Sun-Temple-Baanner

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ -૧


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ -૧


⚔ ચાવડાયુગ શૌર્યગાથા   ⚔
ஜ۩۞۩ஜ રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો ஜ۩۞۩ஜ
-------- ભાગ -૧ --------

➡ ચાવડાવંશની શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે ચાવડા વંશની સ્થાપના સમયે ગુજરાતમાં ઘણા રાજવંશો રાજ્ય કરતાં હતાં પણ તેમાં માત્ર ચાવડાવંશને જ મહત્વનો ગણવામાં સાહિત્યકારો અને ઈતિહાસકારોનો જ ફાળો મહત્વનો છે. ચાવડાવંશ વિષે અલ્પમાત્રામાં માહિતી મળતી હોઈ કોઈ પણ એ વિષે શંકા ધરે એ સ્વાભાવિક જ છે. ચાવડાવંશની સ્થાપના ઇસવીસન ૭૪૬માં થયેલી એમ જે કહેવાય છે એમાં પણ ઘણાં મતમતાંતર પ્રવર્તે છે. એની પણ ચર્ચા આપણે કરી જ ચુક્યા જ છીએ એટલે જ સુધારેલો સમયગાળો અસ્તિત્વમાં આવ્યો છે જેને પણ હવે ઇતિહાસની મહોર વાગી જ ગઈ છે. એ બધી ચર્ચામાં આપણે અત્યારે નથી પડતાં પણ અણહિલવાડ પાટણમાની સ્થાપના રાજા વનરાજ ચાવડાએ કરી એતો સોએ સો ટકા સાચી વાત છે પણ તેની પહેલાં માત્ર પંચાસરમાં જ નહિ જ પણ ગુજરાતના અન્યભાગોમાં પણ ચાવડાઓની સત્તાનો ચરખો ચાલતો હતો માત્ર એટલું જ નહીં પણ અણહિલવાડમાં ચાવડાશાસનનો અંત આવ્યાં પછી રાજા ભૂભટ અર્થાત રાજા સામંતસિંહની હત્યા થયાં પછી એટલે કે રાજા મુળરાજ સોલંકીનાં કુળના લોકો ગુજરાતમાં રાજ્ય કરતાં હતાં. ઇતિહાસમાં જેને સામતસિંહની બહેન લીલાવતીનાં વંશજો કહેવાય છે તેમની પણ વાત અહી કરવાની બાકી હોવાથી ચાવડા વંશ પૂરો થઇ ગયેલો ગણાય જ નહીં. અહી કોઈ ચોક્કસ સાલવારી આ રાજવંશોની પ્રાપ્ત ન થતી હોઈ એને અહીં આપવી મુનાસીબ સમજુ છું

➡ મૈત્રકકાલનાં અંત (ઇસવીસન ૭૮૮)પછી અનુ- મૈત્રકકાલ શરુ થાય છે. અનુ - મૈત્રકકાલમાં ઉત્તરગુજરાતમાં ચાવડાઓની સત્તા પ્રવર્તતી હતીઅને બાકીના ભાગમાં દક્ષિણના રાષ્ટ્રકૂટો તથા ઉત્તરના ગુર્જર પ્રતિહારોનું આધિપત્ય હતું. આ સમય દરમિયાન ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થાનિક રાજ્યો હતાં. એમાં ચાવડાવંશના કેટલાંક કૂળોનો સમાવેશ થતાં તેમાંનાં એક કૂળની સત્તા પંચાસરમાં હતી. તેનો નાશ થતાં..... રાજા વનરાજે અણહિલવાડ વસાવ્યું અને રાજધાની સ્થાપી. સૌરાષ્ટ્રમાં તે ઉપરાંત સૈન્ધવો તથા ચાલુક્યોના પણ રાજ્ય હતાં. અણહિલવાડમાં ચાવડાવંશની સત્તા અસ્ત પામતાં ચૌલુક્ય (સોલંકી)વંશની સત્તાનો ઉદય થયો ઇસવીસન ૯૪૨માં.

➡ સોલંકીકાળના લેખકોએ અણહિલપાટક (અણહિલવાડ)ના સોલંકીવંશના ઇતિહાસની ભૂમિકારૂપે એ નગર સ્થાપનાર વનરાજ ચાવડા અને અને એમનાં રાજવંશનો વૃત્તાંત આપ્યો છે. એ અનુસાર પછીના ઈતિહાસ લેખકો ગુજરાતના ઇતિહાસનો આરંભ ચાવડાવંશથી કરતાં.રાજા વનરાજે અણહિલપાટક વસાવી ત્યાં રાજ્ય સ્થાપ્યું તે પહેલાં તેમનાં પૂર્વજ પ્રાય: પંચાસરમાં રાજ્ય કરતાં હતાં.

➡ વનરાજ કે તેમના વંશજોના કોઈ અભિલેખો કે સિક્કા મળ્યા નથી તેથી આ ચાવડાવંશની ખરી સાલવારી નક્કી કરવી મુશ્કેલ છે. ચાવડાવંશનો મોટાભાગનો વૃત્તાંત દંતકથાઓ જેવી અનુશ્રુતિઓ પર આધાર રાખતો હોઈ એમાં રહેલું ઐતિહાસિક તથ્ય તારવવું કઠીન છે. રાજા વનરાજ ચાવડાવંશનો હતો એમને અણહિલપુરની સ્થાપના કરી ને એમનાં વંશની સત્તા સોલંકીઓને સાંપડી એ મુખ્ય હકીકત ઐતિહાસિક હોવાનું જણાય છે. વનરાજે સ્થાપેલા રાજવંશની વંશાવલીએ છેક વાઘેલાકાલ અને એ પછીના કાલનાં ગ્રંથોમાં આપવામાં આવી છે. એ હકીકત ચાવડાવંશને લગતી અનુશ્રુતિઓની ઐતિહાસિકતા વિશેની શંકામાં ઉમેરો કરે છે. વનરાજ અને તેમનાં વંશજોનાં રાજ્યશાસનને લગતાં પ્રસંગ અનુકાલીન અનુશ્રુતિઓમાં જળવાઈ રહ્યાં છે. પરંતુ એમાં કેટલું ઐતિહાસિક તથ્ય રહેલું હશે તે નક્કી કરવું મુશ્કેલ છે. વનરાજ ચાવડાએ અણહિલવાડ વસાવ્યું અને એમનાં વંશજોએ ત્યાં વિક્રમ સંવત ૯૯૮ (ઇસવીસન ૯૪૨) સુધી રાજ્ય કર્યું એટલું તો નિશ્ચિત છે.

➡ અનુશ્રુતિઓનાં અનિશ્ચિત પુરાવાઓને છોડી આ સમયના અભિલેખોનાં નિશ્ચિત પુરાવા પર આવીએ તો સોલંકીકાલનાં આરમ્ભ સુધીનાં આ અનુ મૈત્રકકાલ દરમિયાન ગુજરાતના જુદા જુદા ભાગમાં કેટલાક જુદાં જુદાં રાજ્કુલો સત્તા ધરાવતા હોવાનું તથા એમાં મુખ્યત: ઉત્તરના ગુર્જર પ્રતિહારોનું અને દક્ષિણના રાષ્ટ્રકૂટોનું આધિપત્ય હોવાનું માલૂમ પડે છે.

➡ વલ્લભીના મૈત્રક રાજ્યનો વિક્રમ સંવત ૮૪૫ (ઇસવીસન ૭૮૮)માં નાશ થયો ત્યારે દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ કક્કરાજની સત્તા પ્રવર્તતી હતી. પરણતી જેવો વલભીના રાજ્યનો નાશ થયો કે તરત જ કક્કરાજે પોતાની સત્તા ઉત્તરમાં ચાહમાન રાજ્ય નીચે પાર વિસ્તારી દીધી અને એ રાષ્ટ્રકૂટ રાજ્યની રાજધાની ખેડક (ખેડા)માં ખસેડી. આ પરથી ઇસવીસન ૭૮૮નાં આખર સુધીમાં રાષ્ટ્રકૂટ કક્કરાજની સત્તા છેક ઉત્તર ગુજરાતમાં પ્રસરી જણાય છે.

➡ આ દરમિયાન ઉત્તર ભારતમાં પ્રતિહાર નરેશ નાગભટ બીજાની સત્તાનો અભ્યુદય થઇ રહ્યો હતો. રાષ્ટ્રકૂટ ગોવિંદરાજ ત્રીજાના તથા ગૌડરાજ ધર્મપાલનાં મૃત્યુ પછી કનોજના રાજા ચક્રાયુધને હરાવી પોતાનું પાટનગર કનોજમાં ખસેડયું અને હર્ષકાલીન પાટનગરને લઈને પ્રતિહાર સત્તાને ઉત્તર ભારતમાં સર્વોપરી સ્થાન અપાવ્યું. સૌરાષ્ટ્રનાં સ્થાનિક રાજ્યો પર પ્રતિહાર નરેશ નાગભટ નાગાવલોકનું આધિપત્ય પ્રવર્તયું જણાય છે. ઉત્તર ગુજરાત પર પણ પ્રતિહારોની આણ વર્તી લાગે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની લાટ શાખાનો કાબુ હતો.

➡ માળવાના પરમાર રાજાઓ શરૂઆતમાં પ્રતિહારોનું સામંતપદ ધરાવતાં પરંતુ પ્રતિહાર સામ્રાજ્યનો હ્રાસ થતા તે દક્ષિણના રાષ્ટ્રકૂટોનું આધિપત્ય સ્વીકારતાં થયા હતાં.

➡ અણહિલવાડ પાટણના ચાવડાઓની સત્તા આ પરથી ઉત્તર ગુજરાતમાં માર્યાદિત હોવાનું માલૂમ પડે છે કેમ કે સૌરાષ્ટ્ર પર પ્રતિહારોનું આધિપત્ય હતું, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર સત્તા ધરાવતા રાષ્ટ્રકૂટોની સત્તા કે અધિસત્તા છેક કાસન્દ્રા અને હરસોલ સુધી વિસ્તરી હતી અને મોડાસા વિભાગ પર પરમારોની સત્તા જામી હતી. આ પરથી વનરાજ ચાવડાનાં વંશજોની સત્તા પાટણના આસપાસનાં પ્રદેશો પુરતી જ માર્યાદિત હોવાનું ફલિત થાય છે. આટલાં નાના પ્રદેશ પર સત્તા ધરાવતો ચાવડા વંશ આમ વસ્તુત: ગુજરાતના ઇતિહાસમાં ઘણું માર્યાદિત સ્થાન ધરાવે છે. આગળ જતા લગભગ સમગ્ર ગુજરાત પર અને એનીયે પાર આધિપત્ય જમાવનાર સોલંકી સામ્રાજ્યની રાજધાની અણહિલપાટકની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હોઈ એ કારણે સોલંકીવંશનો વૃત્તાંત લખનાર પ્રાચીન લેખકોએ સોલંકીઓનાં પુરોગામી તરીકે ત્યાંના ચાવડાવંશનો યે વૃત્તાંત આપ્યો અને એને લઈને ગુજરાતના ઇતિહાસના આનુશ્રુતિક નિરૂપણમાં ચાવડાવંશને અગ્રીમ સ્થાન મળ્યું હતું. પરંતુ હવે જયારે એ કાલના અભીલેખોને આધારે એ ચાવડાવંશની સત્તા સમય તથા સ્થળના વિસ્તારમાં ઘણી માર્યાદિત હોવાનું માલૂમ પડે છે ત્યારે સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં એ કાલને "ચાવડાકાલ" તરીકે ઓળખવો અસ્થાને છે. વસ્તુત: એ કાલને આપણે અનુ - મૈત્રકકાલ તરીકે કે પ્રાક -સોલંકીકાલ તરીકે ઓળખવો જોઈએ.

➡ મૈત્રકકાલની સરખામણીએ આ કાલ દરમિયાન કોઈ સ્થાનિક મહાસત્તા નીચે રાજકીય સંગઠન ઘણાં ઓછાંપ્રમાણમાં સંધાયું હતું. પરંતુ ગુજરાતને દક્ષિણના રાષ્ટ્રકૂટો અને ઉત્તરના પ્રતિહારોનાં મહાન રાજ્યોનો ગાઢ સંપર્ક થયો હતો. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચે પણ ગાઢ સંબંધ સાધ્યો. આ કાલની સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ અગાઉના કાલ જેટલી ન ગણાય છતાં જૈન સૂરિઓની ધાર્મિક તથા સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ગણનાપાત્ર પ્રગતિ થઇ હતી. બૌદ્ધધર્મ અહીં લુપ્ત થયો અને પારસીઓ સંજાણમાં આવી વસ્યા. એ બે ઘટનાઓ આ કાલનાં ધર્મક્ષેત્રે ખાસ નોંધપાત્ર ગણાય. અણહિલવાડ પાટણની સ્થાપના એ ચાવડા વંશ પછીના સોલંકીવંશની એ રાજધાનીની કારકિર્દીની ભૂમિકારૂપે મહત્વ ધરાવે છે.

➡ ચાવડાવંશની ઘણી બધી વિગતો આપણને સાહિત્યમાંથી જ મળી છે તો એ સાહિત્યિક ગ્રંથો વિષે આગાઉ તો આપણે વાત કરેલી જ છે પણ તેમ છતાં એ સમગ્ર સાહિત્યની સૂચી એકવાર જ જોઈ જ લઈએ.

✔ સાહિત્ય --------

✅ (૧) અનુકાલીન સાહિત્યમાં સૌ પ્રથમ આપણને વનરાજ ચાવડા વિશેનો ઉલ્લેખ નેમિનાથચરિતની પ્રશસ્તિ (ઇસવીસન ૧૧૬૦)માં મળી રહે છે. તેમાં વનરાજને ચાવડાવંશનો પ્રથમ રાજા કહેવામાં આવ્યો છે.
✅ (૨) મહરાજપરાજય(ઇસવીસન ૧૧૭૩ થી ઇસવીસન ૧૧૭૬)માં વનરાજનો અને ચાવડા રાજાઓ વધુ પડતો દારુ પિતા હતાં તેવો ઉલ્લેખ મળે છે.
✅ (૩) સુવિહિત સાધુઓ સામે ચૈત્યાવસી સાધુઓણે રાજા વનરાજે આપેલ હક્કો વિષે પ્રભાવકચરિત્ર પ્રકાશ પાડે છે. (ઇસવીસન ૧૨૭૮).
✅ (૪) સુકૃતસંકીર્તન ( ઇસવીસન ૧૨૨૨-ઇસવીસન ૧૨૩૧) એ પહેલું પુસ્તક છે જેમાં ચાવડાવંશના રાજવીઓની વંશાવલી આપવામાં આવી છે.
✅ (૫) સુકૃતકીર્તિકલ્લોલિનીમાં ઇસવીસન ૧૨૨૨-૧૨૩૧માં પણ ચાવડાવંશની વંશાવલી વિષે આપવમાં આવેલું જ છે.
✅ (૬) અભયતિલકની ટીકા (ઇસવીસન ૧૨૫૬)માં અણહિલ નામે ભરવાડે વનરાજને બતાવેલી રાજધાની માટેની જગ્યાનો ઉલ્લેખ આવે છે.
✅ (૭) પ્રબંધ ચિંતાણિ (ઇસવીસન ૧૩૦૫)માં અણહિલવાડના રાજ્યના આખા ઇતિહાસની સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે અને તેમાં ચાવડાવંશની વંશાવલી ક્રમબદ્ધ આપવામાં આવી છે.
✅ (૮) વિવિધતીર્થકલ્પ (ઇસવીસન ૧૩૦૮)જે જિનપ્રભસૂરિએ લખ્યું છે તેમાં પણ ગુજરાતનો ઈતિહાસ મળે છે.
✅ (૯) વિચારશ્રેણી (ઇસવીસન ૧૩૪૪)માં પ્રબંધ ચિંતામણિમાં આપેલી વંશાવલી ફેરફાર સાથે આપવામાં આવી છે.
✅ (૧૦) પુરાતન પ્રબંધસંગ્રહ (૧૪મી સદી)માં અણહિલવાડનો ઈતિહાસ અને તારીખો આપવામાં આવી છે.
✅ (૧૧) કુમારપાલ પ્રબંધ
✅ (૧૨) ધર્મારણ્યમાહાત્મ્ય (૧૫મી સદી)
✅ (૧૩) રત્નમાલા
✅ (૧૪) મિરાતે અહમદી

➡ ઇસવીસન ૧૧૬૦થી ઇસવીસન ૧૨૫૬ સુધીનાં સાહિત્યિક ગ્રંથો ચૌલુક્યકાલીન છે જયારે ત્યાર પછીનાં ગ્રંથો મોગલોના સમયનાં છે.આ ઉપરાંત આ સમયગાળા વિષે ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ તો છે જ !

➡ અનુ - મૈત્રકકાલનો ગુજરાતનો ઈતિહાસ કેટલેક અંશે રાજસ્થાનનાં ઈતિહાસ સાથે ગાઢ રીતે સંકળાયેલો હોઈ મૈત્રકકાલીન ગુજરાતની સાથે સાથે સમકાલીન રાજસ્થાનનો, ખાસ કરીને ચાપ તથા ગુર્જર રાજ્યનો ઈતિહાસ પણ લક્ષમાં લેવાય એટલો પ્રાપ્ત થાય છે.

➡ સૌરાષ્ટ્ર પર મૈત્રકોની સત્તા ઇસવીસન ૭૬૬ સુધી જાણવા મળે છે. જ્યારે ઇસવીસન ૮૧૮-૬૧૯મા ત્યાં રાષ્ટ્રકૂટ રાજાની સત્તા દેખા દે છે. આ પરથી જણાય છે કે વલભીના મૈત્રકોની રાજસત્તા ઇસવીસન ૭૬૬થી ઇસવીસન ૮૧૯ના વચગાળા દરમિયાન અસ્ત પામી. મૈત્રકોનું રાજ્ય સમસ્ત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ માળવા પર હતું. મૈત્રકવંશનાં અંત પછી વલભીની જાહોજલાલીનો અંત આવ્યો અને સૌરાષ્ટ્ર પર બહારના રાજવંશોનું અધિપત્ય જામ્યું.

➡ આ મૈત્રકકાલ પછી સૌરાષ્ટ્રમાં એક મોટો રાજવંશ આવ્યો જેનું નામ છે ---- સૈન્ધવ વંશ !

✔ સૈન્ધવ રાજ્ય -------

➡ મૈત્રકકાળના ઉત્તરાર્ધ દરમ્યાન પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક સામંત રાજ્યનો ઉદય થયો. ધૂમલીમાંથી આ રાજ્યનાં ૬ દાનશાસન મળ્યાં છે. એ ઈસવીસન ૮૩૨ થી ઇસવીસન ૯૧૫ની મિતિનાં છે. આ ૬ દાનશાસનોમાંનાં પહેલાં પાંચ શાસનોમાં આ રાજવંશનું નામ સૈન્ધવવંશ આપવામાં આવ્યું છે જયારે છેલ્લા દાનશાસનમાં આ વંશણે "જયદ્રથ વંશ"કહેવામાં આવ્યો છે.

➡ સૈન્ધવોનાં દાનશાસનમાં જૈક રાજા (ઇસવીસન ૯૧૫)ના શાસનમાં આ રાજવંશની લાંબામાં લાંબી વંશાવલી આપવામાં આવી છે. એમાં વંશાવલીની શરૂઆત એનાં સાતમાં પૂર્વજ પુષ્પ્દેવથી કરવામાં આવી છે. પુષ્પ્દેવ (આશરે ઇસવીસન૭૩૪-ઇસવીસન ૭૫૪)મૈત્રક નરેશ શિલાદિત્ય છઠ્ઠા(ઇસવીસન ૭૩૫-ઇસવીસન ૭૬૦)નો સમકાલીન જણાય છે.

➡ પુષ્પ્દેવ પછી એનો પુત્ર કૃષ્ણરાજ ગાદીએ આવ્યો એનો ઉલ્લેખ એનાં વંશજ જાઈકરાજાનાં દાનશાસનમાં જ આવે છે. આ રાજાનો સમય ઇસવીસન ૭૫૪થી ઇસવીસન ૭૭૪નાં સુમારનો આંકવામાં આવ્યો છે. કૃષ્ણરાજનો ઉત્તરાધિકાર એનાં પુત્ર અગ્ગુકને મળ્યો. ધૂમલીમાંથી મળેલા બે આદિમ દાનશાસનોમાં રાજવંશાવલીની શરૂઆત આ રાજાથી કરવામાં આવી છે. એ પરથી આ રાજવંશમાં પુષ્પ્દેવ પછીનો મહત્વનો રાજા એ ગણાતો હોય એવું સૂચિત થાય છે. આ બાબતમાં એને મૈત્રકકાલનાં સેનાપતિ ભટ્ટાર્કનાં પુત્ર મહારાજા ગૃહસેન સાથે સરખાવાય. સૂચિત સમયાંકન અનુસાર આ રાજાના રાજ્યનો સમય ઇસવીસન ૭૭૪થી ઇસવીસન ૭૯૪ સુધીનો આંકવામાં આવ્યો છે.

➡ આ વંશ તે પછી દસમી સદી સુધી ચાલુ રહ્યો હતો.....

✔ ચાવડા રાજ્યો ----------

➡ આ કાલ દરમિયાન સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળોએ ચાવડાઓનાં રાજ્ય હતાં એવી અનુશ્રુતિ છે. ચાવડાઓ સૌરાષ્ટ્રમાં આવ્યાં તે પહેલાં કચ્છ માં રાજ્ય કરતાં હતાં એવું એ પરથી જાણવા મળે છે. કચ્છમાં ભદ્રાવતીમાં પાટણના કનક ચાવડાએ પોતાની સતત પ્રસરી. કનક ચાવડાએ ઇસવીસન ૫૬૨માં ભદ્રાવતી લીધું અને ઇસવીસન ૫૬૬માં મંદિરનો જીર્ણોધ્ધાર કરી તેમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. કનકના વંશજો ઉપર મુસ્લિમો ની ચઢાઈ થયેલી તેથી તેઓ નબળાં થતાં એના પુત્ર ભુવડનાં સમયમાં અર્થાત ઇસવીસનની સાતમી સદીની પહેલી પચીસીના પહેલાં ચરણમાં ભાનગઢના સોલંકીઓએ ભદ્રાવતી લઇ લીધું. તેમણે ઇસવીસન ૯૨૧-૨૨માં ભદ્રાવતી નામ બદલીને ભદ્રેશ્વર કર્યું.

✔ ઓખામંડલનાં રાજાઓ ---

➡ સૌરાષ્ટ્રમાં વસતા રાજપૂતોમાં ચાવડાઓ ત્યાં ઘણાં પ્રાચીનકાલથી વસેલા જણાય છે. અનુશ્રુતિ અનુસાર તેઓ સૌરાષ્ટ્રમાં છઠ્ઠા સૈકામાં સર્વોપરી સત્તા ધરાવતા હતા. તે સમયે તેમાંના અખેરાજે ઓખામંડલ ઉપર હુમલો કર્યો અને ત્યાં રાજ્યસત્તા સ્થાપી. તેનાં પછી તેનો પુત્ર ભુવડરાય ને પછી તેનો પુત્ર જયસેન ગાદીએ આવ્યો. જયસેને ચાવડાપાદર નામે ગામ વસ્વ્યું. એ જુના શહેરના ખંડીયેર હાલના મૂળવાસર ગામની પડોશમાં દેખા દે છે. ચાવડાપાદર પાસે તેમને મોટું સરોવર બંધાવ્યું તે હાલનું મૂળવાસરેનું સરોવર છે. જયસેનને કોઈ જ સંતાન ન્હોતાં. જયસેન પછી તેનો ભાઈ જગદેવ પહેલો રાજા થયો. તેમણે ૨૧ વરસ રાજ્ય કર્યું. જયદેવ પછી તેનો પુત્ર મંગળજી, તેમનાં પછી તેમનો પુત્ર દેવલદેવ અને તેના પછી તેનો પુત્ર જગદેવ બીજો રાજા થયો. આ જગદેવને બે પુત્ર કનકસેન અને અનંતદેવ થયાં. કનકસેને કનકપૂરી (હાલનું વસઈ - જીલ્લો જામનગર) વસાવી ત્યાં જૈન દેરાં બંધાવ્યા. અનંતદેવે દ્વારકામાં અલગ રાજ્ય સ્થાપ્યું પરંતુ તે દેવધામમાં તેની સત્તા ઝાઝો સમય ટકી નહીં. અખેરાજ છઠ્ઠી સદીમાં થયો હોઈ તેની છઠ્ઠી પેઢીએ થયેલો અનંતદેવ સાતમી - આઠમી સદીમાં થયો હોવો જોઈએ.

✔ દીવનું ચાવડા રાજ્ય ---------

➡ દીવમાં ચાવડાઓનું રાજ્ય આઠમી સદીમાં સ્થપાયું અને ૧૧મી - ૧૨મી સદી ચાલુ રહ્યું એવું અનુશ્રુતિ જણાવે છે.

✔ સોમનાથ પાટણનું ચાવડા રાજ્ય --------

➡ સૌરાષ્ટ્રમાં ચાવડાઓનું રાજ્ય આ ઉપરાંત સોમનાથ પાટણમાં પણ હતું એવું અનુશ્રુતિ જણાવે છે. આ રાજ્ય ૧૧મી સદીમાં મહમુદ ગઝનીએ તે સ્થળ જીત્યું અને પછી ત્યાં વાજાઓની સત્તા સ્થપાઈ તે પહેલાં થયું હોવાનું માલૂમ પડે છે. પરંતુ તેની પૂર્વ મર્યાદા વિષે કંઈ જાણવા મળતું નથી.

✔ કચ્છનાં ચાવડાઓ -------

➡ કચ્છમાં પાટગઢ, ભૂઅડ વગેરે સ્ત્લોએ જે ચાવડા રાજ્યો થયાં તે અનુ - મૈત્રકકાળમાં થયાં જણાય છે.

✔ ભીનમાલનું ચાવડા રાજ્ય --------

➡ પ્રસિદ્ધ જ્યોતિષી બ્રહ્મગુપ્ત પોતાનાં "બ્રહ્મસ્કૂટ સિધ્ધાંત"માં જણાવે છે કે તેમણે તે ગ્રંથ ચાપ વંશના રાજા વ્યાઘ્રમુખના રાજ્યકાલ દરમ્યાન ઇસવીસન ૬૨૮-૬૨૯માં લખ્યો. બ્રહ્મગુપ્તે પોતાનું કે તે રાજાનું સ્થાન જણાવ્યું નથી પરંતુ બ્રહ્મગુપ્ત ભિલ્લમાલકાચાર્ય તરીકે ઓળખાતા તે પરથી તે રાજાની રાજધાની ભિલ્લમાલ (ભીનમાલ હોવા સંભવે છે. આ ચાપ વંશ તે સ્પષ્ટતઃ ચાવડા વંશ છે.

