Sun-Temple-Baanner

રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૪


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૪


⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔

ஜ۩۞۩ஜ રાજા કર્ણદેવ વાઘેલા ஜ۩۞۩ஜ

(ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૦૪)

—— ભાગ – ૪ —–


➡ ક્યારેક ક્યારેક આપણને એવું લાગે છે કે ઈતિહાસ અહીં રોકાઈ ગયો છે પણ એવું નથી એ એક એવાં વળાંક પર આવીને ઉભો હોય છે જ્યાં એનું નિરૂપણ બરોબર થયેલું હોતું નથી. જો આ વખતે આપણે જ એનું અર્થઘટન ખોટું કરીશું તો ઇતિહાસમાં તો આવું જ બન્યાં કરશે અવિરત. એ બાબત પરથી આપણે ધડો લેવો જોઈએ કે બનતાં તો બની ગયું પણ ફરીવાર આવું તો ના જ બનવું જોઈએ. આવાં ઇતિહાસનાં પુનરાવર્તન પર રોક જ લગાવવી જોઈએ . ઇતિહાસ આ જ વખતે પરિવર્તન માંગે છે જો તે આપણે લાવી શકીએ તો ઠીક નહિ તો એ કામ સાહિત્યકારો- ઈતિહાસકારો પર છોડી દેવું જોઈએ. જો તેમાં પણ સાહિત્યકારો -ઈતિહાસકારો નિષ્ફળ જાય તો તો તે ઈતિહાસ જ નથી રહેતો માત્ર એક ભૂતકાળનો અઘટિત બનાવ બનીને રહી જાય છે આવાં અનિચ્છનીય ભૂતકાળમાં રચ્યાંપચ્યાં રહેવાં કરતાં એમાંથી બહાર આવી કૈક પરિવર્તન લાવવાં અને નવસર્જન કરવાં દરેકે પ્રયત્ન કરવો જોઈએ. જે આપણે નથી કરી શક્યાં અને નથી જ કરી શકવાનાં એટલે જ આપણે વારતહેવારે સંસ્કૃતિના બણગાં ફૂંક્યા કરીએ છીએ !

➡ સંસ્કૃતિનાં મૂળમાં માનવજાત રહેલી છે એને હાની ના જ પહોંચે એ જ આપણું પરમ અને ચરમ કર્તવ્ય હોવું જોઈએ. જે નથી થતું એનું જ દુખ છે મને ! ઇતિહાસમાં રાજા, પ્રજા અને શિલ્પસ્થાપત્યો તથા ધર્મ આ ચારેનું મહત્વ એકસરખું છે. એમાં જો ભૂલેચુકે ધર્મનું પલ્લું ભારી થઇ જાય તો ઈતિહાસનું ધનોતપનોત નીકળી જાય છે. ઈતિહાસ એ કોઈ એક ધર્મનો તો ઈજારો તો નથી જ તો પછી એ વાત એનાં નિરૂપણ વખતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ !

➡ ઈતિહાસમાં વિવાદો તો ઊભાં થતાં જ રહેવાનાં અને મતમતાંતરો પણ પેદાં થતાં જ રહેવાનાં. કારણ કે ઈતિહાસ પર લાગેલી ધૂળ સાફ કરવાની અને એનાં પર બાઝેલાં જાળાં સાફ કરવાની આપણને એક આદત જો પડી ગઈ છે. આમાં ક્યારેક જ ઈતિહાસ આપણી સમક્ષ આવે છે જે આવે છે એ તો અનુશ્રુતિઓ અને લોકશ્રુતિઓ જ હોય છે. ફિલ્મોમાં જેમ ગીતો અને હિરોઈનોનાં ટૂંકા વસ્ત્રોનું મહત્વ વધી ગયું છે એમ હવે લોકો ઈતિહાસ એ આ શ્રુતિઓ વગર જાણવા મળે જ નહીં એવું ચાલતું આવ્યું છે . બાકી ઈતિહાસ તો હજી પણ વણછુયો જ રહ્યો છે. ઉલ્લેખો અને શિલાલેખો આપણને ઇતિહાસની નજીક જરૂર લઇ જાય છે પણ એ એક પહેલું છે પોતાની પ્રશસ્તિનો . બીજો પહેલું એટલે કે રાજાની હાર અને એની નાકામયાબિતા તો કોઈ બતાવતું જ નથી. ઇતિહાસમાં હાર-જીત તો થતી જ રહેવાની એને ક્યાં સુધી આપણે છાતીએ વળગાડીને જીવવાનું છે ? ક્યારેક તો એ હારને ભૂલવી પડશે અને એ હારને પચાવતાં તો શીખવું જ પડશે ને ! ઘટના વગરનો તો ઈતિહાસ શક્ય જ નથી. પણ એ ઘટના એ દુર્ઘટના ના બનવી જોઈએ આપણે માટે. જે રાજા કર્ણદેવ વાઘેલામાં બન્યું છે એમ જ સ્તો !

➡ ઈતિહાસ પણ અજીબ છે વંશ બદલાય છે અટકો બદલાય છે છતાં એ રાજા પહેલો અને બીજો એમ કહેવામાંથી ઉંચો આવતો જ નથી. પહેલાં સોલંકીવંશમાં રાજા કર્ણદેવ સોલંકી હતાં અને હવે વાઘેલાવંશમાં રાજા કર્ણદેવ વાઘેલા છે તો પછી રાજા કર્ણદેવ પહેલો અને રાજા કર્ણદેવ બીજો એમ કહેવાની શી જરૂર ? આને લીધે જ ઘણી ગેરસમજણો પેદા થઇ છે, રાજા કર્ણદેવ સોલંકીમાં પણ એમને કોક સ્ત્રી સાથે પ્રેમ કરતાં અને રતિક્રીડા કરતાં વર્ણવાયા જ છે અલબત્ત અનુશ્રુતિઓમાં એ જ વાત અહી પણ અનુશ્રુતિઓમાં આવે જ છે એ બે વચ્ચે માત્ર ૨૦૬ વરસનો જ ફર્ક છે. સમય બદલાયો, વંશ બદલાયો પણ આ અનુશ્રુતિઓની આદત ના ગઈ આપણા સાહિત્યકારોની. દરેક વંશમાં આવી કોક વાત લઈને તેઓ હાજર થઇ જ જાય છે. આશાવલ નગરનાં ઉલ્લેખ અને ત્યાં થયેલાં યુદ્ધનો ઉલ્લેખ તો બંને જગ્યાએ છે. કર્ણદેવ સોલંકીમાં તેમને અશાવલ માં આશા ભીલ સામે જીતતાં બતાવાયાં છે તો કર્ણદેવ વાઘેલામાં વાઘેલા સૈન્યને ખિલજી સામે હારતાં. એ તો સારું છે કે કર્ણદેવ સોલંકીને પત્ની તરીકે રાણી મીનળદેવી બન્યાં નહીં તો મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જન્મ જ ના થાત ને ! ને ગુજરાત સુવર્ણયુગથી વંચિત રહી ગયું હોત. એટલો ફેર છે ખાલી એ બંનેમાં. રાજા કર્ણદેવ સોલંકીમાં આ જ જૈન સાહિત્યકારો અને આ જ મેરુતુંગ એને ” કામદેવ સમો ભાસતો” એવો શબ્દપ્રયોગ કરે છે તો રાજા કર્ણદેવ વાઘેલા માટે પણ ” કામદેવ સમો ભાસતો” એવો શબ્દપ્રયોગ કરે છે. આ જ રૂપ પર મીનળદેવી રાજા કર્ણદેવ સોલંકી પર મોહિત થયાં હતાં તો રાજા કર્ણદેવ વાઘેલા વખતે એ મંત્રી માધવનાં પત્ની ક્મલાદેવી પર રાજા કર્ણદેવ વાઘેલા મોહિત થઈને એમને ભગાડીને એમની સાથે લગ્ન કરે છે એવું કહેતાં નજરે પડે છે. આમાં માત્ર જૈન સાહિત્યકારોનો વાંક નથી બીજાં ઘણાં સાહિત્યકારો અને મુસ્લિમ સાહિત્યકારો પણ આ જ વાતને અનુમોદન આપતાં નજરે પડે છે. કર્ણદેવ વાઘેલા વખતે આશાવલ બધે જ ઉલ્લેખિત છે તો રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગર કેવી રીતે વસાવ્યું ! પુરાત્વખાતાંના પુરાવાઓમાં કે એમની વિદ્યામાં જ કોઈક ખામી હશે એમ માનીને જ આપણે ચાલવું પડશે .કારણકે અલ્લાઉદ્દીન ખિલજીએ અસાવલ જીતી ધોળકા બાજુ પ્રયાણ કર્યું એવો ઉલ્લેખ તો ઘણી બધી જગ્યાએ થયો છે. કર્ણાવતી નાગર અને કર્ણદેવ સોલંકીને સીધો સંબંધ છે ……. નહીં કે કર્ણદેવ વાઘેલા સાથે! આ વાત એટલાં માટે કરું છું કે કેટલાંક અક્કલમઠ્ઠાઓ કોલર ઉંચો રાખીને એમ કહેતા ફરે છે કે — કર્ણાવતી નગર એ કર્ણદેવ વાઘેલાએ વસાવ્યું હતું. જે સરસર ખોટું જ છે અને એ વાત જ બિનપાયાદાર છે. કર્ણદેવ વાઘેલા અને કર્ણાવતી નગર સાથે કોઈ પણ સંબંધ નથી.

➡ આ અનુશ્રુતિઓએ તો ભારે કરી હોં. એમાં જ રાજા કર્ણદેવ વાઘેલાને અન્યાય થઇ ગયો કમલાદેવીનાં ઓઠાં હેઠળ. એટલે જ એમણે કરણ વાઘેલાની જગ્યાએ કરણ ઘેલા શબદ વાપર્યો છે. જો કે આ શબ્દ તો અંગ્રેજોએ વાપર્યો છે જે પછીથી ઈસવીસનની ઓગણીસમી સદીમાં લખાયેલી ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા “કરણઘેલો” માં વપરાયો છે. આ નવલકથામાં પણ અનુશ્રુતિઓને જ પ્રાધાન્ય અપાયું છે અને મુસ્લિમ સાહિત્યકારો દ્વારા રચાયેલી પાયાવિહોણી કૃતિઓને. પછીના એટલે કે અત્યારનાં સાહિત્યકારોએ પણ થોડાં ફેરફાર સાથે કરણ વાઘેલા પર નવલકથાઓ લખી જરૂર છે. પણ એ માત્ર નવલકથાઓ જ છે ઈતિહાસ નહીં. પણ વાંચનશોખ ધરાવનારે મુનશીજીની “ભગ્નપાદુકા” અને ધૂમકેતુની “રાય કરણ ઘેલો” વાંચી જજો. નંદશંકર મહેતાની નવલકથામાં કર્ણદેવ વાઘેલાની પત્ની કમલાદેવીનાં નામની જગ્યાએ રૂપસુંદરીનામનો ઉલ્લેખ કર્યો છે. ધૂમકેતુમાં આવું કશું નથી આવ્યું. પણ તો ય મૂળ “પ્લોટ ” જ વાંધાજનક છે. જેનું નિકંદન તે સમયથી તે અત્યાર સુધીમાં નીકળ્યું છે.

➡ હવે આપણે કોક નિષ્કર્ષ પર તો આવવું જ પડશેને ! આમ ક્યા સુધી એકની એક વાત મમળાવ્યા કરવાની છે. પહેલી વાત તો તો એ કે બધું સમુંસુતરું ચાલતું હતું ત્યાં વળી આ કામક્બખ્ત ખિલજીનું આક્રમણ થયું. થયું એ તો સિદ્ધ જ છે જાણે એમાં રાજા કર્ણદેવની હાર થઇ એ પણ વાત સાચી. પણ હ્વજી એક કડી એમાં ખૂટે છે એ છે અલાઉદ્દીન ખિલજીના બીજાં આક્રમણની તો તેની ચર્ચા આપણે આગળ જતાં કરશું જ ! પણ પહેલાં વખતે રાજા કર્ણદેવ વાઘેલા કેટલાં કારમી રીતે હાર્યા હતાં તે જણવું ખુબ જ જરૂરી છે, રાજા કર્ણદેવ પાટણ છોડીને નાસી ગયાં પછી એમનું અને એમનાં કુટુંબનું શું થયું ? તે વિગતે જાણવું જોઈએ. મહામાત્ય માધવ વિષે હું આગલા લેખમાં જણાવી જ ચુક્યો જ છું એટલે એમની વાત અહી હવે કરવાની રહેતી જ નથી. મેરુતુંગે વિચારશ્રેણી ઇસવીસન ૧૩૫૦માં લખી હતી જેમાં જ તેમણે ચાવડા વંશ,સોલંકીયુગ અને વાઘેલાવંશની આખી વંશાવલી આપી છે. કેટલાંક અવળચંડા ફેસબુકીયા લેખકો આ મેરુતુંગને ધારાનગરીના રાજ ભોજ સાથે સાંકળે છે જેમને અવસાન પામ્યે રાજા કર્ણદેવવના અવસાન સમયે ૩૫૦ વર્ષ વીતી ચુક્યા હતાં. આ વાત કોઈના માન્યામાં આવે ખરી કે રાજા ભોજના સમયમાં તેમના દરબારમાં કવિ મેરુતુંગ થયાં હતાં. આ વતતો જાણે તદ્દન હંબગ જ ગણાય. એટલે હવે આપણે મેરુતુંગ અને જિનભદ્ર સૂરિનો ઉલ્લેખ નહીં કરીએ. ત્યાર પછીનાં સાહિત્યકારોનો જ્યાં જ્યાં જરૂર પડશે તેમ ઉલ્લેખ કરીશું. હવે ઈતિહાસ ઓછો અને વાર્તા અને ચર્ચાઓ વધુ આવશે એમ મને લાગે છે.

➡ વાર્તાઓ એટલે કે શ્રુતિઓમાંથી ઈતિહાસ તારવવો ખરેખર અઘરો છે. મુસ્લિમ સમકાલીન સાહિત્યકારો એમાં વધુ પડતા કુદી પડેલાં જણાય છે. કોઈકે તો એમ પણ કહી દીધું છે કે રાજા કર્ણદેવ વાઘેલા જે નવસારી ભાગી ગયાં હતાં ત્યાંથી પકડી લાવ્યા. તો રાજા કર્ણદેવ વાઘેલાએ એમની પત્નીને ત્યાંથી નસાડી દીધી. જે મહારાષ્ટ્રના ઈલોરા પાસે ખિલજીનાં સૈનિકો ઈલોરાની ગુફાઓ જોઇને પાછાં ફરતાં હતાં તેમને હાથે ચડી ગઈ અને એ રાણી કમલાદેવીને કેદ કરીને અલ્લાઉદ્દીન ખિલજીની સમક્ષ પેશ કરવામાં આવી અને અલ્લાઉદ્દીન ખિલજીની ઇચ્છાથી રાણી કમલાદેવીએ પરાણે અલ્લાઉદ્દીન ખિલજી સાથે પરાણે લગ્ન કરવાં પડયા. કમલાદેવી એ શરતે લગ્ન કરવાં પડયાં કે ખિલજી તેમની મહારાષ્ટ્રમાં ખોવાયેલી પુત્રી દેવલદેવીને પાછી લાવી તેમો મેળાપ મારી સાથે કરાવી આપે.

આ શરત ખિલજી માની ગયો તેણે તરતના પોતાનાં માનીતા થયેલાં ગુલામ અને એ પણ ગુજરાતથી જ લવાયેલા મલિક કાફૂરને દક્ષિણમાં દેવગિરિ પર ચઢાઈ કરવાં મોકલ્યો. આનું મૂળ એ અલ્લાઉદ્દીનની ગુજરાત પરની બીજી ચડાઈમાં છે. તેનાં કારણો ખુશરૂનાં જણાવ્યા મુજબ —

સુલતાન અલાઉદ્દીન ખિલજી સાથે અણહિલવાડમાં સરવરખાનને નાઝીમ તરીકે ગુજરાતનો વહીવટ સંભાળવા માટે મોકલ્યો. પરંતુ થોડાં જ સમયમાં પાટને મુસ્લિમ સલ્તનત ફગાવી દીધી. રાજા કર્ણદેવ પરત પરત ફર્યા અને કોક રીતે તેમને ગુજરાતના અમુક ભાગોમાં અને પાટણમાં પોતાની સત્તા ઉભી કરવામાં કામિયાબ નિવડયા.

➡ આવું જયારે ખિલજીએ જાણ્યું ત્યારે ત્યારે એણે બીજી વખત ઇસવીસન ૧૩૦૩- ૧૩૦૪માં જહીમત અને પંચમની આગેવાની હેઠળ ગુજરાત પર સેના મોકલી. આ વખતે રાજા કર્ણદેવ કાયમ માટે રાજ્ય ગુમાવી બેઠાં. રાજા કર્ણદેવ આશાવલ થઇ નાસીને દખ્ખણમાં દેવગિરિનાં યાદવ રાજા રામચંદ્રના આશ્રયે ગયાં અને ત્યાં બાગલાણમાં પોતાની સત્તા જમાવી. એની જ પાસે એમની પુત્રી દેવલદેવી પણ હતી.

દેવગિરિ રાજા રામચંદ્રના યુવરાજ સિંઘણદેવે દેવલદેવી સાથે પરણવાની ઈચ્છા દર્શાવી. પરંતુ રાજા કર્ણદેવે તેનો ઇનકાર કરી દીધો.

સુલતાન ખિલજીએ મલિક કાફૂરને દેવગિરિપર આક્રમણ કરવાં મોકલ્યો. રસ્તામાં બાગલણમાં રહેલા રાજા કર્ણદેવ સાથે તેણે ટકરાવ થયો. રાજા કર્ણદેવ બે મહિના સુધી ટકી રહ્યાં. આ દરમિયાન સિંઘણદેવે પોતાનાં ભાઈ ભીલ્લમદેવને રાજા કર્ણદેવ પાસે મોકલ્યો અને દેવલદેવીને મોકલવા જણાવ્યું. તો તેઓ દેવલદેવીને લઈને કોક છુપા રસ્તે નીકળી ગયાં. પરંતુ રસ્તામાં તે અલપખાનનાં સૈનિકોનાં હાથમાં આવી ગઈ. અલપખાને તેણે કેદ કરી તરત જ દિલ્હી રવાના કરી દીધી. સમય જતાં અલાઉદ્દીન ખિલજીનાં શાહજાદા ખિજ્રખાન સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. અમીર ખુશરોની કૃતિ “આશિકી – દેવલદેવી – વ – ખિજ્રખાન” માં આવી વાત કરવામાં આવી છે. આ જ વાતને બધાંએ ઈતિહાસ માની લીધો છે. આ જ વાત ત્યાર પછી ઘણાં બધાં સાહિત્યકારોએ પણ કરી છે અને આજ વાત પછી કોકને કોક રીતે નવલકથાની પણ વસ્તુ બની છે .

➡ ગુજરાતી નવલકથામાં તો માધવની પત્ની કમલાદેવી અને રાજા કરણ વાઘેલાની જ વાત વધુ ચગાવીને કરવામાં આવી છે એટલે જ કમલાદેવીના પ્રેમમાં ઘેલા થઇ ગયેલા રાજા કર્ણદેવને કરણઘેલા નામ આપવામાં આવ્યું છે. કમલાદેવી એ ખિલજીનાં પત્ની હતાં તે વાત કોઈ પણ ગુજરાતના સાહિત્યકારો કે ઈતિહાસકારોએ નથી કરી. એ વાત એ ખુશરો જેવાં ખિલજીના આશિક ખુશરોએ જ કરી છે. જે ત્યાર પછીનાં મુસ્લિમ સાહિત્યકારોએ એમાં સુર પુરાવ્યો છે. ગુજરાતી સાહિત્યકારો જે માધવના ભાઈને રાજા કર્ણદેવે મારી નાંખ્યો અને તેથી કેશવની પત્ની સતી થઇ ગઈ હતી એવી વાત કરીને પછી કમલાદેવીની વાતમાં ચુપ થઈને બેઠાં છે. જો કેશવની પત્ની સતી થઇ હોય તો કમલાદેવી પણ સતી થઇ જ શક્યાં જ હોત ને જે વાત ગુજરાતી અને ભારતીય સાહિત્યકારોએ કરી છે તે વાત મુસ્લિમ સાહિત્યકારો કરતાં જ નથી. સતી થવાની પ્રથા એમને ખબર જ નથી જે એમનાં જ સમયમાં ઠેરઠેર ઠેકાણે થઇ હોવાં છતાં તેઓ એનાથી અજ્ઞાત જ રહ્યાં છે. એટલે એમની વાત કેટલી સાચી મનાય તે આપણે સમજી જ લેવાનું હોય ને ! કમલાદેવીને ખિલજીની પત્ની તરીકે સ્વીકારવામાં આપણા ત્યાર પછીના ઘણાં ઈતિહાસકારો સૂર પુરાવે છે અને કેટલાંક ગણ્યાંગાંઠયા સાહિત્યકારો પણ. એ જાણીને મને બહુ દુખ થાય છે કે તેઓએ પણ આ વાત કેમની સ્વીકારી લીધી ! જે વાત તો માત્ર એક સાહિત્યિક કૃતિમાં જ આવી છે અને ઇતિહાસમાં તેને જ સાચું માનવામાં આવે છે. ચિત્તોડનાં રાણી પદ્માવતી સતી થયાં હતાં એ વાત સાક્ષ્ય પ્રમાણોને બાદ કરીએ અને ભારતનાં ગૌરવશાળી ઈતિહાસને એક વખત બાજુએ મુકીએ તો આ વાત સૌપ્રથમવાર એક મુસ્લિમ કવિ મલિક મોહંમદ જયાસીના “પદ્માવત”માં જ આવી છે. જો કે રણથંભોરની વાત આ જ સમયગાળાને આવરી લેતી પણ ૧૫મી સદીમાં ઈસવીસન ૧૪૫૫માં પદ્મનાભ દ્વારા રચાયેલા ગ્રંથ “કાન્હડદે પ્રબંધ?માં આવી જ છે. જો કે તે સમયે અને ત્યાર પછી સમયે સમયે આ સતીપ્રથાની વાત લગભગ દરેક સૈકામાં આવી છે. જેની નોંધ સુધ્ધાં પણ આ મુસ્લિમ સાહિત્યકારો નથી લેતાં એ વાત સામે જ મને સખત વાંધો છે .

➡ ઇતિહાસમાં જે ખિલજી વિષે એનાં અને મલિક કાફૂર વચ્ચેના ગે સંબંધોની ક્યાંય પણ સાબિતી મળતી જ નથી એ વાત આપણી હાર અને આપણી નાલેશીને છુપાવવા માટે જ ઉપજાવી કાઢી છે. અલાઉદ્દીન ખિલજીને ચાર પત્નીઓ હતી

✅ (૧) મલ્લિકા – એ – જહાન ( જલાલુદ્દીન ખિલજીની પુત્રી)
✅ (૨) મહરૂ (અલપખાનની બહેન)
✅ (૩) કમલાદેવી ( રાજા કર્ણદેવ વાઘેલાની પૂર્વ પત્ની)
✅ (૪) જત્યપાલદેવી ( રાજા રામચન્દ્રની પુત્રી)

અલાઉદ્દીન ખિલજીને ચાર પુત્રો હતાં અને એક પણ પુત્રી નહોતી.
અલાઉદ્દીન ખીલજીના ચાર પુત્રોના નામ

✅ (૧) ખિજ્ર ખાન ( મહેરુનો પુત્ર)
✅ (૨) શાદીખાન
✅ (૩) કુટુબ- ઉદ – દીન મુબારક શાહ
✅ (૪) શિહાબ – ઉદ-દીન – ઓમર (મહેરુનો પુત્ર)

➡ શાદી ખાન અને અને મુબારક શાહ એ પુત્રો કોનાં દ્વારા થયેલાં છે એ જાણવા મળતું નથી.

➡ ખૂબીની વાત તો એ છે કે આ ચારે પત્ની અને એનાં ચારેય પુત્રોની વાત ખુશરોએ જ પોતાનાં ગ્રંથમાં કરેલી છે.

આવી વાત કાશ કોઈ કર્ણદેવ વાઘેલા વખતે કરી શક્યું હોત તો તો થઇ જાત દૂધનું દૂધ અને પાણીનું પાણી . પણ નહીં તેમને તો મહામાત્ય માધવને જ નીચ અને હીન કસ્ક્ષાનો બતાવવો હતો અને રાણી કમલાદેવીને કુલટા. જે બંને તેઓ નહોતાં જ નહોતાં. કોકે તો આર્યનારી તરીકે કમલાદેવીનો બચાવ કરવાં જેવો હતો તે વખતે. કારણ કે કોઈ આર્યનારી પોતાનાં ખાવિંદ પછી એ બીજાને પોતાનો પતિ માનતી જ નથી . રાજપૂતોની પ્રેમગાથાઓ તો ઘણી છે પણ તેમાં કોઈ સ્ત્રી કે કોઈ રાજપૂત રાજાને આટલો ઉતરતી કક્ષાનો બતાવાયો નથી જેટલાં રાજા કર્ણદેવ વાઘેલા અને રાણી કમલાદેવીને બતાવવમાં આવ્યાં છે. કમલાદેવીની આવી જ વાતથી પ્રેરાઈને ખુશરૂએ એમને ખિલજીની પત્ની બનાવી દીધી અને રાજા કર્ણદેવ વાઘેલાને નમાલો રાજા ! દેવલદેવીની વાત કરવી હોય તો કમલાદેવીને તો વચમાં તો લાવવી જ પડે ને! આ વાતમાં ખુશરોનો બચાવ ગુજરાતીઓ કઈ રીતે કરી શકે?

➡ આ આખી વાત આમ તો બહુ ઓછાંને ખબર હતી ખાસ કરીને ઈતિહાસ રસિકોને જ ખબર હતી પણ જયારે ફિલ્મ “પદ્માવત” રીલીઝ થવાની હતી ત્યારે આ વાત સામે આવે એમ હતી એટલે જ આ ફિલ્મનો રીલીઝ પહેલાં ગુજરાતમાં અને બધે વિરોધ થયેલો. પણ વિરોધના બીજાં અનેક કારણો છે એમાં આપણે પડતાં નથી. એ વખતે ટવિટરે આ બધાં કચ્ચા ચિઠ્ઠા શોધી શોધીને ખોલી દીધાં તેમાં જ આ ખિલજીની ચાર પત્નીઓ વાળી વાત અને દેવલદેવીની વાત સામે આવી. જેમાં જ ખુશરૂ ઉઘાડો પડી ગયો તદ્દન. પણ જે વાત સામે નહોતી આવવી જોઈતી તે આખરે સામે આવી જ ગઈ ભલે ખોટી તો ખોટી રીતે. પણ આ વાતને બધાએ બહુ જ વધારે મહત્વ આપ્યું અને રાજા કર્ણદેવને ઓછું. રાજા કર્ણદેવ વિષે પણ કેટલાંકે ઢંગધડા વગરની અને આ સાહિત્યકારોએ આમાં ઉલ્લેખ આવો કર્યો છે અને માધવે જો ખિલજીને આમંત્ર્યો ના હોત તો આવું કશું જ ના બન્યું ના હોત એવું જ પ્રસ્થાપિત કરવાં લાગ્યાં યેનકેન પ્રકારેણ ! આમાં જ કમલાદેવીનું સત્ય દબાઈ ગયું અને રાજા કર્ણદેવનું પણ !

