Sun-Temple-Baanner

રાજા વનરાજ ચાવડા | ભાગ – ૧


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રાજા વનરાજ ચાવડા | ભાગ – ૧


⚔ ચાવડાયુગ શૌર્યગાથા   ⚔

ஜ۩۞۩ஜ રાજા વનરાજ ચાવડા ஜ۩۞۩ஜ

(ઇસવીસન ૭૪૬ - ઇસવીસન ૮૦૬ )

-------- ભાગ - ૧ --------

➡ ઇતિહાસની વાહ વાહ ત્યારે જ થાય જયારે તેમાં ઘટના હોય અને એ ઘટનાનું નિરૂપણ સાચી રીતે થયું હોય. સાવ સરળતાથી દીર્ઘ શાસન પૂરાં કરેલાં રાજવંશનો કોઈ જ મતલબ હોતો નથી. ચાવડાવંશની જો વાત કરીએ તો એમાં ઘટનાઓ તો છે પણ એનું બરોબર નિરૂપણ થયેલું નથી. સાલવારીની માથાકૂટ બાજુએ મુકીએ તો રાજા વનરાજ ચાવડાનાં જન્મથી માંડીને એમનાં અંત પછી ક્ષેમરાજ સુધી ઘણી ઘટનાઓ બની છે. કારણ કે આ એક એવો સમય હતો કે જ્યારે ગુજરાતમાં પ્રાંતે પ્રાંતે ઘણાં રાજવંશો રાજ્ય કરતાં હતાં અને તેઓ તથા બાહરના રાજ્યો એક બીજાં સાથે યુદ્ધો પણ કરતાં હતાં બહારનાં રાજાઓએ ઘણાં આક્રમણો પણ કર્યા હતાં જેનો ભોગ આ પંચાસર પરગણું પણ બની જ ચ્ચુક્યું હતું. આપણને ઇતિહાસમાં માત્ર ચાર જ રાજાઓ ગુજરાતનાં ભણવામાં આવતાં હતાં તે તો યાદ છે ને ! સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, કર્ણદેવ વાઘેલા અને વનરાજ ચાવડા. કોલેજકાળ દરમિયાન જ આપણે સોલંકીયુગના સુવર્ણયુગનાં અન્ય રાજાઓથી વાકેફ થયાં એ જ સમય દરમિયાન આપણે વાઘેલાવંશ અને ચાવડા વંશ વિષે પરિચિત થયાં હતાં. ત્યાર પછી જ આપણે ગુજરાતનો સમગ્ર ઈતિહાસ ભણ્યાં છીએ. વનરાજ ચાવડાની વાત કરીએ તો એમનું જીવન એ કોઈ ફિલ્મી કથાથી કમ નહોતું. તાત્પર્ય એ કે રાજા વનરાજ ચાવડામાં ઘણી ઘટનાઓ છે એમણે ન માત્ર ચાવડાવંશની સ્થાપના કરી પણ ગુજરાતને રાગેપાટે ચડાવી એને સમૃદ્ધ પણ બનાવ્યું હતું.

કહેવાનો મતલબ એ છે કે ગુજરાતના ઇતિહાસમાં રાજા વનરાજ ચાવડાનું મહત્વ ઘણું જ છે. તો એમને વિશે પણ જાણી જ લઈએ આપણે !✔ રાજા વનરાજ ચાવડાનો જન્મ અને એમની પ્રારંભિક કારકિર્દી --------

➡ રાજા વનરાજના પૂર્વજો (એમનાં માતા - પિતા વિષે જે કંઈ માહિતી ઉપલબ્ધ થાય છે તે પરથી તેમના જન્મ અને બાળપણ વિષે ઘણું જાણવાનું મળે છે.

➡ આ સંબંધી સૌ પ્રથમ કથા મેરુતુંગનાં પ્રબંધ ચિંતામવણિ (ઇસવીસન ૧૩૦૫)માંથી મળી રહે છે. તેમાં જણાવ્યા પ્રમાણે કાન્યકુબજનાં એક ભાગ રૂપ ગુર્જરભૂમિમાં વઢિયાર નામના પ્રદેશમાં પંચાસર ગામમાં ચાપોત્કટ વંશના બાળકને વણ નામના ઝાડ ઉપર બાંધેલી ઝોળીમાં રાખી તેમની માતા લાકડાં વીણતી હતી ત્યાં પ્રસંગોપાત જૈનાચાર્ય શીલગુણસૂરિ આવી ચડયા અને તે બાળકને જોઇને એ જૈનધર્મનો પ્રભાવક થશે એમ વિચારી તેણે તથા તેની માતાને સાથે લઇ ગયાં. બાળકને તેમની એક શિષ્યા વીરમતીને ઉછેરવા માટે આપ્યો. શીલગુણસૂરીએ તેનું નામ "વનરાજ" પાડયું.

