આ ભાવ ને અભાવ છે એ લાજવાબ છે.
ઔષધ સમા આ સ્ત્રાવ છે એ લાજવાબ છે.
આગળ જવાના ખાસ એ પગલાં ભરે નહીં,
જળનો સહજ સ્વભાવ છે એ લાજવાબ છે.
મારી નજર છે આજ ઉપર, વાત સાચી પણ,
ગઇકાલનો પ્રભાવ છે એ લાજવાબ છે.
ગમતું થતું નથી.. ની છે ફરિયાદ તે છતાં,
એકાદ-બે બનાવ છે એ લાજવાબ છે.
હળવા થવાની વાતમાં બીજું કશું નથી,
લીધા-દીધાનો લ્હાવ છે એ લાજવાબ છે.
મારી જ સામે રોજ હું ખટલો ચલાવું છું,
મારો મને લગાવ છે એ લાજવાબ છે.
ઉપર જવાની હોડમાં નમતું ય જોખી લઉં,
આ દાબ ને દબાવ છે એ લાજવાબ છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply