આ હાથવગું છે ઘણું,
બીજું તો શું ભણું ?
ભાર-ઝલ્લી ઝીણેરી ઇચ્છા હળવા હાથે હણું.
સાવ નજીવી ઘટનામાં મન ખાંખાખોળા કરતું,
હોય ફટકિયું મોતી તોય હીરો થાવા મથતું,
આમ એની રગ જાણી લઇને નાથ્યું છે હું પણું.
આ હાથવગું છે ઘણું, બીજું તો શું ભણું?
ખાસ કે આમ ના ખાના પાડી ચાલ નથી મેં ચાલી,
જાતતલાસી લેવા ક્ષણનો હાથ લઉં છું ઝાલી,
થાય હકીકત એવા સપના વળ દઇ દઇને વણું.
આ હાથવગું છે ઘણું, બીજું તો શું ભણું?
વિસ્તરવાની ઓથે દિશાભાન કદીક ચૂકાશે,
મન-હ્રદય સહમત ના હો એ વાતે ખતા ખવાશે,
રેખ કદીક દોરું કદીક હું દીવાલો પણ ચણું.
આ હાથવગું છે ઘણું, બીજું તો શું ભણું?
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply