Sun-Temple-Baanner

ચાવડાવંશ ઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૨


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ચાવડાવંશ ઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૨


⚔ ચાવડાયુગ શૌર્યગાથા  ⚔

ஜ۩۞۩ஜ ચાવડાવંશઉત્પત્તિ અને એમની વંશાવલી ஜ۩۞۩ஜ 

(ઇસવીસન ૭૪૬થી ઇસવીસન ૯૪૨)

------ ભાગ - ૨ ------

➡ ઇતિહાસમાં ભલે આક્રમણો ન થયાં હોય કે યુદ્ધો ન થયાં હોય પણ એમાં ઈતિહાસ તો હોવો જ જોઈએ જે ચાવડા વંશના ઇતિહાસમાં બન્યું છે. અનુશ્રુતિઓ વધારે છે અને ઈતિહાસ ઘણો જ ઓછો છે. પણ તોય રાજા વનરાજ ચાવડા અને રાજા યોગરાજ-ક્ષેમરાજની અને અન્ય રાજાઓની પ્રમાણમાં થોડી ઘણી વધારે વિગતો પ્રાપ્ત થાય છે. પછીનાં રાજાઓની બહુ જ ઓછી વિગતો પ્રાપ્ત થાય છે. તેમ છતાં પણ તે ઈતિહાસ તો છે જ જો આપણે તેને માનીએ અને ઈતિહાસ તરીકે સ્વીકારીએ તો. નહી સ્વીકારવાનું પણ કોઈ કારણ તો નથી જ. પણ જેમનાં નામ અને રાજ્યકાળની તવારીખમાં જ લોચો પડતો હોય અને કોઈ ચોક્કસ તારણ ન કાઢી શકાતું હોય તો અનુમાનનો જ સહારો લેવો પડતો હોય છે. અનુમાનો ક્યારેક ક્યારેક ઇતિહાસની અવહેલના તરફ લઇ જનારાં જ નીવડતા હોય છે. આવાં અનુમાનો તમને ચાવડા વંશનાં ઇતિહાસમાં ઠેર ઠેર ઠેકાણે દેખાશે પણ એ અનુમાનોમાં કેટલીક તર્કસંગતતા જરૂર છે. આ તર્કો ખુબજ કારગત નીવડતાં હોય છે સાચાં ઈતિહાસ તરફ અંગુલીનિર્દેશ કરવાં માટે. તર્કો છે તો જ ઈતિહાસ જીવંત છે. એટેલે એ તર્કોને ઉવેખાય તો નહીં જ ! એમાંથી જ આપણે સાચા ઈતિહાસને બહાર કાઢવાનો છે એટલે એ તર્કો આ ચાવડાવંશના ઇતિહાસમાં એક અગત્યનું પાસું છે જેમાંથી જ આપણને સાચું શું છે એ ખબર પડે છે. અત્યાર સુધી ચાવડા વંશ વિષે જે કઈ લખાયું તે ખોટું જ છે કારણકે એ બધી તો અનુશ્રુતિઓ છે. માહિતી ઉપલબ્ધ નેટ પર હોવાં છતાં કોઈએ પણ અ વંશનો સાચો ઈતિહાસ રજુ કરવાનો પ્રયત્ન સુદ્ધાં પણ નથી કર્યો. ગુજરાતનાં ઈતિહાસ પર કલમ ચલાવવાનો એટલે જ મારો નિર્ણય યથાર્થ જ છે. રહી વાત સત્યની તો એ તો હું બહાર લાવીશ જ. ઉજાગર તો કરવો જ પડતો હોય છે ઈતિહાસ અને ઉજાગર કરવું પડતું હોય છે સત્ય ! 

➡ સત્યની ખોજ ઇતિહાસનું એક અતિઆવશ્યક અંગ છે.જેને માટે કોણે કોણે શું લખ્યું છે એ સમયગાળા વિષે એ અવશ્ય તપાસવું જ પડે તેમ છે. આ આઠમી સદી અને નવમી સદીનું ભારતીય ઇતિહાસમાં બહુ જ મહત્વ છેઅને વિશ્વની સાંપ્રત ઘટનાઓનું પણ. એ વખતોવખત હું અહીં આપતો જ રહીશ પણ આ તો હજી આ શરૂઆત છે અને એમાં ઘણી ગેરસમજણો દૂર કરવાની હોવાથી હું તે અહીં આપતો નથી. પછીથી આપીશ એ હું અત્યારથી જણાવી દઉં છું તમને. હવે તમારાં મનમાં એક પ્રશ્ન જરૂર થતો હશે કે રાજાઓનાં નામ તો મળ્યાં છે પણ તેઓ કઈ સાલમાં રાજગાદી પર બેઠાં તો એની માહિતી તો આપી નથી. માત્ર એમનાં શાસનકાળનાં વર્ષો જ આપ્યાં છે ખાલી. એ તવારીખ વિષે તો મારે આ લેખમાં વાત કરવાની છે એટલે જ તો બીજો ભાગ પાડયો છે મેં. 

➡ જ્યાંથી અધૂરું રહ્યું હતું ત્યાંથી આગળ .......

બે પરંપરાઓ તો આપી એમાં સાચી કઈ તે પ્રશ્ન જરૂર મનમાં ઉદભવ્યો હશે દરેકનાં. કઈ પરંપરા પર ઇતિહાસની મહોર વાગી છે? આનો જવાબ જ મારે આપવાનો છે. 

➡ આ રીતે જે બે પરંપરાઓ આપણી સમક્ષ રજુ કરવામાં આવી છે તેમાં પ્રથમ પરંપરામાં આઠ રાજાઓ આપેલાં છે જ્યારે બીજી પરંપરામાં સાત રાજાઓ આપેલાં છે. તેમાં વળી બીજો ફેરફાર એ જોવાં મળે છે કે રાજાઓના નામનો ક્રમ એક સરખો નથી તથા પહેલી પરંપરાનાં ચામુંડરાજ અને આહડનાં નામ બીજી પરંપરામાં મળતાં નથી. જયારે બીજી પરંપરાનાં છેલ્લાં રાજા સામંતસિંહનું નામ પહેલી પરંપરામાં આપવાંમાં આવ્યું નથી. 

➡ પ્રબંધ ચિતામણિની એક પ્રતમાં આ વંશનો દરેક રાજા ક્યે દિવસે ગાદીએ બેઠો? તેણે કેટલાં વરસ રાજ કર્યું? તે વર્ષ,મહિનો અને દિવસ તથા તેઓનો શાસનકાળ ક્યાં વર્ષમાં સંપન્ન થયો તેની વિગતવાર માહિતી આપણને ઉપલબ્ધ કરી આપી છે. આ વિગતો બહુ ધ્યાનપૂર્વક અને ઊંડાણપૂર્વક તપાસતાં એવું માલૂમ પડે છે કે તેમાં લહિયાની કેટલીક ભૂલો થઇ ગયેલી છે. પ્રબંધ ચિંતામણિની મુદ્રિત આવૃતિઓ પરથી આ વિગતો નીચે પ્રમાણે મળે છે. જેમાં જ્યાં પાઠદોષ રહેલાં છે ત્યાં કૌંસમાં પાઠશુદ્ધિ સૂચવવામાં આવી છે.

✅ [૧] રાજા વનરાજ 

રાજ્યારોહણ - વિક્રમ સંવત ૮૦૨ વૈશાખ સુદ બીજ 

રાજ્યકાળ ૫૯ વર્ષ ૨ મહિના અને ૨૧ દિવસ (૧ દિવસ)

રાજ્યકાલની સમાપ્તિ - વિક્રમ સંવત ૮૬૧ અષાઢ સુદ બીજ 

✅ [૨] રાજા યોગરાજ 

રાજ્યારોહણ - વિક્રમ સંવત ૮૬૨ (સંવત ૮૬૧)અષાઢ સુદ ત્રીજ 

રાજ્યકાળ - ૧૭ વર્ષ ૧ મહિનો અને ૧ દિવસ (૨ દિવસ)

રાજ્યકાલની સમાપ્તિ - વિક્રમ સંવત ૮૭૮ શ્રાવણ સુદ ચોથ

✅ [૩] રાજા રત્નાદિત્ય 

રાજ્યારોહણ - વિક્રમ સંવત ૮૭૮ શ્રાવણ સુદ પાંચમ 

રાજ્યકાળ - ૩ વર્ષ ૩ મહિના અને ૪ દિવસ 

રાજ્યકાલની સમાપ્તિ - વિક્રમ સંવત ૮૮૧ કાર્તિક સુદ નોમ (આઠમ)

✅ [૪] રાજા વૈરિસિંહ 

રાજ્યારોહણ - વિક્રમ સંવત ૮૮૧ કાર્તિક સુદ નોમ  

રાજ્યકાળ - ૧૧ વર્ષ (૧૬ વર્ષ) ૭ મહિના અને ૨ દિવસ (૨ દિવસ)

રાજ્યકાલની સમાપ્તિ - વિક્રમ સંવત ૮૯૮ જેઠ સુદ દસમ 

✅ [૫] રાજા ક્ષેમરાજ 

રાજ્યારોહણ - વિક્રમ સંવત ૮૯૮ જેઠ સુદ તેરસ (અગિયારસ) 

રાજ્યકાળ - ૩૮ વર્ષ (૩૭ વર્ષ ) ૩ મહિના અને ૧૦ દિવસ (૨૦ દિવસ)

રાજ્યકાલની સમાપ્તિ - વિક્રમ સંવત ૯૨૨ (વિક્રમ સંવત ૯૩૫) ભાદરવા સુદ પૂર્ણિમા (વદ પૂર્ણિમા)

✅ [૬] રાજા ચામુંડરાજ 

રાજ્યારોહણ - વિક્રમ સંવત ૯૩૫ અશ્વિન સુદ એકમ  

રાજ્યકાળ - ૧૩ વર્ષ (૩ વર્ષ) ૪ મહિના અને ૧૬ દિવસ (૧૭/૧૮ દિવસ)

રાજ્યકાલની સમાપ્તિ - વિક્રમ સંવત ૯૩૮ માઘ વદ ત્રીજ 

✅ [૭] રાજા આગડદેવ 

રાજ્યારોહણ - વિક્રમ સંવત ૯૩૮ માઘ વદ ચોથ  

રાજ્યકાળ - ૨૬ વર્ષ ૧ મહિનો (૧૦ મહિના) અને ૨૦ દિવસ (૨૧ દિવસ)

રાજ્યકાલની સમાપ્તિ - વિક્રમ સંવત ૯૬૫ પોષ સુદ નોમ

✅ [૮] રાજા ભૂપગડ 

રાજ્યારોહણ - વિક્રમ સંવત ૯૬૫ પોષ સુદ દસમ 

રાજ્યકાળ - ૨૭ વર્ષ ૬ મહિના અને ૫ દિવસ 

રાજ્યકાલની સમાપ્તિ - વિક્રમ સંવત ૯૯૧ (વિક્રમ સંવત ૯૯૩ અષાઢ સુદ પૂર્ણિમા (ચૌદસ)

➡આમાં સંવત ૮૭૮ શ્રાવણ સૂદ પાંચમમાં ૩ વર્ષ ૩ મહિના અને ૪ દિવસ ઉમેરતાં સંવત ૮૮૧ કારતક સુદ નોમ (આઠમ ) આવે છે. તેમ જ સંવત ૯૩૫ અશ્વિન સુદ એકમમાં ૩ વર્ષ ૪ માસ ૧૮ દિવસ ઉમેરતા સંવત માઘ વદ ત્રીજ આવે છે. એ પરથી મિતિઓનાં વર્ષ કાર્તિકાદિ ગણાતાં નથી એ સ્પષ્ટ થાય છે. છેલ્લાં બે રાજાઓની મિતિઓનાં સરવાળા પરથી તેનાં વર્ષ ચૈત્રાદિ હોવાનું ફલિત થાય છે. એવી જ રીતે ક્ષેમરાજનું રાજ્ય ભાદરવા વદ અમાસના રોજ પૂરું થયું પછી ચામુંડરાજનું રાજ અશ્વિન સુદ એકમનાં દિવસે શરુ થયું એ પરથી આ મિતિઓમાં માસ અમાંત હોવાનું સ્પષ્ટ થાય છે. ક્ષેમરાજ, ચામુંડરાજ અને આગડદેવને લગતી મિતિઓનાં સરવાળા ઉપરથી આ વાતને સમર્થન મળે છે..આમ.... આ મિતિઓનાં વર્ષો ચૈત્રાદિણને માસ અમાંત હોવાનું નિશ્ચિત થાય છે. 

➡ આમ, આ વંશવલીઓમાં રાજા વનરાજનું રાજ્યારોહણ વિક્રમ સંવત ૮૦૨નાં વૈશાખ સૂદ બીજણે દિવસે હોવાનો ઉલ્લેખ છે. તેનાં છેલ્લા વંશજ ભૂયગડદેવનું રાજ્ય વિક્રમ સંવત ૯૯૩ અષાઢ સૂદ ચૌદસનાં દિવસે થયું હોવાનું જણાવ્યું છે. આ રાજાઓએ એકંદરે ૧૯૦ વર્ષ ૨ મહિના અને ૭ દિવસ રાજ્ય કર્યું હોવાનું ગણાવ્યું છે. પરંતુ રાજાઓનાં રાજ્યકાળનાં આપેલાં આંકડાઓનો સરવાળો ખરી રીતે ૧૯૧ વર્ષ ૨ મહિના અને ૧૩ દિવસ થાય છે. આ અનુશ્રુતિ અનુસાર સંવત ૯૯૩માં રાજા વનરાજના વંશનો અંત આવ્યો અને રાજા મુળરાજ સોલંકીનો રાજ્યાભિષેક થયો. પરંતુ પ્રબંધ ચિંતામણિની બીજી કેટલીક પ્રતોમાં સંવત ૯૯૩ને બદલે સંવત ૯૯૮નું વર્ષ આપ્યું છે અને મહારાજ સિદ્ધરાજ જયસિંહનાં સાંભર શિલાલેખમાં આવતાં ઉલ્લેખ પરથી સોલંકી વંશની સ્થાપના વિક્રમ ૯૯૮માં થઇ હોવાનું નિશ્ચિત છે. આથી આ પ્રતમાં જણાવેલી ચાવડાવંશની સમાપ્તિનોનો સમય સ્વીકાર્ય ગણાય નહીં. બીજું આ વિગતોમાં આપેલી આંકડાઓની અશુદ્ધિ દૂર કરવાં છતાં તેમાં કેટલીક અસંગતતાઓ પણ દેખાય છે. આ મિતિઓઓમાં આપેલ વાર અને નક્ષત્રોની વિગતોમાં પણ કેટલીક અસંગતતાઓ વર્તાય છે. જેનો ઉલ્લેખ અહી કરવો આવશ્યક નથી એટલે નથી કરતો. 

➡ અમુક પ્રાપ્ય વિગતો પરથી એ જાણવાં મળે છે કે પ્રબંધ ચિંતામણિની અમુક પ્રતોમાં આપેલી પરંપરામાની મિતિઓ તે સમયની સાચી મિતિઓ જાણ્યા વિના કે શોધ્યા વિના પાછળથી કોઈએ માત્ર કલ્પન કરી ઉપજાવી કાઢી છે. તેમાં એમનણે વર્ષ, મહિના અને દિવસના સરવાળાઓ બરાબર મુક્યા છે પરંતુ તિથીની સાથે વાર કલ્પનાથી ઉપજાવ્યા છે જે કકતાલીયન્યાયે કવચિત મળતાં આવે છે. નક્ષત્રોની બાબતમાં તો કયે મહીને કઈ તિથીએ કયું નક્ષત્ર હોય તેનું તેમને પ્રાથમિક જ્ઞાન પણ નથી એવું એમણે આપેલાં ઘણાં નક્ષત્રો પરથી માલૂમ પડે છે. આથી આ કપોલકલ્પિત મિતિઓ ઐતિહાસિક દ્રષ્ટિએ તદ્દન અશ્રધ્ધેય ગણાય. 

✔ રાજા વનરાજ અને તેમનાં વંશજોનો રાજ્યકાલ ---------

➡ અણહિલવાડનાં ચાવડાવંશનાં રાજાઓના રાજ્યકાલની મિતિઓની વિગતો પ્રબંધ ચિંતામણિની એક પાઠ પરંપરામાં જ આપી છે. આ ચાવડા વંશનો આરંભ વિક્રમ સંવત ૮૦૨માં થયો અને તે છેક વિક્રમ સંવત ૯૯૮ સુધી ચાલ્યો એવું ઘણાં ગ્રંથો જણાવે છે. પરંતુ ક્યાંક જણાવ્યા મુજબ એનો આરંભકાળ કનોજના સમકાલીન રાજાના નિશ્ચિત રાજ્યકાળ સાથે બંધ બેસે નહીં. આ વાત આપણે પછી કરીશું જ ! રાજા વનરાજનો જન્મ વિક્રમ સંવત ૭૫૨ ( ઇસવીસન ૬૯૬)માં થયો એમ કહેવાય છે. જયારે કનોજના તે સમયના રાજા નાગભટ બીજાનો રાજ્યકાળ લગભગ ઈસ્વીસન ૭૯૨થી ઇસવીસન ૮૩૪નો છે. એવી રીતે વનરાજનાં રાજ્યારોહણનો સમય વિક્રમ સંવત ૮૦૨ (ઇસવીસન ૭૪૬) કહેવાય છે. જયારે કનોજના તે સમયના રાજા મિહિરભોજનો રાજ્યકાલ લગભગ ઇસવીસન ૮૩૬થી ઇસવીસન ૮૮૮નો છે.

➡ આ ગણતરીએ રાજા વનરાજનાં જન્મ તથા રાજ્યારોહણ માટે આપેલાં આનુશ્રુતિક વર્ષો લગભગ ૯૬થી ૧૩૭ વર્ષ મોડા હોવાં જોઈએ. જો અનુશ્રુતિમાં આપેલ વર્ષ ૮૦૨ મૂળમાં શક સંવતનું હોય અને આગળ જતાં એને ભૂલથી વિક્રમ સંવતનું ગણવામાં આવ્યું હોય તો આ ચાવડા વંશનો આરંભ વિક્રમ સંવત ૮૦૨ (ઇસવીસન ૭૪૫-૭૪૬) ને બદલે શક સંવત ૮૦૨ (ઇસવીસન ૮૮૦ - ૮૮૧)માં થયેલો ગણાય. પરંતુ આ વંશનો અંત વિક્રમ સંવત ૯૯૮ (ઇસવીસન ૯૪૧- ઇસવીસન ૯૪૨)માં થયો હોવાનું નિશ્ચિત છે. આ અનુસાર આ વંશનું રાજ્ય ૧૯૬ વર્ષને બદલે ફક્ત ૬૧ વર્ષ ચાલ્યું ગણાય. જો આ વંશમાં ૭ કે ૮ રાજા થયાં હોય તો આ રાજ્યકાલ ઘણો ટૂંકો ગણાય. આથી અનુશ્રુતિમાં સંવતને બદલે વર્ષ-સંખ્યાની ભૂલ માનવી બહેતર છે. વનરાજના અને મિહિરભોજનાં રાજ્યકાલનો આરંભ સરખાવતાં આ વર્ષ સંખ્યાની ભૂલ ઓછામાં ઓછાં ૯૦ વર્ષની હોવી જોઈએ. નાગભટ બીજાનાં રાજ્યકાલનો આરંભ ઇસવીસન ૭૯૨ કરતાંએ વહેલો હોય તો તેમાં પણ એટલો જ તફાવત હોઈ શકે. આ રીતે આનુશ્રુતિક વર્ષોને ૯૦ વર્ષ જેટલાં મોડા મુકીએ તો આ વંશનો કુલ રાજ્યકાળ ૧૦૬ વર્ષ થાય.

➡ અનુશ્રુતિ મુજબ રાજા વનરાજ ૫૦ વર્ષની વયે ગાદીએ આવ્યો હોય અને છતાં એમણે ૫૯ કે ૬૦ વર્ષ રાજ્ય કર્યાનું કહેવાય છે. પંચાસરનું રાજ્ય તૂટી પડયું અને ઉત્તર ગુજરાત ઉપર કનોજના રાજાની સત્તા પ્રવર્તી એ જોતાં વનરાજની એ સત્તાની સામે થઇ પોતાનું રાજ્ય સ્થાપતો એટલી મોટી ઉમર થઇ હોય એ તદ્દન સંભવિત છે. પરંતુ એ પછી એમનણે ૬૦ વર્ષ જેટલો લાંબો સમય રાજ્ય કર્યું હોય એવું તો ભાગ્યે જ બને -સંભવે. કદાચ એમણે ૬૦ વર્ષનું રાજ્ય નહીં પણ ૬૦ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હશે. આ અટકળ મુજબ તો વૃદ્ધ વનરાજે માત્ર ૯ કે ૧૦ વર્ષ રાજ્ય કર્યું ગણાય. 

➡ વનરાજના પુત્ર યોગરાજે ૧૭ વર્ષ,૯ વર્ષ કે ૩૫ વર્ષ રાજ્ય કર્યાનું કહેવાય છે. વનરાજનો રાજ્યકાળ ટૂંકો હોઈ તથા યોગરાજને પુખ્ત ઉમરનાં ૩ દીકરાઓ હોઈ યોગરાજનો રાજ્યકાળ ૩૫ વર્ષ જેટલો લાંબો હોય એ વધારે સંભવિત છે. ચાવડાવંશની વંશાવલીની બે જુદી જુદી પરંપરાઓમાં યોગરાજના વંશજોનાં નામ તથા ક્રમ વિષે ઘણો ગોટાળો થયેલ છે. એમાં રત્નાદિત્ય, વૈરસિંહ, ક્ષેમરાજ અને ભૂભટ એ ચાર નામ મળતાં આવે છે. પહેલી પરંપરામાં છેલ્લો રાજા ભૂભટ જણાવ્યો છે. પરંતુ તેમાં એક જગ્યાએ એટલે કે વિચારશ્રેણીમાં "ભૂભટ"ને બદલે "સામંતસિંહ"નામ આપ્યું છે. બીજી પરંપરામાં ચોથો ભુયડ જણાવ્યો છેઅને વળી છેલ્લો રાજા સામંતસિંહ ગણાવ્યો છે. આ પરથી એવો વહેમ પડે છે કે મૂળમાં એ બે નામ એકલા છેલ્લા રાજાનાં જ હોય અને આગળ જતાં એને ભૂલથી બે જુદાં રાજાનાં માની લઈને વંશાવલીમાં છેલ્લા રાજા સામંતસિંહ ઉપરાંત વચ્ચે એક જુદો ભૂચડરાજ ગણવામાં આવ્યો હોવો જોઈએ. વળી ભાણેજ મૂળરાજ વિશેનો પ્રસંગ પહેલી પરંપરામાં ભૂભટ સાથે અને બીજી પરંપરામાં સામંતસિંહ સાથે જોડવામાં આવ્યાં છે તે પરથી પણ એ બે નામ છેલ્લા રાજાના જ હોવાનું નિશ્ચિત મનાય છે- થાય છે. એવી રીતે પહેલી પરંપરામાં જણાવેલાં ચામુંડરાજ અને આહડ બીજી પરંપરામાં આપેલાં ન હોઈ એ બે નામ પણ બાકીના રાજાઓ પૈકીના કોઈ બે રાજાઓનાં નામ હોઈ શકે. આ તર્ક અનુસાર આ ચાવડા વંશમાં આટલા રાજાઓ થયા હોવાનું નિશ્ચિત ગણાય ---- વનરાજ, યોગરાજ, ક્ષેમરાજ, રત્નાદિત્ય, વૈરસિંહ અને ભૂભટ ઉર્ફે સામંતસિંહ. 

➡ યોગરાજનાં વંશજોનો ક્રમ બે પરંપરાઓમાં જુદો જુદો આપેલો છે. તેમાં કયો ખરો તે નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ યોગરાજ - ક્ષેમરાજને લગતી અનુશ્રુતિમાં કંઈ તથ્ય રહેલું હોય તો બીજી પરંપરા સાથે બંધ બેસે છે..... પહેલી સાથે નહિ. આથી તાત્કાલિક બીજી પરંપરાને વધારે સ્વીકાર્ય ગણીએ. એનાં રાજ્યકાલની જે જુદી જુદી વર્ષ સંખ્યા આપી છે તેમાંની ઓછમાં ઓછી વર્ષની સંખ્યા સ્વીકારીએ તો તે નીચે પ્રમાણેની ગણાય ------

ક્ષેમરાજ - ૨૫ વર્ષ 

રત્નાદિત્ય - ૩ વર્ષ 

વૈરસિંહ - ૧૦ વર્ષ 

ભૂભટ ઉર્ફે સામંતસિંહ - ૭ વર્ષ 

➡ પરંતુ છેલ્લા રાજાની બાબતમાં આ વર્ષ સંખ્યા બંધ બેસે નહીં કેમ કે જો એણે રાજા થયાં પછી પોતાની બહેનને પરણાવી હોય અને એ બહેનનાં ભાણેજે આ રાજાને મારી એનું રાજ્ય પડાવી લીધું હોય તો તે ભાણેજ (મૂળરાજ)એ સમયે પાંચ વર્ષનો નહીં પણ પુખ્ત વયનો હોવો જોઈએ. સુકૃતસંકીર્તનમાં આ રાજાએ લાંબો વખત રાજ્ય કર્યું હોવાનો ઉલ્લેખ આવે છે તે પરથી આ અનુમાનને સમર્થન મળે છે. વિચારશ્રેણીમાં સામંતસિંહ માટે ૧૯ વર્ષનો રાજ્યકાળ ગણાવ્યો છે તે વધારે સંભવિત છે. આ મુજબ આ વંશના બધાં રાજાઓના સંભવિત રાજ્યકાલ નીચે પ્રમાણે ગણાય -----

[૧] વનરાજ - ૧૦ વર્ષ 

[૨] યોગરાજ - ૩૫ વર્ષ 

[૩] ક્ષેમરાજ - ૨૫ વર્ષ 

[૪] રત્નાદિત્ય - ૩ વર્ષ 

[૫] વૈરસિંહ - ૧૦ વર્ષ 

[૬] ભૂચડ - સમાંતસિંહ - ૧૯ વર્ષ 

 ---------

કુલ = ૧૦૨ વર્ષ 

➡ આ ગણતરીએ આ વંશમાં કુલ ૬ રાજાઓ થયાં અને તેઓનો કૂલ રાજ્યકાલ ૧૦૨ વર્ષનો હતો એ ઘણું સંભવિત છે. આ મુજબ આ વંશના રાજાઓનો સરેરાશ રાજ્યકાલ ૧૭ વર્ષ ગણાય. 

➡ આ ગણતરી મુજબ અણહિલવાડનાં ચાવડાવંશનો આરંભ ઇસવીસન ૮૪૦નાં અરસામાં થયો ગાનાય. એ સમયે કનોજના રાજા મિહિરભોજનાં રાજ્યકાલ (લગભગ ઇસવીસન ૮૩૬- ૮૮૮) સાથે બરાબર બંધ બેસે. એવી રીતે વનરાજનો જન્મ તે પહેલાં ૫૦ વર્ષ અર્થાત ઇસવીસન ૭૯૦નાં અરસામાં થયો ગણીએ તો તે કનોજના રાજા નાગભટ બીજાનાં રાજ્યકાલ (લગભગ ઇસવીસન ૭૯૨ -૮૩૪)ના આરંભની નજીક આવે છે. આ રાજાઓના પુરોગામી વત્સરાજનું છેલ્લુ જ્ઞાત વર્ષ શક સંવત ૭૦૫ (ઇસવીસન ૭૮૩-૮૪) હોઈ, નાગભટનું રાજ્ય ઇસવીસન ૭૮૨ની ય પહેલાં શરુ થયું હોય કદાચ ઇસવીસન ૭૮૫ના અરસામાં. તો વનરાજનો જન્મ નાગભટ બીજાના રાજ્યકાલ દરમિયાન થયો હોય એ બરાબર બંધ બેસે તેમ ગણાય. 

