હું મંદિર જાઉં અને એ પણ મુશ્કેલીમાં એ થોડુંક અઘરું છે. સામાન્ય રીતે ફીજીકલ કે ઇનલોજીક્લ માન્યતાઓ મને પરેશાન કરે છે. મંદિર અને આશ્રમોમાં મને મનની શાંતિ તો મળે છે, પણ એ નહિ જેની વાસ્તવિક જરૂર હોય છે. કદાચ જવાબ… કે પછી એ જે મારે જે તે સમયે જોઈતું હોય છે. હું મંદિરમાં ક્યારેય ભગવાનને શોધવા ગયો હોય એવું મને યાદ નથી. હા જાઉં છું. મને ગમે છે, શાંતિ પણ મળે છે… પણ એ મારા નિયમોમાં નથી એ મારી પસદગી પર છે. પણ કૃષ્ણ એ મારી સૌથી શ્રેષ્ઠ આસ્થામાંથી એક છે. એટલે એના મંદિરોમાં તો કદાચ હું જાઉં કે નહિ પણ એની ભૂમિ પર જઈને મને ઘણી શાંતિ મળે છે. આમ પણ મંદિરમાં ભગવાન હોય છે એ માન્યતા છે, અને એ વાસ્તવમાં ત્યાની ભૂમિ સાથે પણ જોડાયેલો રહે છે આ મારા મતે સત્ય છે. જો ડાકોરમાં કાનો ક્યારેય પણ આવ્યો હોય, તો નિશ્ચિત છે એ ડાકોરમાં ફર્યો જ હોય ન કે મંદિરમાં જઈને બેસી ગયો હોય. એટલે શક્ય છે એ મને મંદિરમાં ઓછો અને બહાર જ ક્યાંક મળે એની શક્યતાઓ વધારે છે. કદાચ એવી જગ્યા જ્યાં કોઈને જવું જ ન ગમે. ગોમતીનો ઘાટ… કે પછી દુરનો કોઈ નિતાંત એકાંત… જો કે હવે તો મોટાભાગે ગોમતીનો ઘાટ કચરાના ચપેટમાં આવી ગયો છે. ત્યાનું પાણી ચોખ્ખું ઓછું અને ગંદુ વધારે રહી ગયું છે, પણ એની ચિંતા એને પણ હશે જ ને… હું ડાકોરમાં આવીને એના મંદિર સામેથી નીકળ્યા પછી, સીધો જ ફરતા ફરતા ગોમતી ઘાટના એ છેડા પર ગયો, જ્યાં લગભગ કોઈ ન હતું… ખાસ્સો સમય બેસીને એ પાણીને હું જોઈ રહ્યો. મને ચોક્કસ એમ હતું જ કે, કોઈક ઓચિંતા મને પૂછશે કે તને આટલી ચિંતા શાની છે…? આ ઘાટ અને ગોમતી બંને મારા છે… હું ખરેખર ઈચ્છતો પણ એ જ હતો, કે કોઈક મને આવીને એમ જ કહે… જો કે એવું કઈ જ ના થયું અને ખાસ્સો સમય બેસીને અંતે હું બોટિંગ તરફ વળ્યો. ત્યાં કઈક ગોમતીના મધ્યમાં લઇ જવાની વ્યવસ્થા હતી, જ્યાં માત્ર બોટિંગ દ્વારા જ કદાચ જઈ શકાય… હું તરત જ ટીકીટ લઈને એમાં બેસી ગયો…
ઘણો સમય થઇ ગયો આખુય ગોમતી તળાવ પણ ફરી લેવાયું અને બધાય દર્શન પણ થઇ ગયા, તેમ છતાં આજે મને એ ક્યાંય ન દેખાયો. અઘરું છે ને આ જ સમય ગાળામાં બે વાર હું છેક એના બારણે આવ્યો અને એ બેયવાર એમ જ મને બંધ બારણે મળ્યો… આજે મને એની સૌથી વધારે જરૂર છે અને એ છેક અહી પણ નથી… એના પોતાના સ્થાન પર… ઘણીવાર મને પ્રશ્ન થાય કે ડાકોર અને દ્વારિકા વચ્ચે આટલું અંતર છે તો કાલ યવન સાથેની લડાઈ વખતે દોડીને એ આવ્યો એટલે એને રણછોડ કહેવાયો આવી વાતો તો મને ખબર છે, પણ ઈતિહાસ એક એવો પણ છે કે કાલ યવનને મારવા માટે તે કાલયવનને મુચુકુંદની ગુફામાં લઇ ગયેલો… અને મારી જાણકારી પ્રમાણે મુચુકુંદની ગુફા તો જૂનાગઢમાં પણ છે… શું આ બધું જોડાયેલું હોઈ શકે કે પછી એ બધું અલગ અલગ હશે… એ સમયના સ્થળો અને હાલના સ્થળો બદલાવ પામ્યા હશે…? આ વિચાર સાથે હું રીક્ષામાં ગોઠવાયો… ગોમતીનો ઘાટ અને ડાકોરનું બજાર ફરી ફરીને હવે હું થાકી ગયો હતો… તાપ એટલો વધારે હતો કે બસ સ્ટેશન સુધી જવાની હિમ્મત પણ મારામાં ન હતી. મારે હવે અમદાવાદ પાછા ફરવાનું હતું, અને ત્યાંથી હવે સીધા જ ઘરે… પણ પાંચેક દિવસ થઇ ગયા હતા ઘરથી દુર રહીને, અને હું જે કાર્ય માટે આવ્યો હતો એ બધું તો હજુય અધ્ધરતાલ જ હતું… અથવા કદાચ આજે જ વાસ્તવમાં એ બધું જ પૂર્ણ થયું હતું. રૂબરૂ મળ્યા સિવાય તમે કોઈને વાસ્તવિક દ્રષ્ટિએ સમજી નથી શકતા. જે તે વ્યક્તિના હાવભાવ, વર્તન અને આંખોમાં જંબુળાતો ગમો કે અણગમો… આમ પણ આજના આભાસી સબંધો ઓનલાઈન માધ્યમમાં જેટલા ઊંડા હોય છે, વાસ્તવમાં એટલા જ છીછરા થઇ જાય છે. પણ પ્રશ્ન એ છે કે જો હું એ બધાથી પરેશાન હોઉં તો પછી હું અહી શું કામ હતો…? કદાચ આ વાત મને પણ સમજાઈ શકી હોત… કાશ હું પણ એની જેમ ભવિષ્યને જોઈ શકત… પણ એ યોગ્ય નથી એણે જ એકવાર કહેલું કે ભવિષ્યને જોવું એ વર્તમાનને એની ચિંતામાં હોમી દેવા જેવું છે, પણ અજાણ્યા ભવિષ્ય માટે લાગણીઓને વહાવી દેવી પણ અમુક અંશે તો એવું જ ને…?
‘કયા બસ સ્ટેશન પર જવું છે….?’ અંતર મનમાં ચાલી રહેલા કોલાહલ વચ્ચે રીક્ષા ચાલકે મને ઓચિંતા જ પૂછ્યું. જો કે બે સ્ટેશન છે એની જાણકારી મને ઉતર્યો ત્યારે મળી ગઈ હતી પણ મારે જ્યાં જવું છે એના માટે કયું સ્ટેશન લાગુ પડે એ મને ખબર ન હતી.
‘અમદાવાદ જવા માટે બસ ક્યાંથી મળશે?’ મારે કદાચ હવે એટલું જ જાણવું બાકી હતું. જો કે મને એ પ્રશ્ન પણ હતો કે એક જ સ્થળના બે બસ સ્ટેશન કેમ…?
‘બસ તો બંને બાજુથી મળશે એક વાયા નડિયાદ જશે એક વાયા એક્સપ્રેસ હાયવે.’ જો કે આ માહિતી આપતા આપતા રીક્ષા વાળાએ મારે શું નક્કી કરવું એની પરવા કર્યા વગર જ ચોકડી પરથી રીક્ષા વાળીને સામેના છેડા પર આવેલા બસ સ્ટેશન સામે ઉભી કરી દીધી. જો કે આપણી ઇચ્છાઓની પરવા કોને હોય છે? જ્યારે સબંધમાં સ્વાર્થ હોય ત્યારે પસંદ નહિ લાભ જોવામાં આવે છે. રીક્ષા ચાલકે પણ કદાચ એ જ જોયો હશે. આમ પણ સવારની સફરમાં હું એ જ તો અનુભવીને આવ્યો હતો. બે વર્ષ, અનેક ચર્ચાઓ અને ઓચિંતો અંત… કારણ કે આટલો સમય સાવ નજીક હોવા છતાં કોઈ એક ક્ષણ પણ એવી ન આવી, જયારે મને લાગે કે આ એજ વ્યક્તિ છે જેને હું બે વર્ષથી ઓળખું છું. ખરેખર નથી સમજાતું કે કોઈ વ્યક્તિ વારંવાર આટલું અજાણ કેવી રીતે થઇ શકે…?
