મહાપ્યારા મિત્ર, યુનિવર્સલ ગુરુ, સમજવા જાઓ તો સૌથી અકળ અને પ્રેમ કરો તો સૌથી સરળ એવા શ્રીકૃષ્ણનો આજે જન્મદિવસ.. કૃષ્ણ વિશે ભારતના અત્યાર સુધીના સાહિત્ય જગતમાં જેટલું અને જેવું લખાયું-બોલાયું છે અને લખાઈ-બોલાઈ રહ્યું છે એમાંનું ઘણું વાંચીને તો સ્વયં કૃષ્ણ પણ ઘણી વાર આશ્ચર્યમાં પડી જતા હશે.. એક ઓબ્ઝર્વેશન એવું રહ્યું છે કે લોકો પોતાને ગમતી બાબતો કે પોતાના વિચારોને કૃષ્ણ કે કૃષ્ણના જીવન સાથે યેન કેન પ્રકારે જોડી દેતા હોય એવું ઘણી વાર બનતું હોય છે, અને એમાં ખોટું પણ નથી. જ્યાં સુધી એ ચાલાકીપૂર્વક ન થતું હોય અને સહજ પ્રેમના કારણે હોય ત્યાં સુધી કૃષ્ણ તો એમાં પણ રાજી જ હોય.. પણ આજની જન્માષ્ટમીએ મને ઊંધો વિચાર આવ્યો.. આપણને ગમતી બાબતો અને વિચારોને આપણે કૃષ્ણ અને એમના જીવન સાથે જોડીએ, એ કરતાં કૃષ્ણને ગમતી બાબતોને આપણે આપણા જીવન સાથે જોડીએ તો? જન્માષ્ટમી એ કૃષ્ણ જન્મનું પર્વ તો છે જ, પણ એની સાથે મને એ હંમેશા આપણી પોતાની અંદર “કૃષ્ણત્વ” પ્રગટાવવાનું પર્વ લાગ્યું છે. એ કૃષ્ણત્વ આપણી અંદર કઈ રીતે પ્રગટે? અફ કોર્સ, કૃષ્ણને ગમતી બાબતો પોતાના જીવનમાં અપનાવવાથી જ એની શરૂઆત થઈ શકે..
તો ચાલો, આજે જન્માષ્ટમીના દિવસે એવી આઠ બાબતો જોઈએ, જે કૃષ્ણને અત્યંત પ્રિય હતી. અને વિચારીએ એના વિશે કે આપણા જીવનમાં એ કઈ રીતે લાવવું?
(1) માખણ
“માખણચોર, નંદકિશોર” માં આપણે જોઇ શકીએ કે “કિશોર” કૃષ્ણને માખણ બહુ જ ભાવતું. આયુર્વેદ તો બાળકથી લઈને કિશોર અવસ્થાના ડેવલોપમેન્ટ અને ગર્ભાવસ્થાના માતાના આહારમાં માખણની જરૂરીયાત પર બહુ ભાર મૂકે છે. આ લખનારે પોતે ટીનએજમાં માખણ રીતસર ઝાપટ્યું છે. કેલોરી કોંશિયસ અને ઘી-માખણથી ડરી ગયેલી પ્રજા બની ગયા છીએ આપણે પણ બટર (કંપનીમાં બનેલું “બટર” એ માખણ નથી) અને ચીઝ તો અવશ્ય ઝાપટી જઈએ છીએ. માખણ એટલે નવનીત.. જે “તાજું” તારવેલું હોય એ જ “નવ”નીત. એ માખણથી દૂર ભાગવાને બદલે એને પ્રેમથી ખાઈએ. અને સિમ્બોલિકલી જોઈએ તો માખણ એટલે સાર તત્વ. આપણે દરેક વાતનો સાર ગ્રહણ કરતા થઈએ. તો “માખણચોર” કૃષ્ણનો રાજીપો મળશે.
(2) સંગીત
લોકોને મેસ્મરાઇઝ કરી દેનારા દુનિયાના સૌથી પહેલા મ્યુઝીશિયન આપણા કૃષ્ણ છે. એમની વાંસળીમાં ગોપીઓ અને ગોકુળવાસીઓથી માંડીને ગાયો પણ ભાવમાં ડૂબી જતાં. જીવન શુષ્ક નીરસતાથી ન જીવાય. આપણા જીવનને આપણે સૌંદર્ય અને સંગીત આપીએ. કારણ કે એ સંગીત આપણને “મુરલીમનોહર” કૃષ્ણ સાથે જોડી આપશે.
(3) ગાય
કૃષ્ણના જીવનની ઘણી બધી પ્રિય બાબતોમાં આ બાબત તરફ ઓછું ધ્યાન જાય છે. કૃષ્ણએ આખું બાળપણ ગાયોની વચ્ચે, ગાયોની સેવામાં વિતાવ્યું. ગાયો એમને અત્યંત પ્રિય હતી. પોતાની આંખોમાંથી નિત્ય કરુણા વરસાવતી “ગાય”ને પ્રેમ કરતા થઈએ, એમને દુઃખી ન થવા દઈએ અને ગાય માટે કશુંક આપણાથી થઈ શકે એટલું કરીએ તો “ગોપાલ” કૃષ્ણ ખુશ થઈ જાય કે નહીં?
(4) જ્ઞાન
મથુરાની રેડી મેઇડ મળતી ગાદી છોડીને જે કૃષ્ણએ ગુરુ સાંદિપની પાસે જઈને જ્ઞાન મેળવવાનું પસંદ કર્યું, એ કૃષ્ણએ કાયમ માટે એ સંદેશ આપી દીધો, કે જ્ઞાનને સત્તા અને સંપત્તિ કરતાં વધુ મહત્વ આપવું જોઈએ. તમે ગરીબ હોવ કે અમીર, સામાન્ય જન હો કે તમારી પાસે કોઈ પાવર હોય, એ બધું છોડીને જ્ઞાન મેળવવા માટે તત્પર રહેવું. જ્ઞાનથી મોટું કઈં નથી. જ્ઞાનપ્રાપ્તિ માટે હંમેશા તત્પર રહેશો તો “જગદ્ગુરુ” કૃષ્ણ તમારી આંગળી ઝાલી લેશે.
(4) અગ્નિહોત્ર
કૃષ્ણ દરરોજ અચૂક અગ્નિહોત્ર યજ્ઞ કરતા. યજ્ઞને એક સામાન્ય કે નિરર્થક કર્મકાંડ માનીને એની ઠેકડી ઉડાવો છો? કે યજ્ઞ બહુ જરૂરી નથી એવું માની બેઠા છો? તો વિચારવું કે જે કૃષ્ણએ એના આખા જીવનમાં એક પણ નિરર્થક કામ નથી કર્યું એમણે દરરોજ અગ્નિહોત્ર શા માટે કર્યું હશે? એમણે પોતે ગીતામાં કહ્યું છે, “तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्” (अध्याय -3/ 15) અર્થાત્ “એ બ્રહ્મ યજ્ઞમાં નિત્ય પ્રતિષ્ઠિત છે (નિવાસ કરે છે)”. ક્યારેક બાયસને પડતા મૂકી અગ્નિહોત્ર કરી જોજો. મજા આવશે. દરરોજ કરવું અઘરું પડે તો અઠવાડિયે એક વારનો પ્રયત્ન તો જરૂર થઈ શકે. અને પોતાના જીવનમાં નિત્ય અગ્નિહોત્ર કરનાર કૃષ્ણને મજા આવશે.
(5) સ્ત્રીસન્માન
સ્ત્રીઓને સમજવી નહીં અને એમને સમજાવવું પણ નહીં, એમને બસ શુદ્ધ પ્રેમ કરવો. અને એમના સન્માન માટે દુ:શાસનો થાકી જાય ત્યાં સુધી પ્રયત્ન કરવો. કૃષ્ણનો આ સંદેશ જીવનમાં નથી અપનાવ્યો તો ક્યા મોઢે કૃષ્ણને પ્રેમ કર્યો?
(6) સહજ જીવન અને સમત્વ
જીવનમાં ભારોભાર ડિપ્લોમસી અને ચતુરાઈઓ કરી હોવા છતાં કૃષ્ણ સહજ સરળ છે. એમના જીવનમાં દંભને કોઈ સ્થાન નથી. જેવા છે એવા દેખાય છે. બીજા અઘરા યોગમાં તો ધીમે ધીમે આગળ વધાય. પણ “યોગેશ્વર” કૃષ્ણનો આ “સહજ” યોગ જીવનમાં અપનાવવા જેવો ખરો. આપણી કરણી અને કથનીમાં અંતર હોય તો કૃષ્ણભક્ત કે કૃષ્ણપ્રેમી ન કહેવું પોતાની જાતને. એમના જેટલું સહજ રહેતાં આવડી જાય તો જીવન સરળ થઈ જાય. સુખ દુઃખમાં, લાભ-ગેરલાભમાં, જય-પરાજયમાં તમે સંતુલન રાખી શકો અને વિચલિત ન થાઓ એવા બનવા પ્રયત્ન કરો. કૃષ્ણ પોતે મદદ કરશે.
(7) પીતાંબર અને મોરપીંછ
કૃષ્ણએ માથા પર મોરપીંછને ધારણ કર્યું. જેમાં બધા રંગો આવી જાય છે. એ જીવનને એની સમગ્રતામાં સ્વીકાર કરવાની વાત છે. જીવન જે આપે એનો હસતા મોઢે સ્વીકાર કરવો એ કૃષ્ણત્વ, પછી ભલે એ ગાંધારીનો શ્રાપ જ કેમ ન હોય. જે કૃષ્ણને પીતાંબર અત્યંત પ્રિય હોય એના પ્રેમીઓ ધોતીને આઉટડેટેડ માને કે એ પહેરવામાં શરમ કરે એ કેમ ચાલે? કૃષ્ણ તો આપણા જિન્સ અપનાવે એવા ઉદાર અને મૈત્રીપૂર્ણ છે જ. પણ આપણે એમનું ગમતું નહીં કરવાનું? ધોતીને માત્ર ટ્રેડિશનલ ડેઝ કે ઓકેઝન્સ પૂરતી મર્યાદિત ન રાખીને ક્યારેક એમનેમ પણ પહેરીએ, એમાં પણ એ પીળા કલરની ધોતી હોય તો તો “પીતાંબરધારી” કૃષ્ણ ખુશ થશે જ.
(8) ધર્મ
“ધર્મ” શબ્દથી ભવાં ઊંચા થઈ જતા હોય અને નાકનું ટેરવું ચડી જતું હોય, તો કૃષ્ણપ્રેમી કહેવડાવી શકાય પોતાને, પણ સાચા કૃષ્ણપ્રેમી બની ન શકાય. કૃષ્ણએ તો જન્મ જ “धर्मसंस्थापनार्थाय” લીધો હતો. ધર્મને એના વાસ્તવિક સ્વરૂપમાં જાણીએ, સમજીએ અને એની પુન:સ્થાપના માટે પ્રયત્નશીલ રહીએ, એ કદાચ કૃષ્ણને સૌથી વધુ પ્રિય કામ ગણાશે. બાકી બધું તો એમને જન્મ પછી પ્રિય હતું. પણ આ ધર્મસંસ્થાપન તો જન્મ પહેલાંથી પ્રિય હતું, તો જ એ કહી શકે કે મેં જન્મ જ આના માટે લીધો છે. એમણે જીવનમાં જે કઈં પણ કર્યું, એ ધર્મ માટે કર્યું. ધર્મનો સાથ ક્યારેય ન છોડ્યો. ધર્મ માટે તો એમણે સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું. પણ એ ખુશ ત્યારે જ થાય જ્યારે તમે સુદર્શન ચક્રનો ઉપયોગ ધર્મના સંરક્ષણ માટે કરો, પોતાના અધર્મના બચાવ માટે નહીં. ચારે બાજુ ‘અ’ધર્મ અને અરાજકતા હોય ત્યારે તમે જો ધર્મનો પક્ષ ના લો તો જેમણે મોટાભાઈ બલરામને પણ યુદ્ધમાં પક્ષ ન લેવા બદલ ટકોર કરી દીધી હતી એવા કૃષ્ણ રાજી થાય ખરા?
આપણા પ્રિય સ્વજનના જન્મદિવસે આપણે એને ગમતું જ બધું કરતાં હોઈએ છીએ. તો આપણા કૃષ્ણના જન્મદિવસે આપણે એની ગમતી બાબતો આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીને એને એક સરસ બર્થ ડે ગિફ્ટ આપી શકીએ. તો રિટર્ન ગિફ્ટ તરીકે એ આપણી અંદર “કૃષ્ણત્વ” જરૂર પ્રગટાવશે.
જય શ્રી કૃષ્ણ!
જન્માષ્ટમીની સૌને શુભેચ્છાઓ અને આપણે સૌ પોતાનામાં સાચું કૃષ્ણત્વ પ્રગટાવી શકીએ એવી “પાર્થ”ની શુભકામના! 💐❤️🙏
✍🏼 વૈદ્ય પાર્થ ઠક્કર
Leave a Reply