ફ્રાન્સ અને અલ્જિરીયા : સહિયારા ઇતિહાસનું એક લોહિયાળ પાનું
————
‘બીજા વિશ્વયુદ્ધને કારણે યુરોપ પર પોતાની ફાસિસ્ટ છાપ ભૂંસવાનું જબરદસ્ત દબાણ ઊભું થયું હતું. યુરોપ જાણે કે દુનિયાને કહેવા માગતું હતું કે અમે કંઈ હિંસક જંગલી લોકો નથી, અમે તો મનુષ્ય-ગરિમાને માન આપવાવાળા, માનવઅધિકારોમાં માનવાવાળા સભ્ય દેશો છીએ.’
——————-
વાત વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
——————-
અત્યારે ફ્રાન્સમાં જે હોબાળો થયો છે એના કેન્દ્રમાં અલ્જિરીયાથી આવીને ફ્રાન્સમાં સ્થાયી થયેલા એક ઇમિગ્રન્ટ પરિવારનો ૧૭ વર્ષીય દીકરો છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા આ તરુણની ફ્રેન્ચ પોલીસ દ્વારા હત્યા થઈ ગઈ ને ફ્રાન્સ સળગી ઉઠયું. ફ્રાન્સ અને નાઇજિરીયાના ઇતિહાસનો એક જટિલ ટુકડો એકબીજામાં ભળીને ઓગળી ગયો છે. આ સહિયારા ઇતિહાસનું લોહિયાળ પાનું વાંચવા જેવું છે.
અંગ્રેજોની જેમ ફ્રેન્ચ લોકોએ પણ દુનિયાભરમાં પોતાની વસાહતો સ્થાપી હતી. ફર્સ્ટ ફ્રેન્ચ કોલોનિઅલ એમ્પાયર ૧૬મી સદીમાં સ્થપાયું ૧૮૧૪માં તેનો અંત આવ્યો. આ સમયગાળામાં ફ્રાન્સે નોર્થ અમેરિકા, કેનેડા અને બ્રાઝિલના કેટલાક હિસ્સાઓ ઉપરાંત અમુક કેરેબિઅન ટાપુઓ પર કબ્જો જમાવ્યો હતો. આ જ તબક્કામાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરીને ફ્રેન્ચોએ ભારતપ્રવેશ કર્યો. આફ્રિકામાં સેનેગલ, મેડાગાસ્કર, સેશલ્સ અને મોરિશિયસને ઝપટમાં લઈ લીધો. સેકન્ડ ફ્રેન્ચ કોલોનિઅલ એમ્પાયરનો પ્રારંભ ૧૮૩૦માં થયો. આ વર્ષે ફ્રાન્સે પોતાના કરતાં લગભગ સવાચાર ગણા મોટા અલ્જિરીયા પર અતિ હિંસક, અતિ ક્રૂર આક્રમણ કરીને આ પાડોશી દેશને કબ્જે કર્યો હતો. ફ્રાન્સ અને આફ્રિકા ખંડની ઉત્તરે આવેલા અલ્જિરીયા વચ્ચે ભૂમધ્ય સમુદ્રની જળરાશિ ફેલાયેલી છે. આ બન્ને દેશોના ભૂ-ભાગ વચ્ચે સૌથી ઓછું અંતર ફક્ત ૪૫૦ કિલોમીટર જેટલું છે. ૧૮૪૮માં અલ્જિરીયાને ઓફિશિયલી ફ્રાન્સનું ‘ડિપાર્ટમેન્ટ’ ઘોષિત કરવામાં આવ્યું. ડિપાર્ટમેન્ટ એટલે સાદી ભાષામાં કોલોની, સંસ્થાન, ફ્રાન્સના કબ્જા હેઠળનો એવો પ્રદેશ જે મેઇનલેન્ડ ફ્રાન્સથી ભૌગોલિક રીતે દૂર છે.
ફ્રાન્સને આ આફ્રિકન દેશમાં શા માટે રસ પડયો? કેમ કે અલ્જિરીયા કુદરતી સંપત્તિના મામલામાં અતિ સમૃદ્ધ હતું. અહીં વિપુલ માત્રામાં ખેતીલાયક જમીન હતી અને જમીનની નીચે તેલ, ગેસ, આર્યન ઑર અને ફોસ્ફેટ્સના ચિક્કાર સ્રોતો હતા. ફ્રાન્સે અહીં ધમધોકાર ખેતીસંબંધિત પ્રોજેક્ટ્સ શરુ કરી દીધા. ચોખા,ઓલિવ અને સાઇટ્રસ ફ્રુટ્સનું પુષ્કળ ઉત્પાદન થવા લાગ્યું. તેથી એ જમાનામાં અલ્જિરીયાને ફ્રાન્સનું ‘બ્રેડબાસ્કેટ’ કહેવામાં આવતું. ફ્રેન્ચ સરકારે સ્થાનિક ફ્રેન્ચ લોકોને અલ્જિરીયામાં સ્થાયી થવા માટે પ્રોત્સાહન આપ્યું. તેઓ પી-નુઆ (Pieds-noirs) તરીકે ઓળખાયા. એક સમયે અલ્જિરીયાની કુલ વસતીના ૧૦ ટકા હિસ્સો આ ફ્રેન્ચ અને અન્ય યુરોપિયન લોકો રોકતા હતા. આ ફ્રેન્ચ સેટલર્સ અલ્જિરીયામાં કૃષિવિષયક કામ કરતા, ઉદ્યોગ-ધંધા કરતા, પોતેય ધનસંપત્તિ કમાતા ને માતૃભૂમિ ફ્રાન્સને પણ માલદાર બનાવતા. મજૂરી કરતો અલ્જિરીયાની સ્થાનિક વર્ગ ઉત્તરોત્તર ગરીબ બનીને હાંસિયામાં ધકેલાતો ગયો. વર્ગભેદ, અસમાનતા અને અન્યાય બોલકા બનતા ગયા.
ફ્રેન્ચ શાસન સ્થપાયું એના લગભગ ૯૦ વર્ષ પછી, ૧૯૨૦ના દાયકામાં, પહેલી વાર અલ્જિરીયાના બૌદ્ધિક વર્ગે આઝાદી વિશે બોલવાનું શરુ કર્યું. (((અલ્જિરીયામાં વસતા ફ્રેન્ચ લોકોને આ મતલબનો ગણગણાટ સુધ્ધાં શી રીતે સહન થાય?))) બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી અલ્જિરીયાની પ્રજાને આશા બંધાઈ કે ચાલો, હવે આ ફ્રેન્ચો પણ બિસ્તરાં-પોટલાં બાંધીને પાછા પોતાને દેશ જતા રહેશે… પણ ફ્રેન્ચો હલવાનું નામ લે તોને? તેથી અલ્જિરીયન પ્રજાએ સેટિફ નામના શહેરમાં આઝાદીની માગણી સાથે ફ્રેન્ચ શાસન વિરુદ્ધ દેખાવો કર્યા. દાયકાઓથી ધરબાયેલો આક્રોશ લાવાની જેમ ઉછળ્યો અને પ્રદર્શનકારીઓએ સો જેટલા ફ્રેન્ચ લોકોને મારી નાખ્યા. ફ્રેન્ચ લશ્કર શાંત રહે? એણે પ્રતિકારરુપે એવી કત્લેઆમ ચલાવી કે ૩૦ હજાર જેટલા સ્થાનિક લોકો હણાઈ ગયા. આ હત્યાકાંડે આખા અલ્જિરીયાને ખળભળાવી મૂક્યું ને એમાંથી જ અતિ આક્રમક અને આત્યંતિક એવા અલ્જિરીઅન સ્વાતંત્ર્યસેનાનીઓ સપાટી પર ઊપસી આવ્યા. અલ્જિરીયાની આઝાદી માટે લડનારું મુખ્ય જૂથ ફ્રન્ટ દ લિબરેશન નેશનેલ (એફએલએન) તરીકે ઓળખાયું. ૧ નવેમ્બર ૧૯૫૪ના રોજ એફએલએન દ્વારા આખા દેશમાં દેખાવો થયા. અલ્જિરીયન વોરનો આ પહેલો દિવસ ગણાય છે.
મારામારી ને કાપાકાપી બન્ને પક્ષે થતી હતી, પણ ફ્રેન્ચ લશ્કર પાસે અનેકગણાં વધારે અસ્ત્રોશસ્ત્રો હોવાના કારણે દેખીતી રીતે જ લશ્કર દ્વારા થતી હિંસા પણ ઘણી વધારે ભયાવહ રહેતી. દુનિયાનું ધ્યાન અલ્જિરીયન વોર તરફ ખેંચાયું. ફ્રાન્સની ટીકા થઈ. કેટલાય સાથી દેશોએ પોતાનો સપોર્ટ પાછો ખેંચી લીધો. આખરે મે ૧૯૫૮માં ફ્રાન્સના તત્કાલીન પ્રેસિડન્ટ ચાર્લ્સ દ ગોલ અલ્જિરીયાના પણ પ્રમુખ બન્યા. ચાર્લ્સ દ ગોલે પારખી લીધું કે હવે અલ્જિરીયન પ્રજા ઝાલી ઝલાશે નહીં. એને અંકુશમાં રાખવી લગભગ અશક્ય છે. અલ્જિરીયાને આઝાદ કરવું જ પડશે. આખરે ૧ જુલાઈ ૧૯૬૨ના રોજ ફ્રાન્સે અલ્જિરીયાને આઝાદી આપી.
આ રીતે પોસ્ટ-કોલોનિઅલ સમયખંડના સૌથી હિંસક, સૌથી લોહિયાળ ગણાયેલા અલ્જિરીયન વોર પર પૂર્ણવિરામ મૂકાયું. મજા જુઓ. અલ્જિરીયા આઝાદ થયું એટલે ત્યાં વસતા ફ્રેન્ચ લોકો તો પાછા ફ્રાન્સ આવી જ ગયા, પણ ઘણા અલ્જિરીયન નાગરિકોએ પણ ફ્રાન્સ શિફ્ટ થઈ જવાનું પસંદ કર્યું. આઝાદ અલ્જિરીયામાં સમસ્યાઓનો પાર નહોતો. બેકારી હતી, આર્થિક પડકારો હતા. તેથી બહેતર લાઇફસ્ટાઇલ માટે કેટલાય અલ્જિરીયનોએ પોતાને ગુલામીમાં રાખનાર દેશમાં જ સ્થાયી થવાનું પસંદ કર્યું. ઘણા અલ્જિરીયનો ઓલરેડી ફ્રાન્સમાં સ્થાયી થયેલા હતા. તેમણે પોતાના સગાવહાલાઓને અહીં બોલાવવા માંડયા.
૦ ૦ ૦
ફ્રાન્સે ઇમિગ્રન્ટ્સ એટલે કે પ્રવાસી નાગરિકોને હંમેશા આવકાર્યા છે. ૧૯મી સદીમાં બેલ્જિયમ, પોલેન્ડ, ઇટલી અને સ્પેન જેવા યુરોપિયન દેશોના નાગરિકોએ ફ્રાન્સ વસવાટ કર્યો હતો. આ વિદેશી યુરોપિયનો બહુધા વર્કર્સ યા તો મજૂરો હતા. બેલ્જિયમના વર્કર્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અને ઇટાલિયન વર્કર્સ મુખ્યત્વે વાઇનયાર્ડ્સમાં કામ કરતા. સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ અને પોલેન્ડના ઘણા નાગરિકોએ પણ ફ્રાન્સને પોતાનું ઘર બનાવ્યું હતું. અમેરિકાની માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટયુટનો અહેવાલ કહે છે કે ૧૯૨૧થી ૧૯૩૧ સુધીના દસ જ વર્ષમાં ગાળામાં ફ્રાન્સના ઇમિગ્રન્ટ્સની સંખ્યા ૧૪ લાખથી વધીને ૨૭ લાખ થઈ ગઈ હતી.
૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પુરુ થયું પછી આફ્રિકાના મોરોક્સો, અલ્જિરીયા, ટયુનિશિયા, કે જ્યાં ફ્રેન્ચ લોકોએ વસાહતો સ્થાપી હતી, ત્યાંથી લોકો ફ્રાન્સ આવવા લાગ્યા. આનાં બે કારણો હતાં. ફ્રાન્સને મજૂરોની જરૃર તો હતી જ, પણ આ સિવાય પણ એક કારણ હતું. બીજા વિશ્વયુદ્ધને કારણે યુરોપ પર પોતાની ફાસિસ્ટ છાપ ભૂંસવાનું જબરદસ્ત દબાણ ઊભું થયું હતું. ફ્રેન્ચ સોશિયલ હિસ્ટ્રીમાં સ્પેશિયલાઇઝેશન ધરાવતા લારા ફ્રેડર નામનાં ઇતિહાસવિદ્ કહે છે કે યુરોપ જાણે કે દુનિયાને કહેવા માગતું હતું કે ના ના, અમે કંઈ હિંસક જંગલી લોકો નથી, અમે તો મનુષ્યની ગરિમાને માન આપવાવાળા, માનવ અધિકારોમાં માનવાવાળા સભ્ય દેશો છીએ. ઇમિગ્રન્ટ્સને બે હાથ પહોળા કરીને ‘આવો… આવો… શાંતિથી બિરાજો… આને તમારું જ ઘર સમજો…’ કહીને આવકારવા પાછળનું યુરોપનું, એમાંય ખાસ કરીને ફ્રાન્સનું, એક મોટું નૈતિક-મનોવૈજ્ઞાાનિક ચાલકબળ સંભવતઃ આ હતું.
ફ્રાન્સની જ ગુલામીમાંથી મુક્ત થયેલા અલ્જિરીયા ઉપરાંત મોરોક્કો અને ટયુનિશીયા જેવા આફ્રિકન દેશોમાંથી ઇમિગ્રન્ટ્સના મોટાં ધણ ફ્રાન્સ આવ્યા. ૧૯૭૫માં ફ્રાન્સમાં જેટલા વિદેશીઓ સ્થાયી થયા હતા એમાંના ૨૬ ટકા કેવળ અલ્જિરીયા, મોરોક્કો અને ટયુનિશીયા – આ ત્રણ આફ્રિકન દેશોના હતા. ફ્રેન્ચ સરકાર અને ગોરી ફ્રેન્ચ જનતા સતત કહેતી આવી છે કે ફ્રાન્સ ‘કલર-બ્લાઇન્ડ’ કન્ટ્રી છે, અમારે ત્યાં કાળા-ગોરા-બ્રાઉન વચ્ચે ભેદભાવ નથી. ૧૯૭૮થી જેટલી વખત વસતી ગણતરી કરવામાં આવી હતી ત્યારથી દર વખતે રેશિયલ ડેટા (નાગરિક શ્વેત છે કે અશ્વેત એવું દર્શાવતી વંશગત માહિતી) કલેક્ટ કરવા પર રીતસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે હકીકત છે. શું ઇમિગ્રન્ટ સમાજ પણ આવું માને છે? ના. ૨૦૧૬માં ફ્રાન્સમાં એક સર્વે કરાવવામાં આવ્યો હતો, જેના પરથી તારણ નીકળ્યું હતું કે સેકન્ડ જનરેશન આફ્રિકન ઇમિગ્રન્ટ્સનો એક બહુ મોટો વર્ગ સ્થાનિક ફ્રેન્ચ લોકોથી ખુશ નહોતા. એમને કહેવું હતું કે આ ગોરા ફ્રેન્ચ લોકો અમને ‘પરાયા જેવું’ ફીલ કરાવે છે!
૦૦૦
‘પરાયા જેવું’ ફીલ થવું એટલે શું? સમાજનો મોટો વર્ગ અને સમાજનો નાનો વર્ગ એકબીજા સાથે સમરસ ન થઈ શકે તો એ કોનો વાંક છે – મોટા વર્ગનો, નાના વર્ગનો કે બન્નેનો? ઇતિહાસબોધ અને અપમાનબોધ એક વસ્તુ છે, પણ જે દેશ તમને આશ્રય, ઓળખ અને સુખી-સમૃદ્ધ થવાની તમામ તકો પૂરી પાડે છે તેના પ્રત્યે દ્વેષ ધરાવવો અને બહાનું મળતાં જ દેશને સળગાવી દેવો – આ બન્ને તદ્દન જુદાં વાસ્તવ છે. ઇમિગ્રન્ટ હોવું અને શરણાર્થી હોવું એક વસ્તુ નથી. ગેરકાયદે ઘૂસણખોર હોવું એ તો પાછી ત્રીજી જ વસ્તુ છે. આજની તારીખેય કેટલાય લોકો જાનના જોખમે યુરોપમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરતા રહે છે. ફ્રાન્સના વર્તમાન ઘટનાક્રમના પડઘા આખી દુનિયામાં ઘણા લાંબા સમય સુધી સંભળાયા કરવાના એ તો નક્કી.
– શિશિર રામાવત
#france #algeria #vaatvichar #gujaratsamachar
Leave a Reply