જન્મ – ૧૪૦૯
મૃત્યુ – ૧૪૩૩
શાસન કાળ – ૧૪૨૧ થી ૧૪૩૩
અંદાજીત આયુષ્ય – ૨૪
પિતાનું નામ – મહારાણા લાખા
માતાનું નામ – મહારાણી હંસા દેવી
પુત્રનું નામ – મહારાણા કુંભકર્ણ (કુંભા), ક્ષેમ સિંહ, રાજધીર સિંહ, નાથ સિંહ, વિરમ દેવ,
મેવાડ સામ્રાજ્યમાં રાણા લાખાના અવસાન પછી એમનો ૧૨ વર્ષનો પુત્ર (મહારાણા મોકલ) ઈ.સ.૧૪૨૧માં મેવાડની સત્તા પર આવ્યો. મહારાણા મોકલ એ હંસાબાઈ અને રાણા લાખાના પ્રથમ પુત્ર હતા. આ સિવાય રાણા લાખાના પુત્રોમાં કુંવર ચુંડા જેષ્ટ અને મેવાડના ઉત્તરાધિકારી રાણા મોકલ એમના આઠમા પુત્ર હતા. મહારાણા મોકલ પણ મેવાડ વંશના અન્ય રાજાઓની જેમ જ સાહસી, પ્રતાપી અને સશક્ત રાજા હતા.
મહારાણા લાખાના જેષ્ટ પુત્ર કુંવર ચુંડા દ્વારા લેવાયેલ ભીષ્મ પ્રતિજ્ઞા પણ રાણા મોકલના મેવાડ સમ્રાટ બનવા પાછળનું એક મહત્વનું કારણ છે.
કુંવર ચુંડાનું બલિદાન
રાણા લાખાના જેષ્ટ પુત્રનું નામ કુંવર ચુંડા હતું. કુંવર ચુંડા પોતે પણ મહાન અને પ્રતાપી હતા, તેમ છતાં પણ એમની ઈચ્છાએ મેવાડનું સિંહાસન કુંવર ચુંડાના નાના ભાઈ મહારાણા મોકલને મળ્યું. જેના પાછળ રાણા ચુંડા દ્વારા લેવાયેલી ભીષ્મ પ્રતિજ્ઞા હતી. આ પ્રતિજ્ઞાના કારણે જ કુંવર ચુંડા મેવાડના ઇતિહાસમાં ભીષ્મ પિતામહ તરીકે પણ ઓળખાયા. લાખાના જેષ્ટ પુત્ર રાણા ચુંડાની જીદના કારણે મહારાણા લાખા રણમલ્લ સિંહની બહેન હંસાબાઈ સાથે લગ્ન કરવા માટે રાજી થયા. ( રણમલ્લ સિંહ મંડોવરના રાજા રાવ ચુંડાના જેષ્ટ પુત્ર હતા. પણ, કોઈક કારણો સર રાવ ચુંડાએ એમને મંડોવરથી દેશ નિકાલો આપી દીધો. આવા સમયે રણમલ્લ પાસે વસવા માટે કોઈ સ્થાન ન હતું. આવા સમયે રણમલ્લ સિંહ પોતાના હિતેચ્છુ ૫૦૦ સવારો સાથે ચિત્તોડ આવ્યા અને અહી જ રહેવા લાગ્યા.)
કુંવર ચુંડા દ્વારા પિતા મહારાણા લાખાના હંસાબાઈ સાથેના જીદની અનેક પ્રકારની જુદી લોકવાયકાઓ સાંભળવામાં આવે છે. કહેવાય છે કે રાણા લાખાએ એક દિવસ મેવાડમાં કોઈકના લગ્નની જાન જોઇને એવી મજાક કરી કે હવે અમારા જેવા ઘરડા સાથે કોણ લગ્ન કરશે…? આ વાત રણમલ્લ સિંહે ખાસ ધ્યાનમાં ન લીધી. પણ, કુંવર ચુંડા આ વાત સાંભળીને પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવાની જીદ પકડી બેઠા.
એક બીજો કિસ્સો એવો પણ છે કે, જ્યારે રણમલ્લ સિંહે કુંવર ચુંડા સાથે પોતાની બહેન હંસાબાઈ માટે લગ્નના પ્રસ્તાવ માટે નારીયેળ ધર્યું. ત્યારે મહારાણા લાખા મજાકમાં બોલ્યા હતા કે ‘રણમલ્લ શું આ નારિયેળ મારા માટે લાવ્યા છો…?’. આ સાંભળ્યા પછી કુંવર ચુંડાએ હંસાબાઈનો વિવાહ એમના પિતા સાથે કરાવવાનું નક્કી કરી લીધું.
પણ, કુંવર ચુંડાએ જઈને રણમલ્લને એમની બહેન હંસાબાઈના લગ્ન પિતા મહારાણા લાખા સાથે કરવા માટે કરી. ત્યારે રણમલ્લે કહ્યું હતું કે મહારાણા લાખાની ઉમર વધુ છે, અને આમ પણ મહારાણા લાખા પછી મેવાડનું સિંહાસન તમને જ મળશે ને…? બસ આટલું સાંભળીને જ કુંવર ચુંડાએ પિતાના લગ્ન માટે એવી પ્રતિજ્ઞા લીધી કે ‘મહારાણા લાખા અને હંસાબાઈનો જે પ્રથમ પુત્ર હશે, એ જ મેવાડના સિંહાસન પર પણ રહેશે અને હું એમની સેવા કરીશ.’ આ પ્રતિજ્ઞા દ્વારા જ મેવાડના ઇતિહાસમાં રાણા ચુંડા ‘ભીષ્મ પિતામહ’ તરીકે અંકિત થઇ ગયા.
રાણા લાખા અને હંસાબાઈને લગ્નના ૧૩ માસ પછી એમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ, જે મહારાણા મોકલ નામથી મેવાડ અને ભારતીય રાજપૂત ઇતિહાસમાં પ્રસિદ્ધ થયા. મહારાણા મોકલ એ રાણા લાખાના આઠમાં પુત્ર હતા. ઈ.સ. ૧૪૦૭માં કુંવર ચુંડા પોતાના હાથે મોકલને સિહાસન સુધી રાજ્યાભિષેક માટે લઇ ગયા હતા.
રાણી હંસાબાઈ જ્યારે રાણા લાખા સાથે સતી થવા જઈ રહ્યા હતા, ત્યારે કુંવર ચુંડાએ જ એમને રોકી લીધા હતા. હંસાબાઈને એમણે મેવાડના બાઈજીરાજ બનીને રહેવા કહ્યું હતું. (રાજ્ય પર રાજ કરનારા રાજાના માતાને એ સમયે બાઈજીરાજનું સન્માન મળતું હતું). મેવાડની ગાદી પર મહારાણા મોકલ આવ્યા ત્યારે એમની ઉમર ખુબ જ ઓછી હતી. આ કારણે મોકલના બાળપણ સમય દરમિયાન મેવાડની રાજ્ય શાસન વ્યવસ્થા કુંવર ચુંડા સંભાળતા હતા. પણ એવું કહેવાય છે કે મેવાડના અમુક સરદારો દ્વારા મહારાણા અને એમના માતા હંસાબાઈ સામે કુંવર ચુંડા વિરુદ્ધ કાન ભરાતા રહ્યા. પરિણામે મેવાડના બાઈજીરાજ હંસાબાઈએ કુંવર ચુંડાને દેશ નિકાલો આપી દીધો.
કુંવર ચુંડાએ આ દેશ નિકાલો હસતા મુખે સ્વીકારી લીધો. રાઘવદાસ સિવાયના નાના ભાઈઓ સાથે કુંવર ચુંડા મેવાડ છોડી ગયા. પણ, કુશળ અને શાસનમાં જ્ઞાન ધરાવતા રાઘવદાસને એમણે મહારાણા મોકલના સંરક્ષક તરીકે રાખ્યા. જો કે મહારાણા મોકલના મગજ પર તો ત્યારે માત્ર એમના મામા રણમલ્લની વાતો જ અસર કરતી હતી. એ દ્રષ્ટિએ મેવાડનું શાસન ત્યારે રણમલ્લના હાથમાં જ હતું.
મેવાડ સમ્રાટ મહારાણા મોકલના જીવનના બે વિખ્યાત યુદ્ધો
કહેવાય છે કે નાગૌરના હાકીમ ફિરોજ ખાંએ પોતાના ૬૦૦૦૦ સૈનિકોના શૈન્ય બળ સાથે મેવાડ પર આક્રમણ કર્યું. એવા સમયે મહારાણા મોકલે પણ પોતાના ૫૦૦૦ જેટલા મેવાડી યોદ્ધાઓ સાથે જોતાઈ ગામના મેદાનમાં શૈન્ય તૈયાર કર્યું. પણ, રાતના સમયે અચાનક જ હાકીમ ફિરોજ ખાંએ હમલો કર્યો. અચાનક થયેલા આક્રમણના પરિણામ સ્વરૂપ રાણા તો બચી ગયા, પણ રાણાનો ઘોડો માર્યો ગયો. આ પ્રકારની દગાખોરીની કલ્પના પણ એ સમયે મહારાણા મોકલે કરી ન હતી. આવા સમયે ડોડીયા ધવલના પૌત્ર સબળસિંહે પોતાનો અશ્વ મહારાણા મોકલને આપીને સ્વયં શહીદી વહોરી લઈને પણ મેવાડી રાજની લાજ રાખી. મહારાણા મોકલ આ યુદ્ધમાં થયેલ છેતરપીંડીના કારણે હાર્યા અને સુરક્ષા ખાતર મેવાડ આવી ગયા. આ યુદ્ધમાં મેવાડ સેનાના ૨૦૦૦ સૈનિકો (કેટલાક લખાણોમાં સંખ્યામાં આ ૩૦૦૦ પણ જોવા મળે છે.) વીરગતિ વહોરી ચુક્યા હતા. મેવાડને લુંટ્યા પછી ફિરોજ ખાં માળવા તરફ નીકળી ચુક્યો હતો.
મહારાણા મોકલે કોઈ પણ ભોગે આ પરાજયનો બદલો લેવાનું નક્કી કરી જ લીધું હતું. એમણે પોતાના વિશ્વાસુ લોકોના નેતૃત્વમાં ૧૨૦૦૦ મેવાડી સૈનિકોની ફોજ સાથે નીકળી ગયા. આ યુદ્ધની જાણ થતા જ ફિરોજ ખાં પણ સાદડી અને પ્રતાપગઢના પહાડો તરફ આવ્યા અને જાવરમાં એમણે પડાવ નાખ્યો. આ વખતે બંને સેનાઓ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. આ યુદ્ધમાં મહારાણા મોકલે જોતાઈ ગામના મેદાનમાં થયેલ દગાખોરીનો બદલો લીધો. પરિણામે ફિરોજ ખાં હારીને યુદ્ધ મેદાન છોડીને ભાગી છૂટ્યો. (ચિત્તોડના સમિદ્ધેશ્વર મહાદેવ મંદિર પર આ લડાઈના વિજયનો ઉલ્લેખ જોવા મળે છે). મહારાણા મોકલે જહાજપુરમાં ફરી એકવાર ફિરોજ ખાંને હરાવ્યો (મહારાણા મોકલની આ જીતનો ઉલ્લેખ એકલિંગ મહાદેવ મંદિરના દક્ષીણ દ્વાર પરની તખ્તીમાં જોવા મળે છે.) ઈ.સ.૧૪૩૨માં મુઘલ સુલતાન અહમદશાહએ ૧૧૨૦૦૦ સૈનિકોની વિશાળ ફોજ સાથે મેવાડ પર આક્રમણ કર્યું. આ ચડાઈ દ્વારા એમણે મેવાડના ડુંગરપુર, દેલવાડા, કેલવાડા જેવા પ્રદેશો પર પોતાનું આધિપત્ય મેળવી લીધું. આ આક્રમણ પછી મહારાણા મોકલ પણ ૧૪૩૩માં મેવાડી ફોજ લઈને ચિત્તોડથી નીકળ્યા, જે કેલવાડામાં સામસામે જંગમાં