આઘા અને ઓરા થવું ચાલ્યા કરે.
સંબંધમાં આવું બધું ચાલ્યા કરે.
જૂઠાણું લકવાગ્રસ્ત અંતે થઇ જશે,
શરૂઆતમાં થોડું – ઘણું ચાલ્યા કરે.
ક્યાં સ્થિર થાવું, હાથમાં હોવું ઘટે,
આ મનમાં તો નોખું – નવું ચાલ્યા કરે
સંભાવના જાગી જવાની હોય જ્યાં,
પડવું ને ઊભા થઇ જવું ચાલ્યા કરે.
સૂરજ સમા ઝળહળ થવાની લ્હાયમાં,
મહોરાંને રોજે માંજવું ચાલ્યા કરે.
ટાણાં ઉપર આવી અને ઊભા રહો,
બાકી સમયસર દોડવું ચાલ્યા કરે.
એવું થયું ‘એ આવશે’ની રાહમાં,
એનું સ્મરણ હૈયાવગું ચાલ્યા કરે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply