– : દેશ વસાવો પરદેશમાં : –
જનરેશન ટુ જનરેશન આપણે બીજા દેશમાં રહીએ છીએ છતાં આપણા મૂળ વતનને ક્યારેય ભૂલી શકતા નથી. તેનું કારણ છે કે જેમ માતાને ભુલવી શક્ય નથી તેમજ આપણી ભાષા, દેશ, અને કલ્ચરને ભૂલી શકાતું નથી. અમેરિકામાં રહીને આપણે ભારતીયતા છોડીને અમેરિકન થવાનો પૂરો પ્રયત્ન કરીએ તો પણ સંપૂર્ણપણે તેમ થઇ શકવાનું નથી.
કારણ આપણા સંસ્કારોનું મૂળ ભારતીય છે. તો પછી એવો નકામો પ્રયત્ન પણ શું કામ કરવો? તેના બદલે અમેરિકન કલ્ચરમાં રહીને દેશને ભાષાને જીવંત રાખી બે દેશની સંસ્કૃતિની મઝા લેવી જોઈએ
આપણી માર્તુભાષા ગુજરાતી છે તો તેને બોલવામાં શીખવામાં સંકોચ કેવો? એની જાળવણી અને તેનું સન્માન કરવું એ પણ દરેક ગુજરાતીની ફરજ છે. બીજા દેશમાંથી આવતા લોકો પોતાની ભાષાને છોડતા નથી, તેજ રીતે આપણે પણ રોજીંદા વપરાશમાં આપણી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. દરેકને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે પ્રેમ હોવો જરુરી છે , જો આમ હોય તોજ તેની સાચવણી શક્ય બને છે, અને આપણી આવતી કાલની જનરેશનને આપણા સંસ્કાર આપવા માટે પહેલા આપણે તેને જીવનમાં ઉતારવા પડે છે. દરેક ભાષાની જાળવણી માટે યુનેસ્કોએ પણ ૧૯૯૯માં ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન જાહેર કર્યો. જો આપણેજ ભાષા સાથે ઓરમાયા બની જઈશું તો નવી પેઢીને શું આપી શકીશું?
અમેરિકામાં રહીને બાળકોએ અંગ્રેજી શીખવુ બહુ જરુરી છે પરંતુ એ સાથે ગુજરાતી ભાષાની સાચવણી પણ કરવી જોઈયે. એ માટે ઘરમાં બાળકો સાથે ગુજરાતીમાં વાતો કરવી જોઈએ. વાંચતા શીખવવુ મુશ્કેલ છે આવી સ્થીતીમાં બાળકો સમજે અને બોલે તે પણ ઘણુ છે. બાળકોએ પણ માતા પિતા સાથે, ઘરમાં વડીલો સાથે ગુજરાતીમાં બોલવું જોઈએ, તેમની પાસેથી દેશની, સંસ્કૃતિની જાણકારી મેળવવી જોઈએ.
અમેરીકામાં રહેતા ઘણાં ગુજરાતી પરિવારો દેશથી દૂર રહેવાને કારણે મનમાં દેશની યાદ વધુ રહે છે. આવા લોકોના પ્રયત્નોને કારણે આજે પણ અમેરિકાના ખૂણે ખૂણે ગુજરાતી સમાજ, અને તેને દ્વારા થતી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. જેનાં પરિણામે આજની નવી જનરેશન હજુ પણ ઇન્ડીયાના તહેવારો અને કલ્ચરનો આંનદ લઇ રહ્યા છે. નવું શીખી રહ્યા છે.
આપણા તહેવારો પણ રોજના જીવન થી જરા અલગ ખુશી આપી જાય છે. તેમાય ગુજરાતી ગરબાની વાતજ જુદી છે. અમરિકામાં તેમના માતાપિતાને ગરબામાં તૈયાર થઈને ઘૂમતા જોઈ અહી બોર્ન થયેલા બાળકો ગરબા રમવા આકર્ષાય છે. સાથે તેમના અમેરિકન મિત્રો પણ જોડાય છે.
આ બધુ જોઇને બાળકોને કલ્ચર સાથે જોડાએલા રાખવા માટે અમેરિકામાં નેશન વાઈડ ગુજરાતી ગરબા- અને ફોગ ડાન્સ ( સાંસ્કૃતિક નૃત્ય) કલ્ચર પોગ્રામ આયોજિત થઇ રહ્યા છે. દર વર્ષે અમેરિકાના અલગઅલગ સિટીમાં તેની કોમ્પીટીશન આયોજિત કરાય છે. આ દ્વારા કલ્ચરને જીવંત રાખવાના પ્રયત્નો થાય છે.
~ રેખા વિનોદ પટેલ, ડેલાવર (યુએસએ)
Leave a Reply