એ સાંજ. . પરિચય તારો થોડો આજ તને હું આપું
શીળપ તારી અંકે કરવા જીવ જરીક સંતાપું
તારી ઓથે જીવ બધા યે નીડ ભણી સંચરતા
નિશ્ચિત સ્થાને પહોંચી જાવા મારગ થાય ધબકતા
વસમી વેળ વિદાયની ખમવા તારા રંગો જાપું
એ સાંજ. . પરિચય તારો થોડો આજ તને હું આપું.
ઢાળ-વળાંકે ઢળવું-વળવું મંજિલે પહોંચાડે
ઊગવું ને આથમવું એમ જ સઘળું થાળે પાડે
આમ દિલાસો દેવા ખુદને તારો ગજ લઇ માપું
એ સાંજ. . પરિચય તારો થોડો આજ તને હું આપું.
સાંજ-સવારે હોય સરીખા ઘંટારવ ને મંતર
અજવાળાંએ પીઠ ધરી તો અંધારું થ્યું ઉત્તર
સમજણની ક્ષિતિજે બસ, હું તારી માફક વ્યાપું
એ સાંજ. . પરિચય તારો થોડો આજ તને હું આપું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply