રેત સમાધિઃ શાંતિ કરતાં ક્રાંતિ વધારે આકર્ષક છે!
—————————–
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
—————————-
કોઈ પણ ભારતીય ભાષામાં લખાયેલી સાહિત્યકૃતિને પ્રતિષ્ઠિત બૂકર પ્રાઇઝ મળ્યું હોય તેવું આ વખતે પહેલી વાર બન્યું. ગીતાંજલિ શ્રીની હિંદી નવલકથા ‘રેત સમાધિ’માં એવું તે શું છે?
—————————-
વાત-વિચાર : ભારતીય સાહિત્યજગતમાં તાજેતરમાં એક અભૂતપૂર્વ ઘટના બની ગઈ. બૂકર પ્રાઇઝના ૫૩ વર્ષના ઇતિહાસમાં સૌથી પહેલી વાર કોઈ ભારતીય ભાષામાં લખાયેલી કૃતિને વિજેતા ઘોષિત કરવામાં આવી. માત્ર ભારતીય ભાષાઓ જ નહીં, પણ સમગ્ર દક્ષિણ એશિયાની સ્થાનિક ભાષાઓમાં રચાયેલી કોઈ પણ સાહિત્યિક કૃતિને અગાઉ આ સન્માન મળ્યું નથી. ૨૦૨૨ની આ અતિપ્રતિતિ ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝવિજેતા કૃતિ એટલે ‘રેત સમાધિ’ નામની હિંદી નવલકથા. એનાં લેખિકા છે, ૬૪ વર્ષીય ગીતાંજલિ શ્રી.
સીધા અંગ્રેજીમાં લખતાં ત્રણ ભારતીય લેખકો ભૂતકાળમાં બૂકર પ્રાઇઝ ઇનામ જીતી ચૂક્યાં છે – અરુંધતી રૉય (ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ, ૧૯૯૭), કિરણ દેસાઈ (ધ ઇન્હેરિટન્સ ઓફ લોસ, ૨૦૦૬) અને અરવિંદ અડિગા (ધ વ્હાઇટ ટાઇગર, ૨૦૦૮). આ એમ તો ભારતમાં જન્મેલા ને પછી પશ્ચિમના થઈ ગયેલા સલમાન રશદી પણ આ પુરસ્કાર મેળવી ચૂક્યા છે (મિડનાઇટ્સ ચિલ્ડ્રન, ૧૯૮૧). નોન-ઇંગ્લિશ કૃતિ જો અંગ્રેજીમાં અનુદિત થાય તો જ એ મોટા પુરસ્કારોનાં વર્તુળમાં પ્રવેશી શકે છે. ૨૦૧૮માં હિંદીમાં પ્રકાશિત થયેલી ‘રેત સમાધિ’નું ડેઇઝી રૉકવેલ નામનાં અનુવાદિકાએ ‘ટોમ્બ ઓફ સેન્ડ’ નામે અંગ્રેજીકરણ કર્યું છે. ‘રેત સમાધિ’ને ૫૦ હજાર પાઉન્ડ એટલે કે લગભગ ૪૯ લાખ રુપિયાનું પ્રાઇઝ મની મળ્યું છે, જે લેખિકા અને અનુવાદિકા વચ્ચે સરખે ભાગે વહેંચાઈ જશે.
