જરી પાછું ફરી ને જોયું તો રસ્તા મળી ગ્યા છે.
રહીને સ્થિર વિસ્તરવાના આ નકશા મળી ગ્યા છે.
બધો યે ભાર હળવો થઈ ગયો આ એક વાતે કે –
જવાબો ગૌણ છે, પ્રશ્નો અગર સાચા મળી ગ્યા છે.
પીએ છે તાપ કેસુડા ને,એનો દબદબો જોઈ,
થયું કે, ખુદ્દને ઘડવા નોખા અજવાળા મળી ગ્યા છે.
અષાઢી મેઘમાં મીઠાસ દરિયાની વરસતી’તી ,
નદીને દોડવા કારણ તરોતાઝા મળી ગ્યા છે.
સમજની ઢાલ સાથે તીર તર્કોના હતા એથી,
સમય સામે ટકી રહેવાના સધિયારા મળી ગ્યા છે.
હતું એક વૃક્ષ આખું બીજમાં, એ તથ્ય જાણીને ,
હકીકત થઈ જવા સપનાને ધબકારા મળી ગ્યા છે.
સતત એ મારી સાથે હોય છે, એ વાત સાબિત થઈ ,
ગઝલમાં એના હોવાના સહજ પરચા મળી ગ્યા છે.
– લક્ષ્મી ડોબરિયા…
ગઝલ વિશ્વ… સપ્ટેમ્બર ૨૦૧૨ના અંક માં પ્રકાશિત મારી ગઝલ.
Leave a Reply