ટપોરી ટ્રોલીયાઓ સામે મૌન રહેતા સજ્જનો સૌથી વધુ માર ખાતા હોય છે.
અહીં ભૂતકાળમાં એવા એવા બનાવો બનેલા છે કે શરૂઆતમાં ટ્રોલ સામે વિનમ્ર બનીને હળવેકથી પોતાનો ઓપિનિયન બદલી નાંખનારા સુંવાળા સજ્જનો છેવટે સોશિયલ મીડિયામાં મૌનનું પૂતળું બનીને રહી જતા હોય છે. (એક ખાનદાન ને સીધી લીટીના વડીલે તો ગભરાઈને ફેસબુક જ મૂકી દીધું.)
વાસ્તવિક દુનિયા હોય કે સોશિયલ મીડિયા હોય, અહીંયા બેલેન્સવાદી સજ્જનો સૌથી વધુ તકલાદી બનીને તૂટી જતા હોય છે. મોટાભાગના સીધી લાઈનના માણસોને મનમાં હોય છે કે-આ બધી જફામાં કોણ પડે? આપણું એ કામ નહીં. અને ત્યાં જ તેઓ ભૂલ કરતા હોય છે. જો ડર ગયા વો સમજો મર ગયા.
અમુક પાછા એટલા ખાનદાની હોય છે કે ભલે ફલાણો મારો દુશ્મન છે અને ભૂતકાળમાં મને ગાળો આપી ચુક્યો છે પણ જે તે મુદ્દે તે સાચો હોવાથી ત્યાં મારે એની સાથે સહમત થવું જ જોઈએ. અને ત્યાં જ તેઓ માર ખાય જાય છે. કારણ કે ઓનલાઈન ટપોરીઓ કોઈના થયા નથી કે થવાના નથી. એમને કોઈને ગાળો આપવાથી જ પેટ ભરાતું હોય છે અને ઘર પણ!
આ બાબતે નરેન્દ્ર મોદીના શિષ્ય બનવું અને અમેરિકન વિદેશનીતિના વિદ્યાર્થી બનવું. કે જે સાથે નથી એ સામે છે. તમે જો અમેરિકા સાથે નથી તો તમે આતંકવાદી સાથે છો. કોઈ જરાક સળી કરે એટલે એને ઉગતો જ ડામી દેવાનો. પહેલીવારની કોમેન્ટમાં જ ઉગ્ર ઘા કરીને બ્લોક કરી નાખો એટલે ભવિષ્યમાં એ સામો થાય જ નહીં. ડાહ્યો થાય તો બીજા કોઈ પંચાતિયાની પોસ્ટ પર અથવા તો ફેક આઈડી બનીને પાછો આવે.
સજ્જનો મોટેભાગે પોતાની “ઇમેજ” બગડવાથી ડરતા હોય છે, હકીકતમાં તો ટ્રોલીયાઓની પોતાની જ કોઈ ઇમેજ હોતી નથી. તમાશો કરીને, નંગા ડાન્સ કરે ને ટોળું ભેગું થાય એને તેઓ ચાહકો માની લેતા હોય છે. કદાચ, આવા લુખ્ખાઓ થકી ટેમ્પરરી ઇમેજ બગડે તો એની ચિંતા ના કરવી. થોડા જ સમયમાં લોકો સમજી જશે કે સાચું કોણ અને કોણ ખોટું!
બહુ વેવલા થઈને કોઈને કહેવું નહિ કે તમારી અસહમતીમાં પણ મારી સહમતી છે. સિવાય કે પર્સનલ દોસ્તી હોય. પોપ્યુલર બનવા કોઈને માથે ચડવા દેશો તો એ ખભા પર બેસીને મોઢામાં પેશાબ જ કરશે. એટલે આ અનિષ્ટ તત્વોને ઉગતા જ ડામી દેવાના. વારેતહેવારે ભલે તમને યાદ કરીને વિકૃતિઓ ઠાલવ્યા કરતા.
અને સજ્જનોએ ખાસ યાદ રાખવા જેવી વાત કે તમે એકવાર કોઈની બે કોમેન્ટથી ગભરાય ગયા તો જમ કાયમ માટે ઘર ભાળી જશે. અને બીજી ખાસ વાત કે, આ જગતમાં કોઈ મોટો ડોન નથી, અને જે છે એ ફેસબુક ટ્વીટરમાં લમણાં લેતા જ નથી.😎
– Bhagirath Jogia
Leave a Reply