૨૬ મેના રોજ બૂકર કમિટી દ્વારા વિજેતાની ઘોષણા થતાં જ ગીતાંજલિ શ્રી એકદમ પ્રકાશમાં આવી ગયાં છે. આપણા માટે આ નામ અત્યાર સુધી અજાણ્યું હતું. વાસ્તવમાં લેખિકાનું નામ ‘શ્રી’ છે ને અટક ‘પાંડે’ છે. દાયકાઓ પહેલાં એમનું બેન્ક અકાઉન્ટ ખોલવાનું આવ્યું ને નમૂનારુપ સહી કરવાની આવી ત્યારે એમણે સ્વાભાવિક રીતે જ પોતાનાં નામ-અટકને વણી લેતી સહી કરી. એમને કહેવામાં આવ્યું કે તમારી સહીમાં અટક ન રાખો તો સારું, કેમ કે એક વાર લગ્ન કરીને સાસરે જતાં રહેશો એટલે અટક બદલાઈ જશે. શ્રીને આ વાત લાગી આવી. લગ્ન કરું એટલે મારી અટક, કે જે મારી ઓળખ છે, તે શાની બદલાઈ જાય? ને વળી, મારી સહીમાં જેણે મને જન્મ આપ્યો છે એ વ્યક્તિનું નામોનિશાન પણ ન હોય તે કેમ ચાલે? એટલે એમણે પોતાની માનું નામ ‘શ્રી’ અટકની જેમ મૂક્યું અને તેઓ ગીતાંજલિ શ્રી બની ગયાં.
‘રેત સમાધિ’માં ભારત-પાકિસ્તાનના ભાગલા પશ્ચાદભૂ રચે છે અને મા-દીકરીનો સંબંધ તેના કેન્દ્રમાં છે. એમાં બીજાં તત્ત્વો પણ છે – વૃદ્ધાવસ્થા, માતૃત્વ, એકલતા, સ્ત્રી-પુરુષનો સંબંધ વગેરે. બૂકર પ્રાઇઝ મળતાં જ મીડિયામાં છવાઈ ગયેલાં ગીતાંજલિ શ્રીએ અગાઉ એક મુલાકાતમાં કહેલુઃ ‘મને ‘રેત સમાધિ’ પૂરી કરતાં વર્ષો લાગ્યાં. દરેક કૃતિ સ્વયં નક્કી કરતી હોય છે કે આખરી ઘાટ ઘડાય ત્યાં સુધીમાં તે કેટલો સમય લેશે. જાણે કૃતિ પોતે જ કહેતી હોય છે કે બસ, હવે હું આટલો જ સમય તારી (એટલે કે સર્જકની) ભીતર રહીશ, હવે મને દુનિયામાં અવતરવા દે, પછી જોયું જશે. મને મારી ખુદની કૃતિને વ્યાખ્યાયિત કરવાનું બહુ ફાવતું નથી. હું માનું છું કે લેખકે પોતાના માંહ્યલાના અંતરતમ પ્રદેશને ઢંઢોળવો જોઈએ, એમાં ઘૂસીને ખાંખાખોળા કરવા જોઈએ અને ત્યાં જે કંઈ જડી આવે તેને વ્યક્ત કરવા માટે જરૃરી એવી હિંમત તેમજ ઇમાનદારી કેળવવી જોઈએ. અલબત્ત, આ ભીતરતમ તત્ત્વો કંઈ આયોજનપૂર્વક વિચારોની પકડમાં આવતા નથી. આ તત્ત્વો કંઈકેટલીય છૂપાયેલી ચીજોને પ્રગટ કરે છે, આપણને પોતાનેય ખબર ન હોય તે રીતે આપણને વીતી ચૂકેલી સદીઓ સાથે જોડી દે છે.’
‘રેત સમાધિ’ સમકાલીન હિન્દી સાહિત્યમાં ‘ચમત્કારિક પ્રયોગ’ ગણાય છે. ગીતાંજલિ શ્રીએ તેમાં નવલકથાલેખનના પ્રચલિત માળખાં અને વિભાવનાઓનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો છે. અહીં દીકરી ક્યારેક મા બની જાય છે, મા ક્યારેક દીકરી જ નહીં, દીકરો પણ બની જાય છે. આ બહુસ્તરીય કથામાં યથાર્થનું ગાંભીર્ય છે ને રમૂજ પણ છે. અહીં કાગડા ને બીજા જીવ-જનાવર ઉપરાંત નિર્જીવ ચીજો પણ માણસની જેમ સંવાદ કરે છે. ‘રેત સમાધિ’માં હિન્દી ભાષાનો ઠાઠ અને મિજાજ સરસ ઉતરી આવ્યા છે. ગીતાંજલિ શ્રી કહે છે, ‘મેં ‘રેત સમાધિ’ લખવાનું શરૃ કર્યું ત્યારે એક સ્થિતિ એવી આવી કે જ્યારે મને લાગ્યું કે મારે હવે ટેકણલાકડીઓની જરૃર નથી. નવલકથાનું ફાર્મેટ અથવા ફાર્મ આવું જ હોવું જોઈએ, સ્ત્રીપાત્રો છે તો એના આલેખન કરતી વખતે આટલી વસ્તુઓ તો હોવી જ જોઈએ, હિંદી ભાષા છે તો એનું વ્યાકરણ આવું જ હોવું જોઈએ – આ બધી ટેકણલાકડીઓ હું છોડતી ગઈ. મારી કેડી હું ખુદ કંડારતી ગઈ અથવા કહો કે વાર્તા અને પાત્રો મને રસ્તો સૂઝાડતાં ગયાં. આ રીતે નવલકથા લખતી વખતે એક પ્રકારની આઝાદી આવી અને આ આઝાદી જ નવલકથાનો ખરો સ્વભાવ બન્યો. આનું પરિણામ સરસ આવ્યું, કેમ કે નવલકથાના દરેક સ્તરે તાજગી આવી, ભાષા-કથા-પાત્રો બધું નિરાળું બન્યું.’
પરંપરાગત ઓજારોની મદદ લીધા વગર, સ્વૈરવિહાર કરતાં કરતાં લખવું જોખમી હોવાનું, પણ એટલું બધું જોખમી પણ નહીં, કેમ કે, ગીતાંજલિ શ્રી કહે છે તેમ, ‘જાને-અનજાને હમ અપની મિટ્ટી અપને આસમાન સે હી પાતે હૈં, ઉસી મેં જડેં જાતી હૈં, ઉસી મેં ઉડાનેં બનતી હૈં – હમારી જમીન સે, હમારે આસમાન સે.’
આપણા દ્વારા જે કંઈ સર્જાય છે તે અંતતઃ આપણું પોતાનું જ હોવાનું. એ પારકું કેવી રીતે હોઈ શકે?
‘રેત સમાધિ’ ગીતાંજલિ શ્રીની પાંચમી નવલકથા છે. અન્ય ચાર નવલકથાઓ એટલે ‘ખાલી જગહ’, ‘તિરોહિત’, ‘હમારા શહર ઉસ બરસ’ અને ‘માઈ’. આ ઉપરાંત તેમણે પાંચ વાર્તાસંગ્રહો પણ આપ્યા છે. ‘રેત સમાધિ’ની પહેલાં પણ તેમની કૃતિઓનો અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. એમનાં સર્જનો પર પીએચડીના થિસિસ લખાયા છે, ક્યાંક પાઠયપુસ્તક તરીકે પણ સ્વીકારાયાં છે. ગીતાંજલિ શ્રી એક કિસ્સો યાદ કરે છે, ‘મારી ‘માઇ’ નવલકથાનો અનુવાદ થયો તે પછી કેટલીક ઇન્ટરેસ્ટિંગ કિસ્સા બન્યા હતા. મને એમ કે ‘માઈ’માં પૂર્વના જીવન અને સંસ્કૃતિની વાત છે એટલે પશ્ચિમના વાચકોને એમાં રસ પડે છે. ઘણા યુરોપિયન દેશોમાં ‘માઇ’ના પઠનના કાર્યક્રમો થયા હતા. કેટલાય શ્રોતાઓએ પછી એવું કહેતા કે હા હા, અમને આ વાત બરાબર સમજાય છે, અમારે ત્યાં આજે પણ આવી સ્ત્રીઓ છે. કેટલાકે તો મને ત્યાં સુધી કહ્યુ કે આ માઈ હું જ છું, તમે મારી જ વાર્તા લખી છે. એક વાર જર્મનીના એક શહેરમાં, ફોર અ ચેન્જ, મેં ‘માઈ’ના અંશને બદલે ‘પંખ’ નામની મારી એક નવલિકાનું પઠન કર્યું. જેવું પઠન પૂરું થયું કે ઓડિયન્સમાંથી કોઈ લગભગ ફરિયાદના સૂરમાં બોલી ઉઠયુઃ પણ આ વાર્તામાં ભારતીયપણું ક્યાં છે? પછી મને સમજાયું કે પશ્ચિમમાં ઘણી વાર લોકો એવું ઇચ્છતા હોય છે કે ભારતીય સાહિત્યમાં ભારતની ખૂબીઓ, ના, ભારતની નબળી બાજુઓ જેવી કે આપણું પછાતપણું, સ્ત્રીઓનું શોષણ, જાતિગત અત્યાચાર ને એવું બઘું તો આવવું જ જોઈએ. કદાચ પશ્ચિમના લોકોને આ બધું જાણીને પોતે કેટલા ચડિયાતા છે એવી લાગણી થતી હશે! મેં ત્યારે જવાબ આપેલો કે સાહિત્યમાં અમુક જ પ્રકારની વાતો આવવી જોઈએ એવું કોણે કહ્યું? સાહિત્યમાં સાર્વત્રિક મૂલ્યોની વાત કેમ ન હોય?’
૩૭૫ પાનાંની ‘રેત સમાધિ’માં જોકે ભારતનું ‘બિચારાપણું’ નથી! આ પ્રમાણમાં ‘અઘરી’ નવલકથા છે. તે એકી બેઠકે સડસડાટ વાંચી શકાય એવી પ્રવાહી નથી. ગીતાંજલિ શ્રીને ‘રીડર-ફ્રેન્ડલી’ બનવામાં જરાય રસ નથી. આ કૃતિ વાચક પાસેથી ચોક્કસ પ્રકારની સજ્જતાની અને ધીરજની અપેક્ષા રાખે છે. આ નવલકથાને ધીમે ધીમે, મમળાવી-મમળાવીને વાંચવી પડે છે. રસ પડે તેવો સવાલ આ છેઃ ‘રેત સમાધિ’ના બૂકર-વિજય પછી શું આંતરરાષ્ટ્રીય સાહિત્યિક વર્તુળો અને પ્રથમકક્ષ અનુવાદકોને હવે હિન્દી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં રચાતા સાહિત્યમાં પણ રસ પડશે? વેઇટ એન્ડ વોચ.
———————————-
‘રેત સમાધિ’ નવલકથાનો એક અંશ
———————————-
દુનિયાની તાસીરને ઓળખો. લોકો ઉબાઈ જાય છે. સતત કશુંક બનતું રહેવું જોઈએ, નાટકબાજી થતી રહેવી જોઈએ, નહીંતર લાગે છે કે કશું જ બની રહ્યું નથી, જીવન જાણે થંભી ગયું છે. જિંદગી એકસરખી ગતિથી, એક ઢાંચામાં ચાલતી રહે તો કંપનહીન લાગે છે. આ ઢાંચાની ભીતર, દૂર પોતાનાં પુસ્તકો અને કમ્પ્યુટરની પાછળ બેઠા રહો તો જાણે મરી ગયા હોઈએ એવું લાગે છે. સ્થિરતા ડરાવે છે. શાંત બેસવું એટલે શું પથ્થર જેવા બની જવું? – આ વિચાર ગભરાવે છે. દિવસ હાલકડોલક થાય, પગ નીચેની પૃથ્વી પલટાઈ જાય, રુટિન ઉખડી જાય, દિલ-ફેંફસા-ઇચ્છાઓ ઉછળે, ચક્રવાત જાગે કે શું તૂટયું ને શું બચ્યું અને રોજ સવારે નિકળવું પડે જીવન સાથે મલ્લકુસ્તી કરવા માટે.
એટલે જ શાંતિ કરતાં ક્રાંતિ, શીલ કરતાં વધારે અશ્લીલ, આરાધના કરતાં ત્રાડ, બનાવવા કરતાં બગાડવું, ધીર કરતાં અધીર, ચુપ્પી કરતાં મારફાડ વધારે આકર્ષે છે.
– Shishir Ramavat
Leave a Reply