અમથે અમથી આ બાજુ બસ એક નજર તો નાંખો
માધવ, માન જરા તો રાખો.
વનરાવનની વાટે વાટે ઝાડ કદંબનું થાઉં
વાંસલડી થાવાની આશે વાંસ થઈ લહેરાઉં
હાથ નથી રહેતું આ હૈયું, એને ફૂટી પાંખો..
માધવ, માન જરા તો રાખો.
તમ વિના કંઇ ભાળું નહિ, આ નજરું કોની લાગી?
સાવ સફેદી ઈચ્છાઓ પણ આળસ મરડી જાગી
દ્વારપાળ થઇ પહેરો ભરતી વાટ નીરખતી આંખો..
માધવ, માન જરા તો રાખો.
પાંપણની વચ્ચે રાખીને જળજમનાના મૂલવું
મૂર્તિ મનોહર મનમાં સ્થાપી ઝળઝળિયાંને સૂકવું
અર્ધ્ય બધા આ સ્વીકારીને ભાવિ મારું ભાખો..
માધવ, માન જરા તો રાખો.
~ લક્ષ્મી ડોબરિયા
( જન્માષ્ટમી પર્વ નિમિત્તે આ ગીત. )
Leave a Reply