Sun-Temple-Baanner

ધવલ – અર્ણોરાજ – લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૧


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ધવલ – અર્ણોરાજ – લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૧


⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔

ஜ۩۞۩ஜ ધવલ – અર્ણોરાજ – લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ

(ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)

—– ભાગ – ૧ —–


➡ જૈન સાહિત્યમાં તો રાજા ભીમદેવ દ્વીતીયનું અવસાન થયું અને રાજા ત્રિભુવનપાળની હત્યા થઇ ત્યાં સુધી તો તેઓ એવું માનતાં લાગે છે કે ગુજરાતના ખરાં કર્તાહર્તા તો વાઘેલના વાઘેલા જ હતાં. એટલાં બધા ગુણગાન એમનાં ગુણગાન ગાયાં છે કે ન પૂછો વાત ! આમાં તો એવું લાગે છે કે કદાચ ગુજરાતમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ કે કુમારપાળ કે એ પહેલા મૂળરાજ સોલંકી, ભીમદેવ સોલંકી , કર્ણદેવ સોલંકી થયાં જ નથી.તેઓ તો માત્ર એક દંતકથાના જ પાત્રો છે જેને ઈતિહાસ માની લેવાની આ ભોળી ગુજરાતની પ્રજા એ ભૂલ કરી છે. આ ભૂલ નથી એ જ સાચો ઈતિહાસ છે એવું એ લોકો સ્વીકારતા જ નથી. આને લીધે જ કદાચ સોલંકી યુગ કાળની ગર્તા માં ખોવાઈ ગયો હતો. એણે તો બહાર કાઢ્યો પણ જૈનો તો વાઘેલા વંશના પૂર્વ વૃત્તાંતમાં જ રચ્યાં પચ્યાં રહ્યાં છે કે સાલું ઈતિહાસને બહાર કાઢવો એ ઇન્કાનું સોનું શોધવા બરાબર જ છે.

➡ ફલાણાએ આમ કહ્યું અને ઢીકણાએ તેમ કહ્યું એમાંથી ઊંચા જ આવતાં નથી આમાં પોતે શું કહેવા માંગે છે અને પોતે શું સાબિત કરવાં માંગે છે એ તો ખબર જ નથી પડતી. આ આખી વાત તેઓએ વસ્તુપાળ અને તેજપાળનાં પાત્રને ઉઠાવવા માટે ઘડી કાઢી હોય એવું લાગ્યાં વગર રહેતું નથી. ધોળકા એ પાટણ નથી પાટણ એ ધોળકા નથી તે વાત તેઓએ સમજી જવી જોઈતી હતી જે રાજવંશને ખતમ કરતાં લગભગ ૪૦ વરસ સુધી રાહ જોવી પડી હોય એ રાજવંશની કાર્ય શક્તિ પર સહેજે સંદેહ પેદા થાય એવું જ છે. કારણકે તેમને તો ધોળકા દાનમાં મળેલું હતું અને ભોળા ભીમદેવે જ એમને ત્યાં રાજ કરવાની છૂટ આપી હતી. આ જ ધોળકું એમણે એવું તો ગળે ભરાઈ ગયું કે એમાંથી એમને છૂટતાં ૪૦ વરસ લાગ્યાં. મિયાં પડયા પણ તોય તંગડીતો ઉંચીને ઉંચી તેઓએ એ ના સ્વીકાર્યું કે ધોળકાનો ઉલ્લેખ તો એમનાં દ્વારા જ મહારજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઇ જ ગયો છે. એટલે એને છાવરવા માટે એમણે અસંખ્ય કથાઓ નો સહારો લેવો પડયો. એવામાં વળી એમનામાંથી કોકે વાઘેલા એ સોલંકીઓની શાખા છે એમ કહ્યું એટલે “ચૌલુક્ય” શબ્દ પ્રયોગની પાછળ પડી ગયાં. તેમાં પણ એમણે લીધો તો પુરાણકથાઓનો જ સહારો.

➡ આ વાત કરતી વખતે વળી એમાં લાટ પ્રદેશ અને સૌરાષ્ટ્ર અને કચ્છ આવ્યાં એટલે વાઘેલા શબ્દ એ પ્રાંતીય બની ગયો.વાઘેલા પણ છે તો રાજપૂત જ એટલે એમણે બીજો કોઈ તો વાંધો ના આવ્યો પણ ઐતિહાસિક નોંધપાત્ર ઘટનાઓમાં જરૂર વાંધો આવ્યો .

➡ એક વાત જણાવી દઉં કે માત્ર ૧૨મી -૧૩મી સદીમાં જ આ જૈન સાહિત્ય નહોતું ફૂલ્યું ફાલ્યું બીજાં પણ અનેક સાહિત્યકારોએ જેમકે રાસો સાહિત્ય અને પ્રબંધ સાહિત્યમાં પણ આ વાઘેલા રાજવંશનો ઉલ્લેખ આવે છે જેમાં હમીર રાસો અને કાન્હડદે પ્રબંધ મુખ્ય છે. આ બે ગ્રંથોમાં ઘણી જ ખોટી માહિતી છે જે કર્ણદેવ વાઘેલાને લગતી છે. પણ જે મને નથી સમજાતું એ એ કે ત્રિભુવનપાળની હત્યા કયાં સબળ કારણોસર થઇ હતી અને વસ્તુપાળના અવસાન પછી તેઓએ ઈતિહાસને કેમ મહત્વ આપ્યું નહીં ? ભીમદેવનાં અવસાન સુધી રાહ જોવી આવશ્યક હતી ? ત્રિભુવનપાળની જગ્યાએ કોક વાઘેલા આવી જ શક્યો હોત ને ! આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટેજ આપણે થોડીક નજર વાઘેલા વંશના પૂર્વ રાજાઓ પર નાંખવી પડશે ! ઇતિહાસમાં તો એક રાજા મરાય કે તરતજ બીજો રાજા રાજગાદીએ આવતો હોય છે. આ એક વાઘેલા વંશ જ એવો છે કે જેમાં ગુજરાતની ગાદી સંભાળતા વિસલદેવ પહેલાં તેના પૂર્વજોની વાત કરવી પડે છે. ચાલો કઈ વાંધો નહિ થોડીક વાતો કરી જ લઈએ તો —-

વાઘેલા વંશના રાણાઓ –

➡ પ્રાચીન ગ્રંથોમાં તથા અભિલેખોમાં આ રાજવંશનો જે વૃત્તાંત આપવામાં આવેલો છે તે સામાન્યત: અર્ણોરાજથી શરુ થાય છે.પણ કીર્તિકૌમુદી, સુકૃત સંકીર્તન વગેરે ગ્રંથોમાં અર્ણોરાજ ધવલનો પુત્ર હોવાનું જણાવવામાં આવ્યું છે.

– ધવલ રાજ –

➡ આ રાજવંશમાં ધવલની પહેલાના કોઈ જ પૂર્વજની માહિતી મળતી નથી. આથી હાલ આપણી જાણમાં આ રાજવંશનો પહેલો પુરુષ એ ધવલ છે. અર્ણોરાજને લગતા ઉલ્લેખો પરથી “ધવલ” કુમારપાળના માસા થતાં હોવાનું ફલિત થાય છે. પરંતુ ધવલની પત્ની કે કૂળ જાણવા મળતું નથી. કુમારપાળની માતાનું નામ કાશ્મીરાદેવી હતું પણ એમનાં પણ કૂળ વિષે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી. ધવલનો પુત્ર “આનાક” અને પૌત્ર લવણપ્રસાદ “વ્યાઘ્રપલ્લીય” તરીકે ઓળખાતાં.

➡ એ પરથી ધવલનું મુખ્યસ્થાન પણ વ્યાઘ્રપલ્લી હોવાનો સંભવ છે. ધવલના નામ પરથી લવણપ્રસાદે ધવલકક (ધોળકા) વસાવ્યું હોવાનું મનાય છે. પરંતુ લવણપ્રસાદનો સમય સંવત ૧૨૭૫થી સંવત ૧૨૯૬ છે. જયારે ધોળકામાં તે પહેલાં મહારાજ સિદ્ધરાજના સમયમાં વર્ષ સંવત ૧૧૯૧માં શ્રી ગાંગિલ, શ્રી કરણણાદિ વ્યાપાર કરતાં હતાં ત્યરે પુષ્પાવતી કથા લખાઈ હતી.

➡ આ ઉપરાંત ધોળકા આ સમય પહેલા પણ અસ્તિત્વ ધરાવતું હતું એમ દર્શાવતા કેટલાંક ઉલ્લેખો મળે છે. એટલાં બધા ઉલ્લેખો સાહિત્યમાં થયાં છે કે એનાં પરથી એ સાબિત થાય છે કે અગિયારમી સદીમાં ધોળકા અસ્તિત્વમાં હતું . વળી આ અભિલેખો – ઉલ્લેખો પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ધોળકા અર્ણોરાજના પૂર્વજ ધવલના સમયથી ઓછામાં ઓછાં એક શતક પહેલાં પણ અસ્તિત્વ ધરાવતું હતું. આથી ધોળકા એ ધવલે વસાવ્યું હોવાની માન્યતાનું આપોઆપ ખંડન થઇ જાય છે.

➡ આમ ધવલકક શહેર ધવલના સમય પહેલાં સ્થપાઈ ચુક્યું હતું. આગળ જતાં ધવલના પૌત્ર લવણપ્રસાદ અને એનાં વંશજો એ નગરમાં સત્તારૂઢ થયાં. તે પછી ધવલકકની પ્રાચીનતા વિસારે પડતાં એની સ્થાપનાને લવણપ્રસાદ સાથે સાંકળી લેવામાં આવી અને લવણપ્રસાદના પિતામહના મળતા નામ ઉપરથી લવણપ્રસાદે એ નગરનું નામ પોતાનાં પિતામહ ધવલના નામ ઉપરથી ધવલકક રાખ્યું એવી માન્યતા પ્રચલિત થઇ જણાય છે. આ ધવલની પત્ની વિષે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

– અર્ણોરાજ –

➡ ધવલનો પુત્ર અર્ણોરાજ એ વ્યાઘ્રપલ્લીના રાજવંશનો મૂળપુરુષ અથવા મૂળપુરુષ નહીં તો પ્રથમ મુખ્ય પુરુષ હતો. તેનું રૂઢ નામ “આનાક”હોવાનું જણાય છે. સંસ્કૃત લખાણોમાં આપેલું નામ “અર્ણોરાજ”એનું સંસ્કૃત રૂપાંતર લાગે છે. કેટલેક ઠેકાણે અર્ણોરાજને ચૌલુક્ય વંશનો હોવાનું જણાવ્યું છે. પરંતુ અર્ણોરાજનો ચૌલુક્ય વંશ, મૂળરાજ સોલંકી સ્થાપેલા ચૌલુક્ય વંશની જુદી શાખાનો હતો. આ વાઘેલા શાખા ચૌલુક્યવંશની બીજી શાખા છે. એ કીર્તિકૌમુદીમાં સ્પષ્ટ જણાવ્યું છે. અર્ણોરાજ સોલંકી રાજવી કુમારપાળની સેવામાં રહેતો હતો. તેની સેવાથી ખુશ થઇ કુમારપાળે તેણે સામંત બનાવ્યો અને ભીમપલ્લીનો સ્વામી બનાવ્યો તે જાણવા મળતું નથી. પણ મુરલીધર મંદિરના લેખમાં જણાવ્યું છે કે તેણે સૌરાષ્ટ્રનો પ્રદેશ કબજે કર્યો હતો. તથા ડભોઈના વૈધનાથ મંદિરની પ્રશસ્તિમાં અર્ણોરાજે રાવણ સમાન રણસિંહને રણાંગણમાં હણ્યાનો ઉલ્લેખ આવે છે. આ રણસિંહ કોણ તે નિશ્ચિત થતું નથી પરંતુ પાડોશી પ્રદેશોના સમકાલીન રાજવંશોમાં તપાસ કરતાં માલુમ પડે છે કે મેવાડના ગુહિલવંશમાં રણસિંહ નામે એક રાજા થયો જે રાજા વિક્રમસિંહનો પુત્ર અને રાવલ સમાંતસિંહનો પિતામહ હતો.

➡ આ પરથી રણસિંહનો રાજ્યકાળ વિક્રમ સંવત ૧૨૧૦થી ૧૨૨૦ના સુમારમાં અંકાય અને એ અનુસાર કુમારપાળ (વિક્રમ સંવત ૧૧૯૯થી ૧૨૩૦)નો સમકાલીન ગણાય. આથી અર્ણોરાજે હણેલો રણસિંહ એ મેવાડનો ગુહિલવંશનો આ રાજા રણસિંહ હોવાનો સંભવ છે. એ અનુસાર અર્ણોરાજનું આ પરાક્રમ કુમારપાળના રાજ્યકાળ દરમિયાન થયેલું ગણાય. આ બેમાંથી કોઈ પરાક્રમથી ખુશ થઈને કુમારપાળે તેણે ભીમપલ્લી ગામ આપ્યું હોય તે સંભવિત છે. અર્ણોરાજ કુમારપાળની સેવામાં હતો તે વખતે તેણે પોતાને ત્યાં પુત્ર જન્મની ખુશ ખબર મળ્યાં હતાં અને આ પ્રસંગે જ કુમારપાળે આ બાળક વિષે ભવિષ્ય ભાખ્યું હતું.

➡ આ ઉપરથી જણાય છે કે અર્ણોરાજ કુમારપાળના સમયમાં રાજ્યમાં મહત્વનું સ્થાન ધરાવતો હશે પણ કુમારપાળ પછીના પાટણની ગાદી પર આવેલ ચૌલુક્ય રાજવીઓ અજયપાળ અને મુળરાજ બીજાના સમયમાં આપણને તેના વિષે કંઇજ માહિતી મળતી નથી. તેથી એમ લાગે છે કે કુમારપાળના મૃત્યુ બાદ તે પોતાનાં સ્થાનમાં જ સેવાની યોગ્ય તક મળવાની રાહ જોતો બેસી રહ્યો હશે. પરંતુ આ દરમિયાન એ વ્યાઘ્રપલ્લીના રાણા તરીકે અને પાટણના રાજ્યના એક વફાદાર સામંત તરીકે ચાલુ રહ્યો હોવા સંભવ છે. અનુશ્રુતિ અનુસાર ભીમદેવ બીજાના સમયમાં આનાક રાજા ભીમદેવથી અપમાનિત થતાં દેશને સીમાડે ચાલ્યો ગયો અને સગાંવહાલાંએ બોલાવ્યા છતાં “રાજ્ય જતું રહ્યું આવીને શું કરું?”એમ કહી એ આવતો નહોતો, છેવટે પગપાળા પાટણ આવ્યો. આ બાબતમાં પણ બીજી અનુશ્રુતિઓ પણ પ્રચલિત છે પણ તે અહીં અપ્રસ્તુત હોવાથી હું એનો ઉલ્લેખ અહીં કરતો નથી.

➡ જો કે તેણે ભીમદેવના રાજ્યને ટકાવી રાખવામાં અને વ્યવસ્થિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હશે. તેણે મેદપાટ અને ચંદ્રાવતીના રાજાઓને હરાવી રાજા ભીમદેવ બીજાંનું રાજ્ય નિષ્કંટક બનાવ્યું હતું. આમ તેણે પોતાનું સમગ્ર જીવન યુધ્દમાં જ અને ગુર્જર રાજ્યને દુશ્મન રહિત બનવવામાં ગાળ્યું હતું. તે તેના પુત્ર લવણપ્રસાદને ગુર્જર રાજ્યનું રખવાળું સોંપી યુદ્ધમાં જ મૃત્યુ પામ્યો હતો. તેની પત્નીનું નામ મળે છે જેનું નામ સલક્ષણા હતું.

– લવણપ્રસાદ અને વીર ધવલ –

➡ લવણપ્રસાદ વ્યાઘ્રપલ્લીના પ્રથમ મુખ્ય પુરુષ અનાકનો પુત્ર હતો. તેની માતાનું નામ “સલક્ષણા” હતું. પ્રાચીન લેખોમાં અને ગ્રંથોમાં તેમનું રૂઢ નામ લુણપાસક, લુણપસા,લુણપસાજ, લુણસા, લુણપસાઉ, લુણપ્રસાદ હોવાનું મળી આવે છે. સંસ્કૃત લખાણોમાં આપેલ નામ લાવણ્યપ્રસાદ એ લવણપ્રસાદનું સંસ્કૃત રૂપાંતર લાગે છે. તેમનાં જન્મ વિશેની પણ કથાઓ બહુ પ્રચલિત થઇ છે જે અહીં મુકતો નથી.

➡ ઇતિહાસની વાતોમાં કથાઓને મહત્વ ન જ આપાય. આમેય એ કથાઓ ઇતિહાસની ઘોર ખોદનારી જ સાબિત થતી હોય છે. એ લોકકથા અને એને નામે ચરી ખાનાર સાહિત્યકારોને જ સોંપી દઈએ ! પણ જે કેટલાંક ગ્રંથો છે જૈન સાહિત્યના તેને તો ઉવેખી શકાય એમ નથી જ ! એવી એક વાત પુરાતન પ્રબંધ સંગ્રહમાં આપેલી છે પણ તેમાં થોડોક ફેરફાર છે. લવણપ્રસાદને બે પત્નીઓ હતી અને બે પુત્રો નામે વીરમદેવ અને વીરધવલ હતાં. પછી આ બાબતમાં પણ એક કથા છે જેનો ઉલ્લેખ અહીં નથી કરતો.

➡ આ લવણપ્રસાદ એ પાટણના ચુલુક્ય રાજવી ભીમદેવ બીજાનો સામંત હતો.તેમણે પોતાનાં પિતાની માફક ભીમદેવના રાજ્યને નબળું પડતું બચાવ્યું હતું અને આંતરિક વિગ્રહ વખતે ભીમદેવને સારી મદદ કરી હતી. ખબર નહિ આ જૈનો કેમ લવણપ્રસાદ પર આટલાં બધાં વારી ગયાં હતાં તે તેમને તો એવું પણ પ્રસ્થાપિત કરી દીધું કે કોક લેખમાં ભીમદેવ દ્વિતિયને “મહારાજાધિરાજ” કહ્યાં છે તો કોક લેખમાં લવણપ્રસાદને “મહામંડલેશ્વર રાણક લવણપ્રસાદ” કહ્યો છે. આ ઉપરથી એમ જણાય છે કે લવણપ્રસાદ ભીમદેવ બીજાંનો વફાદાર સામંત હશે. આથી ઘણાં સામંતો તેમની ઈર્ષ્યા કરતાં હતાં. રાજા ભીમદેવ બીજાંએ સ્વપ્નમાં આવેલ (દેવસ્વરૂપે)પોતાનાં પિતામહ કુમારપાળની આજ્ઞાને માન આપીને ભીમપલ્લીના રાણા લવણપ્રસાદને પોતાનાં રાજ્યની સર્વ સત્તા સોંપી. તેમને તથા તેમનાં પુત્ર વીરધવલને સર્વેશ્વર બનાવ્યાં.

➡ કદર તો કોઈ પણ કરે જો તમે સારું કાર્ય કર્યું હોય તો એણે માટે આમ કથાઓ લખવાની શી જરૂર ?
એજ બતાવે છે કે જૈન સાહિત્યમાં ઉલ્લેખિત ઈતિહાસ એ સાચો ઈતિહાસ નથી !
ઇતિહાસમાં ઘટનાની કથા હોય …. કઈ સપનાની કથા ના હોય !
આજ બાબતને લીધે વાઘેલા વંશના રાજાઓ જે વખાણનાં હકદાર હતાં તેનાથી વંચિત રહી ગયાં.
જો કે આ માત્ર એક કારણ નથી બીજાં પણ ઘણાં કારણો છે જે આગળ જતાં જણાવીશ.
સત્ય તો ઘણું જ દૂર છે પણ એ સત્ય સુધી પહોંચી શકાય તોય ઘણું છે ! બાકી ખરેખર અઘરું છે સત્ય તારવવું અને એ સત્ય સુધી પહોંચવું પણ.

➡ પ્રબંધ ચિતામણિમાં પણ લવણપ્રસાદને ભીમદેવના રાજ્યનો સર્વ ભાર ઉપાડનાર કહેલ છે. વસ્તુપાળ-તેજપાળ પ્રશસ્તિમાં પણ ભીમદેવે અર્ણોરાજના પુત્ર લવણપ્રસાદને પોતાની લક્ષ્મીનો ઉદ્ધાર કરવાં નીમ્યો હોય એમ જણાવ્યું છે. આમ લવણપ્રસાદ ભીમદેવ બીજાંના રાજ્યમાં મહત્વનું સ્થાન ધરાવતો હશે એમ જણાય છે. તેઓ મરાઠા સમયના પેશ્વા જેવી સત્તા ધરાવતા હશે એમ શ્રી કાથવટે એ તર્ક કર્યો છે.

➡ લવણપ્રસાદ પોતાનાં પુત્ર વીરધવલ સાથે ધોળકામાં રહી સર્વ કારભાર સંભાળતો હતો.ધીરે ધીરે તેમને ધોળકાની આજુબાજુના પ્રદેશોમાં પોતાની સત્તા જમાવી. પણ એક વાત તો છે કે — તેઓ જીવનપર્યંત રાજા ભીમદેવ બીજાના વફાદાર રહ્યાં હતાં.

➡ સંવત ૧૨૭૫થી ૧૨૮૦ની વચ્ચે જયંતસિંહે ભીમદેવને પદભ્રષ્ટ કરી ગાદી પચાવી પાડી હતી. સંવત ૧૨૮૦થી ૧૨૮૩ સુધીમાં રાજા ભીમદેવ બીજાં એ તે પછી મેળવી હશે. આ ગાદી મેળવવામાં લવણપ્રસાદે ભીમદેવ બીજાંને ઘણી સારી મદદ કરી હતી. તે વખતે જો લવણપ્રસાદે ધાર્યું હોત તો પોતે પાટણનો સર્વેસર્વાં બની ગયો હોત. જે તેમને કર્યું નથી.

➡ કીર્તિકૌમુદીમાં કવિ સોમેશ્વરે કરેલ લવણપ્રસાદના સ્વપ્નનું વર્ણન તેમની વફાદારી ઉપર સારો એવો પ્રકાશ ફેંકે છે, તેમાં જણાવ્યું છે કે લવણપ્રસાદને રાતનાં સ્વપ્ન આવ્યું તેનો વૃત્તાંત કહેવા તેમને રાજગુરુને તેડાવ્યા. તેમને પોતાનાં પુત્રને પાસે રાખી સર્વ વૃત્તાંત કહેવા માંડયો.

➡ “મેં સ્વપ્નમાં એક દેવી જોઈ તે ગુર્જર રાજ્યલક્ષ્મી હતી. તેણે મને કહ્યું કે — હાલનો જે રાજવી ભીમ છે તે મને રક્ષવા સમર્થ નથી. મુળરાજ જેવાં ભૂપતિની નગરી આજે અંત થઇ રહી છે. આંસુ ઢાળે છે. તેનું રક્ષણ કરનાર કોઈ નથી, તેથી હે …. લવણપ્રસાદ સ્વચક્ર, પરચક્ર વડે હણતાં બાકી રહેલી મુજને તું બચાવ”

➡ આમ કહીને મારાં ગાળામાં માળા પહેરાવી.આ સાંભળતાં રાજગુરુએ આ રાજ્યલક્ષ્મી કોઈ સારા મંત્રીની મદદ વડે ભોગવવા જણાવ્યું.

➡ આ વાત સામે વિરોધ જ છે. ઇતિહાસમાં જો આવી વાતો ફેલાવવામાં આવતી હોય તો એ ઈતિહાસ નહિ પણ સાહિત્યિક કૃતિ જ બની રહે છે.
આવી વાતોને પ્રાધાન્ય બિલકુલ જ અપાય નહિ આવી વાત ઈતિહાસ બિલકુલ સ્વીકારતો જ નથી.
રાજા ભીમદેવને અને સોલંકીઓને નીચાં પાડવાની અએક સોચી સમજી સાજીશ માત્ર છે.
મારી દ્રષ્ટિએ તો ઈતિહાસમાંથી આ લવણપ્રસાદની વાત જ કાઢી નાંખવી જોઈએ.
વંશના પતન માટે ઘણાં પરિબળો કામ કરતાં હોય છે તેમ આવું વાહિયાત કારણ આપવાની આ સાહિત્યકારોને શી જરૂર પડી !
આવું એ ખિલજી માટે એનાં આક્રમણ વખતે તો લખી ન્હોતાં શક્યાં અને એ વખતે તો ચુપ રહ્યાં હતાં .

➡ હવે વિસલદેવવની ઘટના સાથે જે સંબંધિત હશે એ જ વાત કરવામાં આવશે. આ તો ઈતિહાસને તોડીમરોડીને જ મુકવાની વાત થઇ ને !

➡ લવણપ્રસાદ પોતે બ્રાહ્મણ ધર્મનો અનુયાયી હતી. તેમણે વર્ધમાન (વઢવાણ) નજીક કુમાર (કાર્તિકેય)નું એક મંદિર બંધાવ્યું હતું.
તેઓ પોતે ભીમદેવ બીજાનાં રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવતાં હોવાથી પોતાનાં અમલ દરમિયાન લવણપ્રસાદે કેટલાંક દાન આપ્યાં હતાં તેમ તેમનાં દાનપત્રો ઉપરથી જણાય છે.
તેમને પોતાની માતા સલખણદેવીના નામે સલખણપૂર વસાવેલું તેમાં આનલેશ્વર તથા સલખણેશ્વર દેવનાં મંદિર બંધાવ્યા હતાં.
આ મંદિરોના નિભાવ માટે રાજા જયંતસિંહે ભૂમિદાન પણ કર્યું હતું.
આખી વાતમાં મને એ સમજ ના પડી કે આ જયંતસિંહ વળી વછે ક્યાં ફૂટી નીકળ્યો ?
ઇતિહાસમાં આ નામ તો ક્યાંય પણ પ્રચલિત થયું નથી જ અને આજ નામને લીધે રાજા ભીમદેવ સોલંકી દ્વિતીયની પ્રતિભા ઝાંખી પાડવામાં આવી છે!
આવીને આવી બીજી કેટલીય વાતો જાહેર ના થાય એ માટે જ ૧૯મી સદીથી ૨૧મી સદીના સાહિત્યકારોએ નવલકથા અને કાવ્યોનો સહારો લીધો છે
અને આને જ આધારે આજે આપણને આજે ઈતિહાસ ભણાવવામાં આવે છે જે ખરેખર તો સાચો ઈતિહાસ જ નથી.
આના ભરપુર ઉદાહરણો તમે અત્યારે મીડિયા -સોશિયલ મીડિયામાં જોઈ શકો છો.
પ્રયાસ એટલે જ હાથ ધર્યો છે કે થોડોક પણ સાચો ઈતિહાસ તમારી સમક્ષ રજુ કરું !
વાઘેલા વંશના રાજાઓ પણ શું કોઈના કહ્યામાં હતાં તે જાણવાની મને બહુ ઇન્તેજારી છે.
એ રાજાઓ સારાં જ હતાં જે તમે એમનાં વિશેના લેખોમાં જાણી જ શકશો પણ ઉડીને આંખે વળગે એવું આ નામ જયંતસિંહ એ તો સાહિત્યની જ દેન છે અને એને જ આપણે સાચો ઈતિહાસ માની લેવાની ભૂલ કરતાં રહીએ છીએ.
વાઘેલાવંશના ગુજરાતના ગાદીપતિ રાજાઓ વિષે એટલે જ ઓછી વિગતો પ્રાપ્ત થાય છે એવું મારું તો સ્પષ્ટપણે માનવું છે.
જો ઈતિહાસમાં કોઈ વાદવિવાદ ના ઉભો કરવો હોય તો સીધું વીસલદેવથી ભણાવવું જોઈએ !
નહીતો છેક ૪૦ વરસના એમનાં પૂર્વ રાજાઓ વિષે આપણે શું કામ જાણવું જોઈએ કારણકે એમનાં વિષે જ વધારે લખાયું છે માટે જ ને !
એમાં રાજા ભીમદેવને તો અન્યાય થયો , રાજા ત્રિભુવનપાળની પણ હત્યા થઇ અને ઇતિહાસનું અવમુલ્યન થયું તે નફામાં !

➡ લવણપ્રસાદ જયારે રાજા ભીમદેવના સમયમાં મહંત હતાં અને વસ્તુપાળ જયારે રાજા ભીમદેવના સમયમાં મહામાત્ય હતાં ત્યારે એમણે સેનાનું નેતૃત્વ કરી કેટલાંક વિજયો અપાવ્યા હતાં. જેનો ઉલ્લેખ મેં રાજા ભીમદેવ સોલંકી દ્વિતીયમાં કરેલો જ છે. એટલે એ હું એ અહીં દોહરાવતો નથી અને આમેય એ બધી કથાઓ જ છે જેને ઈતિહાસ સાથે કોઈપણ જાતનો સીધો કે આડકતરો સંબંધ નથી. હું એ વાત પણ સાચી માનતો જ નથી જેનાં કેટલાંક પુરાવાઓ હું રાજા ભીમદેવ દ્વિતીયના લેખમાં આપી જ ચુક્યો છું એટલે એ વાત અહી કરતો નથી.

➡ થોડીક વાત વીરધવલ વિષે અવશ્ય કરી લઈએ
લવણપ્રસાદે જે સર્વે જીતો મેળવી હતી તરમાં તેમનો પુત્ર વીરધવલ પણ સાથે જ રહેતો હતો એમ લાગે છે.
ચતુર્વીશતિ પ્રબંધમાં વીરધવલ અને લવણપ્રસાદ સાથે રહી સર્વ કારભાર કરતાં હતાં.
આ વીર ધવલ પણ પોતાનાં પિતા લવણપ્રસાદ જેટલો જ પ્રતિભાશાળી અને બળવાન હતો.
તે પોતે પણ રાજા ભીમદેવનો વફાદાર સમાંત હતો.
મળી આવતાં ભીમદેવબીજાના લેખોમાં તેણે મહામંડલેશ્વર કહ્યો છે.
તે પોતે ધોળકામાં રહી ગુર્જર રાષ્ટ્રની દેખરેખ રાખતો હતો.
તેણે કરેલા સર્વ યુદ્ધોમાં તેના મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળે સારી એવી મદદ કરી હતી.
આ બે મંત્રીઓ પહેલા વીરધવલના રાજ્યનો વહિવટ ચાહડ નામે બ્રાહ્મણ મંત્રી ચલાવતો હતો.
લવણપ્રસાદ અને વીરધવલનાં જે પરાક્રમોનું વર્ણન મળે છે તે સંવત ૧૨૭૬ પછીનાં છે.
આ વીરધવલને વયજલદેવી નામે એક સુંદર પત્ની હતી.
લવણપ્રસાદ અને વીરધવલે સાથે મળીને જે યુદ્ધો કાર્ય હતાં જે હું ન સ્વીકારતો હોઈ અને એનો આછડતો મોઘમ ઉલ્લેખ મેં રાજા ભીમદેવ દ્વિતીયમાં કરેલો હોઈ એનાં વિષે બહુ અહીં કશું લખતો નથી.
થોડોક ઉલ્લેખ અવશ્ય કરવો જોઈએ કારણકે આ વાતમાં કૈંક તો ઈતિહાસ જરૂર છુપાયો છે જેમાં વાંચનારને રસ પડે તેમ છે

➡ ઈતિહાસ હંમેશા લડાઈ એટલે કે યુદ્ધોનો જ મોહતાજ રહ્યો છે.
એટલે એણે ણ ઉવેખવાનું મેં નક્કી કર્યું છે અને આજ વાત એવી છે કે જે લખવામાં મજા પડશે !
પણ એ બધું આવશે બીજાં ભાગમાં !
ભાગ -૧ સમાપ્ત
ભાગ- ૨ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

– જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.