Gazal Gujarati

મનમાં ને મનમાં કલ્પના

મનમાં ને મનમાં કલ્પના થઈ ગઈ પછી.
આબોહવા યે ખુશનુમા થઈ ગઈ પછી.

અધિકાર અંગે ના વિચાર્યું સ્હેજ પણ,
સહેલાઈથી ફરજો અદા થઈ ગઈ પછી.

એકાંતમાં કે ભીડમાં જઈ શું કરું?
ખુદને મળું એવી જગા થઈ ગઈ પછી.

બીજા દિલાસાની જરૂરત ના રહી,
કાગળ ઉપર અંકિત વ્યથા થઈ ગઈ પછી.

સંગાથનાં પ્રશ્નો ઉકેલાઈ ગયા,
આ શબ્દ સાથે મિત્રતા થઈ ગઈ પછી.

મારગ ખરો જડશે કે નહિ નો ડર નથી,
હૈયાવગી આ સુરતા થઈ ગઈ પછી.

ઝળહળ હતા એ આયના પણ ગૌણ થ્યા,
મારાથી મારી સરભરા થઈ ગઈ પછી.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.