ભીડાયા. મેવાડી શેરોની સંખ્યા ૧ થી ૧૦ હજારના વચ્ચે હતી, જ્યારે મુઘલ સેના લાખોની સંખ્યામાં હતી. એવું માનવામાં આવે છે કે આ સમયે હલ્દીઘાટી કરતા પણ મોટા મોટા ૨૮ જેટલા યુદ્ધો ખેલાયા. આ યુદ્ધોમાં પઠાણ, મુઘલ, અસ્સીરીયા અને હુંણ લોકોના હજારો સૈનિકો સામે મુઠ્ઠીભર મેવાડી સેના ભારે પડી. જો કે અહમદશાહ સાથેનું મેવાડનું સીધું યુદ્ધ એક પ્રકારે પોતાની હારને આવકારવા જેવો જ નિર્ણય હતો. કારણ કે આ સમયકાળ મેવાડ માટે આર્થીક પ્રકારે પણ કટોકટીનો સમય હતો, એટલે શૈન્ય માટે તોપ ગોળા, ઘોડા, હાથી અને શૈન્યબળ પણ મેવાડ પાસે માર્યાદિત સંખ્યામાં જ હતું. આ વાતનો ફાયદો ઉઠાવી અહમદશાહે ૧૬ તોપ, ૧૨૦૦૦ જેટલા ઘોડેસવારો અને ૧૦૦૦૦૦ જેટલા શૈનીકો સાથે મેવાડ પર ચડાઈ કરી. આ યુદ્ધમાં રાણા મોકલ સાથે રાવ વિક્રમ સિંહની સાથે એમના પુત્ર રાવ શેર સિંહ પણ હતો. આ શેર સિંહે જે ટોપ વડે અહેમદશાહ મહારાણા મોકલને હરાવવાની મહેચ્છા રાખતો હતો, એ તોપો એકલા હાથે નષ્ટ કરી નાખી. કહેવાય છે કે તોપો જ્યાં યુદ્ધ પહેલા મુકવામાં આવી હતી, એ અસ્લાગઢમાં શેર સિંહ સળગતી મશાલ હાથમાં લઈને ઘુસી ગયો હતો. એણે ત્યાં લડતા લડતા સંપૂર્ણ અસ્લાગઢોને સળગાવી નાખ્યા. આ પરાક્રમે એમનો જીવ તો લીધો પણ સાથે સાથે યુદ્ધના પરિણામો મેવાડના પક્ષમાં કરી દીધા. તોપ ગોળા જેવા હથિયારોના નાશ પછી મુઠ્ઠીભર મેવાડી સૈનિકો અહમદશાહની સેના પર ભારે પડી ગયા. આ યુદ્ધમાં એમણે હાર સ્વીકારી મહારાણા મોકલની અધીનતા સ્વીકારી લીધી. એમણે મેવાડ છોડી દેવાની સોગંધ લીધી અને મેવાડ સાથે ગુજરાતની ભૂમિ પણ છોડીને ભાગી ગયા.
પણ, મુઘલ રાજાઓના કપટ શમ્યા નહિ. મહારાણા મોકલના અવસાન પછી જ્યારે સત્તા પર મહારાણા કુંભા આવ્યા ત્યારે પણ અહમદશાહે મેવાડ પર ચડાઈ કરી. પણ, ફરી એકવાર મેવાડના શૌર્ય અને પરાક્રમ સામે એમનું કપટ કચડાઈ ગયું.
મહારાણા મોકલ અંગે જાણવા જેવા તથ્યો
• મહારાણા મોકલના સાત પુત્રો હતા – [૧] રાણા કુંભકર્ણ (કુંભા) [૨] કુંવર ક્ષેમકરણ [૩] કુંવર શિવા [૪] કુંવર સત્તા [૫] કુંવર નાથસિંહ [૬] કુંવર વિરમદેવ [૭] કુંવર રાજધર
• મહારાણા મોકલની પુત્રીનું નામ બાઈસા લાલબાઈ હતું. જેમના લગ્ન ગાગરોનના ખીંચી રાજા રાવ અચળસિંહ સાથે થયા.
• એમના કાળમાં દિલ્લી પર સૈયદ વંશના શાસક મુબારક શાહનું શાસન હતું.
• મહારાણા મોકલે ચિત્તોડમાં દ્વારકાનાથ અને સમિદ્ધેશ્વર મંદિર બનાવડાવ્યા. કૈલાશપુરીમાં એકલિંગજી મંદિરના ચારે બાજુની કોટ કરાવડાવી. આ જ સ્થાને એમણે નાણા ભાઈ બાઘસિંહના નામે બાઘેલા તળાવનું નિર્માણ પણ કરાવ્યું.
• મહારાણા મોકલે પુષ્કર તીર્થ પર સોનાનું તુલાદાન કર્યું. તેમજ વાંગણવાડા અને રામાગામ એકલિંગજીને ભેટ ધાર્યું.
• મંડોવરની લડાઈમાં રણમલ્લ જીત્યા પણ એમના ભત્રીજા નરબદની એક આંખ ફૂટી ગઈ. આવા સમયે મહારાણા મોકલ એમને ચિત્તોડ લઇ આવ્યા ને કાયલાણા પટ્ટો પણ જાગીરમાં આપી દીધો.
• એવું કહેવાય છે કે મહારાણા મોકલની હત્યા એમના જ કાકા અને એમના અન્ય બે સાથી દ્વારા થઇ હતી. જેનો બદલો રાણા કુંભાએ પાછળથી લીધો હતો.
• ૧૪૦૬ અથવા ૧૪૦૭ના આસપાસ રાણા લાખાનું અવસાન થયું. (કર્નલ જેમ્સ ટોડના માટે એમનું અવસાન વર્ષ ૧૩૯૭ છે જ્યારે કવિ લોકોના મતે ૧૪૨૦ છે.)
• ઈ.સ. ૧૪૧૦માં જ્યારે મંડોવરના રાજા રાવ ચુંડા મૃત્યુ પામ્યા ત્યારે મંડાવરના ઉત્તરાધિકારી માટેનો સંઘર્ષ શરુ થયો. રાવ ચુંડાના જેષ્ટ પુત્ર રાવ રણમલ્લ પોતાના રાઠોડ સાથીદારો અને મેવાડની ફોજ સાથે મંડોવર પર તૂટી પડ્યા. આ યુદ્ધમાં જીત મેળવીને રણમલ્લે મંડોવર પોતાના આધીન કર્યું.
સંકલન અને સુધાર – સુલતાન સિંહ ‘જીવન’
રેફરન્સ – વિકિપેડિયા, અને અન્ય રાજપૂત ઈતિહાસ દર્શાવતી વેબપોર્ટલ્સ
નોધ – ઉપર દર્શાવેલી બધી જ માહિતી વિકિપીડિયા અને અન્ય રાજપૂત ઈતિહાસ દર્શાવતા ઓનલાઈન માધ્યમો દ્વારા મેળવીને દર્શાવવામાં આવી છે. આ માહિતી મેવાડ પ્રદેશ પર શાસિત રાજપૂતોના ઈતિહાસને દર્શાવે છે, પણ એમાં બદલાયેલા સ્વરૂપની લોકવાયકાઓના આધારે ફેરબદલ હોઈ શકે છે. જો આ માહિતીમાં તમને કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો નીચે કમેન્ટ બોક્ષમાં આધાર સહીત સજેશન આપી શકો છો. જો આપના સુઝાવ વાસ્તવિક હશે તો એના આધારે બદલાવ કરી શકાશે. દરેક વસ્તુ અથવા તથ્ય સ્વીકારતા પહેલા સ્વશોધ અને સ્વજ્ઞાન જરૂરી છે.
Leave a Reply