Sun-Temple-Baanner

આયુષ્યમાન ભવ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


આયુષ્યમાન ભવ


આયુષ્યમાન ભવ

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ, રવિવાર – 4 નવેમ્બર 2018

મલ્ટિપ્લેક્સ

સાવ સીધીસાદી પર્સનાલિટી ધરાવતા આયુષ્યમાન ખુરાનામાં એવું તે શું છે કે ઉત્તમ સ્ક્રિપ્ટ ધરાવતી ફિલ્મોને એ પોતાની તરફ લોહચુંબકની જેમ ખેંચી લે છે?

* * * * *

સાડાત્રણ વર્ષ પહેલાં, ટુ બી પ્રિસાઇઝ, ફેબ્રુઆરી 2015માં, આયુષ્યમાન ખુરાનાએ ‘ક્રેકિંગ ધ કોડ – હાઉ ટુ સર્વાઇવ એન્ડ થ્રાઇવ ઇન બોલિવૂડ’ નામનું આત્મકથનાત્મક પુસ્તક બહાર પાડેલું ત્યારે આશ્ચર્ય થયું હતું. એક નવોસવો હીરો, જે હજુ માંડ એકત્રીસ વર્ષનો છે અને જેની ચાર ફિલ્મો (‘વિકી ડોનર’, ‘નૌટંકી સાલા’, ‘બેવકૂફીયાં’, ‘હવાઇઝાદા’)માંથી પહેલીને બાદ કરતાં બાકીની ત્રણેય ખરાબ રીતે પીટાઈ ગઈ છે, એને વળી આત્મકથા લખવાના શા અભરખા જાગ્યા? ફ્રેન્કલી, એ વખતે એનાં પુસ્તક પર નજર કરવાનો ધક્કો નહોતો લાગ્યો, પણ આ છેલ્લાં સાડાત્રણ વર્ષમાં પરિસ્થિતિ નાટ્યાત્મક રીતે બદલાઈ છે. એક ‘મેરી પ્યારી બિંદુ’ના અપવાદને બાદ કરો તો એની બાકીની પાંચેય ફિલ્મો લાગલગાટ હિટ થઈ છે – ‘દમ લગા કે હઈશા’ (2015), ‘બરેલી કી બરફી’ (2017), ‘શુભ મંગલ સાવધાન’ (2017) અને હમણાં બે જ અઠવાડિયાના અંતરે રજુ થઈને આપણને જલસો કરાવી દેનાર ‘અંધાધુન’ તેમજ ‘બધાઈ હો’. આયુષ્યમાનનો કરીઅર ગ્રાફ હાલ ઝળહળ ઝળહળ થઈ રહ્યો છે.

…અને એટલે જ આયુષ્યમાનનું પેલું પુસ્તક વાંચવાનો ધક્કો હવે લાગ્યો! સાવ મામૂલી દેખાવવાળા, અમોલ પાલેકરના આધુનિક વર્ઝન જેવા લાગતા, છેલછોગાળો નહીં પણ તાપસી પન્નુ ‘મનમર્ઝિયા’માં કહે છે એવી ‘રામજી ટાઇપ’ (એટલે કે બોરિંગ, વધુ પડતી સીધીસાદી) પર્સનાલિટી ધરાવતા આ પંજાબી યુવાનમાં એવું તે શું ખાસ છે? શા માટે આટલી તગડી સ્ક્રિપ્ટ્સ ધરાવતી અફલાતૂન ફિલ્મો એના ખોળામાં આવી પડે છે? ‘ક્રેકિંગ ધ કોડ’ પુસ્તકમાંથી પસાર થતી વખતે આ સવાલના જવાબ કંઈક અંશે મળે છે. પુસ્તક સુંદર રીતે લખાયેલું છે. જો તમે વાંચનના રસિયા હો અને તમને સિનેમા-ટીવીની દુનિયામાં રસ પડતો હોય તો એકી બેઠકે આખેઆખું વાંચી શકાય એવું પ્રવાહી આ અંગ્રેજી પુસ્તક છે. તાહિરા કશ્યપ સહલેખિકા છે. તાહિરા કશ્યપ એટલે આયુષ્યમાનની કોલેજકાળની ગર્લફ્રેન્ડ, જે આજે એનાં બે બાળકોની મા છે.

આયુષ્યમાન જેવો ફિલ્મી દુનિયા સાથે નાહવાનિચોવાનોય સંબંધ ન ધરાવતા પરિવારમાં જન્મેલો ચંડીગઢી છોકરો હીરો શી રીતે બની ગયો? આયુષ્યાન લખે છે, ‘શું આને તમે નસીબ કહેશો? આગલાં જન્મનાં કર્મોનું ફળ કહેશો? કે પછી આ કોઈ કોડ છે? (અહીં સી-ઓ-ડી-ઇ કોડ એટલે દિમાગ અને વ્યક્તિત્ત્વનું અકળ પ્રોગ્રામિંગ, આંતરિક દિશાસૂચન, છૂપો સાંકેતિક નક્શો.) મે મારા જીવનમાં જે નિર્ણયો લીધા કે પગલાં ભર્યાં એમાં મને હવે એક ચોક્કસ પેટર્ન દેખાય છે. એને તમે કોડ પણ કહી શકો. કદાચ આ કોડને હું અભાનપણે અનુસરતો હતો. અમુક પ્રકારના કોડ હોવા એ નસીબની વાત હોઈ શકે, પણ આપણી ભીતર આ કોડ હોય છે એ તો નક્કી. બસ, આપણને એ ઉકલેતા આવડવા જોઈએ.’

આયુષ્યમાનને નાનપણથી જ નાટકમાં ઉતરવાનો, ડિબેટ વગેરેમાં ભાગ લેવાનો, લોકો સામે પર્ફોર્મ કરવાનો ખૂબ શોખ. એને ગાવા-વગાડવાનું પણ બહુ ગમે. બારમા સાયન્સ પછી એને ડોક્ટર બનવાની ઇચ્છા હતી, પણ એને એડમિશન મળ્યું ડેન્ટલ કોલેજમાં. આયુષ્યમાને વિચાર્યુ કે જો હું ડોક્ટર બનવાને લાયક હોત તો મને એમબીબીએસમાં એડમિશન મળી ગયું હોત. જો હું શ્રેષ્ઠ બની શકું એમ ન હોઉં, જે કામમાં મને દિલથી રસ પડતો ન હોય એને જે ક્ષેત્રમાં ખુદને લાયક પૂરવાર કરવા આખી જિંદગી સંઘર્ષ જ કર્યા કરવાનો હોય તો એનો કશો મતલબ છે ખરો? ના! આયુષ્યમાને ડાહ્યાડમરા થઈને આર્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. એના જીવનનો આ એક અત્યંત શ્રેષ્ઠ નિર્ણય.

કોલેજનાં વર્ષોમાં આયુષ્યમાને ઘણાં નાટકો કર્યાં. થિયેટરે એને ઘડતર કર્યું છે. આજે એ ફિલ્મ અભિનેતા તરીકે સફળ છે એનું એક તગડું કારણ એણે રંગભૂમિ પર મેળવેલી તાલીમ છે. વર્ષો પહેલાં ચેનલ વી પર ‘પોપસ્ટાર્સ’ નામનો મ્યુઝિકલ રિયાલિટી શો આવેલો. આયુષ્યમાન એમાં ટોપ-એઇટ સુધી પહોંચ્યો. એમટીવીના સુપરડુપર હિટ શો ‘રોડીઝ’ની બીજી સિઝનનો એ વિજેતા બન્યો. ‘રોડીઝ’ની જર્ની દરમિયાન એક વાર એના ભાગે એક અતિવિચિત્ર ટાસ્ક કરવાનું આવ્યું – અલાહાબાદની એક સ્પર્મ બેન્ક માટે વીર્યદાન કરવાનું! આયુષ્યમાન પોતાનાં પુસ્તકમાં ‘કોડ નંબર ફોર’ એવું મથાળું ટાંકીને લખે છે, ‘મને વીર્યદાન કરવાનો અનુભવ હતો એટલે જ હું ‘વિકી ડોનર’ જેવી ફિલ્મ કરવા તૈયાર થઈ શક્યો! આ વાતમાંથી હું એ શીખ્યો કે, ખુલ્લા રહેવાનું. જિંદગી આપણને જાતજાતના અનુભવો કરાવશે – સારા, માઠા, આનંદદાયક, કરુણ, ક્ષોભજનક, રમૂજી. તમામ પ્રકારના અનુભવોને ઝીલવા માટે, એમાંથી પસાર થવા માટે સજ્જ રહેવાનું. જીવનના પ્રત્યેક અનુભવમાંથી કશુંક તો શીખવાનું મળતું જ હોય છે.’

એમ.એ. પૂરું કરીને એ તરત ફિલ્મોમાં કામ કરવા મુંબઈ આવી ગયો. કોઈ પણ સ્ટ્રગલરની માફક ઓડિશન આપ્યાં, ટીવી સિરિયલોમાં કામ કર્યું. પછી બિગ એફએમનો એ જમાનાનો હાયેસ્ટ પેઇડ રેડિયો જોકી બન્યો, એમટીવીમાં સફળ વિડીયો જોકી બન્યો, ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ અને હૃતિક રોશનવાળા ‘જસ્ટ ડાન્સ’ જેવા ટેલેન્ટ રિયાલિટી શોનું સંચાલન કરીને બેસ્ટ એન્કરનો અવોર્ડ જીત્યો. આયુષ્યમાન કહે છે (કોડ નંબર એઇટ), ‘કોઈ પણ તકને જવા નહીં દેવાની. ભુલેચુકેય કોઈ કામને એન્ડરએસ્ટિમેટ નહીં કરવાનું. જે પણ કામ મળે એમાં આપણું શ્રેષ્ઠ રેડી દેવાનું. આપણાં ભૂતકાળનાં કામોમાંથી જ ભવિષ્યનો રસ્તો ખૂલતો હોય છે.’

એવું જ થયું. ‘જસ્ટ ડાન્સ’ને કારણે ફિલ્મમેકર શૂજિત સરકારનું ધ્યાન આયુષ્યમાન પર પડ્યું. તેઓ ‘વિકી ડોનર’ (2012) બનાવવાની તૈયારી કરતા હતા. ઓરિજિનલ પ્લાન તો વિવેક ઓબેરોયને લઈને ફિલ્મ બનાવવાનો હતો, પણ છેલ્લી ઘડીએ નિર્માતાનો વિચાર બદલાયો. પછી શર્મન જોશીને આ ફિલ્મની ઓફર આપવામાં આવી. શર્મને નમ્રતાપૂર્વક ના પાડી. આખરે આ રોલ માટે આયુષ્યમાનનો સંપર્ક કરવામાં આવ્યો. આયુષ્યમાને અગાઉ ‘તીન થે ભાઈ’, ‘આઇ હેટ લવસ્ટોરીઝ’, ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી ઘણી ફિલ્મો માટે ઓડિશન આપેલાં, પણ બધાંમાં એ રિજેક્ટ થયેલો. જોકે ઓડિશન સારાં ગયેલાં એટલે જોગી નામના કાસ્ટિંગ ડિરેક્ટરની નજરમાં એ આવી ગયેલો. એમણે પણ શૂજિત સરકારને આયુષ્યમાનના નામની ભલામણ કરેલી. આયુષ્યમાનને આ ફિલ્મમાં લીડ રોલ મળ્યો, એટલું જ નહીં, કોલેજકાળના દોસ્તાર રોચક સાથે કંપોઝ કરેલા ‘પાની દા રંગ દેખ કે’ ગીતને ફિલ્મમાં વાપરવાની તક પણ મળી. ફિલ્મ અને આ ગીત બન્ને હિટ થયાં. આમ, ચંડીગઢનો છોકરો આખરે બોલિવૂડનો હીરો બની જ ગયો.

સફળતા પોતાની સાથે કલ્પના કરી ન હોય એવા સંઘર્ષો પણ લેતી આવતી હોય છે. આયુષ્યમાન એટલો વ્યસ્ત થઈ ગયો કે પત્ની અને સંતાન માટે એની પાસે સમય બચતો નહોતો. લગ્નજીવન ડગમગવા માંડ્યું, પણ સંબંધનો પાયો મજબૂત હતો એટલે કટોકટી ટળી ગઈ, ઘર-પરિવાર સચવાઈ ગયાં. આથી જ આયુષ્યમાન પુસ્તકના અંતે કોડ નંબર પંદરમાં લખે છે, ‘જીવનના તમામ કોડ્સમાં ઇમોશનલ કોડને સમજવો અને ઉકેલવો સૌથી મહત્ત્વનો છે. તમે દુનિયાના સૌથી પાવરફુલ અને પૈસાદાર બની જાઓ, પણ જો લાગણીના સ્તરે અશાંત રહેતા હશો તો બધું અર્થહીન બની જશે. માત્ર જીવનસાથી કે પાર્ટનર સાથેના સંબંધની વાત નથી. તમે ભલે સિંગલ હો, પણ જો તમે માનસિક અશાંતિ પર કાબૂ મેળવી લીધો હશે તો તમારું જીવન મોટે ભાગે સુખમય વીતશે.’

‘ક્રેકિંગ ઘ કોડ્સ’ પુસ્તક સિનેમા, ટીવી, રેડિયોનાં ફિલ્ડમાં સફળ થવાનું સપનું જોઈ રહેલા જુવાનિયાઓને ઉપયોગી ટિપ્સ આપશે અને આયુષ્યમાનના કદરદાનોને સંતોષનો અનુભવ કરાવશે. રિકમન્ડેડ!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Nov, 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.