‘દસ રૂપિયા આપો, આ સ્ટેશને બસ જલ્દી મળશે…’ ઓચિંતા મારા વિચાર વિશ્વમાં રીક્ષા ચાલક પણ પ્રવેશ્યો. મને વર્તમાનનું વંટોળ પાછું લઇ આવ્યું અને મેં ખીસ્સ્માંથી કાઢીને દસ રૂપિયા એમના હાથમાં મુક્યા અને હું ત્યાંથી ચાલવા માંડ્યો. બસ આ અંતિમ મુલાકાત હતી, અંતિમ ક્ષણો જેમાં વાસ્તવીક હાવભાવ અને વર્તન હું જોઈ શક્યો. કદાચ ઓનલાઈન આ બધું હું ક્યારેય ન સમજી શકત કે વાત અને વર્તનમાં કેટલું અલગપણું હોઈ શકે છે. એ ઇચ્છત તો આ અંત નહિ નવી શરૂઆત થઇ શકત પણ, શબ્દોમાં તો આવી જાય છે… અને જો અને તો માં આખોય સંસાર ભરમાય છે, છેતરાય છે અને વેતરાય પણ છે…
અચાનક પાછળથી આવેલા એસટીના અવાજે ફરી વિચારોમાં વંટોળ સર્જ્યું… વર્તમાનનું વંટોળ… હું ત્યાંથી ખસીને સાઈડમાં થઇ ગયો અને જઈને પૂછપરછ પર બસની માહિતી મેળવી સિધા જ બાંકડા પર ગોઠવાયો. કારણ કે મારું મન અને દિલ બંને અત્યારે અસ્થિર હતા. કદાચ સ્વાભાવિક સ્થિતિ આને જ કહેવાય. હાલ હું ક્યાં છું, હું ક્યા હતો અથવા શા માટે હતો…? જે થયું એ આંખે નિહાળીને દિલ સળગાવવા શું મારું ત્યાં હોવું જરૂરી હતું…? કદાચ મારા શબ્દોએ મારી પાસે આ કરાવ્યું. આવવાનું હું અંતના પ્રારંભથી પહેલા કહી ચુકેલો હતો, અને એટલે જ સામેની તરફની પુર્ણાહુતી છતાં હું અંતિમ આરંભની આશા સાથે આવેલો… પણ કેટલી વાર… કોઈ કેટલી વાર નવી શરૂઆત કરી શકે, એ પણ એવી સ્થિતિમાં જયારે સામે પક્ષે સ્વીકારની તૈયારી જ નથી. છતાય હું છું, અહી જ છું અને સવારે એની સાથે જ હું ત્યાં પણ હતો… કદાચ ન હોત તો હું ક્યારેય ન જાણી શકત કે આ બધું શું અને કેવું હોઈ શકે છે… હજુ પણ હું છું, અહી જ છું આસપાસ છું… પણ કયા…? હું શા માટે આવ્યો હતો…? શું એનો જવાબ મને મળી ગયો છે ખરા…? કે પછી હું જે લેવા આવેલો એ લીધા વગર હું જઈ રહ્યો છું…? હું કોઈ જવાબ લેવા તો નહોતો આવેલો… પણ કાના પાસે આવીને ખાલી હાથે જવાનો પ્રશ્ન જ ક્યા આવે છે, કારણ કે એની પાસે હું કઈ લેવા જ નથી આવતો, હું બસ સમજવા આવું છું… કે કેમ જે છે એ એમ છે જેમ ન હોવું જોઈએ…? કદાચ પ્રશ્નો અને ઉત્તર મને ખબર હોય, પણ સમજણ તો એ જ પાડે છે.
સામાન્ય રીતે ગુજરાતના મોટાભાગના સ્ટેશનો પર અમદાવાદની બસ સૌથી વધારે સરળતાથી મળી જતી હોય છે. પણ કોણ જાણે અહી એવું કેમ નથી થઇ રહ્યું…? સવારે પણ અચાનક જ વરસાદે થોડોક સફરનો સમય લંબાવી દીધેલો… પણ એનોય શું લાભ, જેને સાથ જોઈતો જ નથી, જેને સમયની પરવા જ નથી અથવા જેને જેમ તેમ કરીને છટકી જ જવું છે એને આવા સંકેત સાથે શું લેવાદેવા હોય…? સમય સરતો રહ્યો… અને મારા મનનો વિશાદ પણ એની સાથે જ ઓસરતો જઈ રહ્યો હતો… હું ગુસ્સામાં છું, ચિંતિત છું કે પછી મૂંઝવણમાં…? હું આ બધું પણ મને જ પૂછી રહ્યો છું અને મને જ જવાબ આપવા પ્રેરું છું…
‘મને લાગે છે કે તું ડાકોરમાં છે…? પણ, જરૂરી એ છે કે આ બાબતે તને શું લાગે છે…?’ આખાય ડાકોરમાં જે અવાજની મને આશા હતી એ છેવટે બસ સ્ટેશનના બાંકડા પર બેસીને મને સંભળાયો. મારા હાથમાં રહેલ બિસ્કીટ અને હાથ બંને એમ જ સ્થિર થઇ ગયા. જો કે હું આસપાસ જોવા અંગે હજુ વિચારી રહ્યો હતો, ત્યાં એણે ફરી વાર કહ્યું, ‘શું મને અહી તહી શોધવો ખરેખર જરૂરી છે…?’
‘પણ…’ હું શું કહેવું એની મૂંઝવણમાં જ બબડ્યો.
‘તને લાગે છે મને એ નહિ ખબર હોય…’
‘પણ કાના બે વર્ષ… તને નથી લાગતું એકબીજાને સમજવા માટે આ પુરતો સમય હતો… એમ છતાં એણે…’
‘તને ખબર છે કે પ્રેમ અને શ્રદ્ધા બંને એક સમાન હોય છે. જો હું ખોટો ન હોઉં તો ખાસ્સો સમય આજે તે ગોમતીના ઘાટને જોયો હતો ને…? ત્યારે હું પણ ત્યાં જ હતો…’ એ અવાજમાં સ્થિરતા હતી, સમજ હતી અને સાક્ષ્યભાવ પણ હતો.
‘પણ…’
‘હું કાઈ બોલ્યો કેમ નહિ એમ જ ને…?’
‘હા…પણ કેમ…?’
‘કારણ કે એ સમયે, મને એ યોગ્ય જ ન લાગ્યું…’
‘પણ એવું કેમ…?’
‘તારી મુશ્કેલીઓમાંથી તારે જાતે જ બહાર આવવું જોઈએ, એવું હું માનું છે.’
‘પણ કાના… આ સ્થિતિમાંથી જો હું જાતે બહાર આવી શકતો હોત તો બે વર્ષ સુધી હું વારંવાર એમને એમ જ ન વણ ઉકેલાયેલો રહ્યો હોત.’
‘તને કેમ એવું લાગે છે તારી પાસે એનો ઉકેલ નથી…?’
‘કદાચ…’
‘તું બધું જ જાણતો હતો. એનો વર્તમાન, ભૂતકાળ અને એણે ક્યારેય જે તને નથી કહ્યું એવું પણ તો તું જાણતો હતો. ઉલટાનું એ અજાણ છે તારા વિષે કે તું કેટલું બધું જાણવા છતાં એના પર વિશ્વાસ કરી શક્યો છે.’
‘પણ આ બધું તું ત્યારે પણ કહી શકત ને…?’
‘કદાચ હા… કદાચ ના…’
‘એવું કેમ કહે છે…?’
‘મારા કહેવા કરતા તારું સમજવું પણ જરૂરી છે ને, હું કહી દઈશ અને તને સમજાશે નહિ તો…? પણ મને લાગ્યું તું સ્થિતિઓ જોડીને સમજતા શીખી રહ્યો છે. હું તો બસ તને નિર્દેશ કરી શકું, એમાંથી સમજ મેળવવાની જવાબદારી તો તારી છે.’
‘કદાચ… હું ત્યારે તને કઇક અન્ય પણ કહી શક્યો હોત… જો તું ત્યારે જ સામે આવ્યો હોત…’
‘પણ તું એ ક્યારેય ન શીખી કે સમજી શક્યો હોત જે મારા માટે તું ત્યાં સમજ્યો છે. અને તું જયારે તારી મુશ્કેલ સ્થિતિઓ માંથી બહાર આવવા બાબતે આટલું અગત્યનું કઈક શીખતો હોય ત્યારે હું કેવી રીતે તને હેરાન કરું…?’ એણે કહ્યું અને એ અવાજ ગુંજતો જ રહ્યો. આખાય ડાકોરમાં જાણે કે એ જ અવાજ હવે સંભળાતો હતો… બાકીનું બધું જ વિલય થઇ રહ્યું હતું એના અવાજમાં કે પછી મારા વિચારોના વંટોળમાં…
‘કદાચ હું…’
‘તારે મુંઝાવાની જરૂર નથી. મને ખબર છે કે માણસ તરીકે આપણે આધાર વગરના સારમાં જલ્દી સમજ નથી કેળવી શકતા. એટલે જ તો આપણે બધા ઈશ્વરના સારને સમજવા માટે પ્રતિમાનો આધાર લઈએ છીએ.’
‘આપણે બધા…? તુ ક્યારથી અમારામાં આવી ગયો…?’
‘હું…?’ આ પ્રશ્નાર્થ હતો, ઉદગાર હતો કે આશ્ચર્ય મને સમજાયું નહિ. પણ એના નિખાલસ મુખ પર હાસ્યનું જે ઝરણું ફૂટ્યું હશે એની અસર આસપાસના વાતાવરણમાં સર્જવા લાગી. વાદળોએ સૂર્યના તાપને અચાનક ઢાંકી દીધો અને મીઠો પવન રેલાવા લાગ્યો.
‘તને ગરમી લગતી હશે…?’ એણે આટલી બધી વાર મૌન રહીને બસ આટલું જ કહ્યું.
‘મને બેચેની છે… કે તું કહેવા શું માંગે છે…?’
‘મને તો એમ કહે કે તું સાંભળવા શું માંગે છે…?’
‘હું…? અને, તને એની જાણ નથી એમ…?’
‘મને તો બધી જ ખબર છે, પણ નિર્ણય તો તારે જ કરવાનો થાય ને…?’
‘મારે…?’
‘હા… તારે… કે તું જે પાછળ મુકીને આવ્યો છે એ વિષે વાત કરવી છે, કે જે આજે અને અહી પર તે જોયું સમજ્યું શીખ્યું કે જેને જાણવાની તને ઈચ્છા છે…?’ એણે હવે મારી નજીક જગ્યા લીધી અને કહ્યું. એના પાસે આવીને સ્થાન લેતા જ વાતાવરણમાં વિચિત્ર ઠંડક પ્રસરવા લાગી હતી. એના ચહેરાના હાસ્યમાં મારા વિચારોનું બધું જ વંટોળ સમીને શાંત થઇ જતું હતું. કદાચ એટલે કે એના શબ્દોના દિશાહીન કથનોને હવે કેન્દ્ર મળી ગયું હતું.
‘તને નથી લાગતું તે આવવામાં વાર કરી દીધી છે…?’
‘ના, ખરેખર મને નથી લાગતું. કારણ કે હું તો હમેશા તારી સાથે જ છું. કદાચ તું સમજ્યો હોત તો તારે અહી આવવું પણ ન પડત.’
‘પણ હું તો અમસ્તા જ આવ્યો છું.’
‘મને ખબર છે, પણ તને લાગે છે કે તું છેક અહી આવીને એમ જ નીકળી શકત.’
‘હા કદાચ… જો હમણાં જ અમદાવાદની બસ આવત તો હું તો નીકળી જાત.’
‘પણ તું આટલી મૂંઝવણ સાથે અહીંથી કેવી રીતે જઈ શકે, એ પણ મારી ઈચ્છા વગર…’
‘તો બસ…’
‘તારી સાથે અહી સમય વિતાવવો ગમશે મને, મારા સ્થાને…’ એણે મારા હાથને એના હાથમાં લઈને કહ્યું. કદાચ હાથમાં હાથ લેવાથી આપણે કોઈની સ્થિતિ અને ભારને હળવો કરી શકીએ છીએ. એ મારું નથી એની જાણ હોવા છતાં આજે સવારે જ હું પણ એ જ પ્રયત્ન કરતો હતો ને… પણ ઇન્ટેનશન અને એના પાછળની સમજણ ઘણા ઓછા લોકો સમજી શકતા હોય છે. સંબંધમાં જેમ શબ્દો જ પૂરતા નથી એમ એકલું શરીર પણ પૂરતું નથી… સબંધ તો સર્વસ્વ અને સંપૂર્ણતા પર આધાર રાખે છે.
‘હું કદાચ એટલે જ આવ્યો હતો’
‘તને ખબર છે, ગોમતી તળાવ અને મારા મંદિરની આસ્થા આખાય ભારતમાં છે.’ એણે કહ્યું અને એ મને જોઈ રહ્યો. જાણે એ મને પૂછી રહ્યો હોય કે આ કથનમાં તને તારી સ્થિતિ પ્રમાણે કઈ સામ્યતા દેખાય છે.
‘પણ કાના… મારે તો…’ હું નિ:શબ્દ હતો.
‘પ્રયત્ન કર, કદાચ તને તારી વાતોના જવાબ પણ મળી રહે…’
‘તારા આવ્યા પછી એ તો નક્કી જ છે કે કોઈ મૂંઝવણ રહી જવાની નથી.’ હું એનાથી વધુ એને શુ કહી શકવાનો હતો…?
‘તો હું કહેતો હતો કે ગોમતી તળાવ અને મારા મંદિરની આસ્થા અને શ્રદ્ધા ઘણી છે, પણ જે આજે તે ગોમતીના ઘાટ પર અનુભવ્યું એ અંગે ક્યારેય વિચાર્યું છે…? કે એવું કેમ છે…? મારા પ્રત્યે આટલી શ્રદ્ધા છતાં મારા પ્રિય તળાવની સ્થિતિ કેવી છે? શું મને આ બધું ગમતું હશે…? પણ એની પરવા કોને છે…? તે તો દ્વારકા અને બેટ દ્વારકાની સ્થિતિ પણ જોઈ છે, તારા મનમાં અગાઉ પણ આ જ પ્રકારના પ્રશ્નો ઉદભવી ચુક્યા છે… પણ તને લાગે છે લોકોને એનાથી ફરક પડે છે…? પૈસાથી લોકો ભગવાનને પણ ખરીદી લે છે, એ અલગ વસ્તુ છે કે એમને એવુ લાગે છે. આમ પણ લોકોને પોતાના જીવનમાં શું છે અને શું થઇ શકે એની પડી છે. લોકોને મારી પસંદ કે ના પસંદની નથી પડી એમને માત્ર એટલી પડી છે કે મારા નામ પર એમને શું મળી શકે છે. પછી મારા નામે મને જ કેમ ન વેચી દેવામાં આવે… મારા નામે તળાવની મહિમા છે, પણ મારા નામે એની સાફસફાઈ અંગે કોઈને ક્યારેય વિચાર નથી આવતો. તને ખબર છે આવું બધું કેમ છે? કારણ કે એ મારા નિર્ણયો પણ મારા વતી લઇ રહ્યા છે.’
‘કદાચ હા, પણ લોકોની આદત છે… એ લોકો ગમે તેમ કરીને પોતાનો જ કક્કો સાચો સાબિત કરતા હોય છે.’
‘આ તો તું તારી જ વર્તમાન મુંઝવણનો જવાબ આપી રહ્યો છે, તને નથી લાગતું મેં પ્રયત્ન નહિ કર્યા હોય લોકોને સમજાવવાના કે ગોમતી તળાવ અને રણછોડરાય મંદિરની મૂળ આત્મા જ એની સ્વચ્છતા અને પારદર્શિતા છે. પણ લોકોએ શું સ્વીકાર્યું…? એમની આસ્થા અને એમનો લાભ… કઈ વસ્તુ એમને અનુકુળ છે… અથવા એમ કહી શકાય કે લોકોને માત્ર પોતાની બાજુ જ સાચી દેખાય છે.’
‘હા…’
‘એમને એવું છે કે તમે અમને બધું જ આપો અને અમે તમને બદલામાં ફૂલ હાર અને એવું બધું ચડાવીએ તો છીએ. મતલબ કે એમના ફળ ફૂલ અને એસીની હવા ખાઈને મારે એ બધું જ ભુલાવી દેવાનું જે એ લોકો મારા આસપાસના વિસ્તાર અને એની પ્રાકૃતિક આભા સાથે કરી રહ્યા છે.’
‘એટલે તું કહેવા માંગે છે કે…’
‘તું સમજી રહ્યો છે, સંસારમાં બધેય એવું જ છે. પ્રેમ પણ ગોમતી ઘાટ જેવો થઇ ગયો છે. લોકોને એમાં તરવું તો છે, નહાવું તો છે, પાપ ધોવા તો છે, પણ એની સ્થિતિ સમજવાની કોઈને નથી પડી. દરેકને પોતાના સમય અને પોતાની સ્થિતિની ચિંતા છે. એમને પોતે કરેલી એક ક્ષણની મહેનત પણ મહેનત લાગે છે અને કોઈકની વર્ષોની મહેનત નિરર્થક અથવા સ્વાર્થ લાગે છે. હું જો એમને દરેક વાર એમણે માંગ્યું આપી દવ અને તેમ છતાં પણ જો ખાકી એક જ વાર હું એમની ઈચ્છા વિરુદ્ધ જાવ તો એમને હું જ ખોટો લાગવા લાગુ છું.’ એણે કહ્યું અને એ ફરીથી મને જોઈ રહ્યો.
‘એ તો છે’
‘તને ખબર છે, મન હોય તો માળવે જવાય. આવી એક કહેવત છે. તે પાંચ દિવસ ઘરથી દુર કાઢ્યા તને ક્યારેય અંદાઝ હતો કે તે ધાર્યું પણ ન હતું એવું બધુ આ દિવસોમાં ઘટી જશે…’
‘કદાચ હા… કોઈ પણ સંબંધમાં બંને તરફનું વિચારવું જોઈએ.’ મેં કઈક થોડું બહુ સમજાતું હતું એના આધારે કહ્યું.
‘બસ હું પણ એ જ કહું છું. મારી વાત અને સ્થિતિ તું સમજી રહ્યો છે. એનું કારણ છે કે તું પોતે હેરાન પરેશાન અને મૂંઝવણમાં હતો. પણ તે માત્ર પોતાની સમસ્યાને જ મોટી ગણવાના સ્થાને અને મને જ એનો જવાબદાર ઠેરવી દેવાના સ્થાને તે સામેના પક્ષને પણ જોયો… તે મને દોષ દેવાના સ્થાને ગોમતીના ઘાટ પર બેસીને મારી સ્થિતિ વિષે પણ વિચાર્યું… જો કે તને તો ખબર છે કે મને કોઈ સમસ્યા નથી નડવાની હું દરેક બંધનથી પરે છું, તેમ છતાં તે મારા દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરી… તને એ ચિંતા હતી કે મને આ બધામાં કેવું લાગતું હશે…? કદાચ એટલે જ હું તને મૂંઝવણમાં વધુ સમય રાખી ન શક્યો. દરેક સબંધ બે તરફની સમજ કેળવાય તો જ સાર્થક બને છે. જો તું પણ ખાલી તારી સમસ્યાનો પોટલો મારી સામે ઠાલવ્યા કરે અને મારી બાજુને ક્યારેય સમજે જ નહિ તો મારે પણ સમયાન્તરે તારાથી કિનારો જ કરવો પડે. કારણ કે હું તને ત્યારે જ સમજાવી શકું જયારે તું સમજવા તૈયાર હોય.’
‘હા…’
‘બસ એવું જ કઈક તારા જીવનમાં પણ આજકાલ ચાલી રહ્યું છે. તું ગમે એટલું સહેતો રહીશ, પણ કોઈને નહીં સમજાય. કારણ કે એ વ્યક્તિ પોતાની સમસ્યાને જ દુનિયાની સૌથી મોટી સમસ્યા સમજી લે છે. એને લાગે છે જીવનમાં દરેક સમસ્યા બસ એને જ છે. બાકી બધા તો દરેક મુશ્કેલીથી ઉપર છે…’ એણે કંઈક ભાર પૂર્વક આ વાતને કહી. જાણે મને ભરેભરખમ અને જ્યાત્યાની વાતોમાં સાર્થક સાર આપી રહ્યો હોય.
‘કદાચ હા…’
‘શું તને એની જાણ નથી…?’
‘મને થોડું બહુ સમજાતું હતું પણ સાક્ષાત્કાર વગર સમજ કેવી રીતે આવે. કારણ કે મને તો જેટલું પણ દેખાતું હતું એટલું ચોખ્ખું જ હશે મારા જીવનમાં પણ… એવું જ લાગતું હતું.’
‘ચોખ્ખું જ છે, પણ લોકોને બધું પોતાની રીતે જ જોઈએ છે. એવી રીતે નહિ જેવી રીતે એ હોવું જોઈએ. જો હમણાં કોઈ આવીને ગોમતી તળાવ સાફ કરવાનું કહી પણ દેશે તો એને નહિ કરવા દેવામાં આવે. કારણ કે એના ઠેકેદારોને ડર રહેશે કે કદાચ જો આ પણ અધિકાર કરશે તો… જો કે એવું દરેક જગ્યાએ નથી હતું, અંતરીક લાગણી અને સ્વાર્થ વચ્ચે ઘણો ફર્ક હોય છે, પણ એની સમજ એને જ હોય જેનામાં સ્વાર્થવૃતિ કરતા વધારે સમજવાની ત્રેવડ હોય. જેને માત્ર પોતાની બાજુ નહીં અન્યની બાજુને પણ સમજવાની ઈચ્છા હોય. તમને પગ વગરની પીડા ત્યારે જ સમજાય જ્યારે તમે એનાથી ઘણા સારા છો એવી સમજ કેળવી શકો. જો તમે પોતાને તંદુરસ્ત હોવા છતાં અપંગ કરતા પણ દુઃખી માનતા હોવ તો તમને એની પીડા ક્યારેય નહીં સમજાય…’ આટલું કહીને એ મારી સામે એવી રીતે જોઈ રહ્યો જાણે એણે મારા દરેક પ્રશ્નોના જવાબ આપી દીધા હતા. હું એને વધારે કાઈ પૂછું એ પહેલા એણે મને કહી દીધું ‘મન હોય તો માળવે જવાય, આ કથન પર ભાર મૂકજે તને ઘણું બધું સમજાઈ જશે. હા, જીવનમાં એવા માર્ગો છોડી દે જ્યાં તારી જરૂર જ ન હોય… માત્ર જરૂરિયાત હોવાનો આભાસ હોય…’
‘જેમ કે…?’
‘ડાકોર… તને લાગે છે તારે મને મળવા અહી છેક આવવું પડે… પણ છતાં તું આવ્યો છે, કારણ કે તારે આવવું હતું… તારી પોતાની ઈચ્છાએ તું આવ્યો છે… જો તને બોલાવવામાં આવત અને તારે ન આવવું હોત તો કદાચ તારી પાસે અનેક બહાના હોત… જેમ હંમેશા એની પાસે તારાથી દુર રહેવાના ઢગલા બંધ બહાના હોય છે, પણ નજીક રહેવા માટે એક પણ નહિ.’ આટલું કહેતા કહેતા એ હવામાં ઓગળી ગયો. કદાચ એણે તો બધું જ કહી દીધું પણ મને સમજવામાં અને એને જોડવામાં હજુય સમય જતો રહેશે.
હું કઈ વિચારોમાં ફરીથી ખોવાઈ જાઉં એ પહેલા જ બસ આવી ગઈ. હું બસમાં ગોઠવાયો, કાનમાં ઈયરફોન નાખ્યા અને એની યાદોએ ફરીથી મારા મગજ પર પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું. આ અવાજ ગીતોનો હતો પણ એણે સાંભળવાનું માધ્યમ એની યાદોમાંથી ભીંજાઈને બહાર આવતું હતું. મારા મનમાં બસ એક જ વિચાર વાગોળાઈ રહ્યો હતો કે એની વાત તદ્દન સાચી છે. જો આપણે કાઈ કરવાનું ઈચ્છીએ તો એને કરવા આપણી પાસે અનેક માર્ગો હોય છે અને એને ટાળવાનું ધારીએ તો ટાળવાના પણ અનેક માર્ગો હોય છે. બસ ફર્ક એટલો છે આજના દિવસમાં કે મારી ઈચ્છા પામવાની હતી અને એની છૂટવાની….
~ સુલતાન સિંહ ‘જીવન’
તારીખ : ૧૮ ઓક્ટોબર ૨૦૨૦ | સ્થળ ડાકોર – બસ સ્ટેશન
Leave a Reply