું ઘાયલ સૌને વીર…
એએએ……
તું છલકાતો, તું મલકાતો, તું ખીલતો જાણે ગરમાળો
તું લટકાળો, તું મટકાળો, તું કાનુડા શો નખરાળો,
તું અણિયાળો, કામણગારો, તું જાબનવંતો જોમાળો,
તું રણબંકો, તું લડવૈયો, તું અજવાળાનો રખવાળો…
આ દેહ નામનો દેશ, એમાં તારો એવો વેશ, કે આવે કોઈ નહીં ત્યાં તારી જાટે,
એ ખમ્મા… ખમ્મા… બાપ તને કે નવેખંડ ફળિયે આળેટે…
દેહના દેરામાં દીવા કરનારા નયનસંગ બાપુને ઘણી ખમ્મા… ખમ્મા…”
કહીને ચારણે જાળી ફેલાઈવી,
ત્યાં તો બાપુએ સાચા મોતી જેવો રોકડો પલકરો નાઈખો ચારણની જોળીમાં…
રવલો રઘવાયો થિયો, બોઈલો, “ચારણ! ધન-દોલત તો બધા આલશે, બાપ…
બાપુએ તો રોકડો પલકારો આઈપો પલકારો.. જય હો બાપુની જય હો…’
ચારણ બાપડો શું બોલે? જાઈ ર્યો, બાઘાની જેમ!
પછી ઊતરી ગયેલી નજરનો પલકારો લઈને હાલતો થિયો ઘર બાજુ!

————————–

૧૧.

હમણાથી બાપુને હૃદયસંગ જાડે બનતું નથ…
ઇના ધબકારા તો ગોળિયુંની જીમ વાગ છ્‌ બાપુને…
ગધનો… દૃશ્યોના રજવાડામાં ભાગ માંગ છ્‌…
‘માથું વાઢે ઈ માલ ખાય’ એવી કહેવત ઈમનામ નથ પઈડી,
ઈની હાટું તો માથાં વાઢવાં પડે, ત્યારે માલ આવે હાથમાં
બાપુનો માલ કાંઈ સાવ મફતનો નથ
આખો દાડો દૃશ્યુંના માથા વાઢી વાઢીન્ માલ ભેગો કઈરો છ્‌ બાપુએ
ને ઓલો વેવલીનો ભાગ માંઈગા કર છ્‌ રજવાડામાં કે
લાવ, ઓલાં ઝાડવા હેઠે બેહેલાં દૃશ્યો
લાવ, ઓલા તળાવની પાળે બેહીને પાણીમાં પથરા નાખતાં ’તાં ઈ દૃશ્યો
અરે બાપુ સાવ એકલા ખૂણે-ખાંચરે ભરાઈને રહરહ રોયેલા ઈ દૃશ્યો ય લઈ લેવા છ્‌ ગોલકીનાને…
પણ બાપુ ભડ હોં,
દાનવીર એટલે વાત જવા દો
બલિ રાજા કે જગડુશાના દો દાળિયાય ના આવે ઈમના દાન આગળ
ઓલા નફ્ફટ હૃદયસંગે માંઈગા તો બાપુએ તો આંખ નિચોવીને
જેટલાં હતાં ઈ બધાં જ દૃશ્યો એક જ ઝાટકે આલી દીધાં હૃદયસંગને…
ઘણી ખમ્મા બાપલિયા… તને ઘણી ખમ્મા…

————————–

૧૨.

આહાહાહાહા…. શું ઈ દાડા હતા,
તાંહળિયું ભરી ભરીને વિસ્મય પીતા’તા
ગમે એટલા ધૂળ ખાધેલા ને કટાઈ ગયેલા દૃશ્યોને ય ઘહી ઘહીને કરી નાખતા’તા ચકચકાટ…
મારું હાળું
હવે તો ભાળેલું બધું વીંછળવું પડ્‌ છ્‌
અલા એય રવલા,
ચપટીક વિસ્મય હોય તો આલજે બાપ…
કોહવાઈ ગિયેલી નજર્યુંને મારે ઉટકવી છ્‌…

————————–

૧૩.

દીવાલું ઝર્ઝરિત થઈ ગઈ છ્‌, પોપડા માઈન્ડા છ્‌ ખરવા
પણ બાપુ હારવાનું નામ નથ લેતા…
મોતિયા હામે લઈડા,
રતાંધળા હામેય લઈડા…
અરે! અંધાપાની ગળચી દાબીને ય જાતા રિયા જગતને…
ના હાઇરા તે ના જ હાઇરા…
છેવટ દેહનો ગઢ ભાંઈગો ઈ પછીય બાપુ લડતા ’ર્યા મરણના મારણ હામે ભડની જેમ
લશ્કર હાઇરું ’તું બાપુ નઈ…
હારે તો ઈ બાપુ શાના?
આવા ઘમસાણમાં ય રવલાને કાંઈ નતું થાવા દીધું બાપુએ…
રવલો તો બાપુની ભીનાઈશ હતી ભીનાઈશ…
માણહુ મરતા મરતા ભીનાઈશું સિવાય જગતને આલી ય હું હકે?
જાતાં જાતાં ય બાપુ રવલાને કેતા જિયા કે-
બાપ રવલા, મારી નજર્યુંનું નાણું સાચવજે હોં,
જગતને આલજે મારાં સમણાંની સોગાત્યું…
હું પાછો આવીશ,
કોઈ નવા દેહના દેરામાં અજવાળું થઈને આવીશ…
પાછાં નવાં સમણાંના મ્હેલો રચીશ
પાછો ઘોળીશ નવી ઇચ્છાયુંના નવા કહુંબા…
પાછો જગતને જાઈશ…
કાળ મને નાથી નહીં હકે રવલા… કાળ મને નાથી નૈં હકે…
રવલો બાપડો રહ રહ રોતો ર્યો, ને બાપુએ હસતા હસતા વિદાય લીધી…

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.