Sun-Temple-Baanner

Exclusive Gossip | Jimil Suthar : A tribute artist of Michael Jackson


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Exclusive Gossip | Jimil Suthar : A tribute artist of Michael Jackson


એક્સક્લુઝીવ ટોક વિથ જીમીલ સુથાર

( ઈમ્પર્સનેટર / ટ્રીબ્યુટ આર્ટિસ્ટ ઓફ માઈકલ જેક્શન – ધ કિંગ ઓફ પૉપ )


આજે આપણે ચર્ચા કરવાના છીએ એક એવા વ્યક્તિ સાથે જેમનું જીવન માઈકલ જેક્શનના મૃત્યુ પછી ભારતના તેમજ વિશ્વના ખૂણે ખૂણે પડઘાયેલી MJની ગુંજના કારણે પાટા પર ચડ્યું. એટલે વાત જરા એમ છે કે, એ સમયે ભારતમાં હજુ બહુ ઓછા લોકો જ હશે કે જે માઈકલ જેક્શન વિશે વધુ જાણતા હતા. પણ જ્યારે એમનું નિધન થયું ત્યારે જ જાણે દુનિયામાં એમનું નામ વાયરાની જેમ ફેલાઈને ગુંજી ઉઠ્યું હતું. વારંવાર ચાલેલી ન્યુઝ ચેનલોની ડીબેટો અને શ્રધાંજલિ માટેના અવનવા કાર્યક્રમો દ્વારા માઈકલ જેક્શને માર્યા પછી જાણે લોક હદયમાં આખુય આયખું આબાદ જીવી લીધું. દરેકના મનના ઊંડાણમાં આ નામ સાથે જ જાણે કોઈ સલ્તનતના સુલતાન આવતા હોય એવી રાજાશાહી ઠાઠ સાથે રોલ્સ રોયલમાંથી ઉતરતો સ્ત્રી જેવો ગોરો ચહેરો ઉપસી જતો હતો. અઢળક સર્જરીઓ પછી મેળવેલ ગોરો વાન અને સ્ત્રી જેવા જ લાંબા વાળ. એમની ભવ્યતા જ જાણે અમુક સમય પછી એમની ઓળખ બની ચુકી હતી… એ જ માઈકલ જેક્શન કે જે કિંગ ઓફ પોપ બનીને ઇતિહાસના ભૂતકાળમાં અંકિત થઇ ગયા.

માઈકલ જેક્શન એટલે મુનવોકર… એક એવું નામ જે પૉપ સિંગર તરીકે કહો કે અનબિલિવેબલ મુવમેન્ટ્સ દ્વારા ડાન્સર પ્રતિભા તરીકે ગણાવો તો પણ ન ભૂતો ન ભવિષ્યતિ. જેણે બીલી જીન વાળા સોંગમાં મુનવોક અને સ્મૂથ ક્રિમીનલમાં એન્ટી ગ્રેવિટી સ્ટેપ જેવા લાઇવ પરફોર્મન્સ દ્વારા દુનિયાના લાખો ખેરખાઓને વિચારતા કરી મુક્યા. એક એવો વ્યક્તિ જેણે રંગભેદ સામે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા સ્ટ્રગલ કરી. એક એવો વ્યક્તિ જેણે પોતાના પૉપ સોન્ગ અને ડાન્સ દ્વારા દુનિયાને પોતાના ચરણોમાં ઢળી જવા માટે મજબૂર કરી દીધી. જેના કોન્સર્ટ અરબો કરોડોમાં યોજાતા અને વેચાતા. એક એવો વ્યક્તિ જે રાજાશાહી ઠાઠ સાથે જ એન્ટ્રી કરતો… એક એવો વ્યક્તિ જે એક નજરે તો સાવ સ્ત્રી જેવો પણ લાગતો… એક એવો વ્યક્તિ જેણે ગોરા બનવા ચહેરા પર અઢળક સર્જરીઓ કરાવી… એક એવો વ્યક્તિ જેને ગે તરીકે પણ જોવામાં આવ્યો અને ચાઈલ્ડ એબ્યુસર તરીકે પણ… ( જો ઊંડાણમાં જઈએ તો એના ક્રિટિક્સ પણ છે, અને અઢળક સકારાત્મક કુશળતાના રિવ્યુઝ પણ છે. જે દરેક વ્યક્તિના હોય જ છે.)

તો હવે આપણે શરૂ કરીએ ધ બિગ ફેન ઓફ માઈકલ જેક્શન અને માઈકલ જેક્શનના ટ્રીબ્યુટ આર્ટિસ્ટ જીમીલ સુથાર સાથે…


Round – 1


★ તમારી સામાન્ય વ્યક્તિ અને ઉભરતા ટ્રીબ્યુટ આર્ટિસ્ટ ( એક પ્રકારે માઈકલ જેક્શનના સ્ટેપ્સ પર ઓન ફ્લોર ડાન્સ કરતા આર્ટિસ્ટ ) વચ્ચેની સફર વિશે જણાવો. ટર્નિંગ પોઇન્ટ કે જ્યાંથી તમે સામાન્ય વ્યક્તિ મટીને ડાન્સ તરફ વળ્યા…
~ શરૂઆત સાવ અજાણ વ્યક્તિ જેવી જ કહી શકાય. હું માઈકલ જેક્શન વિશે ત્યાં સુધી કઈ જ નહતો જાણતો, જ્યાં સુધી એમના નિધનના સમાચાર ટીવીમાં વારંવાર મારા ધ્યાનમાં ન આવ્યા. એમને શ્રદ્ધાંજલિ આપવા અને ન્યુઝ દરમિયાન એમના ડાન્સની કલીપો પણ ચાલ્યા કરતી. હું સમાચાર પણ જોતો અને ડાન્સ પણ… મને એ અનબિલિવેબલ સ્ટેપ્સ જોવા ગમતા હતા. હું એ વખતે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હતો, કદાચ ત્યારે જ મને પ્રથમ વાર ખબર પડી કે કોઈ આવો ડાન્સર પણ હતો. એ સ્ટેપ્સ જોઈને એમ મને જરા સરખી પણ ખબર ન પડતી. કદાચ હું એ બધું ભૂલી શકત જો ન્યુઝ ચેનલો વારંવાર એ જ રિપીટ ન કર્યા કરતી હોત. હું બસ દરેક નવા મથાળાઓ સાથે એ દિવસે માઈકલ જેકસનના મુવ્સને ટીવીમાં જોતો રહ્યો.

( હા, માઈકલ જેક્શન વિશ્વનો અત્યાર સુધીનો એક માત્ર કિંગ ઓફ પૉપનું બિરુદ પામનારો વ્યક્તિ છે… એના નામ માત્રથી જ એના સ્ટેપ્સ આજે પણ લોકોનાં આંખો સામે જીવંત બની જાય છે. મને તો એની રાજાશાહી ઠાઠ સાથેની એન્ટ્રી પણ હમેશા હેરાનીમાં મૂકી દેતી હતી. એક રીતે હું એના ડાન્સ કરતા વધુ એના એન્ટ્રન્સ સ્ટાઈલનો ફેન હતો. )

દિવસ દરમિયાન જ્યાં જુઓ ત્યાં ન્યુઝ ચેનલો પર એમના સોન્ગ અને ડાન્સ સીવાય કાઈ જ જોવા ન મળ્યું. અને અંદરથી ક્યાંક જાણે મને પણ એના ડાન્સમાં રસ પડવા લાગ્યો. સૌપ્રથમ તો મેં MJનું ડેન્જરસ સોન્ગ જોયું, કારણ એની એક જ કલીપ ન્યુઝ પાછળ વારંવાર ચાલી રહી હતી. ત્યાર પછી બીલી જીન નામના ડાન્સમાં થતું મૂનવોક પણ મેં જોયું અને હું સાવ અચંબિત જ રહી ગયો. પછી એ વારંવાર જોઈને મને કોઈ જાદુ જેવું જ લાગવા લાગ્યું. કારણ કે એ સામાન્ય વ્યક્તિ માટે કરી શકવું લગભગ અશક્ય જેવું જ હતું. કારણ કે પગ જમીનના સમાંતર રહીને ઉપડ્યા વગર પાણીના રેલાની જેમ પાછળ ખસવું… મને આ જ સ્ટેપ એટલી હદે ગમ્યું કે હું એ સ્ટેપને વારંવાર જોતો રહ્યો. સાલું આ વ્યક્તિ આમ માન્યામાં ન આવે એવું જાદુઈ રીતે આગળ પાછળ કેવી રીતે થઈ શકે…? વારંવાર એટલે જોતો રહ્યો કે મારે તો એ જાણવું છે કે આખર આ વ્યક્તિ કરે છે શું…? પણ મને વારંવાર જોવાથી ફૂટવર્ક વિશેનો બેઝીક આઈડિયા સમજાયો. પણ વાસ્તવિકતા અને સમજમાં ઘણો ફેર હોય છે. છતાંય મેં એ કરવા પ્રયત્ન કર્યો. મહેનત પડી પણ અંતે હું એમ કરી શક્યો. શરૂઆતમાં થોડુંક આગળ પાછળ થતા જ મને લાગ્યું કે આવડી ગયું. પણ વાસ્તવમાં હું માત્ર એનો બેઝીક આઈડિયા જ જાણી શક્યો હતો, પણ શરૂઆત તો ધીમી જ હોય. આ પછી રોજ રાત્રે હું મારા રૂમમાં એની પ્રેક્ટિસ કરતો, અને મને એમ સુધાર અનુભવાતો રહ્યો. જો કે મેં માત્ર મૂનવોક જ શીખ્યું હતું એટલે આગળ વધવા ગીતો સાંભળવાના પણ શરૂ કર્યા. ૨૦૦૯ દરમિયાન હું સામાન્ય એક ચાહક તરીકે મૂનવોક કરતો અને ગીતો સાંભળતો. કારણ કે મને ત્યાં સુધી માત્ર એ એક જ મુવ આવડી હતી.

( સરસ, એટલે કે આ સફરમાં એક પડાવ તમે મેળવી જ લીધો હતો. સફર હમેશા ધીમી હોય છે, પણ એની ગતિ ત્યારે ઝડપી બને જ્યારે સતત આપણે ચાલતા રહીએ. કાચબા અને સસલાની વાત તમે જરૂર સાંભળી જ હશે… આમ પણ મુનવોક વિશે જ્યારે તમે જોયું ત્યારે તમને તો એ પણ જાણ નહિ જ હોય કે આ સ્ટેપને મુનવોક કહેવાય છે. કેવું લાગે જ્યારે તમને એ વસ્તુ ગમી જાય જેના વિશે તમે કઈ જાણતા જ નથી, બસ એટલું જ કે એણે જોઇને એ ગમી જાય. )

ત્યાર પછી કોશિશો ચાલતી રહી. છેક ૨૦૧૬ના જુલાઈ ઓગસ્ટમાં કોલેજમાં વાર્ષિકોત્સવનું આયોજન થયું. મેં ચાહક તરીકે માઈકલ જેક્શનનો ડાન્સ કરી ટ્રીબ્યુટ જેવું આપવા માટેનું આયોજન કર્યું. મને થયું જેટલા વધુ લોકો સુધી હુ આ વ્યક્તિના ટેલેન્ટને રજૂ કરી શકું, એટલા સુધી આ વ્યક્તિની ખ્યાતિ દર્શીત થશે. પણ ત્યાર સુધી મૂનવોક સુધી કોઈ ખાસ સ્ટેપ હું બરાબર નોહતો કરી શકતો, એટલે મેં એ આયોજન મનોમન પડતું મૂક્યું. કારણ કે મને આવડ્યા વગર હું કરીશ શુ…? પણ, હા મેં નક્કી કરી લીધું હતું કે હવે હું બધા જ મુવ્સ શીખવા પ્રયત્નો શરૂ કરીશ…

ઘરે આવીને MJના ગીતો શોધવા પ્રયત્નો કર્યા. એ સમયમાં V1 કરીને ચેનલ આવતી અને સદનસીબે માઈકલ જેક્શનના ગીતો જ ત્યારે વીડિયો સહિત મળી ગયા. કદાચ ત્યાં કોઈ MJ સેલિબ્રેશન વાળો કાર્યક્રમ ચાલતો હતો. આ ઇત્તેફાક જોઈને મને થયું કદાચ ઈશ્વર પણ મને આ જ માર્ગ બતાવી રહ્યો છે. મેં એ જોઈને નક્કી કરી લીધું કે મારે વીડિયો જોઈને જ શીખવું પડશે. એ વખત દરમિયાન જ હું સ્પિન કરતા પણ શીખ્યો.

બીજા દિવસે વાર્ષિકોત્સવ માટેના પ્રેક્ટિસ રૂમમાં મેં ઓનલાઈન વીડિયો જોઈને ડેન્જરસ વાળું સોન્ગ શરૂ કરી ડાન્સ કરવાનું નક્કી કર્યું. મેં એની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી. ત્રણ દિવસ સતત પ્રેક્ટીસ કરવાથી કે કોણ જાણે કેમ પણ ત્યારે હું બીમાર પડ્યો. એટલે અનિચ્છાએ હું વાર્ષિકોત્સવમાંથી ડ્રોપ આઉટ થયો. હવે મારુ જૂનુન વધ્યું મેં ફરીથી ઘરમાં જ પ્રેક્ટીસ શરૂ કરી દીધી. ત્યારે કંઇક નવું શીખવાનો ઉત્સાહ પણ હતો. એવો સમય પણ આવ્યો જ્યારે મને લાગતું હતું કે મેં બહુ મોટું કામ હાથમાં લઈ લીધું છે.

છેવટે મેં નક્કી કર્યું કે એક મહિનો હજુ મહેનત કરી લઉં, જો છતાંય કોઈ ઇમપ્રુવમેન્ટ ન આવે તો પછી બંધ કરી દઈશ. પણ સમય સાથે પરફેક્શન આવતું રહ્યું, એટલે તપાસવા માટે મેં નાનકડો એક વિડીયો બનાવ્યો. આ વીડિયો દ્વારા મને ૧૫૦૦થી વધુ વ્યુ અને ૧૦૦ કરતા વધારે કમેન્ટ દ્વારા રીવ્યુ મળ્યા. મેં ફરી પ્રેક્ટિસ બે મહિના માટે લંબાવી અને ફરી વિડિઓ બનાવ્યો. એ વીડિયો વધુ પરફેક્શન સાથેના સ્ટેપ્સમાં હતો. એમાં ૩૦૦૦ કરતા વધારે વ્યુ મળ્યા. ત્યાર પછી ફેસબુક દ્વારા હું વિડિઓ અપલોડ કરતો રહ્યો. વિડિઓ દ્વારા ફોરેઇનર લોકો સાથે પણ સંપર્કો થાય. પણ ઊંડાણમાં એ પણ જાણવા મળ્યું કે MJ સ્ટાઈલની આજકાલ ભારતમાં વેલ્યુ નથી રહી. રિલેટિવ અને ઘણા મિત્રો દ્વારા પણ એ જ સૂચન મળ્યું કે તું કઈક બીજું કર આમાં કાઈ નહિ થાય. પણ મેં અંદરો અંદર નક્કી કરી લીધું કે મારે આ જ કરવું છે, અને જે વેલ્યુ નથી રહી એને પણ પાછી લાવવી છે.

( વાહ… ભુલાતા વિસરાતા પ્રવાહમાં સામી ધારે વહેવું અઘરું છે, પણ અશક્ય નથી. એટલે તમારું આ નિર્દેશિત કરેલું વિધાન પણ મુશ્કેલ ભલે હોય, પણ અશક્ય તો નથી જ… આ આત્મવિશ્વાસ ખરેખર મને ગમ્યો.)

તમે કદાચ હજુ મને ડાન્સર જ સમજો છો. પણ જ્યારે આપણે કોઈની કોપી કરતા હોઈએ તો આપણે ઇમ્પર્સનેટર કે ટ્રીબ્યુટ આર્ટિસ્ટ જ કહેવાઈએ…

મેં નેટ ઉપર જોયું હતું, કે ત્યાં જેટલા પણ MJ ડાન્સર છે, એમના મુવ્સ પરફેક્ટ નથી. ભારતમાં આવા ટ્રીબ્યુટ આર્ટિસ્ટ બહુ ઓછા છે. એટલે મેં નક્કી કર્યું કે માર્ગ અઘરો ભલે હોય પણ મારે આ જ માર્ગે ચાલવું છે… આ જ મારો ગોલ છે હવે… ઇન્ડિયાના પ્રથમ કક્ષાના MJ ટ્રીબ્યુટ આર્ટિસ્ટ બનવાનો…

બસ ધ્યેય નક્કી થતા જ હું મહેનતે લાગી ગયો. એટલે સુધી કે છ સાત મહિના માટે તો મેં ફેસબુક અને વોટ્સએપ જેવા મીડિયમો પણ વાપરવાના બંધ કરી દીધા.

( અરે વાહ… આ વાતચીત દરમિયાન મને પણ એક નવો વિષય અને શબ્દ મળ્યો. ઇમ્પર્સનેટર અને ટ્રીબ્યુટ આર્ટિસ્ટ… ખરેખર આ શબ્દો મારા જ્ઞાન ભંડોળ માટે જરૂર મહત્વના સાબિત થશે. )

★ તમારું માઈકલ જેક્શન જેવા ડાન્સ તરફ અથવા ડાન્સના શોખ તરફ વળવું એ MJની વિદાયને જ આભારી રહ્યું ને…?
~ હા, એક રીતે એમ પણ કહી શકાય. કારણ કે એ વખતે જ ન્યૂઝની વારંવાર ફ્લેશમાં માઈકલ જેક્શનના ડાન્સ સ્ટેપ્સ જોઈને મને ડાન્સમાં રસ જાગ્યો. કારણ કે MJ અને ડાન્સનું લેવલ શુ છે, એ પણ મને ત્યારે જ ખબર પડી. આ માણસને જોઈને જ મને લાગ્યું કે આ સ્ટેપ્સ અને મુવ શીખવા જોઈએ અને મારું ધ્યાન ડાન્સ તરફ વળ્યું…

★ ઓહ… તો તમને શરૂઆતથી કઈક અલગ દિશામાં જવાનો ઈરાદો હતો
~ આમ જોવા જઈએ તો શરૂઆતથી એટલે કે નાનપણથી જ હું એકલું રહેવાનું પસંદ કરતો, અને મને આમ કંઇક નવું જાણવાની ઈચ્છા થતી. એટલે મને અંદરથી જ એમ થયા કરતું કે કંઈક તો કરવું છે જે બીજા લોકો નથી કરતા… અને અત્યારે કઈક એવું જ કરું છું જે બધા નથી કરતા…

( હા, આજના યુગમાં સફળતા માટે આ પહેલી શરત છે. કે તમે કઈક એવું કરો જે અન્ય લોકો નથી કરતા અથવા નથી કરી શકતા...)

★ આ ટ્રીબ્યુટ આર્ટિસ્ટ અને ઇમ્પર્સનેટર શબ્દો નવા છે… તમે કઈ રીતે…?
~ જ્યારે કોઈ વ્યક્તિના મુવ્સ અથવા સ્ટેપ્સની કોપી કરીને કોઈ ડાન્સ કરીએ ત્યારે એને જે તે મૂળ કાલકારના ટ્રીબ્યુટ આર્ટિસ્ટ અથવા ઇમ્પર્સનેટર તરીકે દર્શાવાય. જેમ હું MJ ઇમ્પર્સનેટર છું. જો કે આ શબ્દો વિશે વધુ જાણવા ઇમ્પર્સનેટર (impersonator) લખીને યુટ્યૂબમાં શોધશો તો વધારે સ્પષ્ટતા મળી જશે. અને જો MJ impersonator લખીને શોધશો તો કદાચ મારો વિડિઓ પણ આવી જશે…

★ તમારી પ્રેક્ટિસ પણ બહુ અઘરી રહી હશે…?
~ હા, રોજ ત્રણ ત્રણ કલાક હું મુવ્સ જોઈ જોઈ પ્રેક્ટિસ કરતો. કારણ કે ગોલ હવે આંખો સામે જ હતો, અને આ ધ્યેય સાથે ભણતર તો ખરું જ. સામાન્ય રીતે ભણતર હંમેશા પહેલા જ હોય એટલે શોખ માટે હું વધારાનો સમય કાઢતો. જેથી કરીને એ સ્ટડીમાં બાધારૂપ ન થાય. જેમકે આ પ્રેક્ટિસ સ્ટડી વર્ક પત્યા પછી રાત્રે ૧૧થી ૧ વાગ્યાના સમય જાગીને કરતો.

અંતે જ્યારે મને લાગવા લાગ્યું કે મારે હવે વિડિઓ બનાવવા જોઈએ. મેં એ પણ કર્યું અને ફેસબુક પર મુક્યાં. જ્યાં મને યૂટ્યૂબ જેવા માધ્યમ દ્વારા ચેનલનો સુઝાવ મળ્યો. મને ત્યારે કોઈ ખાસ સમજ નહિ, એટલે મેં વિડિઓ મુકેલ. આજે પણ jimil sutharr નામે ચેનલ છે જેમાં વિડીયો છે.

★ વાહ… એક રીતે MJ નું પતન એ પણ તમારા માટે એક દિશા સૂચક રહ્યું…
~ હા, વાસ્તવમાં એ મારા માટે માર્ગદર્શક જ રહેશે હમેશા. મારા બધા જ ડાન્સ અને જો હું ભવિષ્યમાં નવા સ્ટેપ અને સ્ટાઈલ્સ શીખીશ તોપણ એ MJને જ ડેડીકેટ રહેશે.

★ તમારા આ ડાન્સના શોખ વિશે… પરિવારનું કેવું મંતવ્ય છે…? આઈ મીન લગભગ આ પ્રકારના શોખમાં પરિવાર વિરોધી હોય છે… એટલે મને લાગે છે, કે અહીં પણ આવા કોઈ ચાન્સ હોય…
~ હજુ એ લોકો ના જ પાડે છે કે તું આ બધું છોડી દે. પણ હવે સમય સાથે એમણે અમુક હદે આ બધું જ સ્વીકાર્યું છે. પહેલા જેટલો વિરોધ નથી. હવે પપ્પાને બધા કહે છે, કે તમારો દીકરો સારો ડાન્સ કરે છે એટલે એ સપોર્ટીવ રહે પણ મમ્મી યથાવત વિરોધે જ…

( હા… દરેક પરેન્ટ્સ સામાજિક દ્રષ્ટિકોણને મહત્વ આપે. પણ અંતે જો તમારામાં સ્પાર્ક હોય તો માની જ જાય છે. મહત્વનું છે યોગ્ય માર્ગનું ચયન અને કરી જાણવાની ધગશ. તો જ તમે દુનિયાને તમારી સામે ઝુકાવી શકો છો. )


Round – 2


અત્યારે તમે શું કરો છો..? સ્ટડી અને જીવનમાં…?
~ ફિલહાલ અત્યારે તો હું મિકેનિકલ એન્જીનીયરીંગ (BE) કરું છે. ખેડબ્રહ્માની આરડેકતા ઇન્સ્ટિટ્યૂટમાં. અને જીવનમાં ડાન્સ પ્રેક્ટિસ સિવાય હાલ તો કઈ જ નવું નથી.

( વાહ મોટા ભાગે એન્જીનીયરો પાસે જ અવનવી કળાઓ જોવા મળે છે. આ પ્રવાહ ઘણા ક્ષેત્રોમાં નામ કરી રહ્યો છે. લેખનમાં પણ આ જ હાલ છે. ચાલો કોઈક તો સ્પેશ્યલ હોવું પણ જરૂરી જ છે.)

★ તો હવે તમારા વિશે, એટલે કે જન્મ… જન્મ સ્થળ… નેટિવ પ્લેસ અને વર્તમાન પ્લેસ વિશે…
~ આ પ્રશ્નોનો જવાબ આપતા પહેલા હું કંઈક ક્લિયર કરી દઉં કે મારી મમ્મીના આ બીજા લગ્ન છે. હું એક કે બે જ વર્ષનો હતો, ત્યારે મારા પપ્પા ગુજરી ગયેલા. લગભગ એના સાત વર્ષ પછી એમના લગ્ન થયેલા એટલે જન્મ સ્થળ તો ગઢા ગામ છે, જે મારા પપ્પાનું ગામ હતું. ત્યાં ૨૯-૧૦-૧૯૯૮માં મારો જન્મ થયેલો. ત્યાર પછી મમ્મીના બીજા લગ્ન પછી અમારું રહેણાંક સ્થળ બદલાયું, ત્યાંથી અમે આગીયોલ ગામમાં આવ્યા અને હવે છેલ્લા ૬-૭ વર્ષથી હિંમતનગરમાં જ રહીએ છીએ.

( જીવનમાં ઘણા ઉતાર ચઢાવના સાક્ષી રહ્યા છો. એટલે જલ્દી ગભરાઈ જવાની કમજોરી તમારા પર હાવી થવાની સંભાવના બહુ ઓછી જ છે. આમ પણ જીવનમાં ઘટતો દરેક પ્રસંગ આપણને કઈક મહત્વનું શીખવાડી જાય છે. પછી એ ઘટના સારી હોય કે નરસી એનાથી અનુભવ પર ખાસ કોઈ ફર્ક નથી પડતો. ભવિષ્ય આ ભૂલો દ્વારા મળતા અનુભવોના આધારે આગળ વધે જ છે. )

★ વારંવાર માઈકલ જેક્શનને જોઈને મળેલી પ્રેરણા એક રીતે ન્યુઝ ટીવીની હિપ્નોટાઇઝ કરતી માર્કેટિંગ નીતિની સફળતા જ ગણાય ને…?
~ એક પ્રકારે તો હું માનું છું, કે તમે બરાબર જ કહી રહ્યા છો. કદાચ પાછળના બધા પ્રસંગો યાદ કરું ત્યારે એમ થાય છે, કે જો એ દિવસે મેં ન્યુઝ પર એ પ્રોગ્રામ ન જોયા હોત તો કદાચ હું જાણી પણ ન શકત કે આવું કોઈ વ્યક્તિત્વ સંસારમાં હતું પણ ખરા. હા, એ દિવસ માટે હું મારા ફુઆને પણ થેંક્સ કહેવા ઈચ્છું છું, કારણ કે એ દિવસે એમણે જ MJના સમાચાર જોવા ન્યુઝ ચેનલો ફંફોસી હતી. બસ આ જ ઘડી હતી, જ્યારે હું MJના વ્યક્તિત્વ વિશે પ્રથમ વખત જાણી શક્યો.

( આ પ્રસંગો યાદ કરવાની પદ્ધતિ સ્ટીવ જોબ્સના કનેક્ટિંગ ડોટ્સ સીસ્ટમ કહી શકાય. જે ભૂતકાળની ઘટનાઓના આધારે ઉજ્જવળ ભવિષ્યની સીડી તૈયાર કરે છે. દરેકની લાઇફમાં આવા ડોટ્સ હોય છે, બસ સમજે છે કેટલા એ મહત્વનું છે. પણ જે સમજી જાય છે એ પ્રગતિ કરે છે. એટલે એક પ્રકારે આ સમજ, સ્ટ્રગલ અને મહેનત આવનારા ભવિષ્યમાં જરૂર પ્રકાશ પાથરશે...)

★ માઈકલ જેક્શન કે જેને તમે બધા જ સ્ટેપ્સ ડેડીકેટ કરો છો. એમના જીવન અને પરિશ્રમ વિશે શું શું જાણો છો…?
~ આ પ્રશ્નનો જવાબ આપવા બેસીસ તો સમય બધો આમાં જ નીકળી જશે. પણ, છતાય જેટલું જાણું છું એટલું જો ટૂંકમાં કહું તો એ કઈક આ પ્રકારે હશે. માઈકલ જેક્શનના માતા અને પિતા બંને મ્યુજિક વિશે જાણતા હતા, પણ MJ જેટલા પ્રખ્યાત ન હતા. અને હા MJના પિતા એક બેન્ડમાં સિંગર હતા. MJને પણ સંગીત વિશેનું જ્ઞાન એમની માતાએ જ આપ્યું. ત્યાર બાદ ૫-૬ વર્ષની નાની એજમાં એમના ચાર ભાઈઓ સાથે મળીને એમણે શો કરવાના શરુ કર્યા. આ ગ્રુપ સમય જતા જેક્શન-૫ તરીકે જાણીતું થયું. આ ગ્રુપમાં માઈકલ જેક્શન સૌથી નાના પણ સૌથી વધુ માહેર હતા. ત્યાંથી એમની સફર શરુ થઇ. ૧૯૭૦માં એમણે પોતાના અલગ ગીતો ગાવાના પણ શરુ કર્યા અને આખરે ૧૯૭૬ કે ૭૭ આસપાસ ‘OFF THE WALL’ નામનો એમનો આલ્બમ બહાર પડ્યો જે સુપરહિટ રહ્યો. અલગ વ્યક્તિત્વની ઓળખ છતાં એમણે એમના ભાઈઓ સાથે શો ચાલુ જ રાખ્યા. એમની સફળતાનો મુખ્ય આલ્બમ ૧૯૮૨માં આવેલો ‘THRILLER’ છે, જે આજ સુધી પણ દુનિયાનો બેસ્ટ સેલિંગ આલ્બમ છે. બસ ત્યારથી MJએ પાછળ વળીને કદી જોયું જ નથી, એમને પગલે દર પગલે સફળતા મળતી રહી. ૧૯૮૮માં એમનો ‘BAD’ આલ્બમ બહાર પડ્યો, જેમાં MJના ડાન્સિંગ સ્કીલ્સ જોઇને લોકોનાં હોશ ઉડી ગયા. ત્યાર બાદ ‘DANGEROUS’ આલ્બમ આવ્યો જેમાં એમની સિંગિંગ સ્કીલ એક અલગ જ અંદાઝમાં દેખાઈ અને ડાન્સિંગ સ્કીલ તો એક અલગ જ લેવલનું સામે આવ્યું. કહેવાય છે કે સફળતા મળે એટલે દુનિયાની નજરો પણ તમારા પર જ વધુ જાય. ઘણી વાર ખોટી વાતો પણ ફેલાય અને MJ સાથે પણ એવું જ કઈક બન્યું. ૧૯૯૪-૯૫માં એમના પર Child molestation નો આરોપ લાગ્યો. બાળકો સાથે બળાત્કારનો આરોપ એમના પર મુકાયો. પણ એમણે હિમ્મત ન હારી, કારણ કે એમને વિશ્વાસ હતો કે એમણે કાઈ ખોટું નથી કર્યું. અને હોઈ પણ કેમ શકે કારણ કે એમણે જીવન ભર બાળકો માટે જ પૈસા ડોનેટ કર્યા છે. પણ લોકો વિશે તો કોણ નથી જાણતુ… એક વાર છાપ પડી એ પડી. લોકોનાં શબ્દો અને રૂમરોના કારણે એમણે સ્ટ્રેસ અને ડિપ્રેશનનું ભોગ બનવું પડ્યું. ઊંઘવા માટે પણ તેઓ દવા લેવા લાગ્યા હતા.

( જીવનની આવી કઠોરતા આજ સુધી મને નથી સમજાઈ કે જીવનમાં આ તત્વ સકારાત્મકતા ગણાય કે નકારાત્મકતા…? જે વ્યક્તિને દુનિયાની નજરે પરમાનંદનો પદાધિકાર ગણાવા છતાં, અંગત જીવનમાં પોતે જ એ વ્યક્તિ જીવનથી ત્રસ્ત હોય છે. આ તો પેલી વાર્તા જેવું છે જ્યાં શેરીમાં રમતો છોકરો સામેના મહેલની ભવ્યતા વાળા જીવનને ઝંખે અને મહેલમાં કેદ થયેલો છોકરો શેરીઓમાં મળતી એ આઝાદીને ઝંખે છે.)

હા કઈક એવું જ, જો કે પાછળથી આ દવાઓ સારવારના સ્થાને આદત ક્યારે બની ગઈ એ પોતે પણ સમજી જ નહી શક્યા હોય. મીડિયા દરેક વખતે એમને સાવ બોગસ સવાલ અને આરોપો દ્વારા સ્ટ્રેસમાં ધકેલી દેતી હતી. છતાય MJએ પોતાની ચેરીટી કરવાની ઉદાર ભાવના ક્યારેય ન છોડી. એમણે દુનિયાભરમાં લોકહિત માટે દાન આપ્યા છે. ૧૯૯૬માં જ્યારે તેઓ મુંબઈ શો કરવા આવ્યા ત્યારે પણ આખા શોની એમણે એક રૂપિયો પણ ફી નોહતી લીધી અને પોતાની આવકના ૮૫% ડોનેટ કરી. મહારાષ્ટ્રમાં ૨ લાખ જેટલી નોકરીઓ ઓપન કરાવવા માટે, કેમકે એ સમયે રોજગારીના અવસરો નામશેષ હતા. સરળતાથી ત્યાં નોકરીઓ જ ન હતી. હવે આવો વ્યક્તિ બાળકો સાથે કઈ રીતે આવું કાઈ પણ કરી શકે, એ મને નથી સમજાતું…? પછી એમના પર ગે તરીકેની છાપ પડી, ભારતમાં આજ પણ મોટા ભાગના લોકો આ જ સત્ય માને છે. પણ, વાસ્તવમાં એવું કાઈ જ ન હતું. કારણ કે માઈકલ જેક્શને બે વખત લગ્ન કર્યા હતા. એમના પ્રથમ લગ્ન જીવન નો સમયકાળ ૧૯૯૫થી ૯૭ સુધીનો હતો, જ્યારે બીજા લગ્નજીવનનો સમયકાળ ૧૯૯૯થી ૨૦૦૨ સુધીનો છે. એમના ત્રણ બાળકો પણ હતા, જેમને તેઓ બહુ જ ચાહતા હતા. આ હતી એમના અંગત જીવનની વાત, હવે ફરી આપણે એમના સફળ જીવનના સ્તર પર આવી જઈએ. લાંબા સમય બાદ એમણે ૨૦૦૧માં પોતાના ‘INVINCIBLE’ આલ્બમ દ્વારા કમબેક કર્યું. જે એમના અન્ય આલ્બમ કરતા ઓછું કમાયો. છતાય એમણે હિમ્મત ન હારી અને ૨૦૦૫-૨૦૦૬ દરમિયાન ચાઈલ્ડ મોલેશ્ટેશન વાળા કેશમાં પણ ફેસલો એમના હકમાં જ આવ્યો. અંતે કાયદાકીય રીતે તેઓ બેગુનાહ સાબિત થયા.

(આફ્ટર ઓલ કિંગ ઈઝ બેક… )

હા… પણ, બેગુનાહ સાબિત થવાની સફર દરમિયાન એમણે જીવનના ઘણા ઉતર ચઢાવો જોયા. એમનો લગભગ કોન્ફિડન્સ ખોળવાઈ ગયો. તમે પણ સમજો છો, કે કોઈ વ્યક્તિનો કોન્ફિડન્સ ખોળવાઈ જાય ત્યારે એની સ્થિતિ કેવી હોય…? છતાય ૨૦૦૯માં ફરી એમણે કમબેક કોન્સર્ટ એનાઉન્સ કર્યું. જેમાં એમણે કીધું હતું કે આ આજ સુધીનું દુનિયાનું સૌથી મોટું કોન્સર્ટ થશે. અને એમણે રીહર્સલ પણ શરુ કર દીધી. એમણે પોતાની બધી શક્તિ એમાં ખર્ચી નાખી હશે, બાકી ૫૦ વર્ષની એજમાં કોઈ આવો ડાન્સ ન કરી શકે. ‘THIS IS IT’ એ એમના કોન્સર્ટનું નામ છે, યુટ્યુબ પર એના વિડીઓ છે. પછી એ રિહર્સલ કરી ઘરે ગયા અને રૂટીન જે દવાઓ લેતા એના કરતા ભૂલથી ડોકટરે વધારે દવા આપી દીધી હશે. એવું પણ કહેવાય છે કે એ રાત્રે દવા આપ્યા પછી પણ એ ઊંઘી નોહતા શકતા, એટલે MJ ખુદ માંગીને દવા લીધી હતી. અને બસ ડોક્ટર બે મિનીટ માટે બહાર જઈને અંદર આવ્યા ત્યાં સુધીમાં MJ સંસાર છોડી ગયેલા. કદાચ એ હાર્ટ અટેક જ હશે…

★ તો આ બધા હતા જેક્શન સાહેબના જીવનના પ્રસંગો… હવે તમારા આ ક્ષેત્રે આગળના પ્લાન કેવા છે…? જીવનમાં આ જ કૌશલ્ય સાથે આગળ વધવાના, કે પછી…??
~ હું ખરેખર આ વિશે કશું જ નથી કહી શકતો. મેં આ કળાને સ્કીલ તરીકે કદી લીધું જ નથી. MJ સ્ટાઈલ એ મારા માટે હેપીનેસની ચાવી છે. મેં આના દ્વારા ક્યારેય ફેમસ થવાનું પણ નથી વિચાર્યું, એટલે જ મેં અત્યાર સુધી કોઈ ઓડીશન પણ નથી આપ્યા. કેમ કે મને રીયાલીટી શો ખાસ પસંદ નથી. હું આ સ્ટાઈલ માત્ર અને માત્ર MJ અને MJ fansને જ સમર્પિત કરી શકું, એટલા માટે કરું છું. જો અન્ય લોકોને પણ આ જોવું ગમે છે, તો યસ આ એમના માટે પણ છે. હું આ સ્ટાઈલ જીવન ભર કરી શકું છું. મારી એક ઈચ્છા એવી પણ છે કે ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં મારે એક વાર ઓડીશન આપવું છે, કેમ કે હું એક ભારતીય તરીકે MJ DANCER ટ્રીબ્યુટ આપવા માંગુ છું. મને એ પણ ચિંતા નથી કે એમાં હું સિલેક્ટ થઇ શકીશ કે નહિ, મેં ત્યાં જઈને ડાન્સ કર્યો એ જ સૌથી વધુ મહત્વનું છે. અને છેલ્લે દુનિયાનું મોટામાં મોટું પ્લેટફોર્મ તો છે જ આ યુટ્યુબ… એટલે મને ખાસ કોઈ ચિંતા નથી ફ્યુચર માટે, કેમ કે હું ક્યારેય આ વસ્તુ છોડીશ નહી.

( વાહ, ઇન્ડિયા ગોટ્સ ટેલેન્ટ સુધી જો સર્જક દ્વારા પહોચાશે તો સર્જક તમારા પડખે જ હશે. હું પણ આ રાહ પર તમારી બનતી હેલ્પ કરીશ. એનીવે તમારે ત્યાં એકવાર જરૂર જવું પણ જોઈએ. જો કે ભારતમાં ટેલેન્ટની કમી નથી, પણ MJના સ્ટેપ્સ બહુ ઓછા લોકોએ શીખી જાણ્યા છે. ઓકે તો આ સવાલ તમને એક ચાહક તરીકે…)

★ Mjનું તમારા મતે ફેવરિટ સોન્ગ આઈ મીન તમને કયું ગીત ગમે એ પણ અને તમારા માટે ક્યાં સોંગને MJ પુરા જોશ અને આનંદ સાથે ભૂતકાળમાં કરી શક્યો હતો…
~ મારા મત મુજબ તો MJનું દરેક સોંગ જે મેં સાંભળ્યું છે, એ મને ગમે છે. પણ એમાય એક સોંગ એવું છે જે ૧૯૮૨માં આવેલા આલ્બમ થ્રીલરમાં હતું. જેનું નામ છે ‘બીલી જીન’ આ સોંગ મારા માટે અકથ્ય જાદુ જેવું છે. કારણ કે આ ગીત સાંભળી મારા કંટ્રોલ બહાર આપોઆપ ડાન્સ થઇ જાય છે. અને જો ડાન્સની દ્રષ્ટીએ કહું તો બીજું ગીત છે ‘સ્મૂથ ક્રિમીનલ’. આ હતી મારી વાત હવે આપણે MJના પરફોર્મન્સની વાત કરી લઈએ.

માઈકલ જેક્શન માટે પણ સૌપ્રથમ બીલી જીન ગીત જ હું કહી શકું. કારણ કે હું માનું છું કે આ ગીત ચાલુ થતા જ માઈકલ જેક્શનને કોઈ કોરિયોગ્રાફર કે કોરિયોગ્રાફીની જરૂ પણ ન પડે. આ એક માત્ર ગીત જ જાણે માઈકલ જેક્શનને પૂરે પૂરો પ્રસ્તુત કરે છે. આ સોંગના લાઈવમાં એ જે કાઈ પણ કરે છે એ બેસ્ટ જ હોય છે. ૧૯૮૩માં આ જ ગીત વખતે એમણે પ્રથમ વખત એમનું જગવિખ્યાત સ્ટેપ મુનવોક સ્ટેજ પર કર્યું હતું. આ પર્ફોમન્સ આજ સુધીમાં દુનિયાના કોઈ પણ આર્ટીસ્ટ દ્વારા અપાયેલા પર્ફોમન્સમાં બેસ્ટ છે. એટલે આ પરફોર્મન્સનું નામ છે… “Motown-25 : yesterday, today and forever”

★ સ્મૂથ ક્રિમીનલ વાળા સોંગ વિશે કાઈ કહેશો…? કારણ કે એમાં જે ૪૫ અંશના ખૂણે માઈકલ જેક્શન લાઈવ સ્ટેજ પર આગળ તરફ જુકે છે… ઇટ્સ ટોટલી અનબિલીવેબલ…
~ હા, સ્મૂથ ક્રિમીનલમાં એમણે જે મુવ કર્યો હતો એનું નામ હતું ‘એન્ટી ગ્રેવીટી લીન’. વાસ્તવમાં આ મુવ એટલો બધો વિચિત્ર અને ઇનબિલીવેબલ છે કે એ ન્યુટનના નિયમને પણ ખોટો સાબિત કરે છે. પણ આ મુવનું પણ એક સિક્રેટ હતું, જેમ કે આ સૂઝ માઈકલ જેક્શને પોતે ડીઝાઇન કર્યા હતા. એમના સુઝના નીચેના હિલ વાળા ભાગમાં ગૃવ એટલે કે ખાંચો હતો અને ડાન્સ ફ્લોર પર સ્ક્રુ જેવું રાખવામાં આવતું. એટલે mj આ મુવ વખતે એમાં ખાંચા ભરવી દેતા અને ૪૫ ડીગ્રી અથવા કોઈ કોઈ વાર ૭૦ ડીગ્રી સુધી નીચે જઈ શકતા. જો કે એ મુવ આમ જોતા બહુ ખતરનાક છે, કેમકે ફ્લેક્ષીબીલીટી વગર તમારા પગના કરોડરજ્જુમાં બહુ સ્ટ્રેસ આવી શકે છે. એટલે પ્રેક્ટીસ વગર એ સ્ટેપ કરવું મૂર્ખાઈ માત્ર છે. એમણે સ્મૂથ ક્રીમીનલના દરેક લાઈવ પરફોર્મન્સમાં આ મુવ લાઈવ કર્યો છે, છતાં બેડ વર્ડ ટુરમાં કરવાનું ટાળ્યું હતું. મારા પાસે એવા કોઈ સૂઝ નથી એટલે હું એવા કોઈ મુવ નથી કરતો.

★ ડાન્સ કરવો અને ઇન્જોય કરવો… એટલે કે વાસ્તવિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ તરીકે તમે કેટલી સમાનતા જુઓ છો… આ બધામાં
~ કોઈ પણ આર્ટ હોય કે કામ, હું એવું માનું છું ત્યાં સુધી જો તમે એને ઇન્જોય નહી કરો ત્યાં સુધી તમે એમાં ૧૦૦% આપી જ નહિ શકો. એટલે મારા મારે ડાન્સ એટલે પૂર્ણ આનંદ. જો કે આ સાથે હું એ પણ ધ્યાન રાખું છું, કે મારી જે ઓડીયન્સ છે એણે હું દરેક વખતે મારું બેસ્ટ આપી શકું. એટલે મારે આંતરિક વિશ્વના આનંદ સાથે સાથે વાસ્તવિક વિશ્વની ઓડીયન્સ માટે પણ મહેનત કરવી પડે છે. પણ જ્યારે હું પ્રેકટીશ કરતો હોઉં છું, ત્યારે મારા માટે વાસ્તવિક વિશ્વને પૂર્ણ પણે ઇગ્નોર કરું છું. હું માત્ર અને માત્ર ત્યારે મારા આવનારા પરફોર્મન્સ વિશે જ વિચારું છું. એટલે એમ પણ કહી શકાય કે જ્યારે વાસ્તવિક વિશ્વ સુઈ જાય છે, ત્યારે મારું અધ્યાત્મિક વિશ્વ બેઠું થાય છે. માઈકલ જેક્શને એમના ડાન્સ વિશે એક ઇન્ટરવ્યુમાં કહેલું “thinking is the biggest mistake a dancer could make… You have to feel at the music” એટલે કે ડાન્સને ઇન્જોય કરવું જ બેસ્ટ છે, તો જ તમે સંગીતને અનુભવી અને માણી શકશો.

( હા, તમે જો તમારા શોખ કે ટેલેન્ટને ઇન્જોય ન કરી શકો તો લોકોને પણ તમે એમ ન કરાવી શકો. હસતો માણસ જ હસાવી શકે, એટલે કોઈકને હસાવવા માટે આપણે જરૂર પડ્યે ખુદ પર પણ હસ્તા શીખવું પડે છે. માર્ગ ભલે ગમે તેટલો કપરો હોય, પણ બેસ્ટ આપવાની જીજ્ઞાસા માર્ગને સરળ બનાવે છે.)

★ Mj ના જગપ્રસિદ્ધ સ્ટેપ્સ મુનવોક વિશે જણાવો. આખર આ સ્ટેપ્સનું રહસ્ય શુ છે કે વ્યક્તિ જમીનને સમાંતર રહીને પણ પાણીના રેલાની જેમ વહી જાય
~ મુન વોકનો પણ ઊંડો ઈતિહાસ છે. લગભગ આ વાત ભારતમાં કોઈ નહિ અથવા બહુ ઓછા લોકો જાણતા હશે કે મુનવોક એકમાત્ર માઈકલ જેક્શને જ નોહતુ પરફોર્મ કર્યું. હા, આ જ સાચી વાત છે. કારણ કે માઈકલ જેક્શન પહેલા પણ છેક ૧૯૫૨-૫૫ દરમિયાન મુનવોક ‘Bill Belly’ નામના ડાન્સર દ્વારા થયું હતું. જો કે એના પછી પણ ૭૦ના દશકમાં ‘Jeffrey Daniels’ નામના ડાન્સરે કેટલાક નાના છોકરાઓ દ્વારા થતું મુનવોક જોયું હતું અને પછી પોતાના પરફોર્મન્સમાં એણે કર્યું પણ હતુ. જેમ મેં કહ્યું કે ૧૯૮૩માં મુનવોક કર્યું તે પેલી વાર એજ જેફરી ડેનીયલે માઈકલ જેક્શનને આઈડિયા આપ્યો હશે. આઈડિયા પુરતું અને સ્ટેપ્સ પુરતું આ ચાલ્યું આવતું હતું, પણ મુનવોકને એક અલગ જ મુકામ પર લઇ જવાનું કાર્ય માઈકલ જેક્શને કર્યું હતું. જેફરી ડેનિયલ પોતે માઈકલ જેક્શનને મુનવોક કરતા જોઇને હેરાન રહી ગયા હતા, મેં શું શીખવ્યું અને એનું પરિણામ કેટલું અલગ આવ્યું. હવે આવી જઈએ એના સિક્રેટ પર, તો મારા માટે મુનવોકનો આઈડિયા સાવ સરળ છે. પણ અઘરું તો છે એ આઈડિયા પરથી પરફેક્ટ મુનવોક કરી શકવું. અને હા આ સિક્રેટ કે તરીક હું શબ્દોમાં જરાય ન કહી શકું. પણ, આપણે મળીએ ત્યારે એ વિશે વાત થશે, ત્યારે કદાચ હું સમજાવી શકીશ. એમાં એવું છે કે મારા માટે આ કરવું સહેલું અને સમજાવવું મુશ્કેલ છે.

( મુનવોક અંગે આ માહિતી ખરેખર નવી છે. ઇવન મારા માટે પણ…)

★ તો હવે તમારી સ્ટડી અને શોખને ભવિષ્યનો ઉંબરો બનાવવાનું ચણતર એટલું સહેલું તો ન જ હોય… તો આ બંને વચ્ચે સામંજસ્ય કઈ રીતે કર્યું…?
~ ૧૦૦% સાચી વાત છે. પણ એક વાત એ પણ છે કે મેં સ્ટડીને પ્રાયોરીટી પહેલા આપી છે, કારણ કે એજ્યુકેશન પણ જરૂરી છે. આ બધું એક સાથે કરવું સહેલું તો ન હતું, પણ ઘણા લોકોનાં મોઢે એમ સાંભળેલું છે કે તમે કાં’તો ભણી શકો, કાં’તો કોઈ આર્ટમાં જઈ શકો. તો મારે એ લોકોને પણ એ સાબિત કરવું હતું કે જો તમે ડેડીકેટેડ રહો તો બંનેમાં આગળ જઈ શકો. હું મીકેનીકલ એન્જીનીયરીંગ (BE) કરું છું, હું જ્યારે ડીપ્લોમાંમાં હતો ત્યારે ત્રીજા સેમથી મેં ડાંસ શરુ કર્યો. એક બેનીફિટ એ હતો કે મારી કોલેજ મારા શહેરમાં જ હતી એટલે ઘરેથી જવાનો અને આવવાનો લગભગ અડધો કલાક જ થતો પણ તો પણ સવારે ૭ વાગ્યે ટ્યુશન અને બધું પતાવી સાંજે છ વાગે ઘરે પહોચતો. આ વચ્ચેનું અંતર ૬ કે ૭ કિમી જ હતું એટલે સાંજે ચાલવાનું અને સવારે સીટી બસમાં જવાનું ગમતું. થાક તો લાગતો તો પણ રોજ કરવાની મજા આવતી. કલાક બે કલાક સ્ટડી પત્યા પછી ૧૧ વાગ્યાથી મારી પ્રેકટીશ શરુ કરતો, તો લગભગ સાડા ૧૨ કે ૧ ઊંઘ ન આવે ત્યાં સુધી એ જ ચાલતું. આ જ કાયમી દિનચર્યા ખાલી શનિ રવિ થોડો આરામ. આ દ્વારા હું મારી મહેનત જાહેર નથી કરી રહ્યો, કારણ કે મારા જેવા ઘણા લોકો પોતપોતાના ક્ષેત્રમાં લાગેલા જ છે. ઘણા તો મારાથી વધારે મહેનત વાળા પણ હશે…

( મારા મત મુજબ જો કહું તો તમારે જીવનને સદાય મહેકતું રાખવા બે રસ્તા પર એક સાથે ન જ ચાલવું જોઈએ. કારણ કે જીદ્દની રીતે એ કરી તો શકાય, પણ એ જીવનને તમે ઇન્જોય ન કરી શકો. કારણ કે વ્યક્તિ કોઈ એક માર્ગ પર જ આગળ નીકળી શકે. જો કે હજુ તમારી પાસે સમય છે, એટલે આ સંદર્ભે તમારે બંને પક્ષે સમતોલન રાખવું પણ જરૂરી છે. પણ જ્યારે વાસ્તવિક જીવનની શરૂઆત કરો ત્યારે તમારે પસંદગી એક પર ઢાળવી પડશે. કારણ બે માર્ગ એક સાથે સાચવશે નહી અને કઈક પણ પાછળ છૂટશે તો એ તમને પરેશાન કરતુ રહેશે. એટલે કે પૂરી સીદ્દ્ત સાથે તમે એક સાથે બે માર્ગ પસંદ કરી શકો, પણ ચાલી ન શકો…)

★ તો ટ્રીબ્યુટ આર્ટિસ્ટ બનવા કેટલો સમયનો ભોગ તમે આપ્યો છે…? આઈ મીન કેટલા વર્ષ પછી તમને લાગ્યું કે ના, હવે પરફેક્ટ સ્ટેપ્સ આવે છે
~ ટ્રીબ્યુટનો અર્થ જ થાય છે કે આર્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપવી. એટલે કદાચ જ્યારે મેં એમના આર્ટને ડાન્સના માર્ગમાં સ્વીકાર્યો ત્યારે જ હું ટ્રીબ્યુટ આર્ટીસ્ટ તો બની શક્યો હતો. પણ, એ બધું શીખાઉ જેવું લાગતું. સહેજ પરફેક્શન અને કઈક કરી શક્યો છું એવી લાગણીઓ પાછળના ૭ કે ૮ મહિનાથી જ આવવા લાગી છે. અહી સુધી આવવા માટે અઢળક પ્રેક્ટીસ કરી છે. એક વાત તરફ મેં ધ્યાન રાખ્યું છે કે આજ સુધી મેં જેટલા પણ ટ્રીબ્યુટ આર્ટીસ્ટ જોયા છે એમણે કહ્યું છે કે એ માટે તેમણે ૧૦ કે તેથી પણ વધુ વર્ષોની મહેનત કરી છે. આ સમયના આધારે ઘણા લોકોએ મને એમનાથી વધુ ટેલેન્ટેડ કહ્યો છે, પણ હું ટેલેન્ટમાં નથી માનતો, હું તો પરફેક્શનમાં માનું છું. એના માટે એક માત્ર માર્ગ છે કે સાચી દિશામાં સખત મહેનત કરવામાં આવે. એક શરૂઆતમાં એક સમયે માત્ર એક જ મુવ પર ધ્યાન આપવું જોઈએ. પછી તમે એક મિનીટ એક મુવ પ્રેક્ટીસ કરો પછી મન બદલી જો બીજી મુવ કરશો તો તો પછી ટાઈમ લાગશે જ લાગશે.

★ પરિવારના વિરોધ સામે ટકવું અઘરું છે. છતાં એ સરળ બનાવી શકાય છે. તો તમારા જીવનના આ ઇમોશનલ પ્રકરણ વિશે જણાવો… જેથી આ વાંચનાર પણ કદાચ અમુક હદે પોતાના ટેલેન્ટને સાવ મૂકી તો ન જ દે…
~ હા બહુ જ વિરોધ થયો હતો, અને ખાલી ફેમીલી જ નહિ બધા કઝીને પણ વિરોધ કરેલો. એ લોકો મારા આ જુનુન પર હસતા હતા, આજે પણ એમને હસવું જ આવે છે. પણ મને મારા ફેમીલી સિવાય કોઈનાથી મતલબ નથી. મારા મમ્મી પપ્પા પણ હજુ વિરોધ કરે છે. મારી મમ્મી આજે પણ જ્યારે મારા ફોનમાં મારા વિડીયો જોઇને એમ કે છે કે આ બધું ગોળ ગોળ ફરીને શું કરે છે. અને જ્યારે ટીવીમાં કોઈ ડાન્સ શો આવે ત્યારે એમાં બેક ક્લીપ્સ જોઇને સંભળાવે છે કે તુ આવું તો કદી નહિ કરી શકે. હું એક વાત એ બી કહીશ કે મારા મત મુજબ જીમ્નાસ્ટીક અને ડાન્સ બંને અલગ વસ્તુ છે. પ્રેક્ટીસ દ્વારા બધું જ શક્ય છે, પણ જીમ્નાસ્ટીક અને ડાન્સને હું અલગ જ રાખવા માંગું છું. છતાં સાંભળવું તો પડે જ છે. પણ હા એ પણ સાચું છે કે રાતના બધા સુઈ ગયા પછી જ્યારે હું વિડીયો બનાવતો હોઉં, ત્યારે એમણે મને ક્યારેય રોક્યો નથી. એટલે વિરોધના સામે સપોર્ટ પણ એટલો જ છે, એમ કહી શકાય. કારણ કે ઘણીવાર રાતના બે વાગ્યા સુધી પણ જો હું શૂટ કરતો હોઉં છું, તો એમણે કદી મને એમ નથી કહ્યું કે અવાજ આવે છે તો બંધ કર. એટલે એક રીતે એમનો પણ સપોર્ટ મારા અહી સુધી આવવા માટે મહત્વનો રહ્યો છે.

★ વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન જો કોલેજના વાર્ષિકોત્સવમાં તમારો પ્લે કેન્સલ ન થયો હોત તો તમને લાગે છે કે સ્ટેજ પર તમે એટલું પરફેક્ટ કરી શકયા હોટ…?
~ હા ચોક્કસ કરી શકાયો હોત. કારણ કે પહેલાથી જ મારો ધ્યેય એજ છે કે MJના સ્ટેપ્સની નજીક મારાથી જેટલું જઈ શકાય એટલા જવાનો હું પ્રયત્ન કરું છું. જો એ વખતે મેં પરફોર્મન્સ આપી હોત અને મારી તારીફ થઇ હોત તો બી હું એટલી જ મહેનત કરતો હોત જેટલી મેં કરી છે. કારણ કે હું મોસ્ટલી પબ્લિક રીવ્યુ કરતા પહેલા મારો પોતાનો જ રીવ્યુ લઉં છું. જો મને ગમ્યું તો ઠીક અને ન ગમ્યું તો હું ઈમ્પ્રુવ કરીશ, પણ સાવ એવું પણ નહિ કે પબ્લિક રીવ્યુ પર હું ધ્યાન ન આપું. સ્યોર હું એ પણ ધ્યાનમાં રાખીને ઈમ્પ્રુવમેન્ટ માટે પ્રયાસ કરતો. હું જરૂર એટલો પરફેક્ટ બનવા પ્રયત્ન કરતો રહું છું, જેટલો હું છું…

★ આ બધામાં સહાયક ભૂમિકાઓ અને જોઈતું વાતાવરણ પામવામાં મળેલા સાથ સહકાર વિશે પણ જણાવો… આખર એકલે હાથે તો ક્યારેય કોઈ કાર્ય શક્ય જ નથી… જેમ કે કોઈ વ્યક્તિ જેણે પડખે રહી મદદ કરી હોય
~ હા આં વાત પણ એકદમ સાચી છે કે કોઈ પણ કાર્યમાં કોઈને કોઈ રીતે તમને સાથ સહકાર મળતો હોય છે. પણ મારા કેસમાં તો કઈક એવું છે કે શરૂઆતમાં મેં સીધા જ યુટ્યુબ સર્ચની મદદ લીધેલી. અને યુટ્યુબની કૃપાથી જ મને ‘એલેક્ષ બ્લાન્કો, નામના ઈમ્પર્સનેટર મળ્યા. જેમને આજે પણ હું મારા કરતા બહુ ગજાના ઊંચા ટ્રીબ્યુટ આર્ટીસ્ટ માનું છું. એમના ટ્યુટોરીયલ જોઇને જ હું MJ ટાઈપ ડાન્સના બેઝીક શીખ્યો છું. પણ, આજ સુધી એક વાત મનમાં રહી ગઈ છે કે એ બહુ ફેમસ હોવાથી હું એમને થેંક્સ પણ નથી કહી શક્યો. કે ન એમની સાથે વાત કરવાનો કોઈ અવસર મળ્યો છે…

આ હતો સ્ટેપ્સ શીખવા માટે મળેલ સપોર્ટની વાત. જો હું કોલેજના સહાધ્યાયી મિત્રોની વાત કરું તો મારા વાર્ષિકોત્સવ માટે ચાલતી પ્રેકટીસમાં પણ ઘણા મિત્રોએ સાથ આપ્યો છે. એ લોકો જ્યાં સુધી હું પ્રેક્ટીસ કરતો ત્યાં સુધી ત્યાં જ બેસતા અને થતી મદદ કરતા. એક કોલેજની ફ્રેન્ડ પણ… એણે પણ મને મોરલ સપોર્ટ આપ્યો છે. એક જુનિયર હોવા છતાં જ્યારે પણ હું ડિપ્રેસ થઇ જતો ત્યારે એણે મને મોટીવેશન પૂરું પાડ્યું છે. ઘરમાં મમ્મી કોક કોઈક વાર બોલે બાકી પપ્પા શરૂઆતમાં ના પાડતા, પણ હવે એ મને નથી રોકતા.

જુઓ આ બધી વાતમાં મેઈન માણસ તો રહી જ ગયા જે હમેશ મારા સપોર્ટમાં રહ્યા છે, જ્યારથી મેં એમને મારા શોખ વિશે વાત કરી છે. અમારા આદરણીય પ્રોફેસર ચિરાગ વિઠલાણી સાહેબ, જેમને તમે પણ ઓળખો છો. જ્યારે પણ હું ડીપ્રેશનમાં હોઉં છું ત્યારે એ ફરીથી મારામાં એનર્જી ભરી શકે છે. એમની વાતો મારા માટે પ્રોત્સાહન સમાન બની જાય છે. ટૂંકું અને ટચ સમજાવવાની અને જે હોય એ સ્પષ્ટ મોઢા પર કહી દેવાનું એમનું વ્યક્તિત્વ મને ખુબજ અસરકારક લાગે છે.

★ સંપૂર્ણ વાતચિત પરથી ટ્રીબ્યુટ આર્ટિસ્ટનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી લાગતું. તો શું તમે પડછાયો બનીને રહેવાનું પસંદ કરશો…? ( આ સવાલ ગહન છે, છતાંય સમજાય એ પ્રમાણે જવાબ આપજો…)
~ હું નથી માનતો કે કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું. અફકોર્સ હોય જ છે, કારણ કે હું ટ્રીબ્યુટના અર્થમાં એવું માનું છું કે MJની લોકોને યાદ અપાવવી. એ રીતે કે આ માણસ હતો અને રહેશે, એના જેવો જ ડાન્સ કરવો જરૂરી નથી, એટલે હું હાલ જે ડાન્સ કરું છું એ એમની સ્ટાઈલ્સ છે. પણ, એમાં હું મારા મુવ્સ પણ બનાવું જ છું. હાલ પુરતો હું પડછાયા તરીકે છું એ વાત ૧૦૦% સાચી, પણ ભવિષ્યમાં હું નવીન સ્ટેપ્સ પણ શીખીશ. હા ડાન્સના એ પ્રકારમાં પણ MJના સ્ટેપ્સ હશે, કેમ કે મારું દરેક સ્ટેપ્સ MJને જ ડેડીકેટ કરું છું. હું માનું છું કે એવા લગભગ કોઈ જ મુવ્સ નથી જે MJએ ન કર્યા હોય. એટલે હું કોઈ પણ સ્ટાઈલ અપનાવું અંદરનો ટ્રીબ્યુટ આર્ટીસ્ટ તો બહાર આવવાનો જ છે. જો કે નવી સ્ટાઈલ અપનાવવા સાથે સંપૂર્ણ MJ સ્ટાઈલમાં ઢળવાની ઈચ્છા મારી કાયમી પ્રાયોરીટી રહેશે.

કારણ કે કરવું જ એ જોઈએ, જેને તમે દિલથી ચાહતા હોવ છો. હું MJ સ્ટાઈલ કરું એટલે હમેશા હું બીજો જ માણસ હોઉં છું. આમ સમજી લો કે હું પોતાની જાતને MJમાં કન્વર્ટ કરી રહ્યો છું. અને ડાંસમાં બેસ્ટ આપવા માટે એ જરૂરી પણ છે. એક સારા ટ્રીબ્યુટ આર્ટીસ્ટ બનવા માટે એ જરૂરી છે કે તમારે એમના જેવું બનવું જ પડશે, અને મનમાં એ જ રાખવું પડશે કે તમે જ MJ છો.

★ સર્જક માટે તમારા ડેડીકેટેડ શબ્દો… ( અહી તમે ઈન્ટરવ્યું અને સાથ અંગે અનુભવો, કોઈ મેસેજ અથવા અન્ય કઈ જે તમે વાંચનાર તમામ લોકોને કહેવા માંગો છો એ બધું જ અહી કહી શકો.)
~ સર્જક જોડે થયેલા સંવાદમાં મને બહુ મજા આવી. સાચે જ… આ મારા લાઈફનું પ્રથમ ઈન્ટરવ્યું છે, અને એમાં પણ તમારી જેવા માણસ સાથે ચર્ચા કરવામાં મજા આવી. બીજું ખાસ કાઈ હું ન કહી શકું. મને લાગે ત્યાં સુધી તમારો આ સર્જક જેવા હેલ્પીંગ ઇનીસીએટીવનો પ્રયાસ ભવિષ્યમાં ખુબ જ સફળ થશે. એવી શુભકામનાઓ.

~ સુલતાન સિંહ ‘જીવન’
( જીમીલ સુથાર અને સુલતાન સિંહ વચ્ચે થયેલો સંવાદ…)

( નોધ – અહી એક બીજા સાથે ચર્ચાયેલા દરેક મુદ્દા ચર્ચા કરનારા વ્યક્તિઓના અંગત મંતવ્યો પર આધારિત છે. જ્ઞાન, અનુભવ અને જાણકારી આધારિત આમાં ફેરફાર હોવાની સંભાવના છે, કારણ કે કોઈ જ વ્યક્તિ કોઈ પણ સંદર્ભે સંપૂર્ણતા પામી જ ન શકે. જો કે સર્જકનો હમેશા એવો પ્રયાસ રહે છે કે એવું આપીએ જે ઉપયોગી હોય. તો વાંચક પોતાના અંગત ભાવ કે મંતવ્યો અહી જોડી એને મૂલવવા કરતા પોતાના પ્રતિભાવ જરૂર કમેન્ટમાં જણાવે. આભાર )

રંગ આધારિત ઓળખ :- સામાન્ય (જવાબો), લાલ રંગમાં પુછેલા પ્રશ્નો છે અને લીલા રંગમાં વાતના વચ્ચે અમુક પ્રતિભાવો છે. એક રીતે હુંકારો ભરવા જે સંવાદ થાય એવું જ કઈક…

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.