Bappa Rawal ( 713 – 810 )

શાસનકાળ – ૭૩૪ થી ૭૫૩ (અંદાજીત)
લોક વાયકા મુજબ આયુષ્ય – ૯૭ વર્ષનું
પિતાનું નામ – મહેન્દ્રસિંહ દ્રિતીય
પુત્ર – ખુમાણ સિંહ પ્રથમ


બપ્પા રાવલ મેવાડ રાજવંશના સંસ્થાપક છે, જેમના વંશમાં આવનાર ભવિષ્યમાં રાણા કુંભા, રાણા સાંગા અને મહારાણા પ્રતાપ જેવા મહાન, તેજસ્વી અને પ્રતાપી રજાઓ પણ થઇ ગયા. બપ્પા શબ્દ વાસ્તવમાં વ્યક્તિવાચક અથવા નામ વાચક શબ્દ નથી, બપ્પા એ સમ્માન વાચક શબ્દ છે. કારણ કે બપ્પા રાવલનું બાળપણનું નામ રાજકુમાર કાલભોજ હતું. પણ બપ્પા (બાપા) શબ્દનો ઉલ્લેખ એમના સમ્માન અને બહાદુરીના કારણે પ્રસિદ્ધ થયું, જેમ મહાત્મા ગાંધીને બાપુ શબ્દના માધ્યમથી નવાજવામાં આવે છે. એ જ પ્રકારે મેવાડના રજાઓ માટે ત્યારે બપ્પા (બાપા) શબ્દ ચલણમાં હતો. બપ્પા રાવલ(કાલભોજ)ના લોક સંરક્ષણ, રાજ્ય રક્ષણ તેમજ ઉત્તમ શાસક તરીકેની બહુમુખી પ્રતિભાના આધારે એમના નામ સાથે માનવાચક શબ્દ બાપાની પ્રયુક્તિ માની લેવામાં કોઈ ઐતિહાસિક અસંગતિ લાગી શકે એમ નથી. મહારાણા કુંભાના સમયમાં રચાયેલ એકલિંગ મહાત્મ્ય નામના પ્રાચીન ગ્રંથમાં ભૂતકાળના આધાર લઈને બાપા રાવલનો સમય સંવત ૮૧૦ (વર્ષ ૭૧૦) દર્શાવેલ છે. જ્યારે એક અન્ય એકલિંગ મહાત્માયના આધારે આ સમય બપ્પાના રાજ્યવીલાસ ત્યાગનો સમય છે. જો આ બધા જ આધારોને સત્ય માની લેવામાં આવે તો અને બપ્પા રાવલના શાસનકાળને ૨૦ અથવા ૩૦ વર્ષનો માનવામાં આવે છે, તો એમના સત્તાપર આવવાનો સમય ૭૨૩થી અથવા ૭૩૩થી માની શકાય. એમના પહેલા પણ મેવાડી સામ્રાજ્યમાં અનેક પ્રતાપી રજાઓ હતા, તેમ છતાં એમનું વ્યક્તિવ ઇતિહાસમાં સૌથી વિશેષ માનવામાં આવે છે. કારણ કે બપ્પા રાવલના સત્તા પર આવવા સુધી ચિત્તોડગઢ જેવો મજબુત દુર્ગ મોરી વંશના આધિપત્યમાં જ હતો. પરંપરાઓ, લોકવાયકાઓ અને સંદર્ભોના આધારે એવું પણ માનવામાં આવે છે, કે હારિત ઋષિની કૃપાથી બપ્પા રાવલે માનમોરીને પરાજિત કરીને ચિત્તોડગઢ પર પોતાનું આધિપત્ય કાયમ કર્યું હતું. કર્નલ જેમ્સ ટોડ કે જે ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા નીમાયેલા અધિકારી તથા ભારતવિદ હતા, એમને મળેલા વિક્રમસંવત ૭૭૦ એટલે કે ઈસ્વીસન ૭૧૩નો એક શિલાલેખ મળ્યો હતો. જેના દ્વારા એ પણ સાબિત થઇ શક્યું, કે બપ્પા રાવલ અને માનમોરીના શાસનકાળમાં વિશેષ અંતર નથી.

બપ્પા રાવલ પોતે એક આધ્યાત્મિક, શાંત અને ન્યાય પ્રિય શાસક હતા. મેવાડને ક્યારેય એમણે પોતાના રાજ્ય તરીકે સ્વીકાર્યું જ નહી, તેઓ પોતાને માત્ર શિવજીના સ્વરૂપ એકલિંગજીનો પ્રતિનિધિ જ માનતા હતા. એમના માટે મેવાડના વાસ્તવિક શાસક તો એકલિંગજી હતા. ૨૦ વર્ષ પછી રાજ્યભાર દીકરાને સોંપી એમણે શિવ આરાધનામાં જ પોતાને સમર્પિત કરી દીધા. એમણે વારંવાર આરબોને આપેલી હાર એટલી હદે ભયંકર હતી કે કાસીમને સિંધ સુધી ખદેડયા પછી ૪૦૦ વર્ષ સુધી આરબો આ તરફ શૈન્ય સાથે આક્રમણ માટે આવી જ ન શક્યા. જો કે મોહમદ ગજનવીએ બહુ સમય બાદ ભારત પર આક્રમણ કર્યા. જેમાં એણે હારનો રસાસ્વાદ જ કર્યો હતો.

હાલના પાકિસ્તાનમાં રહેલ રાવલપિંડી આસપાસનો વિસ્તાર ત્યારે ગજની પ્રદેશ તરીકે ઓળખાતો હતો. પણ, બપ્પા રાવલના સલીમ વિજય પછી ત્યાં મેવાડી પરચમ લહેરાવા લાગ્યો હતો. ત્યારે કરાચીનું નામ પણ બ્રાહ્મણાવાદ હતું. ઇતિહાસકારોના આ અંગે ઘણા અલગ મત છે. જેમાં મુખ્ય છે કે ગજની પ્રદેશમાં રહીને આરબોની હિલચાલ પર મેવાડી શૈન્ય નજર રાખતું હતું. આ નજર અને મેવાડ સામ્રાજ્યની સીમાઓ મજબૂત રહે એ હેતુથી જ એમણે ત્યાંના પ્રદેશને શૈન્ય છાવણી તરીકે પ્રસ્થાપિત કરી નાખ્યો હતો. બપ્પા રાવલની વીરતા જોઈને ગજનીના સુલતાને પણ પોતાની પુત્રી બપ્પા રાવલ સાથે પરણાવી દીધી હતી. અબુલ ફજલે તો મેવાડ સામ્રાજ્યને બપ્પા રાવલના નેતૃત્વમાં નૌશેરવા તરીકેની ઉપાધિ આપી હતી. મેવાડમાં એમને લોકો બપ્પા રાવલ તેમજ અન્ય સામ્રાજ્યમાં એમને બાપા નામની ઉપાધિ સાથે ઓળખાવતા હતા.

અંગ્રેજ ઇતિહાસકાર કર્નલ જેમ્સ ટોડના મત મુજબ ગોહિલ વંશના રાજા નાગાદિત્યની હત્યા પછી એમની પત્ની ૩ વર્ષના પુત્ર (બપ્પા રાવલ/કાલભોજ)ને લઈને બડનાગરા એટલે કે નાગર જાતિના કામલાવતી વંશના લોકો પાસે આવી ગયા. આ નાગર જાતિના લોકો ગુહિલ વંશના કુલ રાજ પુરોહિત હતા. પણ ભિલોના ડરથી કમલાના વંશધાર બ્રાહ્મણો બપ્પા રાવલને લઈને ભાંડેર આવી ગયા. ત્યાં જ એમનું બાળપણ વીત્યું, જ્યા બાળપણમાં બપ્પા રાવલ ગાયો ચરાવતા હતા. ત્યારબાદ બપ્પા રાવલ નાગદા આવી ગયા, જ્યાં તેઓ બ્રાહ્મણોની ગાયોને ચરાવવા લાગ્યા હતા.

બપ્પાના જન્મ સમયની ઘણી રહસ્યમયી વાતો લોકકથાઓમાં પ્રચલિત છે. બપ્પા જે ગાયોને ચરાવવા જતા, એમાંથી જ એક ગાય સૌથી વધુ દૂધ આપતી હતી. પણ તેમ છતાંય સાંજે જંગલમાંથી જ્યારે એ ગાય પાછી ફરતી ત્યારે એના થાનોમાં દૂધ રહેતું જ નહીં. આ દૂધના રહસ્યને શોધવા માટે તેઓ જંગલમાં આગળના દિવસે ગાયના પાછળ પાછળ જ નીકળી ગયા. ગાય છેક નિર્જન આશ્રમ જેવા સ્થાને પહોંચી અને હારીત ઋષિના સ્થાનક પર સ્થાપિત શિવલિંગના અભિષેક માટે દૂધની ધાર વહાવવા લાગી. આ બધું જોયા પછી બપ્પા રાવલ ભક્તિ અને આધ્યાત્મમાં ઘરકાવ થઈ ગયા. બપ્પા રાવલ હારીત ઋષિની સેવામાં જ લાગી ગયા. અને એવું માનવામાં આવે છે કે આ જ હારીત ઋષિના આશીર્વાદ અને માર્ગદર્શન દ્વારા બપ્પા રાવલ મેવાડી સામ્રાજ્યના રાજા બન્યા.

મેવાડ રાજ્યના સંસ્થાપક અને વીર યોદ્ધા બપ્પા રાવલની બહાદુરી અને મહાનતાનો અંદાઝ તો એના પરથી જ લગાવી શકાય છે, કે આજે પણ પાકિસ્તાનનું મુખ્ય શહેર રાવલપિંડીનું નામ એમના જ નામ પરથી રાખવામાં આવ્યું છે. સિંધના શાસકો તેમજ આરબો સામે સતત રક્ષણાત્મક યુદ્ધો કરવા તેમજ એમને દરેક વખતે કારરી હાર આપવામાં બપ્પા રાવલનું નામ ઇતિહાસમાં છવાયેલું છે. આ રાવલપિંડી બપ્પા રાવલે સિંધમાં કાસીમને ખદેડયા પછી, ત્યારના સમયના ગાજી એટલે કે સલીમના રાજ્ય પર આધિપત્ય મેળવ્યું એ સમયે શૈન્ય ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. ગાજી પ્રદેશમાં જીત પછી એમણે પોતાના પ્રતિનિધીને ગાદી આપીને ચિત્તોડ વાપસી કરી હતી. જો કે એ પહેલાં અહીંથી જ એમણે આસપાસના દરેક પ્રદેશો પર પણ પોતાના સામ્રાજ્યનો વિજય પરચમ લહેરાવી દીધો હતો. આ કેન્દ્ર મુખ્યાલયના કારણે જ વિદેશી આક્રમણકારીઓ પર સક્ષમ નિયંત્રણ રાખી શકાયું હતું. કારણ કે બપ્પા રાવલ એવું માનતા હતા કે વિદેશી આક્રમણ કારીઓ સાથેના યુદ્ધ મેવાડ અને દેશની ભૂમીથી બહાર જ કરવામાં આવે. બપ્પા રાવલ એકમાત્ર એવા શરૂઆતી રાજપૂત યોદ્ધા હતા જેમણે આરબોને એમની જ ભૂમિ પર જઈને ખદેડી નાખ્યા હતા. ઇતિહાસના દરેક અનુભવી રાવલપિંડી પાછળ બપ્પા રાવલના શૌર્યવીર ઇતિહાસને નિર્વિવાદ પણે સ્વીકારે છે.

ચિત્તોડગઢની રચનાત્મક પ્રણાલી પણ એટલી રહસ્યમયી છે, કે એના પર જીત મેળવવી કોઈ પણ શૈન્ય માટે સરળ કામ ન હતું. છતાં બપ્પા રાવલે એ સમયે માનમોરીને હરાવી પોતાનું શાસન જમાવ્યું. જો કે બપ્પા રાવલની પ્રસિદ્ધિ પાછળનું મુખ્ય કારણ એમની આરબો સામેની સફળ યુદ્ધ કરવાની અનોખી તરકીબ મહત્વપૂર્ણ હતી. જ્યારે આરબ દેશોએ ચારે તરફથી મેવાડ સામ્રાજ્ય પર આક્રમણો શરુ કરી દીધા હતા. વિદેશી આરબોએ સતત ચાવડો, મૌર્યો, સૈનધવો તેમજ કચ્છેલ્લોને હરાવ્યા. દુશ્મનોનું વિજયરથ પોતાની શેના સાથે મારવાડ, માળવા, મેવાડ, ગુજરાત જેવા દરેક ભુમીભાગો પર છવાઈ ચુક્યું હતું. આવા કળાગ્ની સામે રક્ષણ કરવા જ રાજસ્થાન ને કેટલાક મહાન શાસકો મળ્યા. આ શાસકોમાં સૌથી મુખ્ય ગુર્જર પ્રતિહાર સમ્રાટ નાગભટ પ્રથમ અને બપ્પા રાવલનું નામ ઉલ્લેખનીય માનવામાં આવે છે. નાગભટ પ્રથમે આરબી શાસકોને પશ્ચિમ રાજસ્થાન અને માળવામાંથી ઉખાડી ફેંક્યા, જ્યારે આ જ કાર્ય બપ્પા રાવલે મેવાડ અને એના આસપાસના દરેક રાજ્યો માટે કર્યું. વર્ષ ૭૧૨માં એમણે હિન્દુસ્તાન મેળવવાની લાલસા સાથે ચડાઈ કરીને આવેલા મુહમદ કાસીમ પાસેથી એનું સિંધ સામ્રાજ્ય પણ જીતી લીધું. કદાચ મોરી સામ્રાજ્ય પણ આ આરબ આક્રમણો સામે જ લડીને જર્જરિત થઇ ચુક્યું હતું. આવા સમયે બપ્પા રાવલે એ કાર્ય કર્યું જે કરવામાં મોરી વંશના રજાઓ અસમર્થ રહ્યા હતા, આ જ સમયે ચિત્તોડગઢ પર પણ બપ્પા રાવલે પોતાની વિજય પરચમ લહેરાવી દીધી. એવું કહેવાય છે કે બપ્પા રાવલ દ્વારા થયેલા મુસ્લિમ દેશો પરના વિજય અને આધિપત્ય અંગેની આરબોની પરાજય અંગેની અનેક દંતકથાઓ બપ્પા રાવલના સમયની સત્ય ઘટનાઓમાંથી જ ઉદભવી છે.

બપ્પા રાવલના શાસનકાળમાં પોતાના રાજ્યમાં વિશેષ પ્રકારની છાપ ધરાવતા સિક્કા પણ શરુ કર્યા હતા. આ સિક્કાઓમાં સામેની બાજુ અને ઉપરની દિશામાં માળા છે, તેમ જ નીચેના ભાગમાં બોપ્પ લેખ છપાયેલ છે. ડાભી બાજુ ત્રિશુલ અને જમણી બાજુ યજ્ઞવેદી પર શિવલિંગ દર્શાવેલું છે. જેની જમણી બાજુ નંદી છે, એનું મુખ શિવલિંગ તરફ છે. શિવલિંગ અને નંદીના આકારો વચ્ચે પ્રણામ કરતા એક પુરુષની છાપ છે. પાછળની બાજુ સૂર્ય અને છત્રનું ચિહ્ન પણ છે. આ બધાની નીચે જમણી બાજુ મો કરીને ગાય દર્શાવેલી છે, એની નજીક જ દૂધ પીતું વાછરડું છે. આ બધા ચિહ્નો બપ્પા રાવલની શિવભક્તિ અને એમના જીવનની કેટલીક ઘટનાઓ સાથે સબંધ છે.

બપ્પા રાવલના નામ પર પાણીપતના શહેર હરિયાણામાં એક ચોક છે, જેનું નામ ગુર્જર સમ્રાટ બપ્પા રાવલ ચોક છે. બપ્પા રાવલના જ વર્તમાન સમયના વંશજોનું ગામ બાપોલી પણ છે, જ્યાં રાવલ ગોત્રના ગુર્જરો નિવાસ કરે છે. બાપોલી ગામ હરિયાણાના પાનીપત જીલ્લામાં આવેલું છે.

સિંધના ક્રૂર શાસક મોહમ્મદ કાસીમ સાથે યુદ્ધ

એક એવી લોકગાથા અને કથા ગ્રંથોમાં દર્શાવાયેલી છે, કે જ્યારે ભારત પર બહારી આક્રમણકારીઓ દ્વારા આક્રમણો થતા હતા. અરબ અને ઈરાન તરફથી કેટલાય શાસકો વારંવાર હિન્દુસ્તાન પર આક્રમણ કરી રહ્યા હતા. બહારી મુઘલો સતત ભારતને લુંટીને પોતાનું આધિપત્ય જમાવી રહ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન મોહમ્મદ બિન કાસીમ પણ ભારત તરફ આવ્યો. ઈતિહાસ એવું દર્શાવે છે કે આ યુવા શાસકે સિંધના રાજા દાહિરને પોતાના આક્રમણ દ્વારા મસળી નાખ્યો.

જ્યારે આ જ કાસીમ સિંધ જીત્યા પછી ભારત તરફ આગળ વધ્યો ત્યારે ભલ-ભલા રાજાઓની સ્થિતિ કથળી બની ચુકી હતી. કાસીમ એ ક્રૂર અને વિકૃત માનસિકતા વાળો મજબુત શાસક હતો. એણે ભારતમાં હિંદુ સ્ત્રીઓની ઈજ્જત લુંટવા અને બાળકોના કત્લેઆમ કરવાનું શરૂ કરી દીધું. બહારી મુઘલ શાસકોના આ અત્યાચારો સહન કરવા છતાં પણ એવા સમયે કોઈ રાજાઓ એમની સામે ટક્કર લઇ શકવા સક્ષમ ન હતો. જ્યારે આ ક્રૂર શાસકની વાત એકલિંગજીના ભક્ત બપ્પા રાવલના કાને આવી ત્યારે બપ્પા રાવલનું દિલ ભારતની આ સ્થિતિ જોતા કંપી ઉઠ્યું હતું. અંતે એમણે સ્વયં જ કાસીમ સાથે બાથ ભીડવાનું નક્કી કર્યું અને કાસીમને એવો વળતો જવાબ આપ્યો કે વર્ષો સુધી અન્ય કોઈ બહારી આક્રમણકારી ભારત તરફ આંખ ઉંચી કરીને જોવાની પણ હિમત એકઠી ન કરી શકયા.

બપ્પા રાવલે કાસીમને હરાવવા પોતાની ફોજ તૈયાર કરી અને મદદ માટે અજમેર અને જૈસલમેર જેવા નાના રાજ્યોની મદદ લઈને મજબુત શૈન્યબળ ઉભું કર્યું. આ શૈન્ય સાથે કાસીમ સાથે યુદ્ધ છેડાઈ ગયું. આ યુદ્ધમાં મહમ્મદ બિન કાસીમ હારી ગયો. આ હારથી બચીને નાસી જતા કાસીમને મારતા મારતા બપ્પા રાવલ સિંધ સુધી ખસેડી ગયા હતા. કાસીમ જેવા ક્રૂર અને મજબુત શાસકની આ હાર જોઇને વિદેશી આક્રમણ કારીઓ બપ્પા રાવલના મેવાડ સામ્રાજ્ય તરફ ઘણા લાંબા સમય સુધી આંખ ઉંચી કરીને જોવાની પણ હિમ્મત ન કરી શકયા.

બપ્પા રાવલ વિષે જાણવા જેવા કેટલાક તથ્યો

 • બપ્પા રાવલનું બાળપણનું વાસ્તવિક નામ રાજકુમાર કાલભોજ પણ છે.
 • આજે પણ સિસોદિયા વંશના રાજપૂતોનો રાજ પરિવાર મેવાડમાં રહે છે.
 • એમના સમયકાળમાં ચિત્તોડગઢ પર મૌર્ય શાસક માન મોરીનું શાસન હતું. ઈસ્વીસન ૭૩૪માં બપ્પા રાવલે ૨૦ વર્ષની ઉમરે જ માન મોરીને હરાવી ચિત્તોડગઢ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું.
 • બપ્પા રાવલને હારિત ઋષિના સત્સંગમાં મહાદેવના સાક્ષાત દર્શન થયા હોવાની વાત લોકવાયકાઓ અને સંદર્ભો મુજબ બહુ પ્રખ્યાત છે.
 • ઉદયપુરના ઉત્તર ભાગના કૈલાશપુરીમાં સ્થિત આ મંદિરનું નિર્માણ ઈસ્વીસન ૭૩૪માં બપ્પા રાવલે બનાવ્યું હતું, જેના નજીકમાં જ હારીત ઋષિનો પણ આશ્રમ છે. એકલિંગ મંદિરના જ પાછળ આદી વારાહ મંદિરનું નિર્માણ પણ કરાવ્યું હતું.
 • ૭૩૫મા જ્યારે હજ્જાતે મેવાડ પર આક્રમણ માટે પોતાનું શૈન્ય મોકલ્યું. ત્યારે બપ્પા રાવલે હજ્જાત દ્વારા મોકલાયેલ શૈન્યને હજ્જાત મુલક માટે ખદેડી નાખ્યું.
 • બપ્પા રાવલની અંદાજીત ૧૦૦ રાણીઓ હતી. જેમાંથી ૩૫ તો મુઘલ શાસકોની દીકરીઓ હતી, જેમણે બપ્પા રાવલના ડરથી એમની સાથે પરણાવી દીધી હતી. જેથી એક સબંધ સ્થાપિત થઇ શકે.
 • ૭૩૮માં આક્રમણ કારીઓ સાથેના યુદ્ધમાં બપ્પા રાવલ પ્રતીહારના શાસક નાગભટ્ટ અને ચાલુક્ય શાસક વિક્રમાદિત્ય બીજા સાથે મળીને અલ હકમ બિન અલાવા, તામીમ બિન જદ અલ ઉતબી અને જુનૈદ બીન અબ્દુલરહમાન અલ મુરીની સંગઠિત શેનાઓ ને હરાવ્યા હતા. આ યુદ્ધ વર્તમાન સમયની રાજસ્થાન સીમાઓમાં જ થયું હતું.
 • બપ્પા રાવલે સિંધુના ક્રૂર શાસક મુહમ્મદ બિન કાસીમ અને ગજનીના શાસક સલીમને પણ પોતાના શાસનકાળ દરમિયાન પરાજીત કર્યો હતો.
 • બપ્પા રાવલે પોતાની રાજધાની સૌપ્રથમ નાગદામાં પ્રસ્થાપિત કરી. બપ્પા રાવલનું મૃત્યુ પણ નાગદામાં જ થયું હતું.
 • ૩૯ વર્ષના આયુષ્યમાં બપ્પા રાવલ ઈસ્વીસન ૭૫૩માં સિંહાસન છોડીને ઈશ્વર ભક્તિમાં લીન થઇ ગયા. એમણે સન્યાસ લીધા પછી એકલિંગપૂરીથી ઉત્તર દિશામાં નિવાસ કર્યો જ્યાં એમની સમાધી આજે પણ હયાત છે. બપ્પા રાવલે મેવાડ પર અંદાજીત ૧૯-૨૦ વર્ષ શાસન કર્યું.
 • કવિરાજ શ્યામલ દાશના શિષ્ય ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ અજમેરમાં મળેલા સિક્કાને બપ્પા રાવલના સિક્કા માન્યા છે, જેનું વજન ૧૫૫ ગ્રેન (૬૫ રત્તી છે).
 • નૈણસીએ પણ આ અહેવાલમાં દર્શાવ્યું છે કે હારીત ઋષિ દ્વારા કહેલ માર્ગ પર ચાલવાથી જ એમને ૧૫ કરોડ જેટલી માલ મત્તાનું સોનુ અને સોના મહોરો મળી. બપ્પા રાવલે આ સંપત્તિનો ઉપયોગ કરીને એક શૈન્ય બળ ઉભું કર્યું, આ શૈન્યબળ વડે ૨૦ વર્ષની ઉંમરે એમણે મોરી સામ્રાજ્ય પાસેથી ચિત્તોડ જીતી લીધું. ચિત્તોડ પર આધિપત્ય મેળવીને બપ્પા રાવલે મેવાડ રાજવંશની સ્થાપના કરી.
 • એક વાયકા એવી પણ છે કે બપ્પા રાવલે ૯૭ વર્ષનું આયુષ્ય ભોગવીને પ્રાણ ત્યાગ્યા હતા.
 • બપ્પા રાવલ એ પ્રથમ રાજા હતા જેમણે પોતાના વંશનું નામ ગ્રહણ ન કરી મેવાડ વંશના નામેં નવો રાજવંશ ઉભો કર્યો. જેની પ્રથમ રાજધાની ચિત્તોડ બની.

શિલાલેખોમાં બપ્પા રાવલની અસ્તિત્વ દર્શાવતી કડીઓ

• કુંભલગઢ પ્રશસ્તિમાં બપ્પા રાવલને સામંતશાહી (વિપ્રવંશીય) દર્શાવવામાં આવ્યા છે.
• આબુ પરના શીલાલેખોમાં પણ બપ્પા રાવલનું વર્ણન જોવા મળે છે.
• કીર્તિ સ્તંભના શિલાલેખોમાં પણ બપ્પા રાવલનું વર્ણન છે.
• રાણકપુર પ્રશસ્તિમાં તો બપ્પા રાવલ અને કાલભોજ બંને ચરિત્રોને અલગ અલગ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
• ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી તેમજ ભારતવિદ્દ કર્નલ જેમ્સ ટોડને ૮મી સદીનો શિલાલેખ મળ્યો જેમાં માનમોરીના બપ્પા રાવલના હાથે પરાજયનું વર્ણન છે. જો કે એવું કહેવાય છે કે, ટોડે આ શિલાલેખ સમુદ્રમાં ફેંકી દીધો હતો.

ઇતિહાસ કારોના મતે…

 • બપ્પાના કરાચી સુધી જઈને આરબ સેનાઓને કચડી નાખવાના લેખો મળે છે. આ વાતને જોતા એ પૂર્ણ પણે સ્વીકારી શકાય છે કે રાવલપિંડીનું નામકરણ બપ્પા રાવલના નામ પરથી જ થયેલું છે. અહીં બપ્પા રાવલનું શૈન્ય બળ માટેનું કેન્દ્ર હતું. – પ્રો. કે. એસ. ગુપ્તા, ઇતિહાસકાર
 • બપ્પા બહુ શક્તિ શાળી શાસક હતા. એમનું બાળપણ બ્રાહ્મણ પરિવારની દેખરેખમાં થયું હતું. એમણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી આરબ આક્રમણકારીઓને ખદેડી નાખ્યા હતા. બપ્પા રાવલના શૈન્ય માટેના મુખ્યલયના કારણે જ પાકિસ્તાનના એ શહેરનું નામ રાવલપિંડી પડ્યું. – પ્રો. જી.એન. માથુર, ઇતિહાસકાર

સંકલન અને સુધાર – સુલતાન સિંહ ‘જીવન’

રેફરન્સ – વિકિપેડિયા, અને અન્ય રાજપૂત ઈતિહાસ દર્શાવતી વેબપોર્ટલ્સ

નોધ – ઉપર દર્શાવેલી બધી જ માહિતી વિકિપીડિયા અને અન્ય રાજપૂત ઈતિહાસ દર્શાવતા ઓનલાઈન માધ્યમો દ્વારા મેળવીને દર્શાવવામાં આવી છે. આ માહિતી મેવાડ પ્રદેશ પર શાસિત રાજપૂતોના ઈતિહાસને દર્શાવે છે, પણ એમાં બદલાયેલા સ્વરૂપની લોકવાયકાઓના આધારે ફેરબદલ હોઈ શકે છે. જો આ માહિતીમાં તમને કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો નીચે કમેન્ટ બોક્ષમાં આધાર સહીત સજેશન આપી શકો છો. જો આપના સુઝાવ વાસ્તવિક હશે તો એના આધારે બદલાવ કરી શકાશે. દરેક વસ્તુ અથવા તથ્ય સ્વીકારતા પહેલા સ્વશોધ અને સ્વજ્ઞાન જરૂરી છે.

One thought on “Bappa Rawal ( 713 – 810 )”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.