➡ વસંતગઢ (જી. સિરોહી)માંથી મળેલા એક શિલાલેખમાં જણાવ્યું છે કે ઇસવીસન ૬૨૫-૨૬માં વટગામમાં દેવીનું મંદિર બંધાયું ત્યારે ત્યાં રાજા વર્મલાતનો ખંડિયો રાજિલ રાજ્ય કરતો હતો. આ લેખમાં રાજા વર્મલાતની રાજધાની જણાવી નથી તેમ જ તે કયા વંશનો હતો તે પણ જણાવ્યું નથી. પ્રભાવકચરિતની અંદર આપેલાં "મહાકવિશ્રી સિધ્ધાહર્ષચરિત"માં રાજા વર્મલાતનો ઉલ્લેખ આવે છે અને તેમાં તે ગુર્જરદેશના શ્રીમાલપુર માં રાજ્ય કરતો હોવાનું જણાવ્યું છે. આ વર્મલાત અને વસંતગઢના શિલાલેખમાં જણાવેલો વર્મલાત શ્રીમાલ અર્થાત ભિલ્લમાલમાં અને ઇસવીસન ૬૨૫-૬૨૬ની આસપાસ રાજ્ય કરતો હતો.

➡ બ્રહ્મગુપ્તે જણાવેલો ચાપવંશનો વ્યાઘ્રમુખ ઇસવીસન ૬૨૮-૬૨૯માં બિલ્લમાલમાં રાજ્ય કરતો હતો અને આ રાજા વર્મલાત ઇસવીસન ૬૨૫-૬૨૬માં એ જ સ્થળે રાજ્ય કરતો હતો તો વર્મલાત ઘણું કરીને વ્યાઘ્રમુખના ફૂલનો હોવો જોઈએ. અર્થાત વ્યાઘ્રમુખની જેમ વર્મલાત પણ ચાપ (ચાવડા)વંશનો હોવા સંભવે છે.આ પરથી ભિલ્લમાલમાં ઇસવીસન ૬૨૫ - ઇસવીસન ૬૨૯ની આસપાસ ચાવડા વંશની સત્તા પ્રવર્તતી એવો સંભવ ફલિત થાય છે. નવસારીના ચાલુક્ય રાજા પુલકેશીના તામ્રપત્ર (ઇસવીસન ૭૩૯)માં તાજિક (અરબ) સૈન્યે સૈન્ધવ,કચ્છેલ્લ, સૌરાષ્ટ્ર, ચાવોટક, મૌર્ય, ગુર્જર આદિ રાજ્યો પર આક્રમણ કર્યાનું નોંધાયું છે. પરંતુ ત્યારે ત્યાં કયા વંશનું રાજ્ય હતું તે જણાવ્યું નથી. છતાં ઉપર જણાવ્યા મુજબ તે સમયે ત્યાં ચાપ વંશનું રાજ્ય હોવાં સંભવે છે.

➡ હજી બીજાં રાજવંશો અને એની ચર્ચા બાકી છે જે બીજાં ભાગમાં આવશે .
ભાગ - ૧ સમાપ્ત.
ભાગ - ૨ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

------- જનમેજય અધ્વર્યુ

Sarjak : જો આપ પણ લેખક છો અને આપની પાસે પણ લોક સાહિત્ય, પૌરાણિક કથા, લોક કથાઓ અથવા ભારતીય તેમજ અન્ય પ્રકારની ઈતિહાસને લગતી રસપ્રદ માહિતી છે. તો સર્જકના માધ્યમથી તમે એ માહિતીને અન્ય લોકો સુધી પહોચાડી શકો છો. સર્જક પર તમારી રચના પ્રકાશન માટે મોકલવા તમારે માત્ર hello@sarjak.org પર આપની રચનાને મોકલવાની રહશે.

નોંધ : સર્જક પર પ્રકાશિત સાહિત્ય જે તે લેખક અથવા સંકલનકર્તાની સમજ અને માહિતી પર આધારિત છે. સર્જક માત્ર પ્રકાશન મંચ છે. સાહિત્યમાં ક્ષતિ, અભાવ અથવા અન્ય માહિતી આપની પાસે હોય તો આપ સર્જકને જણાવી શકો છો.

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.