મારી (લેખના અંતે ફ્રિ હિટ્સમાં આપેલી) ગુજરાતી V/S અંગ્રેજી સિરિઝનો હેતુ માત્ર અંગ્રેજીની થોડી ‘ટાંગ ખીંચાઈ’ કરીને મનોરંજન મેળવવાનો છે. અંગ્રેજોએ આપણા દેશની પથારી ફેરવી તો હું એમની ભાષાની પથારી શા માટે ન ફેરવી શકું?
કાઠીયાવાડની ધરતી પરથી આવતો હોવાથી તળપદા શબ્દો પ્રત્યે થોડો વધારે જ પ્રેમ હોવાથી એનો ઉપયોગ કરીને શબ્દમૈથુન સોરી શબ્દરમતો કરતો હોઉં છું. જેથી ગુજરાતી ભાષાની રેન્જ કેટલી વિશાળ છે તેનો તો ખ્યાલ આવે. હું કોઈ ગુજરાતી ભાષામાં માત્ર ગુજરાતી શબ્દો જ વાપરવાનો આગ્રહી નથી. ભાષા તો વહેતી નદી જેવી હોવી જોઈએ, કોઈ બંધિયાર ડેમ જેવી નહીં. નહીં તો એ વિકસવાના બદલે ગંધાઈ ઉઠે. હું બે ભાષાઓના મિલન કે ઈવન સંભોગનો પણ વિરોધી નથી. બશર્તે કે એ લાગવું સારું જોઈએ સાવ જ વર્ણશંકર નહીં.
મારો વાંધો અંગ્રેજીના ઉપયોગ સામે નહીં પણ અંગ્રેજીનો ઉપયોગ કરનારા કેટલાક(આઈ રિપિટ કેટલાક, બધા જ નહીં) ‘સવાયા અંગ્રેજો’ દ્વારા ગુજરાતીને તુચ્છકારભરી દ્રષ્ટિએ જોવા સામે છે. માત્ર અંગ્રેજી વાપરવા માત્રથી જ કોઈને મહાન કે જાણકાર સમજવાના રિવાજ સામે છે. ગુજરાતી સામે નાટકનું ટીચકું ચડાવતા અને મારી માતૃભાષા પ્રત્યે સુગ ધરાવતા વર્ગ સામે છે. અંગ્રેજીના ભાષા કરતા વધારે સોશિયલ સ્ટેટ્સ બની રહેવા સામે છે. વિરોધ અંગ્રેજીની લીટી લાંબી થવા સામે નહીં પણ ગુજરાતીની લીટી ટૂંકી કરવાના પ્રયાસ સામે છે. મારો વિરોધ ગુજરાતી સરખુ વાંચતા કે બોલતા ન આવડતુ હોવાને પણ અંગ્રેજી આવડતુ હોવાથી ફેશન કે સ્ટેટ્સ સિમ્બોલ ગણવાના વધી રહેલા કલ્ચર સામે છે.
ઈવન હું તો ઉંઝા જોડણી સાચી કે રામપુરા-ભંકોડાની એ ચિકાસયુદ્ધનો પણ સમર્થક કે વિરોધી નથી. લખાતી અને બોલાતી ભાષા તો બદલાતી રહેવાની. નર્મદના સમયમાં અલગ રીતે લખાતી હતી, આપણા સમયમાં અલગ રીતે લખાય છે અને ભવિષ્યમાં પણ અલગ રીતે લખાશે અને બોલાશે પણ અલગ અલગ રીતે, જે રીતે અત્યારે બાર ગાઉએ બોલી બદલાય છે એ રીતે લહેકા પણ બદલાતા રહેવાના. મારો પ્રશ્ન ભાષાશુદ્ધી કે અશુધ્ધીનો નહીં પણ ભાષાના માન-સન્માનનો છે. ગુજરાતીઓના ટેબલ પર અથાણા કે ખાખરાનું સ્થાન કદાચ બદલાવું હોય તો ભલે બદલાય પણ ઢેબરા પર જ્યારે ચીઝ ચોપડાય ત્યારે એ ચીઝનું સન્માન લેખાવું જોઈએ, ઢેબરાનું નહીં. મારું કહેવાનું માત્ર એટલુ છે કે સાચુ અંગ્રેજી ન જાણનારા ‘ગ્રામરમુક્ત’ લોકોની જેટલી મજાક થાય છે એટલા જ મજાકને પાત્ર સાદુ ગુજરાતી ન જાણનારને પણ માનવા જોઈએ.
વાંધો ‘ઝેક એન્ડ ઝીલ’ હિલની ટોચે પહોંચે એની સામે નહીં પણ પેલુ હાથમાં સોટી લઈને ફરવા ચાલેલુ રીંછ એકલું પડે તેની સામે છે. વાંધો ‘ટ્વિંકલના લિટલ સ્ટાર્સ’ મોટા થાય એની સામે નહીં પણ નાની કરવામાં આવતી ‘ચંદુના માથાની ચોટી’ સામે છે.
વાંધો ગુજરાતી જાણતી, સમજતી અને બોલતી પ્રજાને સતત હીણપત, લઘુતાગ્રંથિનો અનુભવ કરાવતા રહેવા સામે છે. દુનિયામાં કદાચ ક્યાંય આપણા જેવી પ્રજા નહીં હોય જેનો એક મોટો વર્ગ માતૃભાષાને ઉતરતી કક્ષાની માનવા લાગ્યો હોય.
ક્યાંક વાંચેલુ કે દુનિયાના કોઈ પ્રદેશમાં બે સ્ત્રીઓ ઝઘડે ત્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીને શાપ આપે છે કે, ‘જા તારું સંતાન માતૃભાષા ભૂલી જાય.’ મારો વિરોધ એ માતાઓ સામે છે જેઓ કેટલીક ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ્સના રવાડે ચડીને પોતાના સંતાનોને માતૃભાષા ભૂલવાના શાપનો ભોગ બનાવી રહી છે.
હું ત્યાં સુધી અંગ્રેજી ભાષાની મજાક બંધ નહીં કરું જ્યાં સુધી ઈંગ્લિશ મીડીયમિયાઓ ગુજરાતી સામે નાકનું ટીચકું ચડાવવાનું બંધ નહીં કરે. તુમ્હારી અંગ્રેજી ઝિંદાબાદ હૈ ઉસસે હમે કોઈ એતરાઝ નહીં, લેકિન હમારી ગુજરાતી ભી ઝિંદાબાદ થી, હૈ ઓર રહેગી.
ફ્રિ હિટ્સ :
> અંગ્રેજી મીડિયમવાળા ‘જીભાજોડી કરવી’નો બહુ અશ્લિલ અર્થ ઈમેજીન કરે છે…!
> જેમને ન ખબર હોય એ ‘માઈકલ માધ્યમિયાઓ’ની જાણ ખાતર કે, ‘બોચી’, ‘બચ્ચી’, ‘બચ્ચા’, ‘બુચ્ચા’, ‘બુચુ’, ‘લબોચું’ ને ‘લબાચો’ બધુ અલગ અલગ હોં…!
> જમવા અને ગળચવા વચ્ચેનો ભેદ ઈંગ્લીશ મીડિયમવાળા’વને ના સમજાય…!
> કેટલાક ઈંગ્લીશ મીડિયમીયાઓ જ્યારે ‘સક્કરવાર’ને શુક્રવાર સમજી બેસે ત્યારે હસી હસીને પેટમાં આંટી પડી જાય…!
> જે ઈંગ્લિશ મીડિયમિયાઓ પાટલામાં ના સમજતા હોય એમને પાટલાસાસુ તો ક્યાંથી સમજાય…?
> માઈકલ માધ્યમિયાઓ, મે’હોણા બાજુ જે ‘મારો દિયોર’ શબ્દપ્રયોગ થાય છે એને દિયર સાથે કંઈ લાગતું-વળગતું નથી!
> માઈકલ માધ્યમિયાઓ, ઢીંચણિયું ખાતી વખતે લેવાય એને ખવાય નહીં, કોઠીંબડું અને ગોઠીમડું ખવાય, પણ ગોઠીમડું ખાવામાં ઢીંચણ ભાંગવાની શક્યતા ખરી!
> માઈકલ માધ્યમિયાઓ, ખોળિયું હોય તો ખંખોળિયું ખવાય ને ખાંખાખોળા કરશો તો ખાંખતીલુંનો અર્થ સમજાશે.
~ તુષાર દવે
( આર્ટિકલ લખાયા તારીખ : 14/06/2018 )
Leave a Reply