આજે નહીં તો કાલે એ સામે મળી જશે.
આ તો સમય છે પળમાં એ પાછો ફરી જશે.
મોટા થવાનો અર્થ નહીં પૂછવો પડે,
ખુદના બધા ય રંગ જો કોઠે પડી જશે.
વધઘટ થવાનું જે પળે સ્વીકારશો તમે,
મનની કળાઓ સોળ સહજ નીખરી જશે.
વાતો અને વિચારનો શું મોહ રાખવો?
દર્પણની જેમ એક દી’ ઝાંખા થઈ જશે.
સરખામણી ભલે કરો સૂરજની સાથે પણ,
એવું ન માનજો કે ગઝલ આથમી જશે.
ચાહતની આગવી ને અલગ હોય છે અદા,
નજરું ઝૂકાવશે અને નજરે ચડી જશે.
એનું ગજું છે કેટલું એ તર્ક ના કરો,
આ લાગણી બધા ય ચીલા ચાતરી જશે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply