હિન્દી ફિલ્મનો ડાઈલોગ સાંભળ્યો હશે, અભી ઊસકા ટાઈમ ચલ રહા હૈ, હમારા ટાઈમ આને દે, હમ ઊસકો દેખ લેંગે. ગલીના નાકે ઊભેલા પરચૂરણીયા ચીંદીચોરો આવા ડાઈલોગ ફટકારતા હોય, પરંતુ તેમના આ સંવાદમાં વાસ્તવિકતા ભારોભાર ભરેલી છે. તમારા પિતાના સમયની મનગમતી વસ્તુ અને તમારા સમયની અને તમારા ભાઈના સમયની અને તમારા દીકરા અને પછી તમારા ભાઈના દીકરાની પસંદ અપની અપની હોવાની. હું અહીં કોઈ છોકરીની વાત નથી કરતો, પણ સિરીયલોની વાત કરૂ છું.
1980માં જ્યારે ટીવી નામનું ચોરસ ભંડકિયુ આવ્યું ત્યારે 15, સપ્ટેમ્બર 1959ની તારીખ હતી. અને ત્યાંથી નાના એવા અમારા ગામડામાં પહોંચતા 30 વર્ષ લાગી ગયા. આખા ગામમાં એક વ્યક્તિ પાસે ટીવી હોય અને તેને તમારે તમારા ગામનો રિચીરિચ કે અંકલ-સ્ક્રૂચ ગણવાનો. પણ જ્યારે તેના ઘરમાં અડધુ ગામ ટીવી જોવા માટે આવે ત્યારે તેની વેદનાનો કલાપીના કેકારાવની જેમ પાર ન હોય ! જો કલાપીની કવિતા ભણી ગયો હોય તો મનમાં બબડતો પણ હોય, લેતા લેવાઈ ગયું (ફેંકતા ફેંકાઈ ગયો…. ની જેમ)
1984માં ત્યારે ભારતીય ટેલિવિઝનની પહેલી શોપ ઓપેરા હમલોગ શરૂ થયેલી. અનીલ બિશ્વાસની થીમથી તેનું ઓપનીંગ થતું. જે પછી તો હમ: એક છોટે ગાંવ કી બડી કહાની નામે આવ્યું. તેના જૂના એપિસોડ. જ્યારે મારો જન્મ થયો અને હું સમજણો થયો, ત્યારે પપ્પાના મોંએ મેં સાંભળેલું કે, અમારા સમયે તો હમલોગ આવતી હતી, નુક્કડ આવતી હતી, દેખ ભાઈ દેખ માલગુડી ડેઈઝ આવતી, પણ ત્યાંસુધીમાં એક પેઢી આખી બદલી ગયેલી. અને હું મિલિન્દ સોમેનની કેપ્ટન વ્યોમ જોવા લાગેલો. મારો ભાઈ આવ્યો ત્યાં સુધીમાં તેની ફેવરિટ સિરીયલ જૂનીયર જી કે શક્તિમાન થઈ ગઈ હતી. વચ્ચે ચાચા ચોધરી પણ આવેલી અને આમ ફાંટા પડતા ગયા.
કેપ્ટન વ્યોમ આવી એ સમયે નવાનવા વાંદરાછાપ ડીસના છેડા આવેલા. તમારો પાડોશી 50 રૂપિયે મહિને છેડો ફિટ કરે એટલે તેનામાંથી ધૂંધળું એવુ તમારે પકડાઈ, બને એવુ કે, ચાંદની ચોક ટુ ચાઈનાના અક્ષય કુમાર બનીને અડધુ મલક ઊંચી મેડીના ઊંચા મોલ કરવા જાય. એ એક છેડાને કાપવામાં આવે, તેમાં પોતાનો છેડો નાખવાના ગોગો કપૂર ટાઈપ પ્રયાસો શરૂ થાય અને અધૂરામાં પૂરૂ આપણા કાનમાહે બેકગ્રાઊન્ડમાં ડોન ફિલ્મનું મ્યુઝીક ચાલતું હોય તે નોખું…. ટુણુણુણું… ટુનુનુ ટુનુનુ…. ક્યાંક ઘરના માલિકો ઊપર ન આવી જાય. આ આખી વારદાતમાં ઘરના લોકો પણ ભળેલા હોય, પરંતુ જેવા પકડાઈ જઈએ કે, બધા સરેન્ડર કરી નાખે. અને છોકરા પર ઘરના જ લોકો હલ્લો કરી તેને મારે. એટલે વાતાવરણ એવુ ક્રિએટ થાય કે, ભારતે કુલભૂષણ જાદવ આપણો જાસૂસ છે તે માનવાનું નથી, પણ તેને મરવા દેવાનો પણ નથી !
આમ છતા આ સમયગાળો હજુ પણ કેટલાક રિચીરિચ અને અંકલ-સ્કૂચનો હતો. 2001ની આજુબાજુ મોટાભાગના લોકોના ઘરમાં ટેલિવિઝનનું પ્રસારણ આવી ગયું. તો પણ શક્તિમાને જે રીતે લોકોને પકડી રાખ્યા તે રીતે બીજી ચેનલોનો જીવતા હોવા છતા મૃત અણસાર આવવા માંડ્યો. ત્યાંસુધી કે શક્તિમાનના રિપીટ શો બતાવવામાં પણ દૂરદર્શનને શરમ ન આવતી. જ્યારે પહેલીવાર જોઈ રહ્યા હોય તેમ છોટુથી લઈને ઘરના મોટુ જોતા. દૂરદર્શન જ હતું જેણે શકલક બૂમ બૂમ સૌથી પહેલા પ્રિઝેન્ટ કરેલું. તે જોવાઈ, પણ ઘડીના છઠ્ઠા ભાગમાં તેનો અંત આવી ગયો. અને સ્ટાર પ્લસે (હોંગકોંગથી પ્રસારણ થતું સેટેલાઈટ ટેલિવિઝન એશિયન રિજનીંગ) શકલક બૂમ બૂમ શરૂ કરી ગઈ. આખા ગામમાં 10 રૂપિયાની ઠોઠિયા ટાઈપ પેન્સિલ વેચાઈ અને મોટા માટે જેમ ગણપતિ દૂધ પિતા તેમ બાળકો માટે હમણાં મારો નાગ જીવતો થાશે તેવી અવિચારીકાર્યમાકૂરૂ પરિસ્થિતિ જોવા મળે. ત્યારે પહેલીવાર બાળકો સ્ટારપ્લસ તરફ વળ્યા. ત્યાંસુધી માત્ર કાર્ટૂન જોતા હતા, પણ કાર્ટૂન નેટવર્ક આવ્યું એટલે તે પણ બંધ થઈ ગયું.
અત્યારે પણ ટેલિવિઝનમાં પ્રસારિત થતી ચેનલોનો પહેલો અને છેલ્લો માસ્ટર સ્ટ્રોક કાં તો બાળકોની સિરીયલ હોય છે, અથવા તો ધાર્મિક સિરિયલ હોય છે. કાં તો તમારા ઘરના નાનીયાઓને પટાવો અને કાંતો તમારા ઘરના મોટાભાગના ધાર્મિક લોકોને પટાવો.
સ્ટાર પ્લસે એ પછી તો સ્મોલ વન્ડર શરૂ કરી અને સાંજના 5:30 વાગ્યે ગામ આખાના બાળકોને ટીવીની સામે ભેગા કરી દીધા. એ સિરીયલના રાઈટ્સ પત્યા કે શું, પણ સ્ટારપ્લસે પાછો ધમાકો કર્યો અને કરિશ્મા કા કરિશ્મા બનાવી. અદ્દલ ભારતીયકરણ કર્યુ. જે અત્યારે બને તો હું GST લગાવી દઊં. આજે પણ તેમાં રોબોટ બનતી છોકરી મોટી થઈ છે, તો વેબવાળા પરાણે ક્લિક કરાવવા માટે હેરાન કરે, ‘દેખીયે કરિશ્મા કા કરિશ્મા કી લડકી હો ગઈ હૈ ઈતની બડી, સેક્સી પીક્સ દેખ કર આપકે ભી હોશ ઉડ જાએગે….’
2008-2009 આવતા આપણો દાયકો પૂરો થયો. છેલ્લે સોન પરીમાં મનોરંજન માણેલું અને હવે તેના જીની બનેલા અલતુ એટલે કે અશોક લોખંડેને આ તમામ પુરૂષ બાળકો પોતાની પત્ની સાથે દિયા ઓર બાતી હમમાં પરાણે મન લગાવી જોતા હશે.
એવું નથી કે આપણા સમયમાં આમ આવતું એટલે પૂરૂ થઈ ગયું, આપણા પછી પણ આ સિલસિલો એમ જ ચાલુ છે. હી-મેનની જગ્યા અત્યારે છોટાભીમ, ડોરેમોન, નીંજા હથોડી જેવા જાપાનીઝ કાર્ટૂનોએ લઈ લીધી છે. એકમાત્ર ભારતીય ભીમે ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. વોટ્સએપ પર પેલા જોક્સની જેમ આ બધા ભણવા જતા નથી અને ભણવા દેતા પણ નથી. જો કે તે સમયે સોશિયલ મીડિયાના અભાવે વિચારોની એટલી સ્વતંત્રતા નહતી, બાકી આપણા સમયે પણ એ જ હતું. ડેન્જરસ ડ્રેગન, હિ-મેન, અને શક્તિમાન તો ખાલી બાળકોને સ્કૂલે જવાની શિખામણ આપતો બાકી જો સોમવારે તેનો એપિસોડ હોય તો સ્કૂલમાં માસ્તર અને માસ્તરાણી બેજ બેઠા હોય. CL ભોગવતા હોય ! હમ લોગ કે દેખ ભાઈ દેખ નથી તો તેની જગ્યાએ આપણું તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા છે. સાસ ભી કભી બહુ કે કહાની ઘર ઘર કી જેવી હથોડા છાપ અને માથા પર બામ ઘસવા મજબૂર કરતી સિરિયલો નથી, તો તેનું માથુ ભાંગે તેવી સિરીયલો આવી ચૂકી છે. ટૂંકમાં પહેલા હતું એવુ જ છે, ખાલી ઓડિયન્સ બદલી છે, બાકી નખરા અને તેવર સિરીયલના તેવાને તેવા છે.
બસ, સિરિયલોમાં અર્જુન કપૂર ટાઈપ દાઢી રાખતા હિરોની જમાત ભેગી થઈ છે. અભિનય તો મારી જેમ આવડતો ન હોય, ખાલી ડાચા જોઈ લઈ લીધા છે. ઊપરથી ભારતદેશ કેટલો વૈવિધ્યસભર અને પુરાણોમાં તેની કેટલી મહિમા હતી તે જોતા અઢળક ધાર્મિક સિરિયલો બની રહી છે. વિચાર તો એ આવે છે આ લોકોને આટલું બજેટ આપે છે કોણ ? એકમાત્ર દેવો કે દેવ મહાદેવ હિટ ગઈ અને એનડિટીવી ઈમેજીન પરની ચાણક્ય ખૂબ ચાલેલી. આ બે સિરીયલોના હિટ કન્સેપ્ટ લઈ હવે બધાની ગાડીઓ ચાલવા માંડી છે. ફટાફટ રામાનંદ સાગર અને બી.આર.ચોપરા બનવાની હોડ જામી છે. જ્યારે તમે ટીવી ચાલુ કરો ત્યારે શંકર ભગવાન કાં વિષ્ણુ તમારી સમક્ષ ઊપસ્થિત હોય, એટલે ટુંક સમયમાં સ્ટારધાર્મિક શરૂ થાય તો નવાઈ નહીં !!!
પણ, સમય સમયની વાત છે. બધાનો એક યુગ હોય છે, એક દિવસ હોય છે, એક ગાળો હોય છે. જ્યાં તેના માટે કશુંક મેજીકલ અને તેને પસંદ આવતું બનતું હોય છે. અત્યારના લોકો માટે આ બધુ ફેવરિટ છે, અને આપણા માટે તે બધુ હતું. એટલે છેલ્લે તો જૂનાગઢીયા નરસિંહ મહેતા કહે તેમ, ‘ખમ્મા, મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી ?’
~ મયુર ખાવડુ
Leave a Reply