રાજા જૈત્રસિંહ રાવલ | મેવાડનો સુખ્યાત ગુહિલવંશ

Jaitra Singh - Mewar Dynasty - Janamejay Adhwaryu - Sarjak.org

મેવાડનો સુખ્યાત ગુહિલવંશ : રાજા જૈત્રસિંહ રાવલ
(ઇસવીસન ૧૨૧૩ – ઇસવીસન ૧૨૫૩ )

👉 ઇતિહાસમાં જે લખાય છે ….. જે વંચાય છે … જે સમજાય છે એ જ બધું સત્ય છે એમ માનીને ચાલવું એ ભૂલભરેલું છે. ઇતિહાસમાં ઘણીવાર એક જ નામ ઘણી બધે ઠેકાણે આવતું હોય છે પણ એમની સાલવારી અને રાજવંશો જુદાં હોય છે. ભારતના ઇતિહાસમાં પૃથ્વીરાજ પણ ઘણા થયાં છે. જયસિંહ પણ ઘણાં થયા છે, ઉદેસિંહ પણ ઘણાં થયાં છે , ઉદયસિંહ પણ ઘણાં થયાં છે અને આ જૈત્રસિંહ પણ બે થયાં છે. એક મેવાડના ગુહિલવંશી રાજા જૈત્રસિંહ રાવલ અને બીજાં છે જૈત્રસિંહ ચૌહાણ જેમની સાલવારી છે ઇસવીસન ૧૨૪૮થી ઇસવીસન ૧૨૮૨. આ બન્ને એક રીતે જોવાં જઈએ તો સમકાલીન જ ગણાય. રાજા જૈત્રસિંહ રાવલ એ મેવાડના રાજા (રાવલ) હતાં તો રાજા જૈત્રસિંહ ચૌહાણ એ રણથંભોરનાં ચૌહાણવંશી રાજા હતાં. આ બંનેમાં એક સામ્યતા પણ છે એ એ છે કે એમને દિલ્હી સલ્તનતના સ્થાપક ગુલામવંશના શાસકોને પરાસ્ત કર્યા હતાં. રાજ જૈત્રસિહ રાવલે ઈલ્તુમીશ અને નાસીરૂદ્દીનને અને રાજા જૈત્રસિંહ ચૌહાણે બલબનને હરાવ્યો હતો. રાજા જૈત્રસિંહ રાવલનો શાસનકાળ ઇસવીસન ૧૨૫૩ માં સમાપ્ત થઇ ગયો હતો જયારે રાજા જૈત્રસિંહ ચૌહાણનો શાસનકાળ ઈસ્વીસન ૧૨૪૮માં શરુ થયો હતો અને એમનો શાસનકાળ સમાપ્ત થયો હતો ઇસવીસન ૧૨૮૨માં !

👉 ઇતિહાસમાં નિરૂપણ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે તે સાથે એ કોનાં દ્વારા નીરુપવામાં આવ્યું છે એ પણ બહુ જ અગત્યનું છે. એક જગ્યાએ ઉલ્લેખ થાય એટલે બધાં જ ઈતિહાસ્ રસિકજનો એમ જ માનવા લાગે છે કે આ જ સત્ય છે. ઈતિહાસ મોટેભાગે તો આપણી સમક્ષ ૨૦૦ -૪૦૦ વરસ પછી જ રજૂઆત પામતો હોય છે. જો જે તે કાળમાં કોઈ ઇતિહાસકાર કે સાહિત્યકાર ના થયાં હોય તો ! જે ઈતિહાસકાર થયાં હોય છે જે તે કાળમાં એ બધું સાચું જ લખતાં હોય એવું માની લેવાનું કોઈ જ કારણ નથી. તેઓ પોતાની હારને જીતમાં જ ખપાવવા મથ્યાં રહે છે જીવનભર. સિકંદરની બાબતમાં પણ આવું જ બન્યું હતું તે જીત્યો નથી ભારતમાં પોરસ સામે અને આ ઈતિહાસકારોએ એની જીત બતાવી દીધી. જયારે સિંકદરનો ઈતિહાસ એ ૪૦૦ વરસ પછી પ્લુટાર્ક વગરે વિદેશી ઈતિહાસકારો અને સાહિત્યકારોએ લખેલો છે જેમાં સિકંદરની નકરી પ્રશસ્તિ જ કરવામાં આવી છે. જ્યારે સિકંદર વિશેની કોઈ જગ્યાનો પુરાવો આપવાં તેઓ સદંતર નિષ્ફળ જ ગયાં છે. ભારતનો ઈતિહાસ જ્યારથી શરુ થયો ત્યારથી જ તે આમ જ બનતું આવ્યું છે. ભારતના તત્કાલીન – સમકાલીન ઈતિહાસકારો અને સાહિત્યકારોના જ્ઞાન અને આવડતનાં જોરે આપણને ભારતનો ભવ્ય ગૌરવશાળી ઈતિહાસ પ્રાપ્ત થઇ શક્યો છે. પણ તે સાતમી આઠમી સદી સુધી જ. એનું કારણ એક એ પણ છે કે દાનપત્રો અને અભિલેખોના પ્રતાપે આપણે એ કાલનો – એ રાજવંશનો ઈતિહાસ જાણી શકીએ છીએ. આઠમી સદીથી ભારતમાં મુસ્લિમ ધર્મના અસ્તિત્વમાં આવવાનાં કારણે ઇતિહાસનો દ્રષ્ટિકોણ બદલાયો જે ગૌરવશાળી શાંતિ -સુખ અને સમૃદ્ધિ હતાં તે આ વિદેશી આક્રમણકારીઓના મનમાં ખૂંચ્યા અને તેની જગ્યાએ લુંટફાટ અને વિદ્વંસ શરુ થયો. યુધ્ધો થયાં એમાં ભારતીય ક્ષત્રિયો – રાજપૂતોનો સિંહ ફાળો છે કે તેમણે મહદઅંશે આ આક્રમણો નિષ્ફળ બનાવ્યાં. પણ તોય આ આક્રમણકારી તરફી ઈતિહાસકારો અને અને સાહિત્યકારોએ તો એને પોતાની હારને જીતમાં ખપાવી.

👉 ભારત પર આક્રમણો તો શરૂઆતથી જ થયાં હતાં પહેલાં ગ્રીકો (યવનો), શકો, હુણો, આરબો અને તુર્કો આ તુર્કોની અવળચંડાઈ વધી ગઈ અને તેમને સન ૧૦૦૦ થી માંડીને લગભગ ૮૦૦ વરસ સુધી આક્રમણો કર્યા જ કર્યા અને ભારતનું મ્લેચ્છીકરણ કરી નાંખ્યું તે જુદું શકો અને હુણોનું આક્રમણ એ ઉત્તર -પશ્ચિમ ભારત સુધી જ સીમિત હતું . કારણકે કેન્દ્રસ્થાને મગધ એટલે કે ૧૬ જનપદો હતાં. પછી રાજધાની અને કેન્દ્રસ્થાન બદલાયું મગધની જગ્યા મધ્યભારતના કન્નૌજે લીધી. કનૌજ પણ સમ્રાટ હર્ષવર્ધનના પતન પછી જ કેન્દ્રસ્થાન બન્યું હતું અને તે પણ સાતમી -આઠમી સદીમાં જ ! આ આક્રમણોની અસર દક્ષિણ કે પૂર્વમાં નહીવત જોવાં મળતી હતી. ગુલામ વંશે પણ કન્નૌજ સુધી પોતાની સાતા વિસ્તારી સંતોષ માન્યો હતો પણ તે પછી જ સમગ્ર ભારત આ મ્લેચ્છોની ઝપટમાં આવી ગયું .

👉 ગુજરાત પર પણ આ શકો -હુણોએ હુમલા કર્યા તો હતાં જ પણ આઠમી સદીમાં આરબોને ખાળ્યા બપ્પા રાવલે. તેમને સિંધ હાલ પાકિસ્તનસુધી જ સીમિત રાખ્યાં. પણ બપ્પા રાવલ પછી આઠમી સદીમાં ગુજરાત પર ત્રણ આક્રમણો થયાં અમુક રાજવંશો સમાપ્ત થઇ ગયાં તો એની જગ્યાએ નવાં રાજવંશો આવ્યાં. જેથી આક્રમણની માઠી અસરો જોવાં ના મળી બસ ખાલી પોતાનો લાભ ખાટવા સત્તાપરિવર્તન જરૂર આવ્યું . આ આરબ આક્રમણો ગુજરાતમાં વાયા સિંધ થતાં હતાં. સિંધની બાજુમાં જ રાજસ્થાન પડે એટલે ત્યાં પણ થયાં. જે ગુર્જર પ્રતિહારોએ ખાળ્યા. પણ તોય મેવાડને બહુ નુકશાન નહોતું થયું આ આક્રમણોથી જે પહોંચાડયું આ કમબખ્ત તુર્કોએ જ !

👉 મેવાડનો ગુહિલ વંશ જે બે ફાંટાઓમાં વહેંચાયેલો છે તે રાવલ શાખા અને સિસોદિયા વંશ. આજે પણ ઉદેપુરમાં સિસોદિયા વંશના શાસકો હયાત છે જ. એ વંશાવલી ચાલુ જ છે. ગુજરાતના ઇતિહાસમાં મેવાડ પર કબજો મેળવ્યો હતો સોલંકીઓએ . એ સમયનું મેવાડ પરમાર, ચાહમાન , સોલંકીઓ , વાઘેલાઓ અને દિલ્હી સલ્તનતના તાબામાં હતું . ગુજરાત પર આક્રમણ હેતુ આ જ હતો કે તેમનો કાબુ ચિત્તોડ પર હતો. ગુજરાત પર તુર્કોનું આક્રમણ ગઝનીથી શરુ થાય છે ઇસવીસન ૧૦૨૪માં અને પછી ૧૧૭૮માં મહ્નામ્દ ઘોરી સાથે કાયધારામાં એક છમકલું થયું . જેનો ઉલ્લેખ ઇતિહાસમાં એક ગ્ર્થસ્થ સાહિત્યમાં છે એટલે થયો ચ્ચે બાકી સત્ય તો નથી જ એ કે નાયકીદેવીએ એને હરાવ્યો હોય. ઘોરીએ આ પછી કુત્બુદ્દીન ઐબકને સેનાપતિ તરીકે મોકલી ગુજરાતને તહસનહસ કર્યું જ હતું તે સાલ લગભગ ૧૧૮૫-૮૭ છે. મહંમદ ઘોરી ભારત આવે છે ઇસવીસન ૧૧૭૮માં તેજ વરસે પૃથ્વીરાજ ચૌહાણ રાજગાદીએ બેસે છે. પૃથ્વીરાજ ઘોરીને હરાવે છે ઈસ્વીસન ૧૧૯૧માં અને ઘોરી સામે પરાજિત થાય છે સન ૧૧૯૨માં . પછી ઈસ્વીસન ૧૨૦૬માં ઘોરીના ગુલામો દિલ્હી સલ્તનતની સ્થાપના કરે છે. હવે જ જે કંઈ યુધ્ધો થવાના હતાં તે દિહી શાસકો સાથે જ કોઈ આક્રમણકારીઓ સાથે નહીં જ !

👉 ગુજરાત પર જ્યારે મુસ્લિમ આક્રમણ થયું ગઝનીની વાત જવા દઈએ ત્યાર પછી ઘોરી અને ગુલામવંશની વાત કરીએ તો સોલંકીયુગ તો છેક ઈસ્વીસન ૧૨૪૪ સુધી ચાલુ હતો. પણ ગુજરાત પર આક્રમણ સન ૧૧૮૫ પછી ગુલામવંશના શાસકોએ નથી કર્યું પણ મેવાડ પર અને અવંતિ પર જરૂર થયું હતું આ વખતે ગુજરાતના સોલંકીઓએ ગુલામ વંશના ઈલ્તુમીશ સામેનાં યુદ્ધ વખતે રાજા જૈત્રસિંહને મદદ કરી હતી એવો ઉલ્લેખ ગ્રંથસ્થ થયેલો અને અભિલેખોમાં ઉત્કીર્ણ થયેલો જોવાં મળે છે.

👉 આ ઉલ્લેખે જ મને આમના વિષે લખવાં પ્રેર્યો છે. આ રાજા એક એવાં રાજા છે કે જેમના વિષે ઇતિહાસમાં જેટલું લખવું જોઈતું હતું તેટલું નથી જ લખાયું. એમના પરાક્રમોથી હજી આપણે અજાણ જ છીએ . મળે છે મહિતી પણ પણ અલ્પમાત્રામાં !રાજા જૈત્રસિંહનાં માતા-પિતા કોણ તેની તો કોઈનેય ખબર નથી.પણ તેઓ ઈસ્વીસન ૧૨૧૩માં મેવાડપતિ બન્યાં તે પહેલાં મેવાડના રાજા પદ્મસિંહ હતાં જેમનો શાસનકાળ બહુ જ અલ્પ હતો ઈસ્વીસન ૧૨૧૧થી ઇસવીસન ૧૨૧૩. એ પહેલાં ઇસવીસન ૧૧૯૧થી ઇસવીસન ૧૨૧૧ રાજા મંથનસિંહ રાવલ મેવાડ નરેશ હતાં. હવે આ જૈત્રસિંહ એ કોનાં પુત્ર તે તો અધ્યાહાર જ છે .

👉 પણ આ મંથનસિંહ પહેલાના રાજાઓ વિષે પણ થોડું જાણવા જેવું છે. ક્ષેમસિંહના પુત્ર સામંતસિંહે ઇસવીસન ૧૧૭૨માં મેવાડની રાજગાદી સંભાળી હતી. સામંતસિંહના લગ્ન અજ્મેરના અતિપ્રખ્યાત શાસક ચૌહાણ પૃથ્વીરાજ તૃતીયની બહેન સાથે થયાં હતાં. નાડોલનાં ચૌહાણ શાસક કીર્તિપાલ અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ઋણાનુબંધ બંધાયો. આ કારણે કીર્તીપાલે મેવાડ પર આક્રમણ કરીને સામતસિંહને પરાજિત કર્યાઅને મેવાડનું રાજ્ય એમની પાસેથી છીનવી લીધું. ક્યાંક એવો પણ ઉલ્લેખ થયેલો જોવાં મળે છે કે આમાં ગુજરાતના સોલંકીઓએ પણ એમને મદદ કરી હતી. સામંતસિંહે ઈસ્વીસન ૧૧૭૮માં વાગડ જઈને પોતાનું નવું રાજ્ય ઉભું કર્યું અને રાજધાની વટપદ્ર્ક (બડૌદા -ડુંગરપુર)માં બનાવી હતી. ક્ષેમસિંહના નાના પુત્ર કુમારસિંહે ઇસવીસન ૧૧૭૯માં કીર્તિપાલને પરાજિત કરીને મેવાડના શાસક બન્યાં. હવે આ ઈસ્વીસન ૧૧૭૮ તો બધાંને યાદ છે ને ! આજ વરસમાં જો કાયધરામાં જો મહંમદ ઘોરીને નાયકીદેવીએ હરાવ્યો હોય તો તો એ વખતે વાગડમાંથી ક્ષેમસિંહે કીર્તિને હરાવ્યો હોય તો એ બંને વચ્ચેના યુદ્ધની આ યુદ્ધમાંમાં કોઈ અસર કેમ ના પડી આ કાયધારા એ કંઈ વાગડથી બહુ દૂર તો નહોતું જ ! મહંમદ ઘોરી હારીને ત્યાંથી દક્ષિણમાં ગયો હોય તો પણ તેણે રસ્તો તો આ જ લીધો હોતને જ્યાં આગળ કુમારસિંહ અને કીર્તિપાલ જોડે પણ એને ટકરાવ જરૂર થયો હોત જેનો ક્યાંય પણ ઉલ્લેખ થયેલો જોવાં મળતો નથી ! ગુજરાતી ઈતિહાસકારો અને સાહિત્યકારો ગોથાં જ ખાતાં હોય એવું લાગે છે જ્યારે ઇતિહાસમાં એ વાત નોંધાયેલી ચ્ચે કે તુર્કો સાથે પ્રથમ ટકરાવ જૈત્રસિંહને ઇસવીસન ૧૨૨૨માં થયો હતો. એનો અર્થ એ કે ક્ષેમસિંહ અને એનાં પુત્રને પણ મહંમદ ઘોરીની ખબર નહોતી ! તાત્પર્ય એ કે આ નાયકીદેવી વાત જ બનાવટી લાગે છે જે ગુજરાતી સાહિત્યકારોના ફળદ્રુપ ભેજાંની નીપજ છે માત્ર !

✔ રાજા જૈત્રસિંહ રાવલ :-

👉 ઇસવીસનની ૧૩મી શતાબ્દીના પ્રારંભમાં એટલે કે ઇસવીસન ૧૨૧૩માં મેવાડપતિ રાજા જૈત્રસિંહ બન્યાં . એમનાં શાસનકાલ પૂર્વે નાડોલનાં ચૌહાણવંશીય કીતૂ / કીર્તિપાલે મેવાડ પર અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. આ વેરની ભાવનાથી જૈત્રસિંહે સમકાલીન ચૌહાણ વંશના શાસક ઉદયસિંહ વિરુદ્ધ નાડોલ પર ચઢાઈ કરી દીધી. નાડોલને બચાવવા ઉદયસિંહે પોતાની પુત્રી રુપદેવી (ચચિંગદેવની પુત્રી )નો વિવાહ જૈત્રસિંહનાં પુત્ર તેજસિંહ સાથે કરાવીને મેવાડ અને નાડોલ વચ્ચેનું વેર સદાને માટે સમાપ્ત કરી દીધું । ઇતિહાસમાં કોઈકે એવું પણ નોંધ્યું છે કે આ જૈત્રસિંહના પુત્ર સાથે નાયકીદેવીએ પોતાની પુત્રીનો વિવાહ પણ કરાવેલો પણ બંનેની સાલવારી જોતાં આ શક્ય જ નથી !

👉 રાજા જૈત્રસિંહ રાવલ જેઓએ ઇસવીસન ૧૨૧૩માં રાજગાદી સંભાળી હતી એમને જયતલ ,જયસલ, જયવંતસિંહ, જીતસિંહના નામથી પણ ઓળખવામાં આવે છે. જેમણે પોતાની તલવારના બળે આસ્સ્પાસના તમામ સમકાલીન શાસકોણે પરાજિત કર્યા હતાં. ઉદયપુર પાસે ચીરવા ગામના એક શિલાલેખ અનુસાર – “જૈત્રસિંહ શત્રુ રાજાઓ માટે પ્રલયમારુતના સદશ હતાં, એમને જોતાં જ કોઈનું પણ હૃદય કાંપી જતું.” માલવાવાળા, ગુજરાતવાળા, મારવાડ નિવાસી અને જંગલદેશવાળા તથા મલેચ્છોના અધિપતિ સુલતાન પણ એમની માનમર્દન ના કરી શક્યાં.તલવારના ધણી જૈત્રસિંહના સમકાલીન ગુજરાત (ધોળકા)ના શાસક રાણા વીરધવલનાં મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાલનાં કૃપાપાત્ર આચાર્ય જયસિંહ સૂરીએ પોતાના નાટક “હ્મ્મીર મદમર્દન”માં વીરધવલ પાસે કહેવડાવ્યું છે કે – શત્રુરાજાઓનાં આયુશ રૂપી પવનનું પાન કરવાં માટે ચાલતી કૃષ્ણ સર્પ જેવી તલવારના અભિમાનને કારણે મેદપાટ (મેવાડ)ના રાજા જયતલે અમારી સાથે મેળ ના રાખ્યો !”. ચીરવાના અને આબુના શિલાલેખો અનુસાર જૈત્રસિંહ દ્વારા કરવામાં આવેલાં યુધ્ધોનું વર્ણન કંઇક આ પ્રકારે છે.

✔ ગુજરાતનો પરાજય અને કોટડા પર અધિકાર :-

👉 ચીરવાના લેખ અનુસાર ઇસવીસન ૧૨૪૨ -૧૨૪૩માં જૈત્રસિંહે ગુજરાતના શાસક ત્રિભુવન પાલને પરાજિત કરીને કોટડા પર પોતાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. ખ્યાલ રહે આ ત્રિભુવનપાલ એ સોલંકીયુગના સુવર્ણકાલનો અંતિમ શાસક હતો. આ જ કારણે કદાચ વાઘેલાયુગનો ઉદય થયો હશે એમ માનવા મન જરૂર પ્રેરાય છે. જેમાં જૈત્રસિંહના નાગદાના તલારાક્ષ યોગરાજના પુત્ર મહેન્દ્રના પુત્ર બાળક જૈત્રસિંહ આગળ લડતાં લડતાં મરાયો. ચલો આ વાત પરથી એક ખબર તો પડી કે જૈત્રસિંહ એ મહેન્દ્રના પુત્ર હતાં. જેમના નામની હું શોધ કરતો હતો તે આખરે મળી ગયું

✔ નાડોલ પર પ્રભુત્વ તથા વૈવાહિક સંબંધ :-

👉 રાવલ સમરસિંહનાં આબુના શિલાલેખ અનુસાર – “જૈત્રસિંહે નાડોલને જડથી ઉખાડીને ફેંકી દીધું !”. નાડોલના ચૌહાણ શાસક કીર્તિપાલે કેટલાંક સમય માટે મેવાડ પર પોતાનો અધિકાર જમાવી દીધો હતો જેનાં પ્રતિકાર સ્વરૂપે જૈત્રસિંહે નાડોલ પર ચઢાઈ કરી અને કીર્તિપાલનાં પુત્ર અને તત્કાલીન નાડોલના શાસક ઉદયસિંહને પરાસ્ત કર્યો. આનાં પરિણામસ્વરૂપ ઉદયસિંહે પોતાની પુત્રી તથા ચાચિંગદેવની પુત્રી રૂપાદેવીનો વિવાહ જૈત્રસિંહ ના પુત્ર તેજસિંહ સાથે કરીને મેવાડ સાથે સાથે પોતાના રાજ્યની પ્રાચીન શત્રુતા પણ સમાપ્ત કરી.

