એવું નથી કે ખાલી એ પડઘો થઈ ગયા.
આ શબ્દ મારા શ્વાસનો હિસ્સો થઈ ગયા.
ગુંજાશ કેટલી છે સ્મરણની જુઓ જરા,
તડકો કદીક તો કદી છાંયો થઈ ગયા.
થઇ છે મહેરબાની સમયની ને એટલે,
ચહેરાના ચાસ આજે તો ઠસ્સો થઈ ગયા.
નજદીક જ્યાં જવાયું એ સંબંધ આખરે,
દર્પણ થઈ ગયા ને દિલાસો થઈ ગયા.
મહિમા છે આપવાનો ઘણો, કોણ માનશે ?
લીધા-દીધાના લ્હાવ તો કિસ્સો થઈ ગયા.
થોડાક ખાસખાસ અનુભવનો ગર્વ છે,
કે બારમાસી તેજનો નુસખો થઈ ગયા.
એના વિશે વધુ તો સરેઆમ શું કહું ?
જે વાત ને વિચારનો મુદ્દો થઈ ગયા.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply