મજાજ લખનવી એક એવો કવિ જે જીવતેજીવ બદનામ તો થયો, પણ મૃત્યુ પછી ય અમર થવા માટે બદકિસ્મત નીવડ્યો…
1955ના ડિસેમ્બર મહિનાની થીજવી નાખતી એ બોઝિલ સવાર પડી. લખનૌનું એક શરાબખાનું રાબેતા મુજબના સમયે ખુલ્યું. સફાઈ કામદારો નિયમિત ક્રમ મુજબ સફાઈ કરતા કરતા શરાબખાનાની અગાસીએ ચડ્યા, તો જોયું કે એક ચિક્કાર શરાબ પીધેલો માણસ ઠંડીમાં ઠૂંઠવાય ગયેલી હાલતમાં ગંભીર થઈને પડ્યો છે. પછી તો કોલાહલ થતા અમુક માણસો ભેગા થઈ ગયા, અને કોઈએ એ શરાબીને ઓળખી કાઢ્યો….’ અરે, આ તો પ્રખ્યાત શાયર મજાજ લખનવી છે!’ અફસોસ, કે હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે એ પહેલાં જ કમનસીબ ‘મજાજ’ પરલોક સિધાવી ગયા.
આપણા ગુજરાતી ગાલિબ એવા ‘મરીઝ’ની પુણ્યતિથિ હતી એ જ તારીખ 19મી ઓક્ટોબર, 1911ના રોજ ફૈઝાબાદ શહેરની નજીકના એક નાનકડા ગામમાં બહુ નામદાર સરકારી વકીલ ચૌધરી સિરાઝ ઉલ હકને ત્યાં એક દીકરા નામે અસરાર ઉલ હકનો જન્મ થયો. બાપનું સપનું હતું કે દીકરો એન્જીનીયર બને અને કુટુંબને વધારે વગદાર બનાવે. પણ દરેક માણસ પોતાનું કિસ્મત લઈને આ દુનિયામાં આવતો હોય છે. એમ જ આ અસરાર આગ્રા ભણવા તો ગયો. પણ ઇજનેરી વિદ્યાને બદલે તત્કાલીન કવિઓને રવાડે ચડીને કવિતાઓ લખતો થઈ ગયો.
શરૂઆતમાં ‘શહીદ’ ઉપનામથી ગઝલના શ્રીગણેશ શરૂ કર્યા પછી જ્યારે આગળ ભણવા અલીગઢ આવવાનું થયું, ત્યારે હિન્દુસ્તાનના સદનસીબે (પણ ભવિષ્ય જોતા અસરારના બદનસીબે!) આ યુવાનની ઉઠકબેઠક મંટો, ચુગતાઈ, જાં નિસાર અખ્તર જેવા ધુરંધરો સાથે શરૂ થઈ. પછી તો શું હતું! આ અસરારના સર પર શાયરીઓની ધૂન સવાર થઈ. પ્રેમલાપ્રેમલીની શાયરીઓનો ઉર્દુમાં હંમેશાથી દબદબો રહેલો, પણ આઝાદ ભારતના ખ્વાબ જોવામાં ઘણા ક્રાંતિકારી યુવાનોની જેમ આના મનમાં પણ ઈંકીલાંબી અસરો આવતી ગઈ. અને અસરાર ઉલ હકમાંથી એક 1940 આસપાસની શાયરીઓની દુનિયા હલાવી નાખે એવો એક શાયર ‘મજાજ’ મેદાનમાં આવ્યો.
પણ કહેવાય છે કે કલાકારોને કિસ્મત દુઃખ ના આપે તો એ પોતે જ પોતાના જખ્મો ખોતરીને દર્દ ઉભું કરી લેતા હોય છે. આ ‘મજાજ લખનવી’ 1935માં રેડિયો સ્ટેશનમાં નોકરી માટે દિલ્હી આવ્યા. અને કોઈ ‘જોહરા’ને દિલ દઈ બેઠા. (જોહરા, ખરેખર કોણ હતી ને નામ હતું શું! એ પણ ખાસ જાણીતી વાત નથી.) પણ જોહરાના પ્રેમમાં ઊંઘેકાંધ પડ્યા પછી મજાજની અંગત જિંદગીમાં પડતી શરૂ થઈ. કદાચ જોહરા માટે જ આપણા આસીમ રાંદેરીની માફક મજાજે લખ્યું હશે કે…
दफ़्न कर सकता हूं सीने में तुम्हारे राज़ को
और तुम चाहो तो अफ़्साना बना सकता हूं मैं
દર્દભરી શાયરીઓ લખતા લખતા એ શરાબના નશામાં બહુ ઊંડા ખૂંપતા ગયા.એક પછી એક દોસ્તો, સ્વજનો દૂર થતા ગયા. કોઈ એના શરાબી સ્વભાવથી કંટાળી ગયું, તો કોઈ એની ચડતી લોકપ્રિયતા સહન ન કરી શક્યુ. એક દિવસ આવી જ કોઈ તડપમાં દિલ્હી છોડતી વખતે મજાજે લખ્યું કે…
रूख्सत ए दिल्ली! तेरी महफिल से अब जाता हूं मैं
नौहागर जाता हूं मैं नाला-ब-लब जाता हूं मैं
કલાકારોની ચડતી પડતી બહુ મહત્વની નથી. એ તો સદીઓથી ચાલતું આવ્યું છે. પણ શાયર જો ‘મજાજ લખનવી’ જેવો લોકપ્રિય હોય, તેજતરાર હોય, અને ઉપરથી પાછો રૂઢિવાદી મુસ્લિમોને ચાબખા ફટકારનારો હોય તો એ ઘણા અદેખાઓની આંખમાં ખૂંચે એ સ્વભાવિક છે. મજાજનો મિજાજ જુનવાણી મઝહબપરસ્ત મુસ્લિમોને બહુ ખૂંચતો. એમાં પછીથી શરાબનું કલંક ઉમેરાયું. બસ, થઈ રહ્યું. લોકોએ અફવાઓ-હકીકતો મસાલાઓ ભભરાવીને સમાજમાં ફેલાવવું શરૂ કર્યું. લખનૌમાં મજાક થતી કે મજાજ શરાબ નથી પીતો, પણ શરાબ મજાજને પીએ છે.
છતાંય મજાજની લોકપ્રિયતા જેવી તેવી નહોતી. કહેનારાઓ આજે પણ કહે છે કે છોકરીઓ એના હેન્ડસમ ચહેરા પાછળ પાગલ હતી. એની શાયરીઓ ગર્લ્સ હોસ્ટેલોમાં વગર સોશિયલ મીડિયાએ વાઈરલ થતી. એકવાર લેખિકા ઇસ્મત ચુગતાઈએ મજાક કરતા કહ્યું કે ‘છોકરીઓ મજાજને બહુ જ પ્રેમ કરે છે.’ હાજરજવાબી મજાજે આંખ મિચકારતા કહ્યું કે ‘હા, પણ લગ્ન પૈસાદાર સાથે કરે છે.’ ત્યારે પોતાની એકલતા માટે મજાજે લખ્યું કે…
ख़ूब पहचान लो असरार हूं मैं
जिन्स-ए-उल्फ़त का तलबगार हूं मैं
મશહૂર અભિનેત્રી નરગીસ પણ મજાજની કલમના આશિક હતા. એકવાર એ મજાજનો ઓટોગ્રાફ લેવા પહોંચ્યા ત્યારે ઓટોગ્રાફ આપતી વખતે મજાજે નરગીસના દુપટ્ટા સામે જોયું. અને ઉર્દુ શાયરીઓમાં ટોપ હન્ડ્રેડ શેરોમાં આજે પણ જે ગૂગલ પર આસાનીથી મળી રહે છે એવો અમર શેર લખાયો.
तेरे माथे पे ये आंचल तो बहुत ही ख़ूब है लेकिन
तू इस आंचल से इक परचम बना लेती तो अच्छा था
આ બધી હળવાશની પળો ને દોસ્તોની મહેફિલો વચ્ચે પણ મજાજે પોતાની એકલતા સ્વીકારી લીધેલી. દિવસભર શરાબના નશામાં ચકચુર રહેતા મજાજની ફિકર ઘણા દોસ્તોને થતી. પણ મજાજ હવે લા-ઈલાજ હતા. તબિયત લથડવા માંડી હતી. હેન્ડસમ ચહેરો હવે ફિક્કોભપ થઈ રહ્યો હતો. એકબાજુ નાની મોટી બિમારીઓથી ત્રસ્ત, તો બીજીબાજુ પોતાના જ સંબંધીઓ-સમાજ ને ઘણા દોસ્તો એની લોકપ્રિયતાથી છળી મરતા અને મજાજની પડતીથી રાજીના રેડ થઈ જતા.
1955 આસપાસ મજાજ શરાબ છોડી ચુક્યા હતા. ધીમે ધીમે દોસ્તોની વિનવણીઓ ધ્યાને લેતા થયા હતા. ચુગતાઈએ એકવાર કહેલું કે તારી અડધી જિંદગી છોકરીઓએ બરબાદ કરી ને બાકીની અડધી શરાબે! કદાચ આવા દોસ્તોની સાચી લાગણીને કારણે જ મજાજ શરાબને અલવિદા કહી શક્યા હશે!
પણ ડિસેમ્બરની એક થીજવતી સાંજે અમુક દોસ્તો મજાજને જબરદસ્તી આગ્રહ કરીને શરાબખાનામાં લઈ ગયા. (એ દોસ્તો કોણ હતા એ વિશે પણ આધારભૂત માહિતી મળતી નથી.) ચિક્કાર શરાબ પીવડાવ્યા પછી મજાજને અગાસીએ નશાની હાલતમાં છોડી આવ્યા. અને સવારે શરાબખાનું ખુલતા જ સફાઈ કામદારોએ જોયું કે….
अब इसके बाद सुबह है और सुबह-ए-नौ
मजाज़, हम पर है ख़्तम शामे ग़रीबाने लखनऊ’
Bhagirath Jogia
Leave a Reply