⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔
ஜ۩۞۩ஜ માધાવાવ – વઢવાણ ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૧૨૯૪ )
➡ વાવો પર ઘણું જ લખ્યું છે અને ઘણી ઘણી અગત્યની વાવો બાકી પણ છે. એક ઈતિહાસ રસિક મિત્રની મેં જ્યારે રાણકદેવી પર લેખ લખ્યો ત્યારે એમની ફરમાઇશ હતી કે વઢવાણની માધાવાવ વિષે પ્રકાશ પડતો લેખ લખજો. વાત જયારે વાઘેલાયુગની થતી હોય તો એમાં માધાવાવનો ઉલ્લેખ જ ન કરીએ તો ના જ ચાલે ને ! આમેય મારે વાવ સીરીઝ પર લખવું જ હતું જે અધુરી જ રહી ગઈ હતી વચ્ચેથી. ગુજરાતમાં એટલી બધી વાવો છે કે દરેક વાવો પર લખવું તો લગભગ અશકય જ છે. ગુજરાતની જાણીતી વાવો પર મેં જે વાંચ્યું એ મને બરાબર ન જ લાગ્યું. ગુજરાતમાં લગભગ મોટાં ભાગની વાવો એ એની પ્રચલિત દંતકથાઓને લીધે એનું મહ્ત્ય્વ વધારવાને બદલે અલિપ્ત -વણછુઈ વધારે રહી ગઈ છે. લોકોનો રસ આ દંતકથાઓ લીધે વાંચવામાંથી જ નહીં પણ જોવામાંથી પણ ઉડી ગયો છે. બીજું કારણ એ પણ છે કે એ બધી વાવો ગંદી છે જેની યોગ્ય સારસંભાળ લેવાતી જ નથી. આપણા ઘણા મિત્રો એમાં સક્રિય છે છતાં પણ આ વાવો ગંદી જ રહે છે હજી સુધી તો. આ વિષે ઘણું બધું લખાયું છે અને લખાતું જ રહેવાનું છે. ઘણી બધી જગ્યાએ ઘણું સારું લખાયું છે પણ આ સારું એટલે શું ? એનું કોઈ પ્રમાણ હોય છે ખરું કે નહીં ! જે બધું વાંચ્યું એમાં જે માહિતી વિકિપીડિયા કે અન્યત્ર ઉપલબ્ધ હોય છે એ જ એમનું એમ ઠોકી બેસાડતાં હોય છે. આમાં સિદ્ધ હસ્ત લેખકો પણ આવી જાય છે એ મેં જયારે પાટણની રાણીની વાવ વિષે વાંચ્યું ત્યારે જ ખબર પડી ગઈ હતી. રાણકી વાવ ઉપર પણ હું ક્યારેક એક અલગ લેખ કરવાનો જ છું આ અગાઉ મેં લખ્યું હોવાં છતાં પણ. રાણકી વાવએ ઉત્ખનન દ્વારા સન ૧૯૬૭માં ખોદીને બહાર કાઢવામાં આવી હતી. એ વાવ જયારે રાણી ઉદયમતીએ બંધાવી પછી ૧૦૦ -૧૫૦ વરસની અંદર જ એ જમીનમાં દટાઈ ગઈ હતી જેનો થોડોક જ ભાગ ઉપર દેખાતો હતો. બહાર કાઢ્યા પછી પણ એની અદ્ભુતતાનાં વખાણ કરવાને બદલે એમાં પણ ૨૦મી સદીના લોકવાયકાકારોએ એક દંતકથા જોડી દીધી. આ મને ના જ ગમ્યું. કારણકે ૭૦૦ વરસ પછી લોકવાયકા ક્યાંથી ફૂટી નીકળી વળી. આ એક કારણ છે પણ જયારે મેં માધાવાવ વિષે લખવાનો વિચાર કર્યો ત્યારે પણ એમાં મને એક દંતકથા અને એક અતીપ્રચલિત લોકગીત જ બધે નજરે પડયું. મેં જયારે આ વાવ વિષે મિત્રો પાસે માહિતીની માંગણી કરી ત્યારે મને વિકિપીડીયાની જ માહિતી મોકલી બધાં એ ! મેં વિચાર્યું કે આ લખવું અઘરું તો છે જ !કારણકે ઘણે બધે ઠેકાણે આ વિષે લખાઈ જ ચુક્યું છે આ માધાવાવ વિષે એને જુદું કઈ રીતે લખવું. જયારે રાજા સારંગદેવ અને રાજા કર્ણદેવમાં આનો ઉલ્લેખ સુદ્ધાં ના જોયો ત્યારે મારો આ વિષે લખવાનો વિચાર બળવત્તર બન્યો. હવે તો હું લખું જ લખું બસ ! પણ હું આમાં દંતકથા અને લોકગીત કે એનાં પર બનેલી ફિલ્મનો ઉલ્લેખ સુદ્ધાં નથી જ કરવાનો. એ વાવ જોતાં તમને શું લાગ્યું કે એની વિશેષતાઓ કઈ છે એનાં પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. હા ક્યાંક માહિતી સરખી જરૂર લાગશે કારણકે જેમ કે વાવની પહોળાઈ અને લંબાઈ અને એનાં સ્થાપત્યોમાં. પણ બનશે એટલું કૈંક નવું અજાણ્યું આપવાનો પ્રયત્ન કરીશ બાકી હરિ હરિ !
➡ ગુજરાતની પોતીકી કહી શકાય એવી ઘણી વસ્તુઓ છે. વાત જો શિલ્પ સ્થાપત્યની કરવામાં આવે તો સોલંકીયુગે શરુ કરેલી અને વિકસાવેલી “મારુ ગુર્જર”શૈલી ગણી શકાય. જે તે સમયમાં રાજા ભીમદેવ સોલંકી દ્વારા શરુ કરવામાં આવી હતી અને કાળક્રમે મહારાજ સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, કર્ણદેવ સોલંકીએ તેનો વિકાસ પણ કર્યો અને જરૂર પડે ત્યાં એ સમયમાં અધૂરાં રહેલાં શિલ્પ સ્થાપત્યો પૂરાં પણ કરાવ્યાં. એ સમયમાં પાણીની મુશ્કેલી બહુ હતી લોકોને ખેતી માટે પાણી પુરવઠો મળી રહે એ માટે જળાશયો અને વાવો પુષ્કળ પ્રમાણમાં બની હતી. આજે ગુજરાતમાં એટલી બધી વાવો છે કે આ વાવ સ્થાપત્ય એ ગુજરાતની માલિકીનું અને ગુજરાતના ગૌરવ સમાન બની રહી છે. દરેક વાવને તેની આગવી વિશેષતા હોય છે જેનાં બાંધકામ પર આપણું ધ્યાન જતું જ નથી. રાજા ભીમદેવ સોલંકી પ્રથમની પત્ની ઉદયમતીથી જ વાવો બંધાવાની શરુ થઈ અને એજ વાવ આજે વર્લ્ડ હેરીટેજમાં પણ સ્થાન પામી છે અને રીઝર્વ બેન્કે છાપેલી નવી નોટોમાં પણ તેણે સ્થાન પ્રાપ્ત થયું છે તે છે —-“રાણીની વાવ”. ઐતિહાસિક દ્રષ્ટિએ આ ગુજરાતમાં બંધાયેલી પ્રથમ વાવ હતી. પછી જ સૌરાષ્ટ્રની વાવોનું બાંધકામ શરુ થયું જેમાં અડીકડીની વાવ જે રાખેંગાર દ્વિતીય દ્વારા બનાવવામાં આવી હતી . મહારાજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરતના ઘણાં પ્રદેશો તેમનાં તાબાં હેઠળ હતાં ત્યરે ઘણી બધી વાવો બંધાઈ હતી પણ તે લોકશ્રુતિઓને કારણે કોઈ ચોક્કસ માહિતી પ્રદાન નથી કરી શકી. જેમાં કપડવંજ, મહેસાણા વગેરે પ્રદેશો આવે છે. સૌરાષ્ટ્ર તે સમયે મહારાજ સિદ્ધરાજ જયસિંહનાં શાસન હેઠળનો પ્રદેશ હોવાં છતાં ત્યાં એમણે બહુ વાવો નથી બંધાવી. બંધાવી પણ હોય તો આપણને એનો ખ્યાલ નથી કારણકે એ બધી લોકવાયકાઓને કારણે જ પ્રચલિત થઇ છે.પણ ક્યાંક ક્યાંક આ વાવો મહરાજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં બની હશે એવું કહેવાય છે એટલે એ સાચું જ હશે એમ મનાતું નથી. સિદ્ધરાજ જયસિંહ પછી પણ આ વાવનું બાંધકામ અવિરત ચાલુ જ રહ્યું હતું. જે વાઘેલાવંશના શાસનકાલ દરમિયાન વધુ વિસ્તર્યું એટલે કે એ બહોળા પ્રમાણમાં બનાવવામાં આવી હતી.
➡ વાઘેલાવંશનાં રાજ્યકાલ દરમિયાન સૌથી વધુ વાવો બની હોવાં છતાં ઇતિહાસમાં ક્યાંય પણ એનો ઉલ્લેખ થયેલો જોવાં મળતો નથી. નથી કોઈ પણ જૈન સાહિત્યકારોએ કર્યો કે નથી કોઈ મુસ્લિમ સાહિત્યકાર કે ઈતિહાસકારે કર્યો. આ વાત જરૂર ખટકે છે મને. ખિલજીનાં આક્રમણ પછી પણ આ વાવોને નથી કોઈ નુકશાન પહોંચ્યું કે નથી કોઈએ એનો ઉલ્લેખ કર્યો.
આક્રમણો તો મહમૂદ ગઝનવી , મહંમદ ઘોરી અને ઐબક અને ખિલજી પછી પણ થયાં હતાં પણ ખિલજી પછી તો ગુજરાતમાં મુસ્લિમ શાસન આવી ગયું હતું ત્યાર પછી પણ લગભગ દરેક સૈકામાં ગુજરાતમાં આ વાવો બનેલી જ છે. જોકે એમાં મુસ્લિમ બાદશાહોને ત્યાં કામ કરતાં હિંદુ લોકોએ વધુ બનાવી છે એમાં પણ તે સમયના ગુજરાતના સુલતાનોએ એમાં મદદ પણ કરી હતી . લેકિન -કિન્તુ -પરંતુ આ વાઘેલા વંશના શાસનકાળ દરમિયાન ગુજરાતનો એક જીલ્લો એવો પણ છે કે જેમાં કુલ ૩૦૦ જેટલી વાવો છે એમાંની ૩ મુખ્ય વાવો તો વાઘેલાવંશના રાજા સારંગદેવ અને રાજા કર્ણદેવનાં સમયમાં બની છે. બાકી બીજી અનેક બનાવી છે જેની આપણે વાત નથી કરતાં. આ જીલ્લાનું નામ છે સુરેન્દ્રનગર જેમાં જ કુલ ૩૦૦ જેટલી વાવો છે. ખૂબીની વાત તો એ છે કે આ ૩ વાવો એ વઢવાણ શહેરમાં કે એનાથી ૪-૫ કિલોમીટરનાં અંતરે બાંધવામાં આવેલી છે. બે તો વઢવાણમાં જ છે જે વઢવાણની પૂર્વ અને પશ્ચિમ દિશામાં સ્થિત છે. સુરેન્દ્રનગર એક એવો જીલ્લો છે જ્યાં વર્ષોથી રાજપૂત વંશોનું જ આધિપત્ય રહ્યું છે. ઝાલા રજપૂતોએ અહીં બહુ જ સરસ રાજ્ય કર્યું હતું એટલે જ આ વિસ્તારને “ઝાલાવાડ ” પણ કહેવામાં આવે છે. આ ઝાલા રજપૂતોએ માત્ર વઢવાણમાં જ નહિ પણ સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક વાવો બંધાવી હતી. એમાં વઢવાણની જાહોજલાલી તો આ ઝાલા રાજપૂતોને જ લીધે છે આને લીધે જ આજે વઢવાણ સાથે આ ઝાલા રાજપૂતો અવિનાભાવી સંબંધે જોડાઈ ગયાં છે. ઝાલા રજપૂતો તેમની વીરતા અને તેની આગવી શિલ્પ સ્થાપત્યકલા માટે જાણીતાં છે .
➡ હવે વાત કરીએ સુરેન્દ્રનગર જીલ્લાની …… ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જીલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાય છે એમાંય ખાસ કરીને વઢવાણ. સુરેન્દ્રનગરની ભૂગોળ જ એવી છે કે એમાં સદાય પાણીની તંગી રહ્યાં જ કરતી હોય છે. આ જીલ્લામાં એકેય બારમાસી પાણી રહેતું હોય એવી એકેય નદી નથી. સુરેન્દ્રનગરમાં બીજાં સ્થાપત્યો આ પાણીની તંગીને લીધે જ નથી બાંધી શકાયાં.પણ તેમ છતાં જળસ્રોતને સંગ્રહિત કરવાં માટેનાં વાવ જેવાં સ્થાપત્યો વધુ પ્રમાણમાં બંધાયા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં આશરે ૩૦૦ જેટલી જે વાવો છે તે બધી રાજાઓ, તેમનાં અધિકારીઓ, દાસીઓ, ખવાસ્નો, વેપારીઓ, વ્હોરા, વાણિયાઓ, મહિલાઓ, લખા વણજારા તેમજ કેટલાંક સાધુઓ વગેરે લોકોએ વાવ બનાવડાવી લોકોને થાય એટલી પાણીની મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બધું એ પાણી બચાવ ઝુબેશ માટે અવિરત અને સદીઓથી ચાલી આવતાં કાર્ય હેઠળ જ થતું રહ્યું છે
➡ જળસંગ્રહ પ્રણાલીઓમાં “વાવ” એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ગુજરાતમાં સામાન્ય રીતે “વાવ”, “વાવડી”કે કોઈક જગ્યાએ “વાઈ” તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવ નિર્મિત જળસંગ્રહોમાં વાવ ઐતિહાસિક, ધાર્મિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. વાવના નિર્માણ માટે અનેક ઉલ્લેખો વાસ્તુશાસ્ત્રણે લગતા સંસ્કૃત ગ્રંથોમાંથી મળી જ આવે છે. તેનાં જ આધારે વાવનાં ચાર પ્રકાર પાડવામાં આવ્યાં છે
✅ (૧) નંદા વાવ – એક પ્રવેશદ્વાર
✅ (૨) ભદ્રા વાવ – બે પ્રવેશદ્વાર
✅ (૩) જયા વાવ – ત્રણ પ્રવેશદ્વાર
✅ (૪) વિજયા વાવ – ચાર પ્રવેશ દ્વાર
➡ જો કે સુરેન્દ્રનગર જીલ્લામાં નંદા પ્રકારની વાવ વધરે જોવાં મળે છે વઢવાણમાં વાઘેલા યુગના પ્રથમ રાજવી વિસલદેવની મહારાણી નાગલ્લદેવીની દાસીએ બંધાવેલી લાખુવાવ છે બીજી એક વાવ જે વઢવાણ થી ૩૫ કિલોમીટર દુર રામપુર અને નળિયા આ બે ગામોની સીમા વચ્ચે જમણી કોર સ્થિત છે. જયારે ગંગાવાવ એ રાજા સારંગદેવ વાઘેલાની રાણીની દાસી ગંગાબાઈએ આ વાવ બંધાવી હતી. દાસીના નામ પરથી જ આ વાવનું નામ ગંગાવાવ પડયું. હવે જે વાવની વાત અહીં કરવાની છે તે માધાવાવની વાત ….
✔ માધાવાવ –
➡ માધાવાવ એ સુરેન્દ્રનગર શહેરનાં દક્ષિણ-પૂર્વથી ૩ કિલોમીટરનાં અંતરે આવેલ વઢવાણ શહેરની સલાટ શેરીમાં વટકેશ્વર મહાદેવની બાજુમાં સ્થિત છે.
✔ માધાવાવ વિવાદ –
➡ સુરેન્દ્રનગર જીલ્લાની આ એક વાવ એવી છે જે ઘણાં બધાં વિવાદોમાં ઘેરાયેલી છે. આ વાવના નિર્માણકાલને લીધે જ થોડાં વિવાદો ઊભાં થયાં છે. એમાં જ મતમતાંતરો પ્રવર્તમાન થયાં છે. એક શિલાલેખ જે ત્યાંથી મળ્યો છે એ એવું દર્શાવે છે કે ઇસવીસન ૧૨૯૪માં કર્ણદેવ વાઘેલનાં મંત્રી માધવે પોતાનાં માતા-પિતાની યાદમાં આ વાવ બંધાવી હતી.આ એક મત છે અમુક લોકોનો જે ત્યાંથી શિલાલેખ મળ્યો છે એનાં પરથી લોકો આવું માને છે ખરાં ! બીજો એક મત એવો છે કે વાઘેલા રાજવી સારંગદેવના મંત્રી માધવે આ વાવ બંધાવી હતી. પણ આજ માધવ મંત્રી તો રાજા સારંગદેવનાં અવસાન પછી રાજા કર્ણદેવના સમયમાં પણ ચાલુ રહ્યાં હતાં. તો આ માધવ એ જુદાં કે એ એક જ એવો પ્રશ્ન મનમાં ઉભો થાય ખરો હોં ! ઈસવીસન ૧૨૯૪માં તો રાજા સારંગદેવ વાઘેલાનું રાજ્ય હતું અને રાજા કર્ણદેવ વાઘેલા તો ઇસવીસન ૧૨૯૬માં રાજગાદી પર બેસે છે એટલે જો ઇસવીસન ૧૨૯૪ની વાત કરવાંમાં આવતી હોય અને એને જ જો પુરાવા રૂપે રજુ કરવામાં આવતી હોય તો તે રાજા સારંગદેવના સમયમાં જ બનેલી ગણાય નહીં કે રાજા કર્ણદેવના સમયમાં. રહી વાત મહામાત્ય માધવની તો એ ઇતિહાસના ચોપડે નોંધાયું છે કે માધવ મંત્રી અને તેમનાં ભાઈ કેશવ એ રાજા કર્ણદેવનાં શાસનકાળમાં પણ ચાલુ જ રહ્યાં હતાં. માધવે બનાવી હશે એ માત્ર અનુમાન જ છે જેનો અભિલેખ કદાચ ખોટો પણ હોઈ શકે જ છે. જો કે ન બનાવી હોય એવું પણ હું માનતો તો નથી જ. વાવ સ્થાપત્યકળામાં એક વાત ઉડીને આંખે વળગે તેવી એ છે કે કોઈપણ રાજાએ તે બનાવી નથી જ અપવાદ છે રા’ખેંગાર. મહારજ સિદ્ધરાજ જયસિંહે પોતે પણ કોઈ બાંધી હોય એનાં નક્કર પુરાવાઓ મળતાં જ નથી. જે વાવો છે એ તો મંત્રીઓ કે સામાન્ય પ્રજાજનોએ બંધાવી હતી જેઓ કદાચ તે સમયે પૈસાદાર હોય અથવા રાજઘરાનામાંથી એમની રાણીઓ કે રાજાઓએ મદદ કરી હોય. સુલતાનોએ પણ પાછળથી વાવો બાંધવામાં ઘણી મદદ કરી હતી તેનાં પણ પુરાવાઓ પ્રાપ્ત થયાં છે જ !
➡ માધવની સાથે મંત્રી કેશવનું પણ નામ જોડી દેવામાં આવ્યું છે કેટલીક જગ્યાએ એ પણ બંધબેસતું નથી લાગતું. શિખરયુક્ત વાવોમાં ગંગાવાવ પહેલી બની છે અને માધાવાવ પછી એટલે લોકોમાં થોડીક નહીં પણ ઘણી મૂંઝવણ પેદા થાય એ સ્વાભાવિક જ છે. ગંગાવાવ એ પણ રાજા સારંગદેવના સમયમાં જ બની છે. ગંગાવાવ ઈસવીસન ૧૨૭૦માં બની છે એવું ક્યાંક લખાયેલું છે, એટલે ગંગાવાવ જ પહેલી બને હશે અને એનું વિસ્તૃત અને વધારે સારું સ્વરૂપ એટલે આ માધાવાવ. બીજો શિલાલેખ ઘણો જ ઘસાઈ ગયેલો છે. તે નાગર મંત્રી સોઢલના પુત્રી લશમી દેવી (લક્ષ્મીદેવી) અને સોમના પુત્ર સિંધુની વાત કરે છે; જેઓ કદાચ માધવના માતા-પિતા હશે એવું માનવામાં આવે છે. ત્રીજો એક મત એવો છે કે આ વાવ વાઘેલા વંશના રાજાઓના શાસનકાળ દરમ્યાન નાગર જ્ઞાતિનાં શ્રીમંતે બંધાવેલ હોય. કારણકે આ વાવના ત્રીજા કોઠામાં જમણી તરફ ગોખમાં યુગલ પ્રતિમા નીચે ઘસાયેલ અભિલેખ છે. કોઈક એને રાજા કર્ણદેવ અને એમની પત્નીની પ્રતિમા પણ માને છે. એટલે અભિલેખમાં માધવનાં માતા-પિતાએ આ બંધાવી હશે એવું માનીને ચાલે છે. માધવની પત્ની કમલાદેવી નાં ઉલ્લેખથી જ કર્ણદેવ વાઘેલાની પ્રતિમા અહીં હોઈ જ ના શકે એવું બધાનું માનવું છે પણ ઈતિહાસ એ વાત ને અનુમોદન આપતો નથી.
➡ જયારે તજજ્ઞોએવું મને છે કે — આ વાવ ૬ કોઠાવાળી વાવ હોવાથી તેણે “મહાવાવ ” પણ કહેવામાં આવતી હતી. કદાચ આ મહાવાવ શબ્દ અપભ્રંશ થઈને માધાવાવ તરીકે પ્રચલિત બન્યો હોય. બે અભિલેખો હોય એટલે લોકોમાં ગેરસમજ તો જરૂર પેદા થવાની પણ એ અબ્નને અભિલેખો ક્યા સમયમાં ત્યાં અંકિત કરવામાં આવ્યાં તે જાણવું અત્યંત જરૂરી છે નહીં તો સદાય વિવાદ તો રહેવાનો જ છે. બાકી કોઇપણ વાવ એ વિવાદની મોહતાજ નથી હતી. વાવ એ વાવ છે અને તેનું મહત્વ પણ એને લીધે જ છે. વાત કરવાની હોય તો એનાં બાંધકામની અને એની સ્થાપત્યકલાની જ કરાય કંઈ વિવાદો કે દંતકથા કે લોકગીતોની નહીં જ !
✔ માધાવાવની સ્થાપત્યકલા –
સુરેન્દ્રનગર જીલ્લાની મોટાભાગની વાવો એ રેતીયાળ પથ્થરમાંથી બનેલી છે. ગંગાવાવ પણ રેતીયાળ પથ્થરમાંથી જ બનેલી છે. એ સમયે કદાચ સુરેન્દ્રનગર જીલ્લમાં આવાં રેતીયાળ પથ્થરોનો વધુ ઉપયોગ થતો હશે. આ વાવ ૬ ફૂટઅને ૭ મજલાવાળી છે. વાવની લંબાઈ ૩.૭૫ મીટર અને પહોળાઈ ૫.૫ મીટર છે. કુવાનો વ્યાસ ૭.૫ મીટર છે. વાવના પ્રવેશદ્વારથી લઈને છેલ્લા કોઠામાંથી જે તે માળના છેલ્લા કોઠા સુધી પહોંચવા વાવની ઉત્તર દક્ષીણે બંને તરફની દીવાલોમાં ૨૦ ઇંચ પહોળી અને ૩ ઇંચ જાડા પથ્થરની પગથી છે.
➡ પૂર્વાભિમુખ અને શિખરમઢેલી આ વાવ પ્રથમ કોઠામાં શિલ્પમંડિત દ્વારશાખ અને તેનાં તોરણયુક્ત કમાનોવાળો સુંદર પ્રવેશદ્વાર છે. આ જ આ વાવની આગવી વિશેષતા છે અને આ જ આ વાવને બીજી કરતાં નોખી બનાવવાં માટે કારણભૂત પણ છે. આવું માત્ર ગંગાવાવ સિવાય બીજે ક્યાંય જોવાં મળતું નથી જ. દ્વારશાખની ઉભી તથા આડી તોરણ કમાનમાં દેવ-દેવીઓના શિલ્પો કંડારયેલા દ્વારશાખની ડાબી-જમણી બન્ને બાજુ ૬ ફૂટ ઉંચી અને ૩ ફૂટ પહોળી લંબચોરસ દીવાલમાં ૨૪ સમચોરસ ખાનાઓમાં વિવિધતા ધરાવતી ભૌતિક આકૃતિઓ છે. આ વાવનાં કોઠા ઉપરના મતવાલ કમળાકાર કળશ મુકેલ છે. મતવાલની નીચેના ભાગની ચોરસ પટ્ટી કમાન કાંગરી કોતરકામથી સુશોભિત છે.
➡ આ વાવના પ્રથમ કોઠાના ડાબી-જમણી તરફના ગવાક્ષો છે. જેમાં કોઈ જ શિલ્પ નથી. બીજાં કોઠાના જમણી તરફના ગવાક્ષમાં નવગ્રહની મૂર્તિ અને ડાબી બાજુનાં ગવાક્ષમાં સૂંઢમાં વૃક્ષવાળા હાથીનું અને એક પ્રકારની મુદ્રાવાળા દેવોની આઠ આકૃતિનું શિલ્પ છે. આ શિલ્પ ખંડિત હોવાથી સપષ્ટ નિદર્શન કરવું લગભગ અશક્ય જ છે. ત્રીજા કોઠામાં જમણી તરફના ગવાક્ષમાં ગૃહસ્થ યુગલની ઉભી મૂર્તિ છે. તેની નીચે બે-બે પંક્તિનો અભિલેખ છે. હાલમાં આ અભિલેખ તદ્દન ઘસાઈ ગયેલી અવસ્થામાં છે. ચોથા કોઠામાં ડાબી બાજુ ગવાક્ષમાં શેષશાઈ વિષ્ણુ અને જમણી બાજુ ગવાક્ષમાં ભગવાન શિવાજી અને દેવીમાં પાર્વતીજીનાં શિલ્પો કંડારયેલા છે. શેષશાઈ ભગવાન વિષ્ણુનું વધારે સારું શિલ્પ એ રાણીની વાવમાં છે. દરેક કુટમાં ગોખલાઓ છે જેમાં મૂર્તિઓ છે. તેમાં ભૈરવ, સપ્તમૈત્રિકા, નવગ્રહ, દશાવતાર અને અન્ય દેવ દેવીઓની મૂર્તિઓ છે જેમને તેમની જર્જરિત સ્થિતિને કારણે ઓળખવી મુશ્કેલ છે.
➡ આ વાવ કુલ ૬ માળની છે. દરેક માળના છેલ્લા કોઠાથી કુવા તરફ ઝરૂખા બારી છે. છઠ્ઠા કોઠાના બેઠકની જગ્યાએથી સીધે સીધું કુવામાં ઉતરવા માટે પગથીયું છે. છેલ્લે કુવાઓ ગોળાકાર છે. આમ તો એ ગોળાકાર જ હોય અને ઘણી બધી વાવોમાં છે જ. બળદ કોશ દ્વારા કુવામાંથી પાણી ખેંચી શકાય તે માટે કુવામાં પશ્ચિમ ભાગે તથા ઉત્તર તરફ પાણી સિંચવા માટેનાં પાવડા છે. સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ વઢવાણની આ માધાવાવ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક છે.
➡ આ વાવ વિષે વિકિપીડીયામાં એમ કહેવાયું છે કે — એક ગોખલામાં એક યુગલની મૂર્તિ છે તે માધવ તથા તેની પત્નીની છે. તેની નીચે ટૂંકો લેખ છે. અહીં અમુક મૈથુન મૂર્તિઓ પણ છે.
