આ હ્રદય વિચારતું થાશે પછી,
ધારણાંની બ્હારનું થાશે પછી.
ગૌણ એનું આવવું થાશે પછી,
રાહ જોવાનું ગજું થાશે પછી.
ખુદને મળવા બ્હાવરું થાશે પછી,
મન જરા મળતાવડું થાશે પછી.
કાન ને ખોટું કદાચિત લાગશે,
આ સ્મરણનું નેજવું થાશે પછી.
સાબદું થાશે હકીકત થઇ જવા,
એક સપનું જાગતું થાશે પછી.
જ્યાં તમે મમરો તમારો મૂકશો,
વારતામાં અવનવું થાશે પછી.
ઘાટ ઘડવાનો કસબ શીખી જશે,
પ્રેમ ઝીણું ટાંકણું થાશે પછી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply