બહુ જ લાંબી પોસ્ટ લખાઈ છે. પણ આયુર્વેદમાં, આયુર્વેદમાં નહીં તો સ્વાસ્થ્યમાં કે જીવનમાં અને સાચું સમજવામાં થોડો પણ રસ હોય તો આખી પોસ્ટ ચાવી ચાવીને વાંચવી. એ વાંચવામાં આપેલો સમય વ્યર્થ નહીં લાગે એની ગેરન્ટી.
આપણે ત્યાં કોઈ પણ બાબત હોય, એ સ્ટીરિયોટાઈપિંગ નો ભોગ બહુ બને. અને જન માનસમાં કોઈ પણ વસ્તુ માટેની એક છાપ એક વાર બેસી ગઈ, પછી એ સાચી હોય કે ખોટી, પેઢીઓ સુધી એ જ આગે સે ચલી આતી હૈની જેમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. પછી ન એનો કોઈ જેન્યુઇન અભ્યાસ હોય, ન એને ઊંડાણમાં સમજવાનો કોઈ પ્રયત્ન હોય; બસ એના વિશે પૂર્વગ્રહયુક્ત અભિપ્રાયો ઠોકયે રાખવાના, અને પાછું પોતાને મોટા જાણકાર સમજતા રહેવું – આ વૃત્તિ-પ્રવૃત્તિ આપણા લોકોમાં બહુ ઊંડે સુધી ઘર કરી ગઈ છે.
આવું જ સ્ટીરિયોટાઈપિંગ આપણે ત્યાં આયુર્વેદ માટે થયું છે. આવતી કાલે ધન તેરસ, એટલે કે આયુર્વેદના ભગવાન ધન્વંતરિનો પ્રાગટ્ય દિન છે અને વિશ્વના અનેક દેશોમાં એ આયુર્વેદ દિવસ તરીકે ઉજવાવાનો છે. એ નિમિત્તે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની પૂર્વ સંધ્યાએ મને અંગત રીતે બહુ ગમતાં અને જરૂરી લાગતાં કામોમાંનું એક કામ આજે સોશિયલ મીડિયા પર કરવું છે. અને એ છે આયુર્વેદ માટે આપણી પ્રજાના દિમાગ પર ઘર કરી ગયેલી અને અંદરથી ખંભાતી તાળું લગાવીને બેસી ગયેલી ગેરમાન્યતાઓ, ગેરસમજણો અને પૂર્વગ્રહોને તોડીને સાચા આયુર્વેદથી લોકોને વાકેફ કરવાનું, અને આયુર્વેદની મહાનતાને લોકોની કુંઠિત સમજ સુધી પહોંચાડવાનું કામ.
તો ચાલો, એક એક કરીને ખંભાતી તાળાં ખોલતાં જઈએ. ગેરમાન્યતા અને ગેરસમજણના તાળાં માટે ચાવી આવશે, પણ બાયસનાં તાળાં ચાવીથી નહીં ખૂલે, એના માટે જરૂર પડ્યે દંડો કે પથ્થર પણ વાપરવામાં આવશે.. P
(1) ઓહ આયુર્વેદ! આયુર્વેદ એ તો ભારતનું પ્રાચીન દવાઓનું શાસ્ત્ર. હશે એ સમયે. આજના જમાનામાં એ ન ચાલે.
પહેલી વાત તો એ કે આયુર્વેદ એ દવાઓનું વિજ્ઞાન નથી, પણ જીવનનું શાસ્ત્ર છે. દવાઓ એ આયુર્વેદનો એક ભાગ છે, આયુર્વેદ એટલે ખાલી દવાઓ એવું નથી. આયુર્વેદમાં ક્યા રોગમાં શું દવા કરવી એ જ માત્ર નથી આપ્યું. આયુર્વેદના સૌથી પ્રખ્યાત ગ્રંથ ચરક સંહિતાના આઠ સ્થાનમાંથી માત્ર ત્રણ સ્થાન ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન જ એવા છે જેમાં માત્ર રોગોની દવાઓ અને પંચકર્મનું વર્ણન છે. એ સિવાય વ્યક્તિના જન્મ, જીવન, મૃત્યુ અને સ્વાસ્થ્ય પર આહાર, વિહાર, ભોજન કરવાની પદ્ધતિ, મૈથુન, નિદ્રા, ઋતુઓ, દિનચર્યા, લાગણીઓ, માનસિક ભાવો, ગર્ભાવસ્થા દરમ્યાન માતાનો આહાર-વિહાર – આવા અનેક પરિબળોની અસર અને એ દરેક વસ્તુ કઇ રીતે હેન્ડલ કરવી જેનાથી સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એનું અતિશય વિશદ વર્ણન ન માત્ર ચરક સંહિતામાં, પણ આયુર્વેદના બધા આધારભૂત ગ્રંથોમાં છે. બીજું, આયુર્વેદ ટાઇમલેસ છે. આપણે કાર લઈએ તો એની સાથે એનું મેન્યુઅલ આવે છે. એ મશીનને લગતી બધી વિગતો, એ કઈ રીતે કામ કરશે, કઈ રીતે સારું કામ કરશે, શું કરવાથી ખરાબ થશે, ખરાબ થાય તો શું કરવું
એ બધી નાની નાની વિગતો મેન્યુઅલમાં હોય છે. એવું જ એક મશીન આપણું શરીર છે. એનું મેન્યુઅલ એટલે આયુર્વેદ. એક મશીન માટે એનું મેન્યુઅલ ક્યારેય આઉટડેટેડ ન કહેવાય. અને એને આઉટડેટેડ માનવું મૂર્ખામી કહેવાય. એ મેન્યુઅલ પ્રમાણે વર્તવું ફરજીયાત ન હોય પણ તમારી પ્રાયોરિટી મશીન લાંબો ટાઈમ શ્રેષ્ઠ રીતે ચાલે એવી હોય તો અનિવાર્ય છે. (આ સરખામણી સ્વાસ્થ્ય અને જીવન માટે આયુર્વેદનું મહત્વ 100% કન્વે નથી કરતી પણ તોય થોડું ઘણું સમજવા-સમજાવવા માટે કાફી છે.) અને યોગ કે આયુર્વેદ અપનાવીને બીમાર પડતા કે વહેલા મૃત્યુ પામતા લોકોના અપવાદરૂપ કિસ્સાઓ અહીં ગણાવવા નહીં. એની સામે ખરાબ લાઇફસ્ટાઇલ અને આયુર્વેદ ન અપનાવવાથી ખૂબ તકલીફ ભોગવતા અને અપનાવવાથી સ્વસ્થ અને સુખી દીર્ઘાયુ ભોગવેલા અને ભોગવતા લોકોના હજારો ઉદાહરણો હું આપીશ. 😉
આયુર્વેદ આજના જમાનામાં જ વધુ રીલિવન્ટ છે અને હજી વધુ રીલિવન્ટ થવાનું છે, કારણ કે લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ આજના જમાનામાં જ સૌથી વધુ જરુરી છે અને વધુ જરૂરી બનતું જવાનું છે.
(2) આયુર્વેદ ક્યારેક કામ કરે તો ખરું પણ એનાથી રોગ મટતાં બહુ વાર લાગે
આયુર્વેદ રોગોનું મેનેજમેન્ટ માત્ર નથી કરતું, પણ સ્વાસ્થ્યનું પુનઃસ્થાપન પણ કરે છે. આયુર્વેદથી સ્વાસ્થ્ય મળતાં વાર લાગે અને આયુર્વેદની દવાઓની સાઈડ ઇફેક્ટ ન હોય એ આપણા સમાજમાં આયુર્વેદ માટે પ્રસરેલી સૌથી મોટી મિથ્સ છે. સાઈડ ઇફેક્ટ વાળું આગળ જોશું. અત્યારે લાંબો સમય લાગવાનું જે આળ છે એની ચર્ચા કરીએ . જાણકાર, અનુભવી અને આયુર્વેદને સાયન્સની રીતે ઊંડાણથી સમજેલા વૈદ્ય વ્યવસ્થિત વિચારીને દવા આપે તો પહેલા દિવસથી જ અસર દેખાવી શરૂ થઈ જતી હોય છે, પણ રોગ જેટલો જૂનો હોય એટલો એને પૂરેપૂરો નીકળતાં સમય લાગે એ સ્વાભાવિક છે. એટલો સમય લાગવો નોર્મલ છે, પ્રકૃતિ છે. એટલે રોગ મટવામાં લાગતો સમય એ નેગેટિવ નહીં પણ પોઝિટિવ પોઇન્ટ છે, એ જ આયુર્વેદને એક સ્વાસ્થ્ય વિજ્ઞાન તરીકે વધુ ઓથેન્ટિક પુરવાર કરે છે. સામાન્ય ભાષામાં સમજીએ તો જેટલો કચરો વધુ જમા થયો હોય અને વિકૃતિ જેટલી વધુ હોય એટલો એની સફાઈમાં અને એને પ્રકૃતિ તરફ વાળવામાં સમય વધુ જ લાગે. કચરાને ચાદર નીચે દબાવવો હોય તો જ એ ઝડપથી, તાત્કાલિક થઈ શકે બાકી એનું નિર્મૂલન તાત્કાલિક નથી જ થઈ શકવાનું. જો ઉતાવળે આંબા ન પાકે તો સ્વાસ્થ્ય કેમ પાકે અને પાકે તો એ કાર્બાઇડથી પાકેલી કેરીઓ કે કેમિકલથી બનેલા દૂધ જેટલું જ ઘાતક હોય. આયરની એ છે કે આપણને કેમિકલથી પાકતું દૂધ સ્વાસ્થ્ય માટે ખરાબ એની ખબર પડે છે અને ગળે પણ ઉતરે છે, પણ કેમિકલથી મળતું સ્વાસ્થ્ય શરીર માટે ઘાતક હોય એ આપણી પાસે આયુર્વેદ હોવા છતાં ગળે નથી ઉતરતું. D
(3) આયુર્વેદ ઇમરજન્સીમાં કામ ન આવે.
વચ્ચે એક જોક બહુ ચાલ્યો હતો- અમુક લોકો આયુર્વેદિક હોય છે, ઇમરજન્સીમાં ક્યારેય કામ જ ન આવે. જોક ખાતર ઠીક છે, આપણે એવા લાગણીદુભાઉ નથી કે મજાકમાં ઓફેન્ડ થઈ જઈએ. પણ જ્યારે આવા જોક કોઈ ફોરવર્ડ કરે ત્યારે વિચારવું જોઈએ કે એનાથી ક્યાંક બીજા બધાના સબકોન્સિયસમાં પરોક્ષ રીતે કોઈ બાબત માટે બાયસ કે ખોટી ઇમેજનું ઇન્સેપ્શન નહીં થઈ જાય ને આયુર્વેદ ઇમરજન્સીમાં કામ ન જ આવે એ ટ્રોમા, એક્સિડન્ટ અને ફ્રેક્ચર જેવી કન્ડિશન્સને બાદ કરતાં એક મિથ છે. એ કન્ડિશન પણ પહેલાં આયુર્વેદથી હેન્ડલ થતી જ, પણ અત્યારે વધુ સુવિધાઓ અને ઉપકરણોના કારણે વધુ સગવડતાપૂર્વક થાય છે. બાકી શરદી-તાવ જેવી સામાન્ય બીમારીઓથી માંડીને એક્યુટ હાર્ટ એટેક, પેરેલીસીસ જેવી ઇમરજન્સી કન્ડિશન અનુભવી, સ્કિલ્ડ અને આયુર્વેદના મૂળ સુધી ગયેલા વૈદ્ય આયુર્વેદથી જ હેન્ડલ કરી શકે છે. પણ એકદમ વિશ્વસનીય, ઓથેન્ટિક અને અનુભવી વૈદ્ય ન હોય તો આમ ન કરવું આમ જનતા માટે વધુ પ્રિફરેબલ છે.
(4) આયુર્વેદ એટલે બાબાઓના અવૈજ્ઞાનિક તુક્કાઓ. વળી એમાં સ્ટીરોઇડ પણ હોય કોણ જાણે!
