Sun-Temple-Baanner

દેશમાં ભાજપ એક માત્ર વિકલ્પ કારણ કે લોકો ભાજપમાં વોટ નાખવા મજબૂર


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


દેશમાં ભાજપ એક માત્ર વિકલ્પ કારણ કે લોકો ભાજપમાં વોટ નાખવા મજબૂર


શીર્ષક : દેશમાં ભાજપ એક માત્ર વિકલ્પ કારણ કે લોકો ભાજપમાં વોટ નાખવા મજબૂર..

સૌપ્રથમ તો આ શીર્ષક જ તમે બે વખત વાંચી લેવા મજબૂર બની જશો. કારણ કે તમને તો શીર્ષકના બંને વાક્યો તદ્દન ખોટા અને વિરોધા ભાષી જ લાગશે. તમે વિશ્વાસ પૂર્ણ રીતે કહી શકો છો કે કા તો ભાજપ એકમાત્ર વિકલ્પ છે, અથવા તમે એમ કહી શકો કે લોકો ભાજપમાં વોટ નાખવા મજબૂર બની રહ્યા છે. પણ હું તો આ બંને વાક્યોને એક સાથેનું સત્ય અહીં સ્વીકારી રહ્યો છું. વાસ્તવમાં સત્તાના મધમાં અંધ થયેલા કોંગ્રેસ પક્ષે દુશ્મનને નબળો ગણવાની જે ભૂલ કરી છે, એ જ ભૂલ કરીને આ પરિસ્થિતિને એટલી હદે વિપક્ષે વિકરાળ બનાવી છે, કે લગભગ ભારતના દરેક નાગરિકને આંખો સામે શીર્ષક જેવા જ હાલ દેખાઈ રહ્યા છે.

મેં મારા અગાઉ લખાયેલ આર્ટિકલોમાં પણ ઘણીવાર સ્પષ્ટ શબ્દોમાં આ લખેલું જ છે, કે ઝેરને મારવા ઝેર જોઈએ. એમ સારાઈને જીતવા પણ સારાઈ જોઈએ અથવા જો તમારા મતે ભાજપને તમે નરસાઈ કહો છો તો નરસાઈ જોઈએ. જરાક વિચાર તો કરો કે ૭૦ વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસ, યુપી બિહારમાં વર્ષોથી લોકોની લાડલી પાર્ટીઓ RJD, JDU અને બસપા તેમજ એમના જેવી અનેક પાર્ટીઓ કેમ ભાજપના વિજયરથ સામે આવતા જ એક પછી એક હાંસિયામાં ધકેલાઈ ગઈ…? કોઈએ નથી વિચાર્યું. અંધ ભક્તિ અને વિચાર્યા વગરનો વાણી વિલાસ, તૃષ્ટીકરણની રાજનીતિ, અને ભ્રસ્ટાચારમાંથી કોઈ નેતાને એટલી ફુરસ્ત મળી હોય તો વિચાર કરે ને…?

લોકો કહે છે આઈ મીન કોંગ્રેસના ઘણા લોકો પણ પાછળના કેટલાક સમયથી કહે જ છે ને કે લોકશાહી ખતરામાં છે. હું સ્વયં આ વાતને બહાલી આપું છું કે હવે લોકશાહી ખરેખર ખતરામાં છે. જ્યારે જ્યારે સરકારમાં વિપક્ષ નબળો અને નિરર્થક બને છે ત્યારે ત્યારે લોકશાહી નિર્વિવાદીત રૂપે ખતરામાં પડે જ છે. પણ, કોઈ એ નથી સમજવા માંગતું કે લોકશાહી ખતરામાં કેમ છે…? લોકશાહી ખતરામાં છે, કારણ કે સરકાર સામે નિષ્પક્ષ મત આપી શકે એટલો સમજદાર કે બુદ્ધિશાળી વિરોધપક્ષ જ હવે લોકસભામાં નથી રહ્યો. જ્યાં જુઓ ત્યાં આ લોકો સમર્થનનો ખીચડો બનાવતા ગયા. અને પરિણામ શુ આવ્યું…? એ જ કે આખા દેશની પાર્ટીઓનો મહા ખીચડો પણ આ અજગર જેવા BJP સામે ચુ કરવા જેટલોય હવે સક્ષમ નથી રહ્યો. કારણ કે માત્ર એક કહેવતમાં જ લખી દઉં કે ‘ચોર ચોરને સહુકારી શીખવે તોય કેમની શીખવે…?’