આમાં માધવ અને એની પત્નીની મૂર્તિઓ જે ઓળખી શકાય તેવી જ નથી તે એમની કઈ રીતે હોઈ શકે ? કોઈકે એને રાજા કર્ણદેવ અને એમની પત્ની કહી તો કોઈકે માત્ર એક ગૃહસ્થ યુગલની કહી છે. કોઈકે તે સમયના રાજકુંવરની પણ કહી છે. આમાં બધાં જ ખોટાં છે એ એક પ્રજાજનનું પ્રતિનિધિત્વ કરતુ યુગલ માત્ર છે. બીજી વાત વિકિપીડિયાએ એ કહી છે કે આ વાવના બાંધકામમાં દેલવાડાની છાપ વર્તાય છે. અરે ભાઈ … દેલવાડા તો જૈન શિલ્પકળા માટે જાણીતાં છે એ સમયે વસ્તુપાળ-તેજપાળનાં અવસાન થયે ઝાઝો વખત નહોતો થયો એટલે એવું અનુમાન કરી લીધું કે દેલવાડાની છાપ છે અરે હોઈ શકે છે એની તો કોઈ ના નથી જ પડતું ને! પણ આ શિલ્પ-સ્થાપત્યકલા એ તદ્દન જુદી જ છે. આ વાવની જાળીની રચના રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદને મળતી આવે છે એમ કહ્યું છે એનો શું અર્થ ? કારણકે રાણી સિપ્રી મસ્જિદ તો બંધાઈ છે ઇસવીસન ૧૫૧૪માં જ્યારે આ વાવ તો બંધાઈ છે ઇસવીસન ૧૨૯૪માં .તુલના પહેલાંની પછીનાં સાથે થાય કંઈ પછીનાંની પહેલાં સાથે ના જ કરાય !
➡ ટૂંકમાં ….. અ વાવ લોકો વિવાદોને કારણે જોવાં નથી જતાં એ સરસર ખોટું જ છે. આ વાવ એક વાર તો અવશ્ય જોવી જોઈએ તો જ તમને ખ્યાલ આવશે કે કેમ આ વાવ એ બીજાં કરતાં જુદી છે. મુસ્લિમ સ્થાપત્યને આ વાવ સાથે કોઇપણ પ્રકારની લેવાદેવા નથી. કારણકે આ અગાઉન સંપલામાં જે વાત આવી હતી કે મુસ્લિમ સ્થાપત્યને કર્ણદેવના સ્થાપત્ય સાથે મેળ ખાય છે એ વાત અહીં લાગુ ના પડાય આવું ખંભાત આગળ પણ ક્યાંક બન્યું છે. આ બધી ધારણાઓ છે ખાલી. આ વાવ જુઓ અને ખુશ થાઓ અને આ વાવ કેવી છે અને એ જોતાં કે જોઇને તમારાં મનમાં શું અનુભૂતિ થઇ એ જ વધારે મહત્વનું છે . ઇતિ સિધ્ધમ કે આ વાવ એ વાઘેલાવંશના શાસન કાલ દરમિયાન બની છે જેની પત્તર આ દંતકથાએ અને ખોટી માહિતી ઉપલબ્ધ કરાવીને સમકાલીન અને ત્યાર પછીનાં વામપંથી સાહિત્યકારોઅને ઈતિહાસકારોએ ખાંડી છે . કહેવમાં એમનાં બાપનું શું જાય છે તે ! એ માનવું કે નહીં એ તો આપણા જ હાથમાં છે ને વળી ! એ વાવ એના હેતુમાં સફળ થઇ હતી કે નહીં એ જ વધારે મહત્વનું છે. આ વાવ ના જોઈ હોય તો એક વાર જોઈ આવજો બધાં હોં !
➡ મેં કહ્યું હતું ને કે એક સરપ્રાઈઝ લેખ લખું પછી જ આ વાઘેલાવંશની લેખમાળા પૂર્ણ થઇ ગણાશે
ઇતિ વાઘેલાવંશ કીર્તીકથા સંપૂર્ણમ !!
હવે કદાચ ચાવડાવંશની લેખમાળા શરુ કરીશ !!
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply