આયા દ્વારા નાનકડા બાળક સાથેની જે ઘટના ન્યૂઝમાં ચાલી રહી છે એ અત્યંત દુઃખદ છે… આવી ઘટનાઓ હૃદય કંપાવી નાખનારી હોય છે… પણ, છતાંય આ માત્ર એક જ બાજુ છે… આવી ઘટનાઓ કેમ બને છે એ પણ સમજવું એટલું જ મહત્વનું છે…
થોડીક વાર એ ઘટના અને એની બીજી બાજુને જુઓ…
ગરીબોમાં કે મધ્યમવર્ગમાં બાળકોને રાખવા કોઈ જ આયા જેવા વ્યક્તિ નથી હોતા. મોટાભાગના અમિર લોકો બાળક રાખવા માટે આયા રાખે છે… શુ ભૂતકાળમાં આવું હતું… જવાબ છે નહીં, પહેલાના લોકો આપણાં કરતા વધુ જવાબદાર હતા જે હવે નથી. એ સમયમાં બાળકની સેવા માતા પોતે કરતી, પણ હવે સમય બદલાયો છે…
સમયનું બદલાવું માણસના સ્વભાવ બદલાઈ જવા કરતા જરાય ઘાતક નથી… હાલના સમયમાં સ્ત્રી પુરુષની બરોબરી કરવા લાગી છે. સક્ષમ છે કે થઈ છે પ્રશ્ન શરૂઆતથી જ અસ્થાને છે… કારણ કે સ્ત્રી ક્યારેય પુરુષથી જરાય ઓછી હતી જ નહીં અને હોઈ પણ ન શકે… વાસ્તવમાં સ્ત્રી પુરુષથી પહેલા જ આવે છે… કારણ કે પુરુષ પાલક છે તો સ્ત્રી સર્જક છે… પાલકની જરૂરિયાત જ સર્જન પછી શરૂ થાય છે… શ્રી વગર વિષ્ણુનું, સરસ્વતી વગર બ્રહ્માનું અને શક્તિ વગર શિવનું અસ્તિત્વ જ જો અકલ્પનિય બની જતું હોય તો સ્ત્રી વગરના સંસારમાં પુરુષનું અસ્તિત્વ વિચારેબલ પણ નથી…
જો કે આજના સમયમાં ખબર નહિ ક્યાં દંભે જન્મ લીધો છે… કદાચ આને પૌરાણિક શબ્દોમાં કહીએ તો આ એક દંભાસુર અસુર છે જે માણસોના અંદર સતત મજબૂત બની રહ્યો છે. પહેલા સ્ત્રીઓને પોતાની સમાનતા સાબિત નોહતી કરવી પડતી એ હતી જ… પણ કદાચ અમુક હજાર વર્ષો પૂર્વે કોઈ મૂર્ખ પુરુષને એવું લાગવા લાગ્યું હશે કે સ્ત્રી નબળી હોય છે અને પછી એ બુદ્ધિહીન પ્રવાહમાં મુરખાઓના વધુ ટોળા ઉમેરાયા હશે… અને પછી તો ઘેટાના ટોળા, આજે પણ આવા ઘેટાના ટોળાઓની કમી નથી અને આવા ઘેટાઓ જ આ માનસિક વિકૃતિને શાસ્ત્રો સાથે સરખાવતા થયા અને સ્ત્રીને શાસ્ત્રોગત કહીને પાછળ છોડવા પ્રયત્ન કર્યો… વર્તમાન સમયમાં આ જ પ્રયત્ન કાયદાકીય રીતે પુરુષને પાછળ છોડવામાં થઈ રહ્યો છે… જ્યારે પણ સ્ત્રી કે પુરુષમાં અસમાનતા આવશે ત્યારે આવા મુરખા એમાં કારણભૂત હશે જ, કારણ કે સમાનતા ક્યારેય વિશેષાધિકાર નથી આપતી… સમાનતાનો મતલબ સમાનતા જ હોય છે, વિશેષાધિકાર હંમેશા અસમાનતાની જનેતા બને છે…
કેવી રીતે એ કહેવાની જરૂર નથી… કેવી રીતે સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા સર્જાઈ એ વાત પોતે જ આખી ઘટનાની સચોટ સાબિતી છે. પણ તેમ છતાંય સમયાંતરે સ્ત્રીઓના અધિકાર માટે દરેક યુગમાં, દરેક શતાબ્દીમાં અને દરેક દાયકામાં પુરુષ લડ્યો છે, લડતો રહ્યો છે અને લડતો રહેવાનો છે… છતાંય નિરાશાજનક સ્થિતિ એ છે કે પુરુષ માટે મહિલાઓ આ મોરચો નથી સંભાળતી. ત્યાં સુધી તો નહીં જ, જ્યાં સુધી કુંડાળામાં ઉભેલ પુરુષ પોતાનો ભાઈ, પિતા, પતિ કે મિત્ર ન હોય… જો કે સમયાંતરે આ સમય આવશે… જેમ પુરુષ મહિલા માટે લડે છે એમ મહિલા સ્ત્રી માટે લડશે… જો સમય અને અસમાનતા સતત રહી તો આ સમય પણ હવે દૂર નથી… પણ શું આપણે એ થવા દેવાનું છે…?
શુ આ દ્રષ્ટિ કે માર્ગ પર રહીને આપણે ક્યારેક (આજે) સ્ત્રી માટે અને ક્યારેક (કાલે) પુરુષ માટે એમ જ લડયા કરવાનું છે…? જો જવાબ ના હોય, તો ચેતી જજો… વિશેષાધિકારને અવગણી હંમેશા સમાનતાની જ ખિલાફત કરજો અથવા કરતા શીખજો… દરેક વ્યક્તિએ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે કે સ્ત્રી અને પુરુષ એક જ સિક્કાની બે બાજુ છે. એ બંને પોતાનામાં અપૂર્ણ છે અને એકબીજા વગર અધૂરા છે. એક સમયમાં પુરુષે સ્ત્રીને પોતાનાથી ઓછી ગણી અને પરિણામ આપણે જોઈ ચુક્યા છીએ, તો હવે એનું વિરોધી ઝુંડ જ્યારે એજ સમય દોહરાવવા રાત દિવસ મથે ત્યારે આપણે શું કરવું એ સમજવું પણ એટલું જ જરૂરી છે. શુ આપણે ફરી એ જ ભયાનક અસમાનતા (આ વખતે વિરોધી) જોવા તૈયાર છીએ…?
એક ઝલક કે એ શું હશે…
આજથી દસેક વર્ષ પૂર્વે અથવા અમુક સ્થિતિમાં આજે પણ… મહિલાઓ અસુરક્ષિત છે… અને આપણે ચિંતિત છીએ કે આપણી બેન, દીકરી, માતા અને અન્ય સંબંધી કેટલા ભયમાં જીવે છે… આ આપણાથી સાહેવાતું નથી… પણ જે સ્થિતિ અને પ્રવાહ આજે છે, જો એજ રહેશે તો આવનારા દશ વર્ષ પછી સમય પલટાઈ જશે… પણ ડર યથાવત રહેશે… બદલાશે બસ પક્ષ… આજે જ્યાં સ્ત્રી મુશ્કેલીમાં હતી આવનારી કાલમાં ત્યાં પુરુષ આવી જશે… એ સમયમાં તમારા ભાઈ, દીકરો, પિતા અને અન્ય સંબંધી અસુરક્ષિત બની જશે… સ્થિતિ ફરી વાર એજ થઈ જશે… મતલબ કે ડરી ડરીને જ જીવવાનું… અસમાનતા… એ જ અસમાનતા જેને દૂર કરવા ફરી એક વાર આવનારી બેચાર પેઢી આ લડતમાં હોમાઈ જશે…
જેમ દરેક પુરુષે એક સ્ત્રી સાથે અહિત કરતા પહેલા પોતાના જીવનમાં રહેલી સંબંધિત સ્ત્રીઓને એ સ્થાન પર મૂકીને કલ્પવી જોઈએ કે આ સ્થિતિમાં જો મારી બેન હોત તો… મારી દીકરી હોત તો… મારી મા હોત તો… મારી પ્રેમિકા કે મિત્ર હોત તો… બસ આવી જ રીતે દરેક સ્ત્રીએ પણ આવક પુરુષનું અહિત કરતા પહેલા પોતાના જીવનમાં રહેલ સંબંધિત પુરુષને એ સ્થાન પર મૂકીને કલ્પવા જોઈએ કે આ સ્થિતિમાં મારો ભાઈ હોત તો… મારો દીકરો હોત તો… મારા પિતા હોત તો… મારો પ્રેમી કે મિત્ર હોત તો…?
કારણ કે વાસ્તવિક સમાનતા આ જ છે… જેમ સ્ત્રી સમાનતાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે, એમ પુરુષ પણ સંપૂર્ણ અધિકાર ધરાવે છે… (જો સમાનતાની કોઈ વિભાવના હોય તો, આ જ હોઈ શકે.) એ અલગ વાત છે આવું આજકાલ લગભગ લોકોને નથી લાગતું… અમુક ભૂખ્યા વરુઓ સ્ત્રી સામે લોલુપ દ્રષ્ટિ સેવીને સારા દેખાવા આવી હીન અને ભાગલાપાડું કે અસમાનતા વાદી વિકૃત માનસિકતાને સમર્થન કરતા જ હોય છે… પણ વાસ્તવમાં આ જ લોકો ભવિષ્ય માટે ખતરો છે… કારણ કે જેવા છીએ એવા નહીં અથવા સારા દેખાવાની લાલચ ત્યારે જ હોય, જ્યારે કઈ મેળવવાની વિકૃત ચાહત કે લાલસા હોય… આવા લોકોને જલ્દીથી ઓળખી લેવા જોઈએ…
કદાચ વિષય સહેજ અલગ માર્ગે નીકળી ગયો હોય એવું લાગે છે… પાછા મુદ્દા પર આવીએ…
જો કે આ બધી વાત એટલે કરી કારણ કે મૂળ મુદ્દામાં પણ આ જ માનસિકતા મોટા ભાગે જોવા મળે છે… સ્ત્રીઓને સ્ત્રી હોવામાં અને પુરુષને પુરુષ હોવાની જે નફરત ભાવના વર્તમાન સમયમાં છે, એ પણ આ જ અસમાનતાની આડ પેદાસ છે અને ઘાતક પણ છે… એવું પણ બને કે આ સમલૈંગિક પ્રજાતિ પણ આ જ અસમાનતાની આડપેદાશ હોય… (આ મુદ્દે હું કોઈ સ્ટેટમેન્ટ નથી આપતો બસ અનુમાન છે, જેમાં બહુ જવા હાલ હું માંગતો નથી.)
આજની મહિલાઓ પુરુષ જેટલી જ કમાણી કરે છે, જીવે છે અને પોતાના રસનું કરે છે. એમાં કઇ જ ખોટું નથી… પણ એ આઝાદી અર્થને વિકૃત કરીને એ હકના નામેં હું ઘરમાં કેમ રહું કે બાળક કેમ સાચવું એ માનસિકતા તેમજ કામ કાજ છોડવા ન તૈયાર કે વર્કિંગ વુમન પોતાની જવાબદારીઓમાંથી સતત છૂટવા મથી રહી છે કે એવા અન્ય કારણો… કે જે સમયાંતરે ખુબ જ ઘાતક સાબિત થઈ રહ્યું છે…
ભાવિ પરિણામો તો ઘાતક જ છે પણ વર્તમાન પરિણામો પણ એટલા જ ઘાતક હોય છે…
બાળક જન્મની સાથે જ માતાનો છાયો ગુમાવે છે, હૂંફ ગુમાવે છે અને આયાના છાયામાં મોટો થાય છે. પૈસા આપીને કરાવવામાં આવતા કામમાં મોટા ભાગે હૂંફ અને પ્રેમ હોતો નથી, એટલે જ કહેવાય છે કે પૈસાથી સ્ત્રી ખરીદી શકાય એનો પ્રેમ નહિ… માતાના અભાવના કારણે બાળકમાં સંસ્કાર જોઈએ એવા નથી હોતા… બાળક્ને પૈસા તો અઢળક મળે છે, પણ મા-બાપ નહિ. પરિણામે એ અસામાજિક બને અથવા પૈસાદાર બાપની બગડેલી સંતાન કહીએ એવી થાય… પણ આવું કેમ છે…? કારણ કે એમની પર અંકુશ રાખવા તો ઠીક બે વાત કરવા પણ માતા પિતાને સમય નથી… એમની બેદરકારીનું પરિણામ સમય જતાં દેશ કે લગ્નેતર સમયે કોઈકની દીકરી કે દીકરાનો આખો પરિવાર ભોગવે છે… સમાજ અને સોસાયટી પણ એના પરિણામોથી અછડતો રહેતો નથી…
સોલ્યુશન…
જો તમે સ્વતંત્ર્યતાના નામેં વિકૃત સ્વચ્છંદતા વાદી (સ્ત્રી હોવા છતાં સ્ત્રી કાર્ય કે ફરજોથી નફરત કરો છો.) છો તો મહેરબાની કરીને લગ્ન પહેલાં જ નસબંધી કરાવી લો… જેથી જવાબદારી સંપૂર્ણપણે મૂળમાંથી જ જતી રહેશે… જો તમને એ સ્ત્રી હોવાની જવાબદારી પસંદ જ નથી તો લગ્ન કરવાનું પણ ટાળો અથવા એવું પાત્ર શોધો જેને તમારી સ્ત્રી હોવા છતાં તમારું સ્ત્રી કર્મ અને ફરજ પ્રત્યેનો અણગમો કે નફરત સ્વીકાર્ય હોય… કારણ કે એવું ન થાય ત્યારે એ સબંધ ભવિષ્ય માટે નાસુર બની જાય છે, જે ટાળવું જોઈએ… લગ્ન સહમતી અને સ્વીકારથી જ શક્ય બને છે…
બરાબર સમજજો સ્ત્રી દેવી ત્યાં સુધી જ હોય જ્યાં સુધી એનામાં સ્ત્રીયત્વ (ત્યાગ, દયા, કરુણા, મમતા, ઋજુતા અને સેવા ભાવ વગેરે જેવા દૈવીય ગુણ) અખંડ હોય… જો એ પણ પુરુષ જેવી બની જાય તો એ સ્ત્રી શેની અને સ્ત્રી ન હોય તો પૂજનીય શેની… વિશેષધિકાર શેના…? જેમ પુરુષને પરમેશ્વર એક પત્ની (સ્ત્રી) બનાવે છે એમ એક સ્ત્રીને દેવી પતિ (પુરુષ) બનાવે છે… જો સ્ત્રી પુરુષ બને તો એ પણ પુરુષની જેમ જ વિશેષ નહિ પણ સામાન્ય થઈ જાય છે…
લેટ મી ક્લિયર,
હું સ્ત્રીઓની આઝાદીનો જરાય વિરોધી નથી… હું વાસ્તવિક સમાનતાનો હાર્ડકોર સમર્થક છું, પણ સ્વચ્છંદતાને સમાનતામાં ખપાવવાની વિશેષાધિકાર વ્યવસ્થા નો નહીં. જેમાં પુરુષ અસ્તિવને જ ગુનાહિત ઘોષિત કરી દેવામાં આવે, એવી માનસિકતા મને જરાય પસંદ નથી… સ્વછંદતા અને સ્વતંત્રતાનો ભેદ સમજાય એ જરૂરી છે…
સ્ત્રી ઘરમાં જ ભરાઈ જાય એમાંય હું નથી માનતો…સ્ત્રી પુરુષને આધીન રહે એમાંય હું નથી માનતો… હું બસ એમાં માનું છું કે સ્ત્રીને સ્ત્રી હોવાનો ગર્વ હોવો જોઈએ, એને પોતાની ફરજ કે કર્મ પ્રત્યે ગુમાન હોવું જોઈએ… એને પોતાના અસ્તિત્વને પુરુષથી ઉપર રાખવું હોય તો એને સ્ત્રીયત્વ પ્રત્યે ખુમારી હોવી જોઈએ… જો ન હોય તો એનો જાહેરમાં સ્વીકાર કરીને પોતાને સ્ત્રી અસ્તિત્વમાંથી જ મુક્ત કરી લેવી જોઈએ… સ્ત્રી બની રહીને સ્ત્રી તત્વને નફરત કરતા રહેવું હંમેશા વિનાશક નીવડે છે… કર્મના આધારે વ્યક્તિ પોતાના અસ્તિત્વનું નિર્માણ કરે છે. અંગો દ્વારા નહીં, એટલે જો તમે સ્ત્રી હોવા છતાં સ્ત્રી હોવાને ધિક્કારો છો તો તમે શારીરિક પ્રકારે જ સ્ત્રી રહેશો પણ વાસ્તવિક સ્ત્રી નહિ… ત્યાં સર્જાશે અસમાનતા…
રહી વાત, વર્કિંગ વુમન કે સ્વતંત્ર એટલે કે પોતાના આનંદ કે વિકાસ માટે સતત શીખતી સ્ત્રીની…
તો એમણે પોતાની ફરજ અને એ બધા વચ્ચે સામંજસ્ય જાળવતા શીખી લેવું જોઈએ… હું ગુલામીની વાત જરાય નથી કારતો પણ મ્યુચલ સમજણ દ્વારા એણે પતિ સાથે મળીને આનો માર્ગ કાઢવો જોઈએ… જો એકબીજાને સમજવાની ત્રેવડ ન હોય તો એ સંબંધમાં કશુંય પ્રોડકટિવ રહી જતું નથી, કે એનું આયુષ્ય અખંડ રહેતું નથી. બાળક એકલી સ્ત્રીની કે પુરુષની જ જવાબદારી નથી, એ બંનેની જવાબદારી છે. પણ, તેમ છતાંય એને ગર્ભ સંસ્કાર કે શરૂઆતી શિક્ષણ અને સંસ્કાર માતા જ આપી શકે છે, એટલે એણે ખાસ બાળક માટે સમય કાઢવો જોઈએ… જો ન કાઢી શકાય તો એ જવાબદારી આવે એમાંથી જ બચવું જોઈએ… કારણ કે તમારી બેદરકારી સમય જતા એક જીવનની (બાળકની) વાસ્તવિકતા પર પ્રશ્નાર્થ બની જાય છે…
માતા કોઈ પણ અસ્તિત્વ માટે પ્રથમ ગુરુ હોય છે, એટલે એના અસ્તિત્વના પડઘા નવ સર્જિત અસ્તિત્વમાં ફરજિયાત પડવાના છે. પોતાના સર્જનને દિશા આપવી એ કોઈ પણ સર્જકની પ્રથમ ફરજ હોય છે… જેમ સ્ટાર્ટપ શરૂ કરીને એમા ધ્યાન ન આપાય તો એ ભાંગી પડે છે અને ઇન્વેસ્ટરને પણ નુકશાન પહોંચાડે છે એ જ રીતે બાળકના સર્જન પછી એના પર મા-બાપ ધ્યાન ન આપે તો એ અસામાજિક અથવા વીચલિત થઈ જાય છે. એ અસ્તિત્વ સમાજ અને સોસાયટી માટે પણ ઘાતક નિવડી શકે છે… બાળકને દિશા આપવાનું કામ એમના માતા પિતાનું જ હોય છે, જેમાંથી એ લોકો કોઈ પણ બહાને છૂટી શકે એમ નથી…
પ્રશ્ન આવે છે આવી સ્થિતિમાંથી બહાર આવવા શુ કરવું…? જ્યારે પણ બાળક આવવાનું થાય ત્યારે પતિ અને પત્નીએ સૌપ્રથમ વાતચીત અથવા જે રીતે તમે નિર્ણય લેતા હોવ એ પ્રકારે આ બાબતે ચર્ચા કરી લેવી… કારણ કે બાળકના જન્મ પછી બંનેની જવાબદારીઓ વધી જાય છે, ફરજમાં ઉમેરો થાય છે, માત્ર પતિ-પત્ની તરીકેનું જીવન સામાન્ય નથી રહી જતું… બાળકનું અસ્તિત્વ એ દરેક વિભાવનાઓને બદલે છે જે બાળક પહેલા સ્ત્રી પુરુષ વચ્ચે હોય છે… કારણ કે બાળક ઘરમાંથી સૌથી વધારે શીખે છે, એનો વિકાસ એ જ વાતાવરણમાં થાય છે જેવું તમે એને આપો છો અને એની અસર બાળકમાં લાંબો સમય સકારાત્મક અથવા નકારાત્મક અસર કરે છે. એટલે આ જરૂરી છે…
હવે વાત આવે છે કે મજબૂરીમાં નોકરી કરવી જરૂરી છે, તો એવામાં શુ કરવું… બહુ જ સરળ જવાબ છે આયોજન કરવું. જો કે આજકાલ તો કંપની પણ આ બધી જ સુવિધા આપવા લાગી છે. બાળકોને સાથે લઈ જવાની વ્યવસ્થા પણ સ્ત્રીઓ માટે અપાવવાની શરૂ થઈ ચૂકી છે. ભારતમાં નથી અને અમુક વ્યવસાયમાં એ શક્ય પણ નથી એ વાત આપણાથી છાની નથી… તેમ છતાં એનો આવશ્યક માર્ગ શોધવો માતા-પિતાની જવાબદારી છે… નોકરી ન છોડાય એમ હોય તો નોકરી પછીના સમયમાં બાળકને સમય આપવો… પણ એમ છતાંય બાળકને કોઈ અન્ય સાથે છોડતા પહેલા ત્રણ વાર વિચારવું કે શું ત્યાં બાળક સુરક્ષિત છે… માત્ર શારીરિક નહિ, માનસિક રીતે પણ… ઘણીવાર બાળક આ સમય દરમિયાન વિકૃતિને સાધારણ સ્થિતિ તરીકે સ્વીકારતા શીખી જાય છે…
મોરલ ઓફ ધ ડિસ્કશન માત્ર એટલું જ કે તમે પોતાની આઝાદી અથવા મજબૂરી કે અન્ય કોઈ પણ બહાનાના ઓઠા હેઠળ એ બાળક ને પોતાના અધિકારથી વંચિત ન રાખી શકો જેને તમે જન્મ આપો છો… એને સમય આપવો તમારી ફરજમાં આવી જાય છે… જો એ ફરજથી ચૂકવું હોય તો એ ફરજને નિભાવવા ખાતર નિભાવવા કરતા એમાંથી સંપૂર્ણ મુક્ત (જેમ અગાઉ કહ્યું એમ કે, બાળક જ ન લાવવું.) થઈ જવું વધુ યોગ્ય છે…
– સુલતાન સિંહ ‘જીવન’
તારીખ ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૨, સોમવાર
Leave a Reply