વાસ્તવમાં સમયના વહેતા પ્રવાહ સાથે લોકશાહી અને કોંગ્રેસની ઘોર જાણે કે અજાણે સ્વયં કોંગ્રેસે જ ખોદી નાખી છે. લોકશાહી ખતરામાં છે તો એનું કારણ પણ કોંગ્રેસ જ છે, કારણ કે શરુઆતથી આજ સુધી આ જ એક પાર્ટી છે બધું જોઈ શકવા અસ્તિત્વમાં રહી છે. પણ, જો ૭૦ વર્ષ જૂની પાર્ટીને આમ દૂધમાં પડેલ માખીની જેમ કોઈ ઉપાડીને ફેંકી દેનારો મરદ સામેની પાર્ટીમાં આવ્યો હોય ત્યારે એને પાડવા પોતાની પાર્ટીમાં પણ એવો મૂછોના વટે અને લોકશાહીના જોરે એને પછાડી શકે એવો માણસ લાવવો જોઈએ… પણ, અહીં તો વિપક્ષની દરેક પાર્ટીઓના એજન્ડામાં આનું ઊલટું જ થયુ. આ BJP નો અજગર એક પછી એક રાજ્યોમાં શાસન જમાવીને સતત મોટો થઈ રહ્યો છે, ત્યારે અન્ય પાર્ટીઓ ઉંદરો લઈ લઈને અજગરનું કાંસળ કાઢવા નીકળી પડી છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પણ આવી જ એક નિરર્થક ચાલ રહી. જ્યારે તમે જાણો છો કે તમારી પાર્ટી પાસે ટેકા વગર અવિશ્વાસ પ્રસ્તાવ મુકવા જેટલી પણ સીટો નથી, તો આ નાટક કેમ…? પારકી આશાએ…? કે અન્ય પાર્ટીઓના છૂટક MP ઓના જોરે…? પણ અહીં કોંગ્રેસ ગુજરાતી કહેવત ‘પારકી આશા સદા નિરાશા’ ભૂલી જ ગઈ અથવા એના મહત્વને અસ્વીકારી દીધું. એમણે અવિશ્વાસ પ્રસ્તાવના સામે પૂછાયેલા પ્રશ્નોમાં પણ અટલબિહારી સરકાર વખતની જ આધારહીન દલીલ મૂકી. પણ એ દલીલ અમાન્ય જ ગણાય, કારણ કે અટલબિહારી વાજપેયી વખતનો સમય અલગ હતો અને આજનો સમય અલગ છે. આજથી ૨૦ વર્ષ પહેલાં પસંદગીના ઘણા વીકલ્પો હતા, જે આજે યોગ્ય નેતુત્વના અભાવે નથી રહ્યા… આજે એવો એક પણ નેતા સક્ષમ નથી, જે ખાડે જતી કોંગ્રેસને બચાવી શકે… એવો એક પણ નેતા નથી કે મોદીજીની વિરુદ્ધમાં ઉભો રહી શકે… એવો એક પણ નેતા નથી જે ભાજપના એજન્ડાને સમજીને દેશ હિત માટે લડી શકે… એવો એક પણ નેતા નથી જે પ્રજાના પ્રશ્નોને લોકસભા અને રાજ્યસભામાં લાવી શકે… કોંગ્રેસ પાર્ટીમાં તો બદનસીબે પોતાના જ સભ્યો એટલા લાલચી છે, કે પાર્ટી છોડતા અને વિપક્ષમાં ભળી જતા પણ જરાય વિચાર નથી કરતા. અને થાય પણ કેમ…? ડૂબતી નાવમાંથી કૂદીને બહાર પડવું એ જ માનવ સહજ સમજદારી પણ છે. એટલે કોંગ્રેસના ડૂબતા જહાજમાંથી કૂદીને બહાર આશરો શોધતા MLA કે MP ને હું દોષી પણ નથી જ માનતો. કારણ કે કોંગ્રેસ પોતે પણ જાણે છે એ કારણ, જેના કારણે પાર્ટી સતત તૂટી રહી છે. તેમ છતાં કોંગ્રેસ એ જ પ્રકારની રાજનીતિ કરવા માંગે છે, જે એના મૂળિયાંને સડાવી રહી છે. સત્તાની ભૂખ એમનામાં એટલી હદે વ્યાપેલી છે કે એ લોકો ભાજપની જેમ સપોર્ટ વગરની ચૂંટણી લડવાની બુદ્ધિ જ ગુમાવી ચુક્યા છે. (એમ કરવાથી તુરંત ફાયદો ભલે ન થાય, પણ લાંબા ગાળે આ રસ્તો પાર્ટીની છીંવાયેલી લોકપ્રિયતા આપવી શકવા સશક્ત ઉપાય છે. ભલે સતત ૧૫ વર્ષ એ હારે, પણ ગર્વ તો જરૂર લઈ શકે કે અમે એકલે હાથે આ જંગ લડ્યા છીએ. પણ શરમની વાત તો વર્તમાનમાં એ છે કે ૭૦ વર્ષ જૂની પાર્ટીને વિપક્ષ પણ એકલા હાથે રચવા જેટલી સંખ્યા લોકસભામાં નથી મળી રહી. જો આ પાર્ટી વિપક્ષ બનાવવા જેટલી પણ મજબૂત નથી રહી શકી તો જરૂર એના પાછળ પણ અઢળક જવાબદાર કારણ તો હશે જ… પણ કોઈએ એ કારણો પર વિચારણા નથી કરી. અને કરી હોય તો એને નાથવાના પ્રોપર એજન્ડા બનાવવામાં નિશ્ફળ રહી છે. જો આ કારણ શોધીને એ લોકો સુલઝાવી શક્યા હોત, તો એમને અવિશ્વાસની દરખાસ્તના રિજલ્ટ થયા પહેલા જ આવનારા પરિણામો પર અવિશ્વાસ ન રાખવો પડ્યો હોત.)

