આજથી સાત વર્ષ પહેલાં અને આજે પણ આ નગ્ન સત્ય લોકો અને સરકાર બંનેથી અજાણ્યું છે. પણ, આની ઘાતક અસરો લોકશાહીના ભોગે પ્રજા બિચારી સહન કરી રહી છે. ક્યારેક કોઈ તો ક્યારેક કોઈ… અહીં વાત જાતી કે ધર્મની નથી થઈ રહી, પણ એથી વિશેષ પ્રદેશવાદ અને ગામવાદની છે. એકતા હોવી એ સકારાત્મક વાત છે, પણ આતંકવાદ…? એ શબ્દ પોતે જ એની નકારાત્મકતા સૂચવે છે. આ આખું સત્ય જો કે જાતિ અને ધર્મના આધારે પણ અમુક વિચારો સમજવા કે સ્વીકારવા લાયક તો છે જ…
આજથી ચાર મહિના પહેલાની વાત છે, હું એને મળ્યો હતો. એનો ચહેરો ગંભીર હતો. શા માટે…? કેમ…? એ બધા જ પ્રશ્નોનો ખુલાસો ત્યારે જ થવાનો હતો, જ્યારે હું એને સાંભળું અને એ કંઈક બોલે. પણ લાંબો સમય એ શાંત રહ્યો અને અંતે દશ મીનીટની શાંત મુલાકાત બાદ એણે કહેવાનું શરૂ કર્યું. શુ આ દેશમાં ન્યાય વ્યવસ્થા માત્ર કહેવા પૂરતી જ છે…?
‘કેમ શુ થયું…?’
‘કાઈ નહિ, મારો ભાઈ પાછળના બે મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. કોઈને કોઈ પૂછતાજના બહાને ઇ લોકો એને બોલાવી જ લે છે. અંતે તો અમુક નિયત રકમ આપીને પતાવટ થઈ. પણ છતાંય માથે લટકતા ખંજર જેવો ડર તો ખરો જ ને…?
‘પણ, પતાવટ પછી તો ડર શેનો…?’
‘પતાવટ તો પોલીસના સાક્ષી વાળા કેસની થઈ છે. હજુ જેના વિરોધમાં સાક્ષી બન્યો એ જૂથનો ભય તો ખરો જ ને…?’
‘પોલીસ શેના માટે હોય જો ડરવું આપણે પડે.’
‘પોલીસ છે, એ જ તો સૌથી મોટો ડર છે…?’
‘એટલે…?’
‘ગુનેગાર તો કોઈ ઝંઝટ વગર ઓળખાણ કે પૈસા ખવડાવીને નીકળી જાય, અને સીધા સાદા લોકોને આ લોકો હેરાન હેરાન કરી મૂકે. એના કરતાં આ લુચ્ચાઓ હોય જ નઇ તો સારું..?’
‘જો એ ન હોય તો ગુના વધી જશે…?’
‘આમેય ક્યાં ઘટ્યા છે…?’
‘હા, હવે ૪૦% ગુંડાઓ ખાખીમાં ઓફિશિયલ ફરતા થયા છે. આને સફળતા માનવી કે નિષ્ફળતા એ જ નથી સમજાતું…?’
‘એટલે…?’
‘સાહેબ વાડ જ ચિભડા ગળી રહી છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર જ સરકારી ખાતાઓ અને સરકારી અધિકારીઓ દ્વારા થાય છે. શુ તમે અનુભવ નથી કર્યો…?’
‘વાત માં દમ છે…’
‘પણ, આવા સંજોગોમાં પોલીસ મદદરૂપ પણ થાય છે.’
‘એના ચાન્સીસ બહુ ઓછા, ઈમાનદારી ખાખી અને ખાદીમાં બહુ રેરલી જોવા મળે છે. જાણે ભારતમાં સિંહની સંખ્યા… બસ આ જ પ્રકારે ઈમાનદાર ઓફિસરો ઘટતા જઇ રહ્યા છે.’
‘ઓહ…’
‘સાહેબ, જો પોલીસ આપણી હોત ને તો, છેલ્લા બે મહીનાથી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં અને હવે ખાટલાવશ પડેલા પેલા દુકાનવાળાની આ હાલતનો ગુનેગાર પણ જેલમાં ન સડતો હોત.’
‘એટલે શું એને સજા ન થઈ.’
‘શુ ટંકોરો સજા થાય. ઇ લુખ્ખસ એના પછી પણ બે એક બબાલો કરી ચુક્યા છે. પણ, કોઈ કાઈ નથી કરી શકતું. લોકો ડરે છે, કારણ કે પોલીસ આંખ આડા કાન કરે છે. અમુક એવા ગામો પણ છે, જ્યાં એકતાના આડંબરમાં આતંકવાદ ચાલે છે.’
‘એટલે…?’
‘કોઈ પણ બબાલ હોય આખું ગામ ગુંડાગીરી પર ઉતરી આવે છે. સાહેબ આપણે સીધા લોકો ઝઘડા-કંકાસથી દૂર રહેનારા આવામાં શુ કરી લેવાના.’
‘અને ન્યાય વ્યવસ્થાનું શુ…?’
‘સાહેબ ઇ જ તો આવતા પહેલા મેં ના કહ્યું. સાહેબ જો એક સાક્ષીએ પણ પૈસા ભરીને કેસમાંથી પતાવટ કરવી પડે અને ગુનેગાર બિન્દાસ બહાર ફરતા હોય અને છૂટ્યા પછી પણ અવારનવાર બબાલો કરતા હોય. આ સ્થિતિમાં પોલીસ અથવા ન્યાયતંત્ર કેટલી મદદ કરે છે, એ તો આંખો સામે સ્પષ્ટ દેખાય જ છે. એ ગેંગમાંથી એક તો SIનો જ કોઈ ભત્રીજો છે.’
‘તો આખો કેસ શુ હતો…?’
‘આખું એક ગ્રુપ છે. આવા ચાર પાંચ ગ્રુપ છે. સમજો ચાર પાંચ ગામના માણસો છે. એવા ગામ જ્યાં એકતાના નામે આતંકવાદ ખલબલી રહ્યો છે. અને પોલીસ પણ અવારનવાર આવા કિસ્સાઓમાં એક જ વાત કહે છે, કે અમે તો કેસ નોંધી લઈશું પણ પછી તમે હેરાન થશો તો…? એ લોકો ફરી આખા ગામ સાથે આવીને… અથવા ઘાત કરશે… અથવા તમારું રહેવું મુશ્કેલ કરશે તો…?’
‘એટલે એક દેશના નાગરિક તરીકે આપણે ફરિયાદ પણ નહીં નોંધાવવાની અને બધું સહ્યા કરવાનું…’
‘ફરિયાદ નોંધાવીને શુ ફાયદો સાહેબ…? બધા બે નંબરીયા જ છે, પોલીસ સ્ટેશન આવવું જવું એમના રોજના કામ છે. ત્યાં પહેલાથી જ એમના સારા કોન્ટેકટ હોય છે, એમના ધંધા જ એવા કે હપ્તા વ્યવસ્થાઓ કાર્યરત હોય છે એટલે એમના ગુનાઓ તરત જ ઢાંકી લેવાય છે. હવે આ સ્થિતિમાં જ્યારે આપણને ખબર છે એ લોકો તરત છૂટી જવાના, તો કેસ કરીને પણ શું ફાયદો…? દુશ્મનાવટ કરીને પણ ડરી ડરીને જ જીવતા રહેવાનું ને…?’
‘હા ઇ તો છે જ…’
‘એ લોકોને કોઈ ભય જ નથી. એ બધા જ દોષી છે, તેમ છતાંય બિંદાસ બહાર ફરે છે. પણ, પેલો બિચારો સામાં પક્ષનો બેગુનાહ વ્યક્તિ હજુ હોસ્પિટલમાં જ એડમીટ છે. ડુંગળી ન આપવા જેવા સામાન્ય વાતમાંથી જન્મેલા ઝગડાએ એના જીવનના કેટલાય મહિના હોસ્પીટલમાં રહેવા નિયત કરી નાખ્યા. પણ, છતાંય અફસોસ એના ગુનેગાર બહાર ફરે છે. એના પછી પણ એમના વર્તનમાં કોઈ સુધાર નથી. એમનું ગામ અને ગ્રુપ મજબૂત છે, બધા બે નંબરીયા છે. તમે તો જાણો છો આ લોકોની હપ્તા પહોંચાડતી આખી લિંક હોય છે, જે હવલદારથી લઈને ક્યાં સુધી હોઈ શકે એ ધારવુ બહુ અઘરું નથી. કારણ કે જે પોલીસ સાક્ષીઓને આટલા હેરાન કરે, એ ગુનેગાર બાબતે કેમ શાંત છે…? એ વાત બધું સ્પષ્ટ દર્શાવે જ છે. એ લોકો બે નંબરના જ ધંધા કરે એમને બીજા કોઈ કામ જ નથી. દાદાગીરીઓ કરવી, ઝઘડા કરવા, લુખ્ખાઈ કરવી, માર-પિટ કરવી, દારૂ પીને ફરવુ આ બધું એમની કાયમી દિનચર્યામાં છે. આ દિનચર્યામાં ખાખીના પરિવારોના એસોઆરામ ચાલે છે, એટલે એ પણ મૂંઘા મોઢે બધું જોયે રાખે છે.’
‘શુ ગામ અને ગ્રુપ એમની વાસ્તવિકતા જાણવા છતાં એમના સપોર્ટમાં છે…?’
‘સાહેબ, એકતા અને આતંકવાદમાં એ જ તો ભેદ છે. આ દેશમાં એકતા એકતા કરીને આતંકવાદ જ તો થાય છે. એકતા કોને કહેવાય એ તો કોઈને ખબર જ નથી. એકતા ક્યારેય ગુનેગારને પક્ષમાં હોઈ જ ન શકે અને જ્યારે હોય ત્યારે એ માત્ર આતંકવાદ બનીને જ રહી જાય છે. ભારતમાં આવા આતંકવાદીઓની કોઈ કમી જ નથી. પણ, સાહેબ આ આતંકવાદને સરકાર જાતે જ પોસે છે. કારણ કે ચૂંટણીના ડોનેશનો અને ખાખીની કાળી કામણીઓ અને શોખમોજ પણ આમાંથી જ તો ચાલે છે. જો આ લોકો એઠવાડ ફેંકશે જ નહીં તો સરકારી અધિકારીઓ ચાટશે શુ…?’
‘હા, તારી વાત સાચી છે. પણ, દરેક અધિકારી ખરાબ નથી હોતા.’
‘પણ, મોટા ભાગના હોય છે. ખેતર ગમે તેટલું મોટું હોય, વાડ ગમે તેટલી લાંબી અને મજબૂત હોય. પણ, જો એમા એક મિટરનું પણ ગાબડું હોય તો ખેતર સુરક્ષિત નથી જ હોતું. એવી જ રીતે ભારતના સુરક્ષા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં એક પણ ભ્રષ્ટાચારી જ્યાં સુધી સક્રિય હશે ત્યાં સુધી, દેશ ક્યારેય સુરક્ષિત નહીં બની શકે…’
‘વાતમાં દમ છે.’
‘અનુભવ ઘણું શીખવે છે….’
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૨૨, ૨૫ મેં ૨૦૧૮ )
Leave a Reply