એકલતા: એક આત્મહત્યા

Loneliness - its kills - Mansi Vaghela - Sarjak.org.jpg

ડિપ્રેશન, એકલતા, ચિંતા, તણાવ આ અને આવા બીજા અનેક કારણોના લીધે સ્યુસાઇડ વધી રહ્યા છે. કોઈ પણ નાના અમથા કારણ માટે થઈને લોકો પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લઇ લે છે. કોઈ પણ સમસ્યા તમારા જીવન કરતા વધારે મુલ્યવાન તો નથી જ. અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે યુવાનો સૌથી વધારે ચિંતા કે તણાવમાં રહેતા હોય છે. હા સાચી વાત છે. યુવાનોને નોકરી, અભ્યાસ, પ્રેમ, ગૃહસ્થ જીવન, અને આવા બીજા ઘણાં જ પ્રશ્નોના લીધે તણાવ રહેતો હોય છે. જેને દુર કરવાનો આપણેપ્રયાસ પણ કરતા હોઈએ છીએ. સ્ત્રીઓ પણ ઘરના, બાળકોના, ગૃહ્સ્થીના કારણે ચિંતા કે તનાવ અનુભવતી હોય છે.

બાળકો, યુવાનો, સ્ત્રી, પુરુષ દરેક વયજૂથના તણાવ માટે યોગ્ય પગલા ભરીએ જ છીએ. પણ વૃદ્ધો માટે ક્યારેય કોઈ ડોક્ટરને બતાવવા નથી જતું. એમની માટે પણ અલગથી માનસિક ચિકિત્સક હોય છે. પરંતુ લોકોને કદાચ એ યોગ્ય નથી લાગતું. અથવા તો ઉમર થઇ ગઈ છે એવું માનીને આપણે તેને અવગણી નાખીએ છીએ.

હવે તમે વિચારતા હશો કે હું આ શેની વાત કરી રહી છું? હા. બાળકો, યુવાનો અને બીજા દરેક વયજૂથની જેમ વૃદ્ધો પણ માનસિક તણાવનો સામનો કરતા હોય છે. ફર્ક બસ એટલો હોય છે કે કોઈ એની સારવાર કરવાનું જરૂરી નથી સમજતું.

કદાચ હજુ પણ તમે સમજી નહિ શક્યા હોવ કે વૃદ્ધોને વળી શું ચિંતા હોય? એમણે તો જીવન પૂરું કરી નાખ્યું છે. ના એમને કોઈ નોકરીની ચિંતા કે ના તો ગૃહસ્થીની ચિંતા. એમને તો માત્ર ઘરે આરામ કરવાનો છે. અથવા પોતાના પૌત્ર કે પૌત્રી સાથે સમય વીતાવાનો છે.

પરંતુ આ બધી વાતો હવે જૂની થઈ રહી છે. અત્યારના ભાગદોડ ભર્યા જીવનમાં આ શક્ય નથી રહ્યું. જેમ જેમ સમય વધતો જઈ રહ્યો છે લોકો મોર્ડન લાઇફસ્ટાઇલ તરફ આગળ વધતા જઈ રહ્યા છે. લોકો એટલી હદે મોર્ડન બની ગયા છે કે પોતાને જન્મ આપનાર માતાપિતાને પણ ભૂલી રહ્યા છે. બાળકો આજકાલના વ્યસ્ત જીવનમાં પોતાના જ માતા પિતાને સમય આપવાનું ચુકી જતા હોય છે.

મારા જ એક ડોક્ટર મિત્ર નો કિસ્સો હું અહી લખી રહી છું.

ડોક્ટર સંકેત અમદાવાદના જાણીતા મનોચિકિત્સક હતા. વિદેશમાં પણ એમની ખ્યાતી ફેલાયેલી હતી. એમના એક વિદેશના મિત્ર પ્રણવ ભાટિયાનો એમના પર એક દિવસ ફોન આવ્યો.

પ્રણવ : કેમ છો ડોક્ટર સંકેત? ઘરે બધા મજામાં તો છે ને?

ડૉ સંકેત : બસ બધા જ મજામાં. તમેં જણાવો કેવો ચાલે છે લંડનમાં તમારો બિઝનેસ?

પ્રણવ : હા. બધું બરાબર જ છે અહી તો. પણ ઘરે કઈ ઠીક નથી ચાલી રહ્યું.

ડૉ સંકેત : કેમ? શુ થયું? ઘરમાં કોઇ બીમાર છે ?

પ્રણવ : ના ના. એટલે અહી તો બધું ઠીક જ છે. પરંતુ મારી બા …

ડૉ સંકેત : શું થયું બા ને? પ્રણવ તું મારો નાનપણનો મિત્ર છે. જે પણ હોય તું મને સંકોચ વગર કહી શકે છે .

પ્રણવ : અરે શું કહું હું તને સંકેત. તું તો જાણે જ છે હું વર્ષોથી અહી લંડનમાં જ સ્થાયી થયો છું. બા બાપુજીને મળવા ઇન્ડિયા આવતો જતો રહેતો.. મારો બિઝનેસ અહીં ખૂબ ફેલાયેલો છે. એટલે હું બધું છોડીને એક રજા પણ લઈ શકું તેમ નથી.

બાપુજી હતા એટલે મારી ત્યાં ગેરહાજરી હોય તો ચાલે. હજુ પણ પ્રસંગોપાત્ત ત્યાં આવું જ છું. અત્યાર સુધી બધું ઠીક હતું. પણ બાપુજીના ગુજરી ગયા પછી બા એકદમ એકલી પડી ગઈ છે. મેં એમને ઘણું સમજાવ્યું કે તમે અહી લંડન આવી જાઓ. પણ એ માનવા તૈયાર નથી. જયારે પણ ફોન કરું ત્યારે મને પરિવાર સાથે ઇન્ડિયા આવાનો આગ્રહ કરે છે.

અહી મારે કામ ખૂટતું જ નથી. ક્યારેક રજા લઈને ઇન્ડિયા જવા માટે ફેમીલીને મનાવવાની કોશિશ કરું છું. પણ બધા જ પ્રયત્નો વ્યર્થ. બાળકોનો જન્મ અહીં લંડનમાં જ થયો. તેથી તેઓ અહીની જ સંસ્કૃતિના રંગે રંગાયા છે. મારી પત્નીનું પણ કઈક એવું જ છે. હવે એને ઇન્ડિયામાં માફક નથી આવતું. એમાં ક્યાંકને કયાંક ભૂલ મારી પણ છે જ. મારે મારા બાળકોને મારા દેશની સંસ્કૃતિ સમજાવવી અને બતાવવી જોઈતી હતી. મારે વેકેશનમાં બાળકોને એમના દાદા દાદી જોડે મોકલવા જોઈતા હતા.. નહીં કે કોઈક સમર કેમ્પમાં. અત્યારે હું બહુ મોટા ધર્મસંકટમાં ફસાયો છું. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ?

ડૉ સંકેત : તો તું બાને તારી સાથે કેમ નથી લઇ જતો? તું થોડો આગ્રહ કરીશ તો એ ત્યાં જરૂર આવી જશે.

પ્રણવ : મેં એ વિશે ઘણી દલીલો કરી. ઘણી બધી માથાકુટોના અંતે બા અહી આવ્યા હતાં. પણ તેમને અહી ના ફાવ્યું. બાળકો આખો દિવસ એમના અભ્યાસમાં વ્યસ્ત હોય અને ઘરે આવ્યા પછી પણ તેઓ એમના રૂમ અથવા મિત્રો સાથે વ્યસ્ત રહેતા. મારી પત્ની પણ એની ઓફીસના કામમાં વ્યસ્ત રહેતી. હું પણ બાને માત્ર રાતે થોડો સમય આપી શકતો. એ પછી બા અહી ક્યારેય ના આવ્યા. મેં એમને ઘણું સમજાવ્યા. પણ બાનું એવું કહેવું છે કે એ ઘરમાં બાપુજીની યાદો છે. ત્યાં જ મારો જન્મ થયો, ત્યાં જ એમણે જીવનની સૌથી સુંદર પળો માણી છે. જેને છોડીને એ ક્યારેય નહિ આવે.

બાની તબિયત થોડા સમયથી ખુબ ખરાબ છે. મેં એક નર્સ અને ડોક્ટર તેના માટે રાખ્યા છે. ઘરમાં નોકર ચાકરની પણ કોઈ કમી નથી. એ છતાં પણ એમની તબિયતમાં કોઈ સુધાર નથી આવ્યો. મને અહીં સતત એમની ચિંતા થયાં કરે છે.

ડોકટરનું કહેવું છે કે બાની હાલતમાં કોઈ સુધાર નથી આવી રહ્યો. બા જાતે જ દવા નથી લઇ રહ્યા. મેં એ બાબતે પણ બાને સમજાવ્યા હતા. પણ એ બધું જ વ્યર્થ છે. એટલે મેં તને ફોન કર્યો છે. તું પ્લીસ એકવાર બાને મળી આવને. તો મારી ચિંતા દુર થાય.

ડૉ સંકેત : અરે એ તો કઈ કેહવાની વાત છે. હું આજે જ એમની મુલાકાત લઈને આવું. અને પછી તને વિગતે જાણ કરું. તું જરાય ચિંતા કરતો નહીં. એ તારા એકલાના જ નહીં મારા પણ બા છે.

પ્રણવ : ખુબ ખુબ આભાર તારો.

ડોક્ટર સંકેતએ જ દિવસે તેમના મિત્ર પ્રણવના ઘરે જાય છે. ત્યાં જઈને એ જોવે છે કે ત્યાં બાની સેવામાં નોકર, ડોક્ટર, નર્સ દરેક વ્યક્તિ હાજર છે. પણ બાના રૂમમાં જઈને તેઓ પોતાનું કામ કરીને બહાર નીકળી જાય છે. ડો સંકેત બાના રૂમમાં પ્રવેશ કરે છે. બા સુતા હોય છે.

“કેવી છે તમારી તબિયત બા? ઠીક તો છો ને તમે?”
બા ધીમે ધીમે આંખો ખોલીને ડો સંકેત સામે જોવે છે અને ઓળખી ના શક્યા હોય તેમ જોયા જ રાખે છે.

ડો સંકેત તેમની પાસે બેસીને કહે છે, “બા મને ના ઓળખ્યો? હું સંકેત છું. પ્રણવનો બાળપણનો મિત્ર.”

બા એકદમ જ હસીને બેઠા થતા બોલે છે, “સંકેત.. હા તું કઇ રીતે ભુલાઈ જાય બેટા. મોટો ડોક્ટર થઈ ગયો છે હવે તો તું. એટલે બા ને તો તું ભૂલી જ ગયો.”

ડો સંકેત બા સાથે ઘણીવાર સુધી વાતો કરે છે.
મનોચિકિત્સક હોવાને કારણે એ બાની એકલતાને જાણી ગયો. એણે બાને સમજાવાની કોશિશ કરી. પણ બા એકના બે ના થયા.

ડો સંકેત છેવટે હાર માનીને ઘરે આવે છે. અને તેઓ તેમના મિત્ર પ્રણવને ફોન કરે છે.

ડો સંકેત : હેલો પ્રણવ.

પ્રણવ : ડો સંકેત શુ કહ્યું બા એ? તમે મળ્યા બા ને? કેમ છે એમની તબિયત?

ડો સંકેત : હા પ્રણવ. હું મળ્યો બાને. તબિયત તો એમની સારી નથી જ. મેં એમને ઘણા મનાવ્યાં પણ એમણે લંડન આવવાની ચોખ્ખી ના કહી દીધી. મેં તો એમને મારા ઘરે આવવા માટે પણ ઘણું મનાવ્યાં. પણ તેઓ એ ઘર છોડીને ક્યાંય જવા માંગતા નથી.

પ્રણવ : (નિઃશાસો નાખીને) મને ખબર જ હતી કે બા નહીં જ માને. પણ હવે શું કરવું ?

ડો સંકેત : જો પ્રણવ તુ મારો મિત્ર છે એટલે હું તને ખોટું કહેવા નથી માંગતો. પણ જો બા આમ જ દવા નહીં પીવે તો મને નથી લાગતું કે તેઓ વધારે સમય કાઢી શકે. મારી સલાહ માન તો તારે થોડો સમય કાઢીને ઇન્ડિયા આવી જવું જોઈએ. જેથી બાને પણ સારું લાગે. કદાચ એનાથી એમની તબિયત પણ સુધરી શકે છે. અને કદાચ તબિયત ના સુધરે તો પણ તું એમની સાથે હોઈશ તો એમનું હસતાં ચેહરાએ મરણ થશે. જતા જતા દીકરા અને પરિવારને સાથે જોશે તો ખુશ થાશે.

પ્રણવ : હા. મારી પણ એ જ ઈચ્છા છે કે થોડો સમય ઇન્ડિયા આવી જાઉં. બને એટલી જલ્દી હું ત્યાં આવવાની કોશિશ કરું છું.

ડો સંકેતને ખુશી થાય છે. તેઓ વિચારે છે કે કદાચ પ્રણવના આવવાથી બાની તબિયત સુધરી જશે. પણ એમની ધારણા ખોટી ઠરે છે. પ્રણવ ઇન્ડિયા નથી આવતો. તે કામમાં એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે પોતાની માને એક ફોન પણ નથી કરતો. ના તો એ જવાબદારીમાંથી ભાગી શકે છે અને ના તો ઘરના કોઈ સાથે વાત કરી શકે છે.

બાનું શરીર ધીરે ધીરે કમજોર થવા લાગે છે. ડોક્ટર નર્સ અને નોકરો તેમને ખૂબ સમજાવે છે. પણ તેઓ દવા નથી જ લેતા.

અને થોડા દિવસ પછી પ્રણવ પર નોકરનો ફોન આવે છે કે હવે બા નથી રહ્યા…

**************************************

આ દુનિયાની કોઈ પહેલી કે છેલ્લી એવી ઘટના નથી. આવા કેસ દુનિયામાં અઢળક મળશે. પણ જેનો કોઈ જ ઉકેલ નથી.

શુ પ્રણવના બા કોઈ બીમારીથી મરણ પામ્યા હતા? કે પછી એકલતાથી?

જાણીજોઈને દવા ના પીને તેમને એક તરફથી જોવા જઈએ તો આત્મહત્યા જ કરી કહેવાય ને?

પણ લોકો એમ માની લેશે કે ઉંમર થઈ ગઈ હતી સારું થયું બિચારા છૂટ્યા…

પ્રણવ અને તેની પત્ની પાસે બાની ખબર કાઢવા જેટલો સમય નહોતો. પણ બાના મરણ પછી તે એક અઠવાડિયા કે મહિના સુધી ઇન્ડિયામાં રોકાયા. બહું બધી જગ્યાએ બાના નામથી દાન કર્યું. ભજન રાખ્યું. આખા સમાજને જમાડ્યો. બાનું બેસણું કર્યું. છાપામાં આપ્યું. અઢળક ખર્ચો કર્યો.

કેમ?? સમાજને બતાવા માટે કે તે કેટલા આજ્ઞાકારી દીકરો કે વહુ છે? અને એ ઘર જેમાં બા અને બાપુજીની યાદો હતી એને વેચીને હંમેશા માટે જતા રહ્યા.

પોતાના પૌત્ર કે પૌત્રી સાથે પોતાનું ઘડપણ ગુજારવાનું સપનું દરેક દાદા દાદીનું ના હોય? તો એમાં એ શું ખોટું કરી રહ્યા છે? માતાપિતાએ તો સામેથી એમના બાળકોને તેમના દાદા દાદી જોડે રાખવા જોઈએ. બાળકો તેમના દાદા દાદી પાસેથી જ વારસો અને સંસ્કૃતિ મેળવવાના છે.

ભાગદોડ ભરેલા આ જીવનમાં ક્યાં માતાપિતા રાત્રે એમના બાળકોને પૂછે છે કે તે આજે આખો દિવસ શુ કર્યું? અને શુ બાળકો ફોન અને ટીવીમાંથી બહાર આવીને ક્યારેય માતા પિતાને પોતાની તકલીફો કહેવાના છે?

ઘરમાં વડીલ એક જવાબદારી કે બોજ નથી. તે તેમના બાળકોના શ્રેષ્ઠ મિત્ર છે. નાના બાળકો એમના ઘડપણનો આશરો છે. કદાચ બની શકે કે વડીલો બાળકોથી દુર રહેતા હોય એટલે રોજ એમની સાથે ના રાખી શકાય. પણ માતા પિતાએ વેકેશનમાં તો બાળકોને તેમના દાદા દાદી સાથે રાખવા જ જોઈએ. નહીં કે કોઈ સમર કેમ્પ કે વોટરપાર્કમાં મોકલવા જોઈએ.

જે જગ્યાએ આજે તમારા માતા પિતા છે, કાલે એ જગ્યાએ તમે પોતે પણ તો હશો જ ને? તો શું તમે એવા ઘડપણનો સામનો કરી શકશો કે જેમાં તમે તમારા પૌત્ર કે પૌત્રી સાથે રમી ના શકો?

લેખક : માનસી વાઘેલા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.