દેશ ગઠબંધન અને ખીચડી દ્વારા બનતી સરકારની સ્થિતિઓને બહુ પહેલા પણ અનેકવાર જોઈ ચુકી છે. ગઠબંધનના કારણે જ દેશ એકવાર વાજપેયી જેવા સશક્ત નેતાને ખોઈ ચુક્યો છે. એટલે પ્રજા હવે એવું નથી ઇચ્છતી કે કોઈ પણ કેન્દ્ર સરકાર સમર્થન આધારિત બને. કારણ કે સમર્થન વાળી પાર્ટી પોતાના નિર્ણયો પણ સમર્થનના દબાવે લઈ નથી શકતી. અને જ્યારે નિર્ણય લેવામાં જ જે તે ક્ષેત્રનો MLA કે MP અસક્ષમ બની જાય તો એવામાં ક્ષેત્રના લોકોને તો વોટ આપીને કે વિશ્વાસ કરીને પણ છેતરાયા જેવું જ થાય ને…? આગળ ખાઈ પાછળ કૂવો, કંઈક એવું જ ને…? ઉદાહરણ માટે અમેઠીના હાલ જ જોઈ લો… ફેસબુકમાં વાયરલ એક વીડિયોમાં શ્રીમાન રાહુલ ગાંધીજીને પૂછાયેલા એક સવાલ ( ગામની રોડ વ્યવસ્થા અંગે) નો જવાબ તેઓ એમ કહીને આપે છે કે કેન્દ્રમાં તો સરકાર અમારી નથી અથવા આનું અર્થઘટન એમ થાય કે એમની સરકાર હોય તો જ એ કરી શકે. એટલે આ વિકાસ માટે કા તો મોદીજીને કહો અથવા યુપીમાં યોગીજીને કહો… WTF… જેણે દશકોથી તમને વોટ આપ્યા હોય એ યોગીજી કે મોદીજીને શા માટે કહે…? (અહીં ઊંડાણમાં જોતા રાહુલજીનો જવાબ ખોટો પણ નથી, કારણ કે વિપક્ષ માટેય સમર્થન લેતી પાર્ટીનું કેન્દ્રમાં સાંભળે પણ કોણ…? સિવાય કે જે તે MP લોકસભામાં પોતાના હક માટે સિંહની જેમ દહાડી ન શકતો હોય.) પણ જે સરકાર વિપક્ષ ન રચી શકે એ લાંબાગાળે આવા જ જવાબો આપવા મજબૂર બની જાય છે. બસ આ જ પ્રકારની સ્થિતિઓ સમર્થન અને પાર્ટીના નબળા પ્રદર્શનમાં પ્રજા ભોગવવા મજબૂર બને છે. કદાચ એટલે જ પ્રજા કા તો સ્પષ્ટ બહુમત ઈચ્છે છે, કા તો સમર્થન વગર અલગ સ્ટેન્ડ લઈને ઉભી રહેતી સ્વતંત્ર પાર્ટી…

