પ્રસંશા
કોને વહાલી નથી? ખુદ ભગવાનને પણ પસંદ છે પ્રસંશા. એથી તો ભજનોમાં તેનું અમાપ દર્શન ગવાય છે, સંભળાય છે. તો પછી માનવી માટે તો આ સર્વશક્તિમાન હથિયાર બની જાય છે.
કોઈ પણ ઉંમર અને સ્થિતિમાં તથા સબંધમાં સરળતા, મધુરતા વધારવા પ્રસંશા શબ્દ ખુબ કામ લાગે છે. ભવિષ્યમાં સ્વસ્થ સંબંધ માટે આની કાયમ જરૂર પડે છે. પરંતુ પ્રસંશા યોગ્ય રીતે થવી જોઈએ એજ પ્રમાણે યોગ્યતા મુજબ કરવી જોઈએ. વધારે પડતા વખાણ ચાપલુસી કે અવળા અર્થમાં મજાક લાગે છે.
કાર્ય કે સ્વભાવની પ્રસંશા સુખ આપે છે તેનાથી તેનામાં વિશ્વાસ વધે છે. મન પ્રફુલ્લિત થાય છે, કાર્યક્ષમતા વધે છે. પરંતુ વધારે પડતી પ્રસંશા ક્યારેક સામેવાળા ઉપર બોજ બની જાય છે. તેની સ્વતંત્ર વિચારસરણી ખતરામાં આવી જાય છે. બસ આનાથી ઓછું ચાલાશેજ નહિ એવા ભ્રમમાં એનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. આગળ વધવાને બદલે પીછહેઠ અનુભવાય છે. વધારે મેળવાની ચાહમાં હાથમાં રહેલું પણ ખોરવાઈ જાય છે.
બાળકો પાસે દરેક માતા પિતા બેસ્ટ ઈચ્છે છે. નાનપણથી ભણતર અને ઈતર પ્રવૃત્તિમાં તેનું બાળક સહુથી આગળ હોય એવી ઈચ્છા લગભગ દરેકની હોય છે. એ ચાહમાં એ બાળકને હોડમાં મૂકી દેતા હોય છે.
પોતાનું બાળક કેટલું કરી શકે તેમ છે એ જોવાને બદલે પોતે કેટલું કરાવી શકે તેમ છે એ તરફની તેમની દોડ બાળકના દિલ દિમાગ ઉપર આત્મવિશ્વાસ વધારવાને બદલે નકારાત્મકતા વધારી મુકે છે.
રીકેન નાનપણથી તેજસ્વી બાળક હતો. તેની ચપળતા જોઈ ઘરના બધા વિચારતા આ જરૂર નામ રોશન કરશે. તેને વધારે આગળ મોકલવા માટે શહેરની સારી સ્કુલમાં તેનું એડમિશન લેવાયું. પહેલા ધોરણથી બસ નંબર વન એનાથી ઓછું નહિ ચાલે ની માગણી તેના માતાપિતા સતત ઈચ્છતા. રીકેન એ ઉપર ખરો પણ ઉતરતો.
પરંતુ જેમજેમ મોટો થતો ગયો બીજા સહપાઠીઓ સાથે તેની કોમ્પિટિશન વધતી ચાલી ,કાયમ નબર વન ઉપર રહેવા માટે તે ખુબ મહેનત કરતો, પરંતુ માતાપિતાનું દબાણ અને વખાણ તેને મુંઝવી દેતું. છેવટે દસ બોર્ડની એકઝામના પરિણામે તેને અંદરથી તોડી નાખ્યો. માતા પિતાને એકજ આશા અને ઈચ્છા કે ઓછામાં ઓછા ૯૨-૯૫ ટકા જોઈયે.
પરિણામ આવ્યું ૮૨ ટકા. ખુશ થવાને બદલે રીકેને ઝેરી દવા પી લીધી. એ તો સારું થયું કે સમયસર ઘરમાં કોઈને જાણ થઈ ગઈ અને બચાવી લેવાયો. છતાં તેને શરીર અને મનથી સ્વસ્થ થતા ઘણો સમય લાગ્યો. પરિણામે ૮૨ ટકા પણ એળે ગયા. વર્ષ બગડી ગયું.
સાચા અર્થમાં પ્રસંસા અને નિંદા બંનેને અલગ રીતે જોવામાં આવે તો લાભકારી સાબિત થાય છે.કારણ પ્રસંશા આગળ વધવા માટે આત્મવિશ્વાસ વધારે છે જયારે નિંદા ભૂલ સુધારવાની તક પૂરી પાડે છે.
પ્રિય સંબંધોમાં પ્રસંશા જાહેરમાં કરવી પરંતુ નિંદા કે ટકોર એકાંતમાં સારી. આમ કરવાથી કડવાશ ઓછી ફેલાય છે. પ્રિય વ્યક્તિને ખુશ કરવામાં તેનું અહિત નાં થાય એ પણ જોવું જરૂરી છે. વ્યક્તિને હંમેશા વખાણ સાંભળવાની આદત પડી જાય તો એ પછી એ નિંદા કે ટકોરથી દુઃખી થઇ જાય છે. અસફળતાની ટકોર વ્યક્તિને તન અને મનથી ભાંગી નાખે છે અને વધારે નિરાશા ઉત્પન્ન થાય છે, હિંમત તૂટી જાય છે. અપૂર્ણ કે યોગ્ય કામ માટે પણ પ્રેમ અને મધુરતાથી આપેલી શિખામણ દોષોને સુધારવાની તક પૂરી પાડે છે.
કોઈ એક વ્યક્તિને વારવાર કહેવામાં આવે કે આ કામ તું નહિ કરી શકે, તારી માટે અશક્ય છે.. જેવા એકનું એક ઉચ્ચારણ વાંરવાર સાંભળતાં એક લઘુતાગ્રંથી ઘર કરી જાય છે. અને સાચેજ થઈ શકે તેવા કામ માટે તે અશક્તિમાન બની જાય છે.
આથી વિરુદ્ધ સતત મળતું પ્રોત્સાહન અને પ્રશંસા મોટીવેશન પૂરું પાડે છે અઘરાં કાર્યો પણ ઝડપથી ઉકેલાઈ જાય છે. પ્રસંશાનો ચોક્કસ પ્રભાવ પડ્યા વિના રહેવાનો નથી.
જીવનનું વાસ્તવિક સ્વરૂપ છે કે બધુજ આપણું કે સામે વાળાનું ગમતું થવાનું નથી. ક્યારેક જે આપણને ગમે કે સંતોષ આપે તે સામે વાળાને અનુરૂપ નાં પણ લાગે અને તેવા સમયમાં મળેલી ટકોર પણ કડવાશ લાવે છે.
આત્મ પ્રસંશા અને આત્મ સન્માન પણ અતિ આવશ્યક છે.
આત્મનિરીક્ષણ થી પોતાના દોષ અને ગુણ જાતેજ શોધી શકાય તે વધુ સારું રહે છે, પરંતુ એ માટે પોતાને તટસ્થપણે મુલવવું જોઈએ જે ઘણું અઘરું છે. આ માટેજ નજીકના કે સાચા મિત્રોની જરૂર પડે કે જે ટકોર અને પ્રસંશા બંને સચોટ રીતે કરી શકે.
બીજાને ખુશ કરવાની ખુબ સરળ રીત છે તેમના દ્વારા થયેલા કાર્યોના યોગ્ય વખાણ કરવા. ક્યારેક બની શકે તમને એ વાત પસંદ નથી છતાં એ પ્રસંસાને યોગ્ય હોય તો તેમ કરવામાં કશુંજ ખોટું નથી. દરેક વખતે આપણું ગમતું જોવાને બદલે સામેવાળાની મહેનત અને યોગ્યતાની કદર કરવી જોઈએ. આમ કરતા મધુરતા વધે છે.
પ્રસંશામાં માન અને પ્રેમ સાથ કદર દેખાય છે ત્યારે કહેવાએલા શબ્દો આગળ વધવાની સીડી બની જાય છે. પરંતુ ખોટી રીતે થયેલા વખાણ વ્યક્તિને પાછો પાડવામાં કે ભરમાઈ જવામાં વધારો કરે છે.
– રેખા પટેલ (ડેલાવર )
Leave a Reply