રોડ પર તંબુ તાણીને બેસતા બાબાઓ અને સ્વાર્થના કારણે દવાઓમાં સ્ટીરોઇડ મિક્સ કરતા લોકોએ આયુર્વેદની છાપ બગાડવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે. આયુર્વેદ એક સાયન્સ તરીકે પ્રતિષ્ઠિત ન થયું હોવાનું એક બહુ મોટું કારણ આ છે. પણ એમાં આયુર્વેદનું નામ પોતાના કોઈ વાંક વગર ખરાબ થાય છે. આમાં મહદ અંશે આયુર્વેદના ડિગ્રી ધરાવતા લોકો નથી હોતા પણ એની બદનામી ભોગવવી એમને જ પડે છે. આયુર્વેદની સરકાર માન્ય ડિગ્રી હોય છે અને આયુર્વેદમાં MD થાય છે એ પણ હજી ઘણાને ખબર નથી હોતી. એટલે આમાં બધાને એટલું જ સમજવાની જરૂર છે, કે એ બાબાઓનું કે ભણ્યા-સમજ્યા વગર થોડા ઘણા ગ્રંથો વાંચીને નુસખાઓ અજમાવતા લોકો પાસે તમને સાચું આયુર્વેદ નથી મળવાનું.
(5) આ બધા આયુર્વેદના નુસખાઓ બહુ કામ કરે હો બાકી.
આયુર્વેદ એ નુસખાશાસ્ત્ર નથી. છાપાંઓમાં સીધેસીધા પ્રિસ્ક્રિપ્શન છાપી દેતા લોકો અને નુસખાઓની ચોપડીઓ વાંચીને જ્યાંને ત્યાં પોતાના ઔષધિઓના જ્ઞાનનું પ્રદર્શન કરતા લોકોના કારણે પ્રજામાં આયુર્વેદ દવાઓના સેલ્ફ-મેડિકેશનનું દૂષણ બહુ ફેલાઈ ગયું છે. ચરક સંહિતાના પહેલા જ અધ્યાયમાં ચરકે કહી દીધું છે, કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે, દવા માટેનો એના શરીરનો રિસ્પોન્સ અલગ અલગ હોય છે. એટલે વૈદ્યએ વ્યક્તિ વ્યક્તિ જોઈને એ વ્યક્તિને કઈ દવા અને ચિકિત્સા અનુકૂળ આવશે એ સારી રીતે વિચારીને ચિકિત્સા કરવી. આયુર્વેદમાં એક જ રોગની અનેક દવાઓ હોય છે. બધા રોગોમાં એક જ દવા વાપરવાની ચરકે વૈદ્યોને પણ ના પાડી છે. હવે ક્યાંકથી વાંચી કે સાંભળીને પોતાના પર પ્રયોગ કરવાથી પરિણામ ન મળે એટલે છેલ્લે બદનામ આયુર્વેદ જ થશે. એક પણ આયુર્વેદના વૈદ્યને કન્સલ્ટ કર્યા વગર એ સેલ્ફ મેડિકેશન કરનાર માણસ કહેશે, અમે તો આયુર્વેદની ય બહુ દવા કરી. પણ કંઈ પરિણામ ન મળ્યું. આયુર્વેદ કરવું હોય તો ઓથેન્ટિક વૈદ્ય પાસે કન્સલ્ટિંગ કરીને જ કરવું. અન્યથા ન કરવું.
(6) આયુર્વેદ એટલે હર્બલ દવાઓ
ના. વનસ્પતિમાંથી બનતી દવાઓ આયુર્વેદનો એક હિસ્સો માત્ર છે. એ સિવાય વિવિધ ધાતુઓ-ખનીજો (મેટલ્સ-મિનરલ્સ)માંથી પણ દવાઓ બને છે, અને ઘણા બધા પ્રાણીજ અને સમુદ્રીય દ્રવ્યોમાંથી પણ દવાઓ બને છે અને વિષદ્રવ્યોમાંથી પણ દવાઓ બને છે. દવાઓ સિવાય પણ શરીરના ડિટોક્સિફિકેશન માટે હવે સાઉથ ઇન્ડિયા અને અક્ષય કુમારના કારણે પ્રખ્યાત થયેલું પંચકર્મ પણ આયુર્વેદ જ છે. જેમ વાહનનું સર્વિસિંગ અને દિવાળીની સફાઈ હોય એમ શરીરને પણ સમયાંતરે ક્લિનિંગ સર્વિસિંગની જરૂર હોય. એ પંચકર્મ પણ આયુર્વેદનું એક શાનદાર, જાનદાર અંગ છે. અગેઇન, આ બધાને લગતી સલાહ વૈદ્યને કન્સલ્ટ કરીને એમની પાસેથી જ લેવી.
(7) આયુર્વેદની દવાઓ ફાયદો ન કરે તો કંઈ નહીં, નુકસાન તો ન જ કરે
આ પણ એક બહુ મોટી ગેરસમજ છે. અને એના ખરાબ પરિણામ પણ આવી શકે. આયુર્વેદની દવાઓમાં આગળ કહ્યું એમ મેટલ્સ મિનરલ્સ અને ટોક્સિક સબસ્ટન્સિસમાંથી પણ દવાઓ બનતી હોય છે. એને અમુક ચોક્કસ સમયે અને ચોક્કસ અનુપાન (મધ, ઘી, દૂધ, માખણ, અમુક ચોક્કસ દ્રવ્યોના રસ કે ઉકાળા) સાથે જ લેવી જરૂરી છે. એ રીતે જો એ દવા લેવામાં ન આવે તો નુકસાન પણ કરી શકે. એ માહિતી તમને છાપાંઓમાં વાંચવા નહીં મળે. એ આયુર્વેદ વ્યવસ્થિત રીતે ભણેલા વૈદ્યને જ ખબર હોય. એટલે વૈદ્યની સલાહ વગર કોઈ દવા લેવી નહીં.
(8) આયુર્વેદ એક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ (ઑલ્ટરનેટિવ મેડિસિન) છે
મને એ સમજાતું નથી કે જે વસ્તુ હજારો વર્ષોથી વપરાતી હોય, જેનું પૂરી વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતે, સિસ્ટમેટિક ડોક્યુમેન્ટેશન થયું હોય એ શાસ્ત્ર વૈકલ્પિક કહેવાય કે છેલ્લા 200-250 વર્ષોથી વપરાતી કેમિકલ દવાઓ વૈકલ્પિક કહેવાય જો આયુર્વેદ વૈકલ્પિક હોત અને કેમિકલ દવાઓ જ ખરેખર જીવનરક્ષક કે સ્વાસ્થ્યને સારું રાખનાર હોત તો 200-250 વર્ષો પહેલાં બીમારોની સંખ્યા સ્વસ્થ કરતાં વધુ હોત. અને આજે 100 વર્ષ કે વધુ નિરોગી જીવન જીવનારા લોકો શોધવા જાઓ તો ય ન મળે એટલા ઓછા ન હોત. અત્યારે આટલી અધધધ કહી શકાય એટલી ટેકનિકલ પ્રોગ્રેસ અને સો કોલ્ડ એડવાન્સમેન્ટ પછી પણ 40 પાર કરતાં લોકોને ગમે ત્યારે હાર્ટ એટેક આવી જાય, 70 પાર કરવું પણ અઘરું હોય અને 50-60 પછી ગંભીર ક્રોનિક બીમારીઓમાં સપડાયેલા ન હોય એવો એક સિંગલ માણસ પણ શોધ્યો ન મળે એનું કારણ એ જ છે કે આપણે વૈકલ્પિક ચિકિત્સાને જ સર્વેસર્વા માની લીધી છે અને મૂળભૂત ચિકિત્સા પદ્ધતિની ઘોર ઉપેક્ષા કરી છે. P
(9) આયુર્વેદ અવૈજ્ઞાનિક છે. સાયન્સ જ્યાં સુધી એને પ્રમાણિત ન કરે ત્યાં સુધી એની વિશ્વસનીયતા સ્વીકારી ન શકાય.
આ છેલ્લો મુદ્દો ગેરમાન્યતા નથી પણ બાયસ છે. અમુક સાયન્ટિફિક. સાયન્ટિફિકની માળા જપતા લોકો ફિઝીક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના વેસ્ટ એ આપેલા સિદ્ધાંતોના કાટલાંમાં ફિટ ન બેસે એ તમામ વસ્તુઓને અવૈજ્ઞાનિક ઠેરવી દેવાની ટૂંકી બુદ્ધિ ધરાવતા હોય છે. એમની સમજ વેસ્ટર્ન અને કહેવાતા મોડર્ન કોન્સેપ્ટ્સ પૂરતી જ મર્યાદિત હોય છે. એ સિવાય બધું તુક્કા, એ સિવાય બધું અવૈજ્ઞાનિક- આવો બાયસ તમને અલ્ટીમેટ ટ્રુથ સુધી ક્યારેય પહોંચવા ન દે. આયુર્વેદ સ્વયં પ્રમાણિત છે, એને ઓથેન્ટિસિટીના કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. સુશ્રુત સંહિતાનો સ્વસ્થની વ્યાખ્યાનો એક એકલો શ્લોક જ આયુર્વેદની સો ટચની વૈજ્ઞાનિકતા અને ડેપ્થને સમજાવવા માટે કાફી છે 👇
समदोष समाग्निश्च समधातु मलक्रिय।
प्रसन्न आत्मेन्द्रियमना स्वस्थ इति अभिधीयते।।
(सुश्रुत संहिता सूत्रस्थान 1540)
જે વ્યક્તિના દોષ (વાત, પિત્ત અને કફ), અગ્નિ (જઠરાગ્નિ, ધાત્વગ્નિ, ભૂતાગ્નિ- ઇન ટોટલ મેટાબોલિઝમ), ધાતુઓ (રસ, રક્ત,માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર), મલક્રિયાઓ (મલ,મૂત્ર અને સ્વેદ) સમ અવસ્થામાં હોય (આ દરેક સિંગલ ફેક્ટરની સમ અવસ્થા કોને કહેવી અને વિષમ કોને કહેવી અને એ સમ કરવા શું કરવું એ બહુ વિસ્તારમાં સમજાવેલું છે.), એટલું જ નહીં પણ જેનું મન, ઇન્દ્રિયો અને આત્મા પ્રસન્ન અવસ્થામાં હોય એ સ્વસ્થ છે.
આનાથી વધુ સાયન્ટિફિક અને પરફેક્ટ વ્યાખ્યા સ્વસ્થની આખી પૃથ્વી પર બીજી શોધી બતાવો.
જે બંને ઇન્સ્ટિટ્યૂટ્સ માં હું ભણ્યો એ બંને ઇન્ટરનેશલ કોલેબરેશન ધરાવતી સંસ્થાઓ છે (ઇન્કલ્યુડિંગ WHO) જેમાં બહારથી એલોપેથી સ્પેશ્યલિસ્ટ્સ પણ આયુર્વેદ શીખવા-સમજવા આવે છે. એટલે આયુર્વેદને ઉપરછલ્લી વાતોમાં નહીં, પણ પૂરા ઊંડાણથી અને સાયન્ટિફિક દ્રષ્ટિએ જોવાનો મોકો મળ્યો છે. એટલે હું સ્પષ્ટ કહી શકું છું કે જ્યારે સ્વાસ્થ્યની અને જીવનને સ્પર્શતા કોઈ ફેક્ટરની વાત આવે ત્યારે આયુર્વેદ ને બોલા વો ફાઇનલ. જો આયુર્વેદને ક્રેડિટ ન જ આપવી હોય તો પણ અત્યારનું વિજ્ઞાન જ્યારે સ્વાસ્થ્ય માટે એના અલ્ટીમેટ સિદ્ધાંતો પોતાના ચોકઠાંઓ પરથી સમજી લેશે ત્યારે એ સિદ્ધાંતો અને આયુર્વેદમાં વર્ણિત બાબતોમાં એક ટકાનો પણ ફરક નહીં આવે એ હું લખીને આપી શકું.
9 વર્ષ આયુર્વેદ ભણવાના (ગ્રેજ્યુએશન + MD), એક વર્ષ આયુર્વેદ ભણાવવાના અને છેલ્લા એક વર્ષથી દર્દીઓની સંપૂર્ણ શુદ્ધ આયુર્વેદ ટ્રીટમેન્ટના અનુભવમાં આમ આદમીના મોઢે આયુર્વેદ માટે એકની એક ઘીસી-પીટી રેકોર્ડ સાંભળી સાંભળીને કાન ટેવાઈ ગયા છે. મગજમાં હસવું પણ આવે અને જ્યાં આયુર્વેદ માટેની ગેરમાન્યતા, ગેરસમજણ કે પૂર્વગ્રહ દેખાય ત્યાં સીધી સામી સર્જીકલ સ્ટ્રાઈક કરીને એ ગેરસમજણ અને પૂર્વગ્રહ તોડી પાડીને સાચી સમજણ ફેલાવવી- એવું જ ધોરણ રાખ્યું છે. પછી એ સોશિયલ મીડિયા હોય કે ફેસ-ટુ-ફેસ વાર્તાલાપો હોય. આનું કારણ એટલું જ, કે આયુર્વેદ જેટલું ગહન અને સો ટકા એક્યુરેટ જીવન-વિજ્ઞાન આપવા માટે પ્રાચીન ઋષિઓ માટે ગ્રેટીટ્યુડની ભાવના તો દૂર રહી, જ્યારે આયુર્વેદની મજાક ઊડતી દેખાય કે એના વિશે સાચી સમજણ ન હોય એવી સ્થિતિ હોય ત્યારે એ ઋષિઓ માટે દુઃખ થાય કે આવી પ્રજા માટે એમણે આટલી મહેનત શા માટે કરી એમણે સ્વાસ્થ્ય માટેના દુનિયાના અંત સુધી બદલાય નહીં, અવિચળ જ રહે એવા સિદ્ધાંતો શોધ્યા, એક એવી પ્રજા માટે જે દર દસ પંદર વર્ષે જેના સિદ્ધાંતો 360 ડિગ્રીએ બદલાયા કરે છે એવા ભાંખોડીયા ભરતા બાળક જેવા ‘મોડર્ન સાયન્સ’ને માત્ર 200-250 વર્ષની ઉંમર છતાં અલ્ટીમેટ અને ઓથન્ટિક માને છે (કારણ કે જેમણે એ પ્રજા પર રાજ કર્યું એમની ભાષામાં એ ‘વિજ્ઞાન’ છે), અને એક પુખ્ત, અનંતકાળ સુધી યુવાન જ રહેશે એવું સિંહ જેવું શત પ્રતિશત સાચું, સંપૂર્ણપણે ડેવલોપ્ડ વિજ્ઞાન જે એમના પોતાના પૂર્વજો હજારો વર્ષો પહેલાં ભવિષ્યની પેઢીઓ માટેની કરુણાથી પ્રેરાઈને માત્ર અને માત્ર વિશ્વકલ્યાણ માટે જ આપીને ગયા છે, એને ‘અવૈજ્ઞાનિક’ અને ‘આઉટડેટેડ’ માને છે. (માત્ર અને માત્ર એટલા માટે કે એ સંસ્કૃતમાં છે, એનું મૂળ સંપૂર્ણ ભારતીય છે અને એ ભારતના પ્રાચીન વૈજ્ઞાનિકો એટલે કે ઋષિઓએ આપેલું છે.)
અસ્તુ. 🙏
#AyurvedLove ❤️
#NationalAyurvedaDay2019
~ વૈદ્ય પાર્થ ઠક્કર
(સામાન્ય રીતે હું ક્યારેય પોસ્ટ શેર કરવાનું સામેથી કહેતો નથી. પણ આ મારા ખૂબ પ્રિય આયુર્વેદ માટે હોવાથી કહીશ કે જો ગમ્યું હોય અને સાચું લાગ્યું હોય તો વધુ ને વધુ શેર કરો જેથી મેક્સિમમ લોકોની ગેરસમજણો આયુર્વેદ માટે દૂર થાય અને આયુર્વેદની સાચી સમજ વધુ લોકો સુધી પહોંચે. 🙏🙏)
Leave a Reply