હું કદાચ ખોટો ન હોઉં તો મોદીજી ૨૦૧૪નો રાજ વહીવટ આ મુદ્દા સાથે જ જીત્યા છે. એ દરેક ભાષણમાં આવું જ કંઈક કહેતા કે કા તો હું સપષ્ટ બહુમતની સરકાર બનાવીશ અથવા તો પછી મારી પાર્ટી સાથે હું વિપક્ષમાં જ બેસી જઈશ, પણ સમર્થન તો નહીં જ લઉ… બસ કદાચ આ જ એ માસ્ટર સ્ટ્રોક હતો અથવા બ્રહ્મ વાક્ય હતું, જે મોદીજીને CM થી PM સુધી વાજતે ગાજતે લઈ આવ્યું. જ્યારે સામે પક્ષે ખીચડીઓ બનાવનારી સરકાર સતત ધીમી ગતિએ મૂળમાંથી નબળી થઈને ઉખડતી ગઈ. પણ, આ સિલસિલો છતાંય ચાલ્યો. કોંગ્રેસ દરેક રાજ્યના ઇલેક્શનમાં સમર્થનની ખીચડી બનાવતી જ રહી અને ભાજપ એકલા હાથે ખીચડી ફગાવતો જ ગયો. ભાજપ જ્યારે પ્રજાના પ્રશ્નોના સચોટ નિરાકરણ અને પ્રજાના અવાજને સમજવા સમજાવવામાં વ્યસ્ત હતા, ત્યારે આ મહા ખીચડાની નીતિ માત્ર અને માત્ર કીચડ ઉછાળવામાં જ વ્યસ્ત રહ્યા અથવા વાસ્તવિક પ્રશ્નો ભૂલીને અવળા પાટે ચડતા રહ્યા. મોદી એમની સફળતા ગણાવતા રહ્યા અને આ એમની નિષ્ફળતા શોધતા રહ્યા…પણ પોતે શુ કરી શકે છે…? એ પ્રશ્ન પર મંથન તો થયું જ નહીં. પ્રજાની જરૂરિયાતો સમજવામાં એ લોકો સતત નિષ્ફળ થયા. અને લોકશાહીમાં તમે લોકોને નથી સમજતા ત્યારે લોકો પણ તમને પોતાને સમજવાની તક નથી જ આપતી. આ જ તો લોકશાહી છે…

આ સત્યથી કોઈ મો ન ફેરવી શકે કે વિપક્ષમાં બેઠેલી પાર્ટીના નેતાઓ સતત કંટાળી કંટાળી અન્ય પાર્ટીઓમાં ભાગવા લાગ્યા. (ભલે સારી રાજનીતિ માટે ગયા હોય, વેચાઈને ગયા હોય કે પોતાના કરતુતો છુપાવવા ગયા હોય કે પછી મજબૂરી વશ ગયા હોય પણ ગયા તો ખરા જ ને…?) પરિણામે સમયાંતરે અડધી તો કોંગ્રેસ જ ભાજપ બની ગઈ. અને વધેલી કોંગ્રેસ હાઇકમાન્ડની ભક્તિમાં અંધ બનીને વણવિચાર્યો વાણી વિલાસ અને તૃષ્ટીકરણની નીતિમાં ચારને રાજી કરવા માટે ચાલીશને નિરાશ કરતા જ રહ્યા. શરૂઆતમાં તો આ ન નડયું, પણ સમય પાકયે ફળ જાતે જ તૂટીને પડી જાય એમ આ મહા ખીચડીનો ગડો પણ ફૂટ્યો. આ ફૂટેલા ઘડામાં ૭૦ વર્ષ જૂની પાર્ટી ચકનાચૂર થઈને એવી તો વેરાઈ કે હવે લોકસભાની ૫૦૦+ સીટોમાં ૪૮ આસપાસ જ રહી ગઈ છે.

અટલબિહારીના સમયમાં ભાજપ પર હસતી સરકાર ૨૦૧૮ સુધીમાં ભાજપના પ્રધાનમંત્રીના ગળે મળતી થઈ ગઈ. અવિશ્વાસ પ્રસ્તાવમાં અટલબિહારી જેવા દિગગજ રાજનીતિના પીઢ નેતાને પદભ્રષ્ટ કરનારી પાર્ટી ૨૦૧૮માં પોતાના પ્રસ્તાવનું નાલેશીભર્યું સુરસુરીયું બસ ખુલી આંખે જોઈ રહી. અટલબિહારી પર હસનારી પાર્ટી આખે આખી આજ અવિશ્વાસ પ્રસ્તાવના નિષ્ફળ થયા પછી હાંસીનું પાત્ર બની ગઈ. આ જોતા એ વાક્ય જરાક સાચું લાગ્યું… ‘પીપલ પાન ખરંતી હસતી કૂંપળીયા, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા…’ એટલે કે સમય સમયનું કામ કરે છે, આજે તમારો છે તો કાલે પેલાનો પણ આવશે જ…

છતાંય હું એવું માનુ છું કે કોંગ્રેસ પાસે હજુ પણ સમય છે. હજુ ચાર રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. રાજ્યસભામાં પણ એમનો દબદબો અકબંધ છે. તેમજ હજુ લોકો પાસે કોંગ્રેસ પ્રત્યેનો ૭૦ વર્ષ જૂનો વિશ્વાસ ક્યાંકને ક્યાંક દિલના કોઈક ખૂણે જીવંત શ્વાસ લઈ રહ્યો છે. પણ આ વિશ્વાસને મોદી સાહેબ જેવા અડગ નેતા સામે જીવતો કરવા એક ટકકરનો અડીખમ નેતૃત્વ કરી શકે તેવો અધ્યક્ષ પણ કોંગ્રેસે લાવવો પડશે. (રાહુલ ગાંધીજી ગમે તેટલા વેલ એજ્યુકેટેડ હોય, પણ રાજનીતિમાં એમના અનુભવો અને શબ્દો પરિપક્વતાનું એ લેવલ નથી ધરાવતા જે એક વિશાળકાય અને દશકો જૂની પાર્ટીના અધ્યક્ષ અને વડા પ્રધાન પદના ઉમેદવારમાં હોવા જોઈએ… સારું લાગે કે કડવું લાગે પણ આ જ સત્ય છે.) અને અધ્યક્ષથી પણ બમણો મજબૂત પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર શોધીને લાવવો પડશે. છેલ્લે એક મુક્ત એડવાઇઝ એ પણ કે, કોંગ્રેસ પાર્ટીએ આ વંશાવલી પ્રક્રિયા નાબૂદ કરીને પાર્ટીના અંદર પણ લોકશાહી લાવવી પડશે… (આ સૂચન એટલે છે કે અત્યારે આ મુદ્દો એટલો ચર્ચાય છે, કે દેશ આખો એને મનમાં વસાવીને બેઠો છે.) જો આમાંથી એક પણ પગલું જલ્દી જ નહીં ભરાય તો આવનારા સમયમાં કોંગ્રેસ ક્યારે વર્તમાનમાંથી ભૂતકાળ બની જશે એની જાણ પણ નહીં થાય. ક્યારે કોંગ્રેસ માત્ર ચોપડામાં જ જીવતી રહી જશે એ કહેવું પણ નક્કી નહી રહે… એટલે મારા મતે તો હજુ સમય છે. ૨૦૧૯ હજુ દૂર છે. એક વર્ષમાં હજુ એટલી હદે મહેનત તો જરૂર થઈ શકે જેનાથી લોકસભામાં ૪૮ પરથી ૧૦૮ પર આવી શકાય… કારણ કે જો હવે ૪૮ પરથી ૩૮ પર ગઈ તો ૨૦૨૪માં ૮ પણ નહીં મળે એ નક્કી જ છે.

અને જો આનાથી નબળી સ્થિતિ આવશે, તો લોકશાહી પણ ભારતની જનતા ચોપડીઓમાં જ વાંચશે. લોકશાહીનું અસ્તિતવ વિપક્ષના હાથમાં જ હોય છે. વિપક્ષ વિનાનું સરકારી તંત્ર સરમુખત્યારશાહી કરતા જરાય જુદું નથી રહી જતું… સો ફાઇનલી ભારતની લોકશાહી વાસ્તવિક રીતે ખતરામાં છે.. આ વાત સાથે હું સહમત છું… પણ હવે કોંગ્રેસે કમર કસી લેવાની છે. એણે આ ચૂંટણી બસ એ ઉદ્દેશ્ય સાથે જ લડવાની છે કે સ્વતંત્ર અસ્તિત્વ સાથે જ લડવું છે. ભલે સત્તા ન મળે, પણ વિપક્ષમાં તો એક મજબૂત અસ્તિત્વ એમનું હોવું જ જોઈએ.

એટલે મૂળ વાત એ છે કે ભાજપને મજબૂત કરવા પાછળનું કારણ જ કોંગ્રેસ પોતે છે. એટલે એજ કોંગ્રેસ એક માત્ર અકસીર છે ભારતમાં વિપક્ષના અસ્તિત્વને અવાનાર સમયમાં બચાવવાનો… કારણ કે જો કોંગ્રેસ ૨૦૧૯માં મજબૂત વિપક્ષ રચવામાં સફળ થશે, તો જ કદાચ ૨૦૨૪માં સત્તા પર આવવાનું સ્વપ્ન જોવાનું આત્મબળ કોંગ્રેસ પાછું મેળવી શકશે. અને જો આવનારા પાંચ વર્ષ એક મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ સકારાત્મક કામ કરી દેખાડવામાં સફળ થશે, તો દેશ ફરી એકવાર કોંગ્રેસના શાસન પર પોતાના વિશ્વાસને બિન્દાસ બનીને મૂકી શકશે. કારણ કે હવે દેશને કોઈપણ સંજોગોમાં સ્વતંત્ર પાર્ટીની જ સરકાર જોઈએ છે, મહા ખીચડો કે ખીચડી નહિ… 😊

કારણ કે મહાખીચડામાં ભારત રત્ન અટલબિહારી સાથે વર્તન થયું એવું વર્તન જ થઈને ઉભું રહે છે. જ્યારે તટસ્થ પક્ષમાં મોદી જેવું મક્કમ શાસન આવા વાયરાઓમાં પણ અડીખમ રહી શકે છે. જો ભજપે પણ ૨૫૦+ મહા ખીચડી બનાવીને મેળવેલ સંખ્યા હોત તો સંભવત આજે મોદીજી પણ પદભ્રષ્ટ થઈ ચૂક્યા હોત, પણ તટસ્થતાનો લાભ એમને બેશક મળ્યો છે.

હવે જરાક એ અંગે થોડાક કારણો કે આખર દેશ ભાજપમાં વોટ નાખવા કેમ મજબૂર…?

કારણો/તારણો

૧. પ્રજા પ્રધાનમંત્રી તરીકે સક્ષમ વ્યક્તિની પક્ષધાર છે. જ્યારે અન્ય પાર્ટીઓના ઉમેદવારો સક્ષમ (મોદીજીની તુલનામાં) નથી. જેથી લોકો પાસે મજબૂત નિતૃત્વના સિલેક્શનનો ભાજપ સિવાય કોઈ વિકલ્પ જ નથી વધતો.

૨. દેશની પ્રજાની સ્વતંત્ર સરકારની આશા. લોકો કેન્દ્રમાં એવી સરકાર ઈચ્છે છે, જે કા તો રાજ કરે અથવા વિપક્ષમાં બેસી જાય, પણ અસ્તિત્વથી તો એ સ્વતંત્ર જ રહે. કારણ કે સરકાર સમર્થનમાં રહીને દબાણમાં આવી જાય છે. જ્યારે મુક્ત સરકાર વિપક્ષમાં રહીને પણ પોતાના કામ આબાદ કઢાવી શકે છે.

૩. સરકાર તૃષ્ટિ કરણની નીતિઓથી આગળ વધીને દેશ માટે વિચારી/બોલી અથવા કરી શકે એવા ઉમેદવારની શોધમાં છે. એવો ઉમેદવાર જે પોતાના કર્યો ગણાવી શકે એવો ઉમેદવાર નહીં કે જે ફક્ત વિપક્ષની ભૂલો જ ગણાવે. એવો ઉમેદવાર જે દેશને જોડવાની વાત કરે… તોડવાની નહિ… ( અહીં શબ્દોનું મૂલ્ય પ્રજાના કાને જાય એટલે એજન્ડા પણ એજ માન્ય ગણાય જે ભાષણોમાં કહેવાયકે અનુભવાય છે.)

૪. ભારતની જનતા વંશ પરંપરાગત ચાલતી પાર્ટીને સ્વીકારવા હવે તૈયાર નથી. પ્રજા પાર્ટીના બંધારણમાં પણ લોકશાહી અને પારદર્શિતા ઈચ્છે છે. કારણ કે લોકશાહીનો અર્થ જ એ છે કે દરેક વ્યક્તિઓને સમાન અધિકાર મળે… જેમ કે અડવાણીજી અને વાજપેયીજી દ્વારા બનાવેલી પાર્ટીમાં મોદીજીની જેમ વડનગરનો એક સામાન્ય ચા વાળો વ્યક્તિ પણ કાબીલીયત હોય તો આવીને બેસી શકે છે. જ્યારે કોંગ્રેસમાં આની શક્યતાઓ નહિવત અથવા અશક્ય જ છે…

