Sun-Temple-Baanner

ભારતના રાજવંશો | નંદવંશ | ભાગ – ૨ | ધનનંદ


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ભારતના રાજવંશો | નંદવંશ | ભાગ – ૨ | ધનનંદ


⚔ ભારતના રાજવંશો ⚔
ஜ۩۞۩ஜ નંદવંશ ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૪૫ થી ઇસવીસન પૂર્વે ૩૨૨)
——- ભાગ – ૨ ——–

ஜ۩۞۩ஜ ધનનંદ ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૪૫ થી ઇસવીસન પૂર્વે ૩૨૨)

➡ ઈતિહાસ ક્યારે ક્યાંથી ક્યાં લઇ જાય છે એની કોઈને પણ ખબર પડતી જ નથી.દરેક જગ્યાએ એ ખોટો જ ચીતરાયેલો-નીરુપયેલો છે. આ માટે “ભારતના લોકો સમક્ષ સાચો ઈતિહાસ જરૂર પહોચાડો” – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

એ યાદ રાખવા જેવું જ નહીં પણ કરવા જેવું છે. એ અંતર્ગત જ મેં સાચો ઈતિહાસ લોકો સમક્ષ રજુ કરવાનું શરુ કર્યું છે. જોઉં છું કેટલો સફળ થાઉં છું તે. ઈતિહાસ પરથી પડદો હટાવવો જરૂરી છે પણ એ કામ ઘણું ઘણું જ અઘરું છે. સાચો ઈતિહાસ એટલે શું ? એ પહેલાં આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ અને એની રજૂઆત પણ એવી જ હોવી જોઈએ . આ માટે ઘણું સંશોધન કરવું પડતું હોય છે સાથે સાથે ઇતિહાસનું જ્ઞાન અને એનો અનુભવ પણ હોવો જોઈએ. એ અનુભવ એમને એમ નથી આવતો એની પાછળ વર્ષોને વર્ષો બગાડવા પડતાં હોય છે,
સારાં લેખો હંમેશા વર્ષોના અનુભવના પરિપાક રૂપે જ આવે.

➡ ઇતિહાસની શરૂઆત તો જગતના પ્રારંભ સાથે જ શરુ થઇ ગઈ હોય છે. માનવ તો એમાં નિમિત્ત માત્ર છે. જો કે માનવ વગર ઈતિહાસ આપની સમક્ષ પહોંચે પણ નહીં જ ને! ભારતીય સંસ્કૃતિ માત્ર રાજવંશો પર જ નિર્ભર નથી પણ રાજવંશો એમાં મહત્વનો ભાગ ભજવે છે જરૂર ! પરાચીન ઈતિહાસની એક ખામી એ એનું અર્થઘટન છે . કારણકે શું સંસ્કૃત કે શું પાળી કે પ્રાકૃત એનાં વ્યાકરણની જ આપણને ખબર હોતી નથી એટલે એનું ખોટું એટલેકે અપ્રસ્તુત અર્થઘટન થાય છે જે વાદ વિવાદમાં પરિણમે છે.

➡ ભારતનો રાજકીય ઈતિહાસ એ તો મૌર્યકાલથી જ શરુ થયો છે.પણ એ પહેલાનાં રાજવંશોનો ઈતિહાસ નથી એમ તો ન જ કહી શકાય ! એ ઈતિહાસ પુરતો નથી અને ધર્મના ઓઠા હેઠલ હતો એટલે જ એ પ્રાદેશિક હતો. મગધની જ આસપાસ ઘૂમતા ઈતિહાસને આપણે ઈતિહાસ સમજી બેઠાં એ આપણી જ ભૂલ કહેવાય. જો ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય કે ચક્રવર્તિ સમ્રાટ અશોક ના હોત તો ભારતમાં બીજાં રાજ્યો છે એની આપણને ખબર જ ના પડત અને ભારત પણ એક ના જ થઇ શક્યું હોત ! ખેર એ બધી વાતો ક્યારેક મૌર્ય યુગમાં કરીશું બાકી અત્યારે તો નંદવંશની જ વાત કરીએ એમાં પણ નંદવંશના અંતિમ રાજા ધનનંદની.

➡ પણ એ પહેલાં આ હર્યકવંશ, શિશુનાગ વંશ અને આ નંદવંશની માહિતી અને એની તવારીખ ક્યાંથી મળી છે એ જાણી લઈએ. એ આપણણે “મહાવંસ” માંથી મળે છે . એને જ બધાં અનુસરતા હોય એવું લાગે છે. જો કે બીજાં અનેક ગ્રંથોમાંથી પણ આપણને ખપ પુરતી માહિતી મળી જ રહે છે. પણ મૂળ આધાર આ “મહાવંસ” જ છે. આ “મહાવંસ”ની રચના ઇસવીસનની પાંચમી સદીમાં થઇ હતી. એ એક બૌદ્ધ ભિખ્ખુએ લખી હતી. આમ તો તે શ્રીલંકાના વંશો અને બૌદ્ધ ધર્મના વિસ્તાર પર છે પણ એમાંથી જ આપણને ભારતના પ્રાચીન રાજવંશોની સાલવારી સહિતની માહિતી પ્રાપ્ત થાય છે. આમાં કાળક્રમે ઘણાંબધાએ ફેરફાર કરીને થોડું નવું ઉમેરણ પણ કર્યું છે. એ પહેલાં એટલેકે ઇસવીસન પૂર્વમાં લખાયું હતું કે કેમ તે એક સવાલ છે ખરો ? જો એ પાંચમી સદીમાંજ સૌપ્રથમવાર લખાયું હોય તો એની ભારતના રાજવંશો પરની સત્યતા કેટલી ? ઉમેરણ ક્યારથી શરુ થયું તેની તો કોઈને ખબર નથી જ નથી ! એમ કહેવાય છે કે એ મહાનામની ટીકા સ્વરૂપે લખાયું હતું. તો અહી એ પ્રશ્ન થાય કે પ્રાચીન ભારતના રાજવંશોનની તવારીખ એ પહેલાં મહાનામમાં આવી છે કે પછી મહાવંશમાં ! પણ ભારતના પ્રાચીન ઈતિહાસ વિશેની જાણકારી આપણને તો “મહાવંસ”માંથી જ મળે છે. વળી…. આ પાલી ભાષામાં લખાયેલો બધાં રાજવંશોની મહિતી આપતો ગ્રંથ છે. એમાં શરૂઆત તો ભગવાન્ બુદ્ધની શ્રીલંકા યાત્રાથી જ કરી છે. એમાં શ્રીલંકાના રાજાઓની પણ માહિતી પણ મળે છે. જેમાં ભારતના રાજવંશોને આવરી લેવાયાં છે. એ ક્યારે લખાયું એની વાત જવાં દઈએ તો પણ મૌર્યવંશ પહેલાના ત્રણ વંશોની મહિતી પુરતી નથી જ !

➡ મહાપદ્મનંદ એ આવ્યો અને ગયો પણ અનેક પ્રશ્નો મુકતો ગયો. કથિત ૧૨ વરસ રાજ કરીને જતો રહ્યો. ઇતિહાસમાં એને જેટલો મહાન રાજા ગણવામાં આવે છે એટલો તો એ હતો જ નહીં. આ ૧૨ વરસની ગણતરી પણ કઈ રીતે કરી કારણકે એની કોઈ ચોક્કસ સાલવારી તો પ્રાપ્ત થતી જ નથી પણ આ “મહાવંસ” પ્રમાણે જોઈએ તો એ આઠ પુત્રોનો પિતા હતો અને એમાં ધનનંદ સૌથી છેલ્લો એટલે કે નાનો પુત્ર હતો. એમ કહેવાય છે કે — આ અઠે પુત્રોએ વારાફરતી એટલે કે બબ્બે વરસ રાજ કર્યું હતું. એ દ્રષ્ટિએ જોવાં જઈએ તો ધનનંદે માત્ર ૨ જ વરસ રાજ કર્યું ગણાય પણ એવું નથી એનાં ચોક્કસ પુરાવાઓ છે !

✔ રાજા ધનનંદ –

➡ ઇતિહાસમાં નંદવંશમાં માત્ર બે જ રાજાઓના નામ મળે છે— (૧) મહાપદ્મનંદ અને (૨) ધનનંદ. બીજાં સાત ભાઈઓએ ખાલી નામમાં જ આવ્યાં છે એમની કોઈ સાલવારી પ્રાપ્ત થતી નથી કે ક્યાંય પણ એનો ઉલ્લેખ થયેલો સુધ્ધાં જોવાં મળતો નથી. એમના નામો આગળ જોયાં જ છે એટલે અહીં હું એનું પુનરાવર્તન કરતો નથી. ઇતિહાસમાં મહાપદ્મનંદ પછી સીધું જ ધનનંદનું જ નામ આવે છે . આ ધનનંદની સાલવારી આમ તો ક્યાંય જોવાં મળતી નથી પણ ક્યાંક તો એ આવેલી જ હશે એમ માનીને વિકિપીડિયાએ તે પ્રસ્તુત જરૂર કરી છે. એનાં જણાવ્યા મુજબ ધનનંદે ઈસવીસન પૂર્વે ૩૨૯થી ઇસવીસન પૂર્વે ૩૨૧ સુધી મગધ પર રાજ કર્યું હતું. જો કે વિકિપીડિયા આ સાલવારી ચોક્કસ નથી એમ કહી છટકી ગયું છે. જો એ ચોક્કસ ના હોય તો એણે એ લખી જ શું કામ ?

➡ પણ આ સાલવારીમાં કશુક તો તથ્ય છે જ એની જ વાત કરું તમને રાજા ધનનંદ થયો જ નહોતો એમ તો કોનાથી પણ કહી શકાય તેમ જ નથી ! કારણકે એના રાજયકાલ દરમિયાન બે ઘટનાઓ બની હતી.
✅ [૧] સિકંદરનું ભારત પર આક્રમણ ઇસવીસન પૂર્વે ૩૨૭ – ઇસવીસન પૂર્વે ૩૨૫
✅ [૨] મહાન તત્વચિંતક ચાણક્યની ધનનંદ સાથે મુલાકાત અને ચંદ્રગુપ્ત મૌર્યની શોધ

➡ આ વખતે મગધમાં રાજા ધનનંદ જ રાજ કરતો હતો. સિકંદર ભારતમાં ૩૦ મહિના રોકાયો હતો એમ એનાં પીઠ્ઠુ ઈતિહાસકારો કહે છે જે આ ધનનંદની સાલવારી સાથે મેળ ખાય છે. સિકંદરે તક્ષશિલામાં આંભિને હરાવ્યો ત્ય્રારે ચાણક્ય ત્યાં હાજર જ હતાં. પછી સિકંદર સામે લડવા માટે એક થવું જોઈએ અને બીજાં રાજ્યો એક થઈને લડે તો સિકંદરને હરાવી શકાય તેમ છે એમ માની બધાં ગણરાજ્યો અને અમુક મહાજનપદો પણ એમાં આવી જાય એમ માની એમની મદદ માંગવા જાય છે. બધાં નાં પાડે છે છેવટે ચાણક્ય મગધ પાસે પણ ધા નાંખે છે ધનનંદ એમનું અપમાન કરી કાઢી મુકે છે પછી શું થાય છે વાત હું આગળ કરવાનો જ છું. એટલે એ વાત અત્યારે અહી રહી ! પછી ચંદ્રગુપ્તને લઇ જઈ યુદ્ધ માટે તૈયાર કરે છે. થોડાંક રાજ્યો ચાણક્યને મદદ કરવાં તૈયાર થાય છે. ચાણક્યને આશા બંધાય છે. ચાણક્યે પ્રતિજ્ઞા લીધી કે હું ધનનંદને જડમૂળમાંથી ઉખેડીશ નહીં ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરીશ. ચાણક્યને એક રાજા જે તેતૃત્વ કરી શકે તેવાં માણસની જરૂર હતી જે એમને ચંદ્રગુપ્ત મૌર્યમાં એ લક્ષણો દેખાયાં. ચંદ્રગુપ્તે તાલીમ લીધી તક્ષશિલા જઈને અને તૈયાર થયો. પહેલાં એમને ગ્રીકોને હરાવ્યાં પછી જ ધનનાદને ગાદી પરથી ઉથલાવ્યો. કેટલાંક ગ્રંથો એવું માને છે કે ચાણક્યે ધનનંદની હત્યા કરાવી દીધી હતી. જો કે ત્યાર પછી ધનનંદ કે નંદવંશનો કોઈ જ અતોપતો નથી મળતો.

➡ સવાલ એ છે કે ધનનંદ ક્યારે ગાદીએ આવ્યો ? અને ક્યારે તેની હત્યા થઇ કે ગાદી પરથી ઉઠાડી પાડયો ? આ વાત ઇસવીસન પૂર્વે ૩૨૯માં રાજગાદીએ બેઠો હતો એ વાત બંધબેસતી લાગે છે કારણકે સિકંદરનું આક્રમણ થયું ઇસવીસન ૩૨૭-૩૨૫માં ત્યારે મગધ પર ધનનંદનું જ આધિપત્ય હતું. ધનનંદની સેના વિશાળ હતી એ જોતાં એ એ ઇસવીસન પૂર્વે ૩૨૭માં તો નહીં જ આવ્યો હોય. સિકંદર આવ્યો ત્યારે મગધ એક વિશાળ અને સુવ્યવસ્થિત મહાસામ્રાજ્ય હતું. કોઈ પણ નવો રાજા તો તરતમાં આવેલો હોય તો એની પાસે વિશાળ સેના હોય તો પણ રાજ્ય સુવ્યવસ્થિત અને સુગ્રથિત તો ના જ હોય. એ રીતે જોતાં ધનનંદને એમ કરતાં સહેજે એક- બે વર્ષ તો લાગ્યાં જ હશે ને ! એટલે એ બે વરસ પહેલાં એટલેકે ઈસ્વીસન પૂર્વે ૩૨૯ની સાલ મૂકી હોય એનું કારણ આ છે જે તાર્કિક રીતે સાચું લાગે છે પણ છે નહીં ! ઇસવીસન પૂર્વે ૩૨૫માં સિકંદર પરત ફર્યો હતો અને રસ્તામાં ઇસવીસન પૂર્વે ૩૨૩માં મૃત્યુ પામ્યો હતો. આ સમયે પણ મગધમાં ધનનંદનું રાજ પ્રવર્તમાન હતું. સિકંદર મગધ આવ્યો જ નથી એટલે ધનનંદની વિશાળ સેના એણે જોઈ તો નહોતી જ પણ ખાલી સાંભળ્યું હતું. જે વિષે ઈતિહાસકારો ચઢાવીને-વધારીને કહે છે. ખેર….. એ વાત સિકંદરમાં કરીશું આહી વાત થાય છે સાલવારીની તો ઇસવીસન પૂર્વે ૩૨૩થી ૩૨૨ -૩૨૧ દરમિયાન ચંદ્રગુપ્તે સેનાને એકત્રિત કરી પહેલાં તક્ષશિલા અને અને એની બાજુના રાજ્યો જીત્યાં. પોરસ સાથે સંધિ કરી કે તું ભાઈ મને મગધના ધનનંદને ઉઠલાવવામાં મદદ કર. ત્યાર પછી જ મગધમાંથી ધનનંદ સોલના ભાવમાં ગયો હતો એ સાલ છે ઇસવીસન પૂર્વે ૩૨૨ – ૩૨૧ જે બંધ બેસતી જ છે .

➡ હવે ઇસવીસન પૂર્વે ૩૪૫માં નંદવંશની સ્થાપના થઇ મહ્પદ્મનંદનાં હસ્તે !અંત આવ્યો નંદવંશનો ઇસવીસન પૂર્વે ૩૨૨માં. તો જો ધનનંદનાં વર્ષો બાદ કરીએ તો મહાપદ્મનંદ કે જેણે ૧૨ વરસ રાજ કર્યું હતું તો એ પ્રમાણે તો એણે ઇસવીસન પૂર્વે ૩૩૩ સુધી જ રાજ કર્યું હોવું જોઈએ. ઇસવીસન પૂર્વે ૩૩૩ થી ઇસવીસન ૩૨૯ એનાં કથિત ૭ પુત્રોએ. જેનો ક્યાંય પણ ઉલ્લેખ થયો નથી અને ક્યાંય પણ મેળ ખાતો નથી એમને માત્ર ૪ જ વર્ષ રાજ કર્યું હતું કે શું ? ધનનંદની સાલવારી અને એનો મહાપદ્મનંદ પછી સીધો જ ઉલ્લેખ થયેલો જોતાં તો એવું મન માનવા પ્રેરાય છે કે ઇસવીસન પૂર્વે ૩૩૩ થી ઇસવીસન પૂર્વે ૩૨૯ સુધી પણ મહાપદ્મનંદે જ રાજ કર્યું હશે. જેની કોઈ ચોક્કસ સાલવારી તો પ્રાપ્ત થતી જ નથી. પછી સીધો જ ધનનંદ આવ્યો હશે જેની સાલવારી પરાણે ગોઠવાયેલી છે. આ રીતે જોતાં તો મહાપદ્મનંદનાં દરેક પુત્રે જેમાં ધનનંદ પણ આવી જાય છે તેમે માત્ર ૨-૨ વરસ જ રાજ કર્યું હશે એ થિયરી ખોટી પડતી જણાય છે.
એટલે એ થિયરી આખી બોગસ જ છે એમ મનીને બધાંએ ચાલવું હિતાવહ ગણાય !

➡ ધનનંદ મહાપદ્મનંદ કે મહાનંદીન પુત્ર હતો એ બાબતમાં ઘણાં મતમતાંતરો છે. પણ ઇતિહાસમાં ક્યાંક એવું નોંધાયું છે કે ધનનંદએ મહાનંદીન અને તેની શૂદ્ર પત્ની / સંકુચિત સ્ત્રીથી ઉત્પન્ન થયોહતો. મહાનંદીન શિષુનાગ રાજવંશનો છેલ્લો રાજા હતો. મહાપદ્મનંદએ નીચલા સ્તરની પત્નીના પુત્ર હતા. તેથી તે જાણતો હતો કે તે ક્યારેય રાજા બનશે નહિ અને તેથી જ તેણે તેના બધા ભાઈઓને અન્ય માતાઓથી મારી નાખ્યા અને રાજા બન્યા. આ શિષુનાગ રાજવંશનો અંત અને નંદ રાજવંશની શરૂઆત હતી.

➡ આમ તો શિશુનાગ પાસેથી મહાપદ્મ નંદને અને મહાપદ્મનંદ પાસેથી ધનનંદને વારસામાં જ મગધનું મોટું સમ્રાજ્ય મળ્યું હતું.ધનનંદે મગધના સમ્રાજ્યનો વિસ્તાર કર્યો કે નહીં એની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત નથી થતી. પણ મગધનું સમ્રાજય વિશાળ હતું એ વાત તો સાચી ! એનો માલિક તે વખતે ધનનંદ હતો એ વાત પણ સાચી. જો કે ઇતિહાસમાં અમુક લોકોના હાથે જેટલું વધારીને કહેવામાં આવે છે એટલું વિશાળ તો નહોતું એ મર્યાદિત જરૂર હતું પણ ધનનંદ પાસે વિશાળ સેના હતી. યુનાની ઈતિહાસકારોનાં જણાવ્યા મુજબ ધનનંદ પાસે ૩.૦૦૦ હજાર હાથીઓ , ૨૦,૦૦૦ ઘોડેસવારો, ૨૦૦૦ હજાર યુદ્ધરથો અને ૨ લાખ સૈનિકો હતાં. અહીં સવાલ એ ઉભોથાય છે કે જો સિકંદર મગધ ગયો જ નથી તો એને અને એનાં ઈતિહાસકારોને મગધના સૈન્યની ખબર કઈ રીતે પડી ? ક્યાંકને ક્યાંક તો કોઈ કચાશ જરૂર રહેલી છે. મગધની સેના તો જોઈ હતી સેલ્યુકસે જે તો ચંદ્રગુપ્તના સમયમાં મગધ આવ્યો હતો અને હાર્યો હતો. મેગેસ્થીનીસ ૩-૫ વરસ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના રાજદરબારમાં રહ્યો હતો અને એણે ચંદ્રગુપ્ત મૌર્યનાં વખાણ પોતાનાં પુસ્તક “ઈન્ડીકા”માં કર્યા જ છે. “ઈન્ડીકા” પુસ્તક લખાયું છે જ ચન્દ્રગુપ્ત મૌર્યના કાળમાં.
પ્લુટાર્કનો સમય છે ઈસવીસન ૪૬ થી ઇસવીસન ૧૧૯
કર્ટિઅસ એનો સમય નિશ્ચિત નથી પણ ઈતિહાસ એને ઇસવીસન પહેલી સદીમાં થયેલો માને છે.
ડીઓડૉરસ એ ઇસવીસન પૂર્વે ૬૦ થી ઇસવીસન પૂર્વે ૩૦માં થયો છે.
જયારે મહાબોધિવંસ એ તો છેક ઇસવીસનની ૧૦મી સદીમાં લખાયેલો કાવ્યાત્મક ગ્રંથ છે
સિકંદર વિષે એનાં મૃત્યુ પછી ૨૫૦થી ૪૦૦ વરસે લખાયું છે
તો બૌદ્ધ ,જૈન અને યુનાની ઈતિહાસકારો અને સાહિત્યકારોએ પણ નંદવંશ વિષે ઘણાં વર્ષો પછી જ લખ્યું છે એ પણ એટલી જ સાચી વાત છે.
એટલે ધનનંદની સેના વિષે આલોકો માહિતી લાવ્યા ક્યાંથી ?
જાતિ વિષયક ઉલ્લેખ પણ પછીથી જ થયો છે પણ તેમાં કૌટિલ્યનાં અર્થશાસ્ત્રે અને મેગેસ્થીનીસના ઈન્ડીકાએ પ્રકાશ જરૂર પાડયો છે
જાતિ તો નંદવંશની એ જ છે જે એમાં દર્શાવાયેલી છે તે જ પણ ઈતિહાસ ઘણી બધી જગ્યાએ ખોટો છે એ દર્શાવવા માટે જ આ ઈતિહાસકારો અને સાહિત્યકારોના નામ આપ્યાં છે.

➡ ધનનંદ પોતે જે કુળનો હોવાથી તે બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોને ધીકારતો હતો. એનું માનવું એમ હતું કે પોતે ક્ષત્રિય નથીઅને રાજા થવાનો અધિકાર માત્ર ક્ષત્રિયોને જ છે માટે તે ક્ષત્રિયોને સખ્ત નફરત કરતો હતો. લગભગ બધાં જ ગ્રંથો એવું માને છે કે ધનનંદ એક અત્યાચારી. ધનલોભી, અને વિલાસી શાસક હતો. જે પોતાની પ્રજામાં અપ્રિય હતો. ધનનંદને ધનપ્રાપ્તિ કરવાની અદમ્ય લાલસા હતી. આને જ કારણે એનું નામ ધનનંદ પડયું હતું.

➡ ધન ભેગું કરવાં માટે ધનનંદે પોતાની પ્રજા પર જાતજાતનાં ટેક્સ લગાવ્યાં હતાં.એટલે સુધી કે સ્મશાન ઘાટમાં વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવાં માટે લાકડાં માટે પણ ટેક્સ આપવો પડતો હતો.ધનનંદના સૈનિકો લોકો પાસેથી ટેક્સ વસૂલ કરવાંમાટે જાતજાતના રસ્તાઓ અપનાવતા હતાં અને એમનાં પર અત્યાચાર કરતાં હતાં. જે ન જોયેલું ભાળ્યું હોય એટલે આવું જ થાય ને!

➡ ધનનંદના અત્યાચારી હોવાની અને પ્રજામાં અપ્રિય હોવાની પુષ્ટિ યુનાની ઇતિહાસકાર પ્લુટાર્ક પણ કરે જ છે. પ્લુટાર્ક દ્વારા કરવામાં આવેલું આ વર્ણન સવિસ્તર છે. કેટલાંક ઈતિહાસકારોએ પ્લુટાર્કનો મત ટાંકીને એમ પ્રસ્થાપિત કર્યું છે કે —- છેલ્લાં કેટલાંક સમયથી કેટલાક અરાજક તત્વો એમ સાબિત કરવાં માંગે છે કે ધનનંદ નાઈ (શુદ્ર) જાતિનો હતો અને એટલાં જ માટે ચાણક્યે (બ્રાહ્મણ) ધનનંદણે મરાવી એક ક્ષત્રિય ચંદ્રગુપ્તણે રાજગાદી પર બેસાડયો. પ્લુટાર્ક ના આ મત સાથે ઘણાં બધાં સહમત છે.

➡ કથાસરિત્સાગરમાં જણાવ્યા અનુસાર ધનનંદ પાસે ૯૯ કરોડ સોનાની મુદ્રા હતી જેને ગંગા નદીના પેટાળમાં એક ચટ્ટાન ખોદાવીને એમાં છુપાવી દીધી હતી. આ વાતમાં થોડી અતિશયોક્તિ ભલે હોય પણ એનાથી એ સાબિત જરૂર થાય છે કે — ધનનંદ પાસે અખૂટ સંપત્તિ હતી. કારણકે આનુ વર્ણન એક તામિલ કવિતામાં પણ મળે છે. કવિતામાં વર્ણવાયું છે કે —
” પહેલાં આ સુવર્ણ મુદ્રાઓ પાટલિ(પાટલિપુત્ર -પટના}માં સંચિત થઇ અને પછી ગંગાની અંદર છુપાવી દીધી ”

✔ ધનનંદ નામ – ધનનંદ

➡ આ ધનનંદ નામ એ તો એની ધન પ્રાપ્તિની લાલસાને કારણે પડયું છે. પણ એનું અસલી નામ તો કદાચ કૈંક બીજું જ હતું. યુનાની લેખકોના વર્ણન પ્રમાણે સિકંદરના આક્રમણ સમયે મગધનો રાજા “અગ્રમસ” અથવા જંડ્રમસ હતો. “અગ્રમસ” અથવા જંડ્રમસને ઇતિહાસકાર ધનનંદ સાથે જોડી દે છે કારણકે “અગ્ર્મસ” શબ્દ કદાચ સાંસ્કૃતનાં ઔગ્રસૈન્યનું વિકૃત સ્વરૂપ છે.ઔગ્રસૈન્ય શબ્દનો અર્થ થાય છે —- “ઉગ્રસેનનો પુત્ર. ઉગ્રસેન મહાપદ્મનંદનું જ બીજું નામ હતું !”

➡ હવે તમે સૌ જેની રાહ જોઈ રહ્યાં છો એ ધનનંદ -ચાણક્યની મુલાકાત!!!

✔ ચાણક્ય – ધનનંદ મુલાકાત –

➡ ચાણક્ય રાજકીય વિજ્ઞાન અને અર્થશાસ્ત્રનો અગ્રણી હતાં. તેઓ એક એવાં વિશિષ્ટ માણસ હતાં જેમણે તેના મગજનો ઉપયોગ કરીને લડાઇ જીતી હતી. તેમણે મૌર્ય સામ્રાજ્ય સ્થાપિત કરવામાં મદદ કરી. પરંતુ ચંદ્રગુપ્તને સિંહાસન લઈને મદદ કરતા પહેલા, એક દંતકથા છે જે કહે છે કે તે બદલો કાવતરાંનો એક ભાગ હતો. મહાન ચાણક્ય દ્વારા પ્રભાવશાળી આયોજનની વાર્તા.

➡ વાર્તાના બે અલગ અલગ સંસ્કરણો છે. તમે જે પણ ઇચ્છો છો તે માની લેવાની છૂટ છે, ચાણક્ય અનિચ્છનીય અને ભ્રષ્ટ રાજા સામે સંપૂર્ણ બદલો લે છે.

✅ (૧) એક રાજાએ તેને બદનામ કરવા માટે તેને પકડયો કારણકે ચાણક્ય દેખાવે બેડોળ હતાં, ધનનંદે તેમનું ભારોભાર અપમાન કર્યું અને તેમને ધક્કા મારી ત્યાંથી કાઢી મુક્યા તેથી ચાણક્યે તેને ચંદ્રગુપ્તસાથે મળીને ઉથલાવીને તેનો બદલો લીધો.

✔ બૌદ્ધ વર્ઝન –

➡ જ્યારે ચાણક્ય એક બાળક હતાં ત્યારે તેમને કેનીન દાંત હતા. તે ખાનદાની ચિહ્ન હતું, એક દિવસ તેઓ શાસન કરવાનો હતાં. તેમની માતા હંમેશાં ડરતી હતી કે તે સિંહાસન મેળવ્યા પછી તેને અવગણશે. તેની માતાની સંતોષ માટે, તેણે તેના દાંત તોડયો હતો. ચાણક્ય મોટાં થયાં પછી એક દાન આપવાની વિધિના સમારોહમાં ભાગ લેવાં માટે જે રાજા ધનનંદ દ્વારા આયોજિત કરવામાં આવી હતી ત્યાં એટલે કે પુષ્પપુરા ગયાં. ચાણક્યનું આગમન રાજા ધનનંદને ગમ્યું નહીં. કારણકે ચાણ્ક્યનો દેખાવ કદરૂપો હતો આ દેખાવ રાજા ધનનંદને ગમ્યો નહીં અને તેમણે ચાણક્યને દેશનિકાલ કર્યા. ચાણક્ય ગુસ્સે થઈને ત્યાંથી ભાગી ગયાં. ધનનંદનાં સૈનિકો તેમને પકડી ના લે તે માટે તેઓ જંગલમાં ભાગી ગયાં. ત્યાં તેમને એમનાં બાળપણનો મિત્ર પબ્બત મળ્યો જે રાજા ધનનંદનો દીકરો હતો. જે તેનાં મિત્રો સાથે કઇંક રમત રમતો હતો.

➡ તેઓ રાજા -રાજાની રમત રમતાં હતાં એક છોકરો રાજા બન્યો અને કેટલાંક છોકરાઓ જે લૂંટારા બન્યાં હતાં તે રાજા આ ચોરોને તેમનાં અંગો કાપી નાંખવાની સજા ફરમાવે છે અને પછી કહે છે એ જાદુઈ રીતે આપોઆપ સંધાઈ જશે. રાજા બનતો તે છોકરો એટલે ચંદ્રગુપ્ત. ચાણક્યની આંકમાં આશાનું કિરણ જાગ્યું અને તેને પોતાની છત્રછાયામાં લીધો.

➡ ચાણક્ય પસે બે વિકલ્પ હતાં — પબ્બત અને ચંદ્રગુપ્ત ! તેમને આ બન્નેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એક દિવસ જ્યારે ચંદ્રગુપ્ત સુતો હતો ત્યારે ચાણક્યે પબ્બતને ચન્દ્રગુપ્તને જગાડયા વગર તેની ઉનની પથારી ખેંચી લેવાં કહ્યું. પબ્બત નિષ્ફળ નીવડયો. બીજીરાતે ચંદ્રગુપ્તને પબ્બતની ઉનની પથારી ખેંચી લેવાં કહ્યું. તો ચન્દ્ર્ગુપ્તે પબ્બતનું માથું કાપી નાંખીને પથારી ખેંચી લીધી. આમ ચન્દ્રગુપ્ત એ ચાણ્ક્યનો પસંદીદાર વ્યક્તિ બની ગયો.

➡ આક્રમણ માટે લશ્કર તૈયાર કરવા માટે વર્ષો લાગ્યા. તેઓએ ધનનંદની રાજધાની પાટલીપુત્ર પર હુમલો કર્યો પણ તેઓ હાર્યા.પછી ચાણક્ય અને ચંદ્રગુપ્તની સેનાએ રાજધાની પર કબજો કરવાનું થોડાં સમય માટે ટાળી દીધું. એક દિવસ તેઓ જુદા વેશમાં રાજધાનીમાં ફરતાં હતાં ત્યારે એક માતાને તેના બાળકને ખવડાવતા જોઈ. બાળક તે માતાના હાથમાંથી ખોરાક ઝૂંટવવાનો પ્રયત્ન કરતો હતો. માતા મચક નહોતી આપતી. બાળક માથું ખંજવાળતો હતો . તે બાળકને પ્રયત્ન કરાવી તે ખોરાક લેવાનું કહેતી હતી. તેનો આશય બાળકને હાર નહિ માનવાનું શીખવાડવાનો હતો. તે એમ પણ દર્શાવવા માંગતી કે ચંદ્રગુપ્તે સીધો રાજધાની પર હુમલો કરવાને બદલે તેની આજુબાજુના ગામો -વિસ્તારો પહેલાં જીતવા જોઈએ પછી જ રાજધાની પર હુમલો કરવો જોઈએ. ચંદ્રગુપ્ત આ સ્ત્રી પાસેથી એ પાઠ શીખ્યો અને એને પહેલા આજુબાજુના ગામો અને વિસ્તારો જીત્યાં પછી જ પાટલીપુત્ર પર સીધો હુમલો કર્યો અને ધનનંદને પદભ્રષ્ટ કર્યો.

➡ પછી ચાણક્યએ ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો અને પછીએક માછીમાર પાસેથી ધનનંદની તિજોરીનું ઠેકાણું જાણ્યું પછી એ માછીમારને મારી નાંખ્યો અને તિજોરી પર કબજો કર્યો. આ રીતે ચાણક્યે પોતાનો બદલો પૂરો કર્યો !

✅ (૨) રાજાનો નોકર ચાણક્યને ધક્કો મારીને બહાર કાઢી મુકે છે તેથી ચાણક્ય પાછાં આવ્યાં અને એ માણસને મારવી નાંખ્યો.

✔ જૈન વર્ઝન –

➡ સાધુઓએ દાવો કર્યો હતો કે ચાણક્ય એક રાજગાદી પાછળની શક્તિ બનવા માટે જન્મ્યો હતો કારણ કે તેની પાસે દાંતનો સંપૂર્ણ સમૂહ હતો. તેમના પિતા, ડરતા કે તેઓ ઘમંડી બની શકે છે તે તેના દાંત તોડી નાખે છે. ચાણક્યએ બ્રાહ્મણ સ્ત્રી સાથે લગ્ન કર્યા, જેને ઘણી વાર ગરીબ માણસ સાથે લગ્ન કરવા માટે મજાક કરવામાં આવી હતી.

➡ ચાણક્યે ધનનંદ દ્વારા બ્રાહ્મણોની મજાક ઉડાવવાનું બહુ સાંભળ્યું હતું. તેઓ ત્યાં દાન આપવાં માટે ગયાં એ બહાને એ ધનનંદને ચકાસવા માંગતા હતાં.એટલે તો ધનનંદ પાસે સીધાં જઈ પહોંચ્યા. રાજાની રાહ જોઇને ચાણક્ય સિંહાસન પર બેસી ગયાં તો એ નોકરે એમને બીજું આસન ગ્રહણ કરવાનું કહ્યું. પણ ચાણક્યે ત્યાં પાણીનો ઘડો મૂકી દીધો પણ સિંહાસન ના છોડયું તે ના જ છોડયું વધારે આસન ની પણ તકો આપવામાં આવી પણ તેમણે તે બધી જ જગ્યાએ કોઈકને કોઈક વસ્તુઓ મૂકી દીધી. આથી ગુસ્સે ભરાયેલા નોકરે તેમને લાટ મારી કાઢી મુક્યા. ચાણક્યને આ અપમાન બહુ જ લાગી આવ્યું. ચાણક્ય ભવિષ્યવાણી વિશે જાણતા હતા કે સાધુઓએ તેના બદલો લીધો હતો અને તેનું પાલન કર્યું હતું.

➡ તેમણે જંગલમાં ગર્ભવતી સ્ત્રીને મદદ કરી હતી કે તેનાથી જે પુત્ર થશે એ રાજગાદી સાથે સંબંધિત હશે. તે બાળક ચંદ્રગુપ્ત હતો. ચંદ્રગુપ્તને રાજા તરીકે તેમના મિત્રોએ તેમના મિત્રોની રચના કરી હતી, તે ચાણક્યને મૂલ્યવાન સાબિત કરે છે.

➡ ત્યાર પછીની વાર્તા સરખી જ છે.

➡ પાટલિપુત્ર લેવાનો તેમનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો. આ વર્ઝનમાં તેમણે એક સ્ત્રીને પોતાના છોકરાની નિંદા કરતી જોઈ. આ નિંદા કેટલાક હોટ પૉરિજની મધ્યમાં તેની આંગળી મૂકવા માટે હતી. તેણીએ કહ્યું કે તેણે ધારની આસપાસના ઠંડા વિસ્તારોમાં પ્રારંભ કરવું જોઈએ અને તેને ચંદ્રગુપ્તના નિષ્ફળ કાવતરાં સાથે સરખામણી કરવી જોઈએ. ચન્દ્રગુપ્ત સમજી ગયો આ ઈશારો તેણે પોતાની સેના સાથે રાજધાનીની આજુબાજુના ગામડાં પર હલ્લો કરી દીધો.
ત્યાર પછી પાટલિપુત્રએ ચન્દ્રગુપ્તણે રાજા તરીકે જોયો અને ધનનંદને મરેલો !

➡ આ વાર્તાના બીજાં બે વર્ઝન પણ છે પણ એ એટલાં વિશ્વસનીય નથી.

✅ (૧) એક ઢોંગી રાજાએ ચાણકયને અપમાનિત કર્યા, તેથી તેને તેને મારવા માટે જાદુનો ઉપયોગ કર્યો.

✔ કાશ્મીરી વર્ઝન –

➡ ઋષિના 3 શિષ્યો ધનનંદનાં દરવાજે ગુરુદક્ષિણા માટે જ પહોંચ્યા છે તે શોધવા માટે કે તે મરી ગયો છે કે નહીં !એક જણ ધનનંદને શરીરના રૂપમાં લે છે.અને બીજાં શિષ્યને તે દાનમાં આપે છે. શકટાલ જે ધનનંદનો મંત્રી હતો તે તેનાં ૧૦૦ પુત્રો સાથે જેલમાં કેદ છે , તેનાં બધાં પુત્રો ભૂખમરાથી મરી ગયાં છે તે કલો જ દરરોજ માંડમાંડ જીવતો રહ્યો છે.

➡ શક્ટાલ છૂટા થયા પછી ચાણક્યને મળે છે. તે તેમને વચન આપે છે કે રાજા ચણાક્યને ૧૦૦૦ સોનાના સિક્કા આપશે. જો કે, જ્યારે તેઓ રાજદરબારમાં પહોંચે છે, ત્યારે તે કોઈ બીજાને તે મેળવવા માટે ગોઠવે છે. શક્ટાલ ગુસ્સે ભરાયેલા ચાણક્યને ખાતરી આપે છે કે તે રાજાનો દોષ હતો અને તેને રાજાને મારવા માટે જાદુનો ઉપયોગ કરવા માટે પૂછે છે. તે સંમત થાય છે અને નકલી ધનનંદ ૭ દિવસમાં મૃત્યુ પામ્યા હતા.

✅ (૨). એક રાજાએ તેને કોર્ટમાંથી કાઢી મૂક્યો જેથી ચણક્યએ તેને ઉથલાવી દેવા માટે જોડાણ કર્યું.

✔ મુદ્રારાક્ષસ વર્ઝન –

વિશાખદત્તનું નાટક છે આ. આમ તો આ નાટકની જુદીજુદી સાલવારીઓઓ મળી છે છેક ઇસવીસનની ચોથી સદીથી તે ઇસવીસન આઠમી સદી સુધીની. પણ ઘણા બધાનાં માટે એ ઇસવીસનની આઠમી સદીમાં લખાયું છે જે ચંદ્રગુપ્ત મૌર્યના જીવનકાળ પર આધારિત છે પણ તેનો નાયક ચાણક્ય છે અને ખલનાયક રાક્ષસ મંત્રી છે. નાટક માસ્ટરપીસ છે હો.

➡ આ સત્યથી સૌથી વેગળું સંસ્કરણ છે. આ સંસ્કરણમાં, ચાણક્યને સામ્રાજ્યની બેઠકમાંથી દૂર કરવામાં આવે છે અને તે ઘણા સૈન્ય સાથે જોડાણ કરીને બદલો લેવાની યોજના ધરાવે છે. ચંદ્રગુપ્ત સાથે તેની બાજુથી લડીને તેમણે પટેલિપુત્ર પર વિજય મેળવ્યો.

➡ આમ તો એકેય વર્ઝન સત્યની નજીક તો નથી જ બધીજ વાર્તાઓ છે ખાલી !જે ખાલી વાંચવામાં જ સારી લાગે છે.

