Sun-Temple-Baanner

ભારતના રાજવંશો | નંદવંશ | ભાગ – ૧


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ભારતના રાજવંશો | નંદવંશ | ભાગ – ૧


⚔ ભારતના રાજવંશો ⚔
ஜ۩۞۩ஜ નંદવંશ ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૪૫ થી ઇસવીસન પૂર્વે ૩૨૨)
——- ભાગ – ૧ ——-

➡ “ઈતિહાસ એ અદભૂત પ્રાણી (માનવી)ના ભૂતકાળનાં કર્યો, સંઘર્ષો, સિધ્ધિઓ અને નિષ્ફળતાના સંસ્મરણો છે અને તે વર્તમાનમાં માર્ગદર્શન કરે છે તથા ભવિષ્યમાં સુખદ ફળ આપે છે.” ——— પ્રો. એસ. આર. શર્મા

➡ ઈતિહાસ કરતાં ઈતિહાસને નામે ચરી ખાનારા વધુ છે. ઈતિહાસ એટલે ભૂતકાળની આરસી તેમાં ઝાંખવા માટે વર્તમાનના ચહેરાથી જ જોવું પડે છે. ઈતિહાસ એટલે આપણે શું જાણીએ છીએ તે નહિ પણ આપણે શું જાણવાનું બાકી રહી ગયું છે તે માટેની આપણી ઉત્સુકતા – તત્પરતા. જો આ હશે તો જ આપણે ઈતિહાસને જાણી શકીશું નહીંતર નહીં. સમગ્ર પ્રજાનો ઈતિહાસ રચાય છે પણ કોઈ એક વ્યક્તિ દ્વારા અને લખાય છે પણ કોઈ એક વ્યક્તિ દ્વારા જ. આ બંને વચ્ચેનો તફાવત હજી સુધી આપણે નથી સમજી શક્યાં તેણે કારણે જ ઇતિહાસમાં કેટલાંક છીંડા રહી ગયાં છે. ઈતિહાસ એટલે સંપૂણ સત્ય નહીં પણ સત્ય તરફ લઇ જાતિ એક માત્ર નાનકડી કેડી ! એટલે કે સત્યપ્રાપ્તિ તરફ પ્રયાણ ! ઈતિહાસ એક નાનકડી આશાનું કિરણ છે. એ આશાભલે નાનકડી તો નાનકડી સહી પણ ઘણીવાર એ કામ બહુ મોટું કરી જતી હોય છે ! એ કિરણને નષ્ટ નાં જ થવા દેવાય કોઈનાથી પણ !

➡ ઇતિહાસમાં અગાઉ રાજકીય ઈતિહાસ જ નીરુપાતો . એમાં મુખ્યત્વે રાજાઓનાં અંગત જીવન, પરાક્રમો , ગુણદોષ ઇત્યાદિ નિરુપતું. રાજ્કુલો, રાજવંશો, મંત્રીઓ અને રાજશાસકોનો જ વૃત્તાંત આલેખાતો, પરંતુ હવે ઈતિહાસ એવો મર્યાદિત રહ્યો નથી.એમાં રાજકુલ ઉપરાંત પ્રજાની અને પ્રજાના વિવિધ વર્ગોની વાત આવે છે અને આજે એજ વર્ગવિગ્રહનું કારણ પણ બની છે એમાં દોષ કદાચ ઇતિહાસના નિરૂપણનો હોઈ શકે છે કારણકે ઈતિહાસ કોણે અને ને કોને ઉદ્દેશીને લખ્યો છે તે વધારે મહત્વનું છે. ઇતિહાસમાં ખાસ કરીને સામાજિક જીવન, આર્થિક જીવન, સામજિક મતો અને સંસ્થાઓ, આર્થીક સંગઠનો, ધર્મ અને સંપ્રદાયો, આપની ધાર્મિક માન્યતાઓ, ક્રિયાઓ અને ગતિવિધિઓ અને એને આનુશંગિક કાર્યરત સંસ્થાઓ, સાહિત્ય અને વિદ્યા, વિદ્યાઓ અને કલાઓ, શિક્ષણની પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, લલિત કલાઓ, હુન્નરકલાઓ, ઉદ્યોગો, વેપારવણજ, દરિયાઈ વેપાર, વહાણવટૂં, વિડશો સાથેના સંપર્કો અને સંબંધો, સંસ્કૃતિની આપલે ઈત્યાદી અનેક વિધવિધ વિષયોનો સમવેશ થાય છે.

➡ “ઇતિહાસના કોઈપણ આધુનિક વિદ્યાર્થી માટે એનાથી વધુ લજ્જાની કોઈ વાત જ ના શકે કે ભારત વિશેનું તેનું જ્ઞાન ઘણું જ મર્યાદિત અને અપર્યાપ્ત છે.” – વિલ ડુરાં

➡ ભારતનો ઈતિહાસ આમ તો શરુ થાય છે મૌર્યકાળથી પણ એ મૌર્યકાળને સમજવાં માટે એનાં પૂર્વોત્તર રાજ્યોનો ઈતિહાસ અને પૂર્વી રાજવંશોનો અભ્યાસ અત્યંત જરૂરી છે. આ જાણવું દરેક માટેખુબ જ જરૂરી છે કે ખરેખર ભારતનો ઈતિહાસ જ્યાંથી શરુ થયો તે પહેલાં ખરેખર શું બન્યું હતું . આપની એક ખરાબા આદત એ પણ ચ્ચે કે દરેક રાજવંશને પૌરાણિક કાળ સાથે સાંકળવાની. પુરાણોમાં નામ મળે છે એમનાં કાર્યો વિષે એમાં કશું જ જણાવાયું નથી. કારણકે એ એનો હેતુ જ નથી જે કરવાનું છે તે તો ઇતિહાસે કરવાનું છે અને આમાં ઈતિહાસ લાવવાને બદલે એ વિવાદાસ્પદ બની ગયો છે. જો કે દરેક રાજવંશમાં આવું નથી બન્યું વાર્તા અને ઈતિહાસ એ બંનેનો ફર્ક ઈતિહાસકારો જ નથી સમજી શક્યાં અને નથી સમજી શક્યાં એટલે નથી સમજાવી શક્યાં એ પણ એક નક્કર વાસ્તવિકતા જ છે. આને લીધે જ ઈતિહાસ ઘોર ગર્તામાં ડૂબી ગયેલો લાગે છે. જેને આપણે ઉત્ખનન કરી બહાર કાઢવાનો જ છે ! જો કે આ મત્ર પ્રયાસ જ છે પણ પ્રયાસ કરશું તો જ સફળ થઈશું !

➡ આ માટે ઈતિહાસકાર ડી.આર ભંડારકરે બહુ જ સાચું કહ્યું છે કે – ” કોઇપણ ભારતીયને ત્યાં સુધી શિક્ષિત ન કહી શકાય. જ્યાં સુધી તે પોતાના દેશના ઈતિહાસ વિષે થોડીક જાણકારી મેળવતો નથી.”

➡ ભારતનો સાચો ઈતિહાસ શરુ થાય છે તો મૌર્યકાળથી એટલે કે ચક્રવર્તિ સમ્રાટ ચંદ્રગુપ્ત અને વિશ્વપ્રસિદ્ધ તત્વચિંતક આચાર્ય ચાણક્યથી. પણ એ પહેલાં પણ ભારત પણ અસ્તિત્વમાં હતું અને ભારતના રાજવંશો પણ. જો કે પ્રાપ્ય સામગ્રી અનુસાર મગધ જ આ સર્વેમાં કેન્દ્રસ્થાને રહ્યું છે અને એ જ તે સમયનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું એમાં તો કોઈ જ બે મત નથી. પણ જેમ જેમ ઇતિહાસના પત્તાં ખુલતાં ગયાં તેમતેમ બે આગ્ત્યની જાણકારી પણ આપણને પ્રાપ્ત થઇ છે એક છે કાશ્મીરનો કશ્યપવંશ એટલે કે નાગવંશ અને બીજો છે ત્રિગર્તનો કટોચ ક્ષત્રિય વંશ કશ્યપઋષિ પૌરાણિક કાળનાં છે તો ત્રિગર્ત એમહાભારત કાળનું છે. ત્રિગર્ત એટલે હાલનું હિમાચલનું કાંગરા. આ કાંગરામાં જે જગ્યાએ કિલ્લો ચ્ચે જ્યાં કટોચ રાજવંશે રાજ કર્યું તે જ જગ્યાએ મહાભારતકાળમાં ત્રિગર્ત રાજ્ય હતું જે બે ભાગમાં વહેંચાયેલું હતું (૧) શિવી રાજ્ય અને (૨) કુરુ રાજ્ય. મહાભારતમાં આ ત્રિગર્ત રાજ્યનો ઉલ્લેખ સુસર્મા/સુષર્મન તરીકે થયેલો છે. આ સુસર્મા/સુષર્મન એટલે જ કાંગરા ! એજ જગ્યાએ આ કટોચ ક્ષત્રિયોએ રાજ કર્યું હતું. આપણે એના ઇતિહાસમાં નથી જવાનું પણ જે મૂળવાત છે એ એ છે કે — કાશ્મીરનો નાગવંશ એ ૧૦૦૦૦ વર્ષ અને ત્રિગર્તનો રાજવંશ એ ૧૧૦૦૦ વર્ષ જેટલો પુરાણો અને લાંબો છે. જેના પર ઇતિહાસે કોઈ હાથ જ નથી અજમાવ્યો સિવાય કે કલ્હણે અને પાણિનીએ. એમને ટાંકવા કોઈએ મુનાસીબ જ નથી સમજ્યા ! સમગ્ર આર્યાવર્તમાં આવાં તો કેટલાંએ રાજવંશો હશે જેનાં વિષે આજે પણ આપણે અજ્ઞાત જ છીએ !

➡ કારણકે તે સમયે માત્ર ૧૬ મહાજનપદો દર્શાવ્યાં છે બૌદ્ધ પરંપરાએ એ સમયે પણ ભારતમાં બીજાં અનેક જનપદો અસ્તિત્વ ધરાવતાં હતાં તેમનો અને આ બેસુદીર્ઘ રાજવંશોનો ઉલ્લેખ નથી થયેલો. વાત તો છે મગધની તો એ મ્યાના ૧૬ મહાજન પદોનાં નામ પણ જાણી લો બધાં !

✔ ૧૬ મહાજનપદો –

✅ [૧] અંગ (ચંપાનગરી)
✅ [૨] મગધ (ગિરિવ્રજ)
✅ [૩] કાશી (કાશી)
✅ [૪] કોશલ (શ્રાવસ્તી)
✅ [૫} વ્રજ્જિ (વૈશાલી)
✅ [૬] મલ્લ (કુશીનગર અને પાવા)
✅ [૭] ચેદિ (શુક્તિમતિ)
✅ [૮] વત્સ (કોશાંબી)
✅ [૯] કુરુ (ઇન્દ્રપ્રસ્થ)
✅ [૧૦] પાંચાલ (કાંપિલ્ય)
✅ [૧૧] મત્સ્ય (વિરાટનગર)
✅ [૧૨] શૂરસેન (મથુરા)
✅ [૧૩] અશ્મક (પોટન)
✅ [૧૪] અવંતિ (ઉજ્જયિની)
✅ [૧૫] ગાંધાર ( તક્ષશિલા)
✅ [૧૬] કંબોજ (હાટક)

➡ આ નામો બૌદ્ધગ્રંથ “અંગુત્તર નિકાય”માં આવેલાં છે. આ યાદીમાં કૌંસમાં મહાજનપદોની રાજધાનીનાં નામો આપેલાં છે. આ યાદી ઉપરથી એક વાત તો સાબિત થાય છે કે ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં જ્યારે ઉત્તર ભારતના આ ૧૬ મહાજનપદોમાં મગધનો પણ સમવેશ થતો હતો જે એની સિદ્ધિનું પ્રથમ ચરણ હતું !

➡ આ સોળ મહાજનપદમાં કોઈપણ મહાજનપદ એટલું શક્તિશાળી ન હતું કે જે બધાં ઉપર સત્તા સ્થાપી શકે. તેમનામાં રાજકીય નહોતી એટલે ! દરેક મહાજનપદ પોતાની સત્તા વધારવા ઇચ્છતું હતું, માટે તેઓ પોતાની સત્તાનું પ્રદર્શન કરી નિર્બળોને હરાવીને પોતાનાં રાજ્યમાં ભેળવી લેવાનીપેરવી કરતાં રહેતાં હતાં. અમને આમ તેઓ અવિરત અંદરોઅંદર લડતાં રહેતાં હતાં. આ સતત સત્તાની સાઠમારીને કારણે જ ત્યાર પછી પોતાની શક્તિના જોરે ચાર જ રાજ્યોનો ઉદય થયો. જો કે શરૂઆતમાં તો કાશી એ મગધ કરતાં પણ વધુ શક્તિશાળી હતું.

➡ આનો ઉલ્લેખ જાતકકથામાં પણ થયો છે. તેમાં જણાવ્યા પ્રમાણે કાશીના રાજાએ કોશલ અંગ અને મગધના રાજાઓને હરાવ્યાં હતાં, પરતું સમય જતાં કાશી પોતે જ કોશલ રાજ્યનો એક ભાગ બની ગયું હતું.

➡ આ બાબતમાં ડૉ રમાશંકર ત્રિપાઠી નોંધે છે કે – “બુદ્ધના જીવનકાળ દરમ્યાન ભારતના રાજકારણમાં આ સૌથી બનાવ હતો – વત્સ, અવંતિ, કોશલ અને મગધ એ ચાર રાજ્યોનો ઉદય.”

➡ આમ સત્તાવૃદ્ધિની હરીફાઈમાં ઉપરોક્ત ચાર મહાજનપદો જીત્યાં અને તેથી ઉત્તર ભારતમાં ચાર મહારાજ્યો સ્થપાયાં. મગધ તેમાનું જ એક હતું

➡ મગધનાં રાજવંશો આગાઉ આપણે જોઈ જ ગયાં છીએ. જે છેલ્લો જોવાનો છે એ નંદવંશ જ બાકી રહ્યો છે ભારતના ઈતિહાસ શરૂઆત પહેલાંનો એટલે કે મૌર્યકાલની પૂર્વે ક્યાં વંશનું શાસન હતું તે ! ખબર તો બધાંને જ છે કે નંદવંશનું શાસન પ્રવર્તમાન હતું. નંદવંશ પહેલાં શિશુનાગ વંશ અસ્તિત્વમાં હતો અને એ પહેલાં હર્યકવંશ મગધ પર રાજ કરતો હતો. આ સોળ મહાજનપદો તદ્દન ખત્મ ન્હોતાં થઇ ગયાં એ બધાં વારાફરતી અને કાલાંતરે મગધની આધિપત્ય સ્વીકારતાં હતાં એટલું જ ! શક્તિબળે કે સામજિક સંબંધે ! પણ તે સમયે બૌદ્ધ ધર્મ ઘણો જ પ્રચલિત હતો અને એની શેહમાં બધાં આવી ગયાં હતાં અને જૈન ધર્મની પણ આણ વર્તાતી જ હતી મગધ પર અને આ ૧૬ મહાજનપદો ઉપર પણ. હર્યકવંશ ૧૨૦ વરસ સત્તા પર રહ્યો અને શિશુનાગવંશ ૬૮ વરસ. આમ ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મના અસ્તિત્વમાં આવ્યાં પછી મગધે ૧૮૮ વરસ પૂરાં તો કરી દીધાં હતાં આ દરમિયાન બૌદ્ધ ધર્મ પણ ફૂલ્યો ફાલ્યો અને તે સમયના આ ૧૬ મહાજનપળોમાં ઘણી જ રાજકીય અને સમાજિક ઉથલપાથલો પણ થઇ. આના જ એક ભાગરૂપે શિશુનાગવંશના રાજા મહાનંદીનની હત્યા કરી શુદ્ર મહાપદ્મનંદે અને એ રાજગાદી પર બેસી ગયોઅને આમ શુદ્ર “નંદ વંશ”ની સ્થાપના થઇ એનાસ્થાપ્ક મહાપદ્મનંદ દ્વારા !

✔ નંદવંશ –
(ઇસવીસન પૂર્વે ૩૪૫થી ઇસવીસન પૂર્વે ૩૨૨)

➡ આમ તો ઈતિહાસ નંદવંશની સ્થાપના ઇસવીસન પૂર્વે ૩૪૪માં થઇ હતી અને ઇસવીસન પૂર્વે ૩૨૨માં થઇ હતી એમ જણાવે છે . સાલવારીના તો બધે જ લોચેલોચા છે. એટલે સત્ય તો દૂરની જ વાત છે જાણે ! પણ આ નંદવંશ એ ભારતમાં અલ્પસમય માટે આવેલો રાજવંશ છે વળી આ રાજવંશના રાજાઓનારાજોના નામ મળે છે પણ એમનાં રાજ્યકાલના વર્ષો ક્યાયથી પ્રાપ્ત નથી થતાં, સૌ પ્રથમ એમની વંશાવલી જોઈ લઈએ આપણે !

✔ વંશાવલી –

✅ (૧) મહાપદ્મનંદ (ઉગ્રસેન)
✅ (૨) પાંડુક
✅ (૩) પંડુગતિ
✅ (૪) ભૂતપાલ
✅ (૫) રાષ્ટ્રપાલ
✅ (૬) ગોવિષાણક
✅ (૭) દરશસિદ્ધક
✅ (૮) કૈવર્ત
✅ (૯) ધનનંદ

➡ આમાંના છેલ્લા આઠ એ મહાપદ્મનંદના પુત્રો જ છે જે વારાફરતી મગધની ગાદીએ બેઠાં હતાં
જો કે કંબોડિયાયી “મહાવંસ”માં ઉપરોક્ત વંશાવલીમાં બે નામ ઉમેરે છે —
✅ (૧) ચંદ્રક
✅ (૨)કનક ગુતિક
બાકીનાંનામ “મહાબોધિવંસ” પ્રમાણે છે. મહાપદ્મનંદના ઉત્તરાધિકારીઓ વિશેનો ઈતિહાસ ધૂંધળો છે.

✔ નંદવંશ –

➡ બૌદ્ધ સાહિત્યમાં પ્રથમ નંદ રાજાની જાતિ વિષે કોઈ નિશ્ચિત ઉલ્લેખ મળતાં નથી.
“આર્યમંજુશ્રી મૂલ કલ્પ:માં તે નીચલી જાતિનો હોવાનું તથા “વંશત્થપ્પકાસિની”માં તે અગ્નતા કુળનો હોવાનો ઉલ્લેખ છે.પરંતુ તેનાથી તેની જાતિ નક્કી થઇ શકતી નથી. વિશાખદત્તના “મુદ્રારાક્ષસ”માં તેણે ઉચ્ચકુળનો ગણવામાં આવ્યો છે.પણ “મુદ્રારાક્ષસ”ના ટીકાકાર ધુંડિરાજે તેના કુળનો ઉલ્લેખ જાણી જોઇને ટાળ્યો છે.

જૈન આચાર્ય હેમચન્દ્રે તેમના “પરિશિષ્ટપર્વણ”માં મહાપદ્મનંદને દિવાકીર્તિ નામના નાઈ (હજામ) દ્વારા વેશ્યાના પેટે જન્મેલો ગણાવ્યો છે. હરિભદ્રસુરિના “આવશ્યકસૂત્ર વૃત્તિ”માં તેને નાયિતદાસ અને જિનપ્રતીના “વિવિધકલ્પતરુ”માં તેને નાયિત ગણિકાસુત્ત કહ્યો છે.

પુરાણોમાં પ્રથમ નંદને અંતિમ શિશુનાગ રાજા મહાનંદીન દ્વારા એક શુદ્રના પેટે જન્મેલો હોવાનું જણાવી તેના વંશજો માટે “શુદ્રભુપાલા” શબ્દ પ્રયોજ્યો છે.

પુરાણો એને મહાપદ્મનંદ કહે છે જ્યારે મહાબોધિવંશમાં એને ઉગ્રેસેન કહેવામાં આવ્યો છે.
ભારતીય તથા વિદેશી બંને સાક્ષ્યો નંદની શુદ્ર અથવા નિમ્ન જાતીય ઉત્પત્તિનો સ્પષ્ટ સંકેત કરે છે.
પુરાણો અનુસાર મહાપદ્મનંદ શિશુનાગ વંશના અંતિમ રાજા મહાનંદિનની શુદ્ર સ્ત્રીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલો દર્શાવે છે.

મહાવંશ ટીકામાં નંદોને અજ્ઞાત કુલના બતાવવામાં આવ્યો છે જે ડાકુઓની ગિરોહનો મુખિયા હતો અને એણે મોકો જોઇને મગધ પર બળપૂર્વક આધિકાર જમાવી દીધો હતો.
જૈનમતની પુષ્ટિ વિદેશી વિવરણોમાં પણ થઇ જાય છે.

✔ યુનાની લેખક કર્ટિયસનો મત –

➡ યુનાની લેખક કર્ટિયસ સિકંદરના સમકાલીન મગધના નંદ સમ્રાટ અગ્રમીજ આ સંસ્કૃતના ઔગ્રસેન અર્થાત ઉગ્રસેનના પુત્રનું રૂપાંતર છે એનાં વિષયમાં લખે છે કે – “એનો પિતા એ જાતિનો નાઈ હતો. એ પોતાની સુંદરતાને કારણે રાણીનો પ્રેમ પાત્ર બની ગયો તથા એના પ્રભાવથી રાજાનો વિશ્વાસ સંપાદન કરીને એમની અત્યંત નિકટ પહોંચી ગયો. એણે છળકપટથી રાજાની હત્યા કરી દીધી તથા રાજકુમારોના સંરક્ષણના બહાને એમની જોડે રહીને મગધની રાજગાદી હડપી લીધી.

અંતત: એણે રાજકુમારી અને રાણીની પણ હત્યા કરી દીધી અને વર્તમાન રાજાના પિતા બની ગયો. અહી યુનાની લેખક કર્ટિયસે જે રાજાની ચર્ચા કરી છે એ નંદવંશનો સંસ્થાપક મહાપદ્મ નંદ જ હતો.

✔ ડિયોડોરસનો મત –

➡ ડિયોડોરસ આનાથી કેટલુક ભિન્ન વિવરણ આપે છે. એના કહ્યા અનુસાર ધનનંદના નાઈ પિતાના સુંદર રૂપને કારણે રાણીનો પ્રેમપાત્ર બની ગયો. રાણીએ પોતાના વૃદ્ધ પતિની હત્યા કરી દીધી તથા પ્રેમીને જ રાજા બનાવી દીધો અને વર્તમાન શાસકો એનાં જ ઉત્તરાધિકારી હતાં.

➡ પુરાણોના વિવરણથી એ સ્પષ્ટ થાય છે કે નંદવંશના સંસ્થાપક એ ક્ષત્રિય પિતા (મહાનંદિન) તથા શુદ્રમાતાનું સંતાન હતાં. “મનુસ્મૃતિમાં આ પ્રકારે ઉત્પન્ન થયેલાં સંતાનને “અપસદ” અર્થાત “નિકૃષ્ટ” કહેવાય છે.

➡ આ મતમતાંતરોમાં ઈતિહાસ અને મારે ટીપ્પણી કરવાની છે તે તો હજી બાકી જ છે
તાત્પર્ય કે ઈતિહાસ કેટલો ખોટો ચીતરાયો છે
તે તો હજી બાકી જ છે !
હજી મૂળવાત અને મારો અભિપ્રાય બાકી જ છે.
જે હવે બીજાં ભાગમાં આવશે.
આ પહેલો ભાગ અહી જ સમાપ્ત કરું છું !

** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે **

~ જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.