➡ વનરાજ જયારે આઠ વર્ષના થયા ત્યારે મુનીએ તેણે પૂજાનાં સાધનોનું ઉંદરોથી રક્ષણ કરવાનું કામ સોંપ્યું. પરંતુ તેણે તો ઉંદરોનો નાશ જ કરવા માંડયો એટલે મુનીએ તેની જન્મકુંડલીમાં રાજયોગ છે તથા તે મોટો રાજા થશે એવો નિર્ણય કરીને તેને તેની માતાને પાછો સોંપ્યો. આ રીતે માતાની સાથે ભીલોના કોઈ ગામમાં (પલ્લીભૂમૌ} રહીને ચોરીના ધંધા કરીને રહેતાં અને પોતાનું ગુજરાન ચલાવતાં પોતાનાં મમ સાથે બધે ધાડો પાડવા લાગ્યો.

આગળ જતા કાકર નામના ગામમાં એક વેપારીને ઘેર ખાતર પાડી ધન ચોરતાં દહીંના વાસણમાં હાથ પડયો એટલે અહીં તો જમ્યા બરાબર ગણાય એવું વિચારી બધું ચોરેલું ધન ત્યાં જ મુકીને પાછો વળી ગયો. બીજે દિવસે તે વેપારીની બહેન શ્રીદેવીએ રાતે છાની રીતે સહોદરનાં હેતથી તેણે બોલાવી ભોજન તથા લૂગડાં આપી તેની ઉપર ઉપકાર કર્યો ત્યારે વનરાજે તેને વચન આપ્યું કે -- "મારો રાજ્યાભિષેક થશે ત્યારે તારી પાસે તિલક કરાવીશ."

➡ વળી, એક વખત ચોરનો ધંધો કરતાં વનરાજના સાથી ચોરોએ જંગલમાં એક ઠેકાણે જામ્બ નામનાં વાણિયાને કોઈકનું ધન લૂંટી લેવા રોક્યો. પણ તેણે ત્રણ ચોરોને જોઇને પોતાની પાસેનાં પાંચ બાણમાંથી બે બાણ ભાંગી નાખ્યા અને ચોરોએ એમ કરવાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે -- "તમે ત્રણ છો માટે ત્રણથી વધારે બાણ નકામાં છે." ત્યારે તેની પરીક્ષા કરવાનાં હેતુસર તેઓએ બતાવેલ ફરતી વસ્તુણે તેણે વીંધી નાંખી. તે જોઈ તેઓ ખુશ થયાં અને પોતાની સાથે લઇ ગયાં અને વનરાજે તેની યુદ્ધ કરવાની કળા જોઇને "મારો રાજ્યાભિષેક થાય ત્યારે તું મહામાત્ય થઈશ." એમ વચન આપીને તેને જવા દીધો.

➡ પ્રબંધ ચિંતામણિમાં તે પછી કાન્યકુબ્જનાં એક રાજાએ પોતાની પુત્રી શ્રી મહણિકાને પહેરામણીમાં ગુર્જર દેશ આપેલો તેની ખંડણી ઉઘરાવવા કાન્યકુબ્જથી જે "પંચકુલ (પંચોલી)આવેલો તેણે વનરાજને સેલ્લભૃત (ઉઘરાણી કરનાર માણસો સાથે રક્ષક ભાલો લઈને ફરનાર) નીમ્યો તે વાત આપી છે. તે છ મહિના સુધી દેશમાંથી વસૂલ ઉઘરાવીને ૨૪ લાખ રૂપાના દ્રમ્સ અને ચાર હજાર તેજો જાતિના ઘોડા એટલું લઈને સ્વદેશ તરફ પાછાં ફરતાં પંચકુલને સૌરાષ્ટ્ર નામના ઘટમાં વનરાજે હણી નાંખ્યો અને તેના રાજાની બીકથી ક્યાંક જંગલમાં એક વર્ષ સુધી પોતે છુપાઈ રહ્યો.

➡ ત્યારબાદ તેઓ રાજા થયાં ......

➡ પુરાતન પ્રબંધ સંગ્રહમાં પણ લગભગ આવી જ વાત વણી લેવામાં છે તેમાં પણ જામ્બ વાણિયા સાથેનો તેમ જ કાકર ગામની શ્રીદેવી સાથેનો પ્રસંગ સુધારાવધારા સાથે આપ્યો છે. આમાં પ્રબંધ ચિંતામણિની કાન્યકુબ્જની મહણિકાવાળી વાત પણ કંઇક ફેરફાર સાથે આપી છે. ત્યાર બાદ વનરાજે અણહિલ ગોવાળે દર્શાવેલ વીરક્ષેત્રમાં અણહિલપુર સ્થાપીને શ્રીદેવી પાસે તિલક કરાવી ગુરુઓ વડે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. તો ધર્મારણ્યમાં પણ કંઇક અલગ જ વાત કરવામાં આવી છે ત્યાર બાદ તેમને પાટણ શહેર વસાવ્યું અને પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો એમ પણ કહ્યું છે.

➡ રત્નમાલામાં રાજા વનરાજના બાળપણ વિશેની વાત વધુ આપી છે. તેમાં જણાવ્યા પ્રમાણે જયશિખરીએ તેની સગર્ભા પત્ની રૂપસુંદરીને તેના ભાઈ સુરપાળ સાથે વનમાં મોકલી હતી. તેની સાથે રહીને વિક્રમજીતના શકના વર્ષ સાતસોને બાવને વસંત ઋતુ અને વૈશાખ મહિનાની પૂર્ણિમાની તિથિ હતી ત્યારે તેણે પુત્રને જન્મ આપ્યો. બાળક ૬ માસનો થતા વનમાં કોઈ જતિ આવ્યો. ત્યાર પછી તેણે "વનરાજ" નામ આપ્યું અને તે પોતાની સાથે શહેરમાં તેને લાવ્યો.

➡ સિંહના બચ્ચા જેવો વનરાજ ચૌદ વર્ષની ઉંમરનો થતાં હિમ્મત, બળ તથા બુદ્ધિવાળો થયો અને ગુજરાત પર રાજ્ય કરવાની ચાહના કરવાં લાગ્યો.

➡ મિરાતે અહમદી (૧૮મા દશકાની મધ્યમાં)જણાવ્યા પ્રમણે વનરાજના જીવનઘડતર વિષે આગળ આવી ગઈ એવી જ બાબતો છે. પરંતુ આમાં જણાવ્યું છે કે વનરાજની માતાએ તેને વગડામાં જન્મ આપ્યો પછી સબલદેવ નામનો સત્યધારી તેની વાત સાંભળી તેને રાધનપુર લઇ ગયો. પુખ્ત ઉંમરે પહોંચતા તે તે હલકા માણસોની સોબતથી લૂંટફાટ કરવા લાગ્યો. ગુજરાતના ધણીની તિજોરી કનોજ જાતિ હતી તે તેણે લૂંટી. ચંદીના નામે એક વાણિયો તેનો સોબતી થયો. તેને (વનરાજને) તેણે (વાણિયાએ)ખોટા માર્ગેથી સુમાર્ગે દોર્યો, જેથી તે ૫૦ વર્ષે રાજકર્તા થયો. પોતે જાતે વનરાજનું નામ ધારણ કર્યું.

✔ પાટણની સ્થાપના અને રાજા વનરાજનો રાજ્યાભિષેક ---------

➡ વનરાજે પોતાની બાળપણની કારકિર્દી આવી રીતે ઘડયા પછી અણહિલપુર પાટણની સ્થાપના કરી એટલે કે એને વસાવ્યું અને ત્યાં પોતાનો રાજ્યાભિષેક કર્યો.

➡ તે બાબતમાં..... સ્થળની પસંદગી કરવાં માટે વનરાજ ફરતો હતો ત્યાં જંગલમાં અણહિલ નામનો ગોવાળ મળ્યો. તેણે પોતાનું નામઆપ્યું ત્યારે તેણે એવું સ્થળ બતાવવા કહ્યું જે શૂરભૂમિ હોય. વનરાજે વચન આપ્યા પ્રમાણે તેણે એક સસલું જ્યાં શિકારી કૂતરા પર ધસી આવ્યું હતું તે જગ્યા બતાવી અને ત્યાં વનરાજે તેના (અણહિલ ગોવાળના) નામથી અણહિલવાડ પાટણની સ્થાપના કરી. આ વાત ઘણાં બધાં ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. મોહરાજ પરાજયથી માંડી મિરાતે અહમદી સુધીમાં આ વાત મળી રહે છે. અણહિલવાડ પાટણમાં ચાપોત્કટ રાજાના ધવલગૃહ હોવાં વિશેનો ઉલ્લેખ મોહરરાજ પરાજયમાં આવે છે. હેમચંદ્રાચાર્ય કૃત દ્રયાશ્રય પરની ટીકામાં અભયતિલકગણિ જણાવે છે કે અગાઉ વનરાજે નવું નગર વસાવવા ભૂમિ શોધવાં ફરતો ફરતો અરણ્યમાં અણહિલ નામનાં ગોવાળને મળ્યો. ત્યારે તેણે એક સ્થળે કુતરાને મારતું શિયાળ જોયું ત્યાં જ અણહિલે વનરાજ પાસે પોતાના નામનું નગર વસાવવ્ડાવ્યું એવી લોકશ્રુતિ પ્રચલિત થઇ છે. પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે વનરાજે કનોજના રાજાની તિજોરી લૂંટયા પછી ૧ ૧ વર્ષ જંગલમાં છુપાઈ રહ્યો ત્યાર બાદ પોતાનાં રાજ્યના નગર માટે યોગ્ય ભૂમિ શોધતાં અણહિલ ભરવાડ દ્વારા જ્યાં સસલાએ કુતરાને બીવરાવ્યો તેવી વીરભૂમિ પસંદ કરી ત્યાં વિક્રમ સંવત ૮૦૨ વૈશાખ સુદ બીજને સોમવારે વનરાજે અણહિલવાડની સ્થાપના કરી. બિલકુલ આવી જ વાત પુરાતન પ્રબંધસંગ્રહમાં પણ લગભગ આ વાત આપી છે.

➡ પાટણની સ્થાપનાનું વર્ષ તો લગભગ દરેક ગ્રંથમાં વિક્રમ સંવત ૮૦૨ જ આપવામાં વેલુ છે પણ જોવાની ખૂબી એ છે કે દરેકમાં મહિનો અને વાર અને તિથિ અલગ અલગ આપવમાં આવેલાં છે. માત્ર એક વિચારશ્રેણીમાં વિક્રમ સંવત ૮૨૧ આપવામાં આવી છે. સોલંકી વંશના રાજાઓના સમય માટે પણ વિચારશ્રેણી ૧૯ વર્ષ મોડાં આપે છે. એમાંની અમુક શ્રધ્ધેય છે એવું સિદ્ધરાજ જયસિંહનાં સાંભર શિલાલેખમાંનાં ઉલ્લેખ પરથી નિશ્ચિત થયું છે. આ અનુસાર વનરાજનો રાજ્યાભિષેક વિક્રમ સંવત ૮૦૨માં થયો હોવાનું સંભવે છે. પરંતુ આ વર્ષની અંદરની મિતિ માટે જુદી જુદી ૬ મિતિઓ મળે છે.

➡ વનરાજે અણહિલવાડ વસાવ્યા પછી રાજ્યાભિષેક કરાવતી વખતે તેમને તેમની શરૂઆતની કારકિર્દી દરમ્યાન આપેલ વચનો પ્રમાણે શ્રીદેવી પાસે રાજતિલક કરાવ્યું અને જામ્બ વાણિયાને મહામાત્ય નીમ્યો. તે વિશેનો સીધો ઉલ્લેખ સર્વ પ્રથમ પ્રબંધ ચિંતામણિમાં મળે છે. વિક્રમ સંવત ૮૦૨મ નવા વસાવેલા અણહિલપૂરમાં ધવલગૃહ કરાવીને રાજ્યાભિષેક મુહુર્ત વખતે કાકર ગામમાં રહેતી તેણે માનેલી બહેન શ્રીદેવીને બોલાવી તેની પાસે તિલક કરાવ્યું તથા જામ્બ વાણિયાને મહામાત્ય નીમ્યો. આ સમયે વનરાજ ૫૦ વર્ષનાં હતાં. આ જ રીતની વાત પુરાતન પ્રબંધ સંગ્રહમાં પણ મળે છે.

✔ રાજા વનરાજના સમકાલીન કનોજ નરેશનું અભિજ્ઞાન ---------

➡ રત્નમાલામાં પંચાસરના ચાવડા રાજા જયશિખરીને કાન્યકુબ્જ દેશના કલ્યાણકટકનાં સોલંકી રાજા ભુવડે યુદ્ધમાં માર્યો તેનાં આધારે બોમ્બે ગેઝેટિયરમાંના ગુજરાતના પ્રાચીન ઇતિહાસના લેખકો ધારે છે કે આ રાજા ભુવડ તે "ભુવડ "નામ કે બિરુદ ધરાવતો ગુજરાતનો કોઈ સોલંકી રાજા હોવો જોઈએ અને રત્નમાલાનાં લેખકે આ રાજા સોલંકી હોવાને લીધે અને આગળ જતાં સોલંકી રાજાઓ કલ્યાણકટક સાથે સાંકળી દીધો હોય અને એ કલ્યાણકટકને કાન્યકુબ્જ દેશ સાથે સાંકળી દીધું હોય તેવું લાગે છે. વળી, એ વધારે સંભવિત છે કે પંચાસરના ચાવડા રાજ્યનો નાશ ઇસવીસન ૬૯૬માં ભુવડ વડે નહી પણ ઇસવીસન ૭૨૦નાં અરસામાં થયેલ આરબ હુમલાને લઇને થયો હશે એવું ઘણાં બધાં માને છે. આ અગાઉ રાસમાલામાં રત્નમાલાને આધારે ભુવડને કલ્યાણનગરના સોલંકી વંશનો રાજા ગણેલો પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ એ બંધ બેસે છે કે નહીં તેનો વિચાર કરેલો નહીં. આમાં કેટલાંકે વૃત્તાંત ઉમેર્યા છે. તેમાંથી નીકળતાં મુદ્દા નીચે પ્રમાણે છે ---

✅ (૧) વિક્રમ સંવત ૮માં શતકમાં કનોજના રાજા સામે (અથવા સુધન્વાએ ) ગુજરાતના રાજાને નસાડી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું.

✅ (૨) કનોજના રાજાએ પોતાની રત્નગંગા નામે પુત્રી વલભીનાં રાજા ધ્રુવપટ્ટને અને બીજી પુત્રી લાટ દેશના રાજાને પરણાવી.

✅ (૩) કનોજનો રાજા રાષ્ટ્રકૂટ વંશનો હતો. તે ગોપગિરિમાં રહેતો હતો. તે સાર્વભૌમ રાજા થયો હતો. તે વેદધર્મ છોડી બૌદ્ધધર્મી થયો હતો અને પોતાના જમાઈઓને પણ બૌદ્ધધર્મી બનાવ્યાં હતાં.

✅ (૪) આમ રાજાએ ગુર્જરદેશનું રાજ્ય પુત્રી રત્નગંગાને કાંચળીમાં આપ્યું

✅ (૫) વલભીના બૌદ્ધ રાજાએ ગુર્જરદેશના બ્રહ્મનો ઉપર કર નાંખ્યો. બ્રાહ્મણો પંચાસરનાં ચાપોતકટ રાજા જયશિખરી પાસે ગયાં. તેમણે ગુર્જરદેશનું રાજ્ય જીતી લીધું અને બ્રાહ્મણોનો કર માફ કર્યો.

✅ (૬) આ ખબર મળતાં કનોજનો રાજા જયશિખરી પર ચઢી આવ્યો. જયશિખરીએ પોતાની ગર્ભિણી રાણી (અક્ષતા)ને ધર્મારણ્ય ક્ષેત્રમાં મોકલી દીધી.

✅ (૭) ત્યાં રાણીને વનરાજ નામે પુત્ર જન્મ્યો. વનરાજે મોટાં થતા કનોજના ભૂભટરાજાનું સૈન્ય ગુર્જરદેશની ખંડણી ઉઘરાવી કનોજ જતું હતું તેને લુંટી લીધું. એક વર્ષ છુપાઈ રહ્યાં પછી વનરાજ ગુર્જરદેશનો રાજા થયો.

➡ હ્યુએનસંગની પ્રવાસ નોંધ પરથી ઇતિહાસમાં જાણવાં મળ્યું છે કે કનોજના રાજા શીલાદિત્યે (હર્ષવર્ધને) પોતાની પુત્રી વલભીના રાજા ધ્રુવપટુને પરણાવી હતી. આ બાબત અત્યારના ઈતિહાસકારોએ કનોજનાં આમ રાજાની પુત્રી રત્નગંગા સાથે સાંકળી લાગે છે. આગળ જતાં (અગિયારમી સદીમાં) ક્નોજમાં રાઠોડ રાજાઓ રાજ્ય કરતાં એને લઈને કનોજના રાજકુલના રાષ્ટ્રકૂટ વંશ સાથેના સંબંધની પ્રસિદ્ધિ પરથી યોજાયું લાગે છે.

➡ ગુજરાતના બ્રાહ્મણો પંચાસરના રાજા પાસે ગયાં. તેમણે ગુજરાતનું રાજ્ય જીતી લઇ, બ્રાહ્મણોનો કર માફ કર્યો અને તે કારણે કનોજના રાજાએ પંચાસર પર ચઢાઈ કરી એવું ધર્મારણ્યમાહાત્મ્ય કે બીજે ક્યાંય આવતું નથી. આમ રાજાનો વૃત્તાંત પદ્મપુરાણ અંતર્ગત ધર્મારણ્યમાહાત્મ્યમાં આપેલો છે. પરંતુ એનો સંબંધ પંચાસર સાથે જોડવામાં આવ્યો નથી. ધર્મારણ્યમાં રાજા વનરાજના જન્મ તથા ઉછેરનો અલગ વૃત્તાંત આપવામાં આવ્યો છે. પરંતુ તેમાં ભુવડ અને જયશિખરીનો વૃત્તાંત ક્યાંય પણ નથી આપવામાં આવ્યો. ધર્મારણ્યનાં બ્રાહ્મણોની વાત અને રત્નમાળામાં આપેલી કનોજનાં ભુવડનાં આક્રમણ અને પંચાસરના જયશિખરીની વાત વચ્ચે કાર્યકારણનો સંબંધ કલ્પનાથી જોડવામાં આવેલો જણાય છે.

➡ વનરાજે મોટાં થઇ કનોજના રાજાની ખંડણી લૂંટી અને ગુર્જરદેશનું રાજ્ય મેળવ્યું એ બાબત સ્પષ્ટત: જૈન પ્રબંધો પરથી લીધી હોય એવું લાગે છે. પરંતુ પ્રબંધોમાં કનોજના રાજાનું નામ આપવામાં આવ્યું નથી. જયારે અહી ભૂભટ રાજાનું નામ આપ્યું છે રત્નમાલામાં આવતાં ભુવડ નામ પરથી આવ્યું જણાય છે. અત્યારના ઈતિહાસકારોએ વનરાજ તથા તેના પિતાને લગતી જે જુદી જુદી અનુશ્રુતિઓ ધર્મારણ્યમહાત્મ્ય, રત્નમાલા જૈન પ્રબંધો વગેરેમાંથી પ્રાપ્ત થાય છે તેને અહીં સાંકળી લઈને એ સર્વમાંથી સૌથી સંભવિત અને સંકલિત ચિત્ર આલેખ્યું છે. અલબત્ત આમાં વર્ષના સમયને લગતી વલભીનાં રાજા ધ્રુવપટની વાત તુલનાત્મક કાલનિર્ણય અનુસાર બંધ બેસતી નથી. પરંતુ જયશિખરીનો વધ કરનાર કનોજનો રાજા તે આમ અને વનરાજે જેનાં સૈન્યની ખંડણી લૂંટી તે કનોજનો રાજા તે ભૂભટ એવો જે અન્વય અત્યારના ઈતિહાસકારોએ રજૂ કર્યો છે તે ઐતિહાસિક દ્રષ્ટિએ તેમ જ તુલનાત્મક કાલનિર્ણયની દ્રષ્ટિએ ઘણો સંભવિત અને ઉપયોગી તર્ક છે. ધર્મારણ્યમાહાત્મ્યનાં આધારે તેમણે રત્નમાલાની વાતમાં રજૂ કરેલો આ સુધારો ખાસ લક્ષ્યમાં લેવાં જેવો છે.

➡ પ્રબંધ ચિંતામણિમાં કાન્યકુબ્જનાં કલ્યાણકટકમાં ભૂચરાજ નામે રાજા રાજ્ય કરતો હતો અને ગુર્જરદેશ વનરાજના સમયે કાન્યકુબ્જ દેશને તાબે હતો એવું જણાવે છે. એ વિધાનોને ઐતિહાસિક દ્રષ્ટિએ તપાસતાં શ્રી રસિકલાલ છો પરીખ સૂચવે છે કે ભિન્નમાલ પ્રતિહારોને બદલે કાન્યકુબ્જનાં પ્રતિહારોનો ગોટાળો લાગે છે. કારણ કે પ્રતિહારોએ કાન્યકુબ્જનો ૯મી સદીના આરંભમાં કબજે કર્યું ત્યારે વનરાજનો જન્મ ૭મી સદીના અંતમાં થયો.

➡ હવે કલ્યાણકટક એ કાન્યકુબ્જ દેશના પાટનગર કાન્યકુબ્જનું જ બીજું નામ છે એ નિશ્ચિત થયું હોઈ એ બાબતમાં કોઈ ગૂંચવાડો રહેતો નથી. છતાં ચાવડાને લગતી અનુકાલીન અનુશ્રુતિઓમાં ગુજરાત, કનોજ, કલ્યાણ અને ચાલુક્યોની જુદાં જુદાં સમયની વિગતો ભેળસેળ થયેલી છે એવું તો શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી પણ માને છે. પરંતુ તેઓ લાટમાં રાજ્ય કરતાં કોઈ ચાલુક્ય રાજાએ પંચાસર પર ચઢાઈ કરી હોય એવી કલ્પનાને તેમ જ પંચાસરને ભિન્નમાલના પ્રતિહારોએ ભાંગ્યું એવા તર્કને ન સ્વીકારતાં પંચાસરનો નાશ સિંધમાંથી ઉતરી આવેલાં આરબ ટોળાએ ઇસવીસન ૭૨૪માં કર્યું હોય એવી બીજી કલ્પનાને ટેકો આપે છે.

➡ ચાવડા વંશને લગતી જુદી જુદી અનુશ્રુતિઓની વિગતો તપાસીને શ્રી કનૈયાલાલ મુનશી પ્રતિપાદિત કરે છે કે પંચાસરનાં રાજ્યનો નાશ કનોજના આમ રાજાએ કર્યો અને આગળ જતાં વનરાજે કનોજના રાજા ભુવડનાં અધિકારી પાસેથી રાજ્ય લીધું એ હકીકત યથાર્થ લાગે છે પરંતુ ઇસવીસન ૬૯૬ - ઇસવીસન ૭૪૬માં કનોજના કોઈ રાજાઓની સત્તા ગુજરાત પર હતી નહીં. જયારે કનોજના પ્રતિહાર રાજા નાગભટ બીજાનાં સમયથી કનોજના એ વંશની સત્તા ગુજરાત પર હતી તેથી જયશિખરી અને વનરાજનો આનુશ્રુતિક સમય સુધારીને એટલો મોડો કરવો જોઈએ. તેઓ આમ રાજાને નાગભટ બીજા (લગભગ ઇસવીસન ૭૯૨-ઇસવીસન ૮૩૪) તરીકે અને ભુવડને મિહિરભોજ ઇસવીસન ૮૩૬- ઇસવીસન ૮૮૫ તરીકે ઓળખાવે છે.

➡ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી મુનશીના મતને સમર્થન આપે છે અને વધારામાં લખે છે કે પ્રણાલીગત મિતિનાં વર્ષ ૭૫૨ને વિક્રમ સંવતને બદલે શક સંવતનું ગણીએ તો જયશિખરીનાં મૃત્યુની સાલ ઇસવીસન ૬૯૬ને બદલે ઇસવીસન ૮૩૦ની આવે ને તો પછી નાગભટ બીજાના રાજ્યકાલ સાથે મેળ મળી રહે એવી રીતે વનરાજે કરેલી અણહિલવાડ રાજ્યની સ્થાપનાનું પ્રણાલીગત વર્ષ ૮૦૨ પણ વિક્રમ સંવતને બદલે શક સંવતનું ગણવામાં આવે તો એ બનાવ ઇસવીસન ૭૪૬ને બદલે ઇસવીસન ૮૮૦નો ગણાતાં એનો મેલ મિહિરભોજનાં રાજ્યકાલ સાથે મળે.

➡ આમ.... વનરાજે જે રાજા પાસેથી રાજ્ય પડાવી લીધું તે રાજા કોણ એ બાબતમાં મુખ્યત્વે બે વિચારસરણી પ્રવર્તે છે. એક વિચારસરણીમાં જયશિખરીનું મૃત્યુ વિક્રમ સંવત ૭૫૨માં અને વનરાજનું રાજ્યારોહણ વિક્રમ સંવત ૮૦૨માં થયું તે આનુશ્રુતિક વર્ષોને પ્રમાણભૂત ગણી જયશિખરી અને વનરાજના સમયના રાજાઓને કલ્યાણનાં અથવા ભિન્નમાલનાં માનવામાં આવ્યાં છે. કેમ કે એ વર્ષ કનોજના રાજાઓને લાગુ પડતાં નથી.

➡ બીજી વિચારસરણીમાં કનોજના તે તે રાજાએ ગુજરાતના અમુક ભાગ પર સત્તા જમાવેલી એવું કેટલાંક બીજાં સાધનોને આધારે સમર્થન મળે છે. જ્યારે પહેલી વિચારસરણીમાં સુચવેલા સમકાલીન રાજાઓની બાબતમાં એવું કોઈ સમર્થન મળતું નથી. આથી બીજી વિચારસરણીમાં સુચવેલા મુદ્દા વધારે લક્ષમાં લેવાં જેવાં લાગે છે.

➡ વનરાજની પ્રારંભિક કારકિર્દી તથા રાજ્યપ્રાપ્તિણે લગતી પ્રાચીન અનુશ્રુતિ પ્રબંધ ચિંતામણિમાં મળે છે. એમાં વનરાજે જે જે રાજા પાસેથી ગુજરાત જીતી લીધું તે રાજા કનોજનો હતો અને તેણે ગુજરાતની ખંડણી પોતાની કુંવરી મહણિકાને આપી હતી એવું જણાવ્યું છે પરંતુ તે રાજાનું નામ આપ્યું નથી.

➡ વનરાજ અને તેમનાં પિતા જયશિખરીને લગતી લોકપ્રિય અનુશ્રુતિ રત્નમાલામાં મળે છે. એમાં જયશિખરીનાં રાજ્ય પર ચઢાઈ કરનાર કનોજનો રાજા ભુવડ હતો અને જયશિખરીનાં મૃત્યુબાદ જન્મેલો વનરાજ મોટો થતાં ગુજરાતનું રાજ્ય મેળવવા ચાહતો હતો એટલું જ જણાવ્યું છે પરંતુ વનરાજે એ રાજ્ય કેવી રીતે મેળવ્યું અને તે સમયે ક્નોજનો રાજા કોણ હતો એ જણાવ્યું નથી. અનુશ્રુતિ અનુસાર વનરાજના જન્મ અને રાજ્યારોહણ વચ્ચે ૫૦ વર્ષનો ગાળો રહેલો હોઈ એમનાં રાજ્યારોહણ સમયે ભુવડ ભાગ્યે જ હયાત હોઈ શકે ! કનોજના જ્ઞાત રાજાઓમાં ભુવડ નામે કોઈ રાજા થયો હોવાનું જણાતું નથી. પરંતુ પ્રબંધ ચિંતામણિમાં એક બીજા પ્રબંધમાં કનોજના રાજા ભૂચરાજનો ઉલ્લેખ આવે છે. જિનમંડનગણિ કૃત કુમારપાલ પ્રબંધમાં કનોજના રાજાનું નામ ભુચડ આપવામાં આવ્યું છે અને મહણયદેવી તેની પુત્રી હોવાનું જણાવ્યું છે. આ પરથી ભૂચરાજ અને ભૂચડ એક હોવાનું સ્પષ્ટ થાય છે. રત્નમાલામાં જણાવેલ ભુવડ પણ એક જ હોવાનું સંભવે છે. પ્રબંધો પરથી આ રાજા પુખ્ત વયના વનરાજનો સમકાલીન હતો, જ્યારે રત્નમાલા પ્રમાણે રાજા ભુવડ વનરાજના જન્મ પહેલાં મૃત્યુ પામનાર જયશિખરીનો સમકાલીન હતો.

➡ ધર્મારણ્યમાહાત્મ્યમાં વનરાજના પિતા વિષે જુદી જાતની અનુશ્રુતિ આપી છે અને એમાં વનરાજના જન્મ તથા રાજ્યારોહણ સાથે કનોજના કોઈ રાજાની વાત આપી જ નથી. મિહિરભોજની ગ્વાલિયર પ્રશસ્તિમાં નાગભટ બીજાએ આનર્ત માલવ વગેરે ગિરિદુર્ગો કબજે કર્યાનો ઉલ્લેખ આવે છે. પ્રભાવકચરિતમાં આ રાજાએ સૌરાષ્ટ્રની તીર્થયાત્રા કર્યાનો વૃત્તાંત આવે છે. આ ઉપરથી કનોજનો પ્રતિહાર રાજા નાગભટ - નાગાવલોક - આમ ગુજરાતના અમુક ભાગ પર સત્તા ધરાવતો હોવાનું ફલિત થાય છે.

➡ આ રાજાનો પૌત્ર મિહિરભોજ પણ ઘણો પરાક્રમી હતો. તેણે સૌરાષ્ટ્ર પર આક્રમણ કરેલું એવું સ્કંદપુરાણમાં આપેલી એક કથા પરથી સૂચિત થાય છે. આ રાજાનું અસલ નામ ભોજ છે. નામસામ્ય પરથી આ ભોજ તે પ્રબંધોમાં જણાવેલો ભૂચરાજ અથવા ભૂચડરાજ હોવા સંભવે છે. આ અનુસાર આ રાજા વનરાજે જેના રાજ્યમાંથી ગુર્જરદેશ પડાવી લીધો તે કનોજનો રાજા હોવો જોઈએ. આ મત અનુસાર કનોજનો રાજા ભુવડ તે રાજા જયશિખરીનો નહીં પણ રાજા વનરાજનો સમકાલીન ગણાય.

➡ આથી રત્નમાલામાં જયશિખરીનાં વધ સંબંધી જણાવેલો કનોજનો રાજા ખરી રીતે ભુવડ નહિ પણ એનો કોઈ પુરોગામી હોવો જોઈએ. એને મહણિકા નામે કુંવરી હોય અને તેણે ગુજરાતના પ્રદેશની ખંડણી બાંધી આપી હોય તે તદ્દન સંભવિત છે. તો પછી જયશિખરીનાં મૃત્યુ અને વનરાજના જન્મ સમયનો ક્નોજનો રાજા કોણ હશે ? આ રાજા ધર્મારણ્યમાહાત્મ્યમાં જણાવેલો આમ રાજા હોવો જોઈએ. એ મિહિરભોજનો પિતામહ હોવો જોઈએ. આમ - નાગાવલોક - નાગભટ બીજાંએ આનર્ત દેશ જીત્યો હતો એ ઉલ્લેખ પરથી આ સૂચનને સમર્થન મળે છે. રત્નમાલામાં પંચાસરના જયશિખરીનાં રાજ્ય પર ચઢાઈ કરનાર કનોજના રાજને નાગભટને બદલે ભૂલથી ભુવડ તરીકે ઓળખાવ્યો લાગે છે. આમ નાગભટને રત્નગંગા નામે પુત્રી હોય અને તેણે ધર્મારણ્યનો પ્રદેશ પહેરામણીમાં આપ્યો હોય એ સંભવિત છે.

➡ આમ.... પંચાસર પર ચઢાઈ કરી જયશિખરીનો વધ કરનાર ક્નોજનો રાજા તે ક્નોજનો પ્રતિહાર રાજા નાગભટ બીજો અને વનરાજે જેના રાજ્યમાંથી આનર્તદેશ પડાવી લીધો તે કનોજનો રાજા તે નાગભટ બીજાનો પુત્ર ભોજ (અર્થાત મિહિરભોજ) હોય એ ઘણું સંભવિત છે.

➡ પરંતુ આ રાજાઓના રાજ્યકાલ સાથે અનુશ્રુતિમાં આપેલા વર્ષનો મેળ મળે નહીં. કેમ કે જયશિખરીનું મૃત્યુ ને વનરાજનો જન્મ વિક્રમ સંવત ૭૫૨ (ઇસવીસન ૬૯૬)માં થયો કહેવાય છે. જ્યારે નાગભટ બીજાનો રાજ્યકાલ લગભગ ઇસવીસન ૭૯૨થી ઇસવીસન ૮૩૩નો છે. એવી રીતે અણહિલવાડની સ્થાપના અને વનરાજના રાજ્યારોહણનો સમય વિક્રમ સંવત ૮૦૨ (ઇસવીસન ૭૪૬) કહેવાય છે. જ્યારે મિહિરભોજનો રાજ્યકાળ ઇસવીસન ૮૩૬થી ઇસવીસન ૮૮૫નો છે.આથી કનોજના ઇતિહાસના નિશ્ચિત રાજ્યકાલ સાથે મેળ મેળવવા માટે જયશિખરી અને વનરાજના આનુશ્રુતિક વર્ષોમાં કૈંક સુધારો કરવો જોઈએ એ નક્કી છે.પરંતુ વનરાજની જેમ એના વંશજોના રાજ્યારોહણનાં અનુશ્રુતિમાં જે વર્ષો આપ્યાં છે તેનો પણ આ સાથે વિચાર કરવો પડે આથી આ સમગ્ર પ્રશ્નની ચર્ચા જે આપણે વનરાજના વંશજોની વાત આ અગાઉ કરી ચુક્યા જ છે એમાંથી કૈંક સાર મળે એ એપછી જ કરવી ઉચિત ગણાય.

અહીં ભાગ - ૧ સમાપ્ત.

ભાગ - ૨ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!

!! જય સોમનાથ !!

!! જય મહાકાલ !!

!! હર હર મહાદેવ !!

- જનમેજય અધ્વર્યુ

Sarjak : જો આપ પણ લેખક છો અને આપની પાસે પણ લોક સાહિત્ય, પૌરાણિક કથા, લોક કથાઓ અથવા ભારતીય તેમજ અન્ય પ્રકારની ઈતિહાસને લગતી રસપ્રદ માહિતી છે. તો સર્જકના માધ્યમથી તમે એ માહિતીને અન્ય લોકો સુધી પહોચાડી શકો છો. સર્જક પર તમારી રચના પ્રકાશન માટે મોકલવા તમારે માત્ર hello@sarjak.org પર આપની રચનાને મોકલવાની રહશે.

નોંધ : સર્જક પર પ્રકાશિત સાહિત્ય જે તે લેખક અથવા સંકલનકર્તાની સમજ અને માહિતી પર આધારિત છે. સર્જક માત્ર પ્રકાશન મંચ છે. સાહિત્યમાં ક્ષતિ, અભાવ અથવા અન્ય માહિતી આપની પાસે હોય તો આપ સર્જકને જણાવી શકો છો.

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.