⚔ ભારતના રાજવંશો ⚔
ஜ۩۞۩ஜ પુષ્યમિત્ર શૃંગ અને શૃંગવંશ ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૪૨૩ થી ઇસવીસન પૂર્વે ૩૪૫)
ஜ۩۞۩ஜ પુષ્યમિત્ર શૃંગ ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૧૮૦ થી ઇસવીસન પૂર્વે ૬૮)
✅ “પુષ્યમિત્ર અને તેના વંશજોનું રાજ્ય સામાન્યતઃ ભારતના ઇતિહાસમાં એક મહત્વના યુગનું સૂચકછે.”
—— ડૉ. રાયચૌધરી
➡ આ મારો ત્રીજો લેખ છે પુષ્યમિત્ર શૃંગ અને શૃંગવંશ ઉપર. પણ કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી હોવાથી હું આ લેખ લખું છું.વાત ૮૪૦૦૦ સ્તુપોનાં તોડવાની અને પુષ્યમિત્ર શ્રુંગે બૌદ્ધો પર કરેલાં અત્યાચારની છે. ઇતિહાસમાં આ બન્ને વાતો નોંધાઈ પણ છે અને એનું ખંડન પણ થયું છે. પણ કેટલીક વાતો જે લખેલી – કહેલી છે એમાં સચ્ચાઈ છે એ તરફ તમારું ધ્યાન દોરવા માંગું છું. પણ શરુઆત તો પહેલાથી જ કરવી પડે તેમ છે.
આ વાત હું અગાઉ લખી જ ચુક્યો છું એટલે હું એમાંથી છટકી તો ના જ શકું
મારાં બીજાં લેખ પુષ્યમિત્ર ઉપરના એમાં એ વાત મેં કરી હતી. જે અત્યારે તો મને મળતો નથી પણ જયારે મળશે ત્યારની વાત ત્યારે
અત્યારે આ નવેસરથી જ લખું છું નવી વિગતો અને પુરાવાઓ સાથે !
આમાં હું બધી જ વિગતો આપું છું ફરી એકવાર સહી !
બની શકે છે એમાં થોડી સચ્ચાઈ આપવાની રહી ગઈ હોય
જે હું આમાં આપું છું.
આ લેખ પણ હું ” પ્રાચીન ભારતના રાજવંશો” અંતર્ગત જ લખું છું
જેમાં હું શૃંગવંશ આખો જ આવરી લેવાનો છું
ફરી લખવાની કોણ કડાકૂટ કરે ?
એટલે વચ્ચે આટલી ઉલટફેર કારણકે નંદવંશ પછી તો મૌર્ય વંશ જ આવે !
એમાં બહુ વાર લાગી શકે એમ છે એટલે વચ્ચે આ એનાં પછીનો રાજવંશ લઇ લઉં છું !
જેની વાત તો અંતમાં આવશે બાકી….. શરૂઆત તો પુષ્યમિત્રથી જ કરવી રહી !
➡ શૃંગવંશને ઇતિહાસમાં બ્રાહ્મણ વંશ કહેવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પણ શૃંગવંશ પછી તરત જ કણ્વ વંશ મગધની રાજગાદી પર આવ્યો હતો. દક્ષિણમાં આંધ્ર પ્રદેશમાં સાતવાહન વંશ પણ બ્રાહ્મણ જ હતો. એટલે શૃંગવંશે શરુ કરેલા આ યુગ/વંશને બ્રાહ્મણ યુગ/વંશ કહેવાય છે.
➡ પુષ્યમિત્ર શૃંગ એ જન્મે બ્રાહ્મણ પણ કર્મે ક્ષત્રિય રાજા હતાં. જેઓ પહેલાં મૌર્યવંશના રાજા બૃહદ્રથના પ્રધાન સેનાપતિ હતાં. પછી તેમની હત્યા કરી રાજા બન્યાં હતાં. ધ્યાન આપવી જ દઉં કે શૃંગવંશ પહેલાં મૌર્ય વંશનું શાસન ચાલતું હતું તે પણ માત્ર મગધ પર જ નહીં પણ સમગ્ર ભારત વર્ષ પર.પણ રજધાની તો પાટલીપુત્ર જ હતી. તેની પણ પહેલાં મગધ સામ્રાજ્ય પર નંદવંશનું શાસન હતું. નંદવંશ તો આપ સૌ જાણો જ છો તે પ્રમાણે તે શુદ્ર વંશ હતો. ધનનંદ પોતે ક્ષત્રિય ન હોવાથી તે ક્ષત્રિયને નફરત કરતો હતો અને ક્ષત્રિય જ રાજા થઇ શકે એવી માન્યતાનું ખંડન કરી પોતાના પિતા દ્વારા સ્થાપિત વંશનું તે ગૌરવ અનુભવતો હતો. પણ ધનનંદ લાંબુ ટક્યો નહીં અને એની હત્યા થઇ ગઈ ચંદ્રગુપ્ત દ્વારા અધૂરામાં પૂરું ચંદ્રગુપ્તને રાજા બનાવનાર એક બ્રાહ્મણ તત્વચિંતક અને રાજનીતિજ્ઞ ચાણક્ય હતાં.
➡ માત્ર ૨૧-૨૨ વરસમાં એમનું અલ્પશાસન સમાપ્ત થઇ ગયું અને ક્ષત્રિયરાજની સ્થાપના થઇ ગઈ આ નવ બૌદ્ધો – નવ નંદોને ન જ ગમે એવી સીધી અને સ્પષ્ટ વાત છે. વાત એટલેથી અટકી નહીં. ઇસવીસન પૂર્વે ૩૨૧ માં શરુ થયેલાં મૌર્યવંશનું પતન ઇસવીસન પૂર્વે ૧૮૦માં થઇ ગયું અને ક્ષત્રિયની જગ્યા એક બ્રાહ્મણે લીધી. આમ જેઓ તેમના પતનમાં કારણભૂત છે એવાં બે વર્ણો બ્રાહ્મણ અને ક્ષત્રિય વારાફરતી રાજા બને એ શૂદ્રોને ન જ ગમે તે સ્વાભાવિક જ છે. પણ એનો કોઈ રસ્તો કે ઈલાજ પણ નથી જ ને ! નંદવંશી સમર્થકો અને વામપંથી ઈતિહાસકારોને પણ આ ન જ ગમવા જેવી બાબત હતી તેથી તેમણે તેનાં પર પોતાનાં રોટલાં શેકવાના શરુ કરી દીધાં. એ પહેલાં કેટલાંક ગ્રંથો જે બહુ પાછળથી લખાયાં છે એમાં પણ કેટલીક જુઠી વાતો ફેલાવવામાં આવી છે તેનો જ આધાર લઈનેને આ લોકો અત્યારે પણ માનસિક અત્યાચાર જ કરી રહ્યાં છે. વાંધો તો એમને એમની જાતિ સિવાય બધાની જ જાતિ સામે છે. પણ શું થાય ઈતિહાસ એ ઈતિહાસ છે જે પુરાવાઓ પર આધારિત છે. જેનાં દ્વારાજ અમુક સચ્ચાઈની આપણને ખબર પડે છે બાકી દરેક વાતમાં વાંધા પાડવાથી કંઈ ઈતિહાસ બદલાઈ નથી જતો. ઈતિહાસ એ સંસ્કૃતિની ધરોહર છે અરે ખુદ જ એક સંસ્કૃતિ છે જે ક્યારેય બદલાય નહીં માત્ર નવેસરથી રચાય ખરો. જેને પણ વાંધો પુરાણો સાથે હોય એ એમાં વાંધાઓ શોધી જ શકે છે એમ તો પુરાણોમાં મહ્પદ્મનંદ અને નંદવંશનો પણ થયેલો જ છે.
➡ ઇતિહાસની વાત નીકળતી હોય તો એનો જવાબ પણ ઈતિહાસની રીતે જ આપવો જોઈએ. વાત પુષ્યમિત્ર શૃંગની નીકળતી હોય તો એમને જ પ્રાધાન્ય આપવું જોઈએ.
✔ પુષ્યમિત્ર શૃંગ ————
➡ શૃંગ વંશનો સ્થાપક છે એ બ્રાહ્મણ હતાં. ભારતના પ્રથમ બ્રાહ્મણ રાજા અને સનાતન ધર્મના સ્થાપક. એમને વિશ્વ વાત કરીએ એ પહેલાં પુરાણોમાં જે એમની વંશાવલી આપી છે એ જોઈ લઈએ પહેલાં —-
✔ વંશાવલી ————-
✅ (૧) પુષ્યમિત્ર – ઇસવીસન પૂર્વે ૧૮૦ – ઇસવીસન પૂર્વે ૧૪૪ = ૩૬ વર્ષ
✅ (૨) અગ્નિમિત્ર – ઇસવીસન પૂર્વે ૧૪૪ – ઇસવીસન પૂર્વે ૧૩૬ = ૮ વર્ષ
✅ (૩) વસુજયેષ્ઠ – ઇસવીસન પૂર્વે ૧૩૬ – ઇસવીસન પૂર્વે ૧૨૯ = ૭ વર્ષ
✅ (૪) વસુમિત્ર – ઇસવીસન પૂર્વે ૧૨૯ – ઇસવીસન પૂર્વે ૧૧૯ = ૧૦ વર્ષ
✅ (૫) ભદ્ર – ઇસવીસન પૂર્વે ૧૧૯ – ઇસવીસન પૂર્વે ૧૧૭ = ૨ વર્ષ
✅ (૬) પુલિન્દક – ઇસવીસન પૂર્વે ૧૧૭ – ઇસવીસન પૂર્વે ૧૧૪ = ૩ વર્ષ
✅ (૭) ઘોષ – ઇસવીસન પૂર્વે ૧૧૪ – ઇસવીસન પૂર્વે ૧૧૧ = ૩ વર્ષ
✅ (૮) વજુમિત્ર – ઇસવીસન પૂર્વે ૧૧૧ – ઇસવીસન પૂર્વે ૧૧૧૦ = ૧ વર્ષ
✅ (૯) ભાગવત – ઇસવીસન પૂર્વે ૧૧૦ – ઇસવીસન પૂર્વે ૭૮ = ૩૨ વર્ષ
✅ (૧૦) દેવભૂતિ – ઇસવીસન પૂર્વે ૭૮ – ઇસવીસન પૂર્વે ૬૮ = ૧૦ વર્ષ
☷☷☷☷☷☷☷☷☷☷ કુલ = ૧૧૨ વર્ષ ☷☷☷☷☷☷☷☷☷
➡ આ વંશાવલી આમ તો બીજે ક્યાંય પણ નથી મુકાયેલી સિવાય કે તે ઇતિહાસના પુસ્તકોમાં ! વિકિપીડીયામાં માં માત્ર ૩ જ રાજાઓ આપ્યાં છે. પુષ્યમિત્ર , અગ્નિમિત્ર અને દેવભૂતિ!
➡ સાહિત્યમાં સમ્રાટ પુષ્યમિત્ર શૃંગ વિષેની માહિતી ક્યાંથી મળે છે એ પહેલાં જોઈ લેવી જોઈએ.
➡ પુરાણોમાં મત્સ્ય, વાયુ અને બ્રહ્માંડ પુરાણ વિશેષરૂપે ઉલ્લેખનીય છે. આ પુરાણો દ્વારા જ આપણને ખબર પડે છે કે પુષ્યમિત્ર શૃંગ વંશના સંસ્થાપક હતાં. પાર્જિટર મત્સ્ય પુરાણનાં વિવરણને જ પ્રમાણિક માને છે. એમનાં કહ્યા અનુસાર પુષ્યમિત્રએ ૩૬ વર્ષ રાજ્ય કર્યું હતું. બીજો ઉલ્લેખ બાણભટ્ટના “હર્ષ ચરિત”માંથી મળે છે. આમાંથી આપણે એ જાણી શકીએ છીએ કે પુષ્યમિત્રે અંતિમ મૌર્ય રાજા બ્રુહ્દ્રથની હત્યા કરીને સિંહાસન પર પોતાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. જો કે હર્ષચરિતમાં પુષ્યમિત્રને અનાર્ય અથવા નીચલી જાતિના કહેવામાં આવ્યાં છે જે સરસર ખોટું છે. પતંજલિ પુષ્યમિત્ર શૃંગના રાજપુરોહિત હતાં.એમનાં “મહાભાષ્ય”માં યાવ્ન્નોના ભારત પર આક્રમણની ચર્ચા કરવામાં આવી છે. જેમાં બતાવ્યું છે કે યવનોએ સાકેત તથા માધમિકાને રોંદી નાંખ્યું હતું.
➡ મહાકવિ કાલિદાસના નાટક માલવિકાગ્નિમિત્રમમાંથી શૃંગકાલીન રાજનૈતિક ગતિવિધિઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમાંથી જ ખબર પડે છે કે — પુષ્યમિત્રનો પુત્ર અગ્નિમિત્ર વિદીશાનો રાજ્યપાલ હતો તથા એણે વિદર્ભને જીતીને પોતાના રાજ્યમાં ભેળવી દીધું હતું. મહાકવિ કાલીદાસ યવન આક્રમણનો પણ ઉલ્લેખ કરે છે જેનાં અનુસાર અગ્નિમિત્રનો પુત્ર વસુમિત્રએ સિંધુનદીના જમણા કિનારે યવનોને પરાજિત કર્યા હતાં. થેરાવલી જેની રચના મેરુતુંગે કરી હતી આ ગ્રંથમાં ઉજ્જયિનીના શાસકોની વંશાવલી આપવામાં આવી છે જેમાં પુષ્યમિત્રનો પણ ઉલ્લેખ થયેલો જોવાં મળે છે. તેમાં એમ દર્શાવ્યું છે કે પુષ્યમિત્રે ૩૦ વર્ષ સુધી રાજ કર્યું હતું . મેરુતુંગનો સમય ઇસવીસનની ૧૪મી સદીનો છે.અતઃ એમનું વિવરણ વિશ્વસનીય નથી લાગતું.
➡ “હરિવંશ” આ ગ્રંથમાં પુષ્યમિત્રની તરફથી પરોક્ષ રૂપે સંકેત આપવામાં આવ્યો છે. તદનુસાર એને ઔદભિજ્જ (અચાનક ઉભો થનાર)કહેવામાં આવ્યો છે.જેમણે કલિયુગમાં ચિરકાળથી પરિત્યકત અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. આમાં આ વ્યક્તિને સેનાની તથા કશ્યપગોત્રીય બ્રાહ્મણ કહેવામાં આવ્યા છે. કે પી. જયસ્વાલ આની પહેચાન પુષ્યમિત્ર સાથે કરે છે. “દિવ્યાવદાન એક બૌદ્ધ ગ્રંથ છે. એમાં પુષ્યમિત્રને મૌર્યવંશનો અંતિમ શાસક કહેવામાં આવ્યો છે તથા એમનું ચિત્રણ બૌદ્ધધર્મના સંહારકના રૂપમાં કર્યું છે. પરંતુ આ વિવરણ વિશ્વસનીય નથી.
✔ પુષ્યમિત્ર શૃંગના પુરાતત્વીય પુરાવાઓ ———–
✅ (૧) અયોધ્યાનો લેખ —– આ રાજા પુષ્યમિત્ર શૃંગના રાજ્યપાલ ધનદેવનો છે. આનાથી જ ખબર પડે છે કે પુષ્યમિત્રે બે અશ્વમેઘ યજ્ઞ કર્યા હતાં.
✅ (૨) બેસનગરનો લેખ —– આ યવન રાજદૂત હેલિયોડોરસ નો છે તથા ગરુડ સ્તંભ ઉપર ખોદાયેલો છે. આનાથી મધ્ય ભારતના ભાગવત ધર્મની લોકપ્રિયતા સૂચિત થાય છે.
✅ (૩) ભારહુતનો લેખ —– આ ભારહૂતસ્તુપની એક વેષ્ટિની પર ખોદાયેલો જોવાં મળે છે. આનાથી ખબર પડે છે કે આ સ્તૂપ શૃંગકાલીન રચના છે.
➡ ઉપર્યુક્ત લેખો અતિરિક્ત સાંચી, બેસનાગર, બોધગયા આદિ પ્રાપ્ત સ્તૂપ એવં સ્મારક શૃંગકાલીન કળા એવં સ્થાપત્યની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. શૃંગકાલની કેટલીક મુદ્રાઓ કૌશામ્બી, અયોધ્યા, અહિચ્છત્ર તથા મથુરામાંથી પ્રાપ્ત થઇ છે, આનાથી પણ શૃંગવંશના ઈતિહાસ પર પ્રકાશ પડે છે.
✔ શૃંગ રાજવંશની ઉત્પત્તિ ———-
👉 (૧) પુષ્યમિત્ર ઈરાની – પારસી હતો —-
પુષ્યમિત્ર અને એના વંશજો અગ્નિમિત્ર, વસુમિત્ર, વજુમિત્ર વગેરેના નામોની પાછળ “મિત્ર” શબ્દ આવતો હોવાથી ડૉ, હરિપ્રસાદ શાસ્ત્રીએ શરૂઆતમાં એવો અભિપ્રાય દર્શાવ્યો છે કે પુષ્યમિત્ર અને તેના વંશજો પારસી હતાં અને મિથ્ર (મિત્ર=સૂર્ય)ની પૂજા કરતાં પરંતુ પાછળથી શાસ્ત્રીએ પોતાના આ મતનો ત્યાગ કરીને પુષ્યમિત્રને “બ્રાહ્મણ” તરીકે ઓળખાવ્યો છે.
👉 (૨) પુષ્યમિત્ર મૌર્ય હતો ——– દિવ્યાવદાન પુષ્યમિત્રને “મૌર્ય તરીકે ઓળખાવે છે. એમાં ભૂલથી લેખકે મૌર્ય રાજવીઓની યાદીમાં પુષ્યમિત્રની ગણના કરી છે. એટલે દિવ્યાવદાનનું આ કથન ઐતિહાસિક નથી માનવામાં આવતું.
👉 (૩) પુષ્યમિત્ર કશ્યપ ગોત્રના બૈમ્બિક કુટુંબનો હતો ——- કાલિદાસના “માલવિકાગ્નિમિત્ર”માં પુષ્યમિત્રના પુત્ર અગ્નિમિત્રને બૈમ્બિક કુટુંબનો દર્શાવ્યો છે અને ” બૌધાયન શ્રોતસૂત્ર” આ કુટુંબને કશ્યપ ગોત્રનું જણાવે છે તેથી શૃંગ રાજાઓ કશ્યપ ગોત્રના બૈમ્બિક કુટુંબના હતાં. આ મતને “હરિવંશ” સમર્થન આપે છે. હરિવંશમાં “ઔદિભજ્જ (એકદમ ઉદય થયેલો) હતો, કારણકે પુષ્યમિત્રે પોતાના માલિક રાજાની હત્યા કરી ગાદી મેળવી હતી. આમ ડૉ. જયસ્વાલનું સમીકરણ ઉચિત જણાય છે.
👉 (૪) પુષ્યમિત્ર ભારદ્વાજ ગોત્રનો શૃંગ બ્રાહ્મણ હતો —— પાણિનિના મતે પુષ્યમિત્ર ભારદ્વાજ ગોત્રનો બ્રાહ્મણ હતો. મહાભારતમાં ના દ્રોણાચાર્ય, અશ્વત્થામાઅને ભગવાન પરશુરામ વગરે બ્રાહ્મણ સેનાપતિઓની જેમ પુષ્યમિત્ર પણ મૌર્યસેનાનો બ્રાહ્મણ સેનાપતિ હતો. જયસ્વાલ આ મતને સમર્થન આપે છે. “આશ્વલાયન શ્રૌતસૂત્ર” આધારે ડૉ. કીથ અને મેકડોનેલ શૃંગોનો આચાર્ય માને છે. પ્રાચીન ભારતમાં સામાન્યત: બ્રાહ્મણ જ આચાર્ય થઇ શકતા, તેથી શૃંગો બ્રાહ્મણ હતાં એમ સાબિત થાય છે. વળી, પુષ્યમિત્રના રાજપુરોહિત અને સમકાલિન પતંજલિએ કહ્યું છે કે બ્રાહ્મણ રાજ્ય સર્વોત્તમ હોય છે. જો પુષ્યમિત્ર બ્રાહ્મણ ન હોય તો તેનો પુરોહિત આ પ્રકારનું સ્પષ્ટ વિધાન ન કરી શકે. આ બધાં પરથી સ્પષ્ટ થાય છે કે પુષ્યમિત્ર શૃંગ બ્રાહ્મણ કુળનો હતો. તિબેટી ઇતિહાસકાર તારાનાથ લામા પણ તેને બ્રાહ્મણ માને છે.
👉 “હર્ષ ચરિત”માં પુષ્યમિત્રને “અનાર્ય” કહેવામાં આવ્યો છે. કેટલાંક વિદ્વાન આ આધાર પર શૃંગોને નિમ્ન જાતિના પણ કહેતાં અચકાતાં નથી. પરંતુ આ માન્યતા ઉચિત નથી. વસ્તુતઃ: બાણે પુષ્યમિત્રનાં કાર્ય (પોતાના સ્વામીની ધોખાથી હત્યા કરનાર)ને નિંદનીય માને છે આ કારણે એમને “અનાર્ય”કહેવામાં આવ્યાં છે. એમનું આ સંબોધન જાતિનું સૂચક માની શકાય તેમ જ નથી. પુરાણો પુષ્યમિત્રને શૃંગ કહે છે. શૃંગવંશને મહર્ષિ પાણિનિએ “ભારદ્વાજ ગોત્ર”નાં બ્રાહ્મણ બતાવ્યાં છે.
✔ પુષ્યમિત્ર શૃંગ ———-
➡ શૃંગ વંશની સ્થાપના થઇ એ પહેલાં મૌર્યોની સ્થિતિનું અવલોકન કરી લેવું અત્યંત આવશ્યક છે થોડીક નજર જરા એના પર પણ નાંખી જ લઈએ. આમ તો આ મૌર્યવંશમાં આવવાનું જ છે પણથોડું એ અહીં પણ જરૂરી હોવાથી એની વાત ખુબ જ ટુંકાણમાં હું અહીં કરી લઉં.
➡ સૌથી મોટું કારણ એ છે કે સમ્રાટ અશોક પછી મૌર્યવંશીઓ યુદ્ધ ભૂલી જ ચુક્યા હતાં. તેઓને ધર્મમાં જ રસ રહ્યો હતો. અહી એ કહેવું તો ઉચિત નથી કે સર્વે રાજાઓ અને પ્રજા બૌદ્ધધર્મમય બની ગઈ હતી. બધાં પોતપોતાની રીતે પોતાનો ધર્મ પાળતાં હતાં એમ કહેવું જ યોગ્ય છે. પણ અશોક પછી ભારતની ઉત્તર સરહદ પરના બેકટ્રિયા અને પાર્થિયા જેવાં બળવાન રાજ્યના રાજાઓએ મૌર્ય સામ્રાજ્ય પર આક્રમણો કરીને તેને નિર્બળ બનવવામાં અને એ રીતે તેનું પતન નોંતરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
➡ બીજી એક બાબત છે કે સમ્રાટ અશોકે પ્રજામાં ધર્મનો પ્રસાર કરવાંઅને એ રીતે નૈતિક ઉન્નતિ સાધવા માટે અશોકે ધર્મ મહામાત્રોની નિમણુંક કરી હતી. પરંતુ તેમની નિમણૂકથી બ્રાહ્મણ આચાર્યોના હક્ક પર તરાપ પડી. તેથી બ્રાહ્મણો મૌર્ય સામ્રાજ્ય પ્રત્યે ઉશ્કેરાયા અને તેમણે હરપ્રસાદ શાસ્ત્રીના જણાવ્યા મુજબ — બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્રના નેતૃત્વ નીચે બળવો કર્યો. પણ સમ્રાટ અશોક ધર્મસહિષ્ણુ હતો અને તેમણે ધર્મમહામાત્રોને બ્રાહ્મણ પ્રત્યે યોગ્ય ઉદારતા દાખવવા અને તેમનું સન્માન કરવાં આદેશ પણ આપેલો એટલે હરપ્રસાદ શાસ્ત્રી આમાં પણ સદંતર ખોટાં જ ઠરે છે. મૌર્ય સામ્રાજ્યની રાણીઓ પણ અંદરઅંદર રાજખટપટો કરતી હતી. કહેવાનો મતલબ છે કે તેઓ અંદરોઅંદર લડતી હતી અને પોતાનાં દિકરા કે સગાઓ રાજા થાય એવું ઈચ્છતી હતી. એટલે કે રાજવંશમાં પણ કોઈ એકરાગ નહોતો.
➡ હરપ્રસાદ શાસ્ત્રીના મત — મૌર્યોની ધર્મનીતિને કારણે બ્રાહ્મણોએ પુષ્યમિત્રના નેતૃત્વ હેઠળ બળવો પોકાર્યો તથા ધર્મ મહામાંત્રોની નિમણુકને લીધે બ્રાહ્મણોના ચાલ્યાં આવતાં હક્કો ઝૂંટવાઈ ગયાં તેથી બ્રાહ્મણવર્ગ મૌર્ય સામ્રાજ્ય પ્રત્યે ઉશ્કેરાઈ ગયો ગયો
ડૉ રાયચૌધરીનો મત — સમ્રાટ અશોકની ધર્મનીતિને કારણે બ્રાહ્મણોએ બળવો પોકાર્યો ન હતો તેમ જ મૌર્ય સામ્રાજ્યના પતનમાં તેમનો કોઈ હિસ્સો નહોતો.
આ બંને મતો અંતિમવાદી છે.
વાસ્તવિકતા આ બંને મંતવ્યોની વચમાં છે.
જુઓ છિન્નભિન્ન તો થવાનું જ હતું કાં તો અતિશય શાંતિપ્રિયતાને કારણે અથવાતો તલવારના જોરે. આમાં વધારે પડતી શાંતિપ્રિયતા નડી એટલું તો ચોક્કસ છે.
કારણકે નિષ્ફળ અને અયોગ્ય રાજાઓ વિશાળ સામ્રાજ્ય પર શાસન ન કરી શકે.
નિમિત્ત તો કોઈ પણ બની શકે છે આ કિસ્સામાં નિમિત્ત પુષ્યમિત્ર શૃંગ બન્યાં !
✔ શૃંગ વંશની સ્થાપના ————-
➡ મૌર્ય સામ્રાજ્યનાં ઈતિહાસમાંથી એક ઐતિહાસિક બોધપાઠ એ મળે છે કે દેશમાં શાંતિની જાળવણી મુખ્યત્વે શક્તિશાળી શાહી સત્તા પર અવલંબે છે. આ દ્રષ્ટિએ વિચારતાં મૌર્યસમ્રાટ અશોકના અનુગામીઓ રાજ્યકર્તા તરીકે નિર્બળ હોવાથી તેમની નિર્બળતાનો લાભ લઈને મહત્વાકાંક્ષી સુબાઓએ મૌર્ય સામ્રાજ્યથી સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યાં. આવી ડામાડોળ રાજકીય પરિસ્થિતિનો લાભ મૌર્યવંશના છેલ્લા સમ્રાટ બૃહદ્રથના બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્રે ઉઠાવ્યો.
➡ તેમણે પોતાનો હેતુ પાર પાડવા એક દિવસે સમ્રાટને લશ્કરનું નિરીક્ષણ કરવાના બહાને બોલાવ્યો અને લશ્કરની હાજરીમાં જ તેનો વધ કરીને તે પાટલીપુત્રની ગાદી પર બિરાજમાન થયાં. પુષ્યમિત્ર શૃંગકુળનાં હોવાથી તેમને સ્થાપેલો વંશ ઇતિહાસમાં “શૃંગવંશ” તરીકે ઓળખાય છે.
➡ વાત આટલી જ છે પણ બૌદ્ધગ્રંથોમાં તેને આ રીતે રજૂ કરવમાં આવી છે
જે મેં પહેલાં પણ લખ્યું જ છે
જે છે એ દિવ્યદાનના એક પ્રકરણ કે ભાગ અશોકવદનમાં આવેલી છે
આ નાનકડી વાતને ચઢાવી વધારીને અત્યારે સોશિયલ મીડિયામાં રજુ કરવામાં આવી રહી છે !
✔ …….. વેરવિખેર થઇ ગયું મૌર્ય સામ્રાજ્ય
➡ યકીન કરવું મુશ્કેલ છે, પરંતુ જે ધરતીએ સિકંદર અને સેલ્યુકસ જેવાં યોધ્ધાઓને પરાજિત કર્યા હતાં એ હવે પોતાની વીર વૃત્તિ ખોઈ ચુક્યા હતાં. હવે વિદેશીઓ ભારત પર હાવી બનતાં જતાં હતાં કારણ એક જ હતું બૌદ્ધ ધર્મની અહિંસાત્મક નીતિઓ.
આ સમયે ભારતની ખોવાયેલી આબરૂ પાછી લાવવા માટે એક શાસકની જરૂરત હતી.
બહુ જ જલદીથી એમને પુષ્યમિત્ર શૃંગ નામના એ મહાન શાસક મળી ગયાં.
રાજા બૃહદ્રથની સેનાની કમાન સંભાળનાર બ્રાહ્મણ સેનાનાયક પુષ્યમિત્ર શૃંગની સોચ કાફી અલગ હતી. જે પ્રકારે પાછલા કેટલાંક વર્ષોમાં ભારતની વૈદિક સભ્યતાનું હનન થયું હતું એને લઈને પુષ્યમિત્રના મનમાં અનેક વિચારો ઊભાં થતાં હતાં !
➡ આ બધું ચાલતું હતું ત્યાં રાજાની પાસે ખબર આવી કે કેટલાંક ગ્રીક શાસક ડાયેટ્રિયસ અને મિનેન્ડર ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી રહ્યાં છે. આ શાસકોએ ભારત વિજય માટે બૌદ્ધમઠો ના ધર્મ ગુરુઓને પોતાની સાથે મિલાવી દીધાં હતાં. સરળ શબ્દોમાં કહીએ તો બૌદ્ધ ધર્મગુરુઓ રાજદ્રોહ કરી રહ્યાં હતાં.. ભારત વિજયની તૈયારીઓ જોરશોરથી શરુ થઇ ગઈ હતી. એ ગ્રીક સૈનિકોને ભિક્ષુઓના વેશમાં પોતાનાં મઠોમાં છુપાવીને રાખી તેમને પનાહ આપતાં હતાં અને પોતાનાં હથિયાર આ ભિક્ષુઓ દ્વારા અહીં છુપાવીને રાખતાં હતાં જેથી આ હુમલા – કાવતરાંની કોઈને પણ ખબર ન પડે. ધીમે ધીમે બીજાં ભિક્ષુઓ પણ આવવાં માંડયા અને હથિયારોની આપ – લે થતી જ રહી. યવનોનું આવાગમન અવિરત ચાલુ જ રહ્યું હતું.
➡ આટલું બધું કરો અને કોઈને ખબર પણ ન પડે એવું તો બને જ નહીં ને ! આની ભડક સેનાપતિ પુષ્યમિત્રને લાગી ગઈ. એમને સીધા રાજા બૃહદ્રથ પાસે જઈને આ બૌદ્ધ મઠોની તલાશી લેવાની અનુમતિ માંગી. રાજા બ્રુહદ્રથે આ બૌદ્ધો છે તેઓ આવું કરે જ અહીં અને હું રાજા છું એટલે મને પૂછ્યા વગર કશું કરવું નહીં. એમાં કહી પુષ્યમિત્રને અનુમતિ ના આપી. આમેય પુષ્યમિત્ર અ યવનોની ગતિવિધિથી નાખુશ જ હતાં એમાં વળી આ બૌદ્ધો ભળ્યાં. પુષ્યમિત્ર શૃંગનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમને કૈંક કરી બતાવવું હતું વૈદિક ધર્મની પુન:સ્થાપના માટે ! આ એ જ તક હતી જે તેઓ કોઈ પણ સંજોગોમાં હાથમાંથી જવાં દેવાં ન્હોતાં માંગતા. અનુમતિ ના મળી તો એમને જાતે જ રાજાની પરવાનગી વગર તલાશી લેવાનું શરુ કર્યું. આ જાંચ દરમિયાન ઘણાં ગ્રીક સૈનિકો પકડાયા જેને પુષ્યમિત્ર અને તેમના વિશ્વાસુ સૈનિકો દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં..
➡ આમ તો એવું લખાયું છે કે બધાં બૌદ્ધ ધર્મગુરુઓને રાજદ્રોહના ગુના હેઠળ ગિરફ્તાર કરવામાં આવ્યાં. કેટલાંક બૌદ્ધ ગ્રંથોમાં એવું લખવામાં આવ્યું છે કે — પુષ્યમિત્રે અનુમતિ ના મળતાં એક સૈન્ય પરેડનું આયોજન કર્યું અને રાજાને તે પરેડ જોવાં ત્યાં બોલાવ્યાં અને ત્યાં તેમની હત્યા કરી પછી જ તલાશીની કાર્યવાહી શરુ કરી હતીઅને એમાં ઘણાં બૌદ્ધમઠોને નષ્ટ કર્યા હતાં અને એ બૌદ્ધમઠોમાં રહેતાં બાધાન જ બૌદ્ધોની પણ ગ્રીકોની સાથે બેરહમીથી કત્લ કરી હતી. કેટલાંક ઈતિહાસકારો આ કાર્યવાહી રાજા થયાં પછી કરી હોવાનું માને છે તો કેટલાંક તે પહેલાં કરી હોવાનો મત પ્રસ્થાપિત કરે છે. બૌદ્ધોની હત્યા અંગે પણ ઈતિહાસકારો એકમત નથી જ ! તેની વાત આપણે પછીથી કરીશું.
✔ પુષ્યમિત્ર શૃંગની સિદ્ધિઓ ———-
➡ પુષ્યમિત્ર શૃંગના કાળમાં ત્રણ બનાવો બન્યાં હતાં.
👉 (૧) વિદર્ભ સાથે યુદ્ધ ——
મહાકવિ કાલિદાસના “માલવિકાગ્નિમિત્ર”નાં વિવરણ મુજબ પુષ્યમિત્રની આજ્ઞાથી તેના પુત્ર અગ્નિમિત્રે વિદર્ભના રાજા યજ્ઞસેનને નમાવ્યો અને વિદાર્ભ્નો કબજો લીધો. યજ્ઞસેને પુષ્યમિત્રનું સાર્વભૌમત્વ સ્વીકારતાં તેને ખંડિયા રાજા તરીકેનું અડધું રાજ્ય પાછું મળ્યું. આમ વિદર્ભ વિજયથી પુષ્યમિત્રે નર્મદાની દક્ષિણે થોડો વિસ્તાર મેળવ્યો.
👉 (૨) યવનો – ગ્રીકો સામે વિજય ——-
પુષ્યમિત્રના શાસનકાળનો સૌથી મહત્વનો ઐતિહાસિક બનવ હતો યવનો સામે વિજય
👉 [ક] યવન રાજા ડિમેટ્રિયસનું આક્રમણ ——-
બેકટ્રિયાનાં યવન રાજા ડિમેટ્રિયસે (ઇસવીસન પૂર્વે ૧૯૦ – ઇસવીસન પૂર્વે ૧૬૯) પુસ્ય્મીત્રના સમયમાં ભારતની ઉત્તર સરહદ ઉપર હલ્લો કર્યો અને તેનું સૈન્ય છેક પંજાબ સુધી આવી પહોંચ્યું હતું. ત્યાં જ યુક્રેટાઈઝ નામના બળવાખોર નેતાએ બેકટ્રિયામાં બળવો પોકારતાં તેણે પોતાના દેશ -પ્રદેશ તરફ પાછાં ફરવાની ફરજ પડી.
👉 [ખ] યવન રાજા મિનેન્ડરનું આક્રમણ ——–
પુષ્યમિત્રની જિંદગીના અંતિમ ભાગમાં યવન રાજા મિનેન્ડરે હિન્દ પર ચડી કરી (ઇસવીસન પૂર્વે ૧૫૫ – ૧૫૩) પરંતુ પુષ્યમિત્રના પુત્ર વસુમિત્રે તેણે હરાવીને હાંકી કાઢ્યો. અહી એક વાત યાદ અપાવવાનું મન થાય છે. પુષ્યમિત્ર શૃંગનો સમયગાળો છે ઇસવીસન પૂર્વે ૧૮૦ – ઇસવીસન પૂર્વે ૧૪૪ ).
➡ જો વસુમિત્ર એનો પૌત્ર હોય તો રાજગાદી પર પુષ્યમિત્ર શૃંગ જ હોય તો પછી પુષ્યમિત્ર એનાં પુત્ર અગ્નિમિત્રને મોકલે કે પછી એનાં પૌત્ર વસુમિત્રને મોકલે ! સાલવારી જો સાચી હોય જે ખોટી માનવાનું આમ તો કોઈ જ કારણ નથી તે પ્રમાણે કદાચ લખનારની ભૂલ થઇ હશે કે પુષ્યમિત્રને સ્થાને વસુમિત્ર લખાઈ ગયું હોય એવું પણ બને. આમેય આ સાલ તો પુષ્યમિત્રનાં રાજકાલ સાથે મેળ ખાય છે નહીં કે વસુમિત્ર સાથે ! આમેય વસુમિત્ર એ તો અગ્નિમિત્ર પછી જો એનો પુત્ર હોય તો મગધ મહાસામ્રાજ્યની ગાદી પર બેસનાર રાજા હતો વસુજયેષ્ઠ. જેમની સાલવારી છે ઇસવીસન પૂર્વે ૧૩૬થી ઇસવીસન પૂર્વે ૧૨૯ જયારે વસુમિત્ર એ તો વસુજયેષ્ઠ પછી થયેલાં રાજા છે. બની શકે છે વસુજયેષ્ઠ એ નામમાં જ જયેષ્ઠ આવતું હોવાથી એ અગ્નિમિત્રનો જયેષ્ઠ પુત્ર હોય અને વસુમિત્ર એ નાનો કે વચલો પુત્ર હોય ! પણ આ વસુમિત્રની સાલવારી જે પ્રાપ્ત થઇ છે એ જોતાં તો એમણે ઇસવીસન પૂર્વે ૧૨૯ – ઇસવીસન પૂર્વે ૧૧૯ રાજ કર્યું હતું. મિનેન્ડરે પુષ્યમિત્રના સમયમાં જ આક્રમણ કર્યું હતું તે જ વાત બધે નોંધાયેલી જોવાં મળે છે. અરે આ મિનેન્ડરને કારણે જ પુષ્યમિત્ર શૃંગ રાજા બન્યાં હતાં. એવું તો મોટાં ભાગનાં ઈતિહાસકારો કહે છે. એટલે વસુમિત્રની વાત ક્યાં નોંધાઈ છે એ જાણવું અત્યંત આવશ્યક છે જ ! જે વાત કાલિદાસના નાટક “માલવિકાગ્નિમિત્ર”માં જ આવી છે અને ઈતિહાસ એને અનુમોદન નથી આપતો. પણ મિનેન્ડરની સાલવારી પણ રાજા પુષ્યમિત્ર શૃંગ સાથે મેલ ખાય છે તેનું શું ? કોણ સાચું અને કોણ ખોટું એની કંઈ સમજ નથી પડતી આમાં તો !
➡ મિનેન્ડર વિષે જે કઈ પણ લખાયું છે તે સ્ટ્રેબો અને પેરીપ્લસ જેવાં ઈતિહાસકારોને હાથે જ લખાયું છે.
સ્ટ્રેબોનો જીવનકાળઇસવીસન પૂર્વે ૬૩ થી ઇસવીસન ૨૪નો છે
જે સિકંદર પછી લગભગ ૨૬૦ વર્ષે અને મિનેન્ડર પછી ૫૭ વર્ષે જન્મ્યો હતો.
મિનેન્ડરની નજીક હોવાથી તેની વાતો કૈંક વિશ્વાસપાત્ર ગણાય પણ સંપૂર્ણ સત્ય તો નહીં કારણકે તે મિનેન્ડરનો સમકાલીન તો નહોતો જ !
જો કે તેણે મિનેન્ડરના ભરપુર વખાણ કર્યા છે.
પણ એની બધી જ વાતો સાચી માની શકાય એમ જ નથી.
કારણકે એને મન તો મિનેન્ડર એ વિશ્વનો મહાન શાસક હતો.
તેણે સિકંદર કરતાં ચડિયાતો બતાવવામાં આ સ્ટ્રેબોનો જ હાથ છે
પેરીપ્લસ પણ મિનેન્ડર પછી જ થયો હતો જો કે એની સાલવારી પ્રાપ્ત નથી થતી પણ એવું કહેવાય છે.
મિલિન્દ પ્હ્નએ પણ ઈસ્વીસન પૂર્વે ૧૦૦થી ઈસ્વીસન ૨૦૦ સુધીમાં લખાયેલો મિલિન્દનાં બૌદ્ધ ધર્મનાં કાર્યોનો વખાણ કરતો ગ્રન્થ છે.
મિનેન્ડરની સાલવારી છે કોઈક જગ્યાએ ઇસવીસન પૂર્વે ૧૬૫થી ઇસવીસન પૂર્વે ૧૩૦ તો કોઈક જગ્યાએ ઇસવીસન પૂર્વે ૧૫૫થી ઇસવીસન પૂર્વે ૧૩૦ લખાયું છે
મિનેન્ડરને હરાવ્યો હતો રાજા પુષ્યમિત્રે પણ પછી મિનેન્ડરે પાછું આક્રમણ કર્યું હોય તો નવી નહીં વસુમિત્ર શૃંગના સમયમાં કારણકે મિનેન્ડરની સાલવારી તો એમ જ સૂચવે છે.
➡ જો કે ઈતિહાસકારો નોંધે છે કે —-આમ પુષ્યમિત્રે યવનોનને હિંદની પેલે પાર હાંકી કાઢીને મગધના સામ્રાજ્યનું રક્ષણ કર્યું. આ યવન વિજય પછી પુષ્યમિત્રે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો. આ અશ્વમેઘ યજ્ઞ એ પુષ્યમિત્રના રાજ પુરોહિત પતંજલિએ જ કરાવ્યો હતો. એક નહીં બે યજ્ઞો એવું તો. પતંજલિએ આ વાત એમનાં પુસ્તકમાં નોંધી પણ છે. એવી વાત તો પ્રો એન. એન. ઘોષ પણ એમનાં પુસ્તકમાં કરે છે પુષ્યમિત્ર શૃંગને બે યવન આક્રમણોનો સામનો કરવો પડયો હતો.
👉 (૩) કલિંગનાં રાજા ખારવેલ સામે પરાજય ———-
પુષ્યમિત્રનાં સમયમાં કલિંગના રાજા ખાર્વેલે મગધ પર બે આક્રમણો કર્યા હતાં. ઉદયગિરિની પર્વતમાળામાં કોતરાવેલા ખારવેલના હાથીગુફાના શિલાલેખમાં જણાવ્યા મુજબ કલિંગના ચેદી વંશના રાજા ખારવેલે ઇસવીસન પૂર્વે ૧૬૫ની આસપાસ ઉત્તર હિન્દ પર પહેલી ચડાઈ કરી, જેમાં પુષ્યમિત્રને નમતું જોખવું પડયું હતું. ચારેક વર્ષ પછી ઇસવીસન પૂર્વે ૧૬૧માં ખાર્વેલની બીજી ચઢાઈમાં પુષ્યમિત્રનો પરાભવ થયો હતો. જેથી તેમની રાજધાની પાટલિપુત્રનો શાહી ખજાનો લૂંટી લેવામાં આવ્યો હતો. આ પરાભવને લીધે પુષ્યમિત્ર પૂર્વ બાજુ પોતાનાં સામ્રાજ્યનો વિસ્તાર કરી શક્યાં નહીં ! આ વાત ખાલી શિલાલેખમાં જ આવી છે બીજે ક્યાંય પણ નહીં ! આના પછી પુષ્યમિત્ર શ્રુંગે પોતાની રાજધાની બદલી નાંખી અને વિદીશાને પોતાની પાટનગરી બનાવી હતી. એવું પણ ક્યાંક નોંધાયેલું મળે છે.
➡ ખારવેલ વિષે પણ ઈતિહાસકારોમાં મતમતાંતરો પ્રવર્તે છે કોઈક તેને ઇસવીસન પૂર્વે પહેલી સદીમાં થયેલો માને છે તો કોઈક તેને ઇસવીસન પૂર્વે બીજી સદીમાં થયેલો માને છે. જો ઇસવીસન બીજી સદીમાં થયેલો માનવામાં આવે તો એ સાલવારી પુષ્યમિત્ર શૃંગ સાથે અવશ્ય મેળ ખાય છે. એમના શિલાલેખમાં એવું જરૂર લખાયું છે કે પુષ્યમિત્ર હાર્યા હતાં જો એ સાચું માનવામાં આવે તો જે ખારવેલ નંદવંશમાં થયો જ નથી તો એનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો હથીગુફના લેખમાં ? ટૂંકમાં ….. આ શિલાલેખ સાચો નથી એ ક્ષતિગ્રસ્ત જ છે એમ માનીને ચાલવું જોઈએ દરેકે !
✔ પુષ્યમિત્ર શૃંગની શાસન વ્યવસ્થા ———–
➡ પતંજલિના મંતવ્ય અનુસાર પુષ્યમિત્રને તેમનાં શાસનકાર્યમાં એક સભા મદદરૂપ થતી હતી. કાલિદાસના “માલવિકાગ્નિમિત્ર”માં પણ મંત્રી પરિષદનો ઉલ્લેખ આવે છે. આ પરથી જણાય છે કે પુષ્યમિત્ર રાજ્યના આંતરિક કારભારમાં અને ખાસ કરીને પરદેશનીતિની મહત્વની બાબતોમાં મંત્રી -પરિષદની સલાહ લેતાં હતાં.
✔ પુષ્યમિત્ર શૃંગની ધર્મ નીતિ ————
➡ પુષ્યમિત્ર પોતે બ્રાહ્મણ હોવાથી તેમનાં શાસનકાળમાં બ્રાહ્મણ ધર્મને રાજ્યાશ્રય મળ્યો. પરિણામે મૌર્ય સમયમાં પ્રચલિત થયેલ બૌદ્ધધર્મમાં ઓટ આવી અને બ્રાહ્મણોએ ફરી પાછું પોતાનું વર્ચસ્વ પ્રાપ્ત કર્યું એટલે તો તેમના સમયને ” પુરોહિત વર્ચસ્વનો યુગ ” પણ કહેવામાં આવે છે. ખાસ કરીને તો તેમના શાસનકાળમાં બ્રાહ્મણધર્મના “ભાગવત સંપ્રદાયનું મહત્વ વધ્યું.પુષ્યમિત્ર પોતે બ્રાહ્મણ હોવાથી તેમણે આ સંપ્રદાયને બહુ જ પ્રોત્સાહન આપ્યું.
➡ ડૉ. રાધાકુમુદ મુખર્જીના માટે જેમ સાંચી એ અશોકના સમયથી બૌદ્ધધર્મનું જાણીતું કેન્દ્ર હતું તેમ પુષ્યમિત્રના સમયમાં વિદિશા ભાગવત સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. જે રાજધાનીમાં મૌર્યસમ્રાટ અશોકે જીવહિંસા બંધ કરાવી તે જ રાજધાનીમાં પુષ્યમિત્રે બે અશ્વમેઘ યજ્ઞો કર્યા. આ યાગ્નોનું મહત્વ સમજાવતાં ડૉ. રાયચૌધરી લખે છે કે — આ યજ્ઞોએ બૌદ્ધધર્મની સામે નવા બ્રાહ્મણધર્મની ચળવળનો શંખ ફૂંક્યો. જે ચળવળ ગુપ્ત સમયમાં તેની ચરમસીમાએ પહોંચવાની હતી. આ પ્રમાણે પુષ્યમિત્રના સમયમાં બ્રાહ્મણધર્મ પુનર્જીવિત થયો એટલે જ તો બ્રાહ્મણ ગ્રંથો તેમને બ્રાહ્મણધર્મના ઉદ્ધારક માને છે.
➡ પરંતુ બૌદ્ધ ગ્રંથોમાં તેમની નિંદા કરવામાં આવી છે અને તેમને બૌદ્ધ ધર્મનું નિકંદન કાઢનાર તરીકે વર્ણવ્યા છે.
આ વાત થોડી વિગતવાર ચર્ચીએ !
✔ પુષ્યમિત્ર શૃંગ બૌદ્ધ ધર્મનો વિરોધી હતો ?
➡ ઈતિહાસકારો પુષ્યમિત્ર શૃંગ અને તેના વંશજોને કટ્ટર બ્રાહ્મણધર્મી અને બૌદ્ધ વિરોધી કહ્યા છે. વિન્સેન્ટ, સ્મિથ, એન. જી મજુમદાર, એન. એન. ઘોષ, સુધાકર ચટ્ટોપાધ્યાય વગેરે પ્રમુખ ઈતિહાસકારોના મતે પુષ્યમિત્ર શૃંગ બ્રાહ્મણ ધર્મનો અનન્ય સમર્થક અને બૌદ્ધ ધર્મ વિરોધી હતો. આ વિદ્વાનોનો મત મુખ્યત્વે “દિવ્યાવદાન” અને તારાનાથના મત પર આધારિત છે.
➡ “દિવ્યાવ્દાન”ના મતે ૮૪૦૦૦ હજાર સ્તુપોનું નિર્માણ કરાવનાર તરીકે સમ્રાટ અશોકની જે ખ્યાતિ હતી તે પુષ્યમિત્ર શૃંગની ખ્યાતિ ૮૪૦૦૦ સ્તૂપો નષ્ટ કરાવનાર તરીકે હતી. આ ઉદ્દેશની પુરતી માટે તેમને સૌ પ્રથમ પાટલિપુત્રનો કુકકુટા રામ વિહાર નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દૈવી કૃપાથી તેઓ તેમ કરી શક્યાં નહીં. બીજા વિહારો પાટલિપુત્રના કુકુટારામ વિહાર જેટલા પવિત્ર ન હોવાથી આ વિહારોનો નાશ કરતો તે સિયાલકોટ પહોંચ્યો. અહીં આવી તેમને જાહેર કર્યું કે — જે કોઈ વ્યક્તિ એક શ્રમણનું શિર કાપીને લાવશે તેણે ૧૦૦ દિનાર આપવામાં આવશે. પશ્ચિમોત્તર ભારતમાં પણ આ પ્રકારનો હત્યાકાંડ કરતાં તે દક્ષિણ ભારત તરફ વળ્યો. પરંતુ હવે તેના પાપનો ઘડો ભરાઈ ચુક્યો હતો આથી કિમિશ નામના એક યક્ષે તેણે પથ્થરો વડે મારી નાંખ્યો.
➡ તારાનાથ લામા જે એક તિબેટી બૌદ્ધ ઈતિહાકાર હતાં તેમનાં માટે પુષ્યમિત્રે જલંધર સુધી બૌદ્ધોનાં વિહારો અને સ્તુપોનો નાશ કરાવ્યો હતો અને બૌદ્ધોની પજવણી કરી હતી. ” આર્યમંજુશ્રી મૂલકલ્પ”માં ગોભિમુખ્ય નામના એક શાસક દ્વારા શીલ સંપન્ન બૌદ્ધ ભિક્ષુઓનો તેમ જ વિહરોનો નાશ કરાવ્યાનો ઉલ્લેખ છે. આ ઘટના અનુમૌર્ય કાલ સમયની છે. પી સી. બાગચીના માટે ગોભિમુખ્ય ગૌલ્મિકમુખ્યનું પ્રાકૃત રૂપાંતર છે જેનો અર્થ સેનાપતિ થાય છે. પુષ્યમિત્ર શૃંગ એક સેનાપતિ હતો આથી ગોભિમુખ્ય પુષ્યમિત્ર હોવાનું માનવામાં આવે છે. પ્રોફેસર નાગેન્દ્ર ઘોષ પણ બૌદ્ધ પ્રમાણોને યથાર્થ માને છે અને જે પ્રકારે તેમને મગધની ગાદી મેળવી એ પૂર્વભૂમિકાનું અધ્યયન કરીને નિષ્કર્ષ રૂપે તેઓ જણાવે છે કે તેઓ બૌદ્ધધર્મીઓ પ્રત્યે અસહિષ્ણુ હતો.
✔ પુષ્યમિત્ર બૌદ્ધ વિરોધી ન હતો ———–
➡ વાસ્તવમાં આ બધાનો કોઈ આધાર જ નથી એ માત્ર બૌદ્ધ કથાઓ જ છે. જેને માન્ય ગણાય જ નહીં. અલબત્ત પુષ્યમિત્રે બ્રાહ્મણ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો પરંતુ આટલી હદે બૌદ્ધધર્મીઓને ત્રાસ આપ્યો હોય તેવા કોઈ નક્કર પુરાવા મળતાં નથી. બૌદ્ધ સાધુના ધડને માટે ૧૦૦ સોનામહોરના ઇનામની જાહેરાત તેમને પાટલિપુત્ર, વિદિશા કે અયોધ્યામાં નહીં કરતાં સિયાલકોટમાં જ કેમ કરી ? આના ઉત્તરમાં ટાર્ન જણાવે છે કે — આ વિસ્તાર યવનોના વર્ચસ્વ હેઠળ હતો. ત્યાંના બૌદ્ધધર્મીઓ યવનોને સહાય કરતાં હતાં એટલે તેમની આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને ડામવા અને એ દ્વારા પોતાનાં સામ્રાજ્યનું રક્ષણ કરવાના રાજકીય ઉદ્દેશ્યથી પ્રેરાઈને જ તેમણે આવી જાહેરાત કરી હતી. આથી ઉપરોક્ત સર્વ વાતો ધર્મદ્વેષથી લખાઈ હોય તેમ જણાય છે.
➡ એચ. સી રાયચૌધરી, આર એમ ત્રિપાઠી, રાજબલી પાંડેય, જગન્નાથ નિલકંઠ શાસ્ત્રી વગરે વિદ્વાનો પુષ્યમિત્ર શૃંગને બૌદ્ધધર્મ વિરોધી માનતા નથી.
➡ ડૉ. રાયચૌધરી “દિવ્યાવદાન”ને સંપૂર્ણપણે પ્રામાણિક ગ્રંથ માનતાં નથી. “દિવ્યાવદાન” પ્રમાણે પુષ્યમિત્ર મૌર્ય સમ્રાટનો વંશજ હતો જે હકીકત ખોટી પુરવાર થઇ છે. પુષ્યમિત્રના સમયમાં એમનો મંત્રી બૌદ્ધધર્મી હતો. આથી પુષ્યમિત્ર બૌદ્ધધર્મ વિરોધી હતો એમ માની શકાય નહીં.
➡ રમાશંકર ત્રિપાઠીના મતે પુષ્યમિત્ર બ્રાહ્મણધર્મી હતો, પણ બૌદ્ધધર્મનો સંહારક ના હતો. ભરહૂતના સ્તૂપ તથા વેદિકા ઉપર સુગમન રજ લેખ ઉત્કીર્ણ છે જેનું નિર્માણ શૃંગકાલમાં થયું હતું. સુગમન રજ શબ્દ પુષ્યમિત્રનો સંકેત કરે છે તેવાં કનિંઘમના મત સાથે ત્રિપાઠી સહમત થાય છે. આથી તારાનાથ અને “દિવ્યાવદાન”માં આપેલી હકીકત સાચી ઠરતી નથી. ભરહૂતના બૌદ્ધ સ્તૂપ તથા વેદિકાનું નિર્માણ તેના સમયમાં થયું હતું તે પુષ્યમિત્રની અન્યધર્મો તરફની સહિષ્ણુતાનો પ્રત્યક્ષ પુરાવો છે.
➡ પ્રો. જગન્નાથના મતે એ સંભવ છે કે પુષ્યમિત્રની બ્રાહ્મણધર્મના ઉત્કર્ષની નીતિના કારણે કેટલાંક બૌદ્ધો અસંતોષી બન્યાં હશે પણ પુષ્યમિત્ર બૌદ્ધ ધર્મ વિરોધી ન હતા.
➡ “દિવ્યાવદાન” માં અશોકવદાન નામનો એક ભાગ છે જે સમ્રાટ અશોકનાં બુધ્દ કાર્યોની ખાસ નોંધ લે છે. આ બૌદ્ધ વાર્તાઓનો સંગ્રહ છે. કહેવાય છે કે આ ગ્રંથ લખવાની શરૂઆત ઇસવીસનની બીજી સદીમાં થઇ હતી. આ નામ બૌદ્ધ સાહિત્યના પ્રકારને આપવામાં આવ્યું છે જે ભૂતકાળના જીવન ‘અનુગામી જીવન માટે સદગુણ અને કાર્યોની નોંધ લે છે આજ ગ્રંથમાં પુષ્યમિત્રની વાત કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ તો સમ્રાટ અશોકના કાર્યોને બીર્દાવવાનો જ હતો. અલબત્ત બૌદ્ધ ધર્મના પ્રચારના અને તેમને બાંધેલા બૌદ્ધ સ્તુપો અને બૌદ્ધ વિહારો- મઠોનાં ગુણગાન ગાયા છે. એ પણ વાર્તા રૂપે ! એમાં જ સમ્રાટે અશોકે બાંધેલા ૮૪૦૦૦ સ્તુપોની વાત કરવામાં આવી છે. સમ્રાટ અશોકનાં કાલ પછી જયારે મૌર્યોનાં પતન પછી શૃંગવંશની સ્થાપના થઇ એ આ બૌદ્ધોને ગમ્યું નહીં અને એમાં થોડીક સચ્ચાઈ પણ ભળી પણ એ ૮૪૦૦૦ સ્તુપો તોડયાની વાત તો તદ્દન ખોટી જ છે. પુષ્યમિત્રે બૌદ્ધ વિહરોનો નષ્ટ કરેલો પણ જેમાં બૌદ્ધોએ યવન સૈનિકોને પનાહ આપેલી એ જ. કદાચ આ સંખ્યા ૫૦૦ની આસપાસ જ હશે. બૌધ્ધોને ઊંચાનીચા થતાં બંધ કરાવી શાંત કર્યા એ એમને ગમ્યું નહીં એટલે આ ગ્રંથમાં એ ૮૪૦૦૦ સ્તુપો તોડયાની વાત કરવામાં આવેલી છે. બૌદ્ધોનો વિદ્રોહ શામાવ્યો એટલે જ એમનો વિરોધ થાય છે. પણ એ વાત આ ગ્રંથમાં કરવામાં જરૂર આવી છે . પણ આમાં કુલ ૬૦૦ વાર્તાઓ છે વાર્તામાં અંશમાત્ર જ સચ્ચાઈ હોય ઈતિહાસ નહીં ! જે કોઈ સમજયું જ નહિ અને કોઈ સમજવા પણ નથી જ માંગતા ! વાર્તાને વાર્તા જ રહેવા દો !
➡ “દિવ્યાવદાન” જેના પર આ બૌદ્ધો કૂદી રહ્યાં છે તેમાં પણ રાજા પુષ્યમિત્ર દ્વારા બૌદ્ધ અનુયાયીને પોતાના મંત્રી તરીકે નિયુક્ત કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
➡ પુષ્યમિત્ર શૃંગના પુત્ર અગ્નિમિત્રની રાજસભામાં ભગવતી કૌશિકી નામની સ્ત્રી બૌદ્ધધર્મની અનુયાયી હતી. “મહાવંશમાં જણાવ્યું છે કે શૃંગકાલમાં બિહાર, અવધ, માલવા વગરે સ્થળે બૌદ્ધ વિહાર આવેલા હતાં. આ બધી બાબતો શૃંગવંશની ધર્મસહિષ્ણુતાના સંગીન પુરાવા છે.
➡ એ સુવિદિત છે કે મૌર્યોની અહિંસાપરક નીતિને લીધે સમગ્ર સામ્રાજ્ય પતનના આરે આવી ઉભું હતું. આ વંશના છેલ્લા રાજા બ્રુહ્દ્રથે પોતાની બૌદ્ધ ધર્મ પ્રત્યેની નિષ્ઠાના કરને સામ્રાજ્યને અપમાનકારક સ્થિતિમાં લાવી મુક્યું હતું. યવન રાજાઓ છેક પાટલિપુત્ર સુધી આવી પહોંચે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. મગધ સામ્રાજ્યની પ્રજા અને તેના અધિકારીઓ આ પરિસ્થિતિ સ્વીકારી લેવા તૈયાર ન હતા. આવા સંજોગોમાં પુષ્યમિત્રે સત્તાનાં સૂત્ર સાંભળી લીધાં અને બ્રુહદ્રથની હત્યા કરી. નહીં કે પુષ્યમિત્ર બ્રાહ્મણ હતો અને બૌદ્ધધર્મી રાજાને ધિક્કારતો હતો.
➡ મિલિન્દ (મિનેન્ડર) યવન રાજા હતો. તેના કારણે મગધ સામ્રાજ્યની સ્વતંત્રતા ભયમાં મુકાઈ હતી. તેણે સીમાથી દૂર સુધી તગેડી મુકવો જરૂરી હતું. આ મિલિન્દ એ સિકંદર કરતાં પણ વધુ પાવરધો લડવૈયો હતો. તેમ છતાં પુષ્યમિત્ર જેનું નામ જે હંમેશ તલવારથી જ પોતાનો ઈતિહાસ રચતા તેમણે આ મિલિન્દને હરાવી તેની સાથે વિજેતા રાજવી માફક જ વર્તાવ કર્યો હતો. મિલિન્દના ધર્મ સાથે તેમને કોઈ જ લેવાદેવા નહોતી. આમ બૃહદ્રથ અને મિલિન્દ બૌદ્ધધર્મી હોવાનાં કારણે પુષ્યમિત્રે તેમનો નાશ કર્યો હતો તેવા બૌદ્ધ ઇતિહાસકારોના મત સાથે સંમત થઇ શકાય જ નહીં !
✔ શૃંગ સમયનું બૌદ્ધ સ્થાપત્ય ———
➡ શૃંગોના સમયમાં બૌદ્ધ ધર્મના સ્મારકો અને ધર્મના સ્થાપત્યો માટે જે કામ તે અદ્વિતીય છે. પાટલીપુત્ર પછી શૃંગોની બીજી રાજધાની વિદિશા હતી. આ વિદિશા પાસે સાંચીના સ્તૂપના દ્વારની અદભૂત કામગીરી શૃંગકાળમાં થઇ હતી. અનાથપીન્દ્ક દ્વારા ભગવાન બુદ્ધને જેવન વિહાર અર્પિત કરવાનું ભાવપૂર્ણ સ્પષ્ટ દ્રશ્ય અહીં અંકિત છે. સ્તૂપના નિર્માણમાં તથા તેના ઉપરની કલામાં શૃંગ રાજાઓની સહાનુભુતિ તથા પ્રત્યક્ષ પ્રદાન અવશ્ય હતું. સાંચી અને ભરહૂતના સ્તુપો માટે તો રાજાઓના દાન પણ મળ્યાં હતાં.
➡ બોધગયાનું વજ્રાસન અને તેની પાષણ વેદિકા સ્તુપો પછીનું સ્થાપત્ય છે. બોધગયાની વજ્રાસનની વેદિકા ઉપરની કલાનો આધાર સંચીના સ્તૂપની વેદિકા ઉપર છે. આ વેદીકાનું નિર્માણ આર્યાકુરંગી નામની સ્ત્રીએ કરાવ્યું હતું. જે શૃંગ રાજાના અમાત્ય ઈન્દ્રાગ્નિમિત્રની પત્ની હતી. આમાં ભાગ લેનાર બીજી એક સ્ત્રી “નાગદેવા”બીજા એક આમાંત્ય બ્રહ્મમિત્રની પત્ની હતી. અભિલેખોના અધ્યયન પરથી જણાય છે કે આર્યાકુરંગીએ બોધગયામાં ભિક્ષુઓ તથા ભિક્ષુણીઓ માટે વિહાર પણ બંધાવ્યા હતાં જે એક મંદિરની નજીક હતા. ફહ્યહાને આ વિહારો જોયા હતાં. શૃંગ રાજાઓના અમાત્યોની પત્નીઓ પણ બૌદ્ધ ધર્મને ઉત્તેજન આપવામાં અગ્રસ્થાને હતી.
➡ ભારહૂતના સ્તૂપના નિર્માણનો સમય નિશ્ચિત ન થયો હોવાં છતાં એટલું તો પ્સષ્ટ છે કે વેદિકાના નિર્માણ સમયે સ્તૂપ વ્યાપક સ્વરૂપે પ્રસિદ્ધિ પામ્યો હતો. સ્તૂપની વેદિકા ઇસવીસન પૂર્વેની બીજી સદીના ઉત્તરાર્ધમાં બહારના દાતાઓ અને સ્થાનિક ભિક્ષુ- ભિક્ષુણીઓના પ્રયત્નોથી બંધાઈ હતી. વેદિકાના નિર્માણ પછી લગભગ ૫૦ વર્ષ શૃંગરાજાઓના શાસનકાલમાં ગાર્ગીપુત્ર વિશ્વદેવના વાત્સીપુત્ર ધનભૂતિ દ્વારા તોરણો બાંધવામાં આવ્યાં હતાં. આ તોરણો કથ્થાઈ લાલ રંગના પથ્થરોદ્વારા બાંધવામાં આવ્યાં હતાં.
➡ ધનભૂતિની રાણી નગરખટિયાએ વેદિકા બંધાવવા માટે દાન કર્યું હતું. મથુરામાં મળેલા અભિલેખમાં જણાવ્યા પ્રમાણે વાઘપાણે પણ વેદિકા માટે દાન કર્યું હતું.
➡ શૃંગકાલમાં સારનાથમાં પણ વેદીકાનું નિર્માણ થયું હતું. મથુરામાંથી શૃંગકાલની મૂર્તિઓ મળી આવી છે.
➡ ભારહૂત સ્તૂપના પૂર્વ તરફના તોરણ પરના ઉત્કીર્ણ લેખમાં શૃંગ રાજા ધનભૂતિનો આ પ્રમાણે ઉલ્લેખ છે —–
✅ (૧) સુગતં રાજે રજો ગાર્ગી પુતરા વિસદેવસ
✅ (૨) પુતેન ગોતિપુત્સ અગ્ર જસ પુતેન
✅ (૩) વાંછે પુતેન ધનભૂતિન કારિતં તોરણમ
➡ “શૃંગોના રાજ્યમાં વાત્સીપુત્ર રાજા ધનભૂતિ દ્વારા જે ગાર્ગી પુત્ર રાજા વિશ્વદેવનો પુત્ર તથા અંગ્રાજનો પુત્ર હતો, તોરણ નિર્માણ કરવામાં આવ્યું.”
➡ સાંચી અને ભારહૂતના સ્મારકોની ભવ્યતા અને વિશાળતા જોતાં તેમાં વિપુલ દ્રવ્ય રાશિનો ઉપયોગ થયો હશે એમ કહી શકાય. આ દ્રવ્ય તે સમયના શ્રેષ્ઠીઓ અને દાનવીરો તરફથી મળ્યું હશે, જે તે સમયના રાજાઓની કૃપાદ્રષ્ટિ વગર શક્ય નથી.
➡ એક બાજુ ડૉ. સ્મીથનું એમ કહેવું છે કે તેમણેબૌદ્ધધર્મીઓ ઉપર ગુજારેઅલા અત્યાચારની ખની તદ્દન જુઠી તો નથી જ, જો કે તેમાં અતિશયોક્તિનો અંશ જોવાં મળે છે. બૌદ્ધ ગ્રંથોના આધારે પ્રો. નાગેન્દ્રનાથ ઘોષ પણ સ્મિથના વિચારોનો પડઘો પાડે છે. તો બીજી બાજુ ડૉ. રાયચૌધરી ડૉ, આર એસ ત્રિપાઠી, પ્રો. જગન્નાથ વગેરે જણાવે છે કે બૌદ્ધધર્મ પ્રત્યેના પુષ્યમિત્રના અત્યાચારની કહાણી ધર્મદ્વેષથી લખવામાં આવી હોય એ વધારે સંભવિત છે.
➡ આ વિવાદાસ્પદ પ્રશ્ન પર પોતાનો અભિપ્રાય આપતાં આંગ્લ લેખક ઈ. બી હેવલ જણાવે છે કે —
“પુષ્યમિત્ર શૃંગે બૌદ્ધધર્મીઓનું દમન કર્યું, એટલાં માટે નહીં કે તેઓ જે ધર્મમાં માનતાં હતાં તેમાં પુષ્યમિત્રને અવિશ્વાસ હતો પરંતુ એટલાં માટે કે તેમનો બૌદ્ધસંઘ રાજકીય સત્તાનું કેન્દ્ર બની ગયો હતો.”
✔ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ——-
➡ હ્યુ એન સંગે પોતાની નોંધપોથીમાં જણાવ્યું છે કે તે જયારે ભારતમાં આવ્યો ત્યારે નાલંદા વિદ્યાપીઠને ૭૦૦ વર્ષ થયાં હતાં. હ્યું એન સંગની ભારતની મુલાકાત (ઇસવીસન ૬૩૦થી ઇસવીસન ૬૪૪)ને લક્ષમાં લેતા નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ઇસવિયન પૂર્વે ૭૦ -૬૦ની આસપાસ થઇ હોવાનું ગણી શકાય. તે સમયે મગધમાં શૃંગવંશનું રાજ્ય પ્રવર્તમાન હતું. આમ હ્યુ એન સંગની નોંધ પ્રમાણે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના શૃંગકાળમાં થઇ હશે પરંતુ તેનો મહત્તમ વિકાસ ગુપ્તકાળમાં થયો હશે !
✔ પુષ્યમિત્ર શૃંગના સમયમાં સાહિત્યકલા ———
➡ પુષ્યમિત્ર બ્રાહ્મણધર્મી હોવાથી તેમના સમયમાં બ્રાહ્મણ ધર્મનો પુનરુત્થાન થયો. પરણામે બ્રાહ્મણ સાહિત્યને પણ ઉત્તેજન મળ્યું. પુષ્યમિત્રના રાજગુર અને સમકાલીન એવાં પતંજલિએ તેમના સમયમાં “મહાભાષ્ય” રચ્યું.
➡ તેમનાં સમયમાં મનુસ્મૃતિનું પુનર્સંકલન થયું.
➡ તેમના સમયમાં સ્થાપત્ય કલાને પણ ઉત્તેજન મળ્યું. ભારહૂતનો સ્તૂપ તેમ જ સંચીના બૌદ્ધ સ્તૂપને ફરતી પથ્થરની દીવાલ અને દરવાજા તેમના શાસનકાળ દરમિયાન બંધાયા હોવાનું મનાય છે. તેમને દાનધર્મ દ્વારા અનેક બૌદ્ધ સ્તૂપો બંધાવ્યા. વિદિશા તો કલા અને સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમતું હતું.
✔ ઉપસંહાર ——-
➡ આ પ્રમાણે શૃંગવંશના સ્થાપક અને બ્રાહ્મણ ધર્મના ઉધ્દ્ધારક એવાં પુષ્યમિત્રે કુલ ૩૬ વર્ષ મગધની રાજગાદી સંભાળી હતી અને તે પણ પૂરી શાનથી.ઇસવીસન પૂર્વે ૧૫૧મ તેઓ અવસાન પામ્યાં. તેઓ પ્રાચીન ભારતના ઇતિહાસમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે એમાં બેમત નથી જ !
➡ તેમણે પરદેશી આક્રમણો સામે મગધના સામ્રાજ્યનું રક્ષણ કર્યું અને એ રીતે એક સદી સુધી મગધના સામ્રાજ્યને છિન્નભિન્ન થતું અટકાવ્યું. વળી વિદર્ભ રાજ્ય સાથેના તેમના વર્તાવમાં તેમની કુટનીતિ છતી થાય છે. તેમણે વિદર્ભના યજ્ઞસેનને હરાવીને તેનનું રાજ્ય પોતાનામાં ભેળવી ના દેતાં તેના બે વિભાગો પાડી યજ્ઞસેન અને માધવસેનને પાછું સોંપ્યું. આમ વિદર્ભના પ્રશ્નમાં તેઓ “ધર્મવિજય”ની નીતિને અનુસર્યા અને એ રીતે તેમને ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તને આ નીતિ અનુસરવા પ્રેર્યા. કે.પી. જયસ્વાલ તો પુષ્યમિત્રને ઓલીવર ક્રોમવેલ સાથે સરખાવે છે.
➡ તેમણે બ્રાહ્મણધર્મની પુન:પ્રતિષ્ઠા કરી તેની સાથે ભાગવત સમોરદાયનું મહત્વ વધ્યું. ગુપ્ત સમયમાં જે બ્રાહ્મણધર્મ ખુબ ફેલાવાનો હતો તે માટેની પૂર્વભૂમિકા પુષ્યમિત્રના સમયમાં જ તૈયાર થઇ, તેઓ બ્રાહ્મણધર્મી હોવાં છતાં ધર્મસહિષ્ણુ હતાં. તેઓ વિદ્યાકલાનાં આશ્રયદાતા પણ હતા. અનેક બનાવો અને સિદ્ધિથી ભરપુર હતી એમની રાજકીય કારકિર્દી !
➡ પુષ્યમિત્ર એક એવાં રાજા હતાં જેને વિષે ઈતિહાસ હજી વધારે અને વધારે જ જાણવા માંગે છે. આ રાજાની કદર જોઈએ તેટલી નથી થઈ ઇતિહાસમાં. કેટલીક હકીકતો તો હજી પણ બહાર આવવાની બાકી જ છે. સાહિત્યની વાત કદાચ આપણે ના માનીએ પણ અયોધ્યાના બે શિલાલેખ એમની યશકીર્તિ ચારેકોર ફેલાવવા માટે કાફી જ છે.
➡ મૌર્યસમયમાં બૌદ્ધધર્મના પ્રચારને લીધે શિથીલ બનેલી વર્ણાશ્રમ વ્યવસ્થાને સુદ્રઢ બનાવમાં પુષ્યમિત્ર શૃંગનો સિંહ ફાળો છે. જે હકીકત મનુસ્મૃતિમાંથી સ્પષ્ટ થાય છે આ સમયમાં મનુસ્મૃતિનું પુન: સંકલન થયું હતું. વર્ણાશ્રમની ઉપયોગીતા તથા તેની ફરજો અને મર્યાદાનું વિસ્તારપૂર્વક પુનર્દોહન થયું અમે તેમના પાલન પર ખુબ ભાર મુકાયો.
✔ થોડુંક શૃંગવંશ વિષે ———–
➡ પુષ્યમિત્ર પછી તેમનો પુત્ર અગ્નિમિત્ર મગધની રાજગાદી સંભાળે છે. તેમણે કુલ આઠ વર્ષ રાજ્ય કર્યું,પિતાના સમયમાં જીતાયેલા વિદર્ભમાં તેના સમયમાં શૃંગસત્તા ઓસરવા લાગી. અગ્નિમિત્ર પછી ગાદીએ આવનાર વસુજ્યેષ્ઠ અને વાસુમિત્ર એ બંને અગ્નિમિત્રનાં જ પુત્રો હતાં. મારે જે જવાબ જોઈતો હતો તે મને મળી ગયો. વસુમિત્રે પુષ્યમિત્રના કાળમાં ગ્રીકોના હુમલાઓ હઠાવ્યા હતાં આ બાતમાં હું હજીપણ અસમંજસમાં જ છું. ત્યારપછી અનુક્રમે આર્દ્રક, પુલિન્દિક, ઘોષ, વજ્રમિત્ર અને ભાગભદ્ર ગાદીએ આવ્યાં. ભાગભદ્રનાં રાજદરબારમાં તક્ષશિલાના યવન રાજવી એન્ટીઅલસીડસે હેલિયોડૉરસને પોતાનાં રાજદૂત તરીકે મોકલ્યો હતો.અને એ રીતે તેના સમયમાં યવનરાજ્યો સાથે રાજદ્વારી સંબંધી બાંધવાની દિશમાં પ્રયાસો થયા. ભાગભદ્ર પછી ગાદીએ આવેલો શૃંગવંશનો છેલ્લો રાજા દેવભૂતિ ઘણો વ્યસની અને લંપટ હતો એટલે જ તો તેમના મહામંત્રી વાસુદેવ કણ્વે દેવભૂતિની દાસીની કન્યા દ્વારા તેનો ઘાટ કરાવ્યો અને પોતે મગધની રાજગાદી પર બેસી ગયાં ! આમ શૃંગ વંશનો અંત ઈસ્વીસન પૂર્વે ૬૮માં આવી ગયો.
➡ ઇતિહાસમાં શૃંગવંશ અશ્વમેઘ પુનરૂધ્ધાર યુગ તરીકે ઓળખાય છે.
ઇતિહાસમાં શૃંગવંશ પ્રોહિત વર્ચસ્વના યુગ તરીકે ઓળખાય છે.
ઇતિહાસમાં શૃંગવંશ બ્રાહ્મણધર્મની પુન:સ્થાપના યુગ તરીકે ઓળખાય છે.
ઇતિહાસમાં શૃંગવંશ ભાગવતધર્મની સ્થાપનાના યુગ તરીકે ઓળખાય છે.
ઇતિહાસમાં શૃંગવંશ મનુસ્મૃતિના પુનર્જીવિત યુગ તરીકે ઓળખાય છે.
ઇતિહાસમાં શૃંગવંશ ધર્મસહિષ્ણ યુગ તરીકે ઓળખાય છે.
ઈતિહાસમાં શૃંગવંશ વૈદિકધર્મની પુન:સ્થાપના યુગ તરીકે ઓળખાય છે.
ઇતિહાસમાં શૃંગવંશ ગુપ્તકાલીન સંસ્કૃતિની શૈશવાવસ્થા તરીકે ઓળખાય છે.
➡ શત શત નમન બ્રાહ્મણ વીર યોદ્ધા પુષ્યમિત્ર શૃંગને !
!! જય સનાતન ધર્મકી !!
!! !જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે **
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply