1917: એક સિનેમેટિક વંડર
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 9 February 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
‘1917’ના કલાકાર-કસબીઓએ સિંગલ શૉટ ફૉર્મેટમાં આખેઆખી વૉર ફિલ્મ કેવી રીતે શૂટ કરી?
* * * * *
આમ તો આવતી કાલે સવારે ટીવી પર થનારા લાઇવ ટેલિકાસ્ટના પ્રતાપે આપણને ખબર પડી જ જવાની છે કે દસ-દસ ઑસ્કર નૉમિનેશન તાણીને બેઠેલી ‘1917’ નામની ગજબનાક ફિલ્મ કઈ કેટેગરીમાં વિજયપતાકા લહેરાવે છે, પણ એની પહેલાં એડવાન્સમાં આપણે જાણી લઈએ કે આ ફિલ્મમાં એવું તે શું ખાસ છે જેના લીધે તેને ‘સિનેમેટિક વંડર’નું બિરુદ અપાયું છે.
ફિલ્મના 54 વર્ષીય બ્રિટીશ ડિરેક્ટરનું નામ છે, સેમ મેન્ડીસ. એમની ઓળખાણ બે રીતે આપી શકાય. એક તો ‘અમેરિકન બ્યુટી’, ‘રોડ ટુ પર્ડીશન’, ‘રિવોલ્યુશનરી રોડ’ જેવી ગુણવત્તાસભર ફિલ્મોની સાથે સાથે ‘સ્કાયફૉલ’ તેમજ ‘સ્પેક્ટર’ જેવી મસાલા જેમ્સ બોન્ડ ફિલ્મોના હિટ ડિરેક્ટર તરીકે અને બીજી, ‘ટાઇટેનિક’ની રૂપકડી હિરોઈન કેટ વિન્સલેટના ભૂતપૂર્વ પતિદેવ તરીકે. ‘1917’ના દિગ્ગજ સિનેમેટોગ્રાફર રોજર ડિકીન્સ વિશે પણ શરૂઆતમાં જ માનભેર વાત થઈ જવી જોઈએ. આ 70 વર્ષીય મહાશયના બાયોડેટામાં ‘ધ શૉશન્ક રિડમ્પ્શન’ અને ‘અ બ્યુટીફુલ માઇન્ડ’ જેવી ઑસ્કરવિનિંગ ફિલ્મો, નવ ઑસ્કર નૉમિનેશન્સ અને એક ઑસ્કર વિક્ટરી (‘ધ બ્લેડ રનર 2049’ માટે) બોલે છે.
શું છે ‘1917’માં? સાદી વ્યાખ્યા બાંધીએ તો, આ એક વૉર મૂવી છે. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું તે દરમિયાન એક સાચુકલી ઘટના બની હતી. બે બ્રિટીશ સૈનિકો છે. લાન્સ કોર્પોરલ ટૉમ બ્લૅન્ક અને લાન્સ કૉર્પોરલ વિલ સ્કોફિલ્ડ. ફાન્સની ઉત્તરે યુદ્ધરેખા પર તેઓ તૈનાત છે. એમનો ઉપરી એક બંધ પરબિડીયું તેમના હાથમાં સોંપીને આદેશ આપે છેઃ આપણી સાથી બ્રિટીશ બટાલિયન અત્યારે જ્યાં તૈનાત છે ત્યાં તમારે પગપાળા જવાનું છે અને કર્નલ મેકેન્ઝીને આ કાગળ હાથોહાથ સોંપવાનો છે. કાગળમાં શું લખ્યું છે? એ જ કે દુશ્મનોએ આ પ્રદેશ ખાલી કરી નાખ્યો છે એવું માની લઈને તમે આગળ કૂચકદમ કરવાનું આયોજન કર્યું છે, પણ મહેરબાની કરીને એવું ન કરતા, કારણ કે અહીં જર્મન સૈન્યે છટકું ગોઠવ્યું છે. આ પ્રદેશ ખાલી કરી દીધો હોવાનું જર્મનો માત્ર નાટક કરી રહ્યા છે. જો બ્રિટીશ બટાલિયન આગળ વધશે તો તે જર્મનોએ ગોઠવેલી જાળમાં ફસાઈ જશે ને 1600 સૈનિકોના જીવ પર ભયંકર જોખમ ઊભું થશે. જો ટૉમ અને વિલ કોઈ પણ ભોગે આવતી કાલની સવાર પહેલાં પેલો પત્ર બટાલિયનના કર્નલને સોંપે તો જ તેઓ પોતાના સૈનિકોને તાત્કાલિક અટકી જવાનો આદેશ આપી શકે ને સૌનો જીવ બચી શકે.
ટૉમ અને વિલ સામે ખતરો આ છેઃ પત્ર પહોંચાડવા માટે એમણે નવ માઇલ જેટલું ખતરનાક અંતર દુશ્મનોના ઇલાકામાંથી થઈને પગપાળા કાપવાનું છે. અહીં ડાયનેમાઇટ બિછાવેલી હોઈ શકે, સ્નાઇપર છૂપાયા હોઈ શકે. આ બધા વિઘ્નો પાર કરીને એમણે લક્ષ્યસ્થાન પર જીવતા પહોંચવાનું છે. વિલ માટે આ મિશન ઑર મહત્ત્વનું છે, કેમ કે પેલા સોળસો સૈનિકોમાં એનો સગો મોટો ભાઈ પણ છે.
દેખીતી રીતે ‘1917’ એક વૉર ફિલ્મ છે, પણ સેમ મેન્ડીસે તેને એક થ્રિલરની માફક ટ્રીટ કરી છે. તેથી જ જેમને ફર્સ્ટ વર્લ્ડ વૉરના સંદર્ભની ખાસ ખબર ન હોય તેવા દર્શકો પણ ‘હે ભગવાન! હવે શું થશે… હવે શું થશે…’ કરતાં પોતાની સીટ પર સજ્જડ ચોંટેલા રહે છે. આપણને ચકિત કરી નાખે એવી ફિલ્મની ખૂબી તો આ છેઃ આ ફિલ્મને વન-શોટ ફૉર્મેટમાં શૂટ કરવામાં આવી છે. વન-શોટ ફૉર્મેટ એટલે ફિલ્મ શરૂ થાય પછી કૅમેરા અટક્યા વગર પાત્રોને ફૉલો કર્યા કરે. જુદી જુદી ગતિવિધિઓ થતી જાય, આસપાસનો માહોલ બદલાતો જાય, પણ સીન એક પણ વાર ‘કટ’ ન થાય. તેથી ફિલ્મ જોતી વખતે આપણે ખુદ વાર્તાનો ભાગ હોઈએ અને જાણે બધું રિઅલ ટાઇમમાં આપણી સામે બની રહ્યું હોય તેવી અનુભૂતિ થાય. વન-શૉટ ફૉર્મટમાં બનેલી ‘બર્ડમેન’ (2014) નામની અફલાતૂન ઑસ્કરવિનિંગ મૂવી આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. ફર્ક એ છે કે ‘બર્ડમેન’ મુખ્યત્ત્વે એક થિયેટર, તેનો મંચ, બૅકસ્ટેજ, અગાસી તેમજ ન્યુ યૉર્કની શેરીઓમાં શૂટ થઈ છે ને એકના એક લોકેશન વારે વારે આવ્યા કરે છે. ‘1917’માં એક પણ લોકેશન રિપીટ થતું નથી! કલ્પના કરો કે આ એક વૉર ફિલ્મ છે જેનાં મુખ્ય કિરદારોની આસપાસ પૂરક પાત્રોની જમઘટ છે, વિસ્ફોટો થતા રહે છે, ગોળા-બારૂદ વરસતા રહે છે, ટ્રેન્ચ – બોમ્બમારીને કારણે નાશ પામેલાં ઉજ્જડ નગરો – ઘસમસતી નદી વગેરે પસાર કરતાં કરતાં મુખ્ય પાત્રો નવ માઇલ જેટલું અંતર કાપે છે ને આ સઘળું સિંગલ શૉટ ફૉર્મેટમાં ફિલ્માવાયું છે! ફિલ્મ જોતી વખતે આપણને સતત થતું રહે કે ડિરેક્ટર અને કલાકાર-કસબીઓએ આ બધું કેવી રીતે એક્ઝિક્યુટ કર્યું હશે!
સેમ મેન્ડીસના દાદાજી આલ્ફ્રેડ મેન્ડીસ ખુદ વર્લ્ડ વૉરમાં ભાગ લઈ ચૂક્યા છે. મેન્ડીસ નાના હતા ત્યારે દાદાજી છોકરાઓને ભેગા કરીને યુદ્ધની વાતો કરતા. એમાંની એક વાર્તા આ બે બ્રિટીશ સૉલ્જર્સની પણ હતી. સેમ મેન્ડીસ મોટા થયા, પહેલાં સફળ થિયેટર ડિરેક્ટર અને પછી એના કરતાંય વધારે સફળ ફિલ્મમેકર બન્યા, પણ દાદાજીએ કહેલી પેલી વાર્તા એમના દિમાગમાંથી ભૂંસાઈ નહીં. 2017માં સેમની બીજી પત્ની એલિસને દીકરીને જન્મ આપ્યો. સેમે નક્કી કર્યું કે બેબલી સાવ નાની છે ત્યાં સુધી મારે ઘરની બહાર જવું પડે એવું કોઈ કામ કરવું નથી. હું દીકરીને રમાડીશ, એનાં બાળોતિયાં બદલીશ, પત્ની સાથે સમય પસાર કરીશ ને બેબી સૂઈ જશે ત્યારે વાંચીશ-લખીશ. એમને થયું કે નાનપણમાં દાદાજીએ પેલી જે વાર્તા કહી હતી એને શબ્દોમાં ઉતારવા માટે આ સરસ મોકો છે. સેમ મેન્ડીસે લખવા માંડ્યું.
વીસ પાનાં લખ્યાં બાદ સેમને સમજાયું કે પ્રોફેશનલ લેખકની મદદ લેવી પડશે. આથી તેમણે ક્રિસ્ટી વિલ્સન-કેર્ન્સ નામની સ્કૉટિશ ટીવી રાઇટરને પોતાની પ્રોસેસમાં શામેલ કરી. સેમે એને પહેલાં જ કહી દીધું હતું કે આ વન-શૉટ ફિલ્મ છે. રિસર્ચના ભાગરૂપે ક્રિસ્ટી લંડનનાં મ્યુઝિયમોમાં ગઈ, સરહદેથી સૈનિકોએ લખેલા પત્રો વાંચ્યા, જ્યાં સૈનિકોને દફનાવ્યા હતા તે જગ્યા અને જ્યાં ફિલ્મ શૂટ થવાની હતી તે લોકેશનની મુલાકાત લીધી. ચાર જ વીક પછી ક્રિસ્ટીએ સ્ક્રીપ્ટનો પહેલો ડ્રાફ્ટ સેમ મેન્ડીસ સામે ધરી દીધો. તે વખતે ક્રિસ્ટીને કદાચ ખબર નહોતી કે વૉર ફિલ્મ લખનારી સિનેમાના ઇતિહાસની પહેલી મહિલા લેખિકા તરીકે એનું નામ નોંધાઈ જશે!
સેમ મેન્ડીસે પછી સિનેમેટોગ્રાફર રોજર ડિકીન્સને સ્ક્રિપ્ટ મોકલી. સ્ક્રિપ્ટના પહેલા જ પાના પર લખ્યું હતું કે આ એક રિઅલ-ટાઇમ વૉર મૂવી છે, જે સિગલ શૉટ ફૉર્મેટમાં શૂટ થઈ છે! રોજરને ચક્કર આવી ગયાઃ વૉર મૂવી ને એ પણ વન-શૉટમાં? જોકે સ્ક્રિપ્ટ વાંચતી વખતે તેમને સમજાયું કે આ કોઈ ગિમિક નથી.
કાસ્ટિંગ થયું. મુખ્ય સંદેશાવાહક સૈનિકના રોલમાં જ્યૉર્જ મૅકે અને ડીન-ચાર્લ્સ ચેમ્પમેન જેવા પ્રમાણમાં અજાણ્યા એક્ટરોની વરણી કરવામાં આવી. ફૌજી જેવા દેખાય એવા પાંચસો કરતાં વધારે એકસ્ટ્રા કલાકારો પસંદ કરવામાં આવ્યા. છએક મહિના સુધી રિહર્સલ થયાં. પછી પહેલી એપ્રિલ 2019ના રોજ શૂટિંગ શરૂ થયું જે જૂનના અંત સુધી ચાલ્યું. ‘1917’ આપણને વન-શૉટ દેખાય છે, પણ વાસ્તવમાં આખી ફિલ્મને નાના નાના ટુકડાઓમાં શૂટ કરવામાં આવી છે. સૌથી મોટો ટુકડો નવ મિનિટનો છે. આ ટુકડાઓને એડિટિંગ અને સ્પેશિયલ ઇફેક્ટ્સની મદદથી એવી રીતે ‘સીવી’ લેવામાં આવ્યા છે કે જેથી સ્ક્રીન પર આખેઆખી ફિલ્મ સળંગ સિંગલ શોટ જેવી અસર ઊભી કરે છે.
ખરેખર તો આ ફિલ્મ ઇન્ડોર અને આઉટડોરમાં કેવી રીતે શૂટ થઈ તે વિશે અલાયદો લેખ થઈ શકે. હાલ પૂરતું આપણે એ જોવાનું છે કે આવતી કાલે ‘1917’ કેટલા અને ક્યા ઑસ્કર અવૉર્ડ્ઝ જીતે છે. આ ફિલ્મ હજુ સુધી જોઈ ન હોય તો વહેલામાં વહેલી તકે જોઈ લેવી એવી તાકીદ કરવાની જરૂર છે ખરી?
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2020 )
Leave a Reply