સંતાન માટે મા-બાપના ડિવોર્સ એટલે શું?
———————————
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
——————————–
કોણ કહે છે કે એસ. એસ. રાજામૌલિને ‘આરઆરઆર’ માટે વિશ્વસિનેમાના ટોચના અવોડ્ર્ઝ નથી મળ્યા? અરે સાહેબ, રાજામૌલિને એક નહીં, બબ્બે વાર ઓસ્કરનેય આંટે એવા અવોર્ડ્ઝ મળી ચુક્યા છે. પહેલી વાર, વર્તમાન સમયના વર્લ્ડક્લાસ, મહાનતમ ફિલ્મમેકર્સમાંના એક એવા જેમ્સ કેમરોને જ્યારે રાજામૌલિને કહ્યું કે ‘મિત્ર, મેં તમારી ‘આરઆરઆર’ એક વાર નહીં, બબ્બે વાર જોઈ. એક વાર એકલા ને બીજી વાર વાઇફ સાથે.’ આ એક વાત. બીજી વાત થોડા દિવસો પહેલાં બની. રાજામૌલિ ઝૂમ પર વર્તમાન સમયના ઓર એક મહાનતમ અને લિવિંગ લેજન્ડ એવા ફિલ્મમેકર સ્ટીવન સ્પિલબર્ગ સાથે ગોઠડી કરી રહ્યા હતા. શરુઆતમાં જ સ્પિલબર્ગે કહ્યું, ‘ભાઇ, હજુ ગયા અઠવાડિયે જ મેં તમારી ફિલ્મ જોઈ. ઇટ વોઝ અમેઝિંગ. આઇ કુડ નોટ બિલીવ માય આઇઝ!… બ્યુટીફુલ વિઝ્યુઅલ સ્ટાઇલ. ઇઝ વોઝ અક્સ્ટ્રાઓર્ડિનરી! આ ફિલ્મ તમે કેવી રીતે બનાવી? મારે તમને ઘણા બધા સવાલો પૂછવાના છે. વી મસ્ટ મીટ!’
બોલો! સાક્ષાત્ સ્ટીવન સ્પિલબર્ગ દિલથી આવું બોલ્યા, રાજામૌલિને સારું લગાડવા માટે નહીં, પણ સચ્ચાઈપૂર્વક પોતાનો ફીડબેક આપ્યો. સ્પીલબર્ગ અને કેમરોન બન્ને જ્યારે આવું સર્ટિફિકેટ આપી દે પછી રાજામૌલિને હવે ઓસ્કરની શી જરુર?
ખેર, સ્પિલબર્ગ અને રાજામૌલિ વચ્ચે જે ઝૂમ મીટિંગ થઈ હતી એનો આશય તો ‘ધ ફેબલમેન્સ’ વિશે ચર્ચા કરવાનો હતો. ‘ધ ફેબલમેન્સ’ – સ્ટીવન સ્પિલબર્ગની લેટેસ્ટ ફિલ્મ, જેને આ વખતે ઓસ્કરમાં સાત નોમિનેશન્સ મળ્યાં છે – બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ પ્રોડક્ક્શન ડિઝાઇન અને બેસ્ટ ઓરિજિનલ મ્યુઝિક સ્કોર. ભારતના થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. જો તમે સિનેમાના રસિયા હો અને એમાંય સ્ટીવન સ્પિલબર્ગના ફેન હો તો વહેલી તકે ‘ધ ફેબલમેન્સ’ જોઈ જ લેવાની હોય.
સ્ટીવન સ્પિલબર્ગ એવા ફિલ્મમેકર છે, જેમની વર્સેટાલિટી અને રેન્જ આપણને ચકિત કરી મૂકે છે. ક્યાં ‘જૉઝ’ અને ‘જુરાસિક પાર્ક’ જેવી ‘જનાવરો’ની ફિલ્મ્સ ને ક્યાં ‘શિંડલર્સ લિસ્ટ’ તથા ‘સેવિંગ પ્રાઇવેટ રાયન’ જેવી વૉર ફિલ્મ્સ. ક્યાં ‘માઇનોરિટી રિપોર્ટ’ જેવી સાયન્સ ફિક્શન ને ક્યાં ‘લિંકન’ જેવી બાયોપિક. ક્યાં ‘ધ બીએફજી’ જેવી એનિમેશન ફિલ્મ ને ક્યાં ‘વેસ્ટ સાઇડ સ્ટોરી’ જેવી મ્યુઝિકલ! સ્પિલબર્ગની ફિલ્મોગ્રાફી પર નજર ફેરવીએ ત્યારે એક ઘડી તો આપણને શંકા જાય કે ત્રણ-ચાર ડિરેક્ટરોની ફિલ્મોનું લિસ્ટ ક્યાંક ભૂલથી મિક્સ તો નથી થઈ ગયુંને! આવો કાબેલ અને અનુભવી ફિલ્મમેકર જ્યારે એમ કહે કે ‘ધ ફેબલમેન્સ’ બનાવતી વખતે મને જેટલો ફફડાટ હતો એટલો ભૂતકાળમાં ક્યારેય નહોતો થયો ત્યારે આશ્ચર્ય જરુર થાય.
સ્પિલબર્ગ આવું કેમ બોલ્યા? કારણ સ્પષ્ટ છેઃ ‘ધ ફેબલમેન્સ’ એમની આત્મકથનાત્મક ફિલ્મ છે. એમની કરીઅરની સૌથી પહેલી ઓટોબાયોગ્રાફિકલ ફિલ્મ. એમાં એમણે પોતાના બાળપણ અને તરુણાવસ્થાની, ખાસ તો, પોતાની સગી માતાના લગ્નેતર સંબંધની વાત કરી છે, પોતાનાં માતા-પિતાના ડિવોર્સની વાત કરી છે અને આ ડિવોર્સને કારણે એક હર્યોભર્યો પરિવાર કેવી રીતે વેરવિખેર થઈ ગયો તેની વાત કરી છે.
‘અત્યાર સુધી મેં મારી ફિલ્મોમાં બીજાઓએ લખેલી વાર્તાઓ જ કહી હતી,’ સ્પિલબર્ગ કહે છે, ‘કાં તો મારી ફિલ્મ કોઈ નવલકથા પર આધારિત હોય, કાં કોઈ હિસ્ટોરીઅન (ઇતિહાસવિદ્)નાં સંશોધનો પણ આધારિત હોય અથવા તો કોઈ સ્ક્રિપ્ટ-રાઇટરે લખી હોય. લેખક હું ન હોઉં એટલે વાર્તાનું જે કંઈ કોન્ટેન્ટ હોય એની જવાબદારી હંમેશાં બીજાની રહેતી, મારી નહીં. હું કેપ્ટન-ઓફ-ધ-શિપ ખરો, પણ આ શિપ કોઈ બીજાએ બનાવ્યું હોય. ‘ધ ફેબલમેન્સ’માં પહેલી વાર એવું બન્યું કે આખું જહાજ મારું પોતાનું હતું. એવંુ જહાજ જે મેં, મારી ત્રણ બહેનોએ ને મારાં માતા-પિતાએ સંયુક્તપણે બનાવ્યું હતું. એટલે આ વખતે મારા પર પુષ્કળ જવાબદારી હતી. મારે મારા પરિવારમાં જે કંઈ બન્યું તેની સચ્ચાઈ એવી રીતે પેશ કરવાની હતી કે જેથી મારી બહેનોને દુખ ન થાય ને મારા પરિવારે ક્ષોભ અનુભવવો ન પડે. જે બાળકોએ પોતાનાં માતા-પિતાના ડિવોર્સ જોયા હોય તેઓ ભયંકર યાતનામાંથી પસાર થઈ ચૂક્યાં હોય છે. વળી, હું યહૂદી છું એટલે સ્કૂલમાં ખ્રિસ્તી છોકરાઓ મને બહુ હેરાન કરતા. મારે આ સઘળા જખમો ‘ધ ફેબલમેન્સ’માં ઇમાનદારીપૂર્વક પેશ કરવા હતા.’
ચિત્ત પર થયેલા ઘાને અનાવૃત્ત કરવાનું, આત્માને આખી દુનિયા સામે નગ્ન કરી નાખવાનું સહેલું હોતું નથી. આવું કરવાની હિંમત સ્પિલબર્ગમાં છેક જિંદગીના ઉત્તરાર્ધમાં આવી. સ્પિલબર્ગ આજે ૭૫ વર્ષના છે. તેમણે આ ફિલ્મ બનાવવામાં આટલી રાહ જોઈ એનું એક કારણ એ પણ હોઈ શકે કે તેઓ માતા-પિતાની હયાતીમાં એમની જિંદગીની આટલી નાજુક અને અંગત વાત પડદા પર અંકિત કરવા માગતા નહીં હોય. સ્પિલબર્ગનાં માતા-પિતા ખૂબ લાંબું જીવન જીવ્યાં હતાં. ૨૦૧૭માં માતા લીહનું મૃત્યુ થયું ત્યારે એ ૯૭ વર્ષનાં હતાં અને પિતા આર્નોલ્ડનું ૨૦૨૦માં નિધન થયું ત્યારે તેઓ ૧૦૩ વર્ષના હતા! એમની વિદાય પછી જ સ્પિલબર્ગે આ આત્મકથનાત્મક વિષયને હાથમાં લીધો.
ફિલ્મમાં સ્પિલબર્ગની માતાનું કિરદાર મિશેલ વિલિયમ્સ નામની અભિનેત્રીએ ભજવ્યું છે. આ ભૂમિકા માટે એને બેસ્ટ એક્ટ્રેસનું ઓસ્કર નોમિનેશન પણ મળ્યું છે. ફિલ્મમાં એના પાત્રનું નામ મિટ્ઝી છે. મિટ્ઝી કલાકાર જીવ છે. એ ધારત તો ઉત્તમ પિયાનોવાદક બની શકી હોત, પણ એણે પોતાનું જીવન પતિ અને ચાર બાળકોને સમર્પિત કરી દીધું છે. તે વાતનો એને કશો અફસોસ પણ નથી. એ મુક્તમિજાજી સ્ત્રી છે. પતિ એને ભરપૂર પ્રેમ કરે છે, આદર આપે છે, એ પણ પતિને ચાહે છે, પણ એના જીવનમાં એક ન સમજાય એવો ખાલીપો છે. આ ખાલીપો કદાચ પતિનો બેસ્ટ ફ્રેન્ડ ભરી શકે છે. ચારેય સંતાનોમાં સૌથી મોટો એવો દીકરો ૧૯ વર્ષનો થયો ત્યારે પતિ-પત્નીએ આપસી સમજૂતીથી છૂટાછેડા લઈ લીધા. સ્ત્રી પરિવારને છોડીને પ્રેમી સાથે રહેવા જતી રહી.
અત્યંત કઠિન હોય છે સંતાન માટે પોતાની માતાને એક ‘સ્ત્રી’ તરીકે જોઈ શકવું. આ સ્ત્રી કંઈ શિથિલ ચારિત્ર્ય ધરાવતી ખલનાયિકા નથી. એ કેવળ પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવા મથતી વ્યક્તિ છે. ફિલ્મમાં સ્પિલબર્ગે આ નાજુક સંતુલન આબાદ જાળવ્યું છે. ફિલ્મમાં સ્ટીવન સ્પિલબર્ગ જેવો એક મહાન ફિલ્મમેકરનો સિનેમાની દુનિયામાં પાયો શી રીતે નખાયો તેનું પણ અફલાતૂન ચિત્રણ થયું છે. ફિલ્મ બિગ સ્ક્રીન પર જોજો, તે ઉતરી જાય તે પહેલાં.
– શિશિર રામાવત
Leave a Reply