✔ માલવાના પરમાર શાસકોનું માનમર્દન :-

👉 ચીરવાના શિલાલેખ અનુસાર જૈત્રસિંહે નાગદાના તલારાક્ષ યોગ્રજના પુત્ર ક્ષેમસિંહને ચિત્તોડની તલારક્ષતા પરદાન કરી હતી અને એનાં નાના પુત્ર મદનને ઉત્થુણક (અરથુના – બાંસવાડા) જે માલવાના પરમારોને આધીન હતું. માલવાના શાસક જૈત્રમલ જે દેવપાલનો પુત્ર હતો અને જયતુગીદેવનાં નામે જાણીતો હતો તથા જેને પંચગુડલિકની ઉપાધિ પ્રાપ્ત હતી તેની સાથે યુદ્ધ કરીને મેવાડની સેનાબળનું પ્રદર્શન કર્યું. ત્યાર પછી ગુહિલવંશી સામંતસિંહનાં વંશજોએ પરમારોનેપરાસ્ત કરી અરથુના પર કબજો કરીને એને વાગડ રાજ્યમાં મિલાવી દીધું!

✔ જલાલુદ્દીન મંગબરનીની સેનાને પરાસ્ત કરી :-

👉 રાવલ સમરસિંહના આબુના શિલાલેખ અનુસાર – “સિંધુકોની સેના સેનાનું રુધિર પીને મત્ત બનેલી પિશાચનિયોનાં આલિંગનથી મગ્ન પિશાચ રણખેતમાં જૈત્રસિંહના ભુજબળની પ્રશંસા કરે છે.” શિલાલેખથી એ જ્ઞાત થવાય છે કે જૈત્રસિંહે સિંધની સેનાણને નષ્ટ કરી હતી કિન્તુ કઈ સેનાને નષ્ટ કરી હતી એ બાબતમાં તો આપણને ફારસી તવારીખો દ્વારા જ ખબર પડે છે કે આ સેના જલાલુદ્દીન મંગબરનીની હતી જે ખયાસખાનાં નેતૃત્વમાં નહરવાલે (અણહિલવાડ) મોકલી હતી આક્રમણ કરવાં માટે અને બહુ મોટી લૂંટ સાથે મેવાડના રસ્તે પાછી ફરી રહી હતી. શિલાલેખમાં સિંધુકોની સેનાને નષ્ટ કરવાની બાબતમાં પણ લખ્યું છે. અત; સિંધુકોની સેના અણહિલવાડથી પાછાં ફરતી વખતે જૈત્રસિંહની સેનાએ આક્રમણ કર્યું હશે. આ વાતની ઈતિહાસ હજી પુષ્ટિ નથી કરતું. પણ ઇતિહાસમાં ક્યાંક એવું પણ લખાયેલું છે કે વીરધવલની પુત્રી સાથે જૈત્રસિંહના લગ્ન કરવામાં આવ્યાં હતાં જો કે એ વાત સદંતર ખોટી જ છે !

👉 રાવલ જૈત્રસિંહે પોતાનાં જીવનકાળ દરમિયાન દિલ્હીના ૬ સુલતાનોનું શાસન જોયું અને એમાંથી ૨ને તો એમણે પરાસ્ત કર્યા હતાં રાવલ જૈત્રસિંહના સમયમાં ઇસવીસન ૧૨૨૨માં દિલ્હીના સુલતાન ઈલ્તુમીશે નાગદા પર આક્રમણ કર્યું. આ આક્રમણો લગાતાર ૭ વર્ષો સુધી જારી રહ્યાં હતાં એટલે કે ઇસવીસન ૧૨૨૯સુધી અને એણે નાગદાને નષ્ટ કરી દીધું હતું આ નાગદા એ એકલિંગપૂરી અને ઉદેપુરની નજીક છે જે મેવાડની પ્રાચીન રાજધાની પણ હતું ! પણ ઇસવીસન ૧૨૨૭માં રાજા જૈત્રસિંહે આ ઈલ્તુમીશને પડકાર્યો હતો અને એનો જોરદાર મુકાબલો કરી એને પરાસ્ત કર્યો હતો. એ જગ્યાનું નાં ભુતાલા ઘાટી છે એટલે એ યુદ્ધનું નામ ભુતાલા ઘાટીનું યુદ્ધ કહેવાય છે. ભુતાલા ગામ એ વર્તમાન ગિર્વા તહસીલ ઉદયપુરમાં સ્થિત છે. આ યુદ્ધ રાવલ જૈત્રસિંહ અને ઈલ્તુતમીશ વચ્ચે ગોગુન્દા પાસે લડાયું હતું

✔ ભુતાલા ઘાટીમાં સુલતાન શમશુદ્દીન ઈલ્તુમીશનાં દાંત ખાટા કરવાં :-

👉 ચીરવાના લેખ તથા ભડોચ (ગુજરાત)ના જૈન મુનિસુવ્રતનાં મંદિરનાં આચાર્ય જયસિંહસૂરિના ગ્રંથ હમ્મીર મદમર્દનમાં સુલતાન ઈલ્તુમીશ સાથે રાવલ જૈત્રસિંહના ભુતાલા ઘાટીના યુદ્ધના વિષયમાં જાણકારી પ્રાપ્ત થાય છે. આ યુધ્ધના વિષયમાં ડૉ. કૃષ્ણ જુગનુએ પોતાનાં પુસ્તક મેવાડના પ્રારંભી ઇતિહાસમાં રોંગટા ઊભાં કરી દેએવું વર્ણન કર્યું છે. ડૉ. જુગનુ લખે છે કે – ” આ ઇસ્લામી સલ્તનત વિરુદ્ધ મેવાડનો પહેલો સંઘર્ષ હતો …. સુલતાને ગુહિલોનાં સૌથી તાકતવર શાસકને કેદ કરવાની રણનીતિ અપનાવી. આ યોજના પૃથ્વીરાજ ચૌહાણની સામે મહમદ ઘોરીએ અપનાવેલી નીતિથી કોઈપણ રીતે જુદી નહોતી. એણે તત્કાલીન મદારિયા- મિયાંલા, કેલવા અને દેવકુલપાટનના રસ્તે નાંદેશમાના એક નવડધાપિત સૂર્યમંદિરને તોડયું. રસ્તામાં એક જૈન મંદિરને પણ તોડયું. નાંદેશમાના સુર્યાતન મેવાડમાં તુટવાવાળું આ પહેલું મંદિર હતું. તુફાનની જેમ આગળ વધતી સેનાને જૈત્રસિંહે મોતોડ જવાબ આપવાનો પ્રયાસ કર્યો. તલારક્ષ યોગરાજના જ્યેષ્ઠ પુત્ર પમરાજ તાંતેડનાં નેતૃત્વમાં એક મોટી સેના હરાવલમાં રહીને ભુતાલાની ઘાટીમાં યુદ્ધ કર્યું. જો કે બહુ જ વીરતાપૂર્વક લડયો પણ એ જીવતો ના રહી શકયો. એણે જૈત્રસિંહને ઉની આંચ પણ ના આવવા દીધી. માત્ર ગુહિલ જ નહીં પણ ચૌહાણ, ચંદાણા, સોલંકી, પરમાર, આદિ વીરોથી લઈને ચારણો અને આદિવાસી વીરોએ પણ આ સુલતાની સેનાનો જોરદાર મુકાબલો કર્યો. ગોગુન્દાથી નાગદા પહોંચતી આ ઘાટીમાં આ ઘમાસાણ યુદ્ધ થયું હતું. લહેરાતી શમશીરોની લપલપાતી જબાનોએ એકબીજાંના ખૂનનો સ્વાદ ચાખ્યો અને ધરતી બાળપણથી જ સહારો આપીને માં કહેવાય છે એને જવાન ખૂનને પોતાની છાતી પર વહેતું જોયું. એમાં જૈત્રસિંહને શિકંજો કસી ઘેરી લેવામાં આવ્યાં પરંતુ એમના વિશ્વાસુ યોદ્ધાઓએ એમને સલામત રાખ્યાં અને નજીકમાં જ નાગદામાં એક સાધારણ ઘરમાં છુપાવી દીધાં. ત્યારે ઈલ્તુમીશનો ગુસ્સો શાંત રહ્યો નહીં એને નાગદાને ઘેરી લીધું. એક એક ઘરની તલાશી લીધી દરેક ઘર સુમસામ જ હતું. તો એને દરેક ઘરને ફૂંકી મારવાની યોજના બનાવી નાગદાનાં સુંદરતમ એક એક મંદિરોને બુરી રીતે તોડવામાં આવ્યાં. એનાં સૈનિકોએ પોતાની દાઝ દરેક મૂર્તિ અને શિલ્પ પર કાઢી અને એને એવી રીતે તોડી નાંખી કે ફરી કદી એ જોડાઈ જ ના શકે. એમ કહેવાય છે કે નાગદામાં કુલ ૯૯૯ મંદિરો હતાં અરે …. ૯ મંદિરો હોય તો પણ તે ઘણા જ કહેવાય. પણ સુલતાનને કશું હાંસલ ના થઇ શક્યું. ન એ માત્ર હતાશ થયો પરંતુ એ ગુજરાત તરફ આગળ પણ ના વધી શક્યો અને ગુજરાત સુરક્ષિત રહ્યું ! સુલતાન એટલો હાંફી અને થાકી ગયો હતો કે એ શેષ સેના સાથે પાછો દિલ્હી ભેગો થઇ ગયો !

👉 વિડંબણા તો એ છે કે આટલાં મહાન શાસક સંબંધી આપણને ભારતીય ઇતિહાસમાં બિલકુલ જાણકારી પ્રાપ્ત નથી થતી સંભવત: આનુ કારણ એ રહ્યું હશે કે ઈલ્તુમીશની વિફળતાને કારણે ઈલ્તુમીશના દરબારી ઈતિહાસકારોએ આ યુદ્ધનું વર્ણનકરવું મુનાસીબ ના સમજ્યું હોય તથા આ પ્રકારે જૈત્રસિંહના સમકાલીન શાસકો જે એમનાથી પરાસ્ત થયાં હતાં એમને પણ જૈત્રસિંહનો ઉલ્લેખ પોતાનાં શિલાલેખોમાં નહીં કર્યો હોય ! જૈત્રસિંહના સંબંધમાં આપણને નાંદેશમાના ચારભુજા મંદિરની સમીપ સ્થિત સૂર્યમંદિરનાં એક સ્તંભ પરનાં એક શિલાલેખ (ઇસવીસન ૧૨૨૨)નો પ્રપાત થાય છે.તથા બીજો એકલિંગજીના મુખ્ય મંદિરની સામે નદીની પ્રતિમા પાસે એક નાનકડા સ્મારક શિલાલેખ (૧૨૧૩) એ જૈત્રસિંહ સંબંધિત જ છે. આ સિવાય જૈત્રસિંહ સંબંધી આહડમાં રચિત બે જૈન ગ્રંથો જે તાડપત્રો પર નિર્મિત કરવામાં આવેલાં છે તે ગૌરીશંકર ઓઝા અનુસાર ખંભાત નગરનાં શાંતિનાથ મંદિરમાં વિદ્યમાન છે જે સંભવત: ત્યાંથી કોઈ સંગ્રાહલયમાં રાખવામાં આવ્યો હોય. પણ જૈત્રસિંહના યુદ્ધો સંબંધી આપણને કેવળ ચીરવા અને રાવલ સમરસિંહના આબુના શિલાલેખોમાંથી જ જાણકારી પ્રાપ્ત થાય છે.

‘अल्‍त्‍या रे मस मूरताऊं बाथ्‍यां आवै,
जैत नीं पावै तो नागदो हलगावै।’

આ પંક્તિ માત્ર ચિરસ્થાયી શ્રુતિને ભુતાલા ઘાટીનાં સમગ્ર યુદ્ધનું વિવરણ પોતાના અંકમાં સમાવીને રાખ્યું છે

👉 કર્નલ ટોડે ઇસવીસન ૧૨૦૧માં નાગૌર પાસે ઈલ્તુમીશની સેનાને રાજા જૈત્રસિહની સેનાએ પરાભવ આપ્યો હતો એમ કહ્યું છે. જે સરાસર ખોટું જ છે કારણકે ઇસવીસન ૧૨૦૧માં રાજા જૈત્રસિંહ ગાદી પર પણ નહોતાં બિરાજમાન થયાં અને બીજી વાત કે યુદ્ધ ઈસ્વીસન ૧૨૨૨થી ઇસવીસન ૧૨૨૯ સુધી થયું હતું અને ઈલ્તુમીશ ઇસવીસન ૧૨૧૬માં દિહીનો સુલતાન બન્યો હતો. જો કે એ પહેલાં એ સેનાપતિ હોઈ જ શકે છે પણ એવો કોઈ ઉલ્લેખ થયેલો જોવાં મળતો નથી. કારણકે યુદ્ધ જ ઈસ્વીસન ૧૨૨૨માં શરુ થયું હતું.

👉 આ યુધ્ધમાં થોડી અતિશયોક્તિ જરૂર છે પણ એનું હાર્દ સમજવાની કોશિશ કરજો. આમ જ બન્યું હશે એમ તો હું પણ નથી જ માનતો અને ઈતિહાસ પણ આપણને એમ નથી જ માનવા દેતો . આવું કૈક જ બન્યું હશે એમ માનીને ચાલવું જ હિતાવહ ગણાય ! પણ બહુમત પ્રમાણે ચાલીએ તો ઈલ્તુમીશ હાર્યો હતો રાજા જૈત્રસિંહ સામે. કદાચ તો ૧૨૨૯માં જ ! કારણકે એ નાગદા પરનો અંતિમ હુમલો હતો. ઇસવીસન ૧૨૩૪નાં યુદ્ધની વાત તો ખોટી જ ફેલાવેલી છે ઇતિહાસમાં આવું કંઈ નોંધાયું જ નથી . આ તો કોઈએ લખ્યું છે ક્યાંક એનો મેં ખાલી ઉલ્લેખ જ કર્યો છેક્યાંક ક્યાંક આવું પણ લખાયેલું જરૂર જોવાં મળે છે જૈત્રસિંહનાં અંતિમ સમયમાં ઇસવીસન ૧૨૪૮માં દિલ્હીના સુલતાન નસીરુદ્દીન મહેમુદે મેવાડ પર અસફળ આક્રમણ કર્યું હતું પણ ઇતિહાસમાં તે કોઈ જગ્યાએ નોંધાયેલું નથી બની શકે કે ફારસી ઈતિહાસકારોએ એ વાત છુપાવી હોય કારણકે આ તો એમની આબરૂનો સવાલ જો હતો.

👉 રહી વાત બીજાં સુલતાન સાથેના યુદ્ધની તો એ વાત કદાચિત જલાલુદ્દીન મંગબરનીની સેનાને પરાસ્ત કરી એ છે પણ ઈતિહાસ આમાં થોડો પાછો પડયો છે. ભારતીય ઈતિહાસકારો આની સરખી નોંધ નથી લેતાં જ્યારે ફારસી ઈતિહાસકારોની તવારીખ પરથી જ આવું કૈંક બન્યું હતું કે હશે એની માત્ર માહિતી પ્રાપ્ત થાય છે પણ એ જ સાચું છે એવું માનવું ભૂલભરેલું જ છે ! તો પણ બીજું યુદ્ધ એ નાસીરુદ્દીન સાથે થયું જ નથી જેની સાલવારી ક્યાંય પણ ઉપલબ્ધ નથી. નાસીરુદ્દીન તો વધારે સમય કુરાન વાંચવામાં જ ગાળતો હતો એને યુધ્ધો કરવામાં રસ જ નહોતો તો પણ એ ૨૦ વરસ સુધી દિલ્હીનો સુલતાન બની રહ્યો. કઈ રીતે એ તો એ જાણે આપણે એની સાથે શું લેવાદેવા ? પણ આ જે ૧૨૪૮ સાલ રાજા જૈત્રસિંહ રાવલ સાથે સાંકળવામાં આવી છે તો એક વાત જણાવી દઉં કે આ જ સાલમાં કુખ્યાત ચંગેઝખાંનાં પ્રપૌત્રો દ્વારા એટલેકે મોંગોલ આક્રમણ થયું હતું તેમાં સિંધના મુલ્તાનમાંથી તો આ ગુલામવંશી શાસકોના રિશ્તેદારોએ મોંગોલોને પાછાં કાઢ્યાં હતાં પણ ઇસવીસન ૧૧૨૪૯માં તેઓએ લાહોરને લુંટી તહસ નહસ કરી નાખ્યું હતું ગુલામવંશી શાસકો- રિશ્તેદારો કશું જ કરી નહોતાં શક્યાં ! આજ કાલ એ રાજા જૈત્રસિંહનો અંતિમ સમય હતો. જો કે તેમનું અવસાન તો ઇસવીસન ૧૨૫૩માં થયું હતું !

✔ રાજા જૈત્રસિંહ રાવલની સિદ્ધિઓ :-

👉 રાજા જૈત્રસિંહના શાસનમાં મેવાડની ખ્યાતિ ચાંદીના વ્યાપારને લીધે થઇ. ગુજરાતના સમુદ્ર્વર્તી વ્યાપારીઓ સુધી એ ચર્ચા થતી પરંતુ એ સમયમાં આ વ્યાપાર અરબો રૂપિયાનો થતો હતો. આમના જ સમયમાં જ્યોતિષનાં ખગોળ પક્ષના કર્તા મગ દ્વિજોનો પ્રસાર નાંદેશમા સુધી હતો. કહેવાં માટે તો તેઓ સૂર્યમંદિર બનાવતાં હતાં પણ એ મંદિરો વાસ્તવમાં વર્ષફલનાં અધ્યયન અને વાચનનાં કેન્દ્ર હતાં.

👉 ઈલ્તુમીશની આંખમાં આ જૈત્રસિંહ કાંટાની જેમ ચૂભતો હતો કારણકે એ મેવાડના વ્યાપાર પર પોતાનો કબજો જમાવવા માંગતો હતો. જૈત્રસિંહે એનાં દરેક પ્રસ્તાવને ઠુકરાવી દીધો આને લીધે ઈલ્તુમીશે અજમેરની સાથે મેવાડને પણ નિશાના પર લીધું !

👉 ઇસવીસન ૧૨૨૯માં નાગદા પર ઈલ્તુમિશનો અંતિમ હુમલો થયો. ઇસવીસન ૧૨૩૪માં ફરીથી જૈત્રસિંહ અને ઈલ્તુમીશની સેના વચ્ચે યુદ્ધ થયું જેમાં ઈલ્તુમીશનો રીતસરનો પરાજય થયો. ઇસવીસન ૧૨૩૬માં સુલતાન ઈલ્તુમીશનું મૃત્યુ થઇ ગયું અને એમની પુત્રી રઝિયા સુલતાન દિલ્હીના તખ્ત પર બિરાજમાન થઇ. ઇસવીસન ૧૨૫૩માં મહાપ્રતાપી રાજા જૈત્રસિંહનું અવસાન થઇ ગયું.

👉 ડૉ. ઓઝાએ જૈત્રસિંહની પ્રશંસામાં લખ્યું છે કે —- ” દિલ્હીના ગુલામ સુલતાનોના સમયમાં મેવાડનાં રાજાઓમાં સૌથી પ્રતાપી અને બળવાન રાજા જૈત્રસિંહ થયાં. જેમની વીરતાની પ્રશંસા એમનાં વિપક્ષીઓએ પણ કરી છે. ” ડૉ. દશરથ શર્મા જૈત્રસિંહના કાલને ” મધ્યકાલીન મેવાડનો સુવર્ણકાલ” માને છે અને જૈત્રસિંહને “મેવાડની નવશક્તિના સંચારક” કહ્યાં છે.

👉 ઇસવીસન ૧૨૫૩માં રાજા જૈત્રસિંહનાં અવસાન પછી તેમનો પ્રતાપી પુત્ર તેજસિંહ મેવાડની ગાદી પર બેસે છે.

✔ ઉપસંહાર :-

👉 અત્યાર સુધી અમુક માહિતી ઉપલબ્ધ નહોતી થતી એ પણ ક્યાંકથી થઇ છે કે રાજા જૈત્રસિંહના લડાકુ સેનાપતિઓનાં નામ બાલક અને મદન હતાં.બીજી વાત કે એમણે ગુજરાતના બે વંશોના રાજાઓને હારનો સ્વાદ ચખાડયો હતો સોલંકીવંશના ત્રીભુવનપાલને હરાવ્યો અને વાઘેલાવંશનાં રાજા વીરધવલનાં બધાં સંધિ પ્રસ્તાવો ઠુકરાવ્યા હતાં. અત્યાર સુધીની મેવાડની જે હારવાની પરંપરા હતી તેણે સૌ પરથમ ભાંગવાનો શ્રેય રાજા જૈત્રસિંહને જાય છે. રાજા જૈત્રસિંહ એ આ પહેલાંનાં ગુહિલ વંશના રાવલ શાખાના અત્યંત પ્રતાપી રાજા હતાંએમાં કોઈ જ શંકાને સ્થાન નથી . રાજા જૈત્રસિંહે અત્યાર સુધી મેવાડની જે રાજધાની હતી આહડ તેની જગ્યાએ સૌ પ્રથમવાર મેવાડની રાજધાની ચિતોડ બનાવી અને એને રાજધાની તરીકે વિકસાવ્યું અને ચિત્તોડ દુર્ગને પણ વિકસાવ્યો પણ ખરો .જે ચિત્તોડ બપ્પા રાવલે જીત્યું હતું તેણે સૌ પ્રથમવાર મેવાડની શાન બનાવી જૈત્રસિંહે ! જૈત્રસિહ એ ખરેખર મેવાડની શાન છે એમાં કોઈ જ પ્રશ્ન નથી ! એટલે એમ જરૂરથી કહી શકાય કે મેવાડ અને ચિત્તોડ સાથેસાથે ગુહિલવંશનો પણ સિતારો આસમાનને છુવા લાગ્યો અને શ્રેય તો રાજા જૈત્રસિંહણને જ ઘટે છે. સલામ છે આવાં રાજાને એક નહીં હજારો સલામ !

!! જય મેવાડ !!
!! જય એકલિંગજી !!
!! હર હર મહાદેવ !!

~ જનમેજય અધ્વર્યુ

🌻🌺🍁🍀☘🍂🌿🌴🌻🌹

** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.