➡ હવે થોડીક વાત રાજા કર્ણદેવ વાઘેલા એ ઇસવીસન ૧૨૯૯માં હારીને દેવગિરિ જતાં રહ્યાં હતાં. ત્યાર પછી તેઓ ફરીથી સત્તા પર જરૂર હતાં એવાં કેટલાંક પ્રમાણો પણ પ્રાપ્ત થયાં છે જેને કોઇપણ સંજોગોમાં ઉવેખી શકાય તો નહીં જ. સંભવત : કર્ણદેવે ગુજરાતના ઓછામાં ઓછા કેટલાક ભાગ પર કબજો કર્યો હોય તેવું લાગે છે. જો કે તેઓ ક્યારે રાજગાદી પર પાછો ફર્યો તે જાણી શકાયું નથી. એપ્રિલ, ૧૨૯૯ના રોજ ખંભાતનો એક અરબી ઉપલેખ મૃત શિહાબ-ઉદ દીનને કંબાયાના ભૂતપૂર્વ રાજ્યપાલ (હકીમ) તરીકે એટલે કે ખંભાતના નામ આપે છે. તે સ્પષ્ટ નથી કે શિબિબ-ઉદિન કોનો ઉપરી હતો અને કોનાં કહેવાથી તે ત્યાં હકીમ હતો તે પરંતુ જો તે આક્રમણકારો દ્વારા નિયુક્ત મુસ્લિમ ગવર્નર હોત, તો સંભવ છે કે ખંભાત અને એની આજુબાજુનો પ્રદેશ આ સમયે ખિલજી ના નિયંત્રણ હેઠળ હતો.

➡ ગુજરાતના સંપલા ગામમાંથી એક શિલાલેખ મળી આવ્યો છે કે — રાજા કર્ણદેવ પાટણ ખાતે ૪ ઓગસ્ટ ઇસવીસન ૧૩૦૪ ના રોજ શાસન કરતાં હતાં. જૈન લેખક મેરુતુંગે એમ પણ જણાવ્યું છે કે તેમણે ઈસવીસન ૧૩૦૪ સુધી શાસન કર્યું હતું. ૧૪ મી સદીની મુસ્લિમ ક્રોનિકર ઇસામી એ પણ સૂચવે છે કે કર્ણ તેની સત્તા ફરીથી મેળવવામાં સફળ રહ્યો.

➡ ઇસામીના કહેવા મુજબ, અલાઉદ્દીને નવા કબજે કરેલા ચિત્તોડ કિલ્લાનો વહીવટ મલિક શાહિનને સોંપી દીધો હતો. પરંતુ પછીથી, મલિક શાહિન કિલ્લાથી ભાગી ગયો, કારણ કે તે પડોશી પ્રદેશ પર શાસન કરનાર કર્ણદેવથી ડરતો હતો.

➡ આક્રમણ કરનાર સૈન્યની દિલ્હી પરત ફરતી મુસાફરી દરમિયાન, તેના મોંગોલ સૈનિકોએ ગુજરાતમાંથી લૂંટ કરવાના તેમના ભાગને લઈને તેમના સેનાપતિઓ વિરુદ્ધ બળવો કર્યો હતો. આમાંના કેટલાક બળવાખોર મોંગોલોએ રાજા કર્ણદેવ પાસે આશ્રય માંગ્યો હોવાનું જણાય છે. તેમ તેમનો ઇસવીસન ૧૩૦૪નો શિલાલેખ સૂચવે છે કે મોંગોલ અધિકારીઓ બલચક અને શાદી તેમના વહીવટમાં ઉચ્ચ હોદ્દા ધરાવતાં હતાં. અરે આ શિહાબ અને શાદી તો ખિલજીના પુત્રો હતાં તો આ એક સરખાં નામો કેવી રીતે ? શું ખિલજી એ જ એમનાં પુત્રોને ગુજરાતમાં મોકલ્યા હતાં ? એવું લાગતું તો નથી કરણ કે ખિલજીનાં પુત્રો તો ક્યારેય રાજા કર્ણદેવ વાઘેલાને મદદ તો કરે જ નહીં ને ! આમે ય એ સમયે તો ખિલજીના પુત્રોની ઉમર કદાચ નાની હશે કારણકે ખિજ્રખાનની ઉમર તો એ સમયે માત્ર ૧૦ વર્ષની જ હતી. એટલે એ સંભાવના તો ખોટી જ પડે છે તો પછી આ હતાં કોણ ? તેનો જવાબ તો કોઈની પાસે નથી.

➡ જેની પાસે જવાબ હોય કે ના હોય પણ હવે વખત આવી ગયો છે ઈતિહાસ પાસે જવાબ માંગવાનો અને આ ખુશરો જેવાં અનેકોને જવાબ આપવાનો પણ એ બધું એ ભાગ – ૫ માં આવશે.
ભાગ – ૪ અહી સમાપ્ત
ભાગ – ૫ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

– જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.