પાપ તારો પરતાપ જાડેજા,
ધરમ તારો સંગાથ રે… રે… રે…
તારી બેડલીને ડૂબવા નઇ દઉં,
જાડેજા રે…
તારી નાવડીને ડૂબવા નઇ દઉં,
જાડેજા રે…
એમ તોરલ કે છે જી…
આ ગીતના સુર તો લગભગ દરેકના કાને અત્યાર સુધીમાં અથડાયા જ હશે. કાનોને સાંભળવું, હોઠોને મમળાવવું અને અંગે અંગને થડકી ઉઠવાનું જે ગીત પર મન થાય. એ ગીતમાં શબ્દો રેલાવનાર તોરલ રાણી અને જેસલ જાડેજાની દાસ્તાન પણ એક અલગ જ પ્રકારની વિચિત્રતા સાથે ઇતિહાસમાં અંકિત છે.
દરેક પ્રદેશ, દેશ કે શહેરોની ભાતીગળ સભ્યતા, વ્યવસ્થા અને ઇતિહાસમાં કેટલીક અદમ્ય શૌર્ય ગાથાઓ પણ છપાયેલી હોય છે. એવું પણ કહેવાય છે કે આ શૌર્ય ગાથાઓ અને બલિદાનની કથાઓ જ આપણા વારસાને આજ સુધી જીવંત સ્વરૂપે સાચવવામાં મહત્વની બની રહી છે.
ગુજરાત રાજ્યમાં આવેલ સૌરાષ્ટ્ર પ્રદેશ પણ આવા અનેકો ઇતિહાસો અને ગાથાઓ સાથે જીવાયેલો પ્રદેશ છે. સોનેરી યુગ કહી શકાય એવો સૌરાષ્ટ્ર ધરાનો ઇતિહાસ છે. આ ઇતિહાસને કાગળે માંડીને જ્યાં ઝવેરચંદ મેઘાણી જેવા સાહિત્યકારો સર્જાયા છે. એવા એવા બહારવટિયા, એવા એવા રાજાઓ અને એવી એવી એમની ખુમારીની શૌર્ય ગાથાઓ છે કે સાંભળીને જ તમારા મોઢે બસ એક શબ્દ આવી ચડે… ‘વાહ… શુ ખુમારી છે. શુ શૂરાતન અને શું એમના વચનોના મોલ…’
સૌરાષ્ટ્રના ઘણા બધા બહારવટિયાઓમાં આવું જ એક પ્રખ્યાત નામ છે ‘જેસલ જાડેજા’. બહારવટિયા એટલે બહારવટો ધારણ કરીને નીકળી ગયેલા ખૂંખાર ડાકુઓ જ સમજો.
આ એ સમયકાળની વાતો છે જે સમયમાં જેસલ જાડેજાની હાક આખા કચ્છમાં લોકોને ધોળા દિવસે પણ થરથર ધ્રુજતા કરી દે એવી પ્રચંડ હતી. લોકો તો એના નામથી પણ જાણે યમરાજ આંખો સામે ભાળ્યો હોય એમ થરથર કંપી ઉઠતાં. એના છયડા પડવાથીએ ગર્ભવતીઓના ગર્ભ વછૂટી જાય એવી એની ધાક પડેલી. કારણ કે એ પ્રદેશમાં સ્વયં ડરનું જ એક સ્વરૂપ હતો, એના ભયનું ઝહેર બહુ પ્રચંડ હતું. કદાચ એટલે જ કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જ આ જેસલ જાડેજા.
કેટલાયે ધાડ પાડેલી, કેટલાય માથા વધેરી નાંખેલા એટલે સુધી કે રાજ દરબારમાં જઈને મદિરા લઈ જવાના કારણે સિપાહી અને સિપેસલારને પણ વીંધી નાખ્યો. આ કર્યો પછી રાજ દરબારમાં પણ એની હાક વાગી અને એમનો જ બનેવી રાજાનો સેનાપતિ હતો. એટલે કોઈ પણ ભોગે જીવતો કે મરેલો જેસલને રાજમહેલમાં હજાર કરવાની એમણે સોગંધ લીધી. જાતે રાજપૂત એટલે દીધેલા વેણ કેમના ફરે…? સેનાપતિ અને શૈન્ય દ્વારા જેસલની તપાસ આરંભી દેવાઈ અને એને શોધવા રાત દિવસ શૈન્ય દોડતું થઈ ગયું. પણ જેસલે જરાય દયા રાખ્યા વગર સેનાપતિ (સંબંધે બનેવી) ને સબક શીખવાડવા એના જ ભાણેજ અને બેનને મોતને ઘાટ ઉતારી દીધા. છતાંય એનો અહંકાર ન ભાગ્યો તે એણે નવ પરિણીત સ્ત્રીઓના માન હણવાના કાવતરા કર્યા. અને આ ઘટના જોઈને એમના ભાભીએ એમને મેણું માર્યું કે મરદ હોય તો સાસતીયા કાઠીના ઘેર જઈને એમની તોરી ઘોડી અને કાઠીની તલવાર લઈ આવે. જેસલ થોથવાયો અને એણે વચન ન પાળે ત્યાં સુધી કચ્છ પાછા ન ફરવાના નિર્ણય સાથે કચ્છ છોડી દીધું.
પણ, ભાભીના કડવા વેણના પ્રભાવમાં આ જેસલ જાડેજાનું અભિમાન જાણે કે તહસનહેસ થઈ ગયું. જીવનમાં ઘણું બધું આવ્યું અને ઘણું બધું ભુલાતું રહ્યું, પણ જાડેજાને એ કડવા વેણો દિલમાં સોસરવા ઉતરી ગયા જે ભાભીએ કહેલા. એમણે કહેલ વેણને સત્ય સાબિત કરવા, અને ભાભીએ જે કાઈ કહ્યું એ કરી બતાવવા માટે એ દેવટે નિકળી પડ્યો. એના દેવટે નીકળવાનું કારણ અને માર્ગ બંને સ્પષ્ટ જ હતા. અને એ માર્ગ પર ચાલવાનું જ એણે નક્કી પણ કર્યું. એ ઘરેથી નીકળીને સીધો જ કાઠી દરબારના ગામ ભણી ઉપડ્યો.
જ્યારે એ સાસતીયા કાઠીના ગામમાં પહોંચ્યો ત્યારે અર્ધી રાત વીતી ચુકી હતી. ચારે તરફ જાણે ભેંકાર અંધકારમાં લપેટાયેલો સુનકાર ત્યાં આળોટી રહ્યો જતો. લગભગ આખાય ગામમાં એ સમયે સોંપો પડી ચુક્યો હતો. છતાય સૌરાષ્ટ્રના સંત એવા સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને સોંપાના પ્રભાવમાં જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ. ( એક લોકવાયકા એવી પણ છે કે સાસતીયા કાઠી પોતે પણ તોરલ રાણીના સંપર્કમાં આવ્યા પછી જ સંત બન્યા હતા. ઇ પહેલા એ પોતે પણ લૂંટારો જ હતો.)
સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર આખો વાળી ગજબની ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો તો ફરતી ફરતી છેક કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને પણ આવી ચુકી હતી. જેસલે આ જ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય મક્કમ કર્યો. એટલા માટે જ લાગ જોઈને જેસલ જાડેજા કાઠીના ઘરે જ્યારે બધા ભજનમાં વ્યસ્ત હોય, ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા માટે અહીં સાસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો.
આવતા વેંત જ જેસલ લપાતો છુપાતો કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા જ ચમકી અને ઉછળતી, કૂદતી ઉહા પોહ કરવા લાગી. ઘોડીના આ ઘમસાણમાં એને બાંધેલો લોખંડનો ખીલો જમીનમાંથી ઉખડીને બહાર નીકળી ગયો. રાતના અટાણે ઘોડીને ભડકેલી જોઈને તરત જ તેના રખેવાળે ઘોડીને પકડી, પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી. આ જ સમયે ઘોડારમાં રહેલો જેસલ ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવાના મનસૂબા સાથે ત્યાં જ ઘાંસના ઢગલા નીચે છુપાઈ ગયો.
રાખવાળની નજર જેસલને ભાપી ન શકી. અને એણે અજાણપણે જ ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો, અને ઘોડી બાંધી દીધી. પરંતુ બન્યુ એવુ કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહીં પેસી ગયો. જો કે આટઆટલી પીડા છતાં જેસલ જાડેજાના મોંમાંથી એક ઉંહકારો પણ ન નીકળ્યો. આમ તોરી ઘોડીને લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી કોઠીરાજના ઘોડારમાં ખીલાથી વીંધાઈ ગઈ. આ ખીલો ખુમ્પી ગયા પછી પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો. આમ છતા પણ પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સીસકારો સુદ્ધા ન નીકળ્યો અને ઘોડારના ઘાસમાં એ મૂંગો જ પડ્યો રહ્યો. એ દિવસે કદાચ પ્રથમ વાર જાડેજાની હાક ઘોડારના ખિલામાં દબાઈ ગઈ.
આ તરફ પાટ પૂજન પૂરુ થતા જ સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળી પડ્યો. સતનું પણ એવું કે આ પ્રસાદનો થાળ ત્યાં લગી ખાલી ન થાય, જ્યાં લગી દરેક હાજર વ્યક્તિઓને પ્રસાદ મળી ન રહે. પણ એ દિવસે જાણે આ સત ડગમગવા લાગ્યું. સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછી તો લાંબો સમય શોધખોળ ચાલી. પણ, ત્યાંના તમામ હાજર લોકોને પ્રસાદ મળી ગયા હોવાની સ્પષ્ટતા થતા. આશ્ચર્ય ઉમેરાતું રહ્યું, કારણ કે કોઈ દિવસ નહિ અને આજ કેમનો પ્રસાદ વધ્યો…? હજાર લોકો જ્યારે આ વિચારોમાં અટવાયેલા હતા, ત્યારે જ ઘોડારમાં સળવળાટ સંભળાયો…
ઘોડારમાં અચાનક જ શાંત ઉભેલી ઘોડીએ ફરીથી ઉછળ કૂદ શરૂ કરી દીધી. રખેવાળ વિચારોમાં અટવાય એ પહેલા એણે પણ પ્રસાદનું રહસ્ય સાંભળ્યું. એટલે સામાન્ય રીતે શાંત રહેતી તોરી ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જ જોઈએ. એમનેમ ઘોડી આટલી ઉછળ કુદ તો ન જ કરે. એણે તરત જ સ્થિતિની કલ્પના કરી અને ઘોડારમાં પ્રવેશ્યો. સહેજ આમતેમ જોતા ઘાસના પૂળા નીચે નીતરતું લોઇ દેખાયું. અંદર આવીને બધું આમતેમ વિખેરતા જોયું તો ખીલાથી વીંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને એણે ત્યાં જ વેદના દબાવી પડેલો જોયો. જેસલ જાડેજાના લોહીથી નીતરતો હાથ જોઈને જ રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. કારણ કે આટલી વેદના છતાં જેસલ હજુ પણ હથેળીમાં ખૂમ્પી ગયેલો ખીલો કાઢવાનો પ્રયત્ન કરતો ન હતો. એ વેદના ન સહી શકતા અને લાચાર જેસલને જોઈને ઘોડીના રખેવાળે પણ તેને એમ કરવામાં મદદ કરી. રાખેવાળે જેમ તેમ કરીને હાથમાંથી ખીલો કાઢ્યો અને લોઈથી લથબથ જેસલ જાડેજાને કાઠીરાજ પાસે લઈ ગયો. (ફિલ્મમાં કાઠીરાજ પોતે જ આ ખીલો કાઢતા દસર્શાવાયા છે.)
કાઠીરાજે હથેળી સોંસરવો ખીલો જતો રહ્યો હોવા છતા ઉંહકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે ‘તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? ‘તો જા એ તારી’ એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ધોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે ‘એમ? તો ધોડી પણ તમારી.’ ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ધોડી અને તોરલ રાણી મળી ગઈ. તોરી ઘોડી એણે પોતાના માણસ સાથે કચ્છ રવાના કરી અને રાણી તોરલ સાથે એ સ્વયં નીકળ્યો.( લોકકથાઓમાં ક્યાંક ક્યાંક કાઠી રાજની ધારદાર તલવારનો પણ ઉલ્લેખ છે. તેમજ ક્યાંક એવોય ઉલ્લેખ છે કે જેસલે ત્રણેય વસ્તુઓની માંગ કરી હતી, તો ક્યાંક અણસમજે તોરલ રાણી અર્પણ થયાનું સાંભળવા મળે છે.)
તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. પણ, ખૂંખાર બહારવટિયો થઈને આમ છાનો કેમનો હાલે, ઇ વિચાર સાથે રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કરવાનું વિચાર્યું. આ અપહરણ અને નાના મોટા આખેટ ખેલવાનું એકમાત્ર કારણ હતું તોરલ રાણી પર પોતાની હાક જમાવવી. જાડેજાએ ત્યાં આવીને ગાયોની તસ્કરી કરવાનું એલાન તો કર્યું. પણ, તરસી ગાયોના આહીર ગોવાળે કોઈ પણ ભોગે પાણી પાવવાની જીદ પકડી. ત્યારે જેસલે તોરલ ને સતના પારખા કરાવવા કહ્યું. જેસલ અને તોરલ રાણી ત્યારે ધ્રોળ ગામ પાસે હતા. ગાયોની આ વેદના તોરલ રાણીને સમજાઈ એટલે એણે આહીર જવાનની ઈચ્છા અને સતના પારખાં સાટું અલખધણીના મંત્રોચ્ચાર સાથે જેસલને તલવાર જમીનમાં સમાવી દેવા કહ્યું. આ તલવાર મારીને એમને વેરાન વગડામાં પાણી કાઢયું અને ગાયોને પણ પાણી પીવડાવ્યું. આ જ સ્થાને જ્યાં પ્રાચીન ધ્રોળ(જામનગર જિલ્લો)ગામ છે, ત્યાં આ સ્થાન નજીક આજે પણ જેસલ-તોરલનું સ્થાનક હયાત છે. એમ કહેવાય છે કે આ સ્થાનક પર વર્ષો વીતી ગયા છતાંય આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે. જો કે સતીના આ સતને જોયા પછી જાડેજો ગાયો લેવાય ન રોકાયો અને તોરલ રાણી સાથે આગળ વધ્યો.
સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ અને તોરલ બંને જણા વહાણમાં બેઠા. પણ જ્યારે એમનું વહાણ બરાબર મધદરિયે પહોંચવા થયું. એટલે એકાએક વાદળા આકાશમાં ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન પણ ફૂંકાવા માંડ્યો. દરિયામાં ભૂતકાળમાં ક્યારેય જોવા જાણવામાં પણ ન આવ્યું હોય એવું વિનાશક તોફાન આવ્યુ. ડુંગર જેવા ઊંચા ઊંચા મોજાઓ આમથી તેમ ઉછળવા લાગ્યા. જાણે કે ગાંડો બનેલો સમુદ્ર રોદ્ર સ્વરૂપ ધરીને વિનાશ સર્જવા ઉભો થઇ રહ્યો હોય એવો પછાડ લેતો હતો. સાગરના બદલાયેલા અવરૂપ વહાણ મોજાઓ સાથે ડોલમડોલ થવા લાગ્યું. અચાનક જ પલટાયેલો સમુદ્રનો વિનાશક માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આ જોઈને ફફડી ઉઠ્યો, એની મરદાનગીએ જવાબ દઈ દીધો અને એ કાયરની માફક કાંપવા લાગ્યો.
આટઆટલી વિનાશકારી પરિસ્થિતિ સર્જાયેલી હોવા છતાં, નાવડીની સામે છેડે તોરલ રાણી શાંત અને સસ્મિત બેઠા હતા. એમના મુખ પર કોઈ જ પ્રકારનો ક્ષણિક ભય ન હતો પણ શાંત ઉલટાની અદ્વિતીય તેજસ્વિતા ઝગમગી રહી હતી. જેસલને તો એક સમય આ બધું જોઈને એવું લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સાક્ષાત સિદ્ધિશાળી સતી છે. સસ્મિત સફરની મોજમાં બેઠેલી તોરલ રાણીમાં જેસલને દૈવીશક્તિના દર્શન થવા લાગ્યા. જેસલનું સઘળું અભિમાન સમુદ્રના રૌદ્ર સ્વરૂપ સામે ઓગળીને ક્ષીણ થઈ ગયા અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરી. કદાચ હવે આ વિનાશકારી તોફાનમાંથી બચવાનો તોરલ રાણી એકમાત્ર વિકલ્પ હતો. પણ, તોરલે જેસલને પોતે કરેલા પાપોને સમુદ્રમાં ઉઠેલા તોફાનની સાક્ષીએ જાહેર કરવાનું કીધું. ન છૂટકે ડરથી ફફડતો જેસલ ગરીબ ગાયની માફક પોતાના પાપોનો સ્વીકાર કરવા લાગ્યો. આ સ્વીકાર ભાવ સાથે એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન પણ સતના પ્રતાપે શાંત થઈ ગયું. થોડા જ સમયમાં જાણે કે સાક્ષાત કાલભૈરવ એવા કચ્છના આ બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હદય પલટો થઈ ગયો.
જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધુ અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે સતની સત્યતા અને ભક્તિ લાધી, એ જ તો જેસલ તોરલની અમર કથાનો નિચોડ છે. આ કથાના સારને આપણે આપણી જિંદગી ઉજાળવા માટે લઈ શકીએ છીએ.
◆◆ જેસલ જાડેજાની પુષ્ઠભૂમિ ◆◆
આજથી પાંચસો વર્ષ પહેલાનો ઇતિહાસ છે જ્યારે કચ્છના કાઠિયાવાડમાં જેસલ જાડેજાની જબરી હાક વાગતી. જેસલ જાડેજા એ દેદા વંશનો ભયંકર અને સાક્ષાત કાળ ભૈરવ નામે પ્રખ્યાત બહારવટિયો હતો. કચ્છ-અંજારમાં એનું નિવાસસ્થાન હતું. એટલે અંજાર બહારના આંબલીયોના કિલ્લા જેવા ઝુંડથી પણ એનું રક્ષણ થતુ હતુ. જેસલ જાડેજા એ રાઉ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યુ હતુ. પણ ગરાસના હિસ્સામાં વાંધો પડવના કારણે એ બહારવટે ચડ્યો હતો. જો કે પાપની ચરમસીમા આંબી ગયા પછી એ જ જેસલ બહારવટિયો સાસતીયા કાઠીના ઘરેથી લઈ આવેલ સતી તોરલના સંગાથથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત પણ થયો.
જેસલ જાડેજાના એ સમયકાળમાં હાલનું અંજાર શહેર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલુ હતુ. અને આ વહેંચાયેલા સાતેય વાસ એ સમયે અજાડના વાસ તરીકે જ ઓળખાતા. અંજારમાં આજે પણ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળીઉં એ જૂના વખતનો મુખ્ય વાસ હતો. આ સોરઠીયા વાસનું તોરણ વિક્રમ સંવત ૧૦૬`માં કાઠી લોકોએ બાંધ્યુ હતુ. એ વાસનો ઝાંપો હાલ પણ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં જ હતો. અંજારની બહાર નીકળતા જ ઉત્તર તરફ આવેલા આંબલિયોના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિ ગીચ વનનું નામ કજ્જલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં જ શરણ લઈને ડરમુક્ત જીવન પસાર કરી શકતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી, કારણ કે મારફાડ અને લૂંટફાટ એ જ એનો પ્રાથમિક ધંધો હતો. એણે એટલા બધા પાપ કર્યા હતા કે જેનો કોઈ જ પાર ન હતો. પરંતુ ઉપર દર્શાવેલા તોરલ રાણી સાથેના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો, અને પછીના જીવનમાં ભક્તિ દ્વારા સમય ગુજારવા લાગ્યો હતો.
એવું પણ કહેવાય છે કે એક વખત જ્યારે જેસલની ગેરહાજરીમાં (હાજરી અને ગેરહાજરી બંને લોક કથાઓમાં જોવા મળે છે. ક્યાંક હાજર હોય એવો ઉલ્લેખ છે ક્યાંક ગેરહાજરનો…) એમને ત્યાં (તોરલ રાણી અને જેસલ જ્યાં રહેતા ત્યાં, કહેવાય છે એ ઘર એમના ભાભીનું હતું જે જેસલના આતંકથી કંટાળીને ગામ છોડી ગઈ હતી.) એક સંતમંડળી આવી પહોંચી હતી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ રાણી સધીર શેઠ નામના મોદી વેપારીની દુકાને ગયા. પણ, વેપારીની દાનત બગડી અને એમણે તોરલ પાસે પ્રેમની યાચના કરી.
સતી તોરલે પણ સંતોને ઓછું ન પડે એ આશય સાથે સધીર શેઠની માગણીઓનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી દીધું. આ વચન સાંભળી લાલચી સધીર શેઠે એને દુકાનમાંથી જોઈતી બધી જ ચીજ વસ્તુઓ લઈ લીધી. આ બધી ચીજ વસ્તુઓ લઈને સતી તોરલ ઘરે ગયા અને સંત મંડળીનો ઉચિત સત્કાર પણ કર્યો. તોરલની ભક્તિ અને સ્વાગત જોઈને સંતો આનંદિત ચહેરે દુઆ આપતા ગયા.
જેસલ જાડેજાને આ વાતની જાણ થઈ ત્યારે એણે તલવાર ઉપાડવાનો નિર્ણય કર્યો, પણ સતી તોરલની સમજાવટ પછી એ રાજી થયો. પણ રાત પડતા જ ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી તો ગયા સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની સાન ઠેકાણે આવી અને તે સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો. ( ખાલી જાણ ખાતર – એક ગુજરાતી ફિલ્મ મુજબ આ પ્રસંગમાં સતી તોરલ સોળે શણગાર સજીને સધીરના ઘરે જાય છે. અને જ્યારે સધીર તેને વાસ્તવિક શરીર બતાવવાનું કહે છે ત્યારે એને હાડકાઓ દેખાય છે. આમ સધીર શેઠને તોરલ રાણીની સતીત્વતાનું ભાન થાય છે.)
એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા બની ગયા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના પણ થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને સાથે જ કચ્છ આવવા માટેનું નિમંત્રણ પાઠવ્યું હતુ. આથી એ બંને મેવાડથી અંજાર આવવા માટે નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી. ( જાણ ખાતર – ફિલ્મમાં એવું દર્શાવાયું છે કે સાસતીયા કાઠી દરબાર જેસલ અને તોરલને ભજન માટે તેડાવે છે. તોરલ જવા માટે તૈયાર થાય છે પણ જેસલનું મન નથી માનતું. આમ તોરલ એકલી રવાના થાય છે. આ સમયે જેસલને બનેવી રાજ્યના સેનાપતિ એને શૂળીએ ચડાવવા લઈ જાય છે. પણ ગામના લોકો પાસે જેસલ બદલાયો હોવાનું સાંભળતા એ એના સતના પરખા કરાવે છે. એ કરી બતાવે છે, પણ વારંવાર અલખધણી પાસે સત સાબિત કરાવવા જેસલ રાજી નથી એટલે એ તોરલના આવતા પહેલા જ સમાધિ લે છે. અને તોરલ પણ સાસતીયા કાઠીના ઘરેથી પછી ફરીને એની લગોલગ સમાધિ લઈ લે છે.) રાવળ માલદેવ અને રૂપાંરાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એકતારો હાથમાં લીધો. લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાયા, લગ્નમંડપ રચાયો. જેસલ અને તોરલ બંને જણાયે મૃત્યુને માંડવે પણ ચોરીના ફેરા ફર્યા. એક બીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવી અને ધરતીની ગોદમાં બેઉ સમાઈ ગયા.
કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. ‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યાર પ્રલય જેવો કોઈ બનાવ બનસે એવું લોકોનું માનવું છે. આ માન્યતા વર્ષોથી લોકોના મોઢે સાંભળવા મળી રહી છે…
~ સુલતાન સિંહ ‘જીવન’
( નોંધ – ઉપરનું લખાણ સાંભળેલી લોકવાર્તાઓ, અમુક જગ્યાએ છપાયેલા લેખો, ઓનલાઈન માહિતી, ગુજરાતી ફિલ્મ અને એવા મળેલા ફોરવર્ડ મેસેજોના આધારે શોધ ખોળ કરીને લખાયા છે. દરેક માહિતી સત્ય જ હોય એ જરૂરી નથી, પણ જેટલું મળ્યું એટલું રજુ કરવાનો એક પ્રયાસ માત્ર છે.)
Leave a Reply