➡ આ પ્રમાણે સૂચિત વંશાવલી અને સૂચિત સાલવારીને આવી રીતે ગોઠવાય -----

✅ [૧] વનરાજ (લગભગ ઇસવીસન ૮૪૦ - ઇસવીસન ૮૫૦)

✅ [૨] યોગરાજ (લગભગ ઇસવીસન ૮૫૦ - ઇસવીસન ૮૮૫)

✅ [૩] ક્ષેમરાજ - ચામુંડરાજ - આહડ (લગભગ ઇસવીસન ૮૮૫ - ઇસવીસન ૯૧૦)

✅ [૪] વૈરિસિંહ (લગભગ ઇસવીસન ૯૧૦ - ઇસવીસન ૯૨૦)

✅ [૫] રત્નાદિત્ય (લગભગ ઇસવીસન ૯૨૦ - ઇસવીસન ૯૨૩}

✅ [૬] ભુવડ ઉર્ફે સામંતસિંહ (લગભગ ઇસવીસન ૯૨૩ - ઇસવીસન ૯૪૨)

➡ અહીં એક બીજો સંભવ પણ રહેલો છે. વિક્રમ સંવત ૮૦૨નુ વર્ષ અનેક ગ્રંથોમાં આપેલું હોઈ એ કલ્પનાતીત ના જ હોય, પણ કોઈ ગ્રંથમાં લહિયાની શરતચૂકથી એમાં ૯૦૨ને બદલે ૮૦૨ લખાઈ ગયું હોય અને પછી એ પરથી પછીની પરંપરામાં એ ભૂલ ચાલુ રહી હોય ણે વનરાજ તથા તેનાં વંશજોનાં રાજ્યકાલનાં વર્ષ એ ગણતરીએ કુલ ૯૬ણે બદલે ૧૯૬ વર્ષના કાલ પ્રમાણે ગોઠવાયાં હોય એ પણ સંભવિત છે. આ સમ્ભવ અનુસાર વનરાજના ૧૦, યોગરાજના ૧૭, ક્ષેમરાજનાં ૨૫. રત્નાદિત્યનાં ૧૫. વૈરિસિંહનાં ૧૦ અને સામંતસિંહનાં ૧૯ વર્ષ ગણવાથી એ ૯૬ વર્ષનો મેળ મળી રહે છે. 

એ મુજબ વંશાવલી અને સાલવારી ગોઠવતાં કૈક આવું લીસ્ટ બને .....

✅ [૧] વનરાજ - વિક્રમ સંવત ૯૦૨- ૯૧૨ અને ઇસવીસન ૮૪૬ -૮૫૬ 

✅ [૨] યોગરાજ - વિક્રમ સંવત ૯૧૨- ૯૨૯ અને ઇસવીસન ૮૫૬ -૮૭૩ 

✅ [૩] ક્ષેમરાજ - વિક્રમ સંવત ૯૨૯- ૯૫૪ અને ઇસવીસન ૮૭૩ - ૮૯૮

✅ [૪] રત્નાદિત્ય - વિક્રમ સંવત ૯૫૪ - ૯૬૯ અને ઈસવીસન ૮૯૮ - ૯૧૩ 

✅ [૫] વૈરિસિંહ - વિક્રમ સંવત ૯૬૯ - ૯૭૯ અને ઇસવીસન ૧૩ - ૯૨૩ 

✅ [૬] સામંતસિંહ - વિક્રમ સંવત ૯૭૯- ૯૯૮ અને ઇસવીસન ૯૨૩ -૯૪૨ 

➡ આ બધી ખાલી ધારણાઓ છે. ઈતિહાસકારો અને તજજ્ઞોનાં પોતપોતાનાં મતો છે અને આ બધો એ ઇસવીસનની ૧૯મી સદી થી તે આજ સુધીનાં છે. પણ એક તર્ક જરૂર છે એમાં પણ સવાલ એ ઉભો થાય તો તો ઇસવીસન ૭૪૬ થી ઇસવીસન ૮૪૬ સુધી તો પછી કોનું શાસન રહ્યું હતું ગુજરાતમાં ? . જો કોઈ સાક્ષ્ય પ્રમાણ ના મળે ત્યાં સુધી તો આપણે ચાવડાવંશની શરૂઆત ઇસવીસન ૭૪૬થી થયેલી જ માનવી પડે કે જેને ઘણાં બધાં ગ્રંથોએ પ્રમાણિત કરી છે. રહી પેલાં બે રાજાઓ- નાગભટ અને રાજા મિહિરભોજની સાલવારી તો તે તો સાચી જ છે પણ ... એને ચાવડાવંશ સાથે સાંકળતી તો માત્ર કથાઓ જ છે જેને તો સત્ય માનીને તો ન જ ચલાયને વળી. આમેય આ વંશમાં ઈતિહાસ ઓછો છે અને અનુશ્રુતિઓ વધારે છે એટલે દરેકે પોતપોતાનાં મંતવ્યો ઠોકી બેસાડવા માટે પોતપોતાની થીયરી રજૂ કરી છે. આમેય એમણે એક સંભાવના જ રજુ કરી છે એ જ સાચું છે એવું તો એમણે પણ ક્યાં કહ્યું છે જ તે ! પણ આવી થીયરીઓ એ ઈતિહાસને આડેપાટે લઈ જનારી જ નીવડતી હોય છે અને આપણને ગેરમાર્ગે દોરનારી. આમેય આ એક વંશ એવો છે કે જેની શરૂઆત કેવી રીતે થઇ એ બાબતથી માંડીને તે છેલ્લાં રાજાના નામ સુધીમાં બધાં જ ખોટાં પુરવાર થયાં છે. એ દ્રષ્ટિએ કદાચ પ્રબંધ ચિંતામણિ અને વિચાર શ્રેણી જ સાચાં પડતાં જણાય છે. આ ચાવડાવંશની શરુઆતમાં થોડાં યુધ્ધો થયાં હતાં પણ પછી કોઈએ કેટલાં યુધ્ધો લડયા તે તો કોઈને ય ખબર ન હોવાથી કોઈ કહેતું જ નથી!

રાજાનો જન્મ ક્યાં થયો અને કેવીરીતે થયો તે પણ કોઈને ય ખબર નથી. તેમની પત્નીઓ અને માતાઓ વિષે પણ કોઈને ખબર નથી. તેમનાં અવસાનને લગતી પણ કોઈ વિગતો પ્રાપ્ત નથી થતી. કયા સંજોગોમાં કોને ગાદી મળી તે પણ કોઈ જ કરતાં કોઈ સરખી રીતે કહેતું જ નથી . કોઈએ સંઘર્ષ કર્યો હોય એવું પણ ક્યાંય ફલિત થતું નથી. હા.... થોડી ઘણી વિગતો એમનાં મંત્રીઓ વિષે અવશ્ય પ્રાપ્ત થાય છે. આ રજાઓમાં વનરાજ - યોગરાજ અને ક્ષેમરાજ વિષે થોડી ઘણી વિગતો જરૂર પ્રાપ્ત થાય છે અને આ આખા વંશમાં એ ત્રણ રાજાઓ જ સારાં છે. આમ તો આ આખો વંશ એ રાજા વનરાજની કીર્તિને જ આભારી છે અને એજ મૂળ કર્તાહર્તા હોય એવું લાગ્યાં વગર રહેતું નથી. આમેય ઇતિહાસમાં રાજા વનરાજનું જ મહત્વ વધારે છે અને એમનાં પછી યોગરાજનું. આ વંશ ૧૯૬ વર્ષ ટક્યો કે ૧૦૨ વર્ષ એ મહત્વનું નથી પણ એ સૌ પ્રથમ રાજવંશ એક સારું શાસન કરી ગયો અને એનો અંત ઈસ્વીસન ૯૪૨માં સોલંકીવંશનાં મુળરાજ સોલંકીના હાથે આવ્યો એ તો પરમ સત્ય છે. પણ સૌ પ્રથમ રાજવંશ ચાવડા વંશ ઇતિહાસમાં અમર થઇ ગયો તો એ એનાં આદ્યસ્થાપક રાજા વનરાજ ચાવડાને લીધે જ એમ જરૂરથી કહી શકાય તેમ છે. 

➡ મારો હવે પછીનો લેખ રાજા વનરાજ ચાવડાનાં પૂર્વજો એટલે કે એમનાં પિતા-માતા પર !

!! જય જય ગરવી ગુજરાત !!

!! જય સોમનાથ !!

!! જય મહાકાલ !!

!! હર હર મહાદેવ !!

~ જનમેજય અધ્વર્યુ  

Sarjak : જો આપ પણ લેખક છો અને આપની પાસે પણ લોક સાહિત્ય, પૌરાણિક કથા, લોક કથાઓ અથવા ભારતીય તેમજ અન્ય પ્રકારની ઈતિહાસને લગતી રસપ્રદ માહિતી છે. તો સર્જકના માધ્યમથી તમે એ માહિતીને અન્ય લોકો સુધી પહોચાડી શકો છો. સર્જક પર તમારી રચના પ્રકાશન માટે મોકલવા તમારે માત્ર hello@sarjak.org પર આપની રચનાને મોકલવાની રહશે. 

નોંધ : સર્જક પર પ્રકાશિત સાહિત્ય જે તે લેખક અથવા સંકલનકર્તાની સમજ અને માહિતી પર આધારિત છે. સર્જક માત્ર પ્રકાશન મંચ છે. સાહિત્યમાં ક્ષતિ, અભાવ અથવા અન્ય માહિતી આપની પાસે હોય તો આપ સર્જકને જણાવી શકો છો.

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.