✔ ધનનંદ અને ચંદ્રગુપ્ત –

➡ ચાણકય સિકંદરની તક્ષશિલા જીતથી વ્યથિત હતાં . તેઓ સિકંદરની મહત્વાકાંક્ષા અને શક્તિ માપી ગયાં હતાં. આંભિ હારી ગયો પછી સિકંદર ખૈબરઘાટના રસ્તે ભારત પહોંચ્યો. ચાણક્યને થયું કે આ જ વખત છે જો ભારત એક થાય તો ભારતીય સંસ્કૃતિ બચી શકે છે અને હિંદુ ધર્મ પણ ! તેઓ એકલા ઘોડા પર દરેક ગણરાજ્ય – રાજ્યમાં મદદ માંગવા અને એકઠવા માટે કહેવાં ગયાં પણ દરેક રાજાએ ના પડી દીધી તેઓ અલિપ્ત જ રહેવાં માંગતા હતાં. છેવટે તેઓ મગધની રાજધાની પાટલિપુત્ર ગયાં. જ્યાં ધનનંદે એમનું અપમાન કરી કાઢી મુક્યાં. પછી પાછાં ફરતાં તેમને પાટલિપુત્રની પ્રજાએ પણ સાથ આપ્યો મગધની પ્રજાએ પણ સાથ આપ્યો મગધના સૈન્યે પણ ચાણક્યને મદદ કરવાની તૈયારી બતાવી. તેઓ પછી બીજાં રાજ્યોમાં ગયાં જ્યાં તેમને સારો પ્રતિસાદ મળ્યો એમણે એક થવાની તૈયારી બતાવી. ચાણક્યને હવે એક એવાં માણસની જરૂર હતી જે સારું નેતૃત્વ પણ કરી શકે અને રાજા પણ બની શકે.

➡ ચાણક્યની આ શોધ ચંદ્રગુપ્ત મૌર્યમાં પૂરી થઇ. ચાણક્ય ચંદ્રગુપ્તને લઈને તક્ષશિલા ચાલ્યાં ગયાં. ચંદ્રગુપ્તને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપ્યું અને યુદ્ધની રીતસરની તાલીમ. ચાણક્યે ચંદ્રગુપ્તને શીખવાડયું કે યુધ્ધમાં માત્ર બળનો જ નહીં પણ બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ અને સામેવાળાની શક્તિ ક્યારેય ઓછી ના આંકવી જોઈએ એની કમજોરીનો ફાયદો લઈને જ એનાં પર આક્રમણ કરવું જોઈએ વગેરે ….. વગેરે …..

➡ પછી ચાણક્ય અને ચંદ્રગુપ્તે વિશાળ સેના એકત્રિત કરી. તેમને યુદ્ધ માટે તૈયાર કર્યા. સિકંદરનાં પાછાં ચાલ્યાં ગયાં બાદ ચંદ્રગુપ્તે ચાણક્યની સહાયથી લગભગ ઇસવીસન પૂર્વે ૩૨૪માં નંદ સામ્રાજ્યનાં મધ્ય ભાગ પર આક્રમણ કર્યું પણ તેમાં તેમને શિકસ્ત મળી. આવું ગ્રંથો કહે છે ઇતિહાસનું અનુમોદન મળવાનું હજી બાકી જ છે. એમાં એમ જણાવાયું છે કે એ નંદોની સેનાની તાકાત ઓછી આંકી બેઠા અને ચંદ્રગુપ્તને અતિશીઘ્ર જ આ વાતની ખબર પડી ગઈ.

➡ ચંદ્રગુપ્ત અને ચાણક્યે સૌથી પહેલાં નંદ સામ્રાજ્યની આસપાસનાં ક્ષેત્રો જીતવાનો પ્રારંભ કરી દીધો. જેમાં સંભવત: પંજાબ ક્ષેત્રના કેટલાંક યુનાની સૈનિકો પણ સામેલ હતાં અને ઘણાં લૂંટારાઓ પણ સામેલ હતાં. એ પણ જ્ઞાત થવાય છે કે ચંદ્રગુપ્તે ધનનંદને ઉખાડીને ફેંકવા માટે કાશ્મીરના રાજા પર્વતક સાથે પણ એક સંધિ કરી હતી. ઘણાંબધાં ઇતિહાસકાર આ રાજા પર્વતક એ બીજો કોઈ નહીં પણ રાજા પોરસ જ હતો એમ માને છે.

➡ જ્યારે ચાણક્યને લાગ્યું કે ચંદ્રગુપ્ત પાસે પર્યાપ્ત સેના એકત્રિત થઇ ગઈ છે તો એમને ધનનંદ વિરુદ્ધ અભિયાન આરંભી દીધું. ચંદ્રગુપ્ત અને ધનનંદ વચ્ચે જે યુદ્ધ થયું હતું એનું કોઈ સ્પષ્ટ વિવરણ ક્યાંયથી પણ પ્રાપ્ત થતું નથી. કેટલાંક ઇતિહાસકાર એમ માને છે કે ચાણક્યે અને ચંદ્રગુપ્તે છાપામાર પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને પાટલિપુત્રને ઘેરીને ધનનંદને મારી નાંખ્યો. તો પણ કેટલાંક ઈતિહાસકાર એવું પણ કહે છે કે ચંદ્રગુપ્તે ધનનંદને કોઈ જુદાં- કોઈ અલગ અલગ યુદ્ધોમાં હરાવ્યો હશે.

➡ એક બૌદ્ધ ગ્રંથ અનુસાર ધનનંદ અને ચંદ્રગુપ્ત વચ્ચે કેવળ એક અને માત્ર એક જ યુદ્ધ થયું હતું અને આ યુદ્ધ એટલું બધું વિનાશકારી હતું કે આવનારાં કેટલાંય વર્ષો સુધી એનું નુકશાન અને હાની પૂરી નથી કરાઈ શકી !

✔ ધનનંદનું મૃત્યુ –

➡ અધિકાંશ પ્રાચીન અનુશ્રુતિઓમાં એ વર્ણન મળે છે કે ચંદ્રગુપ્તે ચાણક્યની મદદથી ધનનંદની હત્યા કરી દીધી હતી. એક ગ્રંથ તો એવું પણ કહે છે કે યુદ્ધ હાર્યા પછી ધનનંદે પોતાની એક પુત્રી દુર્ધરાનાં લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવી દીધાં. પોતાની બે પત્નીઓ અને એક સુપુત્રી સાથે પાટલિપુત્રમાંથી બહાર ચાલ્યા જવાની અનુમતિ પણ ચન્દ્ર્ગુપ્તે આપી હતી. સાથે એટલી જ સંપત્તિ એને પોતાની સાથે લઇ જવા દીધી જેટલી એક રથમાં લઇ જઈ શકાય એટલી જ ! ઈતિહાસ આ વાત બિલકુલ સ્વીકારતો નથી જ !

➡ વધારે ઈતિહાસ કાર એવું માને છે કે ચંદ્રગુપ્ત અને ધનનંદ વચ્ચે અંતિમ યુદ્ધ ઇસવીસન પૂર્વે ૩૨૧માં થયું હતું. જે લોકો એમ મને છે કે આ યુદ્ધ ઇસવીસન પૂર્વે ૩૧૫માં થયું હતું એ વાત તદ્દન ખોટી છે ! હિંદી ધારાવાહિકમાં ધનનંદની પુત્રીનું નામ ધૂરધરા કે નંદિની બતાવવામાં આવ્યું છે પણ હેરાન કરવા જેવી બાબત એ છે કે ઈતિહાસ પાસે કોઈ એવો પુરાવો નથી કે જે સાબિત કરી શકે કે ધનનંદને કોઈ પુત્રી હતી !

➡ ૧૨મી સદીમાં લખાયેલા જૈન ગ્રંથ “પરિશિષ્ટપર્વન”માં એમ બતાવવામાં આવ્યું છે કે ચન્દ્ર્ગુપ્તના પુત્ર બીન્દુસારની માતાનું નામ દુર્ધરા હતું. પણ આ ગ્રંથમાં એનું કોઈ જ વિવરણ નથી મળતું. જે ઈંગિત કરી શકે કે ધૂરધરા ધનનંદની પુત્રીનું નામ હતું. આ કેમ અને કેવી રીતે બન્યું અને આવું કેમ લખવું પડયું તે તમે સમજી જ ગયાં હશો ! આ બધી વાર્તાઓ જ છે ખાલી જે ધનનંદને છાવરવા માટે અને ચંદ્રગુપ્ત ચાણક્યને નીચો દર્શાવવા માટે લખવામાં આવ્યું છે. કારણકે ક્ષત્રિયની પત્ની શુદ્ર હતી એજ વાત આમાં પણ લાગુ પાડવામાં આવી છે જે સોચી સમજી સાજીશ છે માત્ર !

➡ આનાં મૂળ ક્યાં છે ?
ઈતિહાસ અને સાહિત્યમાં જે એમ લખાયું છે કે – ભગવાન બુદ્ધે વર્ણવ્યવસ્થા સામે જે વૈચારિક આંદોલન જગાવ્યું હતું તેના પરિપાક રૂપે આ રાજકીય વાતાવરણ ઉભું થઇ શક્યું હતું અને શુદ્ર મનાતા – ગણાતા લોકો પણ સત્તા ઉપર આવી શક્યાં હતાં એ મૂળ અહી છે. નંદોની ધાર્મિક નીતિ કોઈ હતી જ નહિ જે પણ ગ્રંથોમાં એમનો બચાવ કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો જ છે. દાન આપતાં હતાં એનું કોઈ સાક્ષ્ય પ્રમાણ પણ મળતું નથી જ. આ બધી ચગાવેલી વાતો જ છે.

➡ પુરાણોમાં નંદોને અધાર્મિક કહેવાનું કારણ તેમના જૈન અને આજીવક સંપ્રદાયો સાથેના ઘનિષ્ઠ સંબંધો હોઈ શકે આવો મત એ. એલ. બૈશમનો છે. ઉગ્રસેનનો આજીવકો સાથેના સંબંધનો ઉલ્લેખ “ભગવતીસૂત્ર”માં પણ છે. “પરિશિષ્ટ પર્વ”માં નંદો જૈન હોવાનું જણાવવામાં આવ્યું છે. “આર્યમંજુશ્રીમૂલકલ્પ”માં પ્રથમ નંદ બૌદ્ધ હોવાનો ઉલ્લેખ છે.

✔ બૌદ્ધ ધર્મના વિકાસમાં નંદોનો ફાળો –

➡ પ્રથમ નંદ ઉગ્રસેને ૨૪ જેટલાં વિહારો બંધાવ્યા હતા. વરરુચિ નામના એક બૌદ્ધ વિદ્વાનને પોતાનો મંત્રી બનાવ્યો હતો. લોકેશ પાસેથી સફળતા મેળવવા માટેનો મંત્ર પ્રાપ્ત કર્યો હતો તેમ જ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો.

➡ પટણાની પાંચ પહાડીઓ, જ્યાં પાંચ પ્રાચીન જૈન અથવા બૌદ્ધ સ્તૂપ છે તેનું નિર્માણ નંદરાજાઓએ કરાવ્યું હોવાની અનુશ્રુતિ છે.

✔ ઉપસંહાર –

➡ શુદ્ર હોવું ખોટું નથી પણ ધર્મ વિરુદ્ધ અને જાતિ વિરુદ્ધ ઝેર ઓકવું એ નરી શુદ્રતા છે. જે સાબિત કર્યું આ શુદ્ર નંદવંશે. જે થયું તે સારું જ થયું કે નંદવંશના સુપડા સફ કરી દીધાં ચાણક્ય (બ્રાહ્મણ) અને ચંદ્રગુપ્ત મૌર્યે (ક્ષત્રિય). જો નંદ વંશ થયો જ ના હોત તો સિકંદરનું આક્રમણ ભારત ભારત ખાળી શકે છે અને ભારત એક થઇ સંસ્કૃતિ બચાવી શકે છે એવાં બે વિરલાઓ ચાણક્ય અને ચંદ્રગુપ્ત થયાં જ ના હોત ને ! આને જ લીધે ભારતનો ઈતિહાસ શરુ થયો મૌર્યકાળથી અને ભારતને એક નહીં બે ચક્રવર્તિ સમ્રાટો મળ્યાં સમ્રાટ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. હા…. મહાન તત્વચિંતક ચાણક્યને કેમ કરી ભૂલાય ! આ માટે પણ નંદવંશનો આભાર માનવો જોઈએ આપણે સૌએ !

➡ કશું ન કરવું એ કોઈને કૈંક કરી બતાવવા માટે આવનારી પેઢીને પ્રેરણા આપનારું જ બને !
બાકી. માત્ર ૨૨ – ૨૩ વરસ આ વંશ રહ્યો મગધની રાજગાદી પર ભારતનો ભૂ -ભાગ તો ન જીતી શક્યાં પણ અલ્પસમયમાં તેમનું પતન પણ થઇ ગયું કશું પણ કર્યા વગર !
નંદ વંશનું મહત્વ ભારતના ગૌરવશાળી ઈતિહાસ શરુ થતાં પહેલાં અતિમહત્વનું જ છે.
ભારતનો ગૌરવશાળી ઈતિહાસ તો હવે જ ખરો શરુ થાય છે.

➡ ચાણક્ય -ચંદ્રગુપ્ત મૌર્ય – સમ્રાટ અશોક પર તો હું આગાઉ લખી જ ચુક્યો છું.
પણ સમગ્ર મૌર્વવંશ અને બીજાં રાજવંશો પર પણ હું “ભારતનો પ્રાચીન ઈતિહાસ” એ અંતર્ગત આવ્રવાનો જ છું
એ પણ શ્રેણી ચાલુ જ રહેશે અને ગુજરાતના ઇતિહાસની પણ !
આ ત્રણ વંશો પર લખવાની ઈચ્છા હતી તે આખરે પૂર્ણ થઇ ખરી !
હવે નવી મહિતી સાથે નવો વંશ આવશે !

** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે **

~ જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.