આગળ જવાનું ને ઊંચા થવાનું તોય રહેવાનું ઠેર ના ઠેર
એમાં કરવાનો નહિ ફારફેર
કાંઠા વચાળે જોઈ વ્હેતી નદીને પછી ઉંબરનો અર્થ નથી પૂછ્યો
પગલાં પારોઠમાં કેમ કરી ભરવાં જ્યાં હાથમાંથી હાથ નથી છૂટયો
આપણે તો માણવાની આ રીતે કાયમ અહીં લીલીછમ્મ બારમાસી મ્હેર
એમાં કરવાનો નહિ ફારફેર
આગળ જવાનો નથી મતલબ કંઈ એવો કે પોતાને મળવાનું ચૂકીએ
મહોરાં ઉતારવાની વાતે તો રાજી થઈ હું ની મમત બધી મૂકીએ
આપણે તો ધીરેથી કહી દીધું સાનમાં, પોતીકા લાગે એ વાઘાઓ પહેર
એમાં કરવાનો નહિ ફારફેર
~ લક્ષ્મી ડોબરિયા
(આગામી ગીત સંગ્રહમાંથી)
Leave a Reply