૫. ભારતની પ્રજા ભાગલાવાદી નીતિ નથી ઇચ્છતી. ભારતની આવામ પોતાના જ દેશમાં દ્વિતીય કક્ષાની પ્રજા બનીને શા માટે રહે…? જ્યારે કોંગ્રેસના દરેક નેતા હિન્દૂ પાકિસ્તાન અને હિન્દૂ આતંકવાદ જેવા એલફેલ શબ્દો જાહેરમાં બોલીને દેશની લાગણીઓ સતત દુભાવ્યા કરે છે. લોકશાહીનો અર્થ સમાન અધિકાર છે, એટલે કે દરેકને સમાન અધિકાર મળે. લઘુમતી બહુમતીના અથવા હિંદુ મુસ્લિમ જેવા ધર્મના આધારે દેશને પ્રથમ કે દ્વિતીય કક્ષાની પ્રજા બનાવવાનો તો સંવિધાનમાં પણ ઉલ્લેખ નથી. તો પછી પ્રજા આ નીતિને સ્વીકારે એવો એજન્ડા ફળે જ કેમનો…?

૬. ભરતીયોનો ચૂંટણીમાં સ્પષ્ટ ફંડા હોય છે કે કા તો કોંગ્રેસમાં વોટ નાખવો, કા તો ભાજપમાં (એટલે કે એવી પાર્ટી પસંદ કરવી જે તટસ્થ રહે, સરકાર બનાવે અથવા વિપક્ષ રચે, પણ અવસર જોઈને કોઈનામાં સીટ લઈને બેસી ન જાય.) કારણ કે પ્રજા એવી પાર્ટી ઈચ્છે છે જે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હોય. પછી એકાદ પાર્ટીના વિરોધમાં એ વોટ નિર્દલ્યમાં નાખે અને એજ ઉમેદવાર એ જ પાર્ટીમાં શરણ લઈ લે તો…? આ ડરના કારણે પ્રજાનો સ્પષ્ટ મત હોય છે કે કા તો કોંગ્રેસ… કા તો ભાજપ… પણ અન્ય પાર્ટી તો નહીં જ. આ સ્થિતિમાં પબ્લિક આંકડા જોવે તો કોંગ્રેસ નબળી દેખાય… આંકડા છોડીને કદાચ નેતૃત્વ આધારિત વોટ કરવાનું વિચારી પણ લે તો ઉમેદવાર પણ નબળો દેખાય…? એટલે પ્રજા અનિચ્છાએ જઈને પછી એક માત્ર કપાળે માઢાયેલા પક્ષ ભાજપને વોટ દઈ આવે… કારણ… કારણ બસ એટલુ જ કે એમાં કંઈક તો સારું મળે છે. બીજામાં કાઈ ન થાય એના કરતાં ભાજપમાં ચાર જુમલા દઈને એક આદ તો કામ થાય…

~ સુલતાન સિંહ ‘જીવન’

( નોંધ – આ આર્ટિકલ સહજ પણે થયેલ રાજનીતિના ઉતાર ચઢાવોનું વિશ્લેષણ છે. અહીં કોઈ પાર્ટીનો કે નેતાનો પક્ષ કે કોઈ પાર્ટી કે નેતાનો વિરોધ કરવાનો કોઈ ઉદ્દેશય નથી. આ આર્ટિકલ માત્ર અને માત્ર વાસ્તવિક સ્થિતિઓ આધારિત ઉલજતા રાજનીતિ તંત્રની એક ઝલક માત્ર છે. આ વિશ્લેષણને તદ્દન સત્ય કે તદ્દન અસત્ય તરીકે મૂલવી ન શકાય. કારણ કે આ બધું જ જોયેલ, જાણેલ અને વાંચેલ માહિતીઓના આધારે લખવામાં આવ્યું છે. છતાંય કોઈને ખોટું લાગે તો ક્ષમા યાચના સ્વીકાર્ય. )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.