19 સ્વજનો ગુમાવી 69 લોકો માટે સ્મશાન સાબિત થયેલા ખંડેરો વચ્ચે આજે એકલા રહેતા માનવીની વાત : અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે….
ગુલબર્ગ કાંડનો ચુકાદો જાહેર કરતાં પહેલાં જસ્ટિસ પી.બી. દેસાઈએ નિર્દોષ છૂટેલા તમામને ઉભા કરતાં કહ્યું હતું કે, મારે તેમના ચહેરા પરનું હાસ્ય જોવું છે પણ જ્યારે દોષિત ઠરેલા 24ને સજા પડશે ત્યારે તેમને ખબર નહીં પડે કે હસવું કે રડવું… ગુલબર્ગમાં 19 સ્વજનો ગુમાવનાર કાસમભાઈ કહે છે, એ 24ને પણ છોડી દો. દુનિયાની કોઈપણ અદાલત કરતાં એ આરોપીઓને સજા કરવાનો અધિકાર ગુલબર્ગના એકમાત્ર રહેવાસી કાસમભાઈને વધુ છે કારણ કે, એ હત્યાકાંડમાં કાસમભાઈનું લગભગ આખુ કુટુંબ સાફ થઈ ગયું હતું. એમની માતા સહિત ચારની તો લાશ પણ મળી નહોતી. કાસમભાઈના ચહેરા પર વેદનાના ઘાવ છે અને આંખો એટલી જ ખાલી છે જેટલી આજે ગુલબર્ગ ખાલી છે. સોસાયટીના નાકે આવેલી મસ્જિદમાં ચારેક માણસો આડા પડખે પડેલા છે, એમાંના એક રોબિન બેકરીવાળા મોહંમદભાઈ કહે છે, ‘અમે અહીં નમાજ પઢીએ છીએ, આરામ કરીએ છીએ પણ સોસાયટીમાં અંદરની તરફ ક્યારેય જતા નથી.’ એ દિવસે પણ સોસાયટીની અંદર કોઈ ધર્મ ઘુસ્યો નહોતો. જે અંદર ઘુસી એ તો બર્બર હિંસા હતી. મોતના તાંડવ અને ધર્મનો કોઈ સંબંધ હોતો નથી. સોસાયટીમાં થોડા અંદર ઘુસો એટલે બે ત્રણ કૂતરાંઓ કૂતુહલ સાથે તમને જોઈ રહે છે. કદાચ એ ચાર પગાળા જાનવરની આંખો અહીં વિનાશ વેરનારા બે પગાળા જાનવરને જોવા ટેવાયેલી નહોતી. કારણ કે, અહીં કોઈ આવતું નથી. કોઈ આવવા કે રહેવા તૈયાર નથી. કહે છે કે અહીં પ્રવેશવા માટે ટોળાંએ ગેસના બાટલા ફોડીને દિવાલો ઉડાવેલી. અહીં મહિલાઓ પર જે અત્યાચારો થયા એનું વર્ણન પણ કમકમા લાવી દે. 19 બંગલા અને 8 એપાર્ટમેન્ટની ગુલબર્ગ સોસાયટીમાં ચૌદ વર્ષ પહેલા બસોથી અઢીસો લોકોના પગરવ અને કિલકિલાટ ગુંજતો હતો. કહે છે કે આજે પણ ક્યારેક રાત્રે એ પીડિતોની ચીસોનો આભાસ થાય છે. માનવતાના મરણ અને ક્રૂરતાના પીશાચીનાચની સાક્ષી બનેલી આ સોસાયટીમાં પ્રવેશો એ સાથે જ એ ખંડેરોમાં વર્ષોથી ગોંધાતી હવાની દુર્ગંધ નાકમાં ફરી વળે છે. અહીંના એક ખંડેરમાં મીઠો રસ આપતી શેરડીના ભારા પડ્યા છે, પણ આખી સોસાયટીમાં ઠેર ઠેર ગમગીનીના ભારા છે. જેમાંથી કરૂણતાનો કડવો રસ સતત નીકળ્યાં કરે છે. એક ઘરમાં એક અલમારીમાં અથાણાની બરણી છે. આવી બરણી સાચવણી માટે સરસ મનાતી હોય છે, પણ હવે ગુલબર્ગ પાસે સાચવવા જેવું કશું નથી. ગુલબર્ગના ખંડેરો તરફ આંગળી ચીંધીને કાસમભાઈ કહે છે, ‘આ શું માત્ર 70થી 80 લોકોનું કામ લાગે છે? 8થી 10 હજારનું ટોળું હતું સાહેબ. શું જે દોષિત સાબિત થયા એ 24 લોકોએ જ બધાને મારી નાખ્યા? એ 24ને પણ છોડી મુકો. બીજા તો છૂટી ગયા. તમે પણ છૂટી જાવ. એમને પણ સજા આપીને શું ફાયદો? સજા આપવાથી અમારા જે મરી ગયા છે એ પાછા થોડા આવવાના છે?’ કાસમભાઈનો પ્રશ્ન ગુલબર્ગમાં પડઘાયા કરે છે, અમદાવાદમાં પડઘાયા કરે છે અને કોર્ટમાં આ જ પ્રશ્નના પડઘા પડશે.
કાસમભાઈની વાતોમાં જેઓ અહીં ફરી રહેવા નથી આવતા તેમની સામેનો અણગમો વર્તાય છે. તેઓ કહે છે, ‘તેઓ અહીં ફરી આવીને વસતા કેમ નથી? અમારી મુસ્લિમોની સંસ્થાએ તેઓ અહીં ફરી વસવા તૈયાર હોય તો મકાનો રિનોવેટ કરી આપવાનુ કહેલું પણ તેઓ આવવા તૈયાર નથી. હું તો અહીંથી ગયો નથી અને જવાનો પણ નથી. મેં રાત-દિવસ ટ્રક ચલાવી, આંખો ફોડીને આ મકાન ઉભા કર્યા છે. અહીં મારા સ્વજનોની યાદો છે. પેલી મેડમ(તિસ્તા સેતલવાડ) અહીં મ્યુઝિયમ બનાવવાની વાત કરે છે પણ મેં તેમને પણ ના પાડી દીધી હતી કે મારા બે મકાન હું નહીં વેંચુ. મારા પુત્રો પણ કહે છે કે, ભીખ માંગ કે ખા લેને કા મગર બાપ-દાદા કા મકાન કભી નહીં બેચને કા.’ એ ગોજારા દિવસે કાસમભાઈ રક્તદાન કરવા સિવિલ ગયા હતા. એક તરફ રક્તનું દાન થઈ રહ્યું હતું ને બીજી તરફ રક્તની નદી વહી રહી હતી. એ કાસમભાઈની કિસ્મતનો વરવો ખેલ હતો. એ પાછા ફર્યા ત્યારે ગુલબર્ગમાં પાછા ફરવા જેવું કંઈ બચ્યુ જ નહોતુ. પણ હજુ એ અહીં જ રહે છે. ગુલબર્ગ પણ રહેશે, ઈતિહાસમાં જ્યારે ગુલબર્ગ વિશે લખાશે ત્યારે રક્તના લાલ અક્ષરે લખાશે.
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૦૯-૦૭-૨૦૧૬ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply