આંખથી જે હૈયા સોંસરવી પડે.
એ છબી માટે નજર કસવી પડે.
મેઘની જો હોય ઝીણી ઝંખના,
તો, તરસ ચાતક સમી ખમવી પડે.
હારવું પણ જીતવાનો ભાગ છે,
જિંદગીભર એ રમત રમવી પડે.
બેધડક ત્યાં મૌન રાખી લઉં છું હું,
મ્હોરું પ્હેરી વાત જ્યાં કરવી પડે.
અર્થ વિસ્તરવાનો સાચો જાણવા,
બસ, કથા ડાળીની સાંભળવી પડે.
અહિ થવું ને હોવું એમજ હોય નહિ,
રોજ થોડી જાત કોતરવી પડે.
છે નદીને પણ કિનારા, એમ કહી,
લાગણીને સ્હેજ આંતરવી પડે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply