સાંપ્રત ગુજરાતી સાહિત્ય : લોકોને ભરમાવતી બાબાજીની બુટ્ટીવિદ્યા જેવું.
જે રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવતા ક્લાસિસવાળા આગોતરા કોઈ પેપેરસેટરને મળીને પ્રશ્નો જાણી લે અને પછી એ સવાલો ઉપર જ એમના વિદ્યાર્થીઓને ભણાવે અને એ ક્લાસિસનો વિદ્યાર્થી પરીક્ષા આપ્યા બાદ વિચારે કે ભાઈ આ ક્લાસિસ તો જોરદાર છે ! લગભગ બધુંય એમના કોર્ષમાંથી જ પૂછાય છે ! એટલું જ નહીં એ મૂર્ખ બનેલો વિદ્યાર્થી ઉપકારભાવ અનુભવીને અન્યને પણ જણાવે કે આ ક્લાસિસવાળા સારા…
તો આવી રીતે ભરમાઈ જવાની કળાને આપણે બેવકૂફી કહીએ છીએ. પણ આમ ભરમાવતા ક્લાસિસવાળાને તો વાહ શું ધંધો કર્યો ! એવું માનપાન જ મળે !
બસ, એવું જ આજના ગુજરાતી સાહિત્યનું સમજવું.
એકાદ હરખપદુ ખવિ લઢણ કાઢીને અંગ્રેજી શબ્દો સાથે, એની ભીની-સુકોમળ લાગણીઓ મુશાયરામાં કે કોઈપણ સભામાં પોતાની રચના કે પુસ્તકને આગવી કળાથી રજૂ કરે, એટલે બધા વાહ ! ઓવારી ગયો ! એમ કરીને એનું હરખપદુંપણું સાર્થક કરે. આ બધા નાટક માટે જે મહામંચ હોય એની પણ એક હકીકત છે. એ મંચસ્થો મોટા નામધારી હોય કે જે પોતાના ઍવૉર્ડ બતાવવાની કળા ફેલાવીને જ બેઠા હોય. આમંત્રણ સાથે મસમોટી રકમ ઑફર થઈ હોય ત્યારે જ આવે. એના સંચાલન કરનારા પણ મસમોટી રકમ લેતા હોય છે. આટલો મોટો ખર્ચો કોઈ સાહિત્યની કે ભાષાની સેવા માટે કરે ખરો ? આ ધંધો નથી તો બીજું શું છે ? વિચારજો…
એટલું જ નહીં આવા લોકોને પ્રમોટ કરવા માટે થઈને આગોતરા જ આખી ગેંગ બનાવવામાં આવે. અને પછી આ ગેંગ દ્વારા બધે એ હરખપદુડીનો સિક્કો જમાવવા મોટા મોટા આયોજનો થાય. એવા આયોજનોમાં જવું જોઈએ. જેથી એમની માનસિકતા સમજી શકાય. એકાદવાર તો જવું જ જોઈએ. પણ હા, ખૂણો પકડીને ચૂપચાપ બેસવું, કેમ કે શું ખબર ? તમને પણ એ બુટ્ટી ચઢાવી દે ! એટલે સાવધાની સાથે જવું. અને એમના આ બુટ્ટી પીધેલા ભક્તો સાથે ચર્ચા કરવી. એ બધું રહસ્ય બહાર ઉલટી કરી દે ! બિચારા ભોળા ભોદાઓ…
મને તો આશ્ચર્ય એ વાતનું થાય કે આવા ભોદાઓથી પણ લોકો પ્રભાવમાં આવી જાય ?
પણ હા, આ જ તો છે, માર્કેટિંગ સિસ્ટિમ !
મોટાભાગે મેં જોયું છે કે આવા સંમેલનોમાં જનારા લોકોને ખાસ અંગ્રેજી કે અન્ય ભાષાનું જ્ઞાન હોય નહીં ! અને ઉપરથી એ લોકો ત્યાં જાય એટલે એમને માનનો ભરપૂર ખોરાક આપવામાં આવે. મતલબ, બાબાજીની બુટ્ટી આપવામાં આવે. માનના નશામાં ભરમાઈ ગયેલા લોકો આ હરખપદુડીઓને માથે બેસાડીને ફેરવ્યા કરે. અને બૅક ગ્રાઉન્ડમાં પેલું “બાબાજી કી બુટ્ટી…” જેવું જ ચાલતું રહે કેમ કે નશો ઉતરી જાય તો પેલી હરખપદુડીને માથેથી ફગાવી શકે… એટલે માનની બુટ્ટીના ડૉઝ આપવાનું ચાલુ જ રહે.
એટલે એના પ્રચારકો વધે છે. જે ન હોય એવા વખાણ થાય એટલે શરૂઆત થાય પ્રભાવવાદી વિવેચનની ! એ લોકોમાં મેં એવા ગંડુંઓમાં એક મહત્વનું લક્ષણ જોયું કે એમના વિરુદ્ધ કશું પણ બોલો એટલે આખી ગેંગ તમારા વિરુદ્ધ આવી જાય… મતલબ એમની એકતા ! એકતા એટલે પેલી રૂપાળીઓ નહિ હો ! રૂપાળીઓની તો આખી વાત જ અલગ છે. એમાં સાથે પેલી બુટ્ટીવાળા નશાખોર પણ સાથે હોય. આખી ગેંગ વિરોધ કરનારનો ઉધડો લેવામાં લાગી જાય એટલે બાકીના લોકો પણ બોલે નહિ. બિચારા ઉંમરના પડાવે પહોંચેલા હોય અને એવા ઉંમરલાયકો કે જે બોલી શકે એમ હોય પણ એમની એક નાલાયકી હોય ! જે આગળ કહ્યું એમ પેલી રૂપાળીઓએ એમની નસ દબાવેલી હોય.☺️ મતલબ,હનીટ્રેપ જેવું…😀⚡ બધું હનીટ્રેપ ન હોય ક્યારેક તો બિચારી ઘણી એમાં ફસાઈ જતી હોય. અને એમનો પ્રસ્તાવ ઠુકરાવી દે છે. એવી વીરાંગનાઓ જૂજ હોય છે. પણ હોય છે, માટે બધું હનીટ્રેપ જ હોય છે એમ હું માનતો નથી. પણ આવી હકલટ બુદ્ધિના લોકો માટે આપણી જનરેશન પાગલ બને કે વાહ શું ખવિ છે ! હદ તો ત્યાં થાય કે એની ભીનીસુકોમળ લાગણીઓથી દુનિયાને કે લોકોની માનસિકતા સંબંધિત કોઈ ફરક પડતો નથી એવા વાહિયાતગીરીની કક્ષાના સાહિત્યને યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પણ સ્થાન મળે.
આમ આપણા સાહિત્યની આજની હકીકત એવી છે કે લોકો સાહિત્યના નામે ધંધો કરતા થઈ ગયા છે. કેટલાકને પ્રોફેસર બનવું હોય, તો કેટલાકને મહાનાટકબાજ બનવું હોય. દરેકને કોઈપણ ભોગે ઉપર જ જવું છે. એટલે એ લોકો એમનો ધંધો મંદો ન પડે એનું ખાસ ધ્યાન રાખે છે. પેલી બુટ્ટીના સહારે લોકોને અવિરતપણે ભરમાવે છે કે અમે તો સાહિત્યની સેવા કરીએ છીએ ! કેટલાકને એનાથી પણ સંતોષ ન થયો… છેંહ ! બસ્ય… ખાલી સાહિત્યની જ સેવા ? એટલે એમણે ઉમેરો કર્યો કે અમે તો ભાષાની સેવા કરીએ છીએ. અને આમ પેલી વંશપરંપરાગત પ્રથા પડી કે બાબાજીનો બેટા અને બેટાનો બેટો અને ગુરુનો ચેલો અને ચેલાનો ચેલો હવે નવું જાણ્યું કે એ ચેલાઓ અને ગુરુઓના પરિવાર માટે પણ સેટિંગ થઈ રહ્યા છે. આ આપણા માથે સાહિત્યના નામે પોદળા થાપી રહ્યા છે.
કેમ કે આપણને પેલી એમના તરફથી મળતી માનની બુટ્ટી જોઈએ છે. એની આપણને લત લાગી ગઈ છે. આપણે એમના પોદળા માથે લઈ શકીએ એટલા તો નશામાં ધૂત ન થવું જોઈએ. બોલો શું માનવું છે તમારું ?
મને GPSC ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરના ઇન્ટરવ્યૂમાં એક તજ્જ્ઞએ સવાલ કરેલો કે નર્મદ વધારે મહાન કે દલપતરામ ? ત્યારે મેં એમને જવાબ આપેલો કે નર્મદ વધારે મહાન ! એ તજ્જ્ઞએ મારા જવાબ ઉપર વાંધો ઉઠાવ્યો કેમ કે એમને દલપતવિદ્યા વધારે ગમતી હશે.
ત્યારે મેં જવાબમાં જણાવેલું કે દલપતરામ સાહિત્યની સેવા માટે પોતાની નોકરી છોડવા તૈયાર નહોતા અને પછી વધારે પગાર મળશે એમ જાણવા મળ્યું ત્યારે એ પગારદાર તરીકે જોડાયા હતા. એમની સાહિત્યસેવા પૂરતી તુલના કરીએ, તો પણ નર્મદ બે ડગલાં આગળ જ રહે છે.
ટૂંકમાં તમે પણ સમજી જ શકો છો કે મોર પીંછા ફેલાવીને કળા બતાવીને કહે કે હું જ મોટો છું અને મારા જેવી કળા કોઈની નથી ! તો પછી આપણને ભરતનાટ્યમ્ જેવી બીજી નૃત્યકલાની જરૂર જ ન પડતી.
આજે તમે જોઈ શકો છો કે ઘણા મહાનાટકબાજ મોર બજારમાં આવ્યા છે જે સાહિત્યની સેવા કરીએ છીએ ! કે ભાષાની સેવા કરીએ છીએ ! એમ બરાડા પાડીને એમનો ધંધો ચલાવી રહ્યા છે !
એટલે જ તમે પેલા “કલમ તારે ખોળે છઉં” એમ કરીને સહિત્યની સેવા માટે નોકરી છોડનારા વીરકવિ નર્મદના વાળ બરાબર પણ નથી ! અને ખાસ નોંધવા જેવી વાત કે એ સમયે સાહિત્યની સેવા એટલે સાથોસાથ લોકોનું માનસઘડતર કરવું. અંધશ્રદ્ધા અને જડતા દૂર થાય એવું પણ લખવું. આજકાલ તો બધે ભીની લાગણીઓ જ વ્યાપ્ત છે. એટલે ટૂંકમાં એટલું કહીશ કે આ બુટ્ટી ધરનારાઓથી સાવધાન રહો. અને આજકાલ તમે નોકરી ના છોડો તો પણ વાંધો નથી, પણ કમસેકમ આમ તૂતડી વિદ્યા ચલાવવાનું બંધ કરશો ને ! તો પણ સાહિત્યની મોટી સેવા ગણાશે.
-જયેશ વરિયા
